પરકમ્મા/માનવી શા માટે ગમે

માનવી શા માટે ગમે

ગોધરાની વાતમાં અધિકતા તો એક : કે દેવીઓ પણ માનવીસું પ્રણય, જોડે એની કાવ્યકલ્પના આ દેવીભક્ત દેશનાં માનવીને પણ આવતી અને ગમતી. એય આખરે તો સ્ત્રીઓ છે. પ્રણયની જંખના એમની પ્રકૃતિમાં હોવી જોઈએ. સ્વર્ગના ઊર્મિવિહીન અને કેવળ એકલા અવિરામ આનંદ જ કરી જાણતા જડસુ દેવતા પુરુષોનો દેવીઓને કંટાળો આવે, દેવીઓને વિધવિધ ઊર્મિઆવેશોથી ધબકારા મારતું, પ્રણયપ્રાપ્તિ માટે તલસી શકતું, અને તે કાજે મરવાય તત્પર થતું, વિરહમાં ઝૂરતું અને સંયોગમાં રસોર્મિથી ભિજાતું એવું મરતલોકનું માનવી ગમે, એ સ્વાભાવિક છે.