નારીસંપદાઃ વિવેચન/વેળાવેળાની છાંયડીમાં રજૂ થતું ભારતીય દર્શન

From Ekatra Wiki
Revision as of 00:32, 16 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૫

‘વેળા વેળાની છાંયડી’માં રજૂ થતું ભારતીય દર્શન
કાલિન્દી પરીખ

મડિયાએ વાર્તા, નવલકથા, નાટક, નિબંધ, સોનેટ ઈત્યાદિ સાહિત્યમાં લગભગ તમામ પ્રકારોમાં ખેડાણ કર્યું છે. તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ એટલી તો રસપ્રદ છે કે આજે પણ વાંચવી ગમે છે. તેમની એક નવલિકા એટલી લોકપ્રિય બની કે મડિયાએ તેના પરથી નવલકથા લખી તે જ આ ‘વેળા વેળાની છાંયડી’. પ્રસ્તુત નવલકથામાં કાઠિયાવાડી પરિવેશ રજૂ થાય છે. રેલ્વે સ્ટેશન અને ત્યાંની ચહલપહલનું નિરૂપણ દૃશ્યાત્મક બની રહે છે. પાત્રો, પ્રસંગો, સંવાદો, તેમની વૃત્તિઓ અને વિચારોમાં ભારતીય સંસ્કૃતિ પ્રતિબિંબિત થયેલી જોવા મળે છે. સમગ્ર કથામાં ચડાવ-ઉતાર આવ્યા કરે છે. સુખ-દુ:ખના આટાપાટાનો ખેલ ભજવાય છે. ઓતમચંદ શેઠ નામના એક સમૃદ્ધ, પ્રમાણિક અને દાનવીર વેપારી છે. તેમના નવા મેડીવાળા ઘરના વાસ્તામાં ભાગ લેવા વાઘણિયાનાં લોકો ઉમટ્યાં છે. મેંગણીથી કપૂરશેઠ વાઘણિયા આવે છે. તેમની સાથે આવેલી દીકરી ચંપાનું સગપણ ઓતમચંદ શેઠના નાના ભાઈ નરોત્તમ સાથે ગોઠવાય છે. પણ કારમા સંજોગોની વાદળીઓ ઓતમચંદ શેઠના ધંધામાં જબરી ઉથલપાથલ મચાવે છે. નરોત્તમ કુટુંબ પર બોજારૂપ બનવા માંગતો ન હોવાથી તે રાજકોટ જવાનું નક્કી કરે છે. દીકરાથી વિશેષ વહાલસોયા દિયર નરોત્તમને ભાભી લાડકોરનો આગ્રહ રોકી શકતો નથી. નરોત્તમને રાજકોટમાં કીલા કાંગસીવાળાનો ભેટો થાય છે. બહુ થોડા સમયમાં તેમની આ મુલાકાત મૈત્રીમાં પરિણમે છે. સાથે સાથે નરોત્તમના ભાગ્યનું ચકડોળ નીચેથી ઉપર તરફ ગતિમાન થાય છે. પારસી બાવા મંચેરશાની પેઢીમાં તેને ભાગીદાર બનાવવામાં કીલો સફળ થાય છે.તેના પરિણામરૂપે જીવન-નાટકમાં દરિદ્રતાનું લાંબુ દૃશ્ય ભજવાયા પછી જે જવનિકા ઉઘડે છે તે ઓતમચંદ શેઠ અને લાડકોરના જીવનમાં નૂતન ઉષાનો સંદેશ લઈને આવે છે. ઓતમચંદ શેઠનો વ્યાપાર પુન: ધમધમવા લાગે છે. વેચાઈ ગએલી નવી મેડી, ધર્મશાળા, ગાડી વગેરે ફરી ખરીદી લેવાય છે. નરોત્તમનું ચંપા સાથે તૂટી ગએલું સગપણ ફરી સંધાય છે. જો કે હૈયાં તો અતૂટ જ રહ્યાં હતાં. નરોત્તમના અંતરમાં ચંપા નામની કોયલ સદાય કૂજતી જ રહેલી. નવલકથાના આરંભે ઘોડાગાડીના ઘુઘરા વાઘણિયાના પંથકમાં રણક્યા હતાં એવા જ અંતમાં પણ રણકે છે. આમ, પ્રસ્તુત નવલકથામાં કાળનું એક ચક્ર પુરું થાય છે. ‘બલિયસી કેવલ ઈશ્વરેચ્છા’ સર્વોપરિ બનતી જણાય. રાત્રિના સમયે કમળદળમાં પુરાયેલો ભ્રમર સવાર થતાં કો’ ગજરાજના પગ તળે કચરાઈ જાય છે. પરંતુ મનુષ્ય તેના આત્મવિશ્વાસ અને પુરૂષાર્થના બળે પોતાના ઉજડી ગએલા જીવનબાગને નંદનવનમાં કઈ રીતે પરિવર્તિત કરી શકે છે તે મડિયા આ ‘વેળા વેળાની છાંયડી’ નવલકથામાં દર્શાવે છે. આ મુખ્યકથાની સાથે કીલા કાંગસીવાળાની અવાંતરકથા પણ ઉપાદેય બની રહે તેવી છે. તે મૂળમાં તો બેરિસ્ટર કામદારનો વંશદીપક હોય છે, તે પણ સંજોગોની આંધીમાં બુઝાયા વિના પ્રજ્વલિત રહે છે. સાચું જ કહ્યું છે, ઉત્તમ પુરુષને જે વિપત્તિઓ આવી પડે છે, તે તેને લાંબા કાળ સુધી અને પૂરેપુરી રીતે પરાભૂત કરી શકતી નથી; કેમ કે રાહુનો ગ્રાસ ચંદ્રને ઘડીભર જ કાંતિરહિત બનાવે છે.

उत्तमं सुचिरं नैव विपदोऽभिवन्त्यलम् ।
राहुग्रसनसंभूतक्षणो विच्छाययेध्विधुम्
(॥६४॥ સંસ્કૃત સુભાષિત મંજરી )

