નારીસંપદાઃ વિવેચન/લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓ અને દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય

From Ekatra Wiki
Revision as of 00:45, 14 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૧૭

લોકસાહિત્યના સંશોધનની સમસ્યાઓ અને દક્ષિણ ગુજરાતનું આદિવાસી લોકસાહિત્ય
દક્ષા વ્યાસ

પ્રસ્તુત સુદીર્ઘ મથાળાનું પ્રમુખ પ્રયોજન દક્ષિણ ગુજરાતનાં આદિવાસી લોકસાહિત્ય સંદર્ભે સંશોધનની સમસ્યાઓ અને વાસ્તવિકતાઓ તપાસવાનું છે. સમસ્યાઓનું પહેલું કારણ પરિભાષાઓની અસ્પષ્ટતા, સંકુલતા કે અધૂરપમાં રહેલું હોય છે. કોઈ પણ વિભાવનાને ચોક્કસ શબ્દોમાં પૂર્ણપણે પરિભાષિત કરવાનું મુશ્કેલ અને ઘણુંખરું અશક્યવત્ હોય છે. એમાં અર્થની ત્રિજ્યાઓ વિસ્તરતી રહેતી હોય ત્યારે વધુ ગૂંચ ઊભી થાય છે. લોકસાહિત્ય શબ્દમાં ‘લોક' એટલે જનસમૂહ એ ખરું, પણ એવો જનસમૂહ જે સમાન સાંસ્કૃતિક વારસો અને સમાન જીવનશૈલી, જીવનને જાણવા-જોવા-માણવાની સમાન દૃષ્ટિ તથા અભિગમ ધરાવતો, નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવસતો હોય એમ કહીએ ત્યારે સમય, જાતિ, વ્યવસાય જેવી વિગતો રહી જાય છે. સંસ્કૃતિ શબ્દને વ્યાપક અર્થમાં સ્વીકારીએ તો કહી શકાય કે લોક એટલે અમુક ચોક્કસ પ્રદેશમાં વસતો, ચોક્કસ વ્યવસાયને વરેલો, ચોક્કસ જાતિનો સમાન સાંસ્કૃતિક પરંપરાવાળો માનવસમૂહ આપણે ત્યાં લોકસાહિત્ય ઉપર થયેલી કામગીરીમાં પ્રદેશ ઉપર વધુ ભાર મુકાયો છે: ‘દક્ષિણ ગુજરાતનાં લોકગીતો’, એ રીતે કામ કરવામાં આવે ત્યારે અનેક જાતિઓનાં લોકગીતોનો સમુચ્ચય કરાય. એમાં જાતિનો નિર્દેશ ન હોય ત્યારે ચિત્ર અસ્પષ્ટ બની રહે. ચોક્કસ સાંસ્કૃતિક પરંપરાની ઓળખ ઊભી ન થાય. ‘લોકસાહિત્ય’ શબ્દના ઔચિત્ય વિશે પણ ચર્ચા થઈ છે. સમયના પ્રવાહમાં તરતા એના મૌખિક વાણીરૂપને ખ્યાલમાં રાખીને ‘લોકવાઙ્મય’ એવો પ્રયોગ સૂચવાયો છે. મેઘાણી ‘લોકસાહિત્ય’ શબ્દ સ્વીકારે છે, પરંતુ કહે છે, “લોકસાહિત્યનો વાહક નાદ છે, કાગળ પર જતા ટાઢા બોળ અક્ષરો નહીં.” ‘સાહિત્ય' શબ્દ પણ બહુઅર્થી છે. પ્રશ્ન એ થાય કે શબ્દ અને અર્થના સર્જકતાપૂર્ણ જીવંત સહિતત્વના સંદર્ભે 'લોકસાહિત્ય'માં ‘સાહિત્ય’ શબ્દને જોઈ શકાય? લોકસાહિત્યમાં લોકને જ આપણે વધારે મહત્ત્વ આપવાનું છે. એમાં કલાનાં તત્ત્વો તપાસવાનાં નથી એવો એક અભિપ્રાય છે. પરંતુ ઝીણું જોઈએ તો સાહિત્ય તત્ત્વ છે માટે તો તે જીવંત રહે છે. કાળના થપેડા ખાઈને પણ તરતું રહે છે. જનહૃદયને સ્પર્શે છે. ઉચ્ચ રસિકતા અને વાણીનો વૈભવ જે-તે લોકની સાંસ્કૃતિક પરિપક્વતા નિર્દેશે છે. વળી, લોકગીત એ કાવ્યસાહિત્યની જનની છે અને લોકકથા કથાસાહિત્યની જનક છે એમ કહીએ છીએ ત્યારે આપણે શું સૂચવીએ છીએ? મેઘાણીએ લોકગીતો અને લોકવાર્તાઓની છણાવટ કરતાં એમાં રહેલા કલાતત્ત્વ પરત્વે ખાસ ધ્યાન દોર્યું હતું. ‘રઢિયાળી રાત’ની પાંચમી આવૃત્તિના નિવેદનમાં તેઓ કહે છે, “આ ખંડની આઠ હજાર પ્રતો ઊપડી છે તે એક જ માપે હું આ ગીતોની લોકપ્રિયતા નથી માપતો, ઊંચા વિવેચન-ધોરણે આ ગીતોની સરસતા સિદ્ધ થઈ છે અને એનો ભોક્તાવર્ગ ભણેલા-અભણ સર્વેનો બનેલો છે.” (બૃહદ્ આવૃત્તિ, પૃ. ૭) અલબત્ત એમણે સાહિત્યિક ગુણવત્તા ન જણાતી હોય તેવી કૃતિઓ સંગ્રહવાની ભલામણ કરી જ છે. એ જે તે સમાજના સામાજિક મનોવિજ્ઞાન, રીતરિવાજ, સંસ્કૃતિ, બોલી વગેરેને સમજવામાં ઉપકારક હોય છે તેથી. આમ પણ લોકસાહિત્ય શબ્દમાં વિશેષ્ય કરતાં વિશેષણનો જ વિશેષ મહિમા છે. કેમ કે એ સમષ્ટિનું સર્જન છે. એનું પ્રયોજન સાહિત્ય સર્જનનું નહીં, સંઘોર્મિની અભિવ્યક્તિનું છે. એ લોકસમુદાયના સુખદુઃખ, સંઘર્ષ, સમસ્યા, સ્વપ્ન, સંવેદન, વિચારવલણ, રીતરિવાજોને ગદ્ય કે પદ્યના માધ્યમ દ્વારા વિવિધ રૂપોમાં વ્યક્ત કરે છે. લોકસાહિત્ય એ સ્વયંભૂ ઊર્મિના ઉદ્ગાર છે, સામૂહિક અનુભૂતિની અભિવ્યક્તિ છે અને એનાં મૂળિયાં પ્રાગઐતિહાસિક કાળ સુધી લંબાયેલાં હોવાનો સંભવ છે, પરંતુ એને સર્વથા સમૂહનું સર્જન ન કહી શકાય. એનાં મૂળ જે તણખો કે ચિનગારી હોય છે