પરિષદ-પ્રમુખનાં ભાષણો૩/પ્રકાશકીય

પ્રકાશકીય

એચ. એલ. કૉમર્સ કૉલેજના આચાર્યપદેથી પ્રિ. આર. એલ. સંઘવી નિવૃત્ત થતા હતા ત્યારે કેળવણીકારો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકોએ મળીને પ્રિ. આર. એલ. સંઘવી સન્માન સમિતિની સ્થાપના કરી હતી અને એ અન્વયે કેળવણીને કેન્દ્રમાં રાખીને જુદાં જુદાં આયોજનો થયાં હતાં. એ આયોજનો બાદ જે રકમ બાકી રહી તેમાંથી વિદ્યાવિકાસ ટ્રસ્ટનું સર્જન થયું. આ રીતે એ ટ્રસ્ટ વિદ્યાપ્રેમી કેળવણીકારોની સુગંધથી સુવાસિત છે. આ ટ્રસ્ટ અનેકવિધ આયોજનો કરે છે. વિદ્યાર્થીઓને ઉપયોગી વર્ગો ચલાવ્યા છે તેમજ આજીવન કેળવણીનું કાર્ય કરનારા મહાનુભાવોને સારસ્વત ગૌરવ એવોર્ડથી સન્માનિત કર્યા છે જેમાં ડૉ. આઈ. જી. પટેલ, પ્રો. પી. સી. વૈદ્ય, ડૉ. ઉષાબહેન મહેતા, પ્રો. સી. એન. પટેલ, ડૉ. ધારુભાઈ ઠાકર, પ્રો. ભીખુ પટેલ, ડૉ. ભોળાભાઈ પટેલ, ડૉ. ચંદ્રકાન્ત શેઠ, શ્રી સૌભાગ્યચંદ કે. શાહ, શ્રીમતી યોગિનીબહેન મજુમુદાર, શ્રી નાગજીભાઈ દેસાઈ અને શ્રી નાનુભાઈ શિરોયાનો સમાવેશ થયો છે. વિદ્યાવિકાસ ટ્રસ્ટ એક નવો વિદ્યાકીય ઉપક્રમ આરંભે છે અને તે ગુજરાતી સાહિત્ય પરિષદનાં પ્રમુખોનાં ભાષણોના સંગ્રહનું. આ અગાઉ ગુજરાતી સાહિત્ય પરિષદ-પ્રમુખોનાં ભાષણોના બે ગ્રંથ પ્રકાશિત થયા હતા. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ અત્યંત મૂલ્યવાન અને માર્ગદર્શક ગણાય છે. આ વ્યાખ્યાનોની એક વિશિષ્ટ પરંપરા છે અને એનો આગવો મહિમા પણ છે. છેલ્લાં ૧૯ વર્ષના પ્રમુખોનાં વ્યાખ્યાનો અહીં ડૉ. નલિનીબહેને સંગ્રહિત કર્યાં છે અને એ રીતે અભ્યાસીઓ, વિદ્વાનો અને સંશોધકોને ઉપયોગી એવું કર્મ કર્યું છે તે બદલ અમે એમના આભારી છીએ. ભવિષ્યમાં પણ આ સંસ્થા આવા જુદા જુદા ઉપ્કરમો હાથ ધરવાનો આશય ધરાવે છે. અમદાવાદ તા. ૧૮-૧૨-૨૦૧૦ ટ્રસ્ટીમંડળ
વિદ્યાવિકાસ ટ્રસ્ટ