પન્ના ત્રિવેદીની વાર્તાઓ/હોળી

હોળી

આ વખતે કદાચ.... – સુખદ રોમાંચથી અવંતીએ ક્ષણિક આંખ મીંચી; ના, આ વખતે એવું નહીં થાય. દર વખતની જેમ. રજાની એક એક ક્ષણ ‘ફુલ્લી’ ઍન્જોય કરવાના સપનાં લઈને જવાનું ને પછી રાખ રાખ થઈને પાછા ફરવાનું. ના, આ વખતે એવું નહીં જ થાય. કોને ખબર, જિંદગીના પુસ્તકના કયા પાને કયો સુખદ વળાંક લખાયેલો હોય! બસ વળાંક વળતી હતી. ગરમ પવનની થપાટો ચહેરા પર વાગતી હતી છતાં બસની ખુલ્લી બારીમાંથી અવંતી દોડતાં વૃક્ષોને એકધારું જોઈ રહી. વૃક્ષોના પડછાયા આંખને ટાઢક આપતા હતા. આંખે કેસૂડાનાં ફૂલોથી લદાયેલું વૃક્ષ એક પળમાં જ ભીતર ધરબી દીધું. બફારા વચ્ચે પણ મનમાં કેસૂડાનો રંગ પથરાઈ ગયો. પણ કેસૂડો જોતાવેંત એકાએક તેના સહકર્મી સંજય મોરીએ મોકલેલ કેસૂડાની ઇમેજ અને ફૂલ ગુલાબી શબ્દો આંખ આગળ તરવરી ઊઠ્યા : ‘આ ફેર તો હોળી પર ઘેર જવાના? ધૂળેટીની રજા જોડે ત્રણેક સી.એલ. જોડી નાંખી ને તમે તો?’ સ્ટાફના મિત્રો પૂછતાં હતા. ને પછી તો સ્કૂલ બહાર નીકળતા લગી હેપ્પી હોલી... હેપ્પી હોલી... ચાલ્યા કર્યું, ગુલાલ ગુલાલ થઈને નીકળતી જ હતી કે ત્યાં જ વળી સંજય મોરીએ મોબાઇલ તરફ ઇશારો કર્યો. કેસૂડાની ઇમેજ અને ગુલાબી રંગથી લખાયેલા શબ્દો : તમારા જીવનમાં પણ હોળીના રંગો આવે અને સુખનું સરનામું લાવે.... વાંચતા જ ગુલાલ એકાએક ફૂ૨૨૨૨..! મન એકાએક ખિન્નતાથી ભરાઈ ગયેલું – ૩૪ વર્ષની અપરણિત છોકરીના જીવનમાં કોઈ રંગો જ ન હોઈ શકે? ઘર હોય અને છતાં કોઈ સ૨નામું જ ન હોય તેમની નજરે? આ કેવું? ભૂલી ગયો એ માણસ કે સાડત્રીસ વળોટેલા પોતાને માંડવે બેસવાનું નસીબ નહોતું થયું ત્યારે લોકોના મહેણાં-ટોણાંથી કંટાળીને કેટલું રડતો’તો પોતાની આગળ? ભડ ‘પુરુષ’થી રડાય નહીં તોય – ફૂં...ફૂં...ફૂં...ફૂં... કરતું પીડાનું પોટલું છૂટી પડેલું! ને પછી? શિવધનુષ તોડી જાણે કે કોઈ પરાક્રમ કરી આવ્યા હોય એમ શુંયે શાહમૃગની ગર્દન લઈ ચાલતી પકડતા’તા! જાણે કે સિંગલ છોકરી સાથે સામાન્ય વાતચીત કરવી એ તો તરોતાજાં ગૃહસ્થો માટે મહાપાતક! ને પછી સંસારી બાબાઓની જમાતમાં ભળી જઈને ઠાલવશે ઉપદેશ-સલાહ-સૂચનો-શુભેચ્છાઓ-આશ્વાસન... પણ ‘રંગો’ શું એમનાં જ જીવનમાં હોય છે? કોને ખબર જેને તેઓ ‘રંગ’ કે ‘સુખ’ ગણે છે તે બીજાને મન ‘સુખ’ કે ‘રંગ’ ન પણ હોય? કોને હાથ લાગ્યું છે સુખનું સરનામું આજ લગી? ધખીને બેઠેલી બસમાં. ક્યાંય લગી બારી બહાર પેલા સહકર્મીની બે આંખો દેખાયા કરી. બારી બહારના અવકાશ વચ્ચે એ આંખો જેવી જ બીજી અસંખ્ય પુરુષ આંખો વધતી જ ગઈ. એ આંખો સાથે હવે અસંખ્ય સ્ત્રીઓની આંખો પણ ઉમેરાતી ગઈ. બસની તેજ ગતિની સમાંતરે બહારનો અવકાશ અસંખ્ય આંખોથી ખીચોખીચ થવા લાગ્યો. આંખો એકધારા સવાલો પૂછતી હતી. કર્કશ ઘરઘરાટીને ચીરતા અવાજો છેક કાન લગી ધસી આવતા હતા – સિંગલ કે મિંગલ? ...