તે તો વ્યક્તિનું જ પ્રદાન હોવાનું. એ ચિનગારી લોકસમૂહને એવી હાડોહાડ સ્પર્શી જાય કે લોકોની જ થઈને રહે. જનસમૂહ એમાં સમયે સમયે રસરુચિ અનુસાર ફેરફાર, ઉમેરણ કે ઘટાડો કરતો જાય ને એમ એનું એક પ્રવાહી રૂપ બંધાય, જે કાળના પ્રવાહમાં તરતું રહે, તેથી જ એકનું એક લોકગીત કે લોકવાર્તા અનેક પાઠાંતરો સાથે ઠેર ઠેર પ્રચલિત હોવાનું જોવા મળે છે. લોકસાહિત્ય મુખ્યત્વે પાંચ પ્રકારે પ્રગટતું જોવા મળે છે : લોકગીત, ગીતકથા, લોકવાર્તા, લોકનાટ્ય અને લોકોક્તિઓ. જીવનચક્ર, ઋતુચક્ર, વિષયવસ્તુ, કથાઘટક, પ્રસંગ વગેરેને આધારે એમના અનેક પેટા પ્રકારો પડાય છે. એ આપણને પ્રજાના સાંસ્કૃતિક-સામાજિક જીવન કે ભાવજગતનો જ આલેખ આપતું નથી, નૃવંશશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ભાષાવિજ્ઞાન, ઇતિહાસ-પુરાતત્ત્વ સંદર્ભે પણ ઉપયોગી બને છે. વિશ્વમાં કથાસાહિત્યનું ખેડાણ મોટા પ્રમાણમાં થયું છે તે મનુષ્યના શાશ્વત વાર્તારસનું દ્યોતક છે. એવું જ મબલખ ખેડાણ લોકગીતોનું થયું છે. પ્રજાની સંવેદનશીલતા એમાં પ્રતિબિંબિત થાય છે. લોકગીતનું સૌથી મોટું આકર્ષણ અને અનિવાર્ય અંગ છે દિલ ડોલાવનારી સંગીતમયતા. મૌખિક પરંપરાને કારણે એમાં સહજતા, સરળતા, સર્વજનભોગ્યતા જોવા મળે છે. મૌખિક રૂપમાં વિસ્તરતું હોવાને કારણે લોકસાહિત્યના સંશોધનમાં અનેક સમસ્યાઓ ખડી થાય છે. એનો સંશોધક-સંપાદક સજ્જ હોય, તાલીમબદ્ધ હોય, સમજણવાળો હોય એ અપેક્ષિત છે. પરંતુ બાર ગાઉએ બોલી બદલાતી હોય, અનેક પ્રદેશો-જાતિઓ-જનસમૂહોનું વૈવિધ્ય હોય ત્યારે એટલી મોટી સંખ્યામાં, દરેકનું પ્રતિનિધિત્વ કરે તેવા નિષ્ણાતો મેળવવાનું અશક્યવત્ ગણાય. ઘણી વાર દેખાદેખીએ કામ થતું હોય, ઘણી વાર રસ હોય, પણ પૂરતી સમજણ ન હોય. એવા સંજોગોમાં થયેલાં સંપાદનો- સંશોધનો ગેરમાર્ગે દોરનારાં બને. લોકસાહિત્યના સંશોધનને આપણે ત્રણ તબક્કામાં વહેંચી શકીએ : (૧) કૃતિઓ એકઠી કરવી (૨) વિવિધ પાઠભેદોમાંથી તેનું શુદ્ધ રૂપ તારવવું (૩) મળેલી કૃતિઓને ચોક્કસ રીતે વર્ગીકૃત કરી સંપાદિત કરવી. મેઘાણીએ લોકસાહિત્યના સંશોધનના માર્ગને ‘પગદંડીનો પંથ' કહ્યો છે. એ ધોરી માર્ગ નથી. લોકસાહિત્યના સઘન વનમાં જેનો ક્યાંય છેડો નથી એવી પોતાની કેડી સંશોધકે પોતે જ તૈયાર કરતા જવાનું છે. સૌથી કપરું કામ કૃતિઓ મેળવવાનું છે. માહિતીદાતાની ખોજ માટે મોટા પ્રમાણમાં લોકસંપર્ક કરવો પડે, લાંબી રઝળપાટ કરવી પડે. એને અંતે મળેલા અધિકૃત માહિતીદાતા પાસે માહિતી કઢાવવી એ તો વળી લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. એના હૃદય સુધી પહોંચવાની, એનું દિલ જીતી લેવાની, એના સૌજન્યને ઉજાગર કરવાની કલા સંશોધકમાં હોય તો જ એ શક્ય બને. નર્મદે નાગર સ્ત્રીઓમાં ગવાતાં લગ્નગીતો એકઠાં કરવાનું વિચાર્યું. પોતાના ઘરની સ્ત્રીઓ દ્વારા જ માહિતીદાતા લગી પહોંચવાનો માર્ગ લીધો, પણ કેટલીક સ્ત્રીઓને લખાવવામાં સંકોચ થતો હતો, કેટલીકને ગરાસ લૂંટાઈ જવાનો ભય લાગ્યો હતો, કેટલીક નથી આવડતું કહીને ટાળતી હતી. કોઈ કહેતું મોઢેથી શીખો, લખાવવાનું કેવું ! કોઈને થતું, પછી અમને કોણ પૂછશે?! રાતોની રાતો માહિતીદાતા સમક્ષ બેસીને ગીત ગવડાવ્યાં ને કાગળ પર ટપકાવ્યાંની વાત મેઘાણીએ કરી છે. સમર્પણ અને લગની વગર આવું કામ શક્ય નથી. બોલનારની ગતિ અને લખનારની ગતિમાં ફેર પડવાનો જ. ધ્વનિમુદ્રણની સુવિધાઓએ એ માર્ગ થોડો સરળ કરી આપ્યો છે ખરો, પરંતુ તળપદ ઉચ્ચારણોને ધ્વનિમુદ્રણમાં પકડવાનું, લાક્ષણિક ઉચ્ચારોનું લિપ્યંકન કરવાનું કામ પણ ઘણું કપરું છે. બીજો તબક્કો છે, મળેલા પાઠોમાંથી કૃતિનું શુદ્ધ રૂપ તારવવાનો. એ ઘણી સૂઝ-સમજણ માગી લે છે. સંશોધક જે-તે પ્રદેશ, ભાષા, જનસમૂહના રીતરિવાજો, ધર્મ, સંસ્કૃતિ વગેરેથી પરિચિત ન હોય તો એમાં ઘણી ત્રુટિઓ રહી જવાનો સંભવ રહે છે. મેઘાણી આ અનુભવને વ્યક્ત કરતાં કહે છે, “મેં ગામડાં ખૂંદ્યાં, કુટુંબોમાં પ્રવેશ મેળવ્યો, અહીંતહીંથી મને છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યા. ટુકડો અહીંથી તો કટકો તહીંથી : સ્વરૂપે વિકૃત : રચનાએ કલાહીન : અર્થે અસંબદ્ધ અને કઢંગા, એવા વેરણછેરણ ટુકડાઓ અક્કેક ગીતના એક કરતાં વધુ જુદા જુદા પાઠો: તેને પ્રથમ મેં સંઘરી લીધા, પછી તેમાં સાંધા જોડવા પ્રયાસ કર્યો, તેના વિકૃત સ્વરૂપની પાછળ શુદ્ધ સ્વરૂપ કેવું હોઈ શકે તે અનુમાન પર હું આવવા મથ્યો. તેનું શુદ્ધ ગેય સ્વરૂપ મેં ચોક્કસપણે મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્ત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા મેં મારી કવિતાની સમજ, તર્કશક્તિ, કલ્પના અને છેલ્લે મારી ચાતુરી પણ વાપરી.” (‘રઢિયાળી રાત’, બૃહદ્ આવૃત્તિ-ખંડ ૧થી ૪, ૪૮૭) આ બીજા તબક્કાનું કામ ધૂળધોયાનું કામ છે. એમાં રઝળપાટ સ્થૂળ મટીને સૂક્ષ્મ બને છે. ટેબલ પાસે બેસીને કાગળોના જંગલમાંથી પગદંડી સર્જવાની હોય છે. આ એક નાજુક તબક્કો છે. સંશોધકની વૈયક્તિક વિચારશૈલી, બોલીની છાપ ભળી જવાનો સંભવ છે. કાકાસાહેબે કહેલું છે કે, “અલ્પશ્રુત માણસના હાથમાં જતાં જેમ વેદ બીએ છે, અરસિક માણસના હાથમાં જતાં કવિતા બીએ છે તેમ સુસંસ્કૃત શાસ્ત્રીના હાથમાં જતાં લોકકથા બીએ છે.” આ અંગે એણે પૂરા સતર્ક રહેવાનું હોય છે. પોતાના તરફથી કશા ફેરફાર, વધારા-ઘટાડા કરવાના નથી. મેઘાણીએ લોકસાહિત્યના સંશોધન-સંપાદન ક્ષેત્રે અભૂતપૂર્વ, અમૂલ્ય અને અનન્ય કામ કર્યું છે. છતાં એમણે કરેલા કથાસાહિત્યના સંપાદનમાં નિરૂપણ અને શૈલીની રીતે એમના વ્યક્તિત્વની છાપ ઊઠતી જોઈને ડૉ. હસુ યાજ્ઞિક એને શુદ્ધ શાસ્ત્રીય સંપાદન તરીકે સ્વીકારતાં અચકાય છે. માહિતીદાતા પૂર્ણ હોતો નથી, તેથી એક જ કૃતિના અનેક પાઠ મેળવ્યા પછી જ શુદ્ધ પાઠ તારવી સંપાદન કરાય તે અનિવાર્ય ગણાય. ત્રીજો તબક્કો પ્રાપ્ત કૃતિઓના વર્ગીકરણનો છે. સ્વરૂપ, વિષય, કથાઘટક એમ વિવિધ દૃષ્ટિએ વર્ગીકરણ થઈ શકે. કેવળ સ્વરૂપલક્ષી વર્ગીકરણ જનસમૂહનું પૂર્ણ ચિત્ર ન આપી શકે. આ વખતે સંશોધકની સામે બીજા જટિલ પ્રશ્નો પણ આવે છે. મળી આવેલી કૃતિ ખરેખર લોકસાહિત્યની જ કૃતિ છે? શુદ્ધ લોકકથા કે લોકગીત કોને કહેવું? એ તમામ લાક્ષણિકતાઓ પ્રસ્તુત કૃતિમાં જળવાયેલી છે? એટલે કે ભાષાપોત, લય-લહેકા-લઢણ, વસ્તુગુંફન, અભિવ્યક્તિની ખાસ પ્રકારની વિલક્ષણતા વગેરે. એવુંય બને કે લોકબોલીમાં લખાયેલું, ગ્રામીણ પરિવેશને પ્રગટ કરતું અર્વાચીન કવિનું ગીત એટલું બધું લોકપ્રિય બની જાય કે કવિનું નામ-ઠામ ભુલાઈ જાય, પણ ગીત ગવાતું રહે. એ રીતે એ મૌખિક પરંપરામાં મળે, પણ હકીકતમાં લોકગીત ન હોય. આ ભેદરેખા બહુ પાતળી ને છેતરામણી હોવાની આમ તો સર્જનમાત્ર સર્વસ્પર્શી-સર્વવ્યાપી હોવાનું પણ શિષ્ટ સાહિત્યકલા અંગેની સભાનતાપૂર્વકનું સર્જન હોય છે. એમાં વૈયક્તિકતાની છાપ તીવ્ર હોય છે. ભાષાના વળોટો, કલ્પના-લીલા વગેરે પર એની છાપ હોય છે. જ્યારે લોકગીત જનસમુદાયની સંવેદનાને સીધેસીધી લોકલઢણ સાથે ઝીલતું હોય છે. ચીવટ અને ચોકસાઈ કોઈ પણ સંશોધક માટે અનિવાર્ય લેખાય. માહિતી મેળવવાની તારીખથી માંડીને માહિતીદાતાનું પૂરું નામ, સરનામું, વય, જાતિ, પ્રદેશ, બોલી એમ દરેક વિગત એણે નોંધવી જોઈએ. સ્થૂળ લાગતી આ વિગતો આગળ જતાં વિવિધ પરિપ્રેક્ષ્યથી થતા અભ્યાસોમાં ઉપયોગી નીવડે. છે. આદિવાસી સાહિત્યના સંશોધનની વાત આવે ત્યારે આ સમસ્યાઓ વધુ ઘેરી બને છે. તેથી જ કદાચ એ ક્ષેત્રમાં આંગળીને વેઢે ગણાય એટલું જ કામ થયું છે. મૂળભૂત આદિવાસી જીવનશૈલી અન્ય સમૂહો કરતાં જુદી પડે છે. દૂર ડુંગરો કે જંગલોની વચ્ચે આવેલા ગ્રામ પ્રદેશને ખૂંદીને એની પાસે પહોંચવામાં અનેક વિઘ્નો સામે આવે છે. આદિવાસી ઓછાબોલો હોય, એ સંશોધકને ભય, શંકા કે અવિશ્વાસથી જોતો હોય, વ્યક્ત થવામાં સંકોચ અનુભવતો હોય, શ્રમજીવી હોવાથી મેળવવો મુશ્કેલ હોય, કદાચ વ્યસનમાં ડૂબેલો હોય. એવા સંજોગોમાં તેની પાસેથી કોઈ પણ માહિતી કઢાવવાનું દુષ્કર બને. એ વિઘ્નો વીંધી એની પાસે પહોંચાય તો પણ એ આપે તે માહિતી ઝીલવી કઈ રીતે? મોટામાં મોટો પ્રશ્ન ભાષાનો-સંક્રમણનો આવે. આદિવાસી બોલીઓને પોતાની લિપિ નથી, તેથી એનું તમામ સાહિત્ય અલિખિત - મુખ પરંપરામાં જ વહેતું હોવાનું. એટલે પહેલાં તો એનાં ધ્વનિઘટકોને જ ઓળખવાં પડે. એ માટે સંશોધક પાસે ધ્વનિવિજ્ઞાનની સમજણ હોવી અનિવાર્ય બને. શિષ્ટ ગુજરાતીના અમુક ધ્વનિઘટકો એ બોલીઓમાં ઉચ્ચારાતાં ન હોય, અમુક જુદી રીતે ઉચ્ચારતાં હોય એ સ્થિતિમાં લિપ્યંકન ઘણું અઘરું બને. આમ પણ લોકસાહિત્યની કોઈ પણ કૃતિનું અસલ સ્વરૂપ તો ધ્વનિમુદ્રણ દ્વારા જ પામી શકાય, કેમ કે લય- લહેકા-કાકુ તેમાં જ ઝિલાવા શક્ય છે. પરંતુ લાક્ષણિક ઉચ્ચારણ રીતિને કારણે આદિવાસી સાહિત્યના ધ્વનિમુદ્રણ પરથી પણ ભાષાકીય ચોકસાઈ જાળવીને હસ્તપ્રત બનાવવાનું કઠિન હોય છે. ગુજરાતી લોકસાહિત્યમાળાના મણકા ૧થી ૧૪ અંતર્ગત હસુ યાજ્ઞિક સંપાદિત ‘ગુજરાતી લોકસાહિત્ય'ની ૯૬૧મી રચના જોઈએ :

સાકટો પીયે દારવ તાડી રખળે ખેતીવાળીરા
દારવ છોડારા, ભાયા, તુમે દારવ છોડારા
એકું જ દાહલી હોતની, તેવડી વેચી ખાઈ ગોરા

દક્ષિણ ગુજરાતના ગામીત-ચૌધરીઓમાં ગવાતું આ ગીત છે. ગામીતો ‘ભ’નો ‘બ’ ઉચ્ચારે છે જ્યારે ચૌધરીઓ ‘ભ’નો 'ફ'. અહીં 'ભાયા' જ રાખવામાં આવ્યું છે. એને કઈ જાતિનું ગણીશું? અધિકૃત વાચના તૈયાર કરવામાં આ તકેદારી રાખવાની થાય છે. માત્ર પ્રદેશની છાપની દૃષ્ટિએ પણ વાચનાની શુદ્ધિનો વિચાર કરવો પડે એમ છે. આ જાતિઓમાં ‘છ’નો ‘સ’ ઉચ્ચારવાનું વલણ તો એટલું વ્યાપક છે કે શિક્ષિતો પણ એમાંથી જલદી છૂટી શકતા નથી. તો પછી ‘છોડારા' કઈ રીતે આવે? ‘છોડારા’, ‘ગોરા’ મુદ્રણમાં સાથે છાપવાથી 'રા’ એક પુરુષવાચક સંબોધનાત્મક શબ્દ છે, સ્વતંત્ર શબ્દ છે ને અંતે આવતા સરસ લહેકો સર્જાય છે તે પણ પમાતું નથી. બોલી ન જાણનારાને તો છોડારા, એક જ શબ્દ હોય તેવી ભ્રાંતિ થાય છે. એક જ ગીત દક્ષિણ ગુજરાતની જુદી જુદી આદિવાસી જાતિઓમાં પ્રચલિત હોય ત્યારે તેનાં ભાષાગત રૂપાંતરો પણ રસપ્રદ સંશોધનનો વિષય બની રહે. અહીં સંપાદિત ત્રેવીસેક રચનાઓમાં આવી બોલીગત વિષમતા પ્રવર્તે છે. એ આ પ્રદેશનું પ્રતિનિધિત્વ કરે છે, પણ જાતિની રીતે સ્પષ્ટ નથી.

૯૬૨મી રચના જોઈએ :

શેઠાતા ગિયો ગુળ લેનો ટાક્યો વેડલો રા
રામ સત્ય નાથ વીરા, દારવો સોડા રા
બાયા હાઈ દારા, દારવો સોડા રા

અહીં ‘બાયા’, ‘સોડા રા’ ગીત ગામીત જાતિનું હોવાનું અનુમાન કરવા પ્રેરે છે, પણ ‘શેઠાતા’ પર શંકાપ્રશ્ન મૂકવાનો થાય. દરેક કડીએ આવતો ‘રામસત્યનાથ' ગીતના રચના સમય અને ધાર્મિક- સામાજિક સંદર્ભ તથા ઉદ્દેશનો સંકેત આપે છે. આ જોતાં જે કાંઈ સંપાદિત થયું છે તેનું પણ વૈજ્ઞાનિક રીતે પૂરી ચકાસણી કરીને પુન: સંપાદન કરવાની જરૂર જણાય છે. ગુજરાતમાં લોકસાહિત્યના સંપાદન-સંશોધન ક્ષેત્રે થયેલી કામગીરીનું એક ઊડતું અવલોકન કરીશું તો પણ આપણે ક્યાં છીએ, શું કર્યું, કર્યું છે તેમાં શું ખૂટે છે, શું બાકી છે-જેવી બાબતોના ઉત્તર મળી રહેશે. લોકસાહિત્યના સંશોધન-સંપાદનના સગડ ઠેઠ હેમચંદ્રાચાર્ય લગી પહોંચે છે. એક સંપાદકની હેસિયતથી નહીં, પરંતુ અપભ્રંશ વ્યાકરણમાં દૃષ્ટાંત લેખે એમણે દુહાઓ મૂક્યા છે. ‘ત્રિષષ્ઠિશલાકાપુરુષ'માં લગ્નપ્રસંગે ગવાતાં ગીતોનાં વર્ણન છે. ફાર્બસ સાહેબની ‘રાસમાળા', નર્મદનું ‘નાગરજ્ઞાતિમાં ગવાતાં લગ્નગીતો', રણજિતરામનું લોકગીતોનું સંપાદન ધ્યાન ખેંચે છે. રણજિતરામે તો પહેલી જ ગુજરાતી સાહિત્ય પરિષદમાં લોકસાહિત્ય વિશે વ્યાખ્યાન આપીને તેનું મહત્ત્વ સ્થાપિત કર્યું. પણ લોકસાહિત્ય ક્ષેત્રે મેઘાણીની કામગીરી બેનમૂન રહી. તેઓ સોરઠની ધરતી ખૂંદી વળ્યા અને લોકગીતો-લોકકથાઓની અઢળક સમૃદ્ધિને બહાર લાવ્યા. એમણે સુરત-અમદાવાદમાં ગવાતાં ખાંયણા પર કામ કર્યું. લોકસાહિત્યની તાત્ત્વિક વિચારણા દ્વારા તજજ્ઞતા પણ પુરવાર કરી. લોકસાહિત્યના રસ અને આનંદ પ્રત્યે પ્રજાને અભિમુખ કરવાનું અને એના સંશોધન-સંપાદનનું ક્ષેત્ર કેટલું વિશાળ છે તે તરફ ધ્યાન દોરવાનું, વિદ્વાનોને એ તરફ આકર્ષવાનું કામ મેઘાણીએ જ કર્યું. મેઘાણી સુધી આવતાં દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્ય વિશે એકલદોકલ અપવાદ સિવાય ખાસ કશું કામ થયેલું દેખાતું નથી. ‘નવસારી પ્રાન્તની કાળી