નારીસંપદાઃ વિવેચન/સાઠીના સાહિત્યનું દિગ્દર્શન

From Ekatra Wiki
Revision as of 01:01, 16 March 2024 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <big><big>'''૩૯'''</big></big> <center><big><big>'''ઇતિહાસઆલેખનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ'''</big><br> પારુલ કંદર્પ દેસાઈ</big></center> {{Poem2Open}} ગુજરાતી સાહિત્યના વિવિધ ઇતિહાસનો ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે મધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૩૯

ઇતિહાસઆલેખનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ
પારુલ કંદર્પ દેસાઈ

ગુજરાતી સાહિત્યના વિવિધ ઇતિહાસનો ઇતિહાસ તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું તેનો ઇતિહાસ તે યુગના ચારસો વર્ષ દરમ્યાન કોઈએ લખ્યો નથી. ઇતિહાસલેખનની સભાનતા કે સૂઝ એ જમાનામાં કેળવાઈ ન હતી. અર્વાચીન યુગમાં નર્મદ અને દલપતરામ પાસેથી મધ્યકાલીન કવિઓ વિશે પરિચયલેખો મળે છે, પણ તેને ઇતિહાસ-લેખન તરીકે ઓળખાવી-સ્વીકારી શકાય તેમ નથી. ઈ.સ. 1894માં પ્રસિધ્ધ થયેલો ગોવર્ધનરામનો દીર્ધ નિબંધ ‘કલાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઈન્ફ્લુઅન્સ ઓન સોસાયટી એન્ડ મોરાલિટી’માં મધ્યકાલીન સાહિત્યનો ઇતિહાસ આપવાની સભાનતા જોવા મળે છે. અર્વાચીન સાહિત્યના ઇતિહાસ આલેખનનો સૌ પ્રથમ સંનિષ્ઠ પ્રયત્ન ડાહ્યાભાઈ પી. દેરાસરીના ગ્રંથ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં જોવા મળે છે. ગુજરાત વર્નાકયુલર સોસાયટીની સ્થાપના (૬ ડિસેમ્બર, ૧૯૪૮) ને આઠ વર્ષ પૂરા થતાં હીરક મહોત્સવની ઉજવણી નિમિત્તે ‘સાહિત્યને લગતા અમુક ખાસ કાર્યો કરવાની’ યોજના અન્વયે તેમને ઇતિહાસ ગ્રંથલેખનનું કાર્ય સોંપાયું હતું. તેની પ્રથમ આવૃત્તિ ઈ.સ. ૧૯૧૧ માં પ્રકાશિત થઈ છે અને ઈ.સ. ૧૯૬૯માં તેનું પુનર્મુદ્રણ થયું છે. દેરાસરી આ ગ્રંથમાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અને વીસમી સદીની શરૂઆતના એટલે કે ઈ.સ. ૧૯૪૮થી ઈ.સ. ૧૯૦૮ સુધીનાં આઠ વર્ષના સમયગાળાના સાહિત્યને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યથી તપાસે છે. અર્વાચીન કવિતાના સર્જક દલપત-નર્મદથી માંડીને પંડિત યુગના કેટલાક સાહિત્યકારોની સર્જન પ્રવૃત્તિને આ સમયખંડ આવરી લે છે. જોકે દેરાસરીને ‘સાહિત્ય’ સંજ્ઞાનો હાલ મર્યાદિત થયેલો અર્થ અભિપ્રેત નથી. આરંભે જ તેઓ સ્પષ્ટ કરે છે કે “અમારી પ્રતિજ્ઞા ઈ.સ.૧૯૦૮ ની પૂર્વેના સાઠ વર્ષમાં ઉદ્ભવેલા ગુજરાતી સાહિત્યનું અવલોકન કરવાની છે. આ વિષયને અંગે” ‘સાહિત્ય’ શબ્દ એના વિસ્તૃત અર્થમાં વાપર્યો છે. જુદા જુદા વિષય પર ગુજરાતી ભાષામાં લખાયેલાં પુસ્તકો જે આ ભાષામાં પ્રગટ થયાં છે અને જેને લીધે ગુજરાતી ભાષાના ભંડોળમાં વધારો થયો છે એ બધાનું વિવેચન કરવું ઈષ્ટ છે.” તેમની આ માન્યતાને કારણે ‘સાહિત્ય’ સંજ્ઞા તેમણે અત્યંત વ્યાપક અર્થમાં - કહી શકાય કે માનવવિદ્યાઓનાં સઘળાં ક્ષેત્રોને સમાવી લે તેવા અર્થમાં લીધી છે. એટલે સાહિત્યિક પ્રવૃત્તિઓ ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, ધર્મ, તત્વજ્ઞાન, ભાષા, કોશ, પિંગળ, અલંકારશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, કેળવણીશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, પ્રકૃતિશાસ્ત્ર, પ્રકૃતિવિજ્ઞાનો-એમ લગભગ બધાં જ ક્ષેત્રોના પુસ્તકો અને તેના લેખકોનો તેમણે અહીં સમાવેશ કર્યો છે. આમ પણ આપણે ત્યાં ‘સાહિત્ય’ સંજ્ઞા ઘણાં લાંબા સમય સુધી સમગ્ર લેખનના અર્થમાં વપરાતી હતી. આપણા પ્રખ્યાત વૈદ્ય બાપાલાલ વૈદ્ય અને ચિત્રકાર સોમાલાલ શાહને રણજિતરામ સુવર્ણચંદ્રક મળેલો છે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનોમાં પણ સાહિત્ય ઉપરાંત શિક્ષણ, પત્રકારત્વ, ઈતિહાસ, પુરાતત્વ, સમાજવિદ્યા, રંગભૂમિ, કલા, વિજ્ઞાન, સંશોધન જેવા કેટલાક વિભાગોની યોજના થતી પણ સમય જતાં અન્ય વિભાગોની સ્વતંત્ર પરિષદો અસ્તિત્વમાં આવતા આ વિભાગોની સંખ્યા ઓછી થતી ગઈ. આ ઉપરાંત દેરાસરીએ આ ગ્રંથમાં શાળાપયોગી પુસ્તકો અને તેમાં પ્રયોજાયેલા ગદ્યની નોંધ લીધી છે તો જૈનસાહિત્ય વિશે તેમ જ તે સમયના સામયિકો, પત્રો, છાપખાનાંઓ વગેરેની માહિતી આપી છે. ટૂંકમાં દેરાસરીનો આ સર્વાશ્લેષી પ્રયત્ન છે. ‘સાહિત્ય’ સંજ્ઞા નીચે અર્વાચીન સમયનાં સાંસ્કૃતિક, સાહિત્યિક, સમાજિક સમગ્ર પરિબળોનો આલેખ અહીં મળે છે. સાહિત્યનો વિકાસ સમજવા માટે સર્જનની સમાંતર ચાલતી અને કયારેક તો પોષક નીકવડી આ પ્રવૃત્તિઓ ઉપકારક બની રહે છે. નવ્ય ઈતિહાસવાદના સંદર્ભે પણ જોઈ શકાય કે આ પ્રકારની સામગ્રીનું કેવું ઊચું વિદ્યાકીય મૂલ્ય છે !” આરંભના પ્રયત્નોમાંનો એક હોવા છતાં આ ગ્રંથમાં એક સુવ્યવસ્થિત આયોજન જોવા મળે છે. તેમના મનમાં પુસ્તકની યોજના વિશે એક સ્પષ્ટ વિચારણા હતી. એટલે સામગ્રીના સંપાદન-સંયોજનમાં તેમની આગવી સૂઝ-સમજ જોઈ શકાય છે. તેમણે સામગ્રીને બે ખંડમાં વહેંચી છે. પ્રથમ ખંડના પાંચ પ્રકરણોમાં એમણે ‘સાઠીની સાક્ષર પ્રવૃત્તિ’ એ શીર્ષક હેઠળ સાઠી પૂર્વેની શિક્ષણ અને સાહિત્યની સ્થિતિનો પરિચય આપ્યો છે ને ક્રમશઃ એ સ્થિતિમાં પલટો લાવનારાં પરિબળો અને પ્રવૃત્તિઓનું અવલોકન કર્યું છે. દ્ધિતીય ખંડ ‘સાઠીનું વાડ્મય’ના દસ પ્રકરણો અને બે પૂરવણીઓમાં વિવિધ વિષયો અને વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોનાં અવલોકનો અને છેવટે સામયિકો અને છાપખાનાની માહિતી આપી છે. આરંભે પોતાની અભિગમ સ્પષ્ટ કરતા નોંધેલી બે-ત્રણ બાબતો ઘણી મહત્વપૂર્ણ અને પ્રસ્તુત છે. એક તો, ઇતિહાસ વીતેલા સમયની સાથે વર્તમાન-સાંપ્રતનો અનુબંધ રચી આપે છે. વર્તમાનનો પ્રત્યેક ખંડ વિગત અને સાંપ્રત સંદર્ભે સંધિકાળ બનતો હોય છે. દેરાસરી પરંપરાનું, ભૂતકાલીન પીઠિકાનું મહત્વ બરાબર સમજે છે એટલે નોંધે છે “....પણ આ આનંદદાયક વિષયનો આરંભ કરીએ તેની પૂર્વે આ સાઠ વર્ષની પહેલાં ગુજરાતી સાહિત્યની સ્થિતિ કેવી હતી એ જાણવું આવશ્યક છે. ગમે તેવાં પણ પ્રથમનાં પુસ્તકો, ગમે તેવી પણ પ્રથમની રીતિઓ અને ગમે તેવો પણ પ્રથમનો અભ્યાસક્રમ જાણવાની ખાસ જરૂર છે” આની અનિવાર્યતા સમજાવતા દેરાસરી જે કારણો આપે છે તેમાં તુલનાત્મક અભિગમ જોઈ શકાય. “એથી પૂર્વસ્થિતિનું ભાન થઈ હાલની તુલના કરી શકાય. જૂનામાં શું શું હતું, નવામાં શો શો ફેરફાર થયો છે. વગેરે સરખામણી કરવાથી હાલની વસ્તુસ્થિતિનું ભાન થઈ વિચાર કરી શકાય. આવા ઉદ્દેશથી જ માત્ર અમે ઉપર કરેલા સાઠ વર્ષના કાળની પૂર્વની કેટલીક હકીકત કહેવા પ્રવૃત્ત છીએ” બીજા ખંડની શરૂઆતમાં તેઓ પોતાના અભિગમને સ્પષ્ટ કરતા નોંધે છે : “આ લઘુગ્રંથની ગોઠવણી કાળ પ્રમાણે નહીં થાય. પુસ્તકોના વિષયવાર ભાગ પાડી નાંખીને દરેક વિષયને અનુસરીને તેમાં લખાયેલા માત્ર જાણવાલાયક પુસ્તકોના ગુણદોષની ટૂંકી નોંધ લઈશું”(૪)[1] ઉચિત રીતે જ દેરાસરી સિલેક્ટીવ બન્યા છે. ઇતિહાસકારનો ધર્મ છે કે તે ચાળણી કરી આપે. ઇતિહાસ એ કોશ નથી કે એ સમયમાં લખનારાં બધાં જ લેખકોનો સમાવેશ થાય. ઇતિહાસમાં એટલું જ સચવાય છે જે મૂલ્યવાન હોય છે. જો કે મૂલ્યવાન સંજ્ઞા સાપેક્ષ છે. એટલે જ ઇતિહાસ લેખક સારા-નરસાનો વિવેક કરી શકે એવો દૃષ્ટિવંત હોય એવી અપેક્ષા રહે છે. દેરાસરીમાં વ્યાપક આકલનશક્તિ અને સૂક્ષ્મ અવલોકનશક્તિ છે. તેઓ માત્ર કૃતિ કે સર્જકને નથી તપાસતા પરંતુ એ કર્તા અને કૃતિના ઘડતર-સર્જનમાં તત્કાલીક સામાજિક-સાંસ્કૃતિક, આર્થિક પરિબળોએ કેવો ભાગ ભજવ્યો છે તેની પણ તપાસ કરે છે. ત્રીજું, દેરાસરી પ્રસ્તાવનામાં એક મહત્વનો મુદ્દો નોંધે છે : “જે સમયમાં પ્રગટ થયેલા સાહિત્યનું આ પુસ્તકમાં દિગ્દર્શન થાય છે તે સાઠી એટલે સાઠ વર્ષનો છતાં ટૂંકો છે એટલું જ નહીં પણ બહુ પાસેનો છે. આમ હોવાથી અમારો એકલાનો આધીન અભિપ્રાય આપવા ધૃષ્ટતા કર્યા કરતાં તેમના પ્રગટ થવાના કાળમાં તે પુસ્તકોને માટે શું કહેવાયું હતું અને તેમની કેવી કિંમત અંકાઈ હતી તે પણ જણાવવાની કાળજી રાખી છે.” પ્રથમ ખંડના આરંભે સાઠી પૂર્વેના સમયની ગતિવિધિ વર્ણવતા સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષીણ થઈ ગયેલા પ્રવાહનું વાસ્તવિક ચિત્ર આપે છે. છાપખાનાનો અભાવ, લહિયાઓ દ્વારા હસ્તપ્રતોની નકલો કરાવવાનું કષ્ટદાયક કામ, સાહિત્યના પ્રસાર માટેનું એકમાત્ર માધ્યમ આખ્યાન ગાતા વ્યાસજીઓ - અને એ પણ કેવા? પિંગળ રીતે છંદ, કવિતા કરી ન જાણે; પોતા તણા પ્રબંધ રાગડા તાણે. અંગ્રેજ રાજ્યઅમલમાં નિશાળો સ્થપાઈ અને વ્યવસ્થિત શિક્ષણપદ્ધતિ ગોઠવાઈ તે અગાઉ પંડયાઓ અને મહેતાજીઓ ઓટલા પર નિશાળ ચલાવતા. “છોકરાઓ સામે ધૂળ ઉપર પોતાથી વધુ શીખેલા છોકરાઓના જોડિયા થઈને સામસામી બેસતા... જુદું જુદું ભણનાર અને જુદી જુદી ઉમ્મરના દરેક છોકરાના જુદા જુદા સૂરના ઘાંટાથી નિશાળમાં કાન પડયું સંભળાતું નહીં. આળસુ અગર વાતચીત કરતા છોકરા તરફ મહેતાજી નામ દઈને દડી ફેંકતા કે બિચારા છોકરાનાં મોંતિયા મરી જતાં. દડી લઈને મહેતાજી આપવા જવી પડતી. તે મહેતાજી પોતાના તે વખતના મિજાજ પ્રમાણે વધતી ઓછી સજા કરતા. નિશાળનું કામ મંદ ચાલતું હોય તો મહેતાજી સોટી લઈને આખી નિશાળમાં ફરી વળી પાંચ-પચીસ છોકરાઓને શિક્ષા કરી દેતા કે તરત નિશાળનું કામ તેજ થઈ જતું”(૫)[2]લગભગ સાડા ત્રણ પાનાં સુધી વિસ્તરેલા આ વર્ણનમાં શિક્ષણમાં ફેલાયેલી અરાજકતા, મહેતાજીઓની લાલિયાગીરી અને પ્રજામાં રહેલો જોવા મળતો જાગૃતિનો અભાવ જોઈ શકાય છે. કેળવણીને માપદંડ બનાવીને દેરાસરી પ્રજાને ચાર વર્ગમાં વહેંચે છે : ૧. પંડિત અને વિદ્વાન કે જેઓ સંસ્કૃત, ફારસી કે અરબીનો અભ્યાસ કરતા. બ્રાહ્મણો પોતાની ઉપજીવિકા માટે વિશેષ સંસ્કૃતનો તો મુત્સદીવર્ગના દીકરીઓ ફારસી કે અરબી શીખતા. એક મહત્વનો ઉલ્લેખ અહીં મળે છે કે તે સમયે નાગરોમાં ફારસી