તો આ પૅરેન્ટ્‌સનું ઘર છે કે હસબંડનું? ...તો ક્યારે બોલાવો છો હવે પ્રસંગમાં?... સવાલો જ સવાલો... આંખો જ આંખો... શું હતું એ આંખોમાં? અભિમાન? ઠઠ્ઠા-મશ્કરી? દયા? કરુણા? એ અસંખ્ય આંખો વચ્ચે અવંતીને મમ્મીની થાકેલી બે આંખો પણ દેખાઈ. ચોત્રીસ વરસની જુવાનજોધ રૂપાળી છોકરીને ઘરમાં જોઈ રહેવાનો થાક. અવંતી ઉદાસ થઈ ગઈઃ આ વખતે મમ્મીને દુઃખ થાય એવી કોઈ વાતો નથી કરવી. અજાણ્યા શહેરની નોકરીની કડાકૂટ, ષડ્‌યંત્રો, રુક્ષ વ્યવહારો, એકલતા, મહેણાં-ટોણાં, ઠપકા, અપાર ગેરસમજો... કોઈ કરતાં કોઈ વાત જ નહીં. ભવિષ્યનો કોઈ વિચાર નહીં ને ભૂતકાળનો કોઈ ઉકળાટ નહીં. કાલ કોણે જોઈ? બસ, આ વખતે એવી હોળી ઊજવવી છે કે જાણે છેલ્લી હોળી હોય! છેલ્લી હોળી... અવંતીએ છેલ્લો શબ્દ ફરી ફરીને મમળાવ્યો – છેલ્લી હોળી, કોને ખબર આ રીતની આ છેલ્લી હોળી હોય? ને આવતી હોળીએ પોતે પણ પેલા સંસારી બાબાઓની જમાતમાં ભળીને આ જ રીતે કોઈને રંગોના આગમનના ને સુખના સરનામાનાં નોતરાં આપતી ફરતી હોય! કદાચ... અવકાશ વચ્ચે હવે આંખો નહોતી દેખાતી. નાના નાના હાથોએ પકડેલી રંગો ભરી પિચકારીઓ દેખાતી હતી. એમાં કોના કોના હાથ હતા? – મુનિયાનો, ટીનીનો, ચિન્ટુનો, ભૂરીનો અને પોતાનો. અવંતી વિચારે ચડી ગઈ : નાનપણની હોળી કેટલી મજાની લાગતી હતી, ઉંમર વધતા જાણે શું ખોવાઈ જાય છે એવું? જોકે બીકેય કેવી લાગતી હતી રંગોથી, ઢોલના અવાજોથી... ચિચિયારીઓથી... કાદવકીચડથી... લાલઘૂમ આંખોથી.... હો-હો-હા-હા... ચીસાચીસ... ઘરઘરાટી વચ્ચે એકાએક ઢોલની થાપ સંભળાઈ : ગીતો ગાતા, ચિચિયારીઓ પાડતા, પૈસા માંગતા, ‘ખોલો....ખોલો.... નીકળો...નીકળો..’ની બૂમો મારતા લાલ-પીળા-લીલા-ભૂરા-કાળા ચહેરાઓ, બારણું ખખડાવતા હાથ, થરથર ધ્રૂજતી, રોક્કળ કરતી, ચીસો પાડતી પોતે તો મમ્મીને વળગી પડતી જો૨થી. ‘રંગોથી તો કંઈ બીવાતું હશે?’ મમ્મીએ બાથમાં લેતાં વહાલથી સમજાવેલું. પણ રંગોની એવી તો બીક ધરબાઈ ગઈ મનમાં... ખબર નહીં કેમ પણ હોળી નહોતી ગમતી ને તોય બહુ ગમતી હતી – જિંદગીની જેમ. ના, હવે રંગોથી લગીરેય નથી બીવું, રંગોનેય એક રંગ આપવો છે – જરા હટકે. સોસાયટીમાં તો હવે બહેનપણીઓ જ ક્યાં રહી છે? એક નયના સિવાય બધી પરણી ગઈ છે. તેને કોઢ ના હોત તો એય પરણી ગઈ હોત ક્યારની. છો ને કોઈ ન હોય તોય હાથમાં ગુલાલ લઈને નીકળી પડવું છે. આ વખતે તો મન ભરીને ધૂળેટી રમવી છે. બસ, ગુલાલ ગુલાલ... ગુલાલના દરિયામાં ડૂબવું છે. ગુલાલ ભરી હવામાં