નીતિન મહેતાનાં કાવ્યો/યાત્રા

યાત્રા

સવારે રસ્તા પર
ચાલતો હતો
ને સામેની બારીમાંથી
કાચની જેમ હું તૂટી ગયો
તો બાજુની ગલીના વળાંકમાંથી
હું નીકળ્યો ત્યાં તો પેલા
પીળા ઘરના
ડાઇનિંગ ટેબલ પર બેઠો બેઠો
સૂપ પીતો હું
મકાનને ત્રીજે માળે ફિટિંગ કરતા
લાલ મજૂરની જેમ કાળું ધડ્‌ કરતો
હું ખડી ગયો.
હાથ હવામાં છૂટી ગયો
કાનમાં ખળખળ કરતો દરિયો
ફાટી પડ્યો
રાત્રિના જળના કાંઠા પર પીળું
ઘર બની લાલ મજૂરનું મોજું ફેંકાઈ ગયું
હાથમાંથી સફેદ વાયરોની રેતી
ઊડી ઊડી મને ઘેરી વળી
આંખોમાંથી ઘાસ ખરવા લાગ્યું
ટોળું, અવાજો, થીજી ગયેલાં ઘડિયાળો
સૂપની વરાળની જેમ મારી આજુબાજુ
હવામાં રથની જેમ ફરી વળ્યાં
ચમચીના ગોળાકારમાં મારા પગ
હલબલતા રહ્યા
ને ઝટ દેતો ફેંક્યો - ‘...રે સૂર્યમાં...’
ફાટેલી આંખવાળી બારી
હવામાં હલેસાંની જેમ ઊડી
હાથમાંથી આંખો ખરતી રહી
‘...ચન્દ્રીએ અમૃત...’
 
હવે હું રસ્તા પર ચાલું છું
ને બારીમાં ઊભો ઊભો હસું છું
ઘડિયાળ નિયમિત થઈ ગયાં છે.