અહીં પણ ઓતમચંદ શેઠના સાળા દકુભાઈ અને મકનજી મુનીમ કે પછી મનસુખલાલ જેવા સ્વભાવદુષ્ટ પાત્રો ઓતમચંદ શેઠ કે કીલા કાંગસીવાળાનો પરાભવ કરી શકતા નથી. એ જ રીતે એક પછી એક આવતી મુસીબતો તેમને ઝુકાવી શકતી નથી. બહોળા પટ પર રચાએલી આ કથામાં તેમાં રહેલાં કેટલાંક ઝગારા મારતાં સંવાદરૂપી રત્નોને કારણે વિશેષ ચિત્તાકર્ષક બની રહે છે. તો ગમે તેવા કપરા સંજોગોમાં પણ પોતાની ખાનદાની નહીં ચૂકતા, નિષ્ઠા અને શ્રમને પોતાનો ગુરુમંત્ર માનતા આવા પાત્રો મુઠ્ઠી ઉંચેરા બની રહે છે. તેમના વાણી-વ્યવહારમાં ભારતીય દર્શન ચરિતાર્થ થતું જોવા મળે છે. મેંગણીથી આવેલા કપૂરશેઠને ઓતમચંદ શેઠ તેમને ત્યાં નામું લખતા મકનજી મુનીમનો પરિચય આપે છે, તે સાંભળી કપૂરશેઠ કહે છે, “ગલઢાવે કીધું છે કે ‘નામું ચોખું તેનું નસીબ ચોખું’ (પૃ.૧૭)” નામું લખવામાં બહુ ચોકસાઈ રાખવી પડતી હોય છે. આ એક પ્રકારનો ભગવદ્ ગીતામાં નિર્દેશેલો કર્મયોગ જ છે. योगः कर्मसु कौशलम्॥ જ્યારે ઓતમચંદ શેઠ તો તત્ત્વના જ્ઞાનને આચરણમાં મૂકવામાં માનતા હોવાથી બધે જ ઈશ્વરની લીલા નિહાળે છે. એટલે તો તેમણે તેમના નવી મેડીવાળા મકાન પર પોતાનું નામ ન લખાવતાં ભગવાનનું નામ લખાવ્યું ‘હરિ નિવાસ’. ઓતમચંદ શેઠ કહે છે, “આવતા દિ’નો એંકાર ન કરવો… માઠા દિ’નો શોક ન કરવો. જિંદગી તો તડકો - છાંયડો છે. માયાની મમત ન કરાય. આ મેડી ભલે મેં બાંધી, પણ એ મારી છે એમ ન કહેવાય. મિલકત તો વારા બદલે… એટલે જ મેં એને ભગવાનનું નામ આપી દીધું...ભગવાનને અર્પણ કરી દીધી.”(પૃ.૨૧) ઓતમચંદ શેઠ પોતીકી મિલકત પરથી પોતાનો હક્ક જતો કરીને ત્યાગીને ભોગવવાની જ તો વાત કરે છે. આ સચરાચર જગતમાં જે કંઈ પણ છે તે પરમ સત્તાનું છે. ભૂમિ કે જળ, આકાશ કે વાયુ , પંચતત્ત્વો પર કોઈનોય એકાધિકાર નથી. આથી જ તો ઈશાવાસ્યોપનિષદમાં સર્વ કંઈ ઈશ્વરને અર્પણ કરી, ત્યાગીને ભોગવવાનો મહામંત્ર આપવામાં આવ્યો છે.

ईशावास्यमिदं सर्व यत् किंचित् जगत्यां जगत् |
तेन त्यक्तेन भुंजीथा: मा गृध: कस्यस्विद धनम् ॥१॥

ઓતમચંદ શેઠ અહંભાવ કે મમભાવથી ઉપર ઊઠી ગયા છે એટલે તો તેમને નથી સંપત્તિ મેળવ્યાનો હરખ કે નથી જ્યારે બધું જ ગુમાવી દેવું પડે છે તેનો કોઈ અફસોસ થતો. ગંગાસતીએ કહ્યું છે ને, ‘હરખ ને શોકની જેને હેડકી ન આવે પાનબાઈ’, તેનું ઓતમચંદ શેઠ સતત રટણ કરતા હોય તેમ જણાય છે. સાળા દકુભાઈ અને મકનજી મુનીમના દગાનો ભોગ બનતા એક પછી એક હૂંડી પાછી ફરવા લાગી. લેણદારોની પેઢી પર લાઈનો લાગવા માંડી. સંપત્તિ ચાલી જતાં લોકોના અપમાન અને તિરસ્કારનો ભોગ બન્યા તોપણ તેમને કોઈ જ ઉદ્વેગનું શલ્ય પીડી શકતું નહોતું. તેઓ તો એક પછી એક મહામૂલાં રાચ પરિહરવા લાગ્યા. તેમણે નવી મેડી વેચી, દુકાન વેચી, અમરગઢ રેલ્વે સ્ટેશન પાસેની ધર્મશાળા વેચી દીધી. અરે, એકના એક પુત્ર બટુકની ખૂબ જ ગમતી ઘોડાગાડી પણ કપાતાં હૈયે વેચી નાખી. જનક વિદેહીની અનાસક્તિથી એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમવા લાગ્યા હતા. ખરું જ કહ્યું છે-

स एव धन्यो विपदि स्वशीलं न विमुंचति |
त्यज्यर्ककरैस्तप्तं हिमं देहं न सहितताम् ॥१॥

(અર્થાત્ વિપત્તિ વખતે જે મનુષ્ય પોતાના શીલ- સદ્ગુણોનો ત્યાગ કરે નહિ, તે જ પુરુષ ધન્ય છે. સૂર્યના કિરણોથી તપેલું હિમ (બરફ) પોતાના સ્થૂળ દેહનો ત્યાગ કરે છે પણ (તેની સ્વભાવગત) શીતળતાને છોડતું નથી.) ઓતમચંદ શેઠ બધું જ વેચી દઈને લોકોનું દેણું ચૂકવી દે છે પણ તેમની ખાનદાની છોડતા નથી. આભિજાત્ય ઉત્તમ પુરુષનું લક્ષણ હોય છે. ઓતમચંદ શેઠ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લાડકોર શેઠાણી પણ આવા જ ખાનદાનીને વરેલા નારી છે. તેમના હૈયામાં માત્ર એકના એક પુત્ર બટુક માટે જ નહીં , દિયર નરોત્તમ માટે પણ વાત્સલ્યનો ઓઘ ઘૂઘવે છે. તેમનાથી લગ્નોન્મુખ દિયરની ગમગીની જોઈ શકાતી નથી. તેમનું હૈયું વલોવાય છે આથી તેમનાથી બોલ્યા વગર નથી રહેવાતું. તેઓ કહે છે, “આપણે તો પાયમાલ થઈ ગયા પણ નાનાભાઈ નરોત્તમનું તો ઘર સાજું રાખો કે પછી આપણા ભેગો એનેય બાવો કરી મૂકવો છે?” ત્યારે ઓતમચંદ કહે છે, “કોઈ કોઈને બાવો કરી શકે તેમ નથી. સહુ પોતપોતાની શેર બાજરી બંધાવીને આવ્યા છે, સમજી?” “હું તો સમજી પણ વેવાઈ સમજશે?” “એમાં જ એની પરીક્ષા થશે. આવે પ્રસંગે માણસનું પાણી પરખાય. સાચું મોતી તો એવા હજાર ઘા ખમી જાય. ફટકિયું મોતી ફટ્ કરતુંકને ફૂટી જાય.” (પૃ.૬૯)અને ખરેખર તેમના વેવાઈ કપૂરશેઠ ફટકિયું મોતી જ પુરવાર થયા. દકુભાઈ અને મકનજી મુનીમની ચડવણીથી નરોત્તમ સાથેનું સગપણ ફોક કર્યું. સહુ કોઈ સ્વાર્થના સગાં હોય છે. ‘सर्वे जनाः स्वार्थे समाहिता:’ માઘ રચિત શિશુપાલ વધ મહાકાવ્યના ત્રીજા સર્ગમાં બલરામ નારદ મુનિને આ જ ઉક્તિ કહે છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં વિરોધીઓ પણ એક થઈ જતાં હોય છે. પણ ગરજ સરી જતાં વૈદ્ય પણ વેરી બની જાય છે , તેમ અહીં પણ કપૂરશેઠને ઓતમચંદના શીલ કે સંસ્કાર નહીં પણ સંપત્તિમાં રસ હતો. તેમની દીકરી ચંપાનું ઓતમચંદના નાનાભાઈ નરોત્તમ સાથે સગપણ કરાવવા પાછળ પ્રેમ નહીં પણ સંપત્તિનો મોહ હતો જે ચાલી જતાં તે તડાક્ દઈ તૂટી ગયું. જેમ સરોવરમાં જળ હોય તો માછલાં હોય પણ જળ સૂકાઈ જતાં તે પણ ચાલ્યાં જાય. પરંતુ આ જગતમાં બધાં જ કપૂરશેઠ કે દકુભાઈ જેવા નથી હોતા. આ જગત પ્રેમની સંજીવનીથી ટકી રહ્યું છે. ચંપાના હ્રદયમાં નરોત્તમને માટે સાચો પ્રેમ છે નરોત્તમને રાજકોટના રેલ્વે સ્ટેશન પર કીલો કાંગસીવાળો મળી જાય છે. પરગજુ સ્વભાવનો કીલો નરોત્તમ અને ચંપાનો મેળ કરાવી દે છે. પરંતુ આ દરમિયાન કેટલીક ઘટનાઓ બને છે, તેમાં કીલાનું વ્યક્તિત્વ તો ખરું જ પણ સાથે સાથે શ્રમનો મહિમા પણ ઉજાગર થાય છે. નરોત્તમ માટે રોજગાર શોધવાનો પ્રશ્ન ઊભો થતાં કીલો તેના જીવનનું સૂત્ર ઉચ્ચારે છે, “હુન્નર હાથ એને હરકત શી?” (પૃ. ૧૦૬) જેના કાંડામાં કૌવત છે તે પાટું મારીને પાણી કાઢે છે. અપના હાથ જગન્નાથ અમસ્તું જ નથી કહેવાયું. ઋગ્વેદમાં પણ કહ્યું છે.