શ્વસવું છે. આ વખતે તો એક એક ક્ષણ હોળી જ હોળી... અવંતીએ આંખ મીંચી – પોતે ગુલાલના દરિયામાં ઉમંગથી તરતી હતી કે અચાનક પાણી વચ્ચે પણ એક બારી ખૂલવાનો અવાજ સ્પષ્ટ સંભળાયો – ફટાક્‌! પાછલા ઘરની બારી યાદ આવી કે ચહેરા પર એક નિરાંત ફરી વળી હાશ...! દરિયામાંથી બહાર નીકળીને પોતે જાણે કે ઘરની પાછલી બારીએ જઈને નિરાંતે બેસી ગઈ. આખો રસ્તો હવે મખમલી લાગી રહ્યો હતો. ઘર નજીક ને નજીક આવતું ગયું. રિક્ષા સોસાયટીમાં પેઠી કે વળી વળીને નજર સાંજની હોળીની તૈયારી કરતા છોકરાઓ પર ગઈ. વર્તુળ વચ્ચે ગોઠવાયેલાં લાકડાં, રંગબેરંગી પતંગો... અડાયા... પતાસાં... તોરણ.. પ્રદક્ષિણા માટે ગોળાકાર લીટી દોરતા છોકરાનો હાથ... અવંતીના પગમાં ગજબનો થનગનાટ વ્યાપી વળ્યો. તે ઉતાવળે નીચે ઊતરી. ‘ઘર’ આવી ગયું હતું. અધીરા હાથે કમ્પાઉન્ડનો દ૨વાજો ખોલ્યો કે નીચે રહેતા ભાડુઆત માલતીકાકીએ ટેવવશ પૂછી નાંખ્યું : ‘આવી ગયા હોળી કરવા?’ ‘હા...હો...’ ઉમળકાભર્યો હોંકારો આપીને તે બાજુનો દાદર સડસડાટ ચઢી ગઈ. ‘આવ આવ... કેટલા વાગ્યે નીકળેલી? જરી વહેલું ના નીકળાય? ઓહો... એમ....લે.... ગરમી....લૂ... બાફ... ઉકળાટ...’ આમતેમની થોડી વાતો અને વળી વળીને એ જ સવાલ, દર વખતની જેમ અને એક વાક્યનો પોતાનો એ જ જવાબ, દર વખતની જેમ. એ જ લાંબી ચુપ્પી અને ચહેરાઓ પર એ જ અસમંજસના ભાવો. દર વખતની જેમ... અવંતીની મમ્મી કંઈક બબડતી બબડતી ઊભી થઈને રસોડા તરફ વળી ગઈ. વઘારની સાથે શબ્દોનો તીખો તમતમતો છમકારો છમ્મ કરતો સીધો જ અવંતીની છાતીમાં ભરાઈ પેઠો : શું વિચાર્યું પછી? આમ જ કાઢવી છે આખી જિંદગી? કંઈ નહીં તો નાની બહેનનો વિચાર તો કર!’ ‘કોને ખબર?’ શબ્દોની જેમ અવંતીનો ચહેરો પણ ઊતરી ગયો. વાત બદલવા શક્ય થયું તેટલું ત્યાંની સારી સારી વાતો વીણીને યાદ કરી જોઈ – નવા આવેલા આચાર્ય વિશે, સ્ટાફ વિશે, વિદ્યાર્થીઓ વિશે કે અધવચ્ચે જ અણધાર્યું વાક્ય ધસી આવ્યું : ‘પછી શું થયું તારા સ્ટાફની પેલી કેતકીના કેસમાં?’ થવાનું શું હતું વળી? વરને છૂટાછેડા પકડાવી ચાલતો કરી દીધો. પેલાને તો એમ કે જાણે કોઈ કેતકીનું હાથ ઝાલનારું મળશે જ નહીં... પણ જે ભોંઠો પડ્યો છે તે તો... મોં ફાડીને જોતો રહ્યો. લાખ ગણો સારો છોકરો મળી ગયો. બસ, હાઇટમાં સહેજ કોમ્પ્રો કરવું પડ્યું એટલું જ. બાકી છોકરો એમ.ડી. ડૉક્ટર છે ને તેય પાછો કુંવારો, ડિવૉર્સ આપીને પેટ ભરીને પસ્તાય છે પેલો..’ અવંતી કોળિયો ઉતારતા બોલી કે સામેના હાથમાં કોળિયો અધ્ધર રહી ગયો. અવંતીને જરીક મોડી ઝબકી – તો મમ્મીના કાન શું સાંભળવા આતુર હતા? એ જ ને કે છોકરીની જાત, ભાગ્યમાં લોઢાના લિસોટા..! કેતકીના લગ્ન વિચ્છેદમાં એક પોકળ આશ્વાસન શોધતી હશે કે અવંતીનો કેસ તેનાથી તો ઘણો સારો છે, કમસેકમ હજી લગ્ન તો નથી થયા. છૂટાછેડાના કાળા સિક્કા કરતા કાગળ કોરું કટ્ટ તો ખરું! અવંતીએ મમ્મી સામે જોયું. શું સંતાડવા મથતી હતી તે? – લગ્નવિચ્છેદથી થયેલા આનંદની રેખાઓ? ક્ષણિક આક્રોશ પછી મમ્મીની દયા ઊપજી, પપ્પા મૂંગા મૂંગા છાપાનાં પાનાં ઉથલાવતાં રહ્યા. નાનો રાહુલ વીડિયો ગેમમાં માથું ખોસી બેસી રહ્યો. પિંકી ટીવીની ચૅનલો બદલતી રહી. ભોંય તાકતી મમ્મી ધીમે ધીમે બબડતી હતી : ‘અહીં એક શોધવામાં નવનેજા આવે છે ને કોઈકોઈને તો બબ્બે વાર પૈણવા મળે લ્યો! તેય વાજતેગાજતે. એક લગન તૂટ્યું તોય પૈણેલીને કુંવારો ને તૈય પાછો ઍજ્યુકેટેડ મળી જાય. એક મારા જ કરમ ફૂટ્યા કે ચોત્રી વરહ પછીય...! જોયું ને તેં જ? હાઇટમાં કોમ્પ્રો કરવું પડ્યું ને? બત્રી લખણો ના મળે કોઈનેય... માંડ ઢંગની વાત આવેલી તારા માટે આ ઉંમરે હવે... વાત આવી તે જ બહુ છે. છોકરાની સગાઈ તૂટી ગયેલી એટલું જ ને, લગન તો નહોતા તૂટ્યા? તોય જોયા વિના સીધી ના જ પાડી દીધી. ઘર, ગાડી અને હાઇ-ફાઇ નોકરી પછી શું જોઈએ છોકરીઓને? સામે ચાલીને આવ્યા એ લોકો, પછી શેના હવાતિયા મારવાના? લક્ષ્મી ચાંદલો કરવા આવી ને મોં ધોવા ગઈ! બધાંનું નસીબ કંઈ કેતકી જેવું ઓછું જ હોય? બીજીવારના તેના ધણીના પક્ષે પણ વિચાર કરી જો જરી.. છોકરી મળી તેય પૈણેલી. કોમ્પ્રો કર્યું કે નહીં તેણેય? બાકી ડૉક્ટર છોકરાને શું ખોટ હોય?’ જવાબની અપેક્ષાએ મમ્મી અવંતીની આંખોમાં તાકી રહી પણ અવંતીની આંખો પાછલી બારીને તાકતી રહી. જાણે ડૂબતી વખતે એકાએક કોઈ મજબૂત ટેકો હાથ લાગી ગયો હોય. છેલ્લું વાક્ય ફરીથી બોલાયું કે તરત અવંતીએ એક ઝાટકે કહી નાખ્યું : ‘શું કામ સગાઈ તૂટેલા છોકરા સાથે હું લગ્ન કરું? કેટલું, ક્યાં હર્યાફર્યા કોને ખબર? ને ખબર છે ને આજકાલનો જમાનો? સ્કૂલના અમારાં ટાબરિયાંઓએ પણ આ મામલે જે રફતાર પકડી છે કે લાગે જાણે કોઈ જ દૂધે ધોયેલું છે જ નહીં આ દુનિયામાં? શું ખોટ છે મારામાં? કોઈ દિવસ આંખ ઊંચી કરીને કોઈ પુરુષને એ રીતે જોયો સુધ્ધાં નથી. બચાવી રાખી છે ચોત્રીસ વરસ લગી મેં મને. બેસાડે તેની સાથે કેમકેમની બેસી પડું પાટલે? એય છતી આંખે? ભણેલી છું, નોકરિયાત છું. કોઈ પ૨ ભાર નથી. ઘર, ઘરેણાં ને ગાડીનું નામ જ સુખ નથી. તારો જમાનો કંઈ ઓર હતો. વેવલેન્થ મળવી જોઈએ માણસ સાથે, ચરિત્રનું કેનવાસ સફેદ જોઈએ. એમ ચાલીસ-સાઈઠના સમાધાનનું ગણિત મને નથી સમજાતું. કોઈએ લીટી દોરેલો કે કશુંક લખીને છેકી નાંખેલો કાગળ હું શું કામ લઉં?’ સ્તબ્ધ ચહેરાની બે વિસ્ફારિત આંખો અવંતીની આંખોને તાકી રહી : ‘ઓ મા, જો તો તેની જીભડી! કશુંક સમજાય તેવું તો બોલ... માને ઊઠા ભણાવે તે તો જો! ભણાવીને અમે મૂર્ખાઈ કરી? ૨ઈ ભરાઈ ગઈ છે મગજમાં...’ બાકીનો અવાજ વાસણોના ખખડાટ વચ્ચે ધીમો પડતો જઈને છેવટે મૂંગો થઈ ગયો. અવંતીની છલકાઈ ગયેલી આંખો પાછલી બારીને તાકવા લાગી. તેના પગ એ તરફ વળી ગયા. સામી બારીના કઠેડા નીચે બેઠેલા કબૂતરોનું ઘ-ૂઘૂ તેને સખત કર્કશ લાગ્યું. જોકે નીચેથી એથીય વધારે કર્કશ અવાજો સાંભળવા તો તે હંમેશની ટેવાયેલી જ હતી ને! તે ઘરની નીચેની બારીમાંથી હંમેશનો ત્રિભુવન માસ્તરનો રોજરોજનો કકળાટ...વહુ હેમુને ભાંડતી બહેરી સાસુનો બબડાટ... મોટા ભાવેશ અને નાના યોગેશના બૂમબરાડા... પણ પાછલું ઘર આજે એકદમ શાંત હતું. એક પળ અવંતીને થયુંય ખરું કે પોતે બારી તો ભૂલી નથી ગઈ ને? મમ્મી તો અમથી સમથી રાઈનો પહાડ બનાવે છે. દુનિયામાં કેટલાંય હોય છે પોતાના જેવા. આ પાછલા ઘરના અનિલનો દાખલો જ કેમ નથી લેતી? કરે છે કોમ્પ્રો? કોમ્પ્રો કરવાની પણ સ્પેસ હોય! ભલે ને દસ નપાસ થયેલા ભાવેશના ભાગ્યમાં લખાયેલી સાતમી પાસ હેમુ જડી ગઈ પણ અનિલ? તેણે તો કહી જ નાંખેલું ને કે છોકરી તો ભણેલી જ જોઈશે? ને ત્રિભુવન માસ્તરની આટલી ધાક તોય ભણેલી છોકરીની શોધ માટે રહ્યો છે ને મક્કમ? છો ને નીચે ઝાંઝર રણકી, એ પછી ‘મમ્મી મમ્મી પપ્પા પપ્પા’નો તોતડો અવાજ ગુંજવા લાગ્યો તોય પહેલા માળની બારી કરે છે ને પોતાના ગમતા ઝણકારની પ્રતીક્ષા? બાકી કકળાટિયા માસ્તરને લીધે જ્યાં જ્યાં વાત ચાલી ત્યાંથી નાત પાસેથી એક જ જવાબ સાંભળ્યો છે : ‘છોકરો લાખ રૂપિયાનો, ના નહીં પણ અમે નહીં નાંખીએ એવા નરકમાં અમારી છોકરી. સાંભળ્યું છે કે માસ્તરે ઘરવાળીને એક તમાચે કાનનો પડદો ફાડી નાંખ્યો... એવાના ઘેર કેમની નંખાય ફૂલ જેવી છોકરીને?’ એમની નાત તો એકવીસ-બાવીસે છોકરાને માંડવે બેસાડીને જ જંપે. તે નાતેય ફોલી ખાધો બિચારાને વગર વાંકે. રાક્ષસ બાપની સજા ભોગવતો એય પૂરા બત્રીસનો થઈ ગયો એમ ને એમ તોય... અવંતીને ખુલ્લા આકાશને તાકતા અનિલનો ચહેરો યાદ આવ્યો. આઠેક મહિના પહેલા મળેલો ત્યારે જરીક શરમાવા લાગેલો. કહેતો હતો કે જોવાનું ચાલે છે. નાતમાં આમ તો ઘણીયે છોકરીઓ મળી રે’ છે પણ દીદી, છોકરી તો એવી જોઈએ જેની સાથે તમે કોઈપણ બૌદ્ધિક મુદ્દે ચર્ચા કરી શકો. બાજુમાં ઊભી હોય તો પાછી જરીક શોભવીય જોઈએ. જોકે ‘શોભે’ એવી આમ તો મળી જાય છે પણ છપ્પન લફરાં પછી નાત આખીએ રિજેક્ટ કરી નાંખી હોય ત્યારે વાત નાંખે તેનો શો અર્થ? આપણામાં કંઈ ખોટ છે કે છાપેલાં કાટલાં લઈએ? ચાર મહિના પહેલા બસસ્ટેન્ડમાં મળેલો ત્યારે કપાળે ટીલું કરતો થઈ ગયેલો. ગળામાં કંઠી પહેરેલી. પૂછતો હતો : ‘દીદી નવા શહેરમાં ફાવે છે? બહુ દૂર નોકરી મળી નહીં? ‘ફિક્સ’ના કેટલાં વરસ બાકી છે? કંઈ નહીં, પછી આપણા જિલ્લામાં આવી જવાશે ધીમેથી. હાયર સેકન્ડરીના છોકરાઓને ભણાવવાની તો મજા પડતી હશે? જુઓ ને, મારે પણ બી.