પરિષદ-પ્રમુખનાં ભાષણો/૧૭

૧૭ શ્રી હરસિદ્ધભાઈ વજુભાઈ દિવેટિયા
૧૭મું અધિવેશનઃ નવસારી

નવસારી, ૧૯૫૨ ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના પ્રતિનિધિઓ, સાહિત્યરસિક સન્નારીઓ તથા સદ્‌ગૃહસ્થો, ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનનું પ્રમુખસ્થાન તે કોઈ પણ વ્યક્તિ માટે ગૌરવભર્યા માનનું પદ છે. તે પ્રતિષ્ઠિત પદ ઉપર મારી પસંદગી કરી આપે જે સદ્‌ભાવ બતાવ્યો છે તે માટે હું આપનો સહૃદયતાથી આભાર માનું છું. મને લાગે છે કે મારી યોગ્યતા ગમે તેટલી ઓછી હોય તેમ છતાં મારામાં વિશ્વાસની ભાવનાથી મને એ પદ આપે આપ્યું તે કારણથી મારે માટે તો તે માન કરતાં આપના વિશ્વાસને અદા કરવાની જવાબદારીનું હું વધારે સમજું છું. તે જવાબદારી બજાવવા માટે પરિષદના કાર્યમાં રસ લેતા સર્વ બંધુઓનો સહકાર મળી રહેશે એવી સંપૂર્ણ શ્રદ્ધાથી મેં આ સ્થાન સ્વીકાર્યું છે. આશા છે કે તમારો વિશ્વાસ અને મારી શ્રદ્ધા એ બંનેને સરખી સફળતા મળે. અવસાનોની નોંધઃ પ્રથમ તો આજે લગભગ ચાર વર્ષ પછી પરિષદનું સંમેલન મળે છે તે દરમિયાન જે ગુજરાતી સાક્ષરો તથા સાહિત્યરસિક નામાંકિત વ્યક્તિઓનાં અવસાન થયાં છે તેની સખેદ નોંધ લેવી ઘટે છે. સદ્‌ગત સરદાર વલ્લભભાઈ પટેલ લેખક તો નહોતા, પણ જનસમૂહના હૃદયમાં સોંસરી પેસે એવી સચોટ અને તળપદી, કાંઈક કટાક્ષ અને કાંઈક તીવ્ર વેધક વાણી વડે પ્રજાને સંગઠિત કરી લોકનું નવજીવન ઉત્પન્ન કરે તે જો સાહિત્યકારનું લક્ષણ ગણાય તો તેમને આ ગાંધીયુગના આમજનતાના અને ખાસ કરીને નિરક્ષર જનતાના સાક્ષર કેમ ન કહી શકાય? સ્વાધીનતા મેળવવાથી સાહિત્યજીવન પણ જો સમૃદ્ધ થઈ શકે તો તે મેળવી આપનાર વીરપુરુષને અંજલિ આપવાનો પણ સાહિત્યકારોનો ધર્મ છે. સદ્‌ગત બળવંતરાય ઠાકોર એક મહાવિદ્વાન, ઉત્તમ કવિ, વિવેચક અને સમર્થ લેખક હતા. તેમની પ્રગલ્ભ બુદ્ધિમાં મૌલિકતાનો ચમત્કાર હતો. વિશાળ વાંચન અને ચિંતન વડે એમની વિવેચનશક્તિની પ્રતિભા અસાધારણ હતી. સાધારણ વિવેચકને પણ ન સૂઝે એવાં તલસ્પર્શી વિચારો અને દલીલો થોડી ભારે પણ બળવાન ભાષામાં તે વ્યક્ત કરી શકતા. આ જમાનાના ઘણા સાહિત્યકારોને પણ તેમની નિખાલસ સલાહ અને દોરવણી વડે ઉત્તજન અને પ્રેરણા મળ્યાં છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યકારોની નોંધમાં એમનું નામ અમર રહેશે. સદ્‌ગત દુર્ગાશંકર શાસ્ત્રીના તાજેતરમાં થયેલા અવસાનની નોંધ લેતાં ખેદ થાય છે. એ જો અત્યારે આપણી દુનિયામાં હોત તો આ સંમેલનનું સુકાન એમને સંભાળવાનો પ્રસંગ આવ્યો હોત. પરંતુ દૈવયોગે યાદીમાં એમની પસંદગી થયા પછી થોડા દિવસમાં જ એમનું અવસાન થયું એ આપણે માટે એક કરુણ બનાવ થયો. આપણા સાહિત્યના ઇતિહાસવિષયક ક્ષેત્રમાં એમના અવસાનથી ઘણી મોટી ખોટ પડી છે. વિનીત અને નમ્ર સ્વભાવના આ વિદ્વાન સાક્ષરે ઊંડા અભ્યાસ અને ઉચ્ચ પ્રકારની તુલનાશક્તિ વડે અનેક ઇતિહાસાત્મક અને સંશોધનના પ્રશ્નોને અસાધારણ વિવેકશક્તિ અને સમગ્ર ભાવથી ચર્ચ્યા હતા. કાંઈ પણ પૂર્વગ્રહ વિના તટસ્થતાથી જે અનુમાન અને નિર્ણયો એમણે દર્શાવ્યાં હતાં તે ભવિષ્યના ઇતિહાસકારોને ઘણાં મૂલ્યવાન થઈ પડશે. એમને આ વિષયમાં એટલો બધો રસ હતો કે ઘણાં વર્ષથી એમનું શરીરસ્વાસ્થ્ય નરમ રહેવા છતાં સાહિત્યની સેવામાં જ પરોવાયેલા હતા. ઐતિહાસિક સંશોધનો અને તુલનાત્મક વિવેચનના ક્ષેત્રમાં આપણે ત્યાં ઘણા થોડા સાહિત્યકારો આકર્ષાય છે. આશા છે કે એમના અવસાનથી પડેલી મોટી ખોટ થોડેઘણે અંશે પૂરી પાડવા નવા શિક્ષિત યુવકો તત્પરતા બતાવશે. તાજેતરમાં સદ્‌ગત કિશોરલાલ મશરૂવાળાનું દુઃખદ અવસાન એ માત્ર ગુજરાત માટે નહિ, સમગ્ર દેશ માટે ખેદજનક બનાવ છે. એમના પુષ્કળ લેખોમાં ગાંધીવાદનું તાત્ત્વિક દર્શન એમણે સુંદર રીતે સમજાવ્યું હતું. ગાંધીજીના અવસાન પછી “હરિજન” પત્રોના સંચાલનનું કાર્ય એમણે એટલી સફળતાથી કર્યું કે એ પત્રોને બંધ કરવાનો વિચાર થયો ત્યારે ખાસ કરીને એમના લેખોનો લાભ જનતાને મળતો બંધ ન થાય તે માટે જોઈતી મદદ આપવાની એમના પ્રશંસકોએ તત્પરતા બતાવી અને એ પત્રો ચાલુ રહ્યાં. પરંતુ દૈવયોગે થોડા જ માસ પછી થયેલા એમના અવસાનથી અત્યારે તો ન પૂરી શકાય એવી ખોટ પડી છે. આપણે ત્યાં ચિંતનાત્મક લેખકો બહુ જ થોડા છે. એમનું સ્થાન ખાલી પડવાથી ખાસ કરીને ગુજરાતના પત્રકારત્વને ભારે ખોટ પડી છે. સદ્‌ગત ડૉ.હરિપ્રસાદ દેસાઈ બહુશ્રુત અને રસિક સાક્ષર હતા. ડૉક્ટર જેવા વ્યવસાયી જીવનમાં પણ એમણે સાહિત્યની સતત સેવા કરી હતી. કલાના એ પરમ ઉપાસક હતા અને ગુજરાત ઉપરાંત હિંદના બીજા પ્રદેશોની સ્થાપત્યકલા ઉપર એમણે અભ્યાસપૂર્ણ લેખો જનતાને આપ્યા છે. સાહિત્યપરિષદના જન્મકાળથી જ આ સંસ્થાના એ એક અગ્રેસર સંચાલક હતા, અને પરિષદની દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહપૂર્વક ભાગ લેતા હતા. સદ્‌ગત મનહરરામ મહેતા ખંડઝૂલણા છંદના કવિ ઉપરાંત સાહિત્યપરિષદના ઘણાં વરસ સુધી મંત્રી હતા. એના સંચાલનમાં એમણે અત્યંત શ્રમ અને રસ લઈને પરિષદની દરેક બેઠકને સફળ બનાવવાનો ભાર ઉમંગથી ઉપાડી લીધો હતો. સદ્‌ગત રામમોહનરાય દેસાઈ એક વિદ્વાન, ચિંતક, લેખક તેમજ કવિ હતા. ગુજરાતમાં સ્ત્રીઓ માટેના પહેલા માસિક “સુંદરીસુબોધ”નું વીસ વરસ સુધી સરસ સંચાલન કરીને આપણા સ્ત્રીસમાજની એમણે સંગીન સેવા કરી હતી અને અનેક સ્ત્રીઓને લેખિકાઓ થવાનું ઉત્તેજન આપ્યું હતું. એમની બે નવલકથાઓ “યોગિની” અને “બાળા”એ વાચકોની પ્રશંસા મેળવી હતી. પણ એમના અવસાનની અહીં નોંધ લેવાનું ખાસ કારણ એ છે કે સાહિત્યપરિષદની સ્થાપનામાં સદ્ગત રણજિતરામ મહેતા, જે એમના ગાઢ મિત્ર હતા, તેમની સાથે એમણે મુખ્ય ભાગ લીધો હતો અને પરિષદની પ્રથમ બેઠકમાં લોકકથા ઉપર એક અભ્યાસપૂર્ણ નિબંધ વાંચ્યો હતો. સદ્‌ગત ગોકુળદાસ રાયચુરાની સૌરાષ્ટ્રના લોકસાહિત્યને પ્રકાશમાં લાવવાની તથા “શારદા” માસિક દ્વારા એમણે સાહિત્યની કરેલી સેવા જાણીતી છે. લગભગ દરેક સાહિત્યપરિષદ અને સંમેલનની બેઠકમાં એમની મનોરંજનની વાણીથી શ્રોતાવર્ગને મુગ્ધ કરવાની તેમનામાં શક્તિ હતી. સદ્‌ગત બટુભાઈ ઉમરવાડીઆએ ગુજરાતી સાહિત્યની એકાંકી નાટકો આલેખીને સુંદર સેવા કરી હતી. વ્યવસાયી જીવનને લીધે તે સાહિત્ય-જીવનમાં લાંબો વખત રહી શક્યા નહીં, પરંતુ એમણે જેટલું આપ્યું તેનાથી એમનું સ્થાન સાહિત્યક્ષેત્રમાં રહ્યું છે. આ ઉપરાંત ગુજરાતના પ્રતિષ્ઠિત સાહિત્યરસિકો અને વિદ્વાનો – ઠક્કરબાપા, ગલીઆરા, મોતીચંદ કાપડીઆ, મગનલાલ ખખ્ખર, શંકરરાય અમૃતરાય, વીરમિત્ર દિવેટિયા, હીરાલાલ કાઝી, વામન મુકાદમ, અનંત પંડ્યા વગેરેના અવસાનોની નોંધ લેવી ઘટે છે. સાહિત્ય અને જીવનઃ સન્નારીઓ તથા સજ્જનો! આપણે બહુ ગુજરાતી સાહિત્યના સર્જકો, ઉપાસકો તથા રસિકો તરીકે આજે અહીં મળ્યાં છીએ. ‘સાહિત્ય’ શબ્દનો વિશેષ અર્થ શો છે તેનો પ્રથમ વિચાર કરી આપણે આગળ ચાલીએ. આપણા વિદ્વાનોએ એના જુદા જુદા અર્થ કર્યા છે. “सहितस्य भावः साहित्यम्” એટલે અનેક વ્યક્તિઓના વિચારનું સંમિલન ભાષા દ્વારા પ્રગટ થાય તે સાહિત્ય. ‘हितेन सह सहितं तस्य भावः साहित्यम्’ એટલે હિતકારક ઉક્તિઓનો સંગ્રહ તે સાહિત્ય. ‘शब्दार्थो सहितौ काव्यम्” એટલે શબ્દ અને અર્થ વિશિષ્ટ રૂપે એકબીજાની સાથે મળેલા હોય તે સાહિત્ય. આ વ્યાખ્યાઓમાં બે મુખ્ય તત્ત્વો સમાયેલાં છેઃ એક વિચાર અને વાણીનું સુંદર સંમિલન અને બીજું આવી રીતે અનેક સાહિત્યકારોએ કાલપરંપરામાં પદ્ય કે ગદ્યમાં રચેલો સંગ્રહ. વિચાર અને વાણી વચ્ચેનો સંબંધ જેમ વ્યક્તિમાં છે, તેમ એક ભાષા બોલતી પ્રજાનું માનસ અને તેના સાહિત્ય વચ્ચેનો સંબંધ અંગાંગી પ્રકારનો છે. એટલે કે કોઈ પણ કાળનું સાહિત્ય એ તે સમયની પ્રજાના માનસનો આવિર્ભાવ છે. તેમજ ભવિષ્યની પ્રજાનું માનસ ઉત્પન્ન કરવામાં તેના સાહિત્યની પણ સારી કે નરસી અસર થાય છે. વિચારોનો સૂક્ષ્મ આત્મા શબ્દોની સ્થૂલ સૃષ્ટિમાં જન્મ લઈ દેહ ધારણ કરે તેનું પુષ્ટ જીવન વિચારોના મૌલિક મૂલ્ય તથા શબ્દોની હૃદયંગમતાના સુંદર સમન્વય ઉપર જ આધાર રાખે છે. તે બંને તત્ત્વોમાં વિચાર તે જ આત્મા છે અને શબ્દ તેનું શરીર છે, તે સાહિત્યસૃષ્ટિનું એક સનાતન સત્ય છે. તે બંનેનો જે સાહિત્યમાં સંયોગ હોય તે જ સાહિત્ય ચિરંજીવ બને છે અને સમાજના માનસને ઉચ્ચ કક્ષા ઉપર ટકાવે છે. આવી રીતે વિચારોનું તત્ત્વ તે સાહિત્યની ભૂમિકા છે. પરંતુ જીવન જેમ પ્રગતિમય છે તેમ વિચારો પણ પ્રગતિમય હોય તો જ તેનું બળ ટકી શકે છે. જ્ઞાન અને અનુભવની અસરથી વિચારોનું પરિવર્તન થાય તે સ્વાભાવિક છે. અને તેથી જ સાહિત્ય પણ જો નવા વિચારોથી પ્રાણવાન ન થાય તો તે લોહી વગરનું અને નિર્જીવ બને છે. આવી યુગે યુગે બદલાતી વિચારસરણીઓને વ્યક્ત કરવા માટે સાહિત્યમાં નવા શબ્દો અને શૈલીનું પણ સર્જન થાય છે. એક યુગનું સાહિત્ય પછીના યુગોમાં તેમાં જે સનાતન સત્યો રહેલાં હોય તેટલા પૂરતું સજીવ રહે છે. અને બાકીનું ઇતિહાસના ભંડારમાં જ ભરાઈ રહે છે. જેવી રીતે પરિસ્થિતિને અનુકૂળ થઈને રહેવું એટલું જ નહિ, પણ પરિસ્થિતિને પણ જીવનને ઉચ્ચ માર્ગ ઉપર લઈ જવા માટે અનુકૂળ બનાવવી, એ મનુષ્યજીવનશાસ્ત્રનો નિયમ છે, તેવી જ રીતે પ્રજાજીવનનું પ્રતિબિંબ થવા ઉપરાંત બદલાતી પરિસ્થિતિમાં જીવનનો ઉત્કર્ષ થાય તેવા પ્રકારનું સાહિત્ય ઉત્પન્ન કરવું તે સાક્ષરતાનો ધર્મ છે. એમ ન થાય તો જીવન ટકી શકે નહીં અને પ્રજાજીવન સાથેનો નિકટ સંબંધ તૂટી જાય. સાહિત્ય વડે જો મૂલ્યાંકનોનું પરિવર્તન થાય તો જ તે જનતા ઉપર જરૂરી અસર કરી શકે. પ્રાચીન ગુજરાતી સાહિત્યઃ આ છે સંક્ષિપ્તમાં સાહિત્યજીવનની મીમાંસા. હવે આપણે ગુજરાતી સાહિત્યને આ દૃષ્ટિબિંદુથી તપાસીએ. ગુજરાતના દૂર ભૂતકાળમાં ગયા વિના જ્યારથી ગુજરાતી જીવન ઘડાવા માંડ્યું, એટલે ઈ.સ.૧૧મા સૈકાથી શરૂ કરીશું. મૂળરાજ સોલંકીથી ભીમદેવ સુધીના સમયમાં ગુજરાતના ઘડતરનો પ્રથમ યુગ હતો. ગુજરાતના રાજકીય ક્ષેત્રના વિકાસ સાથે ઉત્તરેથી આવી હાલના ગુજરાતમાં વસેલી પ્રજાઓએ પોતાના દેશને આબાદ કરવા વ્યાવહારિક પ્રવૃત્તિઓ શરૂ કરી. તેમાં જૈન ધર્મના અનુયાયીઓ અગ્રેસર હતા. ગુજરાતનું માનસ ઘડવામાં બે વસ્તુઓ મુખ્ય હતીઃ એક તો તેના પશ્ચિમ કાંઠાનો સમુદ્ર અને બીજી તેની ધરાને રસાળ બનાવનાર અનેક નદીઓ. આ બંને કુદરતી સાધનોએ ગુજરાતને સમૃદ્ધ બનાવી તેનું ભવિષ્ય ઘડ્યું. દેશપરદેશના વ્યાપાર ખેડાયા અને સાધનસંપત્તિની વૃદ્ધિ વડે સાહિત્ય અને કલાઓને પણ ઉત્તેજન મળ્યું. આપણા પશ્ચિમકાંઠાના સમુદ્રે પારસીભાઈઓનાં વહાણોને ગુજરાતમાં આણી આપણા કિનારા ઉપર ઉતાર્યાં અને ત્યારથી ગુજરાત તેમનું વતન થયું એ પણ આપણું મોટું સદ્‌ભાગ્ય નીવડ્યું. અહિંસાપ્રધાન જૈન ધર્મ અને ગુજરાતની નરમ ભૂમિ એ બંનેએ એનું જીવન શાંતિપ્રિય ને વ્યાવહારિક બનાવ્યું. રજપૂત રાજાઓએ પણ જૈન તેમજ હિન્દુ ધર્મને તથા સાહિત્યના વિકાસને ઉત્તેજન આપ્યું. એ સાહિત્યવિકાસની શરૂઆત જૈન સાધુઓને હાથે થઈ. હેમચંદ્રાચાર્યે વ્યાકરણ રચી તે સમયની ભાષાનું ખોખું તૈયાર કર્યું અને બીજા અનેક સાધુઓએ રાસાઓ રચી ગુજરાતી પદ્ય અને ગદ્ય સાહિત્યની શરૂઆત કરી. પરંતુ આ અને પછીના ઠેઠ ૧૮-૧૯મી સદીના લાંબા કાળમાં ગુજરાતી સાહિત્યની વિશિષ્ટતા તે એનું ધાર્મિક ભાવનાપ્રધાન પદ્યસાહિત્ય જે પ્રજા શાંતિમય અને પૈસેટકે સુખી હોય તેનામાં ધર્મના જ્ઞાન કરતાં પણ ભાવનાને વધારે પુષ્ટિ મળે છે. એટલે ગુજરાતી જીવનમાં વ્યાવહારિકતા અને ધાર્મિકતા એ બંને સાથે રહી. તત્ત્વજ્ઞાનની સીડી ઉપર ચડી માત્ર હવાઈ વાતાવરણમાં લટકવા કરતાં સ્થૂલ ભૂમિ ઉપર રહીને જીવનની ભોગ્ય વસ્તુઓ ભગવાનની કૃપાથી જ મળે છે માટે તેની ભક્તિ કરીને જીવન ભોગવવામાં સુખ છે એ સામાન્ય ગુજરાતી પ્રજાજનોનો જીવનમંત્ર થયો. અને એ પ્રકારના વ્યાવહારિક અને ધાર્મિક મિશ્રણવાળું મધ્યમ માર્ગનું માનસ એ ગુજરાતની વિશિષ્ટતા. આ કારણથી જે ધાર્મિક સંપ્રદાયમાં ભોગ અને ભક્તિ એ બંનેને સ્થાન છે તેવા સંપ્રદાય તરફ ગુજરાતની જનતાનું મન આકર્ષાય તે સ્વાભાવિક છે. એવો સંપ્રદાય એને મળ્યો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ ધર્મમાં અને કૃષ્ણભક્તિના સમર્પણભાવમાં. શ્રીકૃષ્ણ ગુજરાતના ધાર્મિક જીવનનું મધ્યબિંદુ બન્યા, પણ તે મહાભારતની ગીતાના કૃષ્ણ કરતાં મથુરાના, ભાગવતપુરાણના, બાળલીલાના, પ્રેમભક્તિ વડે સર્વસમર્પણના કૃષ્ણ હતા. આ છે નરસિંહ મહેતાથી માંડીને દયારામ સુધીના પાંચ છ સૈકાના સાહિત્યયુગનું રહસ્ય. એમાં ગુજરાતની ધાર્મિક તૃષ્ણાની રસમય તૃપ્તિ, સો વરસના અદ્‌ભુત વિશ્વપરિવર્તન પછી પણ આજ સુધી ગુજરાતની સામાન્ય જનતામાં કૃષ્ણના સાહિત્યની લોકપ્રિયતા. વૈષ્ણવ ધર્મ તો બંગાળા અને દક્ષિણમાં પણ પ્રસર્યો છે. પણ બંગાળાની આવેશમય પ્રજા અને દક્ષિણની જ્ઞાનપ્રધાન પ્રજાઓ કરતાં ગુજરાતની ભવનામય પ્રજાએ વૈષ્ણવ ધર્મને પોતાના માનસને અનુકૂળ થાય એવી રીતે અપનાવી લીધો. એ ધર્મના બાહ્ય સ્વરૂપમાં કાળે કરીને અનિષ્ટ તત્ત્વો પણ ઉત્પન્ન થયાં, છતાં એને શુદ્ધ બનાવીને સાચવી રાખ્ચો. પરંતુ પૌરાણિક હિન્દુ ધર્મ તો બહુમુખી છે અને ગુજરાતના સર્વગ્રાહી માનસને તે અનુકૂળ નીવડ્યો. શાક્ત અને શૈવ ધર્મ-સંપ્રદાયો પણ ગુજરાતમાં બહુ પુરાણા છે. ઈશ્વરી શક્તિને દેવીના સ્વરૂપમાં તેમજ રુદ્ર સ્વરૂપમાં પણ ગુજરાત પૂજે છે. ગુજરાતની બહારના ઊર્મિલ ભક્તિના આચાર્યો વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ વગેરેના ઉપદેશોએ ગુજરાતની માનસભૂમિમાં જ પોતાનું વતન કર્યું. પણ સૈકાઓ પછી પૌરાણિક ધર્મને સુધારી વેદધર્મને સજીવ કરનાર ગુજરાતી મહર્ષિ દયાનંદ સરસ્વતીને હિન્દુ સમાજમાં નવું બળ પૂરવા માટે ગુજરાતની બહાર જવું પડ્યું. કવિ નર્મદે હિન્દુસ્થાનના પ્રાંતોની વિશિષ્ટતા વિષેનો લોકમત જણાવ્યો છે કે “તેલંગણનો વેદ, મૈથિલનું વ્યાકરણ, બંગાળનો ન્યાય, દ્રવિડનો વેદાંત, કાશીનું સાંખ્ય, હરદ્વારનો યોગ, મારવાડનું જ્યોતિષ, દ્રવિડના રસાલંકાર અને ગુજરાતના કાવ્યપુરાણ” આવી પૌરાણિક સંસ્કૃતિએ ગુજરાતના સાહિત્યને રંગી નાખ્યું અને નરસિંહ મહેતાથી દયારામ સુધીના ચાર-પાંચ સૈકા સુધી ગુજરાતી સાહિત્યનું વહેણ લગભગ એક જ દિશામાં વહ્યા કર્યું. અતિશય ભક્તિ-ભાવથી ઉત્પન્ન થયેલી શ્રદ્ધાએ ગુજરાતના માનસને વેપારમાં પહોંચેલું પણ ધર્મે ભોળું બનાવ્યું. અને ગુજરાતીઓ માત્ર બાહ્ય ધર્મના પાલનથી ઉત્પન્ન થતા ઢોંગ અને પાખંડના ભોગ પણ બન્યા. એ અનિષ્ટ તત્ત્વનું જોર જ્યારે વધતું ગયું ત્યારે તેની સામે પુકાર કરવા માટે ગુજરાતના અંતરમાંથી અવાજ નીકળ્યો. કાંઈક કડવી, કાંઈક તીખી અને કટાક્ષમય વાણીમાં અખાએ અંધશ્રદ્ધામાંથી “આત્મજ્ઞાન”ને રસ્તે જવા માટે લોકોને ઉપદેશ કર્યો. નરસિંહ મહેતાએ ભક્તિભાવનાથી ઈશ્વર મેળવવા માટે વેદાન્તનો ઉફયોગ કર્યો; ત્યારે તેના પછીના અખાએ આત્મજ્ઞાનનો આંતરધર્મ અપનાવવા માટે વેદાંતનું રહસ્ય સમજાવ્યું. નરસિંહ મહેતાએ તથા મીરાંબાઈએ લોકોની ધર્મભાવનાને ભક્તિરસ વડે ભીની રાખી ત્યારે અખાએ લોકોને ચટકો લાગે એવી ભાષામાં પણ સચોટ રીતે ધર્મના તાત્ત્વિક સ્વરૂપનું ભાન કરાવ્યું. પણ અખાનાં કથનો તેની ‘અખેગીતા’માં જ રહ્યાં; ત્યારે નરસિંહ મહેતા, મીરાંબાઈ, પ્રેમાનંદ અને દયારામનાં કવનો ગુજરાતનાં હૃદયમાં વસ્યાં. આમ જીવન અને સાહિત્ય એકબીજાની સાથે ઓતપ્રોત થઈને ઠેઠ અર્વાચીન કાળસુધી રહ્યાં. અર્વાચીન ગુજરાતી સાહિત્ય દયારામ પછી ગુજરાતી સાહિત્યનો અર્ચાવીન કાળ શરૂ થયો. તેને હવે લગભગ સો વર્ષ પૂરાં થયાં છે. દયારામનું અવસાન અને નર્મદનું સાહિત્યજીવન એ બંને એક જ કાળમાં થયાં. છતાં પણ એ બે જણા વચ્ચે કેટલું અંતર! એ કાળ માત્ર નવા યુગનો નહીં, પણ આખા દેશના નવા અવતારનો જન્મકાળ હતો. અત્યાર સુધી ગુજરાતી, થોડું સંસ્કૃત અને ફારસી એ ભાષાઓમાંના સાહિત્યથી જીવન ઘડાતું. હવે અંગ્રેજી ભાષાનું અને