अयं मे हस्तो भगवान् अयं मे भगवत्तरः |
अयं मे विश्वभेषजोऽयं शिवाभिमर्शन: ॥(ઋ.૧૦.૬૦.૧૫)

(અર્થાત્ આ મારો હાથ ભગવાન છે. અરે, ભગવાનથી પણ શ્રેષ્ઠ છે. આ મારો હાથ અને મારું કર્મ સમગ્ર રોગોનું ઔષધ છે અને મારો હાથ જ સર્વ કલ્યાણોને ખેંચી લાવે છે.) પ્રસ્તુત નવલકથામાં આ હાથનો હુન્નર કીલા દ્વારા નરોત્તમના જીવનમાં અને સ્વયંના જીવનમાં પણ સર્વ કંઈ શ્રેષ્ઠને ખેંચી લાવે છે. આગળ ઉપર પણ તે આ જ વાત કરે છે. નરોત્તમને વાણોતરું કરાવવાને બદલે રેલ્વેસ્ટેશન પર સામાન ઉપડાવવાની મજૂરી કરાવવા બદલ તે જ્યારે કીલાને ટોણો મારે છે.આથી કીલો તેને કહે છે, “એ તો તારી પરીક્ષા કરવા. પેઢીના ગાદીતકિયે બેસનાર માણસને પરસેવો પાડતાંય આવડવું જોઈએ. ઊંચે બેસણે બેસીને જીભ હલાવનારને જરૂર પડ્યે કડ્ય ભાંગીને કામ કરતાં પણ આવડવું જોઈએ.” (પૃ.૨૧૫) અહીં કોઈ કામ ઊંચુ કે નીચું નથી હોતું. પાયખાનું ધોવાનું કામ પણ મંદિરની સફાઈ જેટલું જ પવિત્ર છે, તેવું ગાંધીદર્શન અને ટોલ્સટોયચિંતન નિહાળી શકાય છે. ઋગ્વેદમાં પણ કહ્યું છે: न ॠते श्रान्तस्य सख्याय देवा: (૪.૩૩.૧૧) દેવો પણ જે શ્રમ નથી કરતાં તેને સહાય કરતા નથી. તો ઐતરેય બ્રાહ્મણમાં કહેવામાં આવ્યું છે કે-

आस्ते भग आसीनस्योर्ध्वस्तिष्ठाति तिष्ठत:|
शेते निपद्यमानस्य चराति चरतो भग: चरैवेति ॥

(અર્થાત્ બેઠેલાનું ભાગ્ય બેઠું રહે છે. ઊભેલાનું ભાગ્ય ઊભું રહે છે. સૂતેલાનું ભાગ્ય સૂતું રહે છે પણ જે ચાલતો રહે છે તેનું ભાગ્ય પણ ચાલતું રહે છે.) એમ, વેદ, ઉપનિષદ કે બ્રાહ્મણ ગ્રંથો હોય , સર્વત્ર શ્રમનો મહિમા ગાવામાં આવ્યો છે. અહીં પણ ઓતમચંદ, કીલો કાંગસીવાળો તથા નરોત્તમ વિપત્તિ આવતાં માથે હાથ દઈને બેસી રહેતા નથી. જીવનના માર્ગ પર આવતી કાંટાળી કે ઉબડખાબડ કેડીઓ પર પણ સતત ચાલતા જ રહે છે એટલે એમનું ભાગ્ય પણ તેમની સાથે ચાલતું રહે છે. આ વિચરણ તેમનામાં નૂતન ઉર્જાનો સંચાર કરે છે. આથી તો મુશ્કેલીઓમાં તેઓ દીનહીન બનવાને બદલે વધુ દેદીપ્યમાન બને છે. માઠા દિવસોમાં લાડકોર પતિને પોતાના ભાઈ દકુભાઈની સહાય લેવાનું કહે છે. આ દકુભાઈ ઓતમચંદની સાથે જે રમત રમ્યા હોય છે, તેનું આળ પોતાના પર ન આવે એટલે ધંધાના બહાને રંગૂન ચાલ્યા ગયા હોય છે. ભોળી લાડકોરને તો પોતાનો ભાઈ રંગૂનથી તાલેવંત થઈને પાછો ફર્યો છે એટલી જ ખબર હોય છે. આથી તે ઓતમચંદને પોતાના પિયર ઈશ્વરિયા જવાનું કહે છે. દુ:ખમાં તો સગાં જ કામ આવે તેવી પણ તેની સમજ આ આગ્રહ પાછળ કામ કરે છે. ત્યારે પોતાના જીવનનું ડહાપણ સૂત્ર ઉચ્ચારતા હોય તેમ ઓતમચંદ શેઠ કહે છે, “આ સંસારના સાગરમાં સહુએ પોતપોતાના તૂંબડે જ તરવું જોઈએ.” (પૃ.૧૭૮) અહીં આપણે ‘આત્મદીપો ભવ’ એવા બૌધ્ધદર્શનને નિહાળી શકીએ છીએ. તો, “કોઈનું આપ્યું તાપ્યું કેટલીવાર ટકે અને માગ્યા ઘીએ ચૂરમું ન થાય.” વગેરે સંવાદોક્તિમાં તેમની ખુમારી અને આત્મતેજ ઝળહળી ઊઠે છે. તેઓ જીવનના શાસ્ત્ર ભણ્યા હોવાથી જાણે છે કે જ્યાં ત્યાં દીનવચનો ઉચ્ચારાય નહીં, તેમાંય દકુભાઈ પાસે તો નહીં જ. ભર્તુહરિ પણ તેમના નીતિશતકમાં આ જ વાત કરે છે :