અને ઉર્દુનો સારો અભ્યાસ કરતી બહેનો પણ હતી. ૨. બહુશ્રુત લોકો સામાન્ય રીતે વ્રજભાષાનો અભ્યાસ કરતા. વ્રજભાષાના ‘પ્રેમસાગર’, ‘માનમંજરી’ વગેરે શિષ્ટ ગ્રંથો શીખતા. થોડું સંસ્કૃત શીખીને વાતચીતમાં સંસ્કૃત શ્લોક અને સુભાષિત કવિતા બોલવાનો રિવાજ હતો. જેને આવું અને આટલું જ્ઞાન ન હોય તે ગમાર ગણતો. ૩. સાધારણ માણસો ગામઠી નિશાળની કેળવણીથી જ સંતુષ્ટ થઈને પોતપોતાના ધંધામાં પડી તેનું ખાસ જ્ઞાનસંપાદન કરતા. ૪. તે સિવાયના બીજા લગભગ નિરક્ષર જેવા હતા. જન સમાજના મોટા ભાગનાને લેખનશુદ્ધિનું ભાન નહોતું. ‘હિંગ,મરી ને ટોપરું’ ને બદલે ‘હગ, મર, ટપર’ લખતાં. ‘કાકા અજમેર ગયા છે અને કાકી કોટે છે’ જણાવવા માટે બોડિયા અક્ષરે લખતાં ‘કાકા આજ મરી ગયા છે અને કાકી કૂટે છે’ એવું વંચાતું. છેક દલપતરામના સમય સુધી આવું લખાતું. કેળવણીની આવી સ્થિતિ હતી તો સાહિત્યનો પ્રસાર કેવો હતો તેની વાત પણ તેઓ કરે છે. આ સમયમાં ભજનિક મંડળીઓનું વર્ચસ્વ એ સાહિત્યનું બજાર હતું. લોકોના મનોરંજન માટે શામળની ચમત્કારભરી વાતો, સ્ત્રી વર્ગમાં સીમંત વખતે પ્રેમાનંદકૃત ‘કુંવરબાઈનું મામેરું’ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં અને ઉપદેશનાં પદો, ભાલણના ‘દશમસ્કંધ’માંથી દાણલીલાનાં પદો વગેરે વંચાતાં. નાટક જેવું કશું ન હોતું. લોકોના આનંદ માટે ભવાઈ હતી પણ તેમાં બીભત્સતા અને ફટાણાનું પ્રમાણે વધારે હતું. આ પરિસ્થિતિ પરત્વેનો દેરાસરીનો તીવ્ર આક્રોશ આ રીતે પ્રગટ થાય છે. “માત્ર આવી કેળવણી લીધેલી પ્રજામાં પુસ્તકો ક્યાંથી લખાય ?” (૬)[3] આવી પરિસ્થિતિમાં અંગ્રેજોના સંપર્કને કારણે શિક્ષણ-સંસ્થાઓની સ્થાપના અને શિક્ષણની પદ્ધતિઓના બદલાતા જતા સ્વરૂપનો આલેખ આપે છે તેમાં સૌ પ્રથમ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને ફાર્બસના પ્રદાન વિશે સ્વાભાવિક રીતે જ વિસ્તૃત નોંધ મળે છે. ૧૮૨૬માં સૂરતમાં ત્રણ, અમદાવાદ અને ભરૂચમાં બબ્બે અને ખેડા, ધોળકા અને નડિયાદમાં એક-એક એમ આવડા મોટા ગુજરાતમાં કુલ દસ નિશાળો સ્થપાઈ હતી. નવો અભ્યાસક્રમ શિખવવા સરકારે દસ શિક્ષકોને ગુજરાતના જુદા જુદા ભાગમાંથી મુંબઈ બોલાવીને તાલીમ આપી. તેમાં અમદાવાદની શાળા નં.૧ના શિક્ષક તુળજારામ અને સુરતના દુર્ગારામ મહેતાજી વખણાયા. મહેતાજીઓ દ્વારા શિક્ષણની વ્યવસ્થા થઈ તેમ છતાં પાઠયપુસ્તકો તૈયાર કરાવવામાં અણઘડ ભાષાંતરોનો પ્રવાહ ચાલ્યો. મરાઠીમાંથી કેટલાક મરાઠી શાસ્ત્રીઓએ ગુજરાતીમાં ભાષાંતર કર્યું પણ તે મરાઠીને ધોરણે જ. આમ, શરૂઆતથી જ ગુજરાતી ભાષા શીખનારાઓ સમક્ષ અશુદ્ધ અને ગૂંચવાડાભરી રચનાવાળા પ્રયોગો રજૂ થયા. ૧૮૫૮માં હિમાભાઈની લાઈબ્રેરીમાં ગુજરાતી ભાષા વિશે ભાષણ કરતા મહીપતરામે આની ફરીયાદ કરી હતી જે ‘બુદ્ધિપ્રકાશ’માં છપાઈ હતી. દેરાસરીએ ૧૮૨૮થી ૧૮૫૫ સુધીમાં પ્રગટ થયેલા પાઠ્યપુસ્તકોમાંથી ઉતારા આપીને શાળાઓમાં કેવી અણઘડ અને અશુદ્ધ ભાષા શિખવાતી હતી, તે દર્શાવ્યું છે.’(૭)[4]ઘણી શાળાઓમાં શિક્ષકો વિજ્ઞાનની હકીકત પૂરી સમજ કે પ્રતીતિ વિના શિખવતા હતા. ‘વ્હોટ? ગ્રામર ઍન્ડ જ્યોગ્રાફી ટુ ધ બ્લેક!’ જેવો તુમાખી ભર્યો ટોણો સાંભળવો પડે એવી સ્થિતિનું અહીં તાદૃશ નિરૂપણ છે. ‘અમદાવાદમાં સાહિત્ય અંગે ચળવળ’ નામના ત્રીજા પ્રકરણમાં 1848ના સમયથી અમદાવાદમાં સાહિત્ય અંગે કેવી ચળવળ ચાલી તેનો ઇતિહાસ છે. 1848માં દલપતરામ-ફાર્બસનું મિલન એમાં મહત્વનો ભાગ ભજવે છે. ફાર્બસને ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય, સાહિત્ય આદિમાં જીવંત રસ હતો. ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી’ની સ્થાપના પણ ‘ગુજરાતના સાહિત્યની ખિલવણી’ના ઉદ્દેશથી થાય છે. ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસ માટે ગુજરાત વર્નાકયુલર સોસાયટી દ્વારા પરીક્ષા યોજાતી તેમાં ઉમેદવારને ખાસ સૂચના આપવામાં આવતી કે તેમણે પોતાના નિબંધમાં પરભાષાના શબ્દો, જોડણી અને પરભાષાના રૂઢ અર્થવાચક શબ્દો વાપરવા નહીં. ફાર્બસે અમદાવાદમાં નિશાળ, કન્યાશાળા, સાપ્તાહિક તંત્ર, છાપખાનું તો સૂરતમાં ‘સૂરત અઠ્ઠાવીસી સોસાયટી’, ‘સૂરત સમાચાર’ નામના વર્તમાનપત્રની શરૂઆત કરી હતી. તેમ જ જૈનભંડારોમાંથી ઐતિહાસિક પુસ્તકોનો સંગ્રહ તથા ગુજરાતનાં સાંસ્કૃતિક સ્થળોની મુલાકાતો દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ફાળો આપ્યો હતો. તેમના પુસ્તક પ્રેમ વિષે દેરાસરી નોંધે છે “ફાર્બસ કોઈ પુસ્તકનું નામ સાંભળે અને તે ઉપયોગી છે તેવું તેમને લાગે, એટલે તેના સંગ્રહ સારુ અનેક યુકિતઓ અને પ્રયત્ન કરતા, વગ લગાડતા, ધન આપતા અને જાતે સામાને ઘેર જઈને યાચના કરતા, પણ ધારેલું પુસ્તક મેળવતા”(૮)[5] દલપતરામની અંગ્રેજભક્તિ તરફ એ સમયે અને આજે પણ એક સૂગ કેળવાઈ-જળવાઈ છે પણ દેરાસરીએ આ ગ્રંથમાં ફાર્બસ સિવાયના પણ કેટલાક અંગ્રેજ વહીવટદારોના ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ વિષેના પ્રેમનું જે ચિત્ર આપ્યું છે તે વાંચતા ‘દેખ બિચારી બકરીકા, કોઈ પકડે કાન’- લખનારા દલપતરામ સહેજે ખોટા નથી તે સમજાય. એક અવતરણ નોંધીએઃ “આપણે જેઓ હાલ અમદાવાદમાં છીએ તેમની માન્યતા છે કે જ્યારે આપણે બધાએ મળીને કોઈ સાંસ્કારિક બાબતમાં કશો સુધારો આદરીએ છીએ ત્યારે આપણે આપણી એ પવિત્ર ધાર્મિક ફરજ અદા કરીએ છીએ. તે જ પ્રમાણે આ પ્રાંતની ભાષાને તેની હાલની અધમ અવસ્થામાંથી ઉન્નત કરવાનો પ્રયત્ન આદરીએ અને એ ભાષા જેમની જન્મભાષા છે તેઓ માંના જેઓ પ્રસાદિક કલ્પનાશક્તિવાળા હોય તેમને તે અજમાવવાને ઉત્તેજન આપી, જુદી જુદી રીતે કામે લગાડી તેને સુધારી, નિયમિત કરી તેવાઓને માંહોમાંહે અને હવે પછીની પ્રજાને સત્ય અને સુંદર હોય તે કહેવાને સમર્થ કરીએ છીએ ત્યારે પણ જે લોકોમાં આપણે થોડો કાળ વસ્યા છીએ તે લોકોનું હિત કરવાની એવી જ ધાર્મિક ફરજ બજાવીએ છીએ.”(૯)[6] પ્રકરણ ચાર અને પાંચમાં દેરાસરી અમદાવાદ, મુંબઈ, સૂરત, કાઠીયાવાડ એવા નગરવિસ્તારમૂલક વિભાગો પાડીને સાહિત્યસેવીઓના પ્રદાનની ચર્ચા કરે છે અને એ રીતે સાઠીની સાક્ષરપ્રવૃત્તિને ઉપસાવે છે. આ ઉપરાંત નવી સાહિત્યિક સંસ્થાઓની સ્થાપના, સમૂહ માધ્યમોનો પ્રચાર તેમ જ પત્રો, સામયિકો આદિ અસરકારક પરિબળોનો વિચાર તેમણે સંક્ષેપમાં કર્યો છે. આમ, આખાય ખંડમાં આરંભે નિષ્પ્રાણ અને હતવીર્ય જણાતી ગુજરાતી પ્રજામાં અંગ્રેજ રાજ્યની સ્થાપના પછી પચાસ વર્ષમાં તો સમગ્ર ગુજરાતમાં નવજાગૃતિનું પ્રચંડ મોજું કેવી રીતે વળ્યું એનો એક રોમાંચક દસ્તાવેજ છે. દ્વીતીય ખંડ ‘સાઠીના વાડ્મય’ના ઉપોદ્ધાતમાં જ દેરાસરી રૂપરેખા આપે છે. પ્રાપ્ત સામગ્રીનું વર્ગીકરણ તેઓ કાલાનુક્રમે નહીં પણ સ્વરૂપ અને વિષય પ્રમાણે કરે છે. સાઠી દરમ્યાન ગુજરાતીમાં પ્રકાશિત થયેલાં પુસ્તકોને ત્રણ વર્ગમાં વહેંચે છે. ૧. ગુજરાતીના જૂના ગ્રંથો આ કાળમાં છપાયા હોય તે. ૨. ભાષાન્તરો અને ૩. નવા લખાયેલા ગ્રંથો એટલે કે મૌલિક સર્જન. સાહિત્યનાં મુખ્ય સ્વરૂપો નાટક, કવિતા, નિબંધ, નવલકથા ઉપરાંત લેખસંગ્રહ, કહેવતો તેમજ હાસ્ય-સાહિત્યનો ઉલ્લેખ કરવાનું પણ દેરાસરી ચૂકતા નથી. એમાંની માહિતીસભર સામગ્રી ગુજરાતી સાહિત્યના આરંભકાળના ચિત્રને સ્પષ્ટ કરી આપે છે. દેરાસરીની આકલનશક્તિનો તેમ જ ઇતિહાસ-દૃષ્ટિનો પરિચય અહીં મળે છે. આ ઇતિહાસ કર્તાલક્ષી નથી એટલે સર્જકનાં જીવન અને વ્યકિતત્વ ઘડતરનો મહત્વનો ભાગ અહીં ચર્ચાયો ન હોય એ સ્વાભાવિક છે એ જ રીતે કોઈ સાહિત્યકારની સમગ્ર લેખનપ્રવૃત્તિને એક સાથે અવલોકવાનો અવકાશ પણ તેમને ભાગ્યે જ મળ્યો છે, પરંતુ વિષયવાર અને સાહિત્યસ્વરૂપ અનુસારી ચર્ચાને કારણે તેની રચાતી પરંપરાનો, તેના સાતત્યનો નકશો સારી રીતે ઉપસે છે. આમ પણ સાહિત્ય સ્વરૂપોના ઉદ્ભવ અને વિકાસના ઇતિહાસનું પણ સાહિત્યના ઇતિહાસમાં ચોક્કસ મહત્વ છે. સાહિત્યિક પુસ્તકોની વાત કરતા પહેલાં તેઓ શાળોપયોગી પુસ્તકો માટે પ્રકરણ ફાળવે છે. કારણ કે તેઓ માને છે કે જ્યારે ગુજરાતી ગ્રંથો બિલકુલ ન હતા ત્યારે પ્રથમ શાળોપયોગી પુસ્તકો પ્રગટ થયાં હતાં. અહીં તેઓ રેવરંડ જે. પી. એસ. ટેલરકૃત ‘ગુજરાતી વ્યાકરણ’ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસકૃત, ‘ગુજરાતી ભાષાનો ઈતિહાસ’ અને ‘ઉત્સર્ગમાળા’, નવલરામકૃત ‘વ્યુત્પત્તિપાઠ’, જેચંદ બહેચર ઝવેરીકૃત ‘વ્યુત્પત્તિસાર’ કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘વ્યુત્પત્તિપ્રકાશ’, હ. હ. ધ્રુવનું ‘મુગ્ધાવબોધઔક્તિક’ નામનાં જૂની ગુજરાતીમાં લખાયેલું સંસ્કૃત વ્યાકરણ-જેવાં પુસ્તકો તેમ જ કેટલાક ઉપયોગી ભાષાન્તરો વિશે ટૂંકી નોંધ આપે છે. સાથે સાથે ગણિત, ભૂમિતિ તથા બાળકોને વાંચવા માટે અને અંગ્રેજીના અભ્યાસની સુગમતા માટે પ્રકાશિત પાઠમાળાઓ અને માહિતી ગુજરાતી પ્રજાની પ્રારંભિક કેળવણી સ્થિતિ-ગતિને તાદૃશ કરી રહે છે. બીજા ખંડના પ્રકરણ ત્રણ, ચાર અને પાંચમાં સાઠીમાં પ્રગટ થયેલાં સાહિત્યના પુસ્તકોની ચર્ચા છે. ગુજરાતી સાહિત્યના આરંભકાળનું એમાં વિશદ દર્શન છે. દેરાસરીએ અહીં સ્વરૂપલક્ષી કે વિષયલક્ષી પદ્ધતિ અપનાવી હોવાને કારણે અર્વાચીન સાહિત્યના વિકસતા સ્વરૂપોનો પરિચય થાય છે. વળી, દરેક સ્વરૂપના વિકાસ-વિસ્તારની રેખા પર ચાલતા સંશોધન-સંપાદનની પ્રવૃત્તિને તેમજ અનુવાદ-રૂપાંતરની ચર્ચાને પણ સાંકળી છે. દેરાસરી અહીં તુલનાત્મક દૃષ્ટિકોણથી ચર્ચા કરે છે તેમ જ મુખ્યત્વે નવલરામ ઉપરાંત મહીતપરામ, મણિશંકર કીકાણી, રમણભાઈ નીલકંઠ વગેરેના અભિપ્રાયોથી ચર્ચાને પ્રમાણિત કરે છે. કયારેક મુદ્દાના સમર્થન માટે લાંબા અવતરણો પણ અપાયાં છે જેમ કે દલપતરામ ખખ્ખર, ઝવેરીલાલ યાજ્ઞિક અને બળવંતરાય ઠાકોરના ‘શાકુન્તલ’ના અનુવાદના ગુણ-દોષને પ્રગટ કરવા એમણે ત્રણે અનુવાદોમાંના ‘શાકુન્તલ’ના પાંચમા અંકમાંથી લગભગ વીસ પાનાં જેટલાં અવતરણો આપ્યાં છે. નાટ્યસાહિત્યનો ઇતિહાસ આલેખતા તેઓ પ્રેમાનંદનાં નાટકોથી આરંભ કરે છે. પરંતુ તે પ્રેમાનંદના છે કે નહીં તેની ચર્ચામાં જતા નથી. ‘શાકુન્તલ’ ઉપરાંત રણછોડભાઈ ઉદયરામ, કિલાભાઈ ઘનશ્યામ, ‘વનમાળી’ (કે.