તેના સાહિત્યનું શિક્ષણ શરૂ થવાની સાથે જીવનના દરેક વિભાગમાં નવા વિચારો અને જૂની પ્રણાલિકાઓ વચ્ચેનો વિગ્રહ શરૂ થયો. જીવનનાં મૂલ્યાંકનો બદલાવા લાગ્યાં અને નવી વિચારસરણીઓ અને ભાવનાઓએ નવું જ માનસ દેશમાં સર્વત્ર ઉત્પન્ન કર્યું. સ્વાભાવિક રીતે સાહિત્યનું વહેણ પણ બદલાયું. ગુજરાતના શાંતિમય અને સંરક્ષક જીવનમાં ઉત્પાતનો આંચકો આવે એવાં છૂટાંછવાયાં બળોને એકત્રિત અને વ્યક્ત કરનાર પુરુષ ઉત્પન્ન થવા માટેનું વાતાવરણ તૈયાર થવા માંડ્યું. અને તરત જ નર્મદકવિમાં તે બળો મૂર્તિમંત થયાં. ધાર્મિક ક્ષેત્રમાં સંકોચાઈ રહેલું ગુજરાતી સાહિત્ય એમાંથી છૂટ્યું અને તેનાં ગદ્ય અને પદ્ય એ બંને અંગોને સાંસારિક, સામાજિક, આર્થિક, રાજકીય, વગેરે ક્ષેત્રોમાં નર્મદે પ્રવેશ કરાવ્યો. પણ નર્મદનો આવેશમય વેગ ધાર્મિક અને સંરક્ષણવૃત્તિવાળા ગુજરાતને માટે વધારે પડતો હતો. મુંબઈના છૂટા વાતાવરણમાં રહેલો અને જુસ્સાવાળો પણ ઉચ્છૃંખલ સ્વભાવનો નર્મદ એના જમાનાથી વધારે આગળ વધી ગયો હતો. અને ગુજરાતના સાહિત્યક્ષેત્રમાં તો જાણે બે તડ પડી ગયાં હોય એવું વાતાવરણ ઉત્પન્ન થયું હતું. દલપતરામના “ધીરે ધીરે સુધારાનો સાર”નો નમ્ર અવાજ નર્મદના “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે!”ના બ્યૂગલના અવાજ કરતાં ગુજરાતને વધારે રુચિકર લાગ્યો. છતાં નર્મદની સાહિત્યસેવાનું મૂલ્ય દલપતરામની સભારંજની કવિતાના સાહિત્ય કરતાં ઊંચું હતું. પચાસેક વરસ પછી નર્મદનો નાદ ગુજરાતે પારખ્યો. નવગુજરાતના આદ્ય જ્યોતિર્ધર તરીકે તો નર્મદને જ મુકાય. અંગ્રેજી સાહિત્યના શિક્ષણે બંગાળાને અંગ્રેજી જીવનનો પણ રંગ લગાડ્યો. ગુજરાતમાં વિચારોનું પરિવર્તન થવા માંડ્યું, પણ આચારમાં તો થોડા અપવાદ સિવાય ખાસ અસર ન થઈ. યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણે શિક્ષિતવર્ગને વિચારતા કર્યા અને તેની અસર ગુજરાતી સાહિત્ય ઉપર ધીમે ધીમે વધવા લાગી. ખાસ નોંધવા જેવી એક અસર સંસ્કૃતના અભ્યાસ ઉપર થઈ. અત્યાર સુધી સંસ્કૃતનાં સાહિત્ય અને શાસ્ત્રોનું જ્ઞાન મોટે ભાગે શાસ્ત્રીઓ અને પંડિતો પાસે જ હતું. રાજ્યભાષા ફારસી હોવાથી સંસ્કૃત કરતાં ફારસી જાણનારા જનો વિશેષ હતા. પણ ઉચ્ચશિક્ષણમાં સંસ્કૃતને સ્થાન મળવાથી અંગ્રેજી સાહિત્ય સાથે સંસ્કૃત સાહિત્ય અને શાસ્ત્રોનો પરિચય જેમ વધવા માંડ્યો તેમ એ જ્ઞાનભંડારનાં દ્વાર ખુલ્લાં થયાં. પરિણામે પાશ્ચાત્ય સંસ્કૃતિ અને આપણી આર્યસંસ્કૃતિના જ્ઞાનની વૃદ્ધિ થવાની સાથે એ બંનેનું તુલનાત્મક સાહિત્ય ઉત્પન્ન કરવા તરફ આપણા વિદ્વદ્‌વર્ગની પ્રવૃત્તિ શરૂ થઈ, હિંદુ ધર્મનાં મૂલ્યાંકનો, જેનું આપણા પૂર્વજોએ તત્ત્વદર્શન કરાવ્યું હતું તેના હાલની પરિસ્થિતિ પ્રમાણે પુનર્જીવનની રચના એ આપણા સાહિત્યનું એક અંગ બન્યું. સાહિત્યમાં ધાર્મિક ભક્તિભાવ પશ્ચાદ્‌ભૂમિ ઉપર ગયો અને સ્વદેશભક્તિ તથા સમાજની પુનર્રચનાની ભાવના આગળ આવી. જૂના અને નવા વિચારોના ઘર્ષણનો તોડ કેવી રીતે કહાડવો એ ચર્ચાનો વિષય બન્યો. આ પ્રશ્નોને ગુજરાતી જનતા પાસે મૂકી તેનું માર્ગદર્શન આપવા માટે કોઈ સમર્થ ચિંતક અને લેખકની જરૂર પડી. ગુજરાતને સદ્‌ભાગ્યે એવો એક ઉત્તમ સાક્ષર તે મંથનકાળના જમાનામાં પ્રગટ થયો. ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર”માં નવલકથાના સ્વરૂપમાં આવા પ્રાણપ્રશ્નોની ઉન્નત શૈલીમાં ચર્ચા કરી માર્ગદર્શન આપનારું અર્વાચીન યુગનું પુરાણ પ્રસિદ્ધ કર્યું. પ્રજાએ એ સર્વગ્રાહી નવલપુરાણનો સુંદર સત્કાર કર્યો. અનેક સાહિત્યકારોની ગદ્ય અને પદ્યકૃતિઓનાં ઝરણાં ગુર્જરભૂમિમાં ફૂટવા લાગ્યાં અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની ગંગાનો પ્રવાહ શરૂ થયો. નવા વિચારોના જોરથી શિક્ષિત વર્ગનું માનસ બદલાવા લાગ્યું, પરંતુ ગુજરાતનું રૂઢિજીવન એટલું ચુસ્ત હતું કે તેના જોરની અસર સાંસ્કારિક કે સામાજિક જીવન ઉપર બહુ થઈ શકી નહીં. માનસિક જીવન અને વ્યાવહારિક જીવન એટલે વિચાર અને આચાર વચ્ચેનું અંતર વધતું ગયું. નવા અને જૂના વિચારો વચ્ચે ગુજરાતને ગળે ઊતરે એવો સમન્વય સમજાવનાર સાહિત્યની જરૂર હતી. મણિલાલ નભુભાઈએ વેદાંતને અભેદભાવ રૂપે ગુજરાતી સાહિત્યમાં ઉતારી જીવનનું આર્ય સંસ્કૃતિને અનુરૂપ પરિવર્તન કરવાને “સુદર્શન” માસિકમાં પ્રચાર કર્યો. તેવો જ પ્રચાર નર્મદાશંકર મહેતાએ પણ કર્યો. ધાર્મિક અને સમાજ-સુધારાનો પ્રચાર પ્રાર્થનાસમાજની સંસ્થા તરફથી રમણભાઈએ “જ્ઞાનસુધા”માં શરૂ કર્યો. “સુદર્શન” અને “જ્ઞાનસુધા” વચ્ચેની ચર્ચાઓએ શિક્ષિતવર્ગમાં રસ ઉત્પન્ન કર્યો. તેની સાથે શ્રેયઃસાધક અધિકારીમંડળે સુધારાની સામે પ્રચાર શરૂ કર્યો. સામાજિક જનતાનું માનસ તો રૂઢિચુસ્ત જ રહ્યું અને એનું વિનોદી અને કટાક્ષયુક્ત ચિત્ર ગુજરાતી સાહિત્યને રમણભાઈના “ભદ્રંભદ્ર”માં મળ્યું. સંરક્ષણ વર્ગે તેનો પ્રતિકાર કર્યો અને વાતાવરણમાં ઉગ્રતા પણ આવી. સુધારાની જરૂર તો હતી જ, પણ મૂર્તિપૂજા જેવી પુરાણી સંસ્થાની વધારે પડતી નિંદા સહન કરવા ગુજરાત તૈયાર ન હતું. અને તેથી પ્રાર્થનાસમાજ, એનામાં કેટલાંક ઇષ્ટ તત્ત્વો હોવા છતાં, નબળી પડતી ગઈ. વિવાદગ્રસ્ત વિષયોની ઉચ્ચકક્ષાની ચર્ચા વડે જનતાને માર્ગદર્શન આપવાની જરૂર પડી. આનંદશંકરભાઈએ તે પૂરી પાડી. અને “વસંત”નો જન્મ થવાની સાથે જ આપણા આધુનિક સાહિત્યની વસંતઋતુ શરૂ થઈ. સંક્રાંતિકાળના અનેક પ્રશ્નોનું અભ્યાસપૂર્ણ અને તલસ્પર્શી વિવેચન કરી આપણા સાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમનું વલણ મધ્યમમાર્ગ તરફ રહેલું કહેવાય છે. પણ એ મધ્યમમાર્ગ લોકોને સંતોષવા માટે નહીં, પરંતુ બન્ને બાજુને તાત્ત્વિક દૃષ્ટિએ તપાસીને તેમાંનાં ઇષ્ટ તત્ત્વોનો સુમેળ સાધવાનો સમન્વયમાર્ગ હતો. આર્ય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિ – બન્નેમાંથી આપણી આધુનિક સંસ્કૃતિ ઉપજાવવા અને આપણા જીવનને સંસ્કારમય બનાવવા માટે એમનાં વિશાળ વાચન અને મનન “વસંત” અને “આપણો ધર્મ”માં ગુજરાત પાસે એમણે મૂકયાં અને સંસ્કારિતાને ગુજરાતના જીવનમાં સ્થાન આપ્યું. કેશવલાલ ધુવે પણ આપણા સાહિત્યને રસશાળી અને ઔચિત્યભાવપૂર્ણ લેખોથી સમૃદ્ધ બનાવ્યું છે. કૃષ્ણલાલભાઈએ જૂના અને નવા ગુજરાતી સાહિત્યનાં ઇતિહાસની રચનાનું પ્રથમ કાર્ય કરીને આપણા સાહિત્યના ઇતિહાસકર્તાઓ માટે માર્ગસૂચક સ્તંભો રોપ્યા છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીનું ગુજરાતનું પદ્યપ્રધાન ભાવનાત્મક સાહિત્ય અંગ્રેજી સાહિત્યના સંપર્ક પછી પણ સજીવ રહીને બીજી દિશા તરફ વળ્યું. પૌરાણિક કૃષ્ણની લીલાનાં ગુણગાનમાંથી સનાતન કૃષ્ણની જડ તેમ જ ચેતન પ્રકૃતિની લીલા એ કવિતાનું કેન્દ્ર બની. ભક્તિકાવ્યોનું સ્થાન પ્રકૃતિકાવ્યોનએ લીધું. અંગ્રેજી કવિતાની અસર ગુજરાતી કાવ્ય ઉપર સ્પષ્ટ રીતે જણાવા લાગી અને નૈસર્ગિક શક્તિનું પૂજન એ ઈશ્વરભક્તિનો એક પ્રકાર થયો. ભાગવત અને ગીતગોવિંદની પ્રેરણા મેળવનાર ગુજરાતી પ્રાચીન સાહિત્યયુગના આદિકવિ નરસિંહ મહેતા, અંગ્રેજી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓની પ્રેરણા મેળવનાર અર્વાચીન યુગના મુખ્ય પ્રથમ કવિ નરસિંહરાવ; પોતિયું, બંડી અને બાવાટોપી પહેરતા નરસિંહ મહેતા અને કોટ, પાટલૂન અને હેટ પહેરતા નરસિંહરાવ વચ્ચે કેટલો ફેર લાગે છે? પણ તે બાહ્ય દેખાવ પાછળનું સામ્ય જરા જોઈએ. બન્ને કવિઓનાં ભક્તહૃદયો એમણે જુદી જુદી રીતે ઈશ્વરને પારખ્યો છતાં એક જ ભૂમિકા ઉપર હતાં. એકે ઈશ્વરના અવતારની રાસલીલા ગાઈ, બીજાએ ઈશ્વરની પ્રકૃતિના રાસની વિવર્તલીલા ગાઈ. પણ બન્નેમાં ઊંડો ભક્તિભાવ, પોતપોતાના જમાનામાં બન્ને સુધરેલા ગણાતા નાગરો અને બન્ને ન્યાત બહાર. બન્નેનાં વેદ, ગોત્ર અને શાખા પણ એક જ. બન્નેને સંતાનના વિરહનું ઊંડું દુઃખ પણ બન્નેમાં ઈશ્વર ઉપરની અચલ શ્રદ્ધાએ ઉપજાવેલાં વિરલ ધૈર્ય અને સહનશક્તિ રાસલીલા નિહાળવા મશાલ ધરીને ઊભેલા નરસિંહ મહેતાએ ગાયુઃ

