નીતિન મહેતાનાં કાવ્યો/અમારા બાપદાદાના સમયનું એક ઘડિયાળ

અમારા બાપદાદાના સમયનું એક ઘડિયાળ

અમારા બાપદાદાના સમયનું
એક ઘડિયાળ
અમારા ઘરમાં છે
બાપુજી પહેલાં તેને રોજ સવારે
આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા
કાકા સાથે ઝઘડો થયો હોય
કે મારો દાખલો ખોટો પડ્યા પછી
મને પ્રસાદી મળી હોય
તો પણ બાપુજી ચાવી આપવાનું
કદી ભૂલતા નહીં

બાપુજી હવે નથી
મને ચશ્માં આવ્યાં છે
ક્યારેક ક્યારેક યાદ આવે
તો હું ચાવી આપું
બાકી રહી જાય
કોઈ વાર ખાનું ખોલતાં સામે દેખાય
ગાંધીજી પાસે હતું એવું જ
અદ્દલ મૉડેલ જોઈ લો
મોઢું પડી જાય
ગુનેગાર હોવાની શરમ સાથે
જોરથી ખાનું બંધ કરી દઉં
કે પછી
કોઈ વાર ચાવી આપી દઉં
ચાવી આપતી વખતે
અચૂક મારે કાંડાઘડિયાળમાં જોવું જ પડે

પછી તો ઘણો વખત થયો
એકબે વાર અટક્યું
જોરથી ચાવીના આંટા ફેરવવાથી
એકાદ વાર પડી જવાથી
કે એમજ
જો કે યાદ નથી
પણ
સાવ અટક્યું
વેચવા જવાનો એક બે વાર
વિચાર પણ કર્યો
ઘડિયાળી કહે સાહેબ
સાવ જૂનું થઈ ગયું છે
એક્સચેંજમાં નવું લઈ લો ને
કેટલી વાર સ્પેરપાટ્‌ર્સ બદલશો
હવે તો સેલવાળાં... સસ્તાં
આ તો સોના કરતાં... હીહીહી
હશે

છતાં જીવ ન ચાલ્યો
બેત્રણ વાર ચાવી સેકન્ડનો કાંટો
વગેરે બદલ્યાંયે ખરાં
બસ પછી એમ જ પડ્યું છે

ક્યારેક ખાનું ઉઘાડતાં
ખવાયેલા ફોટાઓ
બટકી ગયેલી પેન્સિલો
ઘસાયેલા ઝાંખા રબ્બરના ટુકડાઓ
વચ્ચે એને જોઈ રહું છું
કાચની રજકણ જરા લૂછી

ઝીણી નજરે સમય જોઈ
ફરી મૂકી દઉં છું
મોડી સાંજે આંટણ પડેલા
જમણા હાથના અંગૂઠા પર
આંગળી ફેરવતાં ફેરવતાં
વિચારું છું
બાપુજી કેવા જતનથી તેને રાખતા