પરકમ્મા/રાણા આલા મલેક

From Ekatra Wiki
Revision as of 10:43, 12 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાણા આલા મલેક|}} {{Poem2Open}} એનું નામ રાણા આલા મલેક. '૨૬ ની સાલ હશે....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
રાણા આલા મલેક

એનું નામ રાણા આલા મલેક. '૨૬ ની સાલ હશે. બહારવટિયાનું સંશોધન ચાલતું હોવું જોઈએ. એક દિવસ જામનગર રાજ્યના મહાલ લાલપુરથી પતું આવ્યું: 'અમારી પાસે બહારવટાની, વાઘેરોની, રાયદે બૂચડની ઘણી ઘણી પાયાદાર વાતો છે. કહો તો મોકલી આપું. હું પોતે એજન્સી પોલીસની ઘણા વર્ષ નોકરી કરી આવ્યો છું. ઘણા બહારવટિયાનાં ધીંગાણામાં કામ કર્યું છે. હાલમાં એજન્સીનું પેન્શન લઈ આંહી રાજ્યમાં ફોજદાર છું.' લી. તાબેદાર જત રાણા આલા મલેક. સૂમને સોનાના ચરૂની ખબર મળે જેને ઝડપે દોટ કાઢે તે ઝડપે હું ટ્રેન પકડી લાલપુર પહોચ્યો . કડકડતા શિયાળાની સવારે, ગર્જનાભેર વહેતી નદીની ભેખડ પર આવેલા એ પોલીસથાણામાં જઈને એ કદાવર આદમીને મળયો. પહેલી જ વાત એ કરી કે 'તમે મારા 'તાબેદાર રાણા આલા' નહિ પણ કાકા થાઓ. શું સગપણે? એજન્સી પોલીસને સંબંધે. મારા પિતા ને તમે બેઉ એજન્સી પિલીસની સ્થાપના પછી પહેલી ભારતીના સંબંધ-ભાઈઓ. ‘અરે! કાલિદાસભાઈના ડીકરા!’ બેવડા આનંદે રાણાભાઈની જબાન વહેતી થઈ. ટાંચણ કે કાગળની એને જરૂર નહોતી. એને મન તો બહારવટિયાનો ઈતિહાસ એ એક જીવતું જગત હતું, એ જગતનું તો પોતે એક પાત્ર હતા. એક પણ ઠેકાણે અટક્યા કે યાદદાસ્તને તાજી કર્યા વગર, રાણાભાઈએ કડકડાટ વાતો કહેવા માંડી ને મેં ટપકાવવા માંડી. જાણે કે કોઈ છાપેલ ચોપડી વાંચતા વાંચતા પોતે લખાવે જતા હતા! નિરક્ષરતાની દુનિયામાંથી ખડો થયેલો એ જત જુવાન, એજન્સીની નોકરીમાં સોળ શેરની બંદૂકને ખભે લઈ કોન્સ્ટેબલની છેલ્લી પાયરીથી પ્રારંભ કરી છેવટે ફોજદારી સુધી પહોંચેલ તે કલમના બળથી નહિ, જવાંમર્દીના જોરથી. લખતાં તો એને શીખવું પડ્યું હતું. ગામડાંના પોલીસ-પટેલ કરતાં વધુ વાક્યરચના આવડતી નહિ. પણ વાચા એના કંઠમાં હતી. સવાર અને સાંજની બે બેઠકોમાં એણે મારાં પાનાં ને પાનાં ભરાવી આપ્યાં. એ પાનાંમાંથી આગલાં ઘણાં પાનાં મારી પોથીમાંથી ખરી ગયાં છે. બાકી વીસેક વળગી રહ્યાં છે. ગયેલાં પાનાંમાંથી મેં ઘણોખરો સંભાર તો બહારવટિયાનાં વૃત્તાંતોના ત્રણ ભાગમાં ભરી લીધેલ છે, છતાં કેટલીક લાક્ષણિક વાતો ગુમાવી છે એવું લાગ્યા કરે છે. આ જતો, સંધીઓ અને વાઘેરોનાં કથાનકો તો ઠીક, પણ એમની પ્રણાલિકાઓ, પરંપરાઓ અને આચારવિચારો, જેને હું વધુ મહત્ત્વ આપું છું, જેની પાર્શ્વભૂ પૂર્યા વગર નરી વાર્તાઓના બુટ્ટા નિસ્તેજ લાગે, ને જેની પ્રાપ્તિ રાણાભાઈ જેવા માણસો જ આપણને કરાવી શકે, તેના પર જ મારું ધ્યાન હતું. દાખલા તરીકે ભીમા જતની હકીકતમાં એક પ્રસંગ છે.

નામર્દોની અદબ શી!

