પરકમ્મા/સજણાં

સજણાં

અત્યારે તો ઊઘડો ‘સાજણ’ના ટાંચણ–પાનાં! સજણને (સ્વજનને) સાચાં ખોટાં પરખી કાઢો–કોઈ ‘ચૂડ વિજોગણ’ નામની સ્ત્રીકવિનાં આ ખંડિત છતાં પૂર્ણ અર્થવાહક પ્રેમપદોમાંથી :— (દુહા–છકડીઆ) ૧ સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ; દૂધમાં સાકર ભેળિયેં કેવોક લિયે મેળ. કેવોક લિયે મેળ તે સળી ભરી ચાખિયેં, વાલ સજણાંને પાડોશમાં રાખિયેં. ચંપે તે મરવે વિંટાણી નાગરવેલ. ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેવી લટિયર કેળ. સ્વજનની શોધ કરનાર સંસારી! તને ચૂડ વિજોગણ નામની કોઈક જખ્મી, કોઈક દાઝેલી, કોઈક સ્વાનુભવી લોકનારી પ્રણય કરવાની જુક્તિ બતાવે છે. સ્વજન એવું શોધજે, કે જે ઝુકેલી લુંબઝુંબ કેળ જેવું હોય. દૂધમાં જેવી સાકરની મિલાવટ થાય, તેવી તારા ને એના બેઉના પ્રેમની મિલાવટ કરજે ને પછી, પ્રથમ તો જરાક, લગરીક, સળી બોળીને જ ચાખી જોજે કે બેઉએ કેવોક મેળ લીધો છે. ઘૂંટડો કે કટોરો ગટગટાવવાની ઉતાવળ કરીશ ના પ્રેમી! સળી ભરીને જ પરીક્ષા કરજે એના સ્વાદની. ને પછી : ૨ સજણ એવાં કીજિયે જેના તંબોળવરણા હોઠ, છેટેથી લાગે સોયામણાં, જાણે કાઠા ઘઉંનો લોટ. કાઠા ઘઉંનો લોટ તે ચાળણીએ ચાળિયેં તેમાં દૂધ સાકર લૈ લાડવા વળાવિયેં. કરવી લડાઈ ને પાડવો કોટ, ચૂડ કે’ સજણ એવાં કીજિયેં જેના તંબોળવરણા હોઠ. અને સ્વજન કેવાં ન કરવાં?– ૩ બે બે બોલાં સજણાં નવ કીજિયેં જેનો સો ઠેકાણે હોય સાસ, ખૂટલ સજણાંને કાંઉ ખવરાવિયેં, જેના પંડમાં પીતળનો પાસ. પંડમાં પીતળનો પાસ તે સોનીએ જૈ મુલાવિયેં ભારણ હૈયે ને હળવાં થાયેં

ચુડ કે’ બેબેબોલાં સાજણાં નવ કીજિયેં જેના સો સો ઠેકાણે હોય સાસ ‘બેબેબોલાં સજણાં, જેનો સો સો ઠેકાણે શ્વાસ’ – અનિશ્ચલ, ચંચળ, બેવફા, એકને છેતરી અનેક સાથે પ્રીતિ કરનાર, એવાં પ્રેમિકાને માટે તો આ લોકવાણીના પ્રયોગ–‘જેના સો સો ઠેકાણે શ્વાસ’ – તમને તાકતદાર નથી દેખાતો? આપણી ભાષાને ચોટદાર બનાવતો નથી દેખાતો? અરે હજુ વિશેષ સાંભળો જુદાં પ્રેમીજનની પિછાન — ૪ પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં જેનો બદલેલ હોય બાપ; ચેરો થાય આપણી નાતમાં અને ઉલટો કરે સંતાપ, ઉલટો કરે સંતાપ તે સહિયેં ને રાજા જે દંડ લ્યે તે દઈએ પિવાડવું દુધ ને