ન તત્ર સૂર્યો ભાતિ/મારા ચાર ખૂનીઓ


મારા ચાર ખૂનીઓ

સુરેશ જોષી

એક છે દ્ધ. એની આંખમાં પશુઓની આંખમાં હોય છે એવી ઉદાસી સદા છવાયેલી રહે છે. એ મારી સામે આંખ ઉઠાવીને ભાગ્યે જ જુએ છે. પણ એ મારા પડછાયાને જુએ છે. મારા પડછાયાને જોવાને આંખ ઊંચી કરવી પડતી નથી. એક દિવસ મેં જોયું તો એ મારા પડછાયાના માથામાં ખીલો ઠોકી રહ્યો હતો. મેં ધાર્યું હોત તો હું ખસી ગયો હોત, મારો પડછાયો ખસેડી લીધો હોત. પણ મનેય કદાચ મારા પડછાયાના વધમાં રસ પડ્યો હશે. મારા પડછાયા પર મારો કાબૂ કેટલો? તે દિવસે મારી સામે જ ઊભી હતી ક્ટ્ઠ. અમારા પડછાયા ભેગા થઈ જતા હતા. એની તો અમને બન્નેને ખબર નહોતી, ત્યાં મારી નજર દ્ધના પર પડી. એ હાજર જ હતો. પોતાના કદનાં કરતાં મોટી મણકા જેવી બહાર ઊપસી આવેલી આંખોવાળા કોઈ જન્તુ જેવો એ લાગતો હતો. એને જોતાં જ મારી વાતનો તન્તુ તૂટી ગયો. વૈષ્ણવ મન્દિરમાં આરતીટાણે વાગતી ઝાલરના જેવો એની એ આંખોનો એકસરખો અવાજ મારા કાનમાં ગાજવા લાગ્યો, મારું શરીર કમ્પી ઊઠ્યું. ક્ટ્ઠ મારા મુખ પરનો ભાવ જોઈને છળી મરી. એ મારી નિકટ આવીને મારા મુખ પર હાથ મૂકવા ગઈ. પડછાયા નજીક સર્યા. લગભગ એકબીજામાં અભિન્ન બનીને ભળી ગયા. હીરાકણી કાચને કાપે તેમ દ્ધની દૃષ્ટિ અમારા અભિન્ન પડછાયાને કાપવા લાગી. મેં આંખો બંધ કરી દીધી. ક્ટ્ઠએ પૂછ્યું: કેમ, મને જોઈને આંખો બંધ કરી દીધી?’ મને ખૂબ વેદના થતી હતી છતાં મે કહ્યું: ‘મને ખૂબ ખૂબ સુખ થાય છે. એ સુખમાં ઊંડે ઊંડે ડૂબી જવા માટે મેં અન્ધકારમાં ડૂબકી મારી છે.’ મેં આંખો ખોલી ત્યારે ક્ટ્ઠ નહોતી. મારા પડછાયાના છિન્ન અંશો ચારે બાજુ તરફડતા પડ્યા હતા. કેટલીક વાર મને લાગે છે કે મારા શરીરમાં આ નર્યા પડછાયાઓ જ ભરેલા છે. એનું કશું વજન નથી. હું બધે ભળી જાઉં છું, ઓગળી જાઉં છું. રેલાઈ જાઉં છું; વૈશાખની બપોરની ઊની ઊની લૂમાં, હેમન્તની સાંજની હિમધૂસર શૂન્યતામાં, આંસુની ભંગુરતામાં, નિ:શ્વાસના ઉત્તાપમાં, હસવાનું ભૂલી ગયેલા હોઠ પરની ઉદાસીમાં, સ્મૃતિની ચમક વિનાની આંખોની બખોલમાં, સ્પર્શના રોમાંચને ખોઈ બેઠેલી આંગળીઓની નરી અન્ધતામાં – ને ત્યારે દ્ધની મણકા જેવી આંખો મારી સામે તાકી રહે છે. ધીમે ધીમે હું એમાં શોષાઈ જાઉં છું. મારા લોહીનું એક ટીપું સરખું ગુમાવવાની એની ઇચ્છા નથી. પછી હું પણ એક ગોળ આંખ બનીને મારી હસ્તીને નાબૂદ થતી જોઈ રહું છું. ને આ છે દ્દ. એને બકુલા કહો, બંકિમા કહો. તમે અમને સાથે જુઓ તો તમને અમારી અદેખાઈ જ આવે. લીસા પથ્થર પરથી સરી જતા તડકાના જેવી એની દૃષ્ટિ છે. ખણ્ડેરની દીવાલ પર બાઝેલી લીલના જેવો મખમલી એનો અવાજ છે. એના સ્પર્શમાં અન્ધની નિરાધાર