પરકમ્મા/નજરોનજરનું ધીંગાણું

From Ekatra Wiki
Revision as of 10:45, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નજરોનજરનું ધીંગાણું|}} {{Poem2Open}} રાણાભાઈએ રાયદે બૂચડ નામના બહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નજરોનજરનું ધીંગાણું

રાણાભાઈએ રાયદે બૂચડ નામના બહારવટિયાની વાત કરી. બારાડી પ્રદેશનો આ ભયંકર ચારણ બહારવટિયો કૌટુમ્બિક વૈરના પ્રસંગમાંથી ઊભો થયો હતો. સંધીઓની ટોળી બાંધી હતી. તેની સામે દરબારી પોલીસે કરેલા ચેકના ડુંગરવાળા ધીંગાણાનું ટાંચણ રાણાભાઈએ કરાવ્યું છે—

‘બાબુ સાહેબ ને નરસી શુકલ અને જમાદાર નથુ આલા – 

ચેકના ડુંગર પર સામસામા ચડી ગયા. ઉપર છુપાયેલ બહારવટિયાને ઘેરી લઈને સાદ કર્યો— ‘રાયદે! હાલ હવે કસૂંબો પીવા.’ ‘હવે તો કાકા! સરધાપરમાં (સ્વર્ગમાં) કસૂંબા પીશું.’ આખો દિ’ ધિંગાણું કરીને રાયદે સલામત ઊતરી ગયો. રાયદેનો જુલમ બહુ વધી પડ્યો. હંફ્રી સાહેબ નિમાણા. તેના એ આસીસ્ટંટ સોટર અને પેલી સાહેબ હતા. હંફ્રી ઉજ્જડ થેપડામાં પડેલા. રાણ આલાને હુકમ કર્યો છે કે કચરા બજાણાવાળાને તમારી પાસે રાખો. કચરાને પકડી રાખ્યો. તે વખતે કચરે કહ્યું કે તમને ફાયદો થાય તો બાતમી આપું. સાહેબ પાસે લઈ ચાલો. રાણા આલા એને સાહેબ પાસે લઈ ગયા. એની પાસેથી બાતમી મળી. ગણા ને ભીંડોરાની હદમાં સોટર સાહેબ રોટલા લઈને આવ્યા, રાણા આલા વગેરે ત્યા હતા. સગડ લઈને ચાલ્યા. એક પટેલ : માથે મોરીઓ લઈને ચાલ્યો આવે. અમે પૂછયું, ‘એમાં શું છે?’ ‘પાણી ભરવા જાઉં છું.’ ‘ક્યાં રે’વાં?’ ‘વેકરી.’ ‘વેકરી તો ત્રણ ગાઉ આઘું – ને આંહી પાણી લેવા!’ એમ કહીને મોરીઆમાં બંદુકને કંદો માર્યો. અંદરથી દારૂગોળો પડ્યો. (બહારવટિયા માટે જ એ લઈ જતો હતો.) ‘ક્યાં છે હરામખોરો? બતાવ, નહિતર મારી નાખશું.’ ‘હાલો બતાવું.’ કાંટ્યમાં લઈ ગયો. ઊંચી ટેકરી પર ચાડીકો ઊભેલો એને અમે બંદુકે માર્યો. બધા બારવટિયા ભાગ્યા, પણ પાછા આવી એ મુએલ જુવાનની લાશ લઈને જ ગયા. પાછળ અમારી ઘસત થઈ. બહારવટિયા ગામમાં દાખલ થવા આવ્યા. લોકો આડા પડી કહે છે ‘સાહેબ અમારું ગામ બાળી નાખે.’ બહારવટિયાએ એમાના ત્રણનાં માથાં કાપ્યાં. ગાડાં લઈને ગઢ કર્યો. ‘અમે આવ્યા. માથાં વાતો કરવા જાય!’ (બહારવટિયાએ કાપેલ લોકોનાં માથાં વાત કરવા મથતાં હતાં!) અમે ગાડાં પર ગોળી મારી, ગાડું તૂટ્યું. કોઠા પર જે જુવાનો ઊભા હતા, તેમના પર અમે ગોળીઓ ચલાવી. તેઓ ઘોડસાર ઉપર ખાબક્યા. ગાડુ મૂકીને બાર જણા ચડી ગયા. ત્યાંથી તેઓ ધીંગાણું કરવા લાગ્યા. અમે રબારીને ઘેર ઓડા લઈ ગયા. ત્યાંથી અમે ગોળી આંટી. મુંગરીઆ જુસાને માર્યો. છતાં બહારવટિયા કોઠા ઉપર બેઠા બેઠા પાવા વગાડે, કાફીયું ગાય. છેવટે બહારવટિયા નીચે ઊતર્યા. મુએલા મુગરીઆ જુસાની લાશ લઈ લીધી. કિનખાપના રેટા ઓઢાડ્યા, લોબાન કર્યો. દફનાવીને ભાગી ગયા. પાંચ હજાર માણસ ભેળા થઈ ગયા. આલા જમાદારે કોઠા ઉપર ચઢી સળગતો પૂળે કરી અમને સમજાવ્યું કે હવે ભડાકા કરો મા.