“દીવટીઓ રે દીવટીઓ, નરસૈંયો હરિનો દીવટીઓ,
પૂર્વ પ્રીત ધરી મન માંહે તો રસનાએ રસ ભરીયો. નરo”

તે “દીવટીઆ”ને ખબર હતી કે પાંચસો એક વરસ પછી ગુજરાતમાં બીજો નરસિંહ દિવેટિયો પ્રકૃતિની લીલા ઉપર પ્રતિભાશાળી કવિત્વની મશાલ વડે ઉજ્જ્વલ પ્રકાશ નાખશે? નરસિંહ મહેતાનું “વૈષ્ણવજન” કાવ્ય અને નરસિંહરાવનું “મંગળ મંદિર ખોલો” કાવ્ય લોકપ્રિય થયાં અને ગાંધીજીએ પણ અપનાવી ગુજરાતમાં અમર કર્યાં. પણ નરસિંહ એકલો કવિ હતો; ત્યારે નરસિંહરાવ તો ભાષાજ્ઞાન અને ભાષાશાસ્ત્રના ભંડાર અને વિવેચનના ચૂડામણિ હતા. કવિતામાં કોમળતા અને ચર્ચામાં ઉગ્રતા એ બન્ને ગુણો એમના વિશાળ અને નિખાલસ માનસમાં એકસાથે રહી શકતા હતા. નરસિંહરાવ પછી ગુજરાતમાં નવી કવિતાનો પ્રવાહ છૂટથી વહેતો થયો. કાન્ત, કલાપી, બળવંતરાય ઠાકોર, ખબરદાર વગેરેએ ઊંચા પ્રકારનાં ઊર્મિકાવ્યોથી આપણું સાહિત્ય સમૃદ્ધ કર્યું, પણ ગુજરાતી જનતાના હૃદયને સ્પર્શનાર, ડોલનશૈલીથી ડોલાવનાર, વિચાર અને શબ્દના મધુર સુશ્લિષ્ટ સમન્વયથી મુગ્ધ કરનાર અને કોઈ પણ વિષયને ઉચ્ચ કોટિ ઉપર ઉપાડી લઈ તેનો રસપૂર્ણ થાળ પીરસનાર તે તો ન્હાનાલાલ કવિ. એમની અને બળવંતરાય ઠાકોરની કાવ્યશૈલી ગુજરાતના ઊગતા કવિઓએ અપનાવી. સુંદરમ્, ઉમાશંકર જોષી, મનસુખલાલ ઝવેરી વગેરે આ યુગના કવિઓ કાવ્ય-સાહિત્યનો પ્રવાહ ચાલુ રાખી રહ્યા છે. નવા શબ્દોના તથા જુદી જુદી શૈલીઓના પ્રયોગો થઈ રહ્યા છે અને નવીનતાનો મોહ પણ વધતો જાય છે. કેટલેક ઠેકાણે કૃત્રિમતા પણ જણાય છે. નરસિંહરાવે ચાલીસેક વરસ પહેલાં સાહિત્યપરિષદના પ્રમુખસ્થાનેથી એમનો અભિપ્રાય દર્શાવ્યો હતો કે “ગોવર્ધનરામ, મણિલાલ, કલાપી, ન્હાનાલાલ ઇત્યાદિની કવિતા જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિઓ અનુકરણથી ઉતારી શકાય જ નહીં, અને તેને અભાવે તે ઊર્મિઓનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ – એ ગુણો હતા અને તેવી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીનયુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે.” આશા રાખીએ કે હાલના યુગની હવેની કવિતા આ દોષને પાત્ર ન બને અને કોઈનું અનુકરણ કરે કે ન કરે તોપણ આપણા સાહિત્યના પદ્યાંગની પ્રતિષ્ઠા જાળવે. કવિતાનું મૂલ્ય એના શબ્દભારમાં નહીં પણ સહેલાઈથી સમજાય એવા ઉચિત અર્થગૌરવમાં રહેલું છે. પંડિતયુગઃ ગોવર્ધનરામથી ન્હાનાલાલ સુધીના સમયને કેટલાક લેખકોએ પંડિતયુગ કહ્યો છે. એનો અર્થ એમ હોય કે, તે યુગની પદ્ય અને ગદ્ય કૃતિઓ વિદ્વાન કે શિક્ષિતવર્ગને જ સ્પર્શી શકી પણ આમજનતાથી એ સાહિત્ય અળગું રહ્યું, તો તેમાં કાંઈ તથ્ય નથી એમ તો નહીં કહી શકાય. પણ એ પંડિતયુગની એક અનુકરણીય વિશિષ્ટતા એ હતી કે એના સાહિત્યનું સર્જન ઊંડા અભ્યાસ અને મનનનું પરિણામ હતું. યુનિવર્સિટીનું ઉચ્ચશિક્ષણ શરૂ થવાની સાથે જ્ઞાનમાં જે રસ ઉત્પન્ન થયો તેણે અભ્યાસને પોષણ આપ્યું અને કેટલેક અંશે તે વિદ્વદ્‌ભોગ્ય રહ્યું, પણ સર્જનની દૃષ્ટિએ તેમાં જ તેનું ખરું મૂલ્ય હતું. સંસ્કૃતનું જ્ઞાન વધવાની સાથે ગુજરાતી ભાષાને સાંસ્કારિક બનાવવાના પ્રશંસનીય આશયની શરૂઆતમાં સંસ્કૃત શબ્દોનો વધારે પડતો પ્રચાર થાય એને મર્યાદિત રાખવાની જરૂર તો પડે, પણ તે ઇચ્છા કેટલેક અંશે ક્ષંતવ્ય છે. દરેક ભાષાના સાહિત્યમાં આમ જ બન્યું છે. ઉચ્ચ કક્ષાના સાહિત્યને સમાજના બધા થરને સ્પર્શવું જોઈએ એ માન્યતા ભૂલભરેલી છે. ઇંગ્લૅન્ડ જેવો દેશ, જેમાં ઉચ્ચ સાહિત્યનો ભંડાર છે ત્યાં શેક્‌સપીઅર, મિલ્ટન, ટૅનિસન, બ્રાઉનિંગ, વગેરેની કૃતિઓથી પ્રજાનો મોટો ભાગ અજ્ઞાન રહ્યો છે, એનો પ્રસાદ તો શિક્ષિતવર્ગ જ લઈ શકે છે. તેમ છતાં એમ તો ન જ કહી સહી શકાય કે તેટલા માટે આવા મહાન સાહિત્યસર્જકોની જનતાને જરૂર નથી. દરેક સમાજમાં-સંસ્કૃતિ મેળવેલા સમાજમાં પણ-સંસ્કૃતિના થર તો રહેવાના જ. તે થરોની કક્ષાઓ ઊંચી થાય અને જુદા જુદા થરોનું અંતર જેમ બને તેમ ઓછું થાય એ તો અવશ્ય હિતકારક છે. એમાં જ દરેક પ્રજાની સંસ્કૃતિનું માપ રહેલું છે અને તેમ કરવામાં સાહિત્ય ઘણી મદદ કરી શકે તેમ છે. તદ્દન નીચેના થરને સ્પર્શે એવું સાહિત્ય પણ જો જીવનને ઊર્ધ્વગામી બનાવવામાં શક્તિમાન થાય તો ઉપલા થરોનું સાહિત્ય કુદરતી રીતે એના કરતાં વધારે ઊંચું થાય અને ઉચ્ચ કક્ષાના સાહિત્યની અસર નીચલા થરોના સાહિત્ય ઉત્પન્ન કરનારા ઉપર પણ વધારે સારી થાય. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી સમાજમાં થરો હોય ત્યાં સુધી સાહિત્યમાં પણ થરો રહેવાના. ઉચ્ચતમ સાહિત્યનો સ્વાદ લેનારો વર્ગ એવો સંસ્કાર મેળવે કે તેથી તે વર્ગમાંથી આમજનતાને યોગ્ય સાહિત્ય ઉપજાવનાર લેખકો ઉત્પન્ન થાય અને આ પરિણામ લાવવામાં વિદ્વદ્‌ભોગ્ય ઉચ્ચ સાહિત્યની સફળતા રહેલી છે. લોકભોગ્ય સાહિત્ય માટે પણ અભ્યાસની જરૂર તો રહેવાની જ. લોકમાનસને કેળવવા માટે સરલ ભાષામાં પણ પ્રગતિમાન વિચારો દર્શાવવા પડે અને તેને માટે પ્રચલિત પ્રશ્નોનું સામાન્ય જ્ઞાન અભ્યાસ વડે જ મળે. અત્યારે સાહિત્યનાં ઘણાંખરાં અંગોના પ્રકાશનમાં વિસ્તાર વધ્યો છે પણ ઊંડાઈ તેમ જ ઊંચાઈ તો અભ્યાસથી જ વધશે. વનસ્પતિજીવનમાં નિયમ છે કે વૃક્ષનાં મૂળો જેમ જેમ ઊંડાં જાય તેમ તેમ તે ઊંચું ચડે છે. સાહિત્યજીવનમાં પણ એ જ નિયમ લાગુ પડે છે. આ પંડિતયુગ તે સર્જકયુગ હતો. તેનું એક કારણ એ હતું કે શરૂઆતના ઉચ્ચ શિક્ષણમાં નવીનતા ઉપરાંત અભ્યાસમાં રસ ઉત્પન્ન થયો હતો. ઉચ્ચ કક્ષાના અધ્યાપકોના શિક્ષણથી જ્ઞાનની જિજ્ઞાસા અને મનની એકાગ્રતા ઉત્પન્ન થઈ હતી. એ બન્ને જ્યાં સુધી રહ્યાં ત્યાં સુધી વિદ્વત્તા ટકી રહી. પણ દરેક દેશના સાહિત્યમાં બને છે તેમ સર્જનનાં પુષ્ટિકારક તત્ત્વો નબળાં પડે તે પછી પ્રત્પાઘાત આવે છે તેમ આપણે ત્યાં પણ થયું. પૂરનો ઉછાળો આવ્યા પછી પાણી પ્રસરી જાય તેમ બન્યું અને મૌલિકતા કરતાં અનુકરણની વૃત્તિ વધી. મનની શાંતિ અને એકાગ્રતા હોય ત્યારે જ સર્જકને વિચારો સ્ફુરે છે. અત્યારે જીવનની ઘણી પ્રવૃત્તિઓ અને આર્થિક જીવનની મુશ્કેલીઓ એટલી બધી વધી પડી છે કે કોઈ પણ પ્રવૃત્તિ નિરાંતે ઊંડાઈ અને વ્યાપકતાથી થઈ શકતી નથી. પહેલાં સાહિત્યકારો સાહિત્યસૃષ્ટિમાં જ ઘણે ભાગે વિહરતા અને એમનું મન જ્ઞાન વધારવામાં જ તત્પર રહેતું. અત્યારના જીવનવિગ્રહના અને ઝડપથી બદલાતા સામાજિક પરિવર્તનના કાળમાં એ મુશ્કેલ બન્યું છે. આપણા કરતાં સંસ્કૃતિમાં ઘણી વધારે આગળ વધેલી બંગાળાની પ્રજાની પણ આ જ સ્થિતિ છે. પરંતુ જેમ બધે બને છે તેમ આપણે ત્યાં પણ સંસ્કૃતિના ચક્રની ગતિમાં નવો સર્જનકાળ આવશે એવી આશા તો જરૂર રાખી શકાય. સાહિત્યવિવેચનઃ પંડિતયુગ વિશે વિચાર કરતાં આપણે જરા આગળ વધી ગયા. અર્વાચીન ગદ્યસાહિત્ય નર્મદ અને નવલરામથી શરૂ થયું. ત્યારપછી શબ્દોનાં જોડણી, વ્યુત્પત્તિ, ઉચ્ચાર, લિપિ વગેરે અનેક વિવાદગ્રસ્ત વિષયો બહુ સારી રીતે છણાયા અને કેટલાંએક વરસો સુધી તો તે સાહિત્યનાં મુખ્ય અંગ બની ગયા. વિદ્વાન ગુજરાતી સાક્ષરોએ આપણી ભાષાને શુદ્ધ બનાવી તેને અત્યારનું સ્વરૂપ આપ્યું. અર્વાચીન યુગમાં દરેક ભાષાના સાહિત્યમાં વિવેચન એ મુખ્ય સ્થાન ધરાવે છે. વિચારોની આપલે એનાથી જ થાય છે. સાહિત્યના વિદ્યાર્થીઓને એનાથી તુલનાત્મક જ્ઞાન મળે છે. પણ સાહિત્યના વિવેચક થવા માટે તો ખાસ વિશેષ અધિકારની જરૂર છે. જેણે પુષ્કળ વાંચ્યું નથી અથવા વાંચેલું પૂરું પચાવ્યું નથી, ચિંતન અને મનન વડે એની નિષ્પક્ષપાત રીતે તુલના કરી નથી, વિવિધ પ્રકારની વિવેચનપદ્ધતિઓનો અભ્યાસ કર્યો નથી તેને વિવેચનમાં ઊતરવાનો અધિકાર નથી. અધિકાર વિનાનું વિવેચન તો માત્ર ટીકા જ રહે છે. અને તે કોઈ વખત અંગત સ્વરૂપની હોય તો તે ટીકા નહીં પણ નિંદા બને છે. વિશાળ વિદ્વત્તા, ઔચિત્યબુદ્ધિ તથા તુલનાત્મક ન્યાયબુદ્ધિ એ વિવેચનના વિશિષ્ટ ગુણો છે. વર્તમાનપત્રો અને સામયિકોના અવલોકનકારોને પણ આ જ નિયમ લાગુ પડે છે. આપણું સાહિત્ય વધે છે તેની સાથે વિવેચન પણ વધતું જાય છે. પણ સાહિત્યને જો ઉચ્ચ કોટિ ઉપર રાખવું હોય તો વિવેચનકારોએ પોતાની જવાબદારી સમજ્યા પછી જ કલમ હાથમાં લેવી જોઈએ. વિવેચનમાં પણ સર્જન રહેલું છે અને તેથી વિવેચક માત્ર ટીકાકાર નથી, પણ વિવેચનની વસ્તુમાંથી પોતાના મૌલિક વિચારો આપે છે. નવલકથાઓઃ ગદ્યસાહિત્યના વિવેચનમાં રસ લેનાર પ્રમાણમાં થોડા હોય છે. પણ લોકોને આથી વધારે રસ તો નવલકથા અને વાર્તામાં જ પડે છે. પ્રાચીનયુગમાં આખ્યાનો તથા મધ્યકાલીન યુગની વાર્તાઓ અને લોકકથાઓ પછી અંગ્રેજી સાહિત્યની અસરથી આપણા કાવ્યનું સ્વરૂપ બદલાયું અને નવલકથાઓ શરૂ થઈ. બન્નેમાં કલ્પના એ મુખ્ય તત્ત્વો છે. ભાવનાશાળી ગુજરાતને કલાત્મક સાહિત્ય વધારે પસંદ પડે એ સ્વાભાવિક છે અને તેથી નવલકથાઓને સૌથી વધારે આવકાર મળ્યો અને સાંસારિક અને ઐતિહાસિક નવલકથાઓ લોકોને ખાસ પ્રિય બની. કનૈયાલાલ મુનશીનું મૌલિક અને કલામય પાત્રસર્જન, રમણલાલ દેસાઈનું પ્રચલિત સામાજિક પ્રશ્નોનું રસપૂર્ણ સમાલોચન, ધૂમકેતુનું ઔતિહાસિક દર્શન તથા ચુનીલાલ શાહ – એ સર્વેએ આધુનિક ગુજરાતના સાહિત્યજીવનને પુષ્કળ સમૃદ્ધ બનાવ્યું છે. કનૈયાલાલ મુનશી માત્ર નવલકથાકાર નથી, નવગુજરાતના સ્વપ્નદ્રષ્ટા છે. છેલ્લાં સો વરસના યુગમાં એક છેડે ગુજરાતના ગૌરવનું ભાન કરાવનાર નર્મદ અને બીજે છેડે ગુજરાતની અસ્મિતાને મૂર્તિમંત બનાવનાર મુનશી. એકે બ્યૂગલ વગાડીને અજ્ઞાનતાની ઘોર નિદ્રામાં પડેલા ગુજરાતને જગાડ્યું; બીજાએ ઇતિહાસ અને સંસ્કૃતિનો સાદ સંભળાવી જાગ્રત થયેલા ગુજરાતને પોતાની અસ્મિતાનું ભાન કરાવ્યું. નવલકથાઓ અને નવલિકાઓ લખવા તરફ ઊગતા લેખકો આકર્ષાય તે સ્વાભાવિક છે. તેનો ફાલ પણ ઘણો ફાલ્યો છે. રામનારાયણ પાઠકે બીજા શિષ્ટ સાહિત્ય ઉપરાંત સારી વાર્તાઓ લખી છે. ઈશ્વર પેટલીકર, પન્નાલાલ પટેલ અને કેટલાએક બીજા લેખકોની નવલકથાઓ અને ટૂંકી વાર્તાઓમાં કલાવિધાન જણાય છે. પરંતુ સંખ્યાના પ્રમાણમાં ઉચ્ચ કોટિની કૃતિઓ ઓછી જણાય છે. માસિકો અને દિવાળીના અંકોમાં પ્રગટ થતી ઘણી વાર્તાઓનો પ્રકાર જોઈએ તેટલો ઊંચો નથી એવી ટીકા વારંવાર નજરે પડે છે. આ વિષયના લેખકો મનુષ્ય-સ્વભાવનાં નિરીક્ષણ તથા અભ્યાસ પછી પાત્રસર્જન કરી વાસ્તવિકતાના પાયા ઉપર કલામય ચિત્ર દોરી શકે તો તેમની કૃતિઓ ટીકાને બદલે પ્રશંસાપાત્ર જરૂર બનશે. નાટ્યસાહિત્યઃ સાહિત્યના કોઈ પણ અંગને ગુજરાતમાં સૌથી વધારે ચડતી-પડતી આવી હોય તો તે નાટ્યસાહિત્યને છે. પારસી નાટકમંડળીઓએ નાટકોની શરૂઆત કરીને તેની લોકપ્રિયતા વધારી. તે પછી મોરબી, વાંકાનેર, મુંબઈ ગુજરાતી, દેશીનાટક સમાજ વગેરે મંડળીઓએ કેટલાંક ઉત્તમ નાટકો આપ્યાં; પણ તે પછીથી થોડા અપવાદ સિવાય આપણાં નાટકો સાહિત્યની તેમ જ કળાની દૃષ્ટિએ ઊતરવા માંડ્યાં. સિનેમા અને રંજન સંબંધી કરવેરાનો આઘાત પણ લાગ્યો. પરંતુ સદ્‌ભાગ્યે હવે શિક્ષિતવર્ગે નાટ્યકળા પોતાના હાથમાં લીધી છે. અવેતન નાટ્યમંડળોએ ઉચ્ચ પ્રકારનાં અભિનયકળા તથા સંવાદો સાથે નાટ્યપ્રયોગોનો લાભ જનતાને આપ્યો પછી લોકોનો રસ વધવા માંડ્યો છે. નાટકના સંવાદોમાં વિચાર, વાણી અને વિનોદ એ ત્રણે તત્ત્વોની ચમત્કારિક અને રસમય ગૂંથણી હોય તો સંગીતના અભાવની ઊણપ પણ જણાતી નથી. હમણાં જ ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ મુંબઈ તથા ગુજરાતમાં ઊજવાઈ ગયો અને આપણા નાટક-સાહિત્યમાં નવું જીવન આવ્યું છે. મનોરંજન એ નાટકનું માત્ર એકલું અંગ નથી. સમાજના કૂટપ્રશ્નોના આબેહૂબ ચિત્ર સાથે રસમય કલાવિધાન વડે હૃદયમાં ઊતરે એવું માર્ગદર્શન આપવું એમાં નાટકોની સફળતા રહેલી છે. પશ્ચિમના દેશોમાં સિનેમા અને ટેલિવિઝન આવ્યા પછી પણ નાટકો સારી રીતે ટકી રહ્યાં છે તેનું આ જ કારણ છે. નાટકો લખનાર, ભજવનાર અને જોનાર એ ત્રણે વર્ગોનો ઉચ્ચ કોટિ ઉપર સુયોગ થાય તો આપણે ત્યાં પણ તેમ બની શકે છે. અવેતન નાટ્યમંડળો ગમે તેટલાં હોય પણ ધંધાદારી નાટ્યમંડળીઓ નાટ્યશાસ્ત્રના અભ્યાસવાળા કલાકારોને ઉત્તેજન આપી જનતા પાસે ઉચ્ચ નાટકો મૂકશે ત્યારે જ ગુજરાતી નાટ્યકળાનું ભાવિ ઉજ્જ્વળ થશે. હાસ્યરસનું સાહિત્યઃ હાસ્યરસનું સાહિત્ય આપણે ત્યાં થોડા સમયથી જ શરૂ થયું છે. રમણભાઈના ભદ્રંભદ્રે અને જ્યોતીન્દ્ર દવે, કનૈયાલાલ મુનશી, ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન મહેતા, ગગનવિહારી મહેતા, જયેન્દ્રરાવ દુરકાળ વગેરેનાં લેખો તથા કેટલીએક વાર્તાઓએ હાસ્યરસ સારી રીતે પીરસ્યો છે. પણ સામાન્ય સાહિત્યમાં માર્મિક વિનોદરસનો અભાવ ધ્યાન ખેંચે છે. માત્ર પ્રહસન એક વસ્તુ છે અને સાહિત્યનાં વિવિધ અંગોમાં બીજા રસની જોડે માર્મિક વિનોદ ભેળવવો એ જુદી વસ્તુ છે. આપણા સાહિત્યમાં કરુણરસ પુષ્કળ છે, ગંભીર સાહિત્ય પણ વધ્યું છે, પરંતુ નવલકથાઓ કે નાટકોનાં પાત્રોમાં બૌદ્ધિક વિનોદના ચમત્કારવાળી કૃતિઓ બહુ ઓછી છે. માત્ર મોં મલકાવે તેવો નહિ પણ બુદ્ધિને સતેજ કરે એવા સૂક્ષ્મ હાસ્યરસની જરૂર છે. હલકો વિનોદ એ કંઈ હળવા સાહિત્યનું અંગ નથી, તેમ જ માત્ર ખડખડાટ હસાવે તે કંઈ હાસ્યરસનું લક્ષણ નથી. મનમાં હસાવે એવો માર્મિક અને નિર્મળ રસ ઘણી વખત ઉત્તમ પ્રકારનો હોય છે. આપણી વિનોદવૃત્તિ ઉચ્ચ અને સૂક્ષ્મ થશે તો જ તેનું સાહિત્ય ખીલશે. આજે આ વૃત્તિ પોષવા માટે રંજનકૃતિઓને ઊંચી ચડાવવી પડશે. ઇતિહાસસંબંધક સંશોધનઃ બીજો એક સાહિત્યવિભાગ જેમાં હજી જોઈએ તેવી પ્રગતિ થઈ નથી તે ઇતિહાસવિષયક વિવેચનાત્મક સંશોધનવિભાગ છે. કલ્પનાત્મક સાહિત્ય તરફ આપણા સાહિત્યકારો વધારે આકર્ષાય છે એ નિઃશંક છે. એમાં બહુ અભ્યાસની જરૂર રહેતી નથી એટલે સાહિત્યકાર થવાનો એ ટૂંકો રસ્તો છે. પણ વિવેચન, સંશોધન, વગેરે સંગીન વિષયોમાં અભ્યાસ અને ખંત વિના પ્રગતિ થઈ શકતી નથી. ઇતિહાસના સાહિત્યના સંશોધનમાં આપણે ત્યાં ઘણા ઓછાએ રસ લીધો છે. સદ્‌ગત દુર્ગાશંકર શાસ્ત્રી જેવા વિદ્વાનો ગણ્યાગાંઠ્યા છે, અને એ વિષયમાં આપણે ઘણું કરવાનું છે. વિવેચન કરતાં પણ એમાં અભ્યાસ અને નિષ્પક્ષપાત તુલનાશક્તિની વધારે જરૂર છે. હિંદના બીજા પ્રદેશોમાં આ વિષયના સારા વિદ્વાનો છે. આપણે તો ગુજરાતનાં સંશોધનો માટે પણ બહારના વિદ્વાનો ઉપર આધાર રાખીએ છીએ. આ વસ્તુસ્થિતિ બદલી આપણામાંથી કેટલાએક લેખકો એ તરફ આકર્ષાય તે અત્યંત ઇચ્છવા યોગ્ય છે. કોઈ પણ પ્રદેશના સાહિત્યની કીર્તિ તેના ‘સાક્ષરો’ની સંખ્યા ઉપર નહીં પણ વિદ્વાનોની સંખ્યા ઉપર રહેલી છે. રત્નમણિરાવ, ભોગીલાલ સાંડેસરા તથા કામદાર જેવા ઇતિહાસાત્મક વૃત્તિવાળા સાહિત્યકારોની જરૂર છે. આશા છે કે ગુજરાત વિદ્યાસભા, ગુજરાત તથા સૌરાષ્ટ્રનાં સાહિત્યસભાઓ અને સંશોધનમંડળોના સભાસદો આ વિષયોમાં વધારે ઊંડો રસ લઈ સંશોધનવૃત્તિને ઉત્તેજિત કરશે. પત્રકારત્વઃ પત્રકારત્વ એ પણ હાલના સમયમાં સાહિત્યનું એક મુખ્ય અંગ છે. વર્તમાનપત્રો અને વાર્તાઓ જનતાના ઘણા મોટા ભાગનાં વાંચન બન્યાં છે; અને લોકમાનસના સ્વસ્થ ઘડતરમાં વર્તમાનપત્રોના લેખકોની અસર હજી પણ ઘણી વધશે. છેલ્લાં વીસેક વર્ષથી આપણાં વર્તમાનપત્રોની કક્ષા સુધરતી ગઈ છે, એ આનંદની વાત છે. રવિવારની આવૃત્તિઓમાં વિવિધ વિષયોનું જ્ઞાન મળે છે, પણ હજી એ ધંધામાં દાખલ થનારાઓને પત્રકારત્વની નીતિરીતિનું શિક્ષણ મળે એ જરૂરનું છે.