આંગળીઓની વિહ્વળતા છે. એ મારામાં જ વસે છે. પૃથ્વી પર આવા પ્રેમની મેં આશા નહોતી રાખી. મારા શબ્દોને એ મારાં જ હાડકાંની સફેદીથી ઊજળા બનાવે છે. એ શબ્દોમાં તેજ પૂરવા એ મારામાં સૂતેલા કેટલાક ગુપ્ત જ્વાળામુખીને જગાડી મૂકે છે. એના તેજથી મારા શબ્દો ભડકે બળે છે ત્યારે મારી શિરાશિરા છેદીને એ રક્તપ્રલય લાવી દે છે. એ શબ્દોની ઊડી જતી રાખને ભરી રાખવા એ મારા હૃદયને ઊંડું ને ઊંડું કોતરે છે ને પછી એ રાખને રખે ને મારા શ્વાસ ઉડાવી ન મૂકે એ બીકે મારા શ્વાસને ખડકની જેમ આડી પડીને રૂંધે છે. શ્વાસ વિનાની મારી છાતીના પોલાણમાં એ અન્ધકારના હજાર ગરુડ છોડી મૂકે છે. એ ગરુડોના ઉડ્ડયનથી મારું શૂન્ય ઘેરું ઘુંટાતું જાય છે. એનું વજન એટલું બધું વધતું જાય છે કે સામે પલ્લે બેઠેલો ઈશ્વર ઊંચે ને ઊંચે જતો જાય છે. રહી રહીને દ્દનું અટ્ટહાસ્ય મારામાં ગાજી ઊઠે છે; એનાં મોજાંઓમાં ભાંગેલા વહાણમાંના કોઈ મૃત શિશુના ખવાઈ ગયેલા દેહમાંથી બચી ગયેલી નિષ્પલક આંખની જેમ હું તર્યા કરું છું. એનો સ્પર્શ મારા અણુએ અણુને ભાંગીને વિખેરે છે. હવે પછીના સાત જન્મ સુધી ઈશ્વર મને કોઈ સ્ત્રીના ગર્ભમાં એકઠો કરી શકવાનો નથી એવું મને લાગે છે. રણની રેતીમાં, હિરોશિમાની ભસ્મમાં, બારીએ ઊભી રહેલી અન્યમનસ્કાની આંખમાંથી ટીપે ટીપે સરી જતી આશામાં, બે પ્રેમીઓ વચ્ચે છવાઈ ગયેલી નિ:શબ્દતામાં મારા ભગ્ન અણુઓ ભળી જશે. જુગજુગના સૂર્ય એને શોધશે, ચન્દ્ર એને સાગરની ભરતીમાં કોઈ નિર્જન તટ પર ખેંચી લાવવા મથશે. દ્દ મને એના શબ્દના પડઘામાં સંતાડે છે, દૂર ફેંકીને પાછો સમેટી લે છે. એની આ રતિક્રીડા સમયના ચોકીપહેરા નીચે થતી નથી. સમયની સીમાથી બહાર ખેંચી લાવીને જ એ મને એના બાહુપાશમાં જકડે છે. આથી મારું શૂન્ય ભીંસાઈને વધુ ઘટ્ટ બને છે. જો કોઈ એમાં પ્રાણ પૂરે તો? આથી તો આ શૂન્ય પર એ એની હજાર મરણના સરવાળા જેવી આંખોનો પહેરો ગોઠવે છે. મારી આ નિત્યસંગિનીએ મારા એકાન્તને મારામાંથી હદપાર કરી દીધું છે. એની શિરામાં મૃગજળ વહે છે. એના પે્રમની ઉત્કટતા બતાવવાને એ એની શિરા છેદીને આ મૃગજળમાં મને નવડાવે છે. ફોસ્ફરસની શિખાઓનો રાસ ચગે છે. આમ રોજ ઉજવાય છે અમારા પ્રણયનો ઉત્સવ. આથી જ તો કદાચ હવે મારી પાંપણની છાયા જોવાની પણ મને ફુરસદ નથી. મારામાંથી હાંકી કાઢેલા મારા શ્વાસ કદાચ કોઈક વાર ફરી મને શોધતા આવી ચઢે તો? એમને આશ્વાસન આપવાને શું કહેવું? ક્ને તો તમે ઓળખો જ છો. ભૂલી ગયા? હજી તો ગઈ કાલે જ આપણે સૌ સાથે હતા. શું કહ્યું? હા, એ કાંઈ મારી આંગળી ઝાલીને ચાલતો નથી. મારી પાછળ સંતાઈને રહે છે. આપણે વાતો કરીએ છીએ ત્યારે પહેલા બે શબ્દ મને બોલવા દઈને તરત જ વાતનો દોર એ પોતાના હાથમાં લઈ લે છે. તમને કોઈ વાર નવાઈ લાગે છે, નહીં? પણ તમને હું શી રીતે કહું કે એ મારા શબ્દો નથી! ગઈ કાલે જ તમે ગુસ્સે થઈ ગયાં હતાં ને કહેતાં હતાં કે આ તમારો સ્પર્શ જ નથી, પહેલાં તો તમે…

