પરકમ્મા/કથાકારને ડોંચશો નહિ

From Ekatra Wiki
Revision as of 09:47, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કથાકારને ડોંચશો નહિ|}} {{Poem2Open}} પૂછશો કદાચ, કે આવું આવું તને શા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કથાકારને ડોંચશો નહિ

પૂછશો કદાચ, કે આવું આવું તને શા ખપમાં આવ્યું? કશા જ નહિ. છતાં હું તો ટપકાવતો ગયો. લોકવિદ્યાના જાણકારને સંશોધક કદી બોલતો રોકવો નહિ, એને બોલ્યે જવા જ દેવો–એનું બોલ્યું ઊચક્યે જવું. એ બધું એનું ‘સેટિંગ’ છે. એને જે કંઈ કંઠસ્થ છે તે સમગ્રપણે એક અને અવિભાજ્ય વસ્તુ છે. એનું કથન જો તમે વચ્ચે ક્યાંય તોડી પાડો તો એ રંગભૂમિના તખ્તા પર પોતાનો પાઠ ભૂલી ગયેલા નટની અવદશાને પામશે. એનું કથન તે તો આનંદનો ઝરો છે. ઝરાને ઝરવા જ દેજો. એનો એકનો જ નહિ, તમારો સંશોધકનો પણ એ શ્રેયનો પ્રશ્ન છે. એના સમગ્ર કથનમાં ઝબકોળાયા વગર સંશોધકના મગજનું વાતાવરણ બંધાશે નહિ. જે મનઃસૃષ્ટિમાં – કલ્પનાસૃષ્ટિમાં એ વાર્તાકાર તમારી નાવને હંકારી જાય ત્યાં તમે એને ડોંચ્યા કે ડોક્યા વગર જવા દેજો. તમારી જાતને એના વાણીતરંગો પર વહેતી મૂકજો. જેઠા રાવળનું વાણી-વહેન સાદ્યંત અણુરૂધ્યું રાખ્યું તેને પ્રતાપે જ એને હું સમગ્રતાએ પામી શક્યો. આજે આટલે વર્ષે પણ અમુક કવયિતાઓ સાથેનો મારો કલ્પનાસંપર્ક જીવન્ત છે, એ મૂએલા છતાં એમના જગતમાં હું શ્વાસ લઈ રહ્યો હોઉં તેટલો ઓતપ્રોત છું તેનું કારણ એ કે મેં તેમને સમગ્રપણે સ્વીકાર્યા હતા. ‘સમરાંગણ’ની બે ઘટનાઓ ત્રીજી વાર મને ભૂચર–મોરીના રણાંગણમાં મૂકનાર એ જેઠો રાવળ હતો. ત્રીજી વારની આ નોંધ એની કરાવેલી છે— ‘સવાશેર પાણો રૂબરમાં તણાય એવી લડાઈ ચાલશે. ‘જેસા વજીરની ઘરવાળી જોમાબાઈ : એનો દીકરો નાગડો : પવર [પયોધર] વાંસે નાખ્યાં’તાં : વાંસે ઊભો ઊભો ધાવે. ‘આ જોળાળીને-ગાડરના પેટનો ઊભો ઊભો ધાવે છે તે કેવોક થાશે?’ ‘એની આગળે ખબર.’

નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં. નાગડો પડેલો : હાથીના પેટમાં હાથ. ‘આ કોણ?’ ‘જોળાળીનો! બીજાના ઘાના સાંધા મળે, એના સાંધા ન મળે.’ જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાનાં બે સમતલ પલ્લાં છે : પહેલે પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એના બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબન–જોદ્ધ દેહની દશા દેખાડતો : એ દેહ પડ્યો હતો : એના કાંડાં-વિહોણાં હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણકે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણતાં હણતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ઠૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા — પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે — ને હાથીના કલેવરને હાથનાં ઠૂંઠાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે, ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો.’ રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પલે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો. સમરાંગણ! તને નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ. કહો કોણ નારી! સમસ્યાઓનો તે કેટલો બધો શોખ આ સોરઠીજનોને! બાળઉખાણાંમાં સમસ્યા, વાર્તાઓમાં સમસ્યા, લગ્નગીતોમાં સમસ્યા, વાતવાતમાં કોયડો નાખવો ને કોયડો છોડવો! ટાંચણ–પોથીના નવા પાનામાં જેઠા રાવળે જ ઉતરાવેલ આ સમસ્યા-ગીત છે : ૧ ચડી નાર પુરષ પર અભેરૂપ ધરવા સરસ, બરાબર સમાધિ કરી બેઠી; માનવી કારીગર લોક એને મળ્યાં; હુકમથી ઉતારી માંડ હેઠી. ૨ ઉતારી હેઠ ત્યાં સત ચડિયું અતિ અગનમાં બળવા કરી આશા; બળીને અગનથી નીકળી બારણે. રૂપ જોઈ’જોગેસર તરત રાચ્યા. ૩ સ્વરૂપે ઠીક ને વળી નગન છે સદા, ભજે સર ઉપરે છત્ર ભારી; રાતદન હુતાશણ આ’ર કરતી રહે, નામ કો’ કાળુભા! કવણ નારી? કોઈક ચારણ કાળુભા ઠાકોરને સમસ્યા પૂછે છે : પુરુષ પર ચડીને અભય રૂપ ધરવા સમાધિ ધરીને બેઠેલી, પછી કારીગરે માંડ નીચે ઉતારેલી, પછી સત ચડવાથી અગ્નિમાં બળવા બેઠેલી, બળીને બહાર નીકળેલી, પોતાના રૂપથી જોગંદરોને મોહાવનારી, સદા નગ્ન, શિર પર છત્ર ધરનારી, અને રાતદિન હુતાશનનો જ આહાર કરનારી એ નારી કોણ? —એ નારી તે ચલમ! ચાકળારૂપ પુરુષ પર ચડી, નિભાડાના અગ્નિમાં બેઠી, સુંદરી જેવી ગૌરાંગી બની, જોગીઓએ પીવા લીધી, એનો આહાર પણ સદા અગ્નિ જ છે. વાત મૂળ એમ હશે. કુંભારના ઘર પાસેથી દાયરો નીકળ્યો હશે, ચાકડા પરથી ચલમ ઉતરતી જોઈ કાળુભા નામના ઠાકોરે સોબતીઓને કહ્યું, કે કોઈ શીઘ્રરચના કરી આપે આ વિષય પર?–પાદપૂર્તિરૂપે અને મુશાયરાઓમાં ગજલ–રચનારૂપે કરી રહ્યા છીએ તે આ ગ્રામ–દાયરામાં પણ સમસ્યારૂપે થયું હતું ને થાય છે. આ કૃતિ જૂની નથી. વાર્તા ગોતું છું હમણાં હમણાં એક બાબતનું રટણ ઊપડ્યું છે— ‘ચાલો પૂતળી! ઘર જાયેં ‘તમે રાંધો અમે ખાયેં.’ રાજા અને પૂતળીની વાર્તા ગોતું છું. જે મળે તેને પૂછું છું – રાજા અને પૂતળીની વાર્તા આવડે છે? એમાં આવું આવું આવે છે– ‘ચાલો પૂતળી! ઘરે જાયેં ‘તમે રાંધો અમે ખાયેં’ મેં એ વાર્તા ગુમાવી છે : જેઠા રાવળ પાસેથી કરેલા ટાંચણમાં તૂટક ફક્ત આટલું જ છે— ‘ડિલ પડતું મેલ્યું ‘ચાલો પૂતળી ઘેરે જાયેં’ ‘તમે રાંધો અમે ખાયેં. ‘પદમ શેઠની દીકરી હંસાવળી. એની પાની જોઈને પૂતળી ઘડી– ‘મારો રાજા રૂંધાણો છે. ‘નાગનું માથું પરજે પરજાં. ‘મણિ ધોવા વાવમાં ચાલ્યા. ત્યાં તો પાણી ઊતર્યું.’ ઊંડા ઊંડા ભણકારા વાગે છે. રાજપુત્ર જંગલમાં કોઈ વાવની અંદર પાણી પીવા જતાં, ત્યાં ગોખમાં કંડારેલી એક પૂતળી પર ઘેલો બનીને ઝૂરતો હતો. પૂતળીનું સૌંદર્ય મોહક હતું; કારણકે પદમ શેઠની પરદેનશીન પુત્રી હંસાવળીને પગની ફક્ત પાની જોઈને તે ​પરથી શિલ્પીએ પૂતળી સરજાવી હતી. પૂતળી-ઘેલા રાજાને મનાવવામાં નિષ્ફળ ગયેલો મિત્ર મનસાગરો એ પૂતળીની માનવપ્રતિકૃતિની શોધે ચડે છે. મણિધર સાપને મારી મણિ લઈ વાવમાં ઊતરે છે. ત્યાં તો વાવનાં નીર મણિને પ્રતાપે ઊંડા ને ઊંડા ઊતરે છે. પણ પછી શું? પછી એ વાવને તળિયે શું કોઈ મહેલાત આવતી હશે? ત્યાં કોઈ સુંદરી સાંપડી હશે? વાર્તા ગુમાવી!