પરકમ્મા/વાસના મારીશ નહિ

વાસના મારીશ નહિ

ગીગો ભગત — જાતે ગદ્યૈ. મા ધજડીની. નામ લાખુ : રાણપુર પરણાવેલી. પોતે જાડીમોટી, ધણી છેલબટાવ. કાઢી મૂકી. ચલાળે મોસાળ તેડી આવ્યા. ધણીએ બીજું ઘર કર્યું. મોસાળિયાં કહે કે આપણેય લાખુને બીજે દઈએ. પણ લાખુએ ના પાડી. એક વાર ચલાળામાં લાખુ પાડોશણના છોકરાને રમાડે. રમાડતાં રમાડતાં મન થયું (સંતતિનું) અવેડા પાસે થઈને ભગત (દાનો) નીકળ્યા. કહે કે– ‘ભણેં લાખું, વાસના મારવી નહિ, વાસના નડે. ફલાણા બાવાનું બુંદ લઈ લે.’ લાખુને એક બાવા જોડે સંબંધ થયો. આશા રહી. ‘રાંડ ઘરઘાવતાં ઘરઘી નહિ, ને આપાના (દાના ભગતના) ખૂંટડાઓમાં જઈને રહી.’ એવી બદનામી થઈ : વિચાર્યું, ‘કૂવામાં પડું.’ ભગત રાતે નીકળ્યા, કૂવાકાંઠે લાખુને જોઈ. ‘લાખુ, કૂવામાં પડીને હાથપગ ભાંગતી નહિ. તારા પેટમાં છે બળભદર. ઈ કોઈનો માર્યો મરે નૈ.’ જનમ્યો. નામ પાડ્યું ગીગલો. ગીગલો છ મહિનાનો થયો. પોતે મંડ્યા તેડવા રમાડવા. સાત વર્ષની ઉમ્મર, ગીગલો મંડ્યો વાછરૂ ચારવા. ઈથી મોટો થયો એટલે મંડ્યો ગાઉં ચારવા. બાવીશ વર્ષનો થયો : પાંચાળના સોનગઢથી લાખો ભગત આવેલ દાનો ભગત બેઠા છે. ટેલવા ગાયોનું વાસીદું કરે છે. ગીગો છાણને સૂડો માથે લઈ નીકળે છે. છાણ આછું છે. મોં માથે રેગડા ઊતરે છે. લાખો ભગત :— દાના, ગીગલાનો સૂંડલો ઊતરાવ. દાના ભગત :— તમે ઊતરાવો. ‘ગીગલા, આઈ આવ.’ ગીગો કહે ‘બાપુ, હાથ ધોઈને આવું.’ ‘ના, ના, ઈં ને ઈં આવ્ય.’ એમ ને એમ આવ્યો. માથે હાથ મૂક્યો. ‘ગીગલા તારે બાવોજી પરસન. તું અમ બેયથી મોટો. ને લાખુ કીસેં (ક્યાં) ગઈ? ​બોલાવી. વૃદ્ધ લાખુ આવી. ભગતે રાબ કરાવી. પોતાની ભેળું ગીગાને અને લાખુને ખવરાવ્યું.