હા, વાત સાચી છે તમારી. પાણીની અંદર આપણે એકબીજાના હાથને સ્પર્શીએ ત્યારે આપણા સ્પર્શ વચ્ચે પાણીનો સ્પર્શ અન્તરાયરૂપ રહ્યો જ હોય છે ને તેના જેવું. ભુવનેશ્વરના મન્દિરમાં આલંગિનરત તૂટેલા હાથની બખોલમાં હવે ઘુવડનો વાસો છે. આ ક્ પણ એમ જ મારી ને જિંદગીની વચ્ચે વાસો કરીને રહે છે. જે બેને જોડીને કશોક અર્થ થાય તેને એ જોડવા દેતો નથી. એ વિચારોનાં અંગ છેદે છે. જ્યાં સહેજસરખું મમત્વ થાય છે ત્યાં એ બખોલ પાડીને ભરાઈ જ જાય છે. બે આંખને પણ એ ભેગી મળીને કશું જોવા દેતો નથી. લોહીના કણકણ વચ્ચે એની છાયા છે. કોઈક વાર મને છોડીને એ સહેજ થાક ખાવા આડે પડખે થાય છે ત્યારે ચોરીછૂપીથી હું એને જોઈ લઉં છું. એની આંખ કાચીંડાના જેવી છે. એના શરીર પર લીલાશ પડતી ભૂરા રંગની ઝાંય છે. સૌથી ભયંકર છે એના હાથ. એ કરવતના આંકા જેવા લાગે છે. એનું મોઢું જાણે સીવી લીધેલું છે. એના શરીરમાં રહીરહીને આંચકી આવે છે. મારી ચામડીના છિદ્રેછિદ્રમાં થઈને મારામાં પૂરા પ્રસરી જવાનું એને આવડે છે, ને ત્યારે એને આવતી આંચકીઓનો ધક્કો મારા હૃદયને વાગે છે. એ બેચાર ધબકારા જેટલું એકસાથે આગળ દોડી જાય છે. કેટલીક વાર એ શિરાઓમાં પોતાના પંજા પસારીને એને ફુલાવે છે. લોહીમાં એનો ઉચ્છ્વાસ ભેળવી દઈને જાણે એના પ્રવાહમાં એકસાથે કેટલાંય શબને તરતાં મૂકી દે છે. મારા શ્વાસના પોલાણમાં એ સદીઓ પહેલાંના કોઈ પ્રાગૈતિહાસિક પ્રાણીનો ચિત્કાર ભરી દે છે. કેટલીક વાર એ શરીરને રુવાંડેરુવાંડેથી કાળી કીડીની હારની જેમ આવજા કર્યા કરે છે, હું જ્યારે જંપી ગયો હોઉં છું, ત્યારે એ નિસ્તબ્ધતામાં મારા મરણ સાથે મસલત ચલાવે છે. એના હાસ્યનો અવાજ કટાઈ ગયેલી તલવારને મ્યાનમાંથી બહાર કાઢવાના અવાજ જેવો છે. એથી ભડકીને મારાં કેટલાંય દુ:સ્વપ્નો ચીસ પાડી ઊઠે છે. મારી ખાલી થઈ ગયેલી ક્ષણોનાં ખોખાં એ આખો વખત કચડકચડ ચાવ્યા કરે છે ને એના મોઢામાંથી ટપકતી લાળ રહીરહીને મારા શરીરને કંપાવી જાય છે. યુદ્ધ પછીનો હાહાકાર એ મારી નાડીમાં ગજાવી મૂકે છે. ડૂબી ગયેલા સૂર્યને કોઈ બાળકે કાપેલા ચિત્રની જેમ એ મારી આંખના પડદા પર ચોંટાડે છે. ચિત્તાની અંધારામાં તગતગતી આંખોની સરાણ પર એ એના નહોરની ધાર કાઢ્યા કરે છે. કોઈક વાર એ પ્રલયના જળની જેમ મને ચારે બાજુથી ઘેરી વળે છે. પણ એમાં એ મને પૂરો ઓગળી જવા દેતો નથી, માટે તો હજી હું છું ને હું છું માટે એ પણ છે.