‘ઈસવરીઆ ગામના જુવાન સંધી હાસમ બાવા ઝુણેજાને ભીમા બહારવટિયાના માણસોએ પકડીને મારી નાખ્યો. એના જ ગામને ઝાંપે એને મરેલો ખીલા માથે બેસાર્યો. કારજને દિવસે સવારે સંધીઓ ભેળા થયા. ડાયરો બેઠો છે. તે વખતે મરનાર હાસમની વહુ માથા પરનું ઓઢણું ખંભે નાખીને ત્યાંથી નીકળી. મુરબ્બીઓની મરજાદ લોપનાર આ બાઈને દેખી સંધી ડાયરો તાજુબ બન્યો. કોઈએ બાઈને એની બેઅદબી માટે ઠપકો આપ્યો., બાઈ બોલી કે ‘હું ભીમા સિવાય કોઈ બીજાની લાજ કાઢીશ નહિ.’ એટલા જ શબ્દોએ સંધીઓને ચાનક ચડાવી ખડા કર્યા. પોતાના ધણીને મારનાર પર કિન્નો લેવા માટે ઉશ્કેરવા કોઈને નામર્દો, હિચકારાઓ કે એવું કશું કહેવાને બદલે એક રાંડેલી જુવાન ઓરતે ઓઢણું ખંભે નાખીને જ કાતિલ સંકેત કર્યો, એ મારા આજ સુધીના સંશોધનમાં એક નવીન બાબત છે. રાણુભાઈએ તે ઉપરાઉપર સંધીઓ જતોના જૂના કિસ્સા રેલાવવા માંડયા. એક આ વાત ટાંચણમાં અણવપરાયેલી છે— ‘ગુરબુટ ગામના મલેક રાણો તથા સધર તથા જીવણ ને ડોસલ, ચારે જણા જામનગરને રાણપર ગામે જતા હતા. રાણપરમાં બે હજાર જતો રહેતા. ચાર મુખીઓ જામ સાહેબના અમીર હતા. રબારી શિયો, રૂડો ગામેતી, હાજી મગરીઓ સંધી, ફકીરો હજામ વગેરે મળી જામના રાણપરનું રક્ષણ કરતા હતા. પોરબંદરથી રાણા સતાજીએ રાણપર જીતી લેવા પોતાના બે હજાર મેર, તુંબેલ, સૈયદ, સોઢા વગેરે મળી સાત હજારનું કટક વહેતું કરેલું. એવી સ્થિતિમાં રાણપર જતા આ ચારે ગુરગટવાળાઓને રસ્તામાં ભોગાટ ગામ આવ્યું ત્યાં બહેન મલીબાઈએ કહ્યું કે ‘રાણપર જાવ નહિ તો સારું, કેમકે વાઘેરો ઊમટીને હાલારમાં પ્રવેશ કરી ગામ ભાંગશે.’ એટલે તેઓ પાછા મરડાયા ને ગામે આવ્યા. ગાગા ગામવાળાઓએ કહ્યું કે ‘મલેક, ન જાવ તો સારુ. વાઘેરોએ એડા બાંધ્યા છે.’ એટલે સધર મલેકે જવાબ દીધો : ‘તમે ન બોલ્યા હોત તો અમે રાકાત. પણ હવે તો જાવું જ છે.’ ગયા. વાઘેરો ત્રીસ હતા. તેમણે તાશેરો કર્યો. આ ચારેમાંથી દરેકને ચાર ચાર ગોળી લાગી. ચારે જણ ઘોડેથી ઊતરી ગયા. તરવારોની રમત ચલાવી ખપી ગયા. ઘોડીઓ ઘેર ગુરગટ ગઈ. લાશો રણમાં પડેલી, ગુરગટવાળાઓએ જઈને રણમાં વાઘેરો સાથે ધીંગાણું કર્યું. આ પ્રસંગનો દુહો છે— ચગલા દીઠા ચાર કાંઠે કિ લો ઈ ને; લીંઆરો લાલ ગુલાલ તેં રંગ્યો સધર સુલતાનીઆ! (કિલોઈ નદીને કાંઠે મેં ચાર પાળિયા દીઠા. હે સધર મલેક! તેં લીઆરા ડુંગરને રુધિરે લાલ રંગ્યો). ‘તમે ન કહ્યું હોત તો અમે રોકાત.’ એ motiff આ સોરઠી જીવનમાં ખૂબ ખેલ ભજવી ગયો છે. જે ન કરવાનું કહેવાય તે જ કરવાની હઠીલાઈ : આ દિશામાં જઈશ ના! આ ઓરડો ઉઘાડીશ ના! આ વાવનું પાણી પીશ ના!– ના પાડવામાં આવે તેટલા માટે એ જ કરવામાં આવે, લોકકથાઓનાં કલ્પિત વસ્તુને આગળ ધપાવવા માટે ‘મોટીફ’ની આ કરામત કિસ્મત રૂપી વાર્તાકારે જીવનમાં પણ આમ જ વાપરી છે અને કેટલીય કરુણતાઓ નિપજાવી છે. બીજી એક બાબત, જે અગાઉ કદી કોઈની પાસેથી મળી નહોતી તે રાણા ભાઈએ કહી. કાઠિયાવાડની હાકેમી કરવા સંખ્યાબંધ ગોરા આવ્યા પણ તેમની નૈતિક ચાલચલગત વિશે ઈતિહાસ ચૂપ રહ્યો છે. માળીઆના મિંઆણા બહારવટિયા વાલા નામોરી અને મામદ જામની જે વાત રાણાભાઈએ કહી તેનું મારું ટાંચણ બોલે છે— ‘મામદ જામ ને અલાણો જામ બેઉ વિચાર કરે છે. અલાણો કહે કે તારી વહુ સાથે ફિટજરલાડ ચાલે છે. (ફિટઝિરાલ્ડ તે વખતના એજન્ટ ટુ ધી ગવર્નર હતા.) એટલે મામદ જામે જઈ પોતાની વહુને અફીણ પાયું.’ છેક ૧૯૨૬માં દૂર દૂર લાલપુર મુકામે લાધેલો આ અંશ ૧૯૩૬માં મેં આલેખેલી ‘સોરઠ તારાં વહેતાં પાણી’ની વાર્તામાં કામ કરી ગયા છે. એમાં જે બે ગોરાં પાત્રો આવે છે, તેમાંથી એકમાં મેં આ ગેરચલગત મૂકી છે.