હ.ધ્રુવ) એ કરેલા ‘વિક્રમોર્વશીત્રોટક’ના અનુવાદોની તુલનાત્મક ચર્ચા કરે છે, તેમાં તેમની ઝીણવટભરી દૃષ્ટિ જોઈ શકાય છે. વનમાળીએ કરેલો અનુવાદ તેમને વિશેષ સંતર્પક લાગે છે તેની કારણો સહિતની ચર્ચા છે. મણિલાલ દ્વિવેદીએ ભવભૂતિના ‘માલતીમાધવ’ અને ‘ઉત્તરરામચરિત’ના કરેલા અનુવાદોમાંથી ‘ઉત્તરરામચરિત’નો વિગતે પરિચય કરાવે છે. આ ઉપરાંત રણછોડભાઈ ઉદયરામના ‘માલવિકાગ્નિમિત્ર’, કિલાભાઈ ઘનશ્યામના ‘પાર્વતીપરિણય’ નારાયણ હેમચંદ્રે બંગાળીમાંથી કરેલ અનુવાદ ‘અશ્રુમતી’ કે. હ. ધ્રુવે કરેલો વિશાખદત્તે ‘મુદ્રારાક્ષસ’નો અનુવાદ વગેરેનો સંક્ષેપમાં પરિચય અપાયો છે. મૌલિક નાટકોની વાત કરતાં દેરાસરી રણછોડભાઈ ઉદયરામના ‘જયકુમારી વિજય’ (૧૮૬૫) નાટકને ગુજરાતી નાટકનો આરંભ કરનારી કૃતિ ગણાવી તેની વિસ્તૃત ચર્ચા કરે છે એટલું જ નહી, અનુગામી નાટકો પરના એના પ્રભાવને પણ વર્ણવે છે. અહીં એક આશ્ચર્ય એ વાતનું થાય છે કે ૧૮૬૨માં પ્રગટ થયેલા નગીનદાસ મારફતિયાના ‘ગુલાબ’ નાટકને તેઓ કેમ ભૂલી ગયા ? એ વાત ખરી કે નાટકનું વિશેષ કલાત્મક રૂપ ‘જયકુમારી વિજય’માં પ્રગટે છે પરંતુ નાટ્યસ્વરૂપની ઝાંખી તો ‘ગુલાબ’માં જોઈ જ શકાય છે. ‘લલિતાદુઃખદર્શક’ને તેઓ ‘બીજના ઉદ્ભેદમાં, સંકલનામાં, પાત્રભેદમાં અને કાવ્યતત્વમાં’ ‘જયકુમારી વિજય’ કરતાં ચઢિયાતું ગણાવે છે. આ ઉપરાંત હ. હ. ધ્રુવકૃત ‘વિક્રમોદય’, ‘આર્યોત્કર્ષ’, મગનભાઈ ચતુરભાઈ પટેલ કૃત ‘વૈદહીવિજયમ્’ દલપતરામકૃત ‘મિથ્યાભિમાન’, કેશવલાલ પરીખકૃત ‘કજોડા દુઃખદર્શનાટક’ અને મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત ‘કાન્તા’ની વિસ્તૃત ચર્ચા કરે છે. ‘કાન્તા’ વિશે તેઓ નોંધે છે : ‘કવિના પોતાના હૃદયની વિશેષતા ગૌણતા પામીને માત્ર પાત્રના હૃદયનાં ભાવભર્યાં ચિત્રો આ નાટકમાં જ મળે છે. એ નાટક ઉપરથી લખનારનો બુદ્ધિપ્રભાવ નજરે પડે છે. મનોહર કલ્પનાવિલાસ, સર્વ ઈદ્રિયોનો પુષ્કળ અભિલાષ, કુશળતા ભરેલો સર્વાનુભવ, સૃષ્ટિલીલાનું અનેકરૂપ દર્શન અને વર્ણનો નવા લખાયેલા નાટકોમાં માત્ર ‘કાન્તા’માં જ મળે છે.” આ પ્રકરણમાં તેઓ ગુજરાતી નાટક અને નાટકમંડળી પર પડેલી ભવાઈની તથા દક્ષિણની નાટકમંડળીઓની અસરનો ઉલ્લેખ કરે છે. દક્ષિણની નાટકમંડળીઓની અસરને કારણે ગુજરાતી નાટકોમાં કેટલાંક વર્ષો સુધી પાત્રોના સંવાદો હિંદીમાં અને નાટકના ગાયનો ગુજરાતી લખાતાં. તો લોકોના નિર્દોષ આનંદ માટેની ભવાઈનું નિમ્નીકરણનું દર્શન ‘બીભત્સ ભાષણ અને જુગુપ્સા ઉત્પન્ન કરે એવા ચાળા’, ‘નઠારા હાવભાવથી ભરેલો નાચ’ વગેરેમાં થાય છે. એને દૂર કરવાના મહીપતરામના પ્રયાસોની નોંધ લીધી છે. આરંભ-કાળના નાટકોનું પૌરાણિક, ઐતિહાસિક, નીતિબોધ એમ વિષયવસ્તુ પ્રમાણે વર્ગીકરણ કરે છે. નાટ્યસાહિત્ય વિશેની ચર્ચા પૂરી કરતાં દેરાસરી નિરાશાજનક તારતમ્ય પર આવે છેઃ “નાટકનું કવિત્વ બહુ વિરસ હોઈ તેમાં કુશળતા સંપાદન થવી બહુ દુર્ઘટ છે. માટે જ પ્રેરકબળો છતાં રા. રણછોડભાઈનો ચલાવેલો પ્રવાહ અટકયો છે. એ ઝરણાએ વધીને નદીનું રૂપ ધારણ કર્યું નથી અને નાટ્યસાહિત્યની ઉન્નતિ થઈ નથી. નાટ્યમંડળીઓનાં નાટકોમાં કાવ્ય નહીં અને બીજા લેખકોનાં નાટકોમાં નાટ્ય નહીં - એવી દુઃખભર સ્થિતિ આવી પડી છે.” ગુજરાતી કાવ્યસાહિત્યના ઇતિહાસને આલેખતા દેરાસરી સૌ પ્રથમ કાવ્યસંચયો, ચયનોથી માંડણી કરે છે. મિ. ફોર્બસની સૂચનાથી દલપતરામ દ્વારા થયેલા ‘કાવ્યદોહન’ પુસ્તક ૧ લું(૧૮૬૧) પુ. બીજું, હરગોવિંદ કાંટાવાળા સંપાદિત ત્રૈમાસિક ‘પ્રાચીન કાવ્ય’ ચતુરભાઈ પટેલનું ‘અપ્રસિદ્ધ ગુજરાતી કાવ્ય’, મહારાજા સયાજીરાવે તૈયાર કરાવેલી ગ્રંથશ્રેણી ‘પ્રાચીન કાવ્યમાળા’ ઈચ્છારામ સૂર્યરામકૃત ‘બૃહત કાવ્યદોહન’ વગેરેની નોંધ લઈ એનું મૂલ્ય આંકતા લખે છે કે આ બધાંને કારણે કેટલાક જૂના કવિઓ અને જૂનાં કાવ્યો ગુજરાતી પ્રજાની જાણમાં આવ્યા છે. શ્રમ અને સંપતિ ખર્ચી - પ્રયોજીને ભાષાના મોટા અને જૂના ભંડારને ગુજરાતી પ્રજા આગળ ખુલ્લો મૂકવાના આ બધા પ્રયત્નોનું મૂલ્ય આજે ય ઓછું આંકી શકાય તેવું નથી. કાવ્યસંચયો ઉપરાંત મધ્યકાલીન કૃતિઓના જેવી સંપાદનની પ્રવૃત્તિ પણ આ સમયગાળામાં શરૂ થઈ ગઈ હતી. આ સંપાદનોની ચર્ચા તેઓ તર-તમ વિવેક જાળવીને કરે છે. બે એક ઉદાહરણો નોંધીએ. નરસિંહ મહેતાકૃત ‘મામેરું’ના નવલરામે કરેલા સંપાદન વિશે નોંધે છે : “આરંભના ગ્રંથને શોભે એવી પ્રસ્તાવના, કવિજીવન, પાઠાન્તર સાથે ટીકા વગેરે આપીને સારોદ્વાર કરેલી આવૃત્તિ કેવી હોવી જોઈએ એનો નમૂનો બતાવવાને જ કાઢી ન હોય એવી આ આવૃત્તિઓ છે.”(૧૨)[7] તો કવિ પ્રેમાનંદના શિષ્ય ગિરધરના લખેલા ‘રામાયણ’ની આવૃત્તિઓ વિશે સ્પષ્ટ અને નિર્ભીક અભિપ્રાય આપે છે : “જેવો મળ્યો ગ્રંથ છાપી નાંખવા સિવાય એમાં બીજી કોઈ નવીનતા નથી.”