ઍડ. જ કરવું હતું પણ કર્યા પછીય તાત્કાલિક નોકરીઓ મળે છે જ ક્યાં? ને મળે તેય શરૂઆતમાં તો ‘ફિક્સ’માં ચસોચસ ફિક્સ! તમારે તો આટ્‌ર્સ એટલે જાણે છૂટકો નહીં પણ મારે તો કૅમિસ્ટ્રી હતું એટલે બે દરવાજા ખુલ્લા. કંપનીમાં જૉબ ઑફર થઈ કે તરત ઝડપી પાડી મેં તો. નીકળી પડીએ છીએ હવે ટિફિનના ડબ્બા ટીંગાડી... પણ દીદી, તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો.... બાપા તો કહે કે બેસી પડ. પણ એમ કંઈ ઓછું બેસાય, તેય છતી આંખે!’ છેલ્લા શબ્દો સાંભળતા વેંત જ અવંતીએ બમણા ઉત્સાહથી કહેલું : ‘હા હા કેમ નહીં વળી. પસંદગીનો હક તો ખરો જ ને વળી?" એ દિવસથી અનિલ અવંતીને આત્મીય લાગવા માંડેલો, પોતાનો જ પડછાયો જાણે કે, ખબર નહીં કેમ પણ તેના વિશે જાણવાની એક આતુરતા રહેતી. નયનાને પૂછતી રહેતી : નક્કી થયું એનું? ને ‘ના’ સાંભળી કોણ જાણે કેમ મનમાં એક પ્રકારે છૂપો આનંદ છવાઈ જતો. પછી એક દિવસ ભાવેશના મરવાના ને હેમુના વિધવા થયાના અશુભ સમાચાર પણ સાંભળેલા : જોયું? નસીબ! લગ્ન કરીનેય ક્યાં મળ્યું સુખ? એકલતા લખાયેલી હોય ભાગ્યમાં તો... અત્યારે હેમુનો ચહેરો દેખાયો કે એક જ વાક્ય ઘૂંટાયા કર્યું મનમાં – લગ્ન કરીનેય ક્યાં મળ્યું સુખ? એમ ત્યારે... પણ બીજી જ પળે અવંતીને કશુંક ડંખ્યું. થયું. સામે અરીસો હોત તો પોતાના ચહેરામાં મમ્મીનો ચહેરો દેખાયો હોત અત્યારે પરપીડન આનંદ લેતો એક ચહેરો – અવંતી થથરી ઊઠી. ‘ધત્‌...’ એણે મનોમન જાત પર ફિટકાર વરસાવ્યો. અવંતી પૂતળીની જેમ ઊભી રહી. ચોતરફ શબ્દો ભરડો લેવા આવ્યા – સુખના સરનામાં, ઘર, રંગો, શિંગલ, મિંગલ... – તેણે આંખથી સામી બારીનો કઠેડો પકડી રાખ્યો. સૂરજ ડૂબતાં જ હવામાં થાળી વાગવાના અવાજો ગુંજી ઊઠ્યા. સોસાયટીના નાકે હોળી પૂજન શરૂ થઈ ગયું હતું. મમ્મીની પાછળ પાછળ અવંતી પણ થાળી લઈને પહોંચી ગઈ. હોળી પ્રગટી રહી હતી. થાળીના ખખડાટ અને ઉલ્લાસ વચ્ચે નાળિયેર હોમાઈ રહ્યાં હતાં. અવંતીની આંખો અનિલના ચહેરાને ફંફોસતી હતી. દૂર ઊભેલો અનિલ દેખાયો. ગંભીર અને પીઢ થઈ ગયેલો એક ચહેરો. સહેજ માથું હલાવીને તે પ્રગટેલી હોળીને જોતો ઊભો રહ્યો. હોળીની પ્રદક્ષિણા કરતી, કળશનું જળ અર્પતી અવંતી મનોમન પ્રાર્થી રહી : ‘હોળીમા, મારું સ્વમાન અકબંધ રાખજે, વસંતના રંગો ભરજે ને પૂર્ણિમાનો પ્રકાશ કદી ન આથમે, આવતી હોળીએ સજોડે...’ ધાણી હોમી તે હોળીમાને વંદી રહી. ઝાળ ઝાળ થતી આગને અવંતી એકધારું જોઈ રહી. સામે નજર ગઈ કે ફરીથી મનોમન બોલી : ‘હોળીમા, ક્ષમા કરજે, કોઈનુંય અહિત સ્વપ્નેય ન ઇચ્છું કદી, પણ તારાથી ક્યાં કશું છાનું છે મા? તૂટી રહી છું પળે પળે... પણ આવી પાછલી બારીની ટેક જ તો છે મારો આધાર! તેના જેવી, મારા જેવી કેટલીય બારીઓ પ્રતીક્ષા કરતી હશે કોઈક ચહેરાની ને વેઠતી હશે પીડા મૂંગી મૂંગી. ટકી રહે છે એવા વિચારે ને એવી આશાએ કે કદાચ કોઈક રંગ ભરે કોરા કેનવાસ ૫૨! અનિલનુંય ભલું કરજો મા! આવતી હોળીએ તેય સજોડે...’ પ્રદક્ષિણા પૂરી કરીને તે એક બાજુએ ઊભી રહી. હોળી વચ્ચે ક્યાંક ક્યાંક તણખા ફૂટતા હતા. તીણી તીણી ચિચિયારીઓ વચ્ચે અનિલ પ્રદક્ષિણા ફરવા લાગ્યો. પાછળ પાછળ હેમુ તેના પાંચ વર્ષના છોકરાને લઈને જોડાઈ ગઈ. અનિલે પકડેલા તાંબાના કળશને હેમુએ જમણો હાથ અડાડ્યો. ત્રિભુવન માસ્તરે તેમના ઘરનું નાળિયેર હોળીમાં હોમ્યું, અનિલની આંખ નાળિયેરને તાકી રહી. અવંતીની આંખ જડાઈ ગઈ. નયનાને પૂછ્યું તો કહે : ‘લે તને નથી ખબર? ભ૨જવાનીમાં મોટો છોકરો મરી ગયો ત્યારે તેં જોયું હોત તો.... ત્રિભુવન માસ્તર રીતસરના ફાટી પડેલા. તે પછી તો તેમના સંપ્રદાયના સંતો આવ્યા, જીવનમરણના દાવ સમજાવ્યા, આત્મા-પરમાત્માનું પુરાણ કહ્યું તે માંડ માંડ માસ્તરને સંભાળ્યા..... બાકી તો તને ખબર જ છે તેમનો કાગડા જેવો સ્વભાવ, કોઈનુંય નહોતા સાંભળતા, પણ હવે તો તું જો ને તો એકદમ ગાય બની ગયા છે ગાય. વર વિનાની વહુને પિયર મોકલી દેવાની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. કેમની નીકળે આખી જિંદગી? પણ જીવ તો ભાવેશના છોકરામાં? વહુ જાય તો છોકરોય જાય જ ને જોડે... જોકે માસ્તરે તો ઉદાર મને કહ્યુંય ખરું, વહુ છો જતી બીજા ઘેર. છોકરી ગણી કન્યાદાન હો કરશું ને એવું હશે તો છોકરો અમે મોટો કરીશું... ને લઈ જવો હોય તોય અમે રાજીખુશીથી મોકલવા તૈયાર... પણ સાવકો બાપ એ સાવકો... ભાવલાની આ એક જ તો નિશાની... પણ હું તને કહું અવંતી, સંતોને ઘેર તેડ્યા, વચન નીકળ્યા કે અનિલ જોડે હેમુનું થઈ જાય તો ઘી ને ખીચડી બંને થાળીમાં. બિચારો અનિલ ‘ના’ ‘ના’ કહેતો રહ્યો. ‘ભાભી જોડે નહીં થાય મારાથી’ પણ સંતો ને વડીલોએ મરેલા ભાઈના નામે, આત્માની શાંતિ માટે, નબાપા છોકરાના નામે સમજાવટનો ખેલ પાર પાડી દીધો કે ‘હા’ પડી ગઈ. કોમ્પ્રો કરી લીધું. સાત ભણેલી, પરણેલી ને એક છોકરાની મા.. નયનાએ અવંતીનો હાથ ખેંચ્યો ને સહેજ દૂર લઈ જઈ બોલી : ‘લોક તો કે’ છે કે ત્રિભુવન માસ્તરે ભવ ઊજળો કરી લીધો. બધાય પાપ ધોઈ નાંખ્યા. બાકી ક્યાં પહેલાંના માસ્તર ને ક્યાં આજના આ માસ્તર. હવે તો આખો દિવસ મંદિર ને પૂજાપાઠ... પંડના પેટ કરતાં વહુનું વિચાર્યું. કે’તા’તા, છોકરો ગયો તો શું થયું? ઘર તો વહુનું જ છે. કોણ કરે આવું આ જમાનામાં? એમ.