કોણ છે તેની મને ખબર નથી. કદાચ તમે પણ હો, કદાચ હું પણ હોઉં. અત્યાર સુધીમાં મને એટલી ખબર છે કે એને ઝેરનો ભારે શોખ છે. તમે જે કાંઈ આપો તેમાંથી એ કશીક રાસાયણિક પ્રક્રિયાથી ઝેર ઉપજાવી આપે છે. મારી કાયા ને મારું મન જાણે એની પ્રયોગશાળા છે. મારા શરીરના કોષમાં એ અનેક રંગના ઝેરનો સંચય કરે છે. મારી આંખની કીકીમાં કદીક એ ભૂરા ઝેરની જ્વાળા સળગાવે છે. તમે મારી સાથે મીઠા પ્રેમભર્યા શબ્દોમાં વાત કરો છો ને એ શબ્દો હું સાંભળું તે પહેલાં જાણે કોઈ નાગ કે ચિતળને ગરદનમાંથી પકડતો હોય તેમ એ શબ્દોને ઝાલીને એના ઝેરની કોથળી ઊંધી વાળે છે. લીલા ઝેરના સરોવરમાં એ મને તરવા લઈ જાય છે. મોરથુથુના ચન્દ્રને હું એમાં તરતો જોઉં છું. કાટથી લીલો બની ગયેલો સૂર્ય એમાં ડચકિયાં ખાય છે. કોઈ વિષકન્યાના ભૂરા હાથ મને ગાઢ આલિંગનમાં ઘેરી લેવા મારી તરફ વળે છે. એ સરોવરમાંથી હું માંડ છટકીને એક વનમાં પ્રવેશું છું. ચારે તરફ ફૂલ જ ફૂલ. એકેએક ફૂલમાંથી ઝેરનો ફુવારો. ક્યાંકથી કોઈકનું લીલું લીલું હાસ્ય વહી આવે છે. જોઉં છું તો નાનાં બાળકોની ખોપરીઓને ઝેરમાં ઝબકોળતી કોઈ ડાકણ હસી રહી છે. ઝેરી વનલતાઓની જાળને દૂર કરીને જોઉં છું તો એક મોટો મહેલ દેખાય છે. એનાં લીલાં પાણીના હોજમાં તરે છે એક રૂપરૂપના અમ્બાર જેવી રાજકુમારી. મને જોઈને એ મારી પાસે દોડી આવે છે. એની આંગળી પરની વીંટીમાંનો હીરો મને ચૂસવાનું કહે છે. એ ચૂસીને હું એની સાથે એના મહેલમાં ફરું છું, જોઉં છું, તો મારા પડછાયાને ઝેર ચઢ્યું છે. એને મારી સાથે ઢસડી શકતો નથી. આથી એને મહેલના ભોંયરામાં ફેંકી દઈને હું આગળ વધું છું. રાજકુંવરી મારી આંખોની પ્યાલી ઝેરથી છલકાવી દે છે. અમારાં અંગ ઝેરના બે પ્રવાહની જેમ એકબીજામાં ભળી જઈને છલકાઈ ઊઠે છે. મહેલની દીવાલો તૂટે છે. જ્યાં મહેલ હતો ત્યાં ખણ્ડેર ઊભું હોય છે. એની લીલ બાઝેલી દીવાલ પર થઈને અમે બે લીલા સાપને રૂપે સરીએ છીએ. પૃથ્વીના અક્ષાંશરેખાંશ પર અમારા લીલા લિસોટા અંકાઈ જાય છે. એમાંથી લીલા અગ્નિની ઝાળ કૂદકો મારીને નીકળે છે. એ ઝાળ ફાળ ભરીને દોડે છે. એની લપટમાં ફસાઈને મારા જન્મોજન્મ રાખ થઈને ઊડવા માંડે છે. થોડીક પડી હશે હિરોશિમા પર, થોડીક નાગાસાકી પર. પણ હજી રાખ ઊડ્યા જ કરે છે. કોઈ નદીનાં જળ એને ઠારતાં નથી. મારી રાખને એની આંખના ખરલમાં ઘૂંટે છે. આ ઘૂંટવાના અવાજના પડઘાને હું મારા શ્વાસોચ્છ્વાસ માનીને મારા મરણને જીવનના વાઘા પહેરાવું છું.

ક્ષિતિજ: જાન્યુઆરી, 1965