रे रे चातक ! सावधान मनसा मित्र क्षणं श्रूयताम् |
अंभोदा: बहव सन्ति गगने न सर्वेऽपि एताद्रशा:॥
केचित् आर्द्रयन्ति धरणीं वृष्टिभि: गर्जन्ति केचित् वृथा|
यं यं पश्यसि तस्य तस्य पुरत: मा कुरु दीनं वचनम् ॥

(અર્થાત્ આકાશમાં જળભરેલાં તો ઘણાં વાદળાંઓ હોય છે પરંતુ તે બધાં એકસરખાં નથી હોતાં. તેમાંના કેટલાંક જ ધરાને ભીંજવે છે જ્યારે કેટલાંક તો ઠાલાં જ ગર્જતાં હોય છે. માટે હે ચાતક! મિત્ર, સાવધાન મનથી એક ક્ષણ સાંભળ સાંભળ, તું જેને જેને જુએ છે તે દરેક પાસે દીન વચન ન બોલ.) યોગ્ય વ્યક્તિ પાસે જ પોતાની વાત રજૂ કરી શકાય અન્યથા બહુ ખરાબ રીતે અપમાનિત થવું પડે. ઓતમચંદ શેઠની પત્નીના આગ્રહને વશ થઈ સાળા દકુભાઈના ઘરે જવું પડે છે. દકુભાઈના દીકરા બાલુની સગાઈ કપૂરશેઠની નાની દીકરી જસી સાથે નક્કી કરવા માટે બંન્ને પક્ષ ઈશ્વરિયા ભેગા થયા હતા. આવા વખતે ઓતમચંદની હાજરી દકુભાઈને ખટકી એટલે તેમણે તેમને બહાર ઓસરીમાં બેસાડ્યા. થોડીવાર પછી બાલુ સિક્કાની કોથળી તેલના ખાણિયાની પાળ પર મૂકી ચાલ્યો ગયો. એવામાં બે મીંદડાં ત્યાં ઝઘડતાં ઝઘડતાં આવ્યાં. તે બંન્નેની ઝપાઝપીમાં સિક્કાની કોથળી પાળ પરથી ઉથલીને તેલના ખાણિયામાં પડી ગઈ. ઓતમચંદ કંટાળીને, અપમાનિત થઈને વધુ વાર ન રોકાતા ચાલ્યા ગયા હતા. પરંતુ સિક્કાની કોથળી ન મળતાં દકુભાઈને નિર્ધન થઈ ગએલા ઓતમચંદ પર જ શક ગયો. તેણે ઓતમચંદ પર ’ચોરટા’નું લાંછન મૂક્યું અને તેમને મારવા તેમની પાછળ પસાયતાઓને મોકલ્યા. આ પસાયતાઓએ ઓતમચંદને ખૂબ જ માર માર્યો. અંતે ઓતમચંદ બેહોશ થઈ જતાં પસાયતાઓ તેમને તે જ હાલતમાં મૂકીને ચાલ્યા ગયા. સાંજ ઢળવા આવી ત્યારે આયર એભલભાઈએ ખળખળિયાના કાંઠે કોઈને કણસતું સાંભળી તેની નજીક આવ્યા. ઓતમચંદની લોહીલુહાણ અને બેહોશ હાલત જોઈ એભલભાઈ સાવ અજાણ્યા હોવા છતાં પોતાના ખભા પર તેમને મૂકી ઘરે લઈ આવ્યા. આહીરાણી હીરબાઈ આ અજાણ્યા જણની કશીય પડપૂછ વિના સેવા -શુશ્રૂષામાં લાગી જાય છે. પરોપકાર જેના સ્વભાવમાં વણાઈ ગયો હોય છે તેઓ ગુણ-દોષ કે પોતાના- પરાયાનો ભેદ નથી કરતાં હોતાં. જેમકે,

रागिणि नलिनीलक्ष्मीं दिवसो निदधाति दिनकरप्रभावम् |
अनपेक्षित गुणदोष: परोपकार: सतां व्यसनम् ॥ ૮॥ (પરોપકાર પ્રશંસા)

(અર્થાત્ પોતામાં જેને અનુરાગ છે, એવા કમળને દિવસ સૂર્યથી પેદા થએલી શોભાને આપે છે. અર્થાત્ પરોપકાર કરવો, તે તો સજ્જનોનું વ્યસન-ટેવ છે, તેમાં ગુણદોષની પરવા હોતી નથી.) આવા હીરબાઈ ઓતમચંદને ગરમ શેક કરે છે. આ દરમિયાન બાજુમાં રહેતી ચંપા દૂધ લેવા ત્યાં આવે છે. ચંપા પોતાના જેઠને ઓળખી જાય છે. ઓતમચંદના પરિવાર પર આવેલી આપત્તિ જાણે પોતાની જ હોય તેમ તે કહે છે, “હીરીકાકી, જેઠજીને કિયો કે ચંપાના અન્નજળ તમારે ખોરડે જ છે”. (પૃ.૧૬૫)તેના આ વેણમાં વિપત્તિ વખતે થતી મિત્ર કે પ્રિયજનની કસોટીમાં ખરી ઉતરે છે. તો ઓતમચંદ શેઠ પણ પુલકિત સ્વરે કહે છે,” વેળા તો વાદળોની જેમ આવે ને જાય. એના કાંઈ વસવસા ન હોય. વિપદ પડેય વણસે નહિ એનું નામ માણસ.” (પૃ.૧૬૫) અહીં ભગવદ્ ગીતામાં કથિત સ્થિતપ્રજ્ઞતાના દર્શન થાય છે.

दुखेष्वनुद्विन्मना: सुखेषु विगतस्पृह: |
वीतरागभयक्रोध: स्थितर्धिमुनिरुच्यते ॥૨.૫૬॥