એસ.સી. ફર્સ્ટક્લાસ કુંવારા છોકરા સાથે વહુ પરણાવી દઈ વિધવાના જીવનમાં નવા રંગો કોણ પુરાવે આમ? તે માસ્તર તો સમાજ માટે આદર્શ બની ગયા છે. ફૂલે વધાવે છે લોકો...’ કહેતા કહેતા નયના એકાએક અટકી ગઈ. આસપાસ એક નજર કરી લઈને તે અવંતીના કાનમાં ફૂસફુસાઈઃ ‘આવું લોકો કહે છે...’ તેણે ‘લોકો’ શબ્દ પર ભાર મૂક્યો : ‘એવું લોકો કહે છે, પણ સાચું કહું? આ તો અડોઅડ રહીએ તે વળી મારી સગ્ગી આંખે જોયેલું. અનિલના ફૂલાહાર હતા તે રાતે માસ્તર ને તેની બહેરી વહુ વાતો કરતાં ટાઢા કોઠે બેઠાં’તા... માસ્તરનો ઊંચો ઘોઘરો ચોખ્ખો સંભળાતો હતો : ‘છોકરાના હૃદયમાં કાણું હતું નાનેથી જ એ વાત હેમુના ઘરવાળાઓથી છાની જ રાખેલી આપણે તોય સુખ ભાવલાના નસીબમાં જ નહીં તે! છોકરજાતને વળી વ્યવહારની શું ગતાગમ? કહેતો રહ્યો ‘હાચું કહી દો... કહી દો...’ પણ એમ કહી દેવાય કંઈ? કીધું હોત તો સાત ચોપડી ભણેલી બી ગઈ હોત હાથમાંથી. વાંઢો મરી જાત. પૈણ્યા પછીય નિહાકા નાંખતો બોલતો રે’તો’તો : ‘પાપ ચડશે...પાપ ચડશે...’ તેના નિહાકાની ધાક જંપવા જ નો’તી દેતી મને. આ અનિલ માની ગયો તે ગંગા નાહ્યા. જોકે બીજા ખેલના ખેલંદા હો આપણે જ વળી. કાચા ખેલાડી થોડા જ છીએ કે કોરોકટ્ટ છોકરો હેમુના પલ્લે બાંધી દઈએ....? વાત સંતાડ્યાના પાપનું પ્રાયશ્ચિત્ત વળી.. ભલું થજો સંતોનું. મને તો એમ કે વહુ હાથમાંથી ગઈ જ સમજો, પાછી છોકરા વિના જવાનું તો ના જ કે’તી’તી એટલે મને તો ધાક જ પેઠેલી કે છોકરો હાથમાંથી ગયો સમજો. મૂઈ, ગયો હોત તોય કંઈ નહીં... પણ પારકે ઘેર ગઈ હોત ને કાલ ઊઠીને છોકરાના નામે ઘરનો ભાગ માંગી ઊભી રે’ તો? એક ફૂટી કોડી નહોતી આપવી. ઘરનો ભાગ ઘરમાં તો રે’ કમસેકમ!’ અવંતી સ્તબ્ધ રહી ગઈ. નયનાએ કોણી મારીને કહ્યું : ‘અલી આ વખતની હોળી તો માસ્તરના ઘરની... જોવાની મજા આવશે. એક ગઈ ફેરની હોળી હતી નેે એક આ ફેરની હોળી છે.. ગઈ ફેર ભાઈ ને આ ફેર..?’ નયના મોં ફેરવીને ખંધું હસતી હતી પણ અવંતીની આંખ હોળીની આગમાં મૂકેલા ત્રિભુવન માસ્તરના નાળિયેર પર હતી. માસ્તર લાકડીથી પોતાના ઘરનું નાળિયેર બહાર કાઢતા હતા. થોડા વધારે બળી ગયેલા નાળિયેરની શેષ વહેંચતા માસ્તરના ચહેરાની ચમક અવંતી જોઈ રહી, ગાયના માથા પર આખલાનાં શિંગડાં હતાં કે શું? ત્યાં નાકા પાસેની હોળી ઠરવા આવી હતી, પણ અંગારા લઈને પાછી ફરતી અવંતીના હતાશ પગ ઘર ભણી ઢસડાતા હતા અને આંખોમાં અંધકારનો રંગ ઠલવાતો જતો હતો.