પરજ' (૧૯૦૧)માં પ્રેમાનંદ ધોળીદાસ પટેલે આ વિસ્તારની આદિવાસી જાતિઓની માહિતી, વસ્તીવિવરણ, સંસારચિત્ર ઉપરાંત લોકગીતો, લોકવાર્તાઓ અને કહેવતો-ઉખાણાંઓ સુધ્ધાં મર્યાદિત સંખ્યામાં એકત્રિત કરી મૂલ્યવાન કામ કર્યું છે. એમાં અસલિયતની અનાઘ્રાત ખુશબૂ માણવા મળે છે. લોકસાહિત્યના સંશોધન-સંપાદન અર્થે રચાયેલી સંસ્થાઓએ આ કામગીરીને પ્રોત્સાહિત કરી. ૧૯૫૬માં રચાયેલી લોકસાહિત્ય સમિતિમાં દક્ષિણ ગુજરાતના પ્રતિનિધિ મધુભાઈ પટેલ અને પછીથી ઘેલુભાઈ નાયક મુકાયા હતા. એ સમિતિમાં સાઠ જેટલાં પુસ્તકો અને લોકસાહિત્ય માળાના ૧૪ મણકા પ્રસિદ્ધ કર્યા. ૧૯૮૩માં શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે એ કામગીરી ગુજરાત સાહિત્ય અકાદમીને સોંપાઈ. એમાં લોકગુર્જરીના અંકો અને પુસ્તકોના પ્રકાશન ઉપરાંત ભાષાવિદ્ હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન હેઠળ ડૉ. શાંતિભાઈ આચાર્ય, ડૉ. ભગવાનદાસ પટેલ, શંકરભાઈ તથા રેવાબહેન તડવી દ્વારા આદિજાતિઓના કંઠસ્થ સાહિત્યના ધ્વનિમુદ્રણ અને સંશોધનની કામગીરી આરંભાઈ. ‘મેઘાણી લોકવિદ્યા સંશોધનભવન’ તથા ‘ગુજરાત વિદ્યાપીઠ' દ્વારા પણ નોંધપાત્ર કામ થવા લાગ્યું. વ્યારા કૉલેજ સંચાલિત ‘આદિજાતિ ગ્રામીણ વિકાસ અને સંશોધનભવને’ પણ આછુંપાતળું યોગદાન કર્યું. જાગ્રતિના આ જુવાળમાં થયેલા કામ પર ઊડતી નજર નાખીએ. ગુજરાતી લોકસાહિત્યમાળાના મણકા ૩માં ‘આદિવાસી જનતાનાં લોકગીતો' એવા મથાળા હેઠળ લાલચંદભાઈ ધૂળાભાઈ નિનામાએ કરેલા સંકલનમાં ‘આ ગીતો પંચમહાલ, સાબરકાંઠા, સુરત ને ભરૂચ એમ ચાર જિલ્લાઓમાં ગવાય છે, તેમાં ભાષા જુદી હોય, પણ ભાવ અને અર્થ એક જ હોય છે.’ એવી કેફિયત આપી છે. એ ગીતો લગભગ શિષ્ટ ગુજરાતીમાં છે. સુરત તથા ભરૂચ જિલ્લાનાં ગીતોનો વિભાગ છે. તેમાંય આદિવાસી બોલી કે છાપ નથી. રિવાજોમાં ઉજળિયાત છાંટ છે. માહિતીદાતા ઉજળિયાતોના વિશેષ સંપર્કમાં હોય, શિક્ષિત હોય ત્યારે આવું બનવાનો સંભવ છે. શુદ્ધ આદિવાસી રચનાઓ માત્ર ચાર (ગીત નં. ૧૨૧૮, ૧૨૧૯, ૧૨૨૦, ૧૨૨૧) છે, જે ગામીત જણાય છે, પણ સંપાદકે તેને જાતિગત રીતે જુદી પાડી નથી. ચંદ્રકાન્ત વાઘેલાએ કરેલું ૩૨ જેટલાં ઉખાણાનું સંપાદન ધ્યાનાર્હ છે. એ ગ્રામીત ચૌધરી ઉખાણાં સાથે શબ્દાર્થ, અનુવાદ, ઉત્તર મૂકીને પૂર્ણતા આણવાનો પ્રયાસ થયો છે. જ. રા. ચૌધરી સંપાદિત ‘સોનગઢ-વ્યારા પ્રદેશનાં લોકગીતો' (મણકો-૫)માં કેટલાકની થોડી સમજણ અપાઈ છે, જાતિની સ્પષ્ટતા નથી, પણ આ પ્રદેશમાં ગામીત-ચૌધરી વસ્તી વધુ છે. વળી, સંપાદક ચૌધરી છે તેથી એ એ જાતિના હોવાનું અનુમાન કરી શકાય. પણ ચૌધરીમાં ફાયાને બદલે બાયા, ચોમકીને બદલે ચમકી - એ રીતે લિપ્યંકન થયું છે. માહિતીદાતા શિક્ષણ અને શહેરીકરણને કારણે શિષ્ટ ગુજરાતીથી પ્રભાવિત થતો જતો હોય તે સંજોગોમાં બોલીરૂપ બદલાતું હોય ત્યારે સંપાદક માટે મૂંઝવણ ઊભી થાય કે મૂળરૂપ લેવું કે બદલાયેલું? ઘેલુભાઈ નાયક સંપાદિત ‘ડાંગ પ્રદેશનાં ડાંગી લોકગીતો’ (‘મણકો-૧૧')માં ૧૪ ગીતો છે. ચંદ્રશેખર દેશમુખ સંપાદિત 'રાજપીપળાના આદિવાસીઓના વિરહ ગીતો’માં બોલી દુર્બોધ છતાં પૂરતા શબ્દાર્થ અપાયા નથી. ગીતનો સાર અપાયો છે. જાતિ અંગેની સ્પષ્ટતા નથી, પણ 'રોડાળાજોળા' એવો પ્રયોગ અને પ્રેમનો વિષય એ વસાવા રોડાલી ગીતો હોવાનું અનુમાન કરવા પ્રેરે છે, પણ સંપાદનમાં અનુમાન નહીં, ચોકસાઈ આવશ્યક બને છે. આ પ્રણય ગીતોમાં વ્યક્ત રોમાંચક કલ્પનાશીલતા અને ઉત્કટ પ્રીતિ પણ વસાવા રોડાલીગીતોની ખાસ વિશેષતા ગણાઈ છે. રાજપ્રદેશના આદિવાસીઓના લોકગીતોનું ગુચ્છ પણ વિષય વૈવિધ્યથી આકર્ષે છે. ડૉ. જયાનંદ જોશી સંપાદિત ભરૂચ જિલ્લાના આદિવાસીઓમાં પ્રચલિત પ્રેમગીતો ‘છેલિયા'માં દારૂથી થતી બરબાદીની વાત સુધારાની ચળવળનું પ્રતિબિંબ પાડે છે, ‘ચૌધરીમાં પ્રચલિત ગીતો’ના ગુચ્છમાં શબ્દપ્રયોગોની એકવાક્યતા જળવાતી નથી. ‘વલા આવજ’ની બોલી ચૌધરી કરતાં જુદી પડે છે, તો ‘તારી માયા લાગી' ઉત્તર ગુજરાતના આછા સંસ્કારવાળું ગુજરાતી ગીત લાગે છે, ‘ઊબી રોજે અને ‘આપી બેનું’ ગામીત ગીત છે એના સાર, શબ્દાર્થ અપાયા નથી. ચુનીભાઈ ભટ્ટે ડેડિયાપાડાના આદિવાસીઓનાં ચાર હોળીગીતો અને ઇન્દ્રશંકર રાવળે દૂબળાનાં દશ ઘેટિયા ગીતો સંકલિત કર્યા છે. (મણકો-૧૨) આ મણકાઓમાં મુખ્યત્વે સૌરાષ્ટ્ર, બરડાપ્રદેશ, ગોહિલવાડ, મહેસાણા, મેવાસ, નળકાંઠા, ભાલપ્રદેશનું પ્રતિનિધિત્વ પ્રતિબિંબિત થાય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પર સંશોધન-સંપાદનનું નોંધપાત્ર કામ પુસ્તકપ્રકાશનો દ્વારા ગુજરાત વિદ્યાપીઠે કર્યું છે. અભ્યાસક્રમના ભાગરૂપે વિદ્યાર્થીઓ પાસે તૈયાર કરાવવામાં આવેલા લઘુશોધ નિબંધોમાં પણ દક્ષિણ ગુજરાતના અભ્યાસનું કામ થયું છે. એનો વૈજ્ઞાનિક અભ્યાસમાં ઉપયોગ થઈ શકે. વિદ્યાપીઠના આદિવાસી સંશોધન અને તાલીમકેન્દ્ર તરફથી બહાર પડતા સામયિક 'આદિવાસી ગુજરાત' તથા વડોદરામાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીએ શરૂ કરેલા આદિવાસી ભાષા-સાહિત્યના પ્રકલ્પ હેઠળ બહાર પડતા માસિક 'ઢોલ' દ્વારા પણ આ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે. વૈયક્તિક પ્રયાસનો વિચાર કરતાં જ સૌથી પહેલું સ્મરણ થાય મધુભાઈ પટેલનું. સુરતી ફટાણાં પર ફિટકાર વરસાવતી મેઘાણીની ટીકા વાંચીને દક્ષિણ ગુજરાતના એ યુવાનને એવી તો ચાનક ચડી કે ૭૦૦ ગીતોનો ખજાનો લઈને એમની પાસે દોડી ગયો. સુરત જિલ્લાના અબ્રામા ગામની આજુબાજુથી જ મેળવેલાં એ અનાવિલ, કણબી, કોળી, દૂબળા, ભરવાડ, હરિજન વગેરેનાં ગીતોનો ખજાનો હતો. એમણે ‘ગુજરાતનાં લોકગીતો’નું સમૃદ્ધ સંપાદન આપ્યું તે ખરું, પણ એમણે વિશિષ્ટ સેવા તો ‘Folk Songs of South Gujarat' પુસ્તકથી કરી. મહત્ત્વાકાંક્ષી સંશોધનાત્મક અભિગમ ધરાવતા આ પુસ્તકમાં દક્ષિણ ગુજરાતની આદિવાસી જાતિઓ, લોકગીતનું સ્વરૂપ, તેની સર્જનપ્રક્રિયા વિશે ટૂંકી તાત્ત્વિક ચર્ચા છે. પૂર્વાર્ધમાં પસંદ કરેલાં ગીતોના અંગ્રેજી અનુવાદો છે, ઉત્તરાર્ધમાં મૂળ ગીતના સ્વરાંકનો છે. એમાં ‘સડકે વા લીમડો બેની ધ્યાન રાખી રજે વા' એ ગામીત ગીતનું સ્વરાંકન પણ છે. જીવનચક્રની વિવિધ ક્ષણોને કંડારતા ગીતોની પસંદગી તે તમામનું અંગ્રેજી રૂપાંતર, મૂળ ગીતનું સ્વરાંકન, વિવરણ, શબ્દાર્થ એમ બને તેટલી પૂર્ણતા લાવવાનો એમાં પ્રયાસ છે. એની પ્રસ્તાવનામાં આર. સી. મહેતા યોગ્ય રીતે જ કહે છે કે, "...the material presented here, with all its limitations will provide a frame of reference to thnomusicologists, sociologists, folklorists and all those endeavouring to find means for an understanding of a culture that is reflected in folksongs." (iv) આદિવાસી લોકસંગીત અન્ય લોકસંગીત કરતાં નિરાળી ભાત પાડનારું સંગીત છે. વિમલ શાહ, સિદ્ધરાજ સોલંકી અને ઇન્દ્રશંકર રાવળ સંપાદિત 'આદિવાસી લોકસંગીત' પુસ્તકમાં રાવજી પટેલ સંપાદિત ગીતોનું સ્વરાંકન કર્યું છે. આદિવાસી સંગીતમાં બહુ ઓછા સ્વરોનો થતો ઉપયોગ એની પ્રાચીનતા સૂચવે છે. અહીં પ્રત્યેક ગીતનું વિવરણ છે, પણ તે કઈ જાતિનું છે તેની માહિતી અપાઈ નથી. આપણા મોટા ભાગના સર્વેક્ષણોમાં આ પ્રકારની શિથિલતા વરતાય છે. સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક અભ્યાસ સંદર્ભે 'ટ્રાઇબલ આર્ટ ઑફ ડાંગ્સ’, ‘કોકણી આદિવાસીઓમાં સામાજિક, પરિવર્તન', 'આર્ટ ઍન્ડ ઍસ્થેટિક્સ ઇન ટ્રાઇબ્સ ઑફ ગુજરાત', 'દેવી આંદોલન', 'વેત્રને ખંભા -મેમૉરિયલ્સ ફોર ધી ડૅડ’, ‘મોગરા દેવ-ટ્રાઇબલ ક્રોકોડાઇલ્સ ગૉડ્સ’, ‘ગુજરાતના ચૌધરીઓ', ‘ચૌધરીઓ અને ચૌધરી શબ્દાવલી’, ‘ગુજરાતના આદિવાસીઓમાં પિતૃપૂજા', 'આદિવાસી લોકમેળા’ જેવાં પુસ્તકો નોંધવાનાં થાય. પોપટલાલ કૃત 'ધ દૂબલાઝ ઑફ ગુજરાત' દૂબળાઓના સર્વાંગી અભ્યાસ સાથે નમૂનાનાં લગ્નગીતો, કૂદણિયાંગીતો, મેહુલાગીતો, ગરબા, ઘેટિયાગીતો સંપાદિત કરી સોદાહરણ સમજણ પણ આપે છે. અરવિંદ ભટ્ટના ‘હરખી’માં ભગતના મંત્રો સંપાદિત થાય છે. ગૌરીશંકર પંડ્યાએ 'વારલીજાતિનો સમાજ : માનવશાસ્ત્રીય અભ્યાસ’ના છેલ્લા પ્રકરણમાં લોકકથાઓ, લોકગીતો અને બોલી વિશે ચર્ચા કરી છે. ઉપરાંત નમૂનાની વાર્તાઓ તેના