ગમે તેવી વિપત્તિઓમાં પણ જે ઉદ્વિગ્ન કે ભયભીત થયા નથી તેવા સમતાના મેર સમા ઓતમચંદ શેઠના અંગોમાં હીરબાઈની સારવારથી ચેતના આવવા લાગી. દાંતની દોઢ્ય વળી ગઈ હતી તે ઉઘડી ગઈ અને તેમણે હોઠ પર જીભ ફેરવી એટલે હીરબાઈએ ચંપાને પાણી લાવવાનું કહ્યું. ચંપા પાણિયારે પાણી ભરવા ગઈ આથી તેને રોકતાં હીરબાઈ કહે છે, “આયરના ગોળાનું પાણી પાઈને ઉજળિયાતની દેઈ નો અભડાવાય.” ત્યારે ચંપા હસતાં હસતાં કહે છે, “ચાંગળું પાણી પેટમાં ગયે એમ દેઈ વટલાઈ જાતી હશે.!” અહીં ચાંડાલ કે બ્રાહ્મણના દેહમાં એક જ આત્મા રહેલો છે, તેવી સમદર્શિતા જોવા મળે છે. કહેવાતા પંડિતો આભડછેટમાંથી ઊંચા નથી આવતા જ્યારે કાઠિયાવાડના ખોબો જેવડા નાના ગામડાની આ ચંપાની સમજ આભ જેટલી ઊંચી છે. મડિયાએ ચંપાના મુખેથી આ વાક્ય બોલાવડાવી અભેદના તત્વજ્ઞાનને રજૂ કર્યું છે. જો કે પ્રસ્તુત નવલકથામાં તત્ત્વજ્ઞાન જેવા ભારેખમ શબ્દનો પ્રયોગ કર્યા વિના પણ ભારતીય સંસ્કૃતિમાં વણાઈ ગએલા મૂલ્યો અત્રે ડગલે ને પગલે ઉદ્ઘાટિત થયેલા જોવા મળે છે. અહીં એક બીજા માટે જે કંઈપણ કરવામાં આવે છે, તે ઉપકારની ભાવનાથી નહીં પણ માનવતા અને સ્નેહવશ થાય છે. હીરબાઈની સારવારથી ઓતમચંદને સુવાણ થાય છે એટલે તેઓ ઉપકારનું સાટું વાળવાની વાત કરે છે, ત્યારે હીરબાઈ કહે છે, “એમાં ઉપકાર શેનો ભાઈ! માણસ માણસને ખપમાં નહીં આવે તો કોણ આવશે?” “પણ હું તમને કે’દી ખપમાં આવીશ? ક્યાં વાઘણિયું ને ક્યાં મેંગણી? આપણા તો ફરી પાછા કે’દી ભેટા થવાના?” હીરબાઈ કહે છે, “સાચા હેત-પ્રીત હોય તો હજાર ગાઉથી માણસના મોં-મેળ થાય.” કાલિદાસ ‘અભિજ્ઞાન શાકુન્તલ’ના પાંચમા સર્ગમાં આ જ વાત કરે છે. પાંચમા સર્ગના પ્રારંભે વિદૂષક રાજા દુષ્યંતને કહે છે કે, “મધુર ગીતની સૂરાવલી સંભળાઈ રહી છે, મને શ્રીમતી હંસપદિકા સંગીતનો અભ્યાસ કરી રહ્યા છે.” રાજા આ ગીતનો અર્થ સાંભળતાં કહે છે, “ખરે જ ઈષ્ટજનના વિરહ વિના પણ હું કેમ ભારે અજંપો પામું છું? ખરેખર (તે બીજું કંઈ નથી પણ) તે જન્મજન્માંતરના સંસ્કારરૂપે દ્રઢ થએલા ભાવસંબંધોને, અભાનપણે જ, પોતાના ચિત્ત વડે સ્મરતો હોય છે.” भावस्थिराणि जननान्तरसौह्रदानि । અહીં કાળની થપાટથી પોતાના ભાઈને ગુમાવી ચૂકેલા હીરબાઈને ઓતમચંદના રૂપમાં માડીજાયો ભાઈ મળ્યો હોય તેવાં અદકેરાં હેત અને સુખ પ્રાપ્ત થાય છે. ‘વેળા વેળાની છાંયડી’ નવલકથાનો અડધો ભાગ કીલો કાંગસીવાળો રોકે છે. આમ જુઓ તો આ નવલકથાના બે મુખ્ય પાત્રો છે એક તો ઓતમચંદ શેઠ અને બીજો આ કીલો કાંગસીવાળો. તેની અવાંતરકથા નવલકથાના નિર્વહણમાં અગત્યની બની રહે છે. તે પણ સમતા, ધીરતા, ત્યાગ અને ક્ષમાની જીવંત મૂર્તિ છે. કપૂરશેઠે તેમની દીકરી ચંપાનું પોતાની સાથે નક્કી થએલું વેવિશાળ ફોક કર્યાના સમાચાર મળતાં નરોત્તમ હતાશ થઈ જાય છે. ત્યારે કીલો કહે છે,” હૈયારી રાખ્ય, હૈયારી… એ તો એમ જ હાલે. સંસાર કોને કહે છે? ઘડીક સુખ, ઘડીક દુ:ખ, વળી પાછું સુખ પણ આવે.” “સુખ-દુ:ખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડીએ” એમ ગાતો નરસૈંયો સંભળાય. આ જ રીતે પતિને હિંમત આપતી લાડકોર કહે છે, “દુનિયા આખીમાં કોઈ દેવાળું નહિ કાઢતું હોય? વેપારધંધા કોને કહે! એ તો તડકાછાંયા છે.” (પૃ.૧૧૫) કાલિદાસ ‘મેઘદૂત’ નામના ગીતિકાવ્યમાં કહે છે,” नीचेर्गच्छ त्युपरि व् दशा चक्रनेमिक्रमेण ।।(૪૯) કુબેરના શાપથી યક્ષને તેની પ્રિયાનો એક વર્ષ - પર્યંતનો વિયોગ થાય છે. આથી તે તેના મિત્ર મેઘ સાથે સંદેશો મોકલાવે છે, તેમાં તેની પ્રિયાને હૈયાધારણ આપતાં કહે છે, એકધારું દુ:ખ પણ કોને રહ્યું છે? ચક્રના આરાની જેમ સારી-માઠી દશા ઉપર-નીચે ફર્યા જ કરે છે. તો ભાસરચિત ‘સ્વપ્નવાસવદત્ત’ નાટકમાં વાસવદત્તાને ધાત્રી આવીને રાજા ઉદયનનું પદ્માવતી સાથે સગપણ થયાના સમાચાર આપે છે, તેનાથી તે ભારે આઘાત પામે છે. પણ પછી ગુમાવેલું રાજ્ય પાછું મેળવવા યૌગન્ધરાયણ ઉદયનના વિવાહ મગધરાજ દર્શકની બહેન પદ્માવતી સાથે કરાવે છે, તે જાણી તેના મનનો ભાર હળવો બને છે. મંત્રી યૌગન્ધરાયણ કહે છે,” कालक्रमेण जगत: परिवर्तमाना चक्रारपंक्तिईव गच्छति भाग्यपंक्ति: | આ જગત સતત પરિવર્તશીલ છે. માનવીના જીવનમાં કાળચક્ર બહુ જ મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. પેલી નિયતિ તેના જીવનમાં અનેક ઝંઝાવાતો લાવે છે પરંતુ ત્યારે વ્યથા અનભવવાને બદલે તેને ઉપર-નીચે જતાં એક ચક્રની માફક જોવામાં આવે તો આ જીવન ઓતમચંદ શેઠ, લાડકોર અને કીલા કાંગસીવાળાની જેમ તડકા-છાંયા જેવું લાગશે. ન માત્ર આ મહામના, ઉદાત્ત વ્યક્તિ ચરિત્રો જ, વાઘણિયાના કેટલાંક ગ્રામજનો પણ જીવનને તડકા-છાંયા સમુ લેખે છે. ઓતમચંદ શેઠની વેપારમાં પડતી થએલી જોઈને વિઘ્નસંતોષીઓ રાજ થતાં હતાં, ત્યારે કોઈ કોઈ સમદુખિયા જીવો આપત્તિ અંગે સહાનુકમ્પા દર્શાવતાં હતાં, “આ તો તડકા-છાંયા છે. આવે ને જાય. કદીક સાત ભાતની સુખડી તો કદીક સૂકો રોટલો. એનો હરખ પણ ન હોય ને અફસોસ પણ ન હોય. સમતા એ સાચું સુખ સમજવું.” (પૃ.૭૭) અને એટલે જ દરેક બાબતમાં ઓતમચંદ ‘હરિની ઈચ્છા’ જુએ છે. તેમની નિશ્ચિંતતા આ શ્રદ્ધામાં છે. શૂદ્રકરચિત ‘મૃચ્છકટિકમ્’માં નાયક ચારુદત્ત પણ દરિદ્ર થઈ જતાં આમ જ કહે છે:

सत्यं न में विभवनाशकृतास्ति चिन्ता |
भाग्यक्रमेण हि धनानि भवन्ति यान्ति ॥

(અર્થાત્ ખરેખર વૈભવનો નાશ થવાની મને ચિંતા નથી. કારણ કે ધન ભાગ્યના ક્રમાનુસાર આવે છે અને જાય છે.) અહીં પણ નીચે ગએલું નિયતિનું ચક્ર ફરી ઉપર આવે છે. કીલા કાંગસીવાળાની વોટસનસાહેબ તેના પિતા હેમતરામ કામદારની જગ્યાએ અમલદાર તરીકે નિમણુંક કરે છે. આથી પારસી મંચેરશા તેની રમકડાંની રેંકડીનું શું થશે, તેવી પડપૂછ કરે છે, ત્યારે કીલો કહે છે, “રેંકડી તો ફરતી જ રહેશે. દાવલશા ફકીર ફેરવશે.” ફરી મંચેરશા કહે છે, “તને રેંકડીનો મોહ છૂટ્યો નહીં.” (પૃ.૨૮૭) એટલે કીલાએ સમજાવ્યું કે, “નહિ જ છૂટે; ને છોડવોય નથી. અમલદારી તો આજ છે ને કાલે ન હોય. પણ રેંકડી તો કાયમ રોટલા આપે. તમે તો રજવાડામાં જ ઊછર્યા છો, એટલે જાણો છો કે ઉતર્યો અમલદાર કોડીનો. હું પણ હોદે્થી ઉતરું તો પાછો રેંકડી ઉપર બેસી જાઉં. બાકી આ બધાં માનપાન કીલાને નથી મળતાં, કીલાના હોદા્ને મળે છે… મારા બાપુ કહેતા કે સિપાઈને નહિ, સિપાઈની લાકડીને માન છે.” (પૃ.૨૮૮) આ જ માન-સન્માનની વાત કીલો જ્યારે ઓતમચંદ શેઠને કરે છે, ત્યારે તેઓ પણ આમ જ કહે છે, “મારાં નહિ, મારી ઘોડાગાડીના, જેમ અમલદારને નહિ પણ અમલદારની લાકડીને સલામ ભરાય છે. એના જેવું જ આ છે. હજી કાલે સવારે જ હું ઉઘાડે પગે ટાંટિયા ઘસતો અહીંથી નીકળતો, ત્યારે કોઈ ભાવ પણ નહોતું પૂછતું.” ખરેખર મનુષ્યોની મોટાઈ કે હલકાઈ તેમના સ્થાન કે આશ્રયને કારણે અંકાતી હોય છે. જેમ વિંધ્યાચળ પર્વત પર રહેલા હાથીઓ મોટા લાગે ને તે જ હાથીઓ દર્પણમાં નાના લાગે.

आश्रयवशेन सततं गुरुता लघुता च जायते पुंसाम् |
विन्ध्ये विन्ध्यसमाना: करिणो बत दर्पणे लघव: ॥ [૧૧]
(સંસ્કૃત સુભાષિત મંજરી, સ્થાનનો મહિમા)

ઓતમચંદ શેઠ અને કીલો બંન્ને એટલે જ પુન: સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થતાં છકી જતાં નથી. ફકીરી હોય કે અમીરી, તેમની જાહોજલાલી તો આંતરિક સંપદા છે. સત્વશીલતાનું આ ઐશ્વર્ય કોઈ છિનવી શકતું નથી. તેમનામાં રહેલું આ સંવિત્ જ શત્રુને પણ ક્ષમા આપવાનું સામર્થ્ય બક્ષે છે. આ અમૃત જ કીલાના પિતા હેમતરામને અજિતસિંહ ઉર્ફે ‘અજુડા’ના બાપે આપેલા ઝેરને પચાવી શકે છે. અજુડાએ આપેલા સોનેરી સાફા અને મીઠાઈની ટોપલી પાછી ઠેલવાને બદલે તે લઈ લે છે. આ સ્વીકારમાં તેના દિલની વિશાળતા દૃષ્ટિગોચર થાય છે. તે મંચેરશાને કહે છે, “ગઈ ગુજરી હવે યાદ ન કરાય. જે થવાનું હતું તે થઈ ગયું. જૂનાં વેરઝેર સંભારવાથી શું ફાયદો?” અહીં ‘શમે ન વેર વેરથી’ એવું બૌદ્ધદર્શન જોઈ શકાય છે. ભાસરચિત ‘ઉરુભંગ’ એકાંકીમાં કુરુક્ષેત્રના રણમેદાનમાં ઘાયલ દુર્યોધનને ભીમ સામે બલરામને કહે છે, ‘વૈરં ચ વિગ્રહકથાશ્ચ વયં ચ નષ્ટા:|’ મૃત્યુની સાથે અમે અને વેર પણ નાશ પામ્યું. કીલાના આવા નિર્વૈર ચિત્તમાં કરુણાનું ઝરણું વહેતું હતું. આજીવન બ્રહ્મચારી રહેવાની ટેક લેનારા આ કીલાએ જૂઠાકાકાની દીકરીનો હાથ ઝાલવાનું નક્કી કરી લીધું હતું. અપાસરાના મુખીએ જૂઠાકાકાની ગભરુડી ગાય જેવી દીકરીને ઘઉં વીણવા, તો કદીક પાપડ વણવા બોલાવી, ભોળવીને શીલભંગ કરી હતી. પોતાની આ મનોવેદના ઠાલવતાં જૂઠાકાકાને કીલો કહે છે, “જિંદગીમાં તો ઘણાય ખાડાખાબડા આવે. એકાદ ઠેકાણે પગ લપસી જાય, ને માણસ અંદર પડી જાય, તો એને હાથ ઝાલીને ટેકો આપીને બહાર કાઢવો જોઈએ. ખાડામાં પડેલાને માથે, મડદાંની જેમ ધૂળ વાળીને ઢાંકી ન દેવાય. જીવતા માણસમાં ને મરેલા માણસમાં આટલો જ ફેર.” (પૃ.૩૪૧) કીલો માત્ર વાત કરીને અટકી જતો નથી. આચારધર્મ કરતાં હ્રદયધર્મને આગળ કરતો, જૂઠાકાકાની દીકરીનો હાથ ઝાલે પણ છે. આમ, અહીં માણસને જિવાડવાની અને તારવાની વાત છે. કોઈકનું કલંક પોતાના પર ઝિલવાની ઝિંદાદિલી છે. કીલાનું જીવન જ પરાર્થે છે.