(૧૩)[8] આ ઉપરાંત નવલરામે કરેલ ‘મેઘદૂત’નો અનુવાદ, કે. હ. ધ્રુવે કરેલા ‘ગીતગોવિંદ’નો અનુવાદ, શંકરસ્વામીએ કરેલ ‘અમરુ-શતક’ તેમ જ છાયાઘટકર્પર’ના અનુવાદની ચર્ચા તુલનાત્મક અભિગમથી કરે છે. સાઠીમાં થયેલા મૌલિક કાવ્યસર્જનની ચર્ચાનો આરંભ સ્વાભાવિક છે કે દલપતરામ અને નર્મદથી થાય. દેરાસરી બંનેની તુલના કરતા કરતા આ પ્રમાણે અભિપ્રાય આપે છે : “દલપતરામ જ્યારે લોકને રુચતી ભાષામાં કહેવાની ખાસ કાળજી રાખતા ત્યારે એથી ઉલટું નર્મદાશંકર પોતાને લાગે તે બેધડક-કડવું ઝેર જેવું હોય તો પણ- સખ્ત વાણીમાં કહેતાં. સુધારો તો બંનેને ઈષ્ટ હતો. બંને બોધ તો નીતિનો જ કરતા... આ પ્રમાણે એક જ પ્રદેશમાં ઘૂમતી છતાં તેમની કવિતા જુદી હતી”(૧૪)[9] ત્યારબાદ મુખ્યત્વે તેઓ બંને કવિઓ વિશેનાં નવલરામનાં દીર્ઘ અવતરણો ટાંકે છે પણ સમગ્રતયા દેરાસરીનો દલપતરામ પ્રત્યેનો પ્રેમ અછતો રહેતો નથી. દલપતરામની કવિપ્રતિભા જેવી અહીં ઉપસે છે એવી નર્મદની નથી ઉપસતી. દેરાસરીએ નોંધ્યું છે કે પાઠશાળાના શિક્ષણને કારણે સંસ્કૃતનો અભ્યાસ વધે છે અને સાહિત્યમાં પણ તેનું પ્રતિબિંબ ઝિલાય છે. ભીમરાવ ભોળાનાથ દિવેટિયા અને હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતાને તેઓ આ વર્ગમાં મૂકે છે. સંસ્કૃત સાહિત્યની સાથે ફારસી કવિતાની છાંટ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કવિતામાં, ફારસી, કવિતાની મસ્તીવાળી અને સંસ્કૃત સાહિત્યની અસર ન જણાય એવી બાનીમાં લખાયેલી ડાહ્યાભાઈ દેરાસરીની કવિતામાં તેમ જ ફારસીની વધારે અસરવાળી અને મસ્તીભરી કવિતાની કોટિમાં તેઓ બાલાશંકર અને કલાપીને મૂકે છે. બાલાશંકર, કલાપી, કાન્ત, બ.ક. ઠાકોરનો અહીં માત્ર નામોલ્લેખ જ છે તેમની સર્જનપ્રક્રિયા વિશેની વિચારણા કે કાવ્યચર્ચા નથી. વળી, ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’ની ટીકામાં એક પાનું ખર્ચ્યું છે! તેઓ અંગ્રેજી કવિતાનો ઉઠાવ ગુજરાતીમાં આણવાના નર્મદના પ્રયત્નોને નિષ્ફળ ગણાવે છે અને તેનો યશ નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાને આપે છે. કવિ ન્હાનાલાલની કવિતા ‘ગુજરાતી કવિતાને નવું રૂપ આપવાનો નિશ્ચય કર્યો હોય તેવી લાગે છે. કવિઓ વિશે આ પ્રકારે સંક્ષેપમાં નોંધ કરી દેરાસરી તેમની કવિતા વિશે ચર્ચા કરે છે. આવી કાવ્યચર્ચામાં તેઓ પૂરેપૂરા ખીલે છે. દલપતરામની ‘વેનચરિત્ર’ અને ‘ફાર્બસવિરહ’ની પ્રસંશા કરી પ્રથમ પદવી કોણ ધરાવે તેનો નિર્ણય વાચકો પર છોડે છે. દલપતરામ પૂર્વેના બધા કવિઓ ગરીબીનો ઉપયોગ શૃંગાર માટે જ કરતા, દલપતરામ પહેલી વખત નીતિ-બોધ વિશે અને વહેમ વિરુદ્ધ ગરબીઓ લખે છે એની નોંધ ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વની છે. દલપતશૈલીમાં લખાયેલા પણ સફળ ન થયેલા કાવ્યોનો પણ તેઓ ઉલ્લેખ કરે છે. ભોળાનાથ સારાભાઈની કવિતામાં તેમને ‘સદાચરણ બળની વિશેષતા અને આવશ્યકતાનો ગુજરાતી સાહિત્યમાં પ્રથમ સંસ્કાર’ જણાય છે. તો માલબારીના કાવ્યસંગ્રહો વિશે સ્પષ્ટ કહે છે કે “પ્રસિદ્ધ થવા કાળે ઘણાં વખણાયેલા ‘નીતિવિનોદ’ કરતાં ‘અનુભવિકા’માં કાવ્યત્વ વધારે દીપી રહે છે.” ઐતિહાસિક વસ્તુ લઈ તેના ઉપર જુદા જુદા છન્દાદિમાં સર્ગબદ્ધ દોલતરામ કૃપારામ પંડયાના કાવ્ય ‘ઈદ્રજિતવધ’ વિશે વિગતે ચર્ચા કરે છે પણ નર્મદ વિશે અહીં માત્ર એક જ પેરેગ્રાફ છે એમાંય લાક્ષણિકતાઓ કરતાં મર્યાદાની ચર્ચા વધારે કરે છે. નર્મદની તુલનાએ એ યુગના ગૌણ કવિઓ ગણાયેલા ભીમરાવ ભોળાનાથ, હરિલાલ હર્ષદરાય ધ્રુવ તેમજ પોતાના સંગ્રહ ‘બુલબુલ’ વિશે દેરાસરી વિગતે ચર્ચા કરે છે. આ પ્રકારનું અસંતુલન આ પુસ્તકમાં ક્યાંક ક્યાંક જોવા મળે છે. નરસિંહરાવ દિવેટિયાની કવિતાની તેઓ “પાશ્ચાત્ય કવિતાની ખરી ખૂબી ગુજરાતી સાહિત્યમાં ઉતારવાના એમના કેટલેક અંશે ફળીભૂત થયેલા પ્રયાસ” તરીકે સ્વીકારીને ઉચિત નોંધ લે છે જેમ કે ‘કુસુમમાળા’ ની થયેલી ટીકા પરત્વે લખે છે : ‘પશ્ચિમનું તે બધું ખોટું, એવી સમજથી એ ટીકા લખાઈ હોય એવું અમને લાગે છે. પશ્ચિમની કવિતા પશ્ચિમનાં ફૂલો વગેરે માત્ર દેખાવમાં સુંદર છતાં ‘રસરૂપ સુગંધવર્જિત’ છે એવું કહેનારનું અંગ્રેજી સાહિત્યનું તેમ જ ઉદ્યાન વિદ્યાનું જ્ઞાન અને અનુભવ જ ઉઘાડો પડે છે.”