નીતિન મહેતાનાં કાવ્યો/એક કાવ્ય - મેં તમારી કવિતા

એક કાવ્ય

મેં તમારી કવિતા ઝાઝી વાંચી નથી
એમ જ કોઈ વાર બીજા પાસે તમે વાંચતા હો તો સાંભળું ખરો
સાચું પૂછો તો એમાં મને ઝાઝો રસ પડતો નથી
કે નથી પડતી એવી કોઈ ખાસ સમજ

હું ઘરે હોઉં
ને તમે ફોન પર કવિતા વિશે
મિત્રો સાથે વાત કરતા હો
ત્યારે હું લેપટોપમાં કોઈ હિંસક ગેઇમ રમતો હોઉં
અથવા તો ઇન્કમટેક્સનું ફોર્મ ભરતો હોઉં
કે ટીવીમાં સર્ફીંગ
પછી તમે ધીમા અવાજે થોડી વાતો કરી
ફોન મૂકી
ચશ્માંના કાચ લૂછતાં તમારા રૂમમાં ચાલ્યા જાવ ચુપચાપ

મોડી રાતે ઑફિસેથી આવું
ત્યારે તમે કંઈક વાંચતા હો,
કે આંખમાં ટીપાં નાખી
અંધારામાં બેઠાં બેઠાં સંગીત સાંભળતા હો
પણ મને પાણી આપવાનું ક્યારેય ભૂલો નહીં ચુપચાપ

તમે એકલા ક્યારેય પડતા નથી.
કાં તો પુસ્તક,
કાં તો સંગીત,
ને દૂરના અંધકાર સાથેની તમારી ચુપકીદીભરી વાતચીત

ક્યારેક હું અકળાઉં
ક્યારેક તમારે ખભે હાથ મૂકી
કહું કે હવે સૂઈ જાવ
તબિયત બગાડશો
તમે માત્ર માથું હલાવો ચુપચાપ

ઉપરનીચે થતા અડધી રાતના પાણીમાં
મારો તમારો ચહેરો ખળખળ વહેતો રહે,
પાણીની સળ પર તમારી અપલક આંખોમાં
થોડી વાર મૂંગો મૂંગો ઊભો રહી,
ચાલવા જાઉં ને તમે ધીમેથી બાજુમાં ખસી જાઓ ચુપચાપ

હવે તમે
કાચની બારીમાંથી ઝાંખા પડતા તારાને સ્હેજ જોઈ
દવા લઈ
આછા મલકાટે મારા લેપટોપ પર
વોશીંગ મશીન પર મૂકેલા શર્ટ પર
જરા હાથ ફેરવી,
ઘડિયાળને ચાવી દઈ બત્તી બંધ કરી
અત્યારે
તમારા રૂમના ખાટલાની ધાર પર
તમે આંખ મીંચી બેઠા છો ચુપચાપ
આ હું મારા રૂમના બંધ બારણામાંથી
જોઈ શકું છું ચુપચાપ

જો કે આપણા અંધકારના
વણાટની પસંદગી આપણે નથી કરી શકતા
સાવ અચાનક અતિથિ વિચાર ઝબકી બુઝાય ચુપચાપ

હા ચોક્કસ
તમારી ચુપકીદી સાથે
એક દિવસ હું જરૂર વાત કરીશ
હમણાં તો આપણે
ભાષા વિનાના સમયમાં. ચુપચાપ.