आत्मार्थ जीवलोकेस्मिन्को न जीवति मानव: |
परं परोपकारार्थ यो जीवति स जीवति ॥ [૬]
(સંસ્કૃત સુભાષિત મંજરી, પરોપકાર પ્રશંસા)

(અર્થાત્ આ જીવલોકમાં પોતાના માટે ક્યો માનવ નથી જીવતો; પરંતુ જે પરોપકાર માટે જીવે છે, તે જ ખરું જીવે છે.) કીલોના આ પડેલાનો હાથ ઝાલવાના ઉમદ કાર્યમાં માનવતાનું ઉત્તુંગ શિખર દૃશ્યમાન થાય છે. આ જ રીતે ઓતમચંદ શેઠ પોતાનો જીવ બચાવ્યો હોવાનો આભાર માને છે ત્યારે હીરબાઈ કહે છે, “સંધુય કરતો કારવતો તો ઉપરવાળો કિરતાર છે. એના હુકમ વિના ઝાડનું પાંદડુંય નથી હાલતું. આપણી કાળા માથાના માનવીની શી મજાલ છે!” (પૃ.૧૫૭) અહીં હીરબાઈ, “હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન તાણે઼” એમ નરસૈંયાનું પદ જ જાણે ગાતા હોય તેમ સંભળાય છે! તો તેનું અન્ય એક પદ કે, “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પર દુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.” કીલો નરોત્તમને લઈને અપાસરે જતો હતો ત્યારે બજારમાં પાનવાળો, રેંકડીવાળો વગેરે મળે છે અને તેની મશ્કરી કરે છે: “એલા અટાણના પહોરમાં શું વેચવા નીકળ્યો છે?” કીલો કહે છે, “આ કૌતુક જોયું ને મોટા, કે સંધાય જનાવરનાં નાણાં ઉપજે છે માત્ર માણસના નાણાં જડતાં નથી. મીઠીબાઈ સ્વામી વખાણ વાંચતાં કહે છે, પણ હું તો નજરોનજર જોઉં છું કે માણસ જેટલું સોંઘું જનાવર બીજું કોઈ નથી.” વળી, આગળ કહે છે, “મોટા, આપણે મન ગમે તેટલી મમત કરીએ, હુંપદ સેવીએ, પણ કાયા તો કાચનો કૂપો છે… મીઠીબાઈ દૃષ્ટાંત આપશે એટલે તને સમજાશે કે ચામડે મઢેલા હાડકાંના માળખાની બહુ મમત કરવી સારી નથી.” અહીં દેહની નશ્વરતામાં જૈનદર્શન રહેલું છે તો આદિ ગુરુ શંકરાચાર્યે ‘ચર્પટપંજરિકા’ સ્તોત્રમાં દર્શાવેલી કમળપત્ર પરના ઝાકળબિંદુ જેવી મનુષ્યજીવનની ક્ષણભંગુરતા રહેલી જણાય છે.

दिनामपि रजनी सायं प्रातः शिशिरवसन्तौ पुनरायात: |
कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्या शावायु: ॥૧॥

ઓતમચંદ શેઠ, કીલો, હીરબાઈ જેવા પાત્રો ભારતીય સંસ્કૃતિના જાણે કે રખેવાળ બની રહ્યા હોય તેમ તેનું નિરૂપણ થયું છે. એટલે તો ઓતમચંદ શેઠ એટલા તો નમ્ર થઈને રહે છે કે લાડકોર તેમને એક વાર અકળાઈ જઈને કહે છે, “નાનાભાઈએ ફાંટ ભરીને રૂપિયા ઠાલવ્યા, તોય તમે તો નરમ ઘેંશ જેવા રિયા!” ત્યારે ઓતમચંદે પોતાની ફિલસૂફી સમજાવતાં કહ્યું, “બાવળમાં ને આંબામાં આટલો જ ફેર: બાવળમાં કાંટા વધે એમ એ ઊંચો ને ઊંચો વધતો જાય. આંબે મોર બેસે ને લેલૂંબ ફાલ આવે એમ એ નીચો ને નીચો નમતો જાય.” (પૃ.૩૫૬)

भवन्ति नम्रास्तरव: फलोद्रमै: नवाम्बुभिर्भूरिविलम्बिनो घना:।
अनुद्धता: सत्पुरुषा: समृद्धिभि: स्वभाव एवैष परोपकारिणाम् ॥ [૧૧]
(સંસ્કૃત સુભાષિતમંજરી, પરોપકાર પ્રશંસા)

તો ચૈતન્ય મહાપ્રભુએ તેમના ‘દશ શ્લોકી’ નામના સ્ત્રોત્રમાં “તૃણાદપિ સુનીચેન, વૃક્ષાદપિ સહીષ્ણુના”, તૃણથી પણ વધુ નમ્રતા અને વૃક્ષથી પણ વધુ સહનશીલતા, એવા ભક્તજનના લક્ષણો દર્શાવ્યાં છે, તે ઓતમચંદ, હીરબાઈ અને કીલાના લોહીમાં સહજપણે જ વહેતાં રહ્યાં છે. ઓતમચંદ શેઠને તો વિનમ્રતા, સહીષ્ણુતા અને સમતાની સાથે સાથે સંતોષરૂપી ધન પણ પ્રાપ્ત થયું છે. ગામતરે જવા માટે આપાભાઈ કાઠી સાથે ઘોડીનું નક્કી કરી મોડેથી ઓતમચંદ જમવા બેઠા ત્યારે લાડકોર હોંશે હોંશે લાપસી પીરસવા માંડી,પણ ઓતમચંદ તેની પાસે રોટલો માગે છે અને કહે છે, “પહેલાં રોટલો ને મિષ્ટાન્ન -મિષ્ટાન્ન તો આજ છે ને કાલે નથી. એટલે જ માણસ ભગવાન પાસેથી લાપસી-લાડવા નથી માગતો પણ સૂકોપાકો રોટલો માગે છે. બિરંજ કે બાસુંદી નહીં પણ શેર બાજરી જ માગે છે. ને જિંદગીમાં શેર બાજરી જડતી રિયે એના જેવું સુખ બીજું ક્યાં?” (પૃ.૨૩૮) ઓતમચંદ શેઠ અહીં પેલા વનમાં રહેતા અને વલ્કલોથી સંતોષ માનતા, ફળફૂલ અને કંદમૂળથી જીવન પસાર કરતાં ઋષિમુનિઓની વાણી બોલતા જણાય છે:

वयमिह परितुष्टा वल्कलैस्तवं च लक्ष्म्या
सम ईह परितोषो निर्विशेषो विशेष: |
स हि भवति दरिद्रो यस्य तृष्णा विशाला
मनसि च परितुष्ट कोऽर्थवान्को दरिद्र: ॥
(સંસ્કૃત સુભાષિતમંજરી, સંતોષ પ્રશંસા)