(૧૫)[10] અન્તે પારસી કવિ ખબરદારની શુદ્ધ ગુજરાતી ભાષામાં લખાયેલી કવિતાનો પુરસ્કાર કરે છે. આમ, કાવ્યસાહિત્યની આ ચર્ચામાં કવિતાના બદલતાં પ્રવાહોનો સ્પષ્ટ ખ્યાલ આવે એ રીતે આલેખન થયું છે. નવલકથા સાહિત્યનો ઇતિહાસ આલેખતાં પ્રારંભે જ દેરાસરી સૌ પ્રથમ દલપતરામ, નર્મદ, નવલરામ, ‘ગોવર્ધનરામ, મનઃસુખરામ વગેરેના ગદ્યગ્રંથોની શૈલીની માર્મિક ચર્ચા કરે છે. નવલકથાસ્વરૂપ ને ‘આખ્યાન’ અને ‘વાર્તા’ સાથે તુલનાવીને સ્પષ્ટ રીતે આ સ્વરૂપને એ બંનેથી જુદું તારવી આપે છે અને નોંધે છે; ‘ગુજરાતી ભાષામાં નવલકથાનું સાહિત્ય અંગ્રેજી કેળવણી પછી ઉત્પન્ન થયું છે અને અંગ્રેજી નવલકથાઓની આકૃતિ લઈને જ ગુજરાતી નવલકથાઓ રચાઈ છે. ‘પ્રાચીન’ ગુજરાતી સાહિત્યના સમયમાં એ પ્રકારની કથારચના જાણવામાં નહોતી”(૧૬)[11] સ્વરૂપચર્ચા બાદ ગુજરાતી નવલકથા વિશેની વિચારણાની શરૂઆત મહીપતરામની હિંદુ ગૃહસંસારની હાલત વર્ણવતી નવલકથા ‘સાસુવહુની લઢાઈ’થી કરે છે. આ નવલકથાને તેઓ ‘સાંસારિક વૃતાન્તની પહેલ વહેલી જ નવલકથા’ તરીકે અને ‘નાની હાસ્યરસકથા તરીકે ઓળખાવે છે. ‘કરણઘેલો’ વિશે ચર્ચા કરતા નંદશંકરની વર્ણનશક્તિની પ્રશંસા કરે છે પણ તેમાં રહેલી અપ્રતીતિકરતા, રસભંગની ચર્ચા નવલરામના અવતરણો સાથે વીગત કરે છે. ‘કરણઘેલો’ પછી અનંતપ્રસાદની ઐતિહાસિક કથાવસ્તુ ધરાવતી ‘રાણકદેવી’, મણિલાલ છબારામની ‘પૃથુરાજ ચૌહાણ અને ચંદ બરદાયી’ અને ‘ઝાંસીની રાણી’ જહીર તાલેયારખાકૃત ‘મુંદા અને કુલીન’ અને ‘રત્નલક્ષ્મી’ વગેરેનો ઉલ્લેખ છે પરંતુ મહીપતરામની ‘વનરાજ ચાવડો’ અને ‘સઘરા જેસંગ’ તેમને વિશેષ નોંધપાત્ર લાગી છે. આ આગંતુક અને અન્ય સાહિત્યસ્વરૂપનો પ્રભાવ એવો તો વ્યાપક બન્યો કે એકવાર એ તરફ લક્ષ ગયા પછી સારાં, સામાન્ય અને નઠારાં એમ ઘણાં પુસ્તકો બહાર પડયાં, અંગ્રેજી નવલકથાના પરિચયને કારણે તેમાંથી ગુજરાતી ભાષાંતર, પ્રતિકૃતિઓ અને એમની ઘાટી પર નવલકથાઓ રચાવા લાગી. બંગાળી સાહિત્યનો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ પડવાના કારણોમાં નારાયણ હેમચંદ્રનં મહત્વ સ્વીકારી તેઓ એક સચોટ નિરીક્ષણ આપે છે. "... બંગભંગને લીધે બંગાળી પ્રજા હિંદુસ્થાનની દરેક પ્રજાના સહવાસમાં આવી. આમ, આપણો સહવાસ વધવાથી ગુજરાતી સાહિત્ય પર બંગાળી સાહિત્યની કેટલીક સ્થાયી અસર થઈ છે."(૧૭)[12] નવલકથાની વૃદ્ધિ કરનારા બીજા બળ તરીકે તેઓ સંસારસુધારાની ભાવનાને તેમજ રાષ્ટ્રીય ભાવનાને પણ ઓળખાવે છે. આ દષ્ટિએ અનુક્રમે કેશવલાલ મોતીલાલ વકીલની રૂપકગ્રંથિ રચાયેલી ‘બુદ્ધિ અને રૂઢિની કથા’ તો રાષ્ટ્રીય ભાવનાને વ્યકત કરતી ઈચ્છારામ દેસાઈની "હિંદ અને બ્રિટાનિયા’ વિશે વીગત ચર્ચા છે. મુસ્લિમ અને પારસી લેખકોના નવલકથા રચવાના પ્રયાસોની પણ એમને નોંધ લીધી છે. કવિતાની જેમ નવલકથા ચર્ચામાં પણ ક્યાંક અસંતુલન સધાયું છે. હરગોવિંદદાસ કાંટાવાળાની ‘અંધેરી નગરીનો ગંધર્વસેન’ની ટીકા કરવા માટે બે પેરેગ્રાફ લખ્યા છે. પરંતુ ‘સરસ્વતીચંદ્ર’ પ્રજામાં ઘણી જ વંચાઈ અને ચર્ચાઈ’ હોવાથી એની રચના સંબંધી બોલવું નિરર્થક ગણ્યું છે, જોકે ‘સરસ્વતીચંદ્ર’ ની પ્રજામાં ધણી જ વંચાઈ અને ચર્ચાઈ’ હોવાથી એની રચના સંબંધી બોલવું નિરર્થક ગણ્યું છે. જો કે ‘સરસ્વતીચંદ્ર’ની પ્રજાપર પડેલા પ્રભાવની નોંધ એમણે અવશ્ય લીધી છે. આમ, નવલકથાના આરંભકાળથી ‘સરસ્વતીચંદ્ર’ સુધી પહોંચતી ગુજરાતી નવલકથાની પ્રતિચ્છવિનો આલેખ અહીં મળે છે. અન્તે, વિનોદ, બોઘ, પરિહાસ તથા હાસ્યરસના સાહિત્યમાં પારસી લેખકોના પ્રદાનને વર્ણવે છે. રમણભાઈ નીલકંઠની નવલકથા ‘ભદ્રભદ્ર તેમને બહુ સ્પર્શતી નથી. તેઓ નોંધે છેઃ "પ્રથમ ભાગમાં અમુક બાબતો સુધી અમને એ સારા હ્યુમરનો – પરિહાસનો નમૂનો જણાય છે. પાછળનામાં જાણે હેતુ તેમજ તે બર લાવવાની રીત બધી ખપી ગઈ હોય એમ એમાં રસની ક્ષતિ થાય છે. આ પુસ્તકના પ્રકાશન સમયે થયેલા ’વિવેક વિસરાવનારો ખળભળાટ’ ની પણ નોંધ લે છે. નાટકની જેમ ’ખરા મર્મવાળા’ હાસ્યરરસનો આ સાઠીમાં રચાયેલા સાહિત્યમાં અભાવ છે એવું તેઓ અનુભવે છે. છઠ્ઠા પ્રકરણથી શરૂ થતા સાહિત્યેતર ગ્રંથોની ચર્ચામાં જીવનચરિત્ર, ભાષાવિષયક, કોશ વગેરે સાહિત્યને સ્પર્શતા મુદ્દાઓને આવરી લેવાયા છે. નવમું પ્રકરણ જૈન સાહિત્ય વિશેનું છે જેમાં તેઓ જૂના વખતમાં લખાયેલા ગ્રંથના મૂળ કે ભાષાન્તરો તેમજ સાઠીના સમયમાં બહુ થોડા જ લખાયેલા સ્વતંત્ર ગ્રંથોનો હેવાલ આપે છે. આ ઉપરાંત જુદી જુદી જૈન સંસ્થાઓ વિશે પણ અહીં માહિતી મળે છે. જૈનસાહિત્ય વિશેની આટલી વિસ્તૃત નોંધ અહીં પહેલીવાર મળે છે. વર્ષો સુધી ઉપેક્ષિત રહેલા આ સાહિત્ય વિશેની નુકતેચીની તે ઇતિહાસ લખવામાં નિઃશંક ઉપયોગી બને રહે. ‘ઇતિહાસ અને ભૂગોળ’ પ્રકરણમાં તેઓ જન્મચરિત્રો અને વંશાવળી, ‘ભાષા અને વિજ્ઞાન’ વિષયક પ્રકરણમાં કોશ અને વ્યાકરણની તેમજ પિંગળ અને અલંકારના પુસ્તકોની ઉપયોગી માહિતીનો સમાવેશ થયો છે. નર્મદાના ‘નર્મકોશ’ જેવા મહાકાર્યની તેમણે અહીં ઉચિત નોંધ લીધી છે. દસમાં પ્રકરણમાં દેરાસરી સામાયિકપત્રો તેમ જ છાપખાનાનો રસપ્રદ ઇતિહાસ આપે છે. પૂરવણીમાં મુંબઈ ઈલાકાના ગુજરાતી છાપખાનાં વિશેની માહિતી તેમજ ગુજરાતી વર્તમાનપત્રો, માસિકો વગેરેની માહિતી સ્થપાયાની તારીખ અને સ્થળ સાથે આપેલી છે જેનું આજે પણ દસ્તાવેજી સામગ્રી તરીકેનું મૂલ્ય છે. દેરાસરીએ આ ગ્રંથમાં નીવડી આવેલી કૃતિઓથી પ્રભાવિત સાહિત્યકારોનો તેમ જ પ્રજાજીવનનો ચિતાર પણ આપ્યો છે, ‘જયકુમારી વિજય’ લખાયા પછી" ... એ પુસ્તક પરથી કેટલાક કાળ સુધીને માટે ગુજરાતી નાટક રચનાનો આકાર રચાયો. પ્રેમમાં પડેલા નાયક-નાયિકા