ઉછેરવો સાપ ચૂડ કે’ પતળેલ સજણાંની પ્રીતું ન કરિયેં જેનો બદલેલ હોય બાપ. લોક–પ્રેમિક પોતાના અંતર્જામીને સમજ આપે છે, મૃદુતાથી, વિવેકથી, વહાલપથી :— ૫ સાંભળ માયલા સાજણા! કુડો ને કળજગ જાય; એકથી લગાડીએં પ્રીતડી તો લાલચ બીજે થાય. લાલચ બીજે જાય તે ખોટી સાચી રીત ઘરની અસ્ત્રીથી મોટી. વંશ વધે, વાલપ ઉપજે, ને કહ્યું પોતાનું થાય ચુડ કે’ સાંભળ માયલા સાજણા! કુડો ને કળજગ જાય. પતિવ્રતની કે પત્નીવ્રતની ધાર્મિક વાતોથી નહિ, વ્યવહારુ વાતોથી ‘માયલા સજણા’ને કવિતા વફાઈ શીખવે છે ‘વંશ વધે, વાલપ ઊપજે, ને કહ્યું પોતાનું થાય.’ એવા ત્રેવડા લાભ કાજે ઘરની નાર પ્રત્યે એકનિષ્ઠા પ્રબોધાય છે. ને સૌંદર્યની મૂર્તિ આલેખાય છે— ૬ સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ; ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર. હૈયે ટંકાવેલ મોર તે ઝળકું કરે, વાલાં સાજણનાં નેણલાં ઢળકું કરે. ગલાબનાંફુલ હોય રાતાં ચોળ ચૂડ કે’ સાજણ નીકળ્યાં બજારમાં પેરી ઝાંઝરની જોડ.

લોકવાણીમાં આલેખાયેલ રૂપ કદી પણ static–ગતિવિહીન–દીઠું છે? નહિ, ગતિ તો રૂપનો પ્રાણ છે. અને ‘ઉરે બિરાજે આભલાં, હૈયે ટંકાવેલ મોર’–એ દૃશ્ય તમે દીઠું છે? કાચના ચાંદલા ભરેલું કાપડું, એમાં યે પાછું મોરાકૃતિનું હીર–ભરત છાતી માથે : એ મોરલા ઝળકું કરે ને નયણાંનાં ભમ્મર ઢળકું કરે! વાહ રે સોરઠી સજણાં! એવાં સ્વજનની પ્રણયઝૂરતી સૂરત પણ નથી વિસરાઈ— ૭ સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ! સમદર જેવડી સારણ્યું, અને ડુંગર જેવડાં દુઃખ. ડુંગર જેવડાં દુ:ખ તે કેને દાખિયેં? રદાની વાતું અમે રદામાં રાખિયેં. પીપળ પાન ગૂંગળાં … … … … … … … … ચૂડ કે’ સાજણ સેજે દૂબળાં, લોક જાણે ઘર ભૂખ. સ્વજન શાથી દૂબળાં દેખાય છે! લોકો માને છે કે ઘરમાં ખાવા અન્ન નથી. પણ ખરી રીતે તો હૃદયમાં સમુદ્ર જેટલી ઉંડી સરણીઓ પડી ગઈ છે ને ડુંગર જેવડાં દુ:ખો છુપાયાં છે. પણ એ કોને દેખાડીએ? એ તો રુદામાં જ રાખીએ. ગુપ્ત અંતસ્તાપની ગોઠડી કહી નાખી. અને આખરે તો સજણાં ઘડી બઘડીના મીટ–મેળાપ કરીને વહાણે ચડી ગયાં— ૮ વાટ જૂની ને પગ નવો, ચંગો ને માડુજાય! પકડ હૈયા! કર પંખડી એનો મીટડીએ મેળો થાય. મીટડીએ મેળો થાય તે ઘડી બે ઘડી, વાલીડાં સાજણ ગ્યાં વા’ણે ચડી. આમાંના કેટલાંક મુક્તકો ખંડિત છે ને છેલ્લો તો ફક્ત બે જ ચરણોનો અધૂરો ટુકડો ટાંચણમાં છે– સાજણ એવા કીજિયેં, જેવી ગેંડાની ઢાલ, ઓખી પડ્યે આડી દઈએં, તે અંગને ના’વે આલ! આફત ટાણે ઢાલ સમું આડું દેવા થાય, એવું સ્વજન શોધીએ હે માનવી! ખંડિત ટુકડા ખંડિત બે ચરણોમાં પણ અર્થવ્યંજનાની કશી કચાશ રહી જતી નથી. ખંડિત છે તેનું પણ કારણ છે. ચૂડ વિજોગણનું નામાચરણ તે છેતરામણું છે. એકાદ બે આવા પદ–નમૂના અસલમાં જે હોય છે, તે હોળીના અગ્નિ સન્મુખ પ્રતિવર્ષ મંડાતી સામસામી કાવ્યરમતમાં રજુ થાય છે. પછી તો એ જ નામાચરણને મોજુદ રાખીને, એકઠા મળેલા ‘દુહાગીરો’ નવીનવી શીઘ્ર રચનાઓ મૂળ નમૂનાના ઘાટ મુજબ કરે જતા હોય છે. એમાં ટુકડા પડે છે. એ ટુકડા કંઠસ્થ થયા તેટલા ખરા, બાકીના લુપ્ત બને છે. ચોટાદાર ચરણોના રણકાર લોકસ્મૃતિમાં ઘર કરી રહે છે. સંશોધનકાર્યની આત્મકથા નોંધપોથીના ૬૦–૭૦ પાનાં જ હજુ તો ફેરવી શક્યો છું. કહ્યું છે કે બે ત્રણ હજાર પાનાં હશે બધા મળીને; પાને પાને ફરતાં પાછલાં ૨૦–૨૫ વર્ષમાં ભ્રમણ-પ્રદેશોની પુનર્યાત્રા અનુભવું છું. આજ સુધીનાં પુસ્તકોમાં જેનાં પાંખીઆં નથી મેળવ્યાં તે આ બધા ખંડિત અવશેષોને – ભાઈ ઉમાશંકર કહે છે તેમ એ લોકસાહિત્યની વર્કશોપમાં બાકી પડી રહેલા વેરણછેરણ ટુકડાઓને–આત્મકથાની નવી રીતે ઉપયોગમાં લઉં છું. નવા શોધકોને માર્ગદર્શક થાય કે ન થાય, મારા કસબમાં રસ લેનારી વાચક દુનિયાને તો જરૂર મોજ આવશે. મનમાં જામતા મધપુડાનાં છિદ્રે છિદ્રે મધુનો સંચય જે બિન્દુએ બિન્દુએ બન્યો રહ્યો છે તેનું આ બયાન, એ મારી નહિ પણ લોકસાહિત્યના શોધનની આત્મકથા છે. દાર્શનિક જેઠા રામનો ‘સજણાં’નાં પ્રેમ–મૌક્તિકો : અને એની પડખોપડખ રામસીતાનાં વિરહ–મૌક્તિકો : મથાળે લખેલ છે ‘જેઠીરામના છકડિયા’ : છકડિયા એટલે છ છ પંક્તિના ટુકડા– ૧ મોર વણ સૂનો ગરવો સીતા વણ સૂના શામ; હંસલા વન્ય સ્રોવર સૂનું ગુણિયલ વન્ય સૂનું ગામ; ગુણિયલ વિણ સૂનું ગામ તે હરિ! મનખોપદારથ નૈ આવે ફરી. ગઈ સીતા ને રામચંદર રો ના! જેઠો રામને કે’ ગરના ડુંગર મોર વિણ સૂના પતિ-પત્ની વચ્ચે આવો વિજોગ પાડનાર રાવણને ‘જેઠો રામનો’ શો માર્મિક ઠપકો આપે છે– ૨ લોઢું મ ગળ્ય લંકાના રાજા! જીરવ્યું કેમ જાશે! ઘણ પડશે માયલા ઘટમાં, પછી ઉમ્મર ઓછી થાશે; ઉમ્મર ઓછી થાય તે સૈ ચૌદ ચોકડીનું રાજ જાશે ભૈ! મેલ્ય મારગ ને ખોલ દરવાજા; જેઠો રામનો કે’ લોઢું મ ગળ્ય લંકાના રાજા! ‘લોઢું મ ગળ્ય!’ આવડા મોટા કુકર્મને માટે લોઢું ગળવાની ઉપમા બરાબર બંધબેસતી બની છે, નહિ? આ જેઠો કવિ બીચારો કોઢથી પિડાતો હોવો જોઈએ– જેઠાને પગે જાનવો, કાયામાં નીકળ્યો કોઢ; સાડા ત્રણ મણની સામટી, માથે વળી ગ્યો લોઢ; લોઢ વળ્યો કેયીંક્યાં? દાતાર પર જમિયલની કચેરી ત્યાં. જેઠો ગિરનારમાં દાતારને ડુંગરે કોઢનો રોગ હરનારા પીર જમિયલને શરણે જાય છે. લોકકવિ જેઠાને કોમ–ધર્મના ભેદ નથી. ગરવે જાયીંતો ગણ થાય, ભાગે જમની ભે; હિન્દુ મુસલમાન હાલી નીકળ્યાં, દાતાર દર્શન દે. દાતાર દર્શન દે તે વડી, હિલોળાદઈયેં ગરવે ચડી. ઊંચી સખર દાતારની, નીચે ગૌમુખી ગંગા વ્હે, જેઠો રામનો કે’ ગરવે જાયીં તો ગણ થાય, ભાગે જમની ભે. દાતારની ટેકરીનું ઈસ્લામ-શિખર : અને ગૌમુખી ગંગાનું હિન્દુ તીર્થોદક : બે વચ્ચે કવિ જેઠો સુમેળ જુએ છે. કોઢ માટે કવિ જેઠાએ પ્રથમ તો વિધાતાને ખખડાવી– વિધાતા વેરી થઈ, મારા અવળા લખ્યા લેખ; સરા ન માની સંસારની, ને ઊલટા કીધા અલેખ. ઊલટા કીધા અલેખ તે લેવા, ભવેસરની બજારે ઢાલોળા દેવા ………………………મનની મનમાં રૈ. જેઠો રામનો કે’ વિધાતા વેરી થૈ. પણ જેઠો તો દાર્શનિક છે! સમાધાનમાર્ગી છે. તુરત બીજે વિચારે– વિધાતા બચાડી ક્યા કરે,જેવાં તમારાં કરમ, કાં તો માર્યા મોરલા, કાં તો હેર્યાં હરણ. હરણ હેર્યાં તે હરોહરિ ગૌહત્યા બ્રાહ્મણની નડી. કીધીયું કમાણીયું, રિયા સેવો! જેઠો રામનો કે’ વિધાતાને દોષ શેનો દેવો હે જીવ! તમે જ કુકર્મ કીધાં છે. મોરલા માર્યા એ મોટું કુકર્મ : સ્ત્રીઓનાં હેરણાં હેરવાં – હરણ કરી જવાં — એ પણ ઘોર પાતક : એ કરેલી કમાણીને હવે તો રહ્યા રહ્યા સેવી લ્યો, હે જીવ! આ બધા છકડિયા એક જ માણસે ઉતરાવ્યા લાગે છે. શાહી કલમ ને લખાવટ એકધારી છે, લખાવનાર યાદ આવતો નથી. નથુ તૂરી યાદદાસ્ત પણ અવળચંડી જ છે ના! ખોખરી એવી ‘સુંદરી’ – (સારંગી)ને ખોળામાં લઈને અંત્યજ નથુ તૂરી બેસતો, અને બે રાભડાં છોકરાંમાંથી એકને ધવરાવતી ધવરાવતી નથુની ચૂંચી આંખોવાળી લઘરવઘર વહુ બેસતી. બેય જણાં ખરજ અને પંચમ સૂરવાળાં ગળાં મેળવીને કાર્યાલયના નાનકડા ચૉકની હરિયાળી પર— લાવો લાવો રે બાદૂરખાં મિયાં હિંદવાણી એને આવતાં મેં તો જાણી લાલ હિંદવાણી એવું કોઈ મુસ્લિમ દરબારને રીઝવવાને માટેનું ગીત પણ ગાતાં, (જે ગીતે મને ‘આવો આવો રે બ્હાદુર આ બહેન હિંદવાણી’ એવા ‘વેણીનાં ફૂલ’વાળા રાષ્ટ્રગીતનો ઝૂલતો – મલપતો ઢાળ આપ્યો) અને બીજે છેડે ‘સંત દાસી જીવણ’નાં ભજનો પણ ગાતાં. આ રહ્યું નથુએ ગાયેલું એ ભજન— મુંને માર્યા નેણાંનાં બાણ રે, વાલ્યમની વાતુંમાં. વાલ્યમ! તારી વાતુંમાં હાંકી મેલ્યાં હૂંડી વા’ણ રે, શામળા! તારી શોભાનાં. ૧ જીવણ કે’ પાંચ તતવ ને ત્રણ ગુણનું તેનું હરિએ બનાવ્યું વા’ણ; મરજીવા થૈને માથે બેઠા, એવાં હરિએ હોકાર્યાં હૂંડી વા’ણ રે વાલ્યમની વાતુંમાં. ૨ જીવણ કે’ શઢ ચડાવી કર્યું સાબદું મુંને આવી મળ્યા સરાણ; વાભું કરીને વા’લે ઘા કર્યો મારે ભળહળ ઊગ્યા રવિભાણ રે વાલ્યમની વાતુંમાં. ૩ જીવણ કે’ ગુરુ કાયામાં ગોતજો મારા વાલ્યમનાં શાં કરું વખાણ! દસમે દરવાજે ડેરી બિરાજે રાખો ધોળી ધજાનાં પરમાણ રે વાલ્યમની વાતુંમાં. ૪ જીવણ કે’ ગુરુ મળ્યા ને ગુરુગમ જડ્યો મુંને મટી ગઈ તાણાવાણ્ય; દાસી જીવણ સંત ભીમનાં ચરણાં પ્યાલા પાયાનાં પરમાણ રે વાલ્યમની વાતુંમાં. તે પછી નથુનાં ગાયેલ બીજાં ભજનોનો આખો ચોસર માંડેલો છે. ત્યારે પહેલાં બીજમાંથી અઢાર-વીસ વર્ષે આજ આંબો ફાલે છે. લોકસાહિત્યનો સંસ્કાર એકલી શૌર્યની વાતોએ, એકલા દુહાએ, એકલા પ્રેમશૃંગારના છકડિયાએ નહિ પણ ભજનો વડે ય સર્વદેશીય વારિસિંચનથી પોષાતો હતો. આજે ફળ બેઠાં છે. ભજનવાણીની ઘડ મગજમાં બેઠી છે. નથુ અને એની ચૂંચી આંખોવાળી વહુ, બે છોકરાં, ખોખરી સુંદરી, ખરજ અને પંચમ સ્વરોની એ જોડલી અત્યારે ક્યાં છે.? જીવતાં છે કે મૂઆં? (આ લખ્યા પછી જાણ્યું કે નથુ ગયો છે, વહુ બેઠી છે.) એ તો હતો ભટકતો પરિવાર. નાના નાના ઠાકોરોની ડેલીઓ પર એ કુટુંબ નભતું હતું. વર્ષોથી એ વધેલી હજામતવાળો નથુ નજરે નથી પડ્યો. એની ‘સુંદરી’ કોઈને વારસામાં દઈ ગયો નહિ હોય? પરંપરાઓ આમ જ તૂટે છે, એક જાય છે, તેની જગ્યા લેવા બીજો આવતો નથી. ઊઘડો નવાં પાનાં! મહારાષ્ટ્રી કવડો તેતર–‘ઓતરાતી દીવાલો’માં હોલાની વાત છે. એને મળતી સોરઠમાં તેતરની વાત છે : બેન ઊઠ! બેન ઊઠ! તલ તેતલા! તલ તેતલા! તલ તેતલા!’

