પરકીયા/શોધ


શોધ

સુરેશ જોષી

શોધ્યા કરું અહનિર્શ મને.

પણ જેનો સ્પર્શ પામું, નિગૂઢ વિશ્રમ્ભાલાપ સુણું,
તેને નથી શોધતો હું.
એ તો છે વાચાળ હૃદય
બહુરૂપી, બહુભાષી, બહુવ્યવસાયી,
જેની સાથે નથી આત્મીયતા
સ્વછન્દ દેહની કે સ્વતન્ત્ર બુદ્ધિની ય;
જે અધીર
પૃથ્વીના પૃથુલ ખોળે શાન્ત પડી રહી શકે નહિ;
જેની સ્વપ્નસેના
અલીક સ્વર્ગનું દ્વાર ઠોકવાને દોડી જાય વારેવારે
જ્યોતિષ્માન બ્રહ્માણ્ડની શૂન્યમય ખાઈને કિનારે
જ્યહીં એનો પ્રતિનિધિ, ક્રૂર ભગવાન,
ભૂલીને સમ્રાટનિષ્ઠા, અગોચર સામન્તસમાન,
અનાદિ નીરવે બેસી નિજ ધૂને
ચક્રાન્તની ઊર્ણજાલ વણે.

હું ચાહું છું જેને
તેમાં નથી ભેદ, નથી દ્વન્દ્વ, નથી દેશ-કાલ
ને તેનાં શરીર બુદ્ધિ, મનીષામનન
શિલ્પ-ઉપાદાન-સમ અખિલાઈ કરે સરજન;
અવિકલ, સિદ્ધ, સ્વયંવશ,
નિ:શંક એ અપમાને, શોધતો ના ફરે યશ;
એ કેવળ નિલિર્પ્ત ભ્રમણે
પૂર્ણ કરે ભગ્ન વૃત્ત; નિરાસક્ત પ્રભાવિકીરણે
કરાવે દિશાનું ભાન અમાગ્રસ્ત નિ:સંગ કો નાવડીને;
નિષ્કામ ઉદ્દીપ્તિ એની
રૂપવતીતણી કરે પૂજા–આરતિ;
કુરૂપાની કુત્સિત વસતિ
માયાપુરી થઈ ઊઠે નૈર્વ્યકિતક એના અનુરાગે;
વ્યાધિ, મૃત્યુ, જરા – ડરે નહિ કશાંથી ય;
ચિતાના સ્ફુલંગિ વડે જીવનની દીપપરમ્પરા
પ્રકટાવે નિવિર્વાદ નિર્વાણની પહેલાં.

અક્ષય મનુષ્યવટ નિવિર્કાર જે પ્રાણપરાગે
નિત્ય વિકસતો રહે આશુક્લાન્ત નિવિર્શેષ ફલે,
એ અનામી ચિરસત્તા શોધું છું હું મારા અતલે.