પરકમ્મા/કુંવારી ધરતી પર ઝાપટાં

કુંવારી ધરતી પર ઝાપટાં

ગોધરાની માનસયાત્રાની વિદાય લેતો, આજે વેરવિખેર પડેલાં એ ભટ્ટ સાહેબનાં પુત્રપુત્રીઓને સ્મરણમાં એકઠાં કરતો, અને તેમાંનાં જગત છોડી ગયેલાઓમાંથી રૂપી મેરાણીનું કથાનક તેમ જ એની આકૃતિનું ‘મોડેલ’ પૂરું પાડતાં કુમુદબહેનને અંજલિ આપતો હું પાનું ફેરવું છું ત્યાં તો કુંવારી ધસ્તી પર પહેલાં મેઘઝાપટાં પડે તેવી મીઠપથી તે કાળે મનોભૂ પર વરસેલા નાનકડાં બે લોકગીતો ટાંચણમાં નજરે ચડે છે—

‘મોર બોલે ને ઢેલડ રીસાણી, તમે શાના લીધા છે વાદ! એકવાર બોલો ને! ઢેલડ રીસાણી.

લીંબુની મારી હું તો નૈં મરૂં રે વાલમા! લીંબુંડું ઝૂલે છે બાગમાં. તારાં મેંણાની મારી મરી જાઉં, મારા વાલમા! લીબુડું ઝૂલે છે બાગમાં.

‘પરણેલને દ્દૃવે પતિ’ 

પાનું ફરે છે : પાંચ દુહા ટપકાવ્યા છે— પરણેલને દૂવે પતિ (તેનું) ભલું નો ભણાય. ગામે અનિયા ગણાય, પંચામાંય પાલો ભણે. ૧

પરણેલને મેલેં પતિ રાખે જઈને રખાત, (તેની) ભૂંડી થીશે ભાત્ય, પોકારીને પાલો ભણે. ૨ પાસેવાન ઊભે પરી, ધસ્તું એવું જ ધરમ; કરેચૂડલા—કરમ પરણેલી, પાલો ભણે. ૩ રાનો મરન્તાં રતીક નો’ય આથે અફસોસ, સાચનો પેરે શોગ પરણેલી, પાલો ભણે. ૪ ઊપરવાડ્ય થા આપીએં ખીર સાકર ખાવા; બેશદ્ધ કરે બાવા પટાવીને; પાલો ભણે. ૫ ડરશો નહિ. આ ભાષા અગુજરાતી નથી. ડિંગળનાં માતૃપય પીનાર ગઢવી પાલરવની આ ડિંગળી ગુજરાતી એ કોઈ ભાષાસંશોધનનો વિષય નથી. આ તો હતી ગામડાની જીવતી ભાષા–અને લોહૃદયમાં રમતા ભાવો. અર્થ આપું છું— ૧ પરણેલી પત્નીને જે માણસ દૂભવશે તેનું, ઓ ભાઈઓ, ભલું નહિ થાય. પાલો ગઢવી કહે છે કે એ તો ગામમાં પંચની વચ્ચે અન્યાય ગણાશે. ૨ પરણેલીને ત્યાગીને જે પતિ રખાત રાખશે એની તો દશા જ બુરી થશે, એવું પોકારી પોકારીને પાલો ગઢવી કહે છે. ૩ હે માનવી! એવા પતિના મૃત્યુ ટાણે પાસવાન (રખાત) તો દૂર રહેશે, ચૂડાકર્મ તો પરણેલી જ કરશે. ૪ નાથ મરતાં અન્યને રતિમાત્ર પણ અસર નહિ થાય, સાચો શોક તો પરણેલી નાર જ પહેરવાની. ૫ ઘરમાંથી છાનામાના જેને દૂધસાકર ખાવા આપશું એ રખાત તો આપણને ફોસલાવીને ભાન ભુલાવીને બાવા બનાવશે.