નીતિન મહેતાનાં કાવ્યો/પસંદગી

પસંદગી

મારા માથામાં બેઠા બેઠા
બુદ્ધ અને મિડાસ
ચેસ રમે છે
હું બંને બાજુથી
ચાલ ચાલું છું
અને હારી જાઉં છું

બુદ્ધ રાઈના દાણાની
ચાલ ચાલે છે
મિડાસ સ્પર્શની
ચાલ ચાલે છે
ને હું તરડાયેલા
દર્પણમાં
અસંખ્ય રાઈના
દાણા થઈ દડદડતાં
સોનાનાં આંસુ થઈ
જન્મું છું
આમ તો હું કશું
કરી શકતો નથી
શા માટે કશું કરવું જોઈએ?
બુદ્ધ કે મિડાસ
કશું થવાતું નથી
જરા-વ્યાધિ-મૃત્યુ
સુજાતાની ખીર
પીપળાની જેમ
પીઠમાં
ઊડતાં રહે છે
બોધિવૃક્ષની છાયામાં
વેરાયેલા
સોનાના રાઈના દાણામાં
મિડાસને
બુદ્ધ થવાનું સ્વપ્ન આવે છે
ત્યારે એક સાથે અનેક
અન્‌-ઐતિહાસિક સમયમાં
મારું નિર્વાણ થાય છે.