અનુવાદ સાથે બોલી અને નમૂનાનાં ગીતો આછા વિવરણ સાથે મૂક્યાં છે. ગુંજ (ઉખાણા)ની પણ સદૃષ્ટાંત ચર્ચા છે. ગેમજીભાઈ વસાવાએ ‘આદિવાસી અસ્મિતા અને અસ્તિત્વ-વિનાશને આરે’ જેવું ગંભીર ચિંતા દર્શાવતું પુસ્તક આપ્યું છે, એમાં આદિવાસીઓનો ઇતિહાસ અને ઉજળિયાત આક્રમણની વાતો લખાઈ છે. પુંડલિક પવારના અપ્રકાશિત મહાનિબંધ ‘ડાંગી બોલી અને સાહિત્ય’માં ડાંગી સાહિત્યના નમૂના મળે છે. મંછારામ પટેલે “ઘોડિયા નીતિ : બોલી, સાહિત્ય અને સંસ્કૃતિ”માં બોલીભેદ દર્શાવવાના હેતુથી ખંધાડી આયી વત્તા (ઘરજમાઈની વાર્તા) ઘોડિયા, ચૌધરી, કોંકણી, વસાવા અને ગામીત એમ પાંચ બોલીમાં મૂકી છે. દક્ષા વ્યાસ અને નવીન મોદીના ‘ગામીત જાતિ: ‘સામાજિક અને સાંસ્કૃતિક અધ્યયન’માં ગામીત લોકગીતોનાં દૃષ્ટાંતો સાથે લોકજીવનનો વિગતે આલેખ છે, તો ‘આદિવાસી સમાજ : કેટલાક લેખો’માં ‘ચૌધરી ગીતોનાં પ્રતિબિંબિત લોકજીવન’ વિશે સદૃષ્ટાંત ચર્ચા છે. આ બધાં કામોને લોકસાહિત્યના સંપાદન સાથે સીધો સંબંધ નથી. દક્ષિણ ગુજરાતનાં આદિવાસી સાહિત્યમાં મોટા ભાગનું સંપાદન કાર્ય ગીતોમાં થયેલું છે. સિદ્ધરાજ સોલંકીએ ‘ઘોડિયા જાતિમાં ગવાતાં લગ્નગીતો’માં જરૂર જણાઈ ત્યાં શબ્દાર્થ સાથે ૪૫૮ ગીતો ગ્રંથસ્થ કર્યાં છે. મંછારામ પટેલે પણ ઘોડિયા ગીતો સંપાદિત કર્યાં છે. ‘દૂબળાનાં લોકગીતો’માં ઠાકોરભાઈ નાયકે ૯૯ ગીતો સંઘર્યાં છે. એમાં વર્ગીકરણ, સાર કે શબ્દાર્થ નથી. શંકરભાઈ તડવીના ‘લોકજીવનમાં મંત્રવિદ્યા’માં મંત્રો છે, પણ જાતિ કે માહિતીદાતાની વિગત નથી. ડૉ. જયાનંદ જોશીના શોધનિબંધના એક ભાગ ‘રાજના આદિવાસી છેલિયા’માં છેલિયા ગીતની સ્વરૂપ ચર્ચા સાથે સવિવરણ નમૂના મૂક્યા છે. રાજપીપળા વિભાગના હોળી ગીતો, ઘેરનાં ગીતો, ઘૂડગીતો, બુમલી ગીતોનું એમણે ‘હોળીગીતો’માં શબ્દાર્થ અને વિવરણ સહિત સંપાદન કર્યું છે. એમનું લગ્નગીતોનું વિવરણ-વિવેચન પણ નોંધપાત્ર છે. શાંતિભાઈ આચાર્યે ધરમપુર વિસ્તારના આદિવાસીઓની મૃત્યુવિધિના આખ્યાનો તથા કંસરી માતાની કથાનું ધ્વનિમુદ્રણ અને લિપ્યંકન કર્યું છે. ‘ગામીત કહેવત સંચય : બોલી અને સંસ્કૃતિ સંદર્ભ'માં દક્ષા વ્યાસ અને નવીન મોદીએ શબ્દાર્થ અને અનુવાદ સાથે ૪૧૪ કહેવતો આપી છે અને મૂળ લાગતી કહેવતોને જુદી પાડી છે. ફાધર રેમન્ડ ચૌહાણે ગામીત જાતિ ઉપર કરેલું કામ પણ ઉલ્લેખનીય છે. એમણે ગામીત બોલીનું વ્યાકરણ રચ્યું છે. ‘ગામીત લગ્નવિધિ, ગામીત લગ્નગીતો’માં એમણે ૨૨૧ જેટલાં વિવિધ ગીતો સંપાદિત કર્યા છે. જેમાં ૧૭૫ જેટલાં ગામીત છે, શેષ શિષ્ટ ગુજરાતીમાં છે. શક્ય છે કે તે સુશિક્ષિત ગામીતોમાં ગવાતાં હોય છે. શબ્દાર્થ કે વિવરણ આપ્યું નથી. સંક્ષેપમાં કહીએ તો આપણે ત્યાં મેઘાણી, હરિવલ્લભ ભાયાણી, હસુ યાજ્ઞિક, કનુભાઈ જાની, પુષ્કર ચંદરવાકર, જોરાવરસિંહ જાદવ, શાન્તિભાઈ આચાર્ય, અમૃત પટેલ વગેરે દ્વારા લોકવિદ્યાને ક્ષેત્રે જે નક્કર સૈદ્ધાંતિક કામ થયું છે તેવું લોકસાહિત્યના સંપાદન-સંશોધનમાં થયું નથી. થયું છે તેમાં સૂચિત વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં મૂકાઈ નથી. ભગવાનદાસ પટેલ અને શાન્તિભાઈ આચાર્ય એ દિશામાં સક્રિય છે. દક્ષિણ ગુજરાતના આદિવાસી સાહિત્યક્ષેત્રે એ પ્રકારનું સંશોધનાત્મક કામ 'કુંકણા રામકથા'માં ડાહ્યાભાઈ વાઢુએ કર્યું છે. સ્પષ્ટ જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકસાહિત્યને ક્ષેત્રે કેટલુંક સંગ્રહનું અને સાંસ્કૃતિક-સામાજિક અધ્યયનનું કામ થયું છે, પરંતુ પદ્ધતિસરના સંશોધન-સંપાદનનું કામ નહિવત્ છે. ગુજરાતમાં કુલ ૨૮ આદિજાતિઓ ગણાવાઈ છે. તેમાંથી ભીલ, દૂબળા-તલાવિયા-હળપતિ, ઘોડિયા, વારલી, વસાવા, ચૌધરી, વળવી-તડવી-ધણકા, ગામીત-ગામતા-ગાવીત-માવચી-પાડવી, કોકણા-કોકણી-કુકણા, નાયકા-નાયકડા, કોટવાળિયા-વિટોળિયા-વારોડિયા, કાથોડી-કાથુડિયા દક્ષિણ ગુજરાતમાં વસેલા છે. આમાંથી અર્ધી જાતિઓનાં જ આચમન લેવા જેટલું કામ થયું ગણાય. નરોત્તમ પલાણ કહે છે તેમ “માઇલોને માઇલોનો વિસ્તાર સાવ કોરો’ નજરમાં આવે છે. મહાકાવ્યો, કથાગીતો, જીવનચક્ર અને