ટાંચણ આટલું જ છે. છતાં આ પ્રસંગ યાદ છે : કોઈ કોઈ સ્મૃતિને એક પાતળું ટેકણ પણ બસ થઈ રહે છે, જ્યારે બીજાં કોઈક સ્મરણોને સ્થિર રાખવા માટે મોટો થાંભલો પણ નિરર્થક બને છે. દ. બા. કાલેલકરની કારાવાસની આત્મકથા ‘ઓતરાતી દીવાલો’ વાંચતો હઈશ. ‘કવડા’ની મહાષ્ટ્રી લોકકથા આવી. કવડો ખેડુ હતો. સીતા નામે બહેન હતી. બહેનને કવડાની બાયડી બહુ સતાવતી. એક દિવસ કવડો તાજા પાકના થોડા પોહે (પૌવા) ઘેર લાવ્યો. બાયડીને કહે કે સાફ કરીને રાખ, ખાવા છે. પછી ખાવા આવ્યા ત્યારે ‘પોહે’ લાવેલો તેના કરતાં ઘણા ઓછા જોયા. ખિજાયો. પૂછ્યું: કોણે ઓછા કર્યા? બાયડી કહે કે તમારી બેન સીતાએ ખાંડ્યા છે, તે ખાઈ ગઈ લાગે છે. ભાઈ સીતા પર ખિજાયો. સીતા હેબતાઈ ગઈ, બોલી શકી નહિ, એટલે વિશેષ ખીજેલા ખેડુએ બહેનને ખેડનું ઓજાર ફટકારી મારી નાખી. પછી ‘પોહે’ ખાવા બેઠો. બહુ મીઠા લાગ્યા. ભાન આવ્યું કે સીતાએ તો ‘પોહે’ પ્રેમથી ભાઈને ખાતર ખૂબ સાફ કર્યા હતા. પસ્તાયેલો ભાઈ બહેનના પ્રાણહીન શરીર પાસે જઈ બોલવા લાગ્યો— 

ઊઠ સીતે! ઊઠ સીતે! પોહે ગોડ ગોડ કવડા પોર પોર! અર્થ — ઊઠ સીતા! ઊઠ બેન સીતા! આ પૌઆ તો ગળ્યા ગળ્યા છે, ને આ તારો ભાઈ કવડો જ બાળક છે – બેવકૂફ છે. તે આવી છોકરવાદી કરી બેઠો છે. ઊઠ સીતા! ઊઠ સીતા! ઊઠ સીતા! પણ સીતા તો શેની ઊઠે? મરી ગઈ હતી. પછી ભાઈ કવડો પણ મરી ગયો. મરીને કવડો (કપોત) પક્ષી સરજાયો. આજે પણ કપોત જે સ્વરોચ્ચાર કરે છે તેમાં લોકકલ્પના આ શબ્દો સાંભળે છે : ઊઠ સીતે! ઊઠ સીતે! પોહે ગોડ ગોડ કવડા પોર પોર! ‘ઓતરાતી દીવાલો’માંથી આ કિસ્સો વાંચીને હું ઊછળી પડ્યો હતા. કાઠિયાવાડી લોકસાહિત્યની કોઈ પણ કૃતિને મળતી આવતી અન્ય પ્રદેશોની નાનીમોટી કોઈ પણ વસ્તુ મળતાં, ન વર્ણવી શકાય તેવો આનંદ થતો. પોતાના પ્રિયજનની અણસાર અજાણ્યા ચહેરાઓ પર એકાએક પકડી પાડતાં જે ગુપ્ત માર્મિક આનંદ આજે પણ અનુભવાય છે, તેવા જ પ્રકારનો આ સામ્યદર્શનનો આનંદ મને લોકસાહિત્યના ઈતરપ્રાંતીય પરિચયમાંથી સતત મળતો રહે છે. અમારા સ્ટાફ પર ભાઈ હરગોવિંદ પંડ્યાની જીભને ટેરવે, ગંભીર પ્રસંગને હળવો બનાવી દેનારી લોકકથા, ટુચકો, કહેતી, કે ઉખાણું હમેશાં હાજર હોય. એમણે આ મહારાષ્ટ્રી હોલાના ઘૂઘવાટ સાથે સંકળાયેલી કવડા-સીતાની વાત સાંભળતાંની વાર જ કાઠિયાવાડી તેતર-બોલીમાંથી ઉદ્‌ભવેલ લોકકથા કહી સંભળાવેલી—