પોતાની વચ્ચે ઘણું અંતર છતાં અનેક વિધ્નો નિવારીને આખરે લગ્ન કરીને સુખી થાય છે એ જ વાર્તા આ પછી રચાયેલાં અને ભજવાયેલા નાટકોમાં સમાઈ હતી." એ જ રીતે ’લલિતા દુઃખદર્શક નાટક એટલું લોકપ્રિય બન્યું હતું કે ‘નંદન’ એ શબ્દ મુંબઈગરી ભાષામાં મૂર્ખતા અને અધમતાવાચક થઈ પડ્યો હતો. કહેવાય છે કે એ ખેલ જોઈ એક ડોશી ઉપર એટલી અસર થઈ હતી કે પોતાની દીકરીનો વિવાહ કરેલો વર નંદનકમાર જેવો છે અને તેથી દીકરી આખરે લલિતાની પેઠે દુઃખી થશે એમ ધારી એણે એ વિવાહ ફોક કર્યો હતો. ‘સરસ્વતીચંદ્ર’નો જનમાનસ પર એવો પ્રભાવ પડયો હતો કે તેના પાત્રોના નામ પરથી છોકરાઓના નામ રખાતા. સમાજ પર સાહિત્યનો કેવો વ્યાપક પ્રભાવ પડયો હતો તેનું નિદર્શન અહીં મળે છે. દેરાસરી આ ગ્રંથમાં તત્કાલીન સાહિત્યિક ગતિવિધિ સાથે સાહિત્યિક વાદવિવાદો કે ઊહાપોહ કે નર્મદ - નવલરામ વચ્ચેના વાદવિવાદો આનાં ઉદાહરણો છે. તો વળી, સાહિત્યસ્વરૂપ વિશેની તેમની સુઝ સમજને પ્રગટ કરતાં નિરિક્ષણો પણ અહીં મળે છે. જેમ કે "વળી, હાસ્યરસના મદારીનું ખરું ચાતુર્ય પોતાના માંકડાને ખેલવવા કરતાં તેને અંકુશમાં રાખવા વધારે જોઈએ છીએ. તેમજ પ્રસંગ, પ્રયોજન, સ્વાભાવિકતા, બુદ્ધિ, રસિકતા, ચાતુર્ય, અનુભવ, અપૂર્વતા, અને અંકુશ વગરનો હાસ્યરસ એકલાં મરચાનાં ભોજન જેવો છે."(૧૯)[13] નાટ્યશાસ્ત્રના જાણકાર તરીકેનો એમનો પરિચય આવાં વિધાનથી થાય છેઃ "મલિનતાદર્શક ચિત્ર જાતે પ્રગટ રૂપે મલિન ન જોઈએ. માત્ર સૂચનાથી મલિનતા દર્શાવાય અને એનાં અનિષ્ટ પરિણામો કુશળ વસ્તુસંકલનાથી જણાવાય તો જ આવાં નાટકોથી નીતિબોધ થઈ શકે છે."(૨૦)[14] નવલકથાસાહિત્યના ઉદ્ભવમાં અંતરાયરૂપ બનતાં કારણો વિશેનુ તેમનું નિરીક્ષણ વાસ્તવદર્શી, અપૂર્વ અને રસપ્રદ છે. નવલરામ સાથેની વાતચીતને અહીં મૂકી આપે છે "એમણે કહેલું કે આપણામાં નવલકથા અગર નાટકમાં લખવા જેવી પ્રેમકથા અને પ્રેમપ્રસંગ થતાં નથી. આપણી રૂઢિને લઈને બાળલગ્નના માઠા ચાલને પરિણામે પ્રેમ એ શું છે એ સમજવા જેટલી ઉંમર પહેલાં તો લાકડે માંકડું જોડાઈ જાય છે. આપણાં સંસારજીવનમાં જુદી જુદી ભાવનાઓ ઉલ્લાસ પામશે અને વિસ્તાર પામશે ત્યારે હ્રદયના વિકાસની સાથે ગૌણ રૂપે પણ અસ્તિત્વમાં રહેલી ખાસ શક્તિઓ પણ ખીલી નીકળશે."(૨૧)[15] તો વળી, જીવનચરિત્ર લખનારમાં શોધ, સત્ય, વિવેક અને વર્ણનશક્તિ એ ચાર ગુણ અવશ્ય હોવા જોઈએ. તેમાં જે વ્યકિતનું જીવનચરિત્ર લખતા હોઈએ તેના જીવનથી મોહિત થયા હોઈએ અને તેના જીવનનો પૂર્ણ અભ્યાસ હોય તો જીવનચરિત્ર ઉત્તમ લખાય છે.(૨૨)[16] સમગ્ર રીતે તપાસતા આ ગ્રંથમાં વિષય, સ્વરૂપ અને અભિવ્યકિતની દ્રષ્ટિએ મધ્યકાલીન સાહિત્યથી આ સાહિત્ય કઈ રીતે અલગ બને છે એની ચર્ચા નથી કે પ્રમોદકુમાર પટેલ કહે છે તેમ "દેરાસરીએ આ સમયના નવા કાવ્યશાસ્ત્રની અને નવી વિવેચનપદ્ધતિની ખાસ નોંધ લીધી નથી."(૨૩)[17]

પ્રસ્તાવનામાં જયંત પાઠક નોંધે છે  તેમ "કેટલુંક લખાણ ટાંચણિયું, યાદી જેવું બની ગયું છે ને કયારેક લલિત સાહિત્યના પુસ્તકોને જેટલી જગા નથી અપાઈ તેટલી ઈતર ગ્રંથોને આપી દેવાઈ છે." આવી કેટલીક મર્યાદા હોવા છતાં સરળ અને પ્રાસાદિક શૈલીમાં સાઠ વર્ષ પૂર્વેની અને સાઠી દરમ્યાનની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક  આંદોલનો વિશેની પ્રમાણભૂત માહિતી એમાંથી મળે એ રીતે આ ગ્રંથનું ઐતિહાસિક મહત્વ છે. આ ગ્રંથ વિશેનું ચન્દ્રકાન્ત ટોપીવાળાનું નિરીક્ષણ ગ્રંથની મહત્તાને સૂચવે છે.: "દેરાસરીને સાઠ વર્ષનો સાહિત્ય અંગેનો ગાળો બહુ પાસેનો લાગવાથી પોતાનો અભિપ્રાય અધિક ન ઉચ્ચારતા, જે પળે પુસ્તક પ્રગટ થયું ત્યારે એના વિશે શું કહેવાયું હતું અને એની શી કિંમત અંકાઈ હતી એ જણાવવા પર એમણે વિશેષ કાળજી રાખી છે. આમ થવાથી જોઈ શકો કે આજે યાઉસ જેવા વિવેચકો જે વિવિધ સમયના અને વિવિધ વાચકોના પ્રતિભાવોનો ઇતિહાસ માંગે છે, એનો પ્રચ્છન્ન નમૂનો અહીં પડેલો છે. એક યા બીજી રીતે અભિગ્રહક સિદ્ધાન્તનો અણસાર પણ દેરાસરીના ઇતિહાસમાં જોઈ શકાશે(૨૪)[18] આમ, ઇતિહાસ આલેખનનો પ્રારંભિક છતાં પ્રમાણભૂત ઉપક્રમ અહીં જોવા મળે છે.૧૯૬૯ માં તેની બીજી આવૃતિ થઈ છે. હવે તેનું પુનર્મુદ્રણ થાય તે ખૂબજ આવશ્યક છે.


તથાપિ, ડિસેમ્બર-ફેબ્રુઆરી, પૃ.૫૮થી ૬૭,૨૦૦૭



પાદટીપ

  1. ૪. પૃ. ૫૭
  2. ૫. પૃ. ૫૭
  3. ૬. પૃ. ૯
  4. ૭. પૃ.૧૭-૨૪
  5. ૮. પૃ.૩૫
  6. ૯. પૃ.૩૫
  7. ૧૨. પૃ. ૧૩૮
  8. ૧૩. પૃ. ૧૪૦
  9. ૧૪. પૃ. ૧૪૯
  10. ૧૫. પૃ. ૧૭૭
  11. ૧૬. પૃ. ૧૮૬
  12. ૧૭. પૃ. ૧૯૯-૨૦૦
  13. ૧૯. પૃ.૬
  14. ૨૦. પૃ. ૧૧૮
  15. ૨૧. પૃ. ૨૦૮
  16. ૨૨. પૃ. ૨૧૩
  17. ૨૩. પૃ. ૬૩, અનુ આધુનિકતા વાદ સં. ભોળાભાઈ પટેલ ચંદ્રકાન્ત ટોપીવાળા
  18. ૨૪. પૃ. ૫૮, સાહિત્ય ઇતિહાસની અભિધારણા. ચંદ્રકાન્ત ટોપીવાળા

[1] [2] [3] [4] [5] [6]


  1. ૧. પૃ.૨
  2. ૨. એજ
  3. ૩. એજ
  4. ૧૦. પૃ. ૭૨થી૯૩
  5. ૧૧. પૃ. ૧૨૮
  6. ૧૮. પૃ.૬