ઋતુચક્ર આધારિત લોકગીતો, લોકવાર્તાઓ, લોકનાટ્ય, ઉખાણા, કહેવતોનું વિશાળ ક્ષેત્ર વણખેડાયેલું રહ્યું છે. આ અનાઘ્રાત પુષ્પો જેવું સાહિત્ય એકઠું કરવાની કદાચ આ છેલ્લી તક છે. નગરસભ્યતાના આક્રમણ અને શિક્ષણના પ્રભાવ હેઠળ એ સમસ્ત સાંસ્કૃતિક વારસો લુપ્ત થઈ રહ્યો છે. એ સાવ ભૂંસાઈ જાય તે પૂર્વે જે સ્વરૂપમાં - જેટલું મળે તેટલું સંઘરી લેવાની તાતી જરૂર છે. કેમ કે મેઘાણીના શબ્દોમાં કહીએ તો, ‘આ તળપદી લોકવાણીમાં ન ઉવેખી શકાય તેવાં સાહિત્યબળો, ભાષાભંડોળ, ભાવસમૃદ્ધિ, કલ્પનાકુંજ અને ઇતિહાસપુરાવાની દૃષ્ટિ પડેલી છે.’ રામનરેશ ત્રિપાઠી ‘ગ્રામગીત’ની પ્રસ્તાવનામાં કહે છે, “એક વિચિત્ર પ્રકારની શિક્ષણ પ્રણાલીને પ્રભાવે આપણે આપણા લોકોથી ને દેશથી બહુ દૂર પડી ગયાં છીએ. આપણે આપણી ભાષાના થોડા જ શબ્દોના કુંડાળામાં કેદ બન્યાં છીએ. પૂર્વજોની ભૂમિમાં પહોંચાડનારી પગદંડી છોડી દઈને એક એવી સાફ સડક પર મુગ્ધ બની ચાલી નીકળ્યા છીએ કે એ સડક આપણને ક્યાં લઈ જશે તેની ખબર નથી. ક્યાં લઈ જશે એ પૂછવું પણ ભૂલી ગયાં છીએ. આપણે આપણા હાથમાંનો દીવો જ ફેંકી દીધો છે. આવો, એ દેશમાં જઈએ.” આ એક વિરાટ કામગીરી છે. એને માટે સૌથી પહેલું કામ તો પ્રત્યેક જાતિના શિક્ષિત યુવાનો જેમને પોતાની જાતિનું ગૌરવ હોય, પોતાની સંસ્કૃતિને સાચવી લેવાની લગની હોય, તેમને સુવ્યવસ્થિત તાલીમ આપી ક્ષેત્રકાર્ય માટે ચોક્કસ સંગઠન કે સંસ્થા દ્વારા આર્થિક ટેકા સહિત પ્રોત્સાહિત કરવા જોઈએ. પહેલે પગથિયે આ સંગ્રહકોનું કામ ચાલે. બીજે પગથિયે મળેલી સામગ્રીનું વર્ગીકરણ, પાઠશોધન, અર્થઘટન, વિવરણ થાય. અંતે એમાં પ્રતિબિંબિત લોકસંસ્કૃતિ, એનું ભાષારૂપ વગેરેનો આલેખ આપતું પદ્ધતિસરનું સંપાદન થાય. આ બોલીઓ ભાષાની કઈ ભૂમિકામાંથી ઊતરી આવી તે પણ તપાસાય. ‘ગુજરાતી લોકસાહિત્યમાળાના મણકા ૧થી ૧૪'ના પુન: સંપાદન 'ગુજરાતી લોકસાહિત્યની જીવનચક્ર અંતર્ગત રચનાઓ ભાગ, ૧-૨'માં કુલ ૧૯૩૧ રચનાઓ સંગ્રહિત થઈ છે તેમાં દક્ષિણ ગુજરાતના આદિવાસીઓની સો રચનાઓ પણ નથી! પ્રશ્ન થાય કે શું આપણું આદિવાસી સાહિત્ય એટલું બધું દરિદ્ર છે? જે કામ થયું છે તેમાં મૂળ માણસોનું નેતૃત્વ કેટલું? આ વિસ્તારમાં પ્રજાકીય જાગૃતિના અભાવને એમાં કારણભૂત ગણાવો? શિક્ષણ ગામડે ગામડે પહોંચી ગયું હોય ત્યારે આપણે પોતે પોતાનું હીત બહાર લાવવાની જાગ્રતિ અને ઉત્સાહ ન બતાવીએ તો દોષિત કોણ? કે પછી આપણે અવજ્ઞા પામેલા ગુણાઢ્યની મનોદશામાં છીએ? આપણી પાસે લોકસાહિત્યના સંશોધનનો, તેના વિવિધ પાસાં અને અંગોપાંગોનો કોઈ સમગ્રદર્શી આલેખ નથી. પાઠસંગ્રાહકે નોંધવાની વિગતો અંગે ભાયાણીસાહેબે આપેલા માર્ગદર્શન સાથે મંડી પડવું જોઈએ. અલબત્ત, ગમે તેટલું કરવા છતાં પૂર્ણતા એક આદર્શ જ બની રહે છે. કેમ કે કોઈ પણ સંસ્કૃતિ અનેકવિધ સંકુલતાઓથી જ સમૃદ્ધ બની હોય છે. એટલે આદિવાસી કલાસાહિત્યને પૂરેપૂરી વૈજ્ઞાનિક પદ્ધતિએ તપાસવાનું મુશ્કેલ છે. મેઘાણી આપણા લોકસાહિત્યના વિરાટ મહેરામણને પૂરેપૂરો ખૂંદી નહોતા શક્યા, પરંતુ ક્યાં કેટલું હીર પડેલું છે તેની તેમને પરખી હતી. ‘લોકસાહિત્ય: ધરતીનું ધાવણ’ - ખંડ-૧ના નિવેદનમાં તેઓ ટહેલ નાખે છે: “હવે હું યુનિવર્સિટીના મહાલયમાં વિચરનારા હજારો ગુજરાતી યુવાનોને સાદ પાડું છું કે થોડાક તો નીકળો, કોઈક તો કમ્મર કસો! આપણાં રાનીપરજ ને કાળીપરજ, આપણા ભીલો ને ધારાળાઓ, આપણી સુવિશાળ રત્નાકર પટ્ટીના કંઠાળવાસી નાવિકો અને નાખુદાઓ, તેમની પાસે સચવાઈ રહેલી લોકવાણીને વીણી લાવી યુનિવર્સિટીને દ્વારે હાજર કરો. સાચો સુયશ તો જ ચડશે-આપણને ને આપણી વિદ્યાપીઠને.” મેઘાણીએ છેક ૧૯૩૯માં નાખેલી આ ટહેલ આજે પણ એટલી જ પ્રસ્તુત છે, બલકે હવે તો તે અત્યંત તાકીદની બની છે. યુનિવર્સિટીઓમાં લોકસાહિત્યનું પ્રશ્નપત્ર ભણાવાય છે, પરંતુ રેઢિયાળ રીતે. એમાં ક્ષેત્રકાર્ય ઉપર એના સંશોધનોની પદ્ધતિઓ સંદર્ભે પ્રત્યક્ષ કામ ભાગ્યે જ થાય છે. એટલું પણ શરૂ થાય તો કદાચ કશુંક ક્રાંતિકારી પરિણામ આવી શકે.

ફાર્બસ ગુજરાતી સભા ત્રૈમાસિક પૃ.૨૭-૩૬ : ૨૦૧૦