પરકમ્મા/પાતાળની પદમણી

From Ekatra Wiki
Revision as of 10:18, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પાતાળની પદમણી|}} {{Poem2Open}} ઘડલ એક ટપલા તણી અંગે નમણી ઘણી, સધર ધૂન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પાતાળની પદમણી

ઘડલ એક ટપલા તણી અંગે નમણી ઘણી, સધર ધૂન માદણામાંય સેલી; ચડાવલ ખાખ ગોરખનાથવાળી છટા શૌર પર ચાલી અબધૂત-ચેલી. ફાંટ એક વ્રાકને તોળ મેંગળ ફરે, જમીં પર પોતરી નાગ જાણી; પતાળની પદમણી કરણ ગ્યલ પરણવા, અમલ એરાગ ધજ મેખ આણી, કરણની આણલ ભલી નવસાર તોય કને મેખી, મોતીઆં કેરી માણા; અઈણાઈ કવ્યાંની તું થકી આળસે ખ ળ ક્કે દૂ ધ નાં સમદ-પાણા. સુવાડીયું સમપ્પે તું જ મેળગસતન! ગુંજતી તાંબડી ચડે ગૂડે; પટાળા દીપસંગ તણો ઝાલ્યો પટો; અસતનું પાંદડું પરૂં ઊડે. ચારણોનો શિષ્ટાચાર છે કે પોતાને ભેંસ કે ઘોડું દાનમાં દેનાર દાતાને, આવી રીતે, દાન કરેલ પશુના કાવ્ય-વર્ણનથી બિરદાવે. આવી બિરદાવણ-રીતિમાંથી જ પશુ-વર્ણનનાં સેંકડો છટાદાર કવિતો-ગીતો ચારણી સાહિત્યને સાંપડ્યાં છે. ઉપર ટપકાવેલું તો કૃતિ તરીકે ફિક્કું ને પિંગળ-માપથી દૂષિત છે. પ્રારંભમાં ભેંસને એક ટપલા અર્થાત કુંભાર (બ્રહ્મા)ની ઘડેલી નમણી, કૃતિ કરે છે. કાદવમાં પડીને ખૂબ ખરડાઈ ભભૂતીમય બનનાર અબધૂત કોઈ ખાખી નાથ બાવાની ચેલી તરીકે વર્ણવે છે, એક ફાંટ જેટલું આઉ ઊંચકીને હાથી સમી પૃથ્વી પર ઘૂમતી વર્ણવે છે. પણ મારે રસ તેમાં નથી, મેં આ કૃતિને પકડી તેનું કારણ એ છે કે ભેંસને તો પાતાળની પદમણીને પરણવા ગયેલ કરણ મહાભારતિયા સાથે સાંકળી છે. ‘આ શું કથા છે?’ મેં ચારણને પ્રશ્ન કર્યો હતો: જવાબમાં મને જે કહેવાયું તે મારું ટાંચણ બોલે છે— પાતાળની પદમણી કરણ પરણી આવ્યો. પણ બહુ ખૂબસૂરત એટલે કરણ નજર નહોતો ઝાલી શકતો. વીર્ય ચળી જતું. બાઈ આણું વળીને પાતાળમાં માવતરે (નાગને ઘેર) ગઈ. (મા પૂછે છે) ‘તારે ડીલે તેજ કાં નહિ?’ પુત્રીનો જવાબ : ધણી બધી વાતે પૂરો, પણ બરદ ખડી જાય છે.’ (નાગણ્યે જઈ શેષનાગ પતિને પુત્રીના ઊંડા મૂંગા દુઃખની વાત કહી.) શેષનાગ કહે ‘હું નિદ્રા કરું ત્યારે મારા મોં માથે જે ફીણ વળે છે તે લઈ લ્યો, એની ગોળીયું વાળો, ને એક ભેંસ ભેળી આપો, (જમાઈ રોજ ગોળી ખાય ને માથે ભેંસનું દુધ પીએ.) (એ રીતે શેષનાગ (અહિ) ના મોંના ફીણની ગોળીઓ અને ભેંસ આપીને પુત્રીને પતિઘેર પૃથ્વી પર મોકલી. સાથે ઢોલિયો આપ્યો. ઘઉં દીધા. આજે પણ નાગ (સાપ) કદી ઢોલિયા પર ન ચડે, કારણ કે ઢોલિયો તો દીકરીનો કહેવાય. ઉપલા ટિપ્પણમાંથી આટલી બાબતો સારવીએ કે પૃથ્વી પર ભેંસ નહોતી તે નાગલોકમાંથી કોઈક આર્યપુત્રની પરણેલી નાગકન્યા લઈ આવી. અફીણ પણ એ સાથે લાવી. (અફીણ=અહિ+ફીણ, અહિ કહેતાં સર્પ, તેનાં ફીણ.)