નીતિન મહેતાનાં કાવ્યો/મારા પિતાને

વાયકાઓ

મારા પિતાને

એમણે મારા પિતાને
ખૂબ ગાળો આપી
મેં સાંભળી
પિતા હયાત હોત તો
એમણે પણ ચોપડાઓ
લખતાં લખતાં
ચશ્માંમાંથી ઝીણી નજરે
જોતાં જોતાં
ગાળો સાંભળી હોત
ને પછી
ચોપડાઓ થેલીમાં
વ્યવસ્થિત મૂકી
તૂટેલાં ચપ્પલો પહેરી
ધીમે ધીમે બહાર
ચાલી ગયા હોત.

બધા મને ફોશી કહે
સામે બેચાર ચોપડાવી દેવા
ચાનક ચડાવે
હું માત્ર સાંભળું
જરીક હસું
ને પાણી પી
હું પણ
ચાલી નીકળું.

બસસ્ટેન્ડ પાસે
તૂટેલા અંગૂઠાવાળા
એક ચપ્પલ પરથી
બસ ચાલી જાય
વરસાદના આ દિવસોમાં
ભૂખરું આકાશ
ખાબોચિયામાં હાલકડોલક
મેલોઘેલો ધૂંધવાયેલો
સૂરજ નખમાં ઘર કરે
અટકેલી ઘડિયાળને
ચાવી દેતાં જ
પિતાનું અમથું હાસ્ય
મારી આજુબાજુ કારાગાર રચે
સળિયા તોડી ભાગું
ને
સામેની દીવાલ જોડે
માથું અફળાય
એકાએક વરસાદ
તૂટી પડે
ઢીમચાં પર આંટણવાળી
આંગળી ફેરવતો ફેરવતો
ભીનો ધ્રજતો
દાંત કકડાવતો
ઘર તરફ પાછો ફરું