(અર્થાત્ અમે અહીં વનમાં રહેનારા વલ્કલોથી સંતોષ માનીએ છીએ અને તમે લક્ષ્મીથી સંતોષ માનો છો. એ રીતે બંને બાબતો જુદી હોવા છતાં પણ મનનો સંતોષ એકસરખો જણાય છે. ખરેખર જેની તૃષ્ણા વિશાળ હોય છે, તે મનુષ્ય જ દરિદ્ર ગણાય છે. જ્યારે મન સંતુષ્ટ હોય ત્યારે કોણ અમીર અને કોણ ગરીબ?) આ તો થઈ મુઠ્ઠી ઊંચેરા માનવીઓની વાત, પરંતુ મડિયા તો સામાન્ય માણસમાં રહેલા સદ્ગુણોને પણ બહાર લાવે છે. જેમ ભાસ દુર્યોધન જેવા દુષ્ટનું પણ હ્રદય પરિવર્તન કરાવી તેને સુયોધન બનાવે છે. એટલે તો મહાભારત આધારિત ‘ઉરુભંગ’ એકાંકીમાં દુર્યોધન તેની અંતિમવેળાએ વેર અને વિગ્રહની કથા સમાપ્ત કરે છે. અહીં પણ મડિયા સમરથ અને મકનજી મુનીમનું હ્રદય પરિવર્તન થતું દર્શાવે છે. લાડકોર તેના ભાણેજ બાલુના લગ્નપ્રસંગે દકુભાઈના ઘરે ઈશ્વરિયા જાય છે. ઘણાં સમયે ભાભી સમરથને મળતાં તે મશ્કરીએ ચડે છે. પરંતુ સમરથનું હૈયું તો કોથળી પ્રકરણ અંગે પ્રાયશ્ચિતની આગમાં સળગતું હતું. બાલુ સિક્કાની કોથળી તેલના ખાણિયાની પાળ પર મૂકીને બહાર ગયો હતો. એવામાં બે મીંદડા ઝઘડતાં ઝઘડતાં ત્યાં આવ્યાં. સમરથ ત્યારે રસોડામાં હતી. આ બે મીંદડાની લડાઈને કારણે કોથળી તેલના ખાણિયામાં જઈ પડી. બરાબર ત્યારે જ એક મજૂર તેલનો ડબો લઈને આવ્યો. તેણે ડબો રેડવા અંગે પૂછતાં સમરથે ખાણિયામાં રેડી દેવાનું કહ્યું એટલે તે કોથળી કાળામેંશ ઊંડા ખાણિયાના અંધારામાં દટાઈ ગઈ. આ વાત સમરથના મોંએથી સાંભળી સાચી વાતથી બેખબર લાડકોર તો હર્ષભેર કહે છે, “નસીબદાર કે એમ કરતાંય નાણું સચવાઈ રહ્યું. ત્યારે સમરથ કહે છે, “નાણું સચવાઈ રહ્યું પણ સારપ લૂંટાઈ ગઈ.” અને પછી અનાયાસે જ એના હૈયાની વાત હોઠે આવી ગઈ, “આ ખાણિયે રૂપિયા સંઘરી રાખ્યા પણ ઘરની ખાનદાની ખાલી કરાવી નાખી.” (પૃ.૩૯૯) આમ, અહીં દકુભાઈ જેવા શઠ માણસ સાથે રહેતી હોવા છતાં સમરથમાં પશ્ચાતાપનું પવિત્ર ઝરણું ફૂટી નીકળતાં તે ઓતમચંદ પર મૂકવામાં આવેલા ચોરીના આળને કબૂલ કરે છે. અંતે તો સમરથ પણ સંપત્તિ કરતાં સારપ અને ખાનદાનીને જ આગળ ધરે છે. આ જ રીતે મુનીમ મકનજીને પણ તેનું પાપ ડંખે છે. તે કપૂરશેઠને કહે છે, “જિંદગીમાં આજે પહેલીવાર સાચું બોલું છું, તો બોલી લેવા દો. પાપનું પ્રાછત કરી લેવા દો.” “શેનું પાપ ને શેનું પ્રાછત વળી?” “મેં તમને છેતર્યા છે. દકુભાઈનો છોકરો તો પહેલેથી જ કબાડી હતો… પણ મેં તમને ભરમાવ્યા ને જસીનું સગપણ કરાવેલું.” (પૃ.૩૪૧) પોતાની દીકરીનો ભવ બગડશે એમ લાગતાં કપૂરશેઠને નિસાસો નાખતા જોઈ મુનીમ જ બગડી ગએલી બાજી સુધારી લેવાનું કહે છે અને પાદરમાંથી જ જાનને પાછી વાળવાનો રસ્તો સૂઝાડે છે. આમ, જસીનો ભવ બગડતો બચાવી પોતાના પાપનું પ્રાયશ્ચિત કરે છે. આ રીતે પાત્રોનું થતું પરિવર્તન અંતે તો મનુષ્યમાં રહેલી સારપની જીત થતી દેખાડે છે.આમ, પ્રસ્તુત નવલકથામાં શીલ, કુલીનતા, સમતા, ક્ષમા, ઉદારતા,નમ્રતા, પરોપકાર, સંતોષ જેવા ગુણોનો ઉત્કર્ષ થતો જોવા મળે છે. પુરૂષાર્થનો મહિમા અને નિયતિની અપરિહાર્યતા પણ જોવા મળે છે. તો ખંત અને શ્રદ્ધાના બળે ઉ.જો. કહે છે તેમ જે કંઈ પ્રાપ્ત થયો ઉપાધિયોગ તેને સમાધિયોગમાં પલટાવ્યો છે. અહીં સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્ ચરિતાર્થ થતાં હોવાથી મડિયાએ જાણે કે નવલકથારૂપે ભારતીય દર્શનને રજુ કર્યું છે. વેદ, ઉપનિષદ, ગીતા, મહાભારત, જૈનદર્શન, બૌદ્ધદર્શન, ગાંધીદર્શન, ટોલ્સટોય ચિંતનની સાથે વ્યવહાર દર્શન પણ વણી લેવામાં આવ્યું છે. વાસ્તામાં પહેરવા માટે મોહનમાળા માગતી ભાભી સમરથને લાડકોર શિખામણ આપે છે, “કોઈની મેડી જોઈને ઝૂંપડું પાડી ન નખાય.” (પૃ.૩૧) કે “ઉકરડી દેખે ત્યાં સહુ કચરો નાખવા જાય”. (પૃ.૩૮) તો કાઠિયાવાડી પરિવેશમાં લોકસંસ્કૃતિ ધબકતી જોવા મળે છે. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસ, ભાસ, શૂદ્રક વગેરે સતત ઉપર અને નીચે જતાં ભાગ્યચક્રની વાત કરે છે. તો અહીં પણ મડિયા આ તો તડકા-છાંયા છે, જેવી ધ્રુવપંક્તિ તેમની આ નવલકથારૂપી મહાકાવ્યમાં મૂકે છે. તેવું પુનરાવર્તન આપણને જરાપણ ખટકતું નથી઼ કેમકે આ પુનરાવર્તન મનુષ્યજીવનની અવશ્યંભાવિતા અને પરિવર્તનશીલતાને દ્યોતિત કરે છે. નવલકથાના પ્રારંભે કોયલને ટહુકતી દર્શાવી છે તો અંતમાં પણ નરોત્તમની સાથે ચંપા નામની કોયલને ટહકુતી દર્શાવી જીવનનાફલક પર પાનખર પછી આવતી વસંતના વાસંતી રંગો ઢોળ્યા છે. ભારતીય દર્શન હંમેશા આશાવાદી રહ્યું છે. ‘વેળા વેળાની છાંયડી’ નવલકથાનો અને મનુષ્યના જીવનનો સાચો રંગ ક્યો? નરોત્તમ કીલા કાંગસીવાળા વિશે પણ આ જ પ્રશ્ન કરે છે, “પચરંગી રમકડાં વેચનારા આ માણસના જીવનનો સાચો રંગ ક્યો? કેસરિયો કે ભગવો? કંકુ કે આસકા?” આ પ્રશ્નનો જવાબ નીચેના આ શ્લોકમાં રહ્યો છે.-

उदये सविता रक्तो रक्तश्चास्तमये तथा |
संपतौ च विपतौ च महतामेकरूपता ॥ [૧૯]

(સંસ્કૃત સુભાષિતમંજરી, સજ્જન પ્રશંસા) સૂર્ય ઉદયકાળે રાતો હોય છે, તેવો જ અસ્તકાળે પણ રાતો હોય છે. ખરેખર, સંપત્તિકાળે અને વિપત્તિકાળે મહાપુરુષોમાં એકરૂપતા હોય છે.


એતદ્, એપ્રિલ-જૂન, ૨૦૨૨, પૃ.૯૩થી ૧૦૫