ગુજરાત યુનિવર્સિટીએ પત્રકારત્વ માટે ડિપ્લોમા કહાડવાનો ઠરાવ કર્યો છે અને આશા છે કે થોડા વખત પછી પત્રકારત્વની સંસ્થાઓ તેને માટે વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો પ્રબંધ કરશે. વર્તમાનપત્રોનું ઉપસાહિત્ય સુધરતું જાય છે પણ હજી અંગ્રેજી પત્રોમાંથી શબ્દેશબ્દ ભાષાંતર થાય છે તેથી કેટલીએક વખત આપણી ભાષા મચડાઈ જાય છે. “મને લાગેવળગે છે ત્યાં સુધી” એ અંગ્રેજીમાંથી કરેલા ભાષાંતરના વાક્યમાં તો જાણે ભૂત વળગ્યું હોય એવો ભાસ થાય છે. ‘સળગતા પ્રશ્નો’ એ પ્રયોગમાં પણ બધે આગ લાગી છે તેમ પ્રશ્નોમાં પણ આગ લાગી છે એમ લાગે છે. શબ્દેશબ્દનું રસહીન ભાષાંતર કરવા કરતાં આપણી પ્રચલિત ભાષામાં એને યથોચિત ભાવ ઉતારવો એ વધારે સારું છે. વર્તમાનપત્રોના લેખકો આમજનતાના સાક્ષરો છે અને એમનાં ભાષા તેમજ વિચારો ચલણી સિક્કાઓની માફક સમાજમાં પ્રસરી જાય છે, તે જોતાં ગુજરાતી સાહિત્યની અભિવૃદ્ધિ માટે આપણા પત્રકારભાઈઓ હજી પણ ઘણું વધારે કરે એવી આશા રાખીશું. જીવનચરિત્રોઃ વાચકને પ્રેરણા મળે એવાં જીવનચરિત્રો સાહિત્યનું એક મુખ્ય અંગ છે. આવાં જીવનચરિત્રો આપણે ત્યાં ઓછાં છે. જોકે કેટલીએક આત્મકથાઓ સારા પ્રકારની છે. ગાંધીજીની આત્મકથા તથા નર્મદ કવિ, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર અને ચંદ્રવદન મહેતાનાં આત્મવૃત્તાંતો આ કક્ષામાં મૂકી શકાય. તટસ્થપણે લખાયેલાં જીવનચરિત્રોની સંખ્યા વધે એમ જરૂર ઇચ્છીશું. વાસ્તવિક જીવનની જે પ્રેરણાઓ નવલકથાઓમાંથી મળી શકતી નથી તે આવાં જીવનચરિત્રોમાંથી મળી રહે છે. જીવનની સફળતા તથા નિષ્ફળતા કેવા સંજોગોમાં થાય છે, તેમજ દૂરથી મોટા મનાતા માનવીઓમાં કેવી નબળાઈ તથા ખામીઓ રહેલી છે તે તો તટસ્થપણે લખાયેલી જીવનકથાઓમાંથી જ જાણી શકાય. સામયિકોઃ બાલસાહિત્યના વિષયમાં આપણે સારી પ્રગતિ કરી છે. બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે એવાં સામયિકો સારી સંખ્યામાં છે અને ભવિષ્યના જ્ઞાનનો પાયો ઠીક બને એવી માહિતી પણ મળે છે. પણ ઉચ્ચ સાહિત્યનાં માસિકોનો ઇતિહાસ તો શોકજનક છે. શિક્ષિત ગુજરાતી વર્ગે પણ આવાં સામયિકોને જોઈએ તેટલું ઉત્તેજન આપ્યું નથી. વસંત, સુંદરીસુબોધ, સાહિત્ય, ગુજરાત, માનસી વગેરે જેવાં સામયિકો ગ્રાહકોની ઊનતાને લીધે બંધ કરવાં પડે તે આપણી સાહિત્યપ્રવૃત્તિને શોભાસ્પદ નથી. હજી પણ સારાં સામયિકોને પણ જોઈએ તેટલો ગ્રાહકવર્ગ મળતો નથી તે ફરિયાદ સંભળાય છે. સંસ્કૃતિ, કુમાર, અખંડાનંદ વગેરે સામયિકોને સારો સહકાર મળી રહ્યો છે એ ઘણું સંતોષકારક છે. પણ બીજાં માસિકોને પણ જનતા તરફથી સહકારની જરૂર છે. કોઈ માસિક સારું ચાલતું ન હોય તો તેમાં તેના સંચાલક કરતાં વધારે દોષ લેખકોનો અને જનતાનો છે. જો સારી કક્ષાના લેખકો મળે અને જનતા તેના ગ્રાહક થઈને ઉત્તેજન આપે તો માસિકના સંચાલકોની જવાબદારી ને ચિંતા ઘણી ઓછી થાય છે. સંચાલકોની ફરિયાદ છે કે બહુ સારા લેખો ન મળવાથી તેમને સાધારણ લેખો પણ પ્રગટ કરવા પડે છે તે ઘણે અંશે ખરી છે. કોઈ પણ દેશનાં સામયિકો વાંચ્યાથી તેના સાહિત્યની કિંમત અંકાય છે. આ દિશામાં પ્રગતિ કરવાની અવશ્ય જરૂર છે. સ્ત્રીસાહિત્યઃ છેલ્લાં ત્રીસેક વરસથી ગુજરાતી સ્ત્રીઓનો વધી રહેલો મનોવિકાસ એ આપણી પ્રગતિનું શુભ ચિહ્ન છે. સ્ત્રીસાહિત્ય પણ ઠીક વિકસ્યું છે. પણ શિક્ષિત સ્ત્રીઓ જેટલી વધતી જાય છે તેના પ્રમાણમાં સ્ત્રીઓના લેખોમાં હજી વિવિધતા વધી નથી. વાર્તાઓ લખાય છે પણ સ્ત્રીઓને રસ પડે એવા બીજા વિષયોના લેખો ઓછા દેખાય છે. આપણી પદવીધારી સ્ત્રીઓએ લેખનકળામાં હજી જોઈએ તેટલો રસ લીધો નથી. પણ વાચનનો શોખ વધતો જાય છે એ આનંદની વાત છે. ગુજરાતી સ્ત્રીઓના માનસમાં વ્યાવહારિક બુદ્ધિ અને સમજશક્તિનું પ્રમાણ સારું છે. અત્યારે ભારતનાં રાજકીય ક્ષેત્રોમાં આપણી ગુજરાતી સ્ત્રીઓએ જવાબદારીની પદવીઓ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. બાળક અને સ્ત્રી એ દેશનું ધન છે અને હજી પણ સાહિત્યના ક્ષેત્રમાં સ્ત્રીઓના વિષયોનું જ્ઞાન મળે તેવું ઉપયોગી સાહિત્ય સર્જા એ જરૂરી લાગે છે. સામાજિક ક્ષેત્રમાં સ્ત્રીઓએ પોતાનું સ્થાન ગૌરવવંતુ રહે તે માટે હજી ઘણું કરવાનું છે. પારસી સાહિત્યઃ આજે આ સંમેલન આપણા પારસીભાઈઓના પાટનગર નવસારીમાં ભરાય છે, અને તેમાં પારસી સંસ્કૃતિનો વિભાગ રાખવામાં આવ્યો છે તે ખરેખર યોગ્ય છે. મહેરજી રાણા, દાદાભાઈ નવરોજી, જમશેદજી તાતા વગેરે અનેક નામાંકિત પારસીઓએ પોતાના વતન નવસારીનું નામ દીપાવ્યું છે. પણ આપણે માટે આજે નોંધવાલાયક હકીકત એ છે કે, પારસી કોમે અને ખાસ કરીને નવસારીએ ગુજરાતને સારા સાહિત્યકારો આપ્યા છે. પારસીઓએ ગુજરાતમાં આવીને ગુજરાતી ભાષા પોતાની માતૃભાષા તરીકે સ્વીકારી અને જોકે એમનો પુરાણો સાહિત્યસંબંધ અવસ્તા, પહેલવી અને ફારસી સાથે હતોપણ ધીમે ધીમે ગુજરાતી સાહિત્યમાં પણ એમણે પ્રવેશ કર્યો. નવસારીના દેસાઈ કુટુંબના તથા બીજા અનેક પારસી ભાઈઓએ શુદ્ધ ગુજરાતીમાં લેખન કર્યું છે. મુંબઈના “ગુજરાતી”માં વર્ષો પહેલાં “ભર કટોરા રંગ” નામના શીર્ષક તળે નવસારીના ખરસેદજી દેસાઈ “બીરબલ” ઉપનામ ધારણ કરીને દર અઠવાડિયે સરસ વિનોદયુક્ત લેખ લખતા તે કોઈ પારસીભાઈએ લખ્યા છે એમ ખ્યાલ પણ ન આવે. આજે આપણે નવસારીના પારસી કુટુંબે સ્થાપેલી કૉલેજમાં એમના મહેમાન થયા છીએ એ પણ સુયોગ્ય છે. મુંબઈમાં પારસીભાઈઓનાં સાહિત્યનું પ્રથમ ક્ષેત્ર થયું. ગુજરાતી વર્તમાનપત્રોની તેમજ ગુજરાતીમાં નાટકો ભજવવાની શરૂઆત કરવાનું માન પારસી કોમને છે. તે પછી નવલકથાઓ, નાટકો વગેરે ક્ષેત્રમાં પણ એમણે પુસ્તકો લખવાં શરૂ કર્યાં, અને હજી પણ એમની એ પ્રવૃત્તિ ચાલુ છે. બહેરામજી મલબારી, ખબરદાર, કાબરાજી, સંજાના વગેરે ઘણા લેખકો તથા કવિઓ પારસી કોમે ગુજરાતને આપ્યા છે. ખબરદાર અને સંજાનાએ જે શુદ્ધ ગુજરાતી ભાષા વાપરી છે તેનો દાખલો તો પારસી કોમે અવશ્ય લેવો જોઈએ. મુંબઈના વાતાવરણમાં અત્યાર સુધી ગુજરાતી કરતાં અંગ્રેજીમાં લખવાની ટેવ વધારે પડવાથી ત્યાંના પારસીભાઈઓએ પ્રમાણમાં ગુજરાતી સાહિત્યનો અભ્યાસ ઓછો કર્યો છે. પણ હવે તો સ્થિતિ બદલાઈ છે. અંગ્રેજી જોકે ચાલુ રહેશે તોપણ હિંદી અને માતૃભાષા ગુજરાતીને ભવિષ્યમાં વધારે ઉત્તેજન મળશે. હવે તો એવો વખત આવશે કે સરકારી વ્યવહાર પણ હિંદીમાં ચાલશે અને ગુજરાતમાં તો ગુજરાતી ભાષામાં પણ થશે, એટલે પારસીભાઈઓએ પણ ગુજરાતી સાથે હિંદી પણ શીખવું પડશે. આ વસ્તુ ધ્યાનમાં રાખીને અત્યારે જેને પારસી ગુજરાતી કહે છે તેને વધારે વ્યાકરણશુદ્ધ ને શિષ્ટ બનાવવી પડશે. મારા પોતાના અનુભવમાં મારા કેટલાએક પારસી મિત્રો નાનપણમાં ગુજરાતી નિશાળોમાં ભણ્યા છે તેઓ શુદ્ધ ગુજરાતી બોલી અને લખી જાણે છે, પણ મુંબઈ જેવા શહેરમાં તો ગુજરાતીનો પાયો કાચો રહેવાથી અને અંગ્રેજીમાં જ શિક્ષણ શરૂ કરવાથી હાલના જમાનાના ઘણા પારસીભાઈઓને ગુજરાતી તરફ માતૃભાષા તરીકે જે લાગણી હોવી જોઈએ તેનો અભાવ લાગે છે. કેટલાકો તો અંગ્રેજી જ પોતાની માતૃભાષા થઈ હોય એમ માને છે. હું તો ધારું છું કે પારસી કોમે હવે એમની ગુજરાતી તરફ અને જેમ બને તેમ શુદ્ધ અને સરલ ગુજરાતી તરફ વધારે લક્ષ આપવું એ એમના પોતાના જ હિતમાં છે. જે પારસીભાઈઓએ દોઢસો વરસમાં અંગ્રેજી ઉપર પુષ્કળ કાબૂ મેળવ્યો તે ધારે તો સારું ગુજરાતી બોલતાં ને લખતાં કેમ ન શીખી શકે? વધારે પડતા સંસ્કૃત શબ્દો વાપરવાનો જમાનો હવે ગયો છે અને શુદ્ધ સાથે સરલ ભાષા વધારે વખણાય છે એટલે પારસીભાઈઓને હવે મુશ્કેલી પડે તેમ નથી. અંગ્રેજ લોકો આવ્યા તે પહેલાં જ્યારથી પારસીભાઈઓ ગુજરાતમાં આવ્યા ત્યારથી ગુજરાતી જ બોલતા અને લખતા હતા. અલબત્ત, તેમની ભાષા ગુજરાતના જે ભાગમાં તેઓ વસ્યા ત્યાંની બોલીથી રંગાઈ ગઈ. ફારસી શબ્દોનો પણ તેમાં ઉપયોગ રહ્યો, અને તેને લીધે ગુજરાતી ભાષાને પણ ફાયદો થયો. બારસો-તેરસો વરસના લાંબા સમયમાં દોઢસોબસો વરસનો અંગ્રેજીનો ગાળો આવ્યો તે કંઈ બહુ મોટો ન કહેવાય. ભવિષ્યમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ અને વ્યવહારમાં વપરાશ જરૂર રહે પણ ગુજરાતીને હવે પોતાની માતૃભાષા ગણી, તેનું વાચન-લેખન વધે અને ખબરદાર જેવા કવિઓ અને પહેલાંના પારસી લેખકો ગુજરાતી ભાષાસાહિત્યમાં જે રસ લેતા તેવો રસ તેમનામાં વધે એમ તો આપણે જરૂર ઇચ્છીશું. આપણા ઇસ્લામીભાઈઓમાંથી કેટલાકોએ ગુજરાતી સાહિત્યના વિકાસમાં રસ લીધો છે અને એ રસ ચાલુ રહે એમ ઇચ્છીશું. ગાંધીયુગનું સાહિત્યઃ આપણે ઉપર જોયું કે પંડિતયુગનું સાહિત્ય સર્જનાત્મક હતું, પણ સામાન્ય જનતાને જોઈએ તેટલું તે સ્પર્શી શક્યું નહીં. લોકજીવન અને સાહિત્ય વચ્ચે અંતર તો રહ્યું જ. પણ છેલ્લાં ત્રીસેક વર્ષોથી આપણા સાહિત્યમાં જે પલટો આવ્યો છે તેનાથી આ દોષ ઘણે અંશે ઓછો થયો છે. ગાંધીજીએ આખા દેશમાં અને ખાસ કરીને ગુજરાતના જીવનમાં ક્રાન્તિકારી પરિવર્તન કરાવ્યું. એ પરિવર્તનથી સાહિત્યના ક્ષેત્રમાં પણ ઘણી અસર થઈ. ગાંધીજી અને તેમના અનુયાયીઓનાં પુસ્તકો, લેખો, અને ભાષણોએ સાહિત્યનું સ્વરૂપ બદલી નાખ્યું અને પંડિતયુગની શૈલી પશ્ચાદ્‌ભૂમિમાં પડી ગઈ. સાદી તથા સરલ ભાષામાં અને લોકો સમજી શકે તેવી વિચારસરણીમાં ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, નરહરિ પરીખ વગેરેએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કર્યું તથા જીવન અને સાહિત્ય વચ્ચેનો અંગાંગી સંબંધ સુદૃઢ કર્યો. “નવજીવન” ને “હરિજન” પત્રોએ ગુજરાતના પત્રકારત્વને ઉચ્ચ કોટિ ઉપર ચડાવ્યું અને તેની વિશિષ્ટ લેખનશૈલી નવા સાહિત્યકારોએ અપનાવી. ગાંધીજી કવિ નહોતા પણ એમનું જીવન જ એક મહાકાવ્ય હતું. જીવન અને સાહિત્યનો સમન્વય એમણે જીવંત સ્વરૂપમાં કરી આપ્યો. એ વિશ્વવંદ્ય વિભૂતિ ભગવાન બુદ્ધના સમયથી પચ્ચીસો વરસ પછી દુનિયાના બીજા કોઈ ભાગમાં નહીં પણ ગુજરાતમાં જ પ્રગટ થઈ એ માત્ર અકસ્માત હતો કે કુદરતની ગહનતાનું રહસ્ય હતું તે વિચારવા જેવું છે. લગભગ હજાર વરસની ગુજરાતી સંસ્કૃતિનું પરિપક્વ ફળ એને કેમ ગણી ન શકાય? વૈષ્ણવ અને જૈન ધર્મનાં સંકળાયેલાં સિદ્ધાંતો અને ભાવનાઓ ગુજરાતના જીવનમાં ઓતપ્રોત થયા પછી પરિસ્થિતિ અનુકૂળ થઈ ને તે બળવાન બન્યાં અને એક સંસ્કારી આત્મામાં મૂર્તિમંત થયાં એમ કેમ ન મનાય? શ્રીકૃષ્ણની ગીતા, વૈષ્ણવ ધર્મ અને જૈન ધર્મનાં સત્ય, અહિંસા અને સમ્યક્‌ભાવ એ સર્વના સાહિત્યની ભૂમિકા ઉપર ટૉલ્સ્ટૉય, રસ્કિન વગેરે પાશ્ચાત્ય ચિંતકોના સાહિત્યની અસરનું પરિણામ એમના જીવનમાં સ્પષ્ટ રીતે જણાય છે. પણ આ ભૂમિકા જો ન હોત તો માત્ર પાશ્ચાત્ય વિચારોની અસરથી ગાંધીજી જે થયા તે ન થયા હોત. ધાર્મિકતા, અહિંસાવૃત્તિ અને વ્યવહારકુશળતા એ ત્રણે ગુણો અખિલ ભારતમાં સૌથી વધારે પ્રમાણમાં ગુજરાતમાં છે અને તેથી તેમનું સબળ સ્વરૂપ ગુજરાતી સંસ્કૃતિના અદ્‌ભુત પરિણામરૂપે એમનામાં મૂર્તિમંત થયું એમ જો ગણીએ તો અતિશયોક્તિનો દોષ ગણાય ખરો? સાહિત્ય અને વેપારી માનસઃ સાહિત્ય અને જીવનના સંબંધને લગતી હવે એક જ બાબતમાં થોડુંક કહેવાની જરૂર છે. ગુજરાતના વેપારી માનસે એના સાહિત્યમાં એક અનિષ્ટ તત્ત્વ દાખલ કર્યું છે. સાહિત્ય માત્ર ધનના ઉપાર્જન માટે નહિ પણ સમાજને ઉચ્ચ પ્રકારનો માનસિક ખોરાક આપી તેનું પોષણ કરવા માટે છે તે કદી ભુલાવું ન જોઈએ. લેખન તેમજ પ્રકાશન વેપારી પદ્ધતિએ થવાના દાખલાઓ કેટલીએક વખત જોવામાં આવે છે. લોકોની જેવી માંગ હોય તેવું સાહિત્ય લખવું અથવા પ્રકટ કરવું-કરાવવું તેમાં આર્થિક લાભ તો હોય, પણ સાહિત્યનું ધ્યેય તો એમાં ઘણી વખત સચવાતું નથી. એવું સાહિત્ય કોઈ દિવસ ચિરંજીવ થતું નથી. એ તો એક વિષચક્ર ઊભું કરે છે. જેમ લોકોને તેમાં વધારે રસ પડતો જાય તેમ તે વધારે નીચું થતું જવાનું વલણ વધારે છે. સાહિત્યકારને નવા વિચારો આવતા બંધ થાય છે તો ય એક વખત સફળતા મેળવ્યા પછી જ્યાં સુધી ખપત રહે ત્યાં સુધી લેખન તો ચાલુ જ રહે છે. આ વિષચક્રને તો પોતાનું ઉત્તેજન બંધ કરી જનતા જ તોડી શકે. જ્યારે આપણો વાચકવર્ગ એટલી ઉચ્ચ કક્ષાએ પહોંચશે ત્યારે જ આવું વ્યાપારી દૃષ્ટિબિંદુ સાહિત્યમાંથી અદૃશ્ય થશે. સમાજની ઉત્ક્રાંતિ માટે બદલાતાં મૂલ્યાંકનોનું પ્રતિબિંબ જો સાહિત્યમાં ન પડે તો તે સાહિત્ય નિર્બલ બનતું જાય છે સાહિત્યનાં આવાં મૂલ્યાંકનો બદલવા માટે સમાજને મદદરૂપ ન થાય અને અત્યારના અનેક વાદોના વિગ્રહમાં સાહિત્ય પ્રગતિમાન ન રહે તો સમાજ અને સાહિત્ય બંનેને ઘસડાઈ જવાનો ભય રહે છે. આનો અર્થ એમ નથી કે સાહિત્યમાં પ્રકાશનો સસ્તાં થવાં ન જોઈએ. સાહિત્ય સમાજના બધા વર્ગોને ઉપલબ્ધ થવું જ જોઈએ અને તેથી તે માટે સારાં પુસ્તકોની સસ્તી આવૃત્તિઓ પણ જરૂર નીકળવી જોઈએ. સસ્તું સાહિત્યવર્ધક મંડળ આ દિશામાં ઘણું સ્તુત્ય કાર્ય કર્યા કરે છે અને ગુજરાતી સાહિત્યનો આમવર્ગમાં પ્રચાર કરે છે તે પ્રશંસનીય છે. સાહિત્યનું મૂલ્યઃ કેટલાએક લોકો એમ માને છે કે આ યુગ સાહિત્યકારોનો એટલે સાક્ષરોનો નથી, પણ વિજ્ઞાનશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, ઉદ્યોગપતિઓ અને રાજ્યકારભારીઓનો છે. આ લોકો સાહિત્યનો સાચો અર્થ સમજતા નથી એમ કહેવું જોઈએ. માત્ર કવિતઓ જ બનાવવી કે નવલકથાઓ તથા નાટકો જ લખવાં એમાં જ સાહિત્યક્ષેત્ર સમાઈ જાય છે એ એક ભ્રમ છે. સાહિત્ય એટલે ઉચ્ચ વિચારોની સૃષ્ટિને વાણીની સૃષ્ટિમાં જન્મ આપી તેને સમાજજીવનમાં એકરસ કરવું એ છે. આર્થિક કે રાજકીય પ્રગતિ સાધવા માટે ગમે તે પ્રયત્નો થાય પણ જ્યાં સુધી લોકમાનસ સંસ્કારી ન થાય ત્યાં સુધી આ પ્રયત્નોની સફળતાનો સંભવ દૂર જ રહેવાનો. સાહિત્ય વડે આપણું જીવન સુધારવા અત્યારે શેની જરૂર છે એ પ્રશ્ન વિચારવાનો રહ્યો. કૌટુંબિક ભાવના ઓછી થતી જાય છે, વ્યક્તિસ્વાતંત્ર્યને નામે સ્વૈરભાવ વધતો જાય છે, જીવનનાં મૂલ્યાંકનો વધારે આર્થિક અને સ્વાર્થી થતાં જાય છે, માનસિક વિહ્‌વળતા વધતી જાય છે, જીવનની ગંભીરતાનો ખ્યાલ ઓછો થતો જાય છે અને તેની હળવી બાજુનું આકર્ષણ વધતું જાય છે, અસામાજિક વૃત્તિ પણ વધતી જાય છેઃ આ બધાં અનિષ્ટ તત્ત્વોનો સાહિત્યે હૃદયને સ્પર્શે એવી રીતે સચોટ સામનો કરવાનો છે. વિકટ અને ઝડપથી બદલાતી પરિસ્થિતિમાં આપણે પછાત ન પડી જઈએ અને ગુજરાતી જીવનમાં મૂલ્યાંકનો બદલવા તથા તેને પ્રગતિને પંથે લઈ જઈ ટકાવવા માટે જે વીર્યશક્તિ જોઈએ તે પોષી શકે એવા સાહિત્યની આવશ્યકતા છે. સાહિત્ય એ માત્ર ઉલ્લાસ અને મનોરંજન માટે નથી, પણ જીવનના ઘડતર માટે છે એ દૃષ્ટિએ એનું સર્જન થવું જોઈએ. સર્જનનું મૂલ્ય માત્ર લોકોને ગમે તેવું લખવામાં નથી પણ કલાવિધાન સાથે તેની મૌલિકતામાં અને ઉચ્ચ કક્ષાની મનોવૃત્તિને વેગમય બનાવવાની શક્તિમાં મુખ્યત્વે કરીને રહેલું છે. દરેક જમાનાનું સાહિત્ય તેની સંસ્કૃતિનું પ્રતિબિંબ છે, તેની માનવતાની પારાશીશી છે. ઉચ્ચ પ્રકારના આનંદ સાથે આપણને ઊર્ધ્વગામી બનાવે એનું નામ સાહિત્ય. ગુજરાતનું ગૌરવ અને એની કીર્તિ એની વ્યાવહારિક બુદ્ધિમાં માત્ર નહીં, માત્ર એની ધાર્મિક ભાવનામાં પણ નહીં, પણ એ બંનેનો તેના વ્યક્તિગત અને સામાજિક જીવનમાં સુયોગ કરવામાં છે. આપણે વેપાર-ઉદ્યોગમાં આગળ વધીશું પણ સંસ્કાર અને સામાજિક ભાવનામાં પાછા પડી જઈશું તો જીવનનું સમતોલન ગુમાવી બેસીશું અને પરિણામે આપણી પ્રતિષ્ઠાને પણ ટકાવી રાખીશું નહીં. આવું સમતોલન ઉપજાવવા માટે સમર્થ હોય એવા શિષ્ટ સાહિત્યનું સર્જન કરવું તે સાહિત્યકારોનો હાલના યુગમાં મુખ્ય ધર્મ છે. હાલના પ્રશ્નોઃ બોધભાષા ને પાઠ્યપુસ્તકોઃ અત્યાર સુધીના ગુજરાતી સાહિત્યનું સમાજજીવનની દૃષ્ટિથી પ્રેરાયેલું વિહંગાવલોકન જરા વિસ્તૃત તો થયું, પણ એ દૃષ્ટિપાત ભવિષ્યના સાહિત્ય ને જીવન વચ્ચેના ગાઢ સંબંધો સુદૃઢ કરવાને આપણે શું શું કરવું જોઈએ તે વિચારવા માટે જ જરૂરનો હતો. એટલે હવે અત્યારે આપણી પાસે આ સંમેલને વિચારવા જેવા કયા કયા કૂટપ્રશ્નો છે તે તરફ વળીએ. પ્રથમ તો યુનિવર્સિટીની સ્થાપના પછી તેની સાથે ગુજરાતી સાહિત્યનો સંબંધ કેવો હોવો જોઈએ તે તપાસીએ. ઘણાં વરસથી આપણે યુનિવર્સિટીની માગણી કરી રહ્યા હતા તે હવે આપણે ત્યાં સ્થપાઈ ગઈ છે. અને તે એક નહીં, પણ બે-એક અમદાવાદમાં અને બીજી વડોદરામાં. પ્રાદેશિક યુનિવર્સિટીનું એક મુખ્ય ધ્યેય પ્રાદેશિક સંસ્કૃતિ અને વાઙ્‌મય લોકજીવનમાં સુદૃઢ બનાવી તેમાં પ્રગતિનો પ્રાણ પૂરવો એ હોવું જોઈએ આ વિશે તો બે- મત હોઈ શકે જ નહીં. મુખ્ય પ્રશ્ન એ શિક્ષણનું વાહન એટલે બોધભાષાનો છે. અને તે પ્રશ્ન હિન્દી ભાષાને રાષ્ટ્રીય-ભાષા બનાવવાના સરકારના નિર્ણય સાથે સંકળાયેલો છે. મુંબઈ જેવા સર્વદેશીય શહેરમાં અંગ્રેજી ભાષાનું સ્થાન તો હજી રહેશે, પરંતુ બીજે બધે માધ્યમિક શાળાઓમાં અંગ્રેજીનું શિક્ષણ ઓછું થવાથી તેનું સ્થાન ટકી રહે એ મુશ્કેલ છે. વિશિષ્ટ વિજ્ઞાનના વિષયોનાં યોગ્ય પાઠ્યપુસ્તકો હજી આપણે ત્યાં નહીં હોવાથી થોડાં વરસ સુધી તે અંગ્રેજીમાં શીખવવું પડે એ સંભવિત છે. પણ પછીથી અને બીજા વિષયો માટે તો અત્યારથી જ હિન્દી અથવા માતૃભાષાને બોધભાષા રાખવી એ મત ગુજરાતમાં તો સબળ જણાય છે. શિક્ષણના નિષ્ણાતોમાં આ વિષય પુષ્કળ છણાઈ ગયો છે. માત્ર શિક્ષણની દૃષ્ટિએ માતૃભાષાને જ ઉચ્ચશિક્ષણમાં બોધભાષા તરીકે સ્વીકારવી જોઈએ એ સિદ્ધાંત માટે કેળવણીકારોની બહુમતી જણાય છે. પણ રાષ્ટ્રીય અને વ્યાવહારિક દૃષ્ટિએ હિન્દીને બોધભાષા તરીકે અપનાવવાનો આગ્રહ પણ થાય છે. એક વસ્તુ ચોક્કસ છે કે માતૃભાષાને બોધભાષા તરીકે અપનાવાય તોપણ અંગ્રેજી તથા હિન્દી કૉલેજોમાં પણ ફરજિયાત વિષયો તરીકે શીખવવી જોઈએ. હાલના જમાના સુધી અંગ્રેજી ભાષા અને સાહિત્યથી આપણે એટલા બધા પરિચિત થયા છીએ કે આપણો ઘણોખરો વ્યવહાર અંગ્રેજીમાં ચાલે છે. હવે તે ભાષાના અભ્યાસની જરૂર આપણા રાજ્યકર્તાઓની ભાષા તરીકે નહીં, પણ વધારેમાં વધારે વપરાતી આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અને ખાસ કરીને તો અનેક વિષયોનું ઉત્તમ સાહિત્ય ધરાવતી ભાષા તરીકે એના અભ્યાસની આવશ્યકતા તો રહેવાની જ. હિન્દીની તો આપણને એના કરતાં પણ વધારે જરૂર રહેશે; કારણ કે તે હવે આપણી રાજ્યભાષા થઈ છે, અને ભવિષ્યમાં ભારતનો આંતરપ્રાદેશિક વ્યવહાર એ ભાષામાં જ થવાનો એટલે દરેક ભારતવાસીને હિન્દીના જ્ઞાનની આવશ્યકતા તો છે જ. માધ્યમિક શિક્ષણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી જો એનો ફરજિયાત ભાષા તરીકે અભ્યાસ થાય તો આવું જ્ઞાન મળી રહે એમાં શંકા નથી. પણ જ્ઞાન માટે ભાષાનો અભ્યાસ એક વસ્તુ છે અને બોધભાષા તરીકે તેનો ઉપયોગ તે જુદી વસ્તુ છે. માધ્યમિક શિક્ષણમાં અંગ્રેજીનો પાયો કાચો હોય તો માતૃભાષા દ્વારા અપાતું શિક્ષણ સમજવામાં સુગમ પડે એ વાત ખરી છે, પણ ઉચ્ચશિક્ષણને લાયક જરૂરી પાઠ્યપુસ્તકો પહેલાં તૈયાર થવાં જોઈએ એ પણ સાથેસાથે સ્વીકારવું જોઈએ. હિન્દી ભાષાને બોધભાષા તરીકે સ્વીકારવા માટે વ્યાવહારિક દૃષ્ટિબિંદુથી એવી દલીલ અપાય છે કે દેશની રાષ્ટ્રીય એકતા અપનાવવા ખાતર તેમજ એક યુનિવર્સિટીમાંથી બીજી યુનિવર્સિટીમાં ફેરબદલી કરવા માગતા વિદ્યાર્થીઓની સગવડ ખાતર અખિલ હિન્દની જે ભાષા હોય તેને જ બોધભષા રાખવી જોઈએ. તેમજ વિશિષ્ટ વિજ્ઞાનના વિષયોનાં પુસ્તકો પણ એક જ ભાષામાં હોવાં જોઈએ કે જેથી અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ માટે જરૂરનો આંતરપ્રાદેશિક વ્યવહાર જાળવી શકાય. કેટલાએક માને છે તેમ આ દલીલ વજૂદ વિનાની છે એમ તો ન કહી શકાય. એના જવાબમાં એટલું કહી શકાય કે હિન્દી ભાષા ફરજિયાત ભાષા તરીકે શીખવાય તો તેથી આવો આંતરપ્રાંતીય વ્યવહાર જાળવી શકાય. અને માત્ર એટલા માટે તેને બોધભાષા બનાવવાની જરૂર નથી, પણ વિદ્યાર્થી તેમજ અધ્યાપકની સગવડનો પ્રશ્ન રહે છે જ. દરેક પ્રાન્ત પોતાની કૉલેજોનું સઘળું ઉચ્ચશિક્ષણ માતૃભાષામાં જ આપે તો બીજા પ્રાન્તોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને તે પ્રાન્તની કૉલેજોનું સ્થાન રહે જ નહીં, સિવાય કે તેઓ તે પ્રાન્તની માતૃભાષા શીખી લેવા તૈયાર થાય. કેટલાએક વિષયો એવા છે કે તેમને માટે બીજા પ્રાન્તોના નિષ્ણાત અધ્યાપકો મેળવવાની જરૂર પડે. આવા અધ્યાપકો તે પ્રાન્તની માતૃભાષા શીખી લેવા તૈયાર ન હોય તો પોતાને ત્યાં ગમે તેવા અધ્યાપકો હોય તેનાથી ચલાવી લેવું પડે છે. ઉચ્ચશિક્ષણ માટે નિષ્ણાત અધ્યાપકોની આપ-લે જરૂરી છે. અને આમ ન થાય તો દરેક પ્રાન્ત પોતપોતાના વાડા બાંધીને રહેશે અને એને પરિણામે રાષ્ટ્રીય એકતાને બદલે પ્રાન્તીય સંકુચિતતા વધવાનો ભય રહેશે. બીજી એક વસ્તુ એ છે કે અખિલ હિંદની ઉચ્ચ સરકારી નોકરીઓ માટે સારા હિન્દુનું જ્ઞાન અને તેને માટે હિંદી ભાષાનાં પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવો જરૂરી રહેશે. અખિલ હિંદની ઉચ્ચ નોકરીઓમાં સ્થાન મેળવવાને અને એ સ્થાન અત્યારે ઘણું નીચું છે તેને વધારે ઊંચું કરવાની જરૂર છે – અખિલ હિંદને ધોરણે લખાયેલાં હિન્દી પુસ્તકોનો અભ્યાસ કરવાનું આવશ્યક થશે. આ સર્વ કારણોથી ઉચ્ચશિક્ષણમાં અને ખાસ કરીને અનુસ્નાતક વર્ગોમાં તો હિંદીને જ બોધભાષા રાખવી જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે. દરેક પ્રાન્તમાં બીજા પ્રાન્તના વતનીઓ થોડાં વરસ માટે અથવા સ્થાયી રહે છે. અને માતૃભાષાને જ બોધભાષા બનાવવાનો સિદ્ધાંત સ્વીકારાય તો તે સર્વને તે પ્રાન્તની માતૃભાષા પહેલેથી શીખવી પડે અથવા તો પોતાને વતન જઈને ત્યાં શિક્ષણ લેવું પડે. આ સ્થિતિ માત્ર કાલ્પનિક નથી પણ દરેક પ્રાન્ત જો માતૃભાષાનો સિદ્ધાંત સ્વીકારે તો તદ્દન સંભવિત છે. અલબત્ત, પ્રમાણમાં આવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેશે અને એમ પણ કહી શકાય કે થોડા વિદ્યાર્થીઓના હિતને ખાતર બીજા બધા વિદ્યાર્થીઓનું હિત શા માટે બગાડવું? આ બધી બંને બાજુની મુશ્કેલીઓ તો માતૃભાષા કે હિન્દી એ બેમાંથી એકને જ બોધભાષા બનાવાય તો જ ઊભી થાય છે. જો કોઈ યુનિવર્સિટી પોતાની કૉલેજોને બંનેમાંથી ગમે તે બોધભાષા તરીકે વાપરવા છૂટ આપે અને પરીક્ષાઓ પણ તેવી જ રીતે લે તો આ મુશ્કેલીઓ ઘણે અંશે દૂર થાય તેમ છે. ગુજરાત યુનિવર્સિટીએ ઘણો વિચાર કર્યા પછી આવો વ્યાવહારિક તોડ કાઢ્યો છે. આને હું તોડ કહું છું; કારણ કે સિદ્ધાંતની દૃષ્ટિએ એમ કહી શકાય કે એક જ ભાષા બોલતી પ્રજાના પ્રાન્તની બોધભાષા એક જ હોય અથવા તો રાષ્ટ્રભાષા એક હોય તો બોધભાષા પણ સર્વત્ર તે જ હોય. છતાં આવા મુશ્કેલીભરેલા સવાલનું છેવટનું નિરાકરણ કર્યા પહેલાં થોડા પ્રયોગોની પણ જરૂર રહે છે. અંગ્રેજી બદલીને તરતમાં ગુજરાતી અને હિંદીમાંથી કઈ બોધભાષા દાખલ કરવી એ પ્રશ્ન ઉપર જણાવેલ કારણોથી કેટલાએક ધારે છે તેમ સહેલો નથી. વિદ્યાર્થીઓના હિતમાં શું છે તેનો નિશ્ચય તો બંનેનો પ્રયોગ કર્યા પછી જ થઈ શકે. આ તોડનો અર્થ એટલો જ છે કે સાધારણ રીતે ઘણી કૉલેજો તો ગુજરાતીને જ બોધભાષા તરીકે અપનાવે, પરંતુ કોઈ પણ કૉલેજને હિંદીમાં પ્રયોગ કરી જોવો હોય – અને સરકારનો હિંદી માટે આગ્રહ હોવાથી સરકાર પોતાની કૉલેજોમાં તે પ્રયોગ કરી શકે છે – તો તેમ કરવાની તેમને છૂટ હોવાથી તેઓ તેમ કરી શકે છે. જે વિદ્યાર્થીઓને હિંદી મારફત શીખવું હોય તેઓ તે કૉલેજમાં શિક્ષણ લે અને બીજા બીજી કૉલેજોમાં રહે. અને આ છૂટ આપ્યા છતાં હિંદીમાં શીખવનારી કોઈ કૉલેજ ન નીકળે તો પછી ગુજરાતીમાં જ શિક્ષણ તેમજ પરીક્ષણ રહે. થોડાં વરસો પછી કઈ બોધભાષા વિદ્યાર્થીઓના હિતમાં છે તે જણાઈ આવશે. અને તે પછી બેમાંથી એકનો છેવટનો સ્વીકાર કરવો કે બંને ચાલુ રાખવી એ પ્રશ્નનો નિકાલ આવો પ્રયોગ કર્યા પછી વધારે સરળ થઈ પડશે. પરંતુ તે દરમિયાન કૉલેજોના અધ્યાપકોએ ગુજરાતી અથવા હિંદી બોધભાષામાં શિક્ષણ આપવા સારું જે વિષયો માટે અંગ્રેજી ભાષાના સાહિત્યમાંથી ઉત્તમ જ્ઞાન મળે તેમ હોય તે પુસ્તકોનો અભ્યાસ પોતે તો ચાલુ જ રાખવો એ તો મને અત્યંત આવશ્યક લાગે છે. બોધભાષા ગમે તે રખાય પણ વૈજ્ઞાનિક શિક્ષણ માટે પારિભાષિક શબ્દો બનતા સુધી આખા દેશમાં એક જ હોય તે બહુ ઇચ્છનીય છે. શ્રી પોપટલાલ શાહે આવા શબ્દોનો કોશ તૈયાર કર્યો છે તેથી ગમે તે બોધભાષા આપણે રાખીએ તેમ છતાં તે કોશ તેમાં કંઈ સુધારાવધારા કરવા જરૂરી ગણાય તો તેમ કર્યાથી ઉપયોગી થઈ પડશે. હવે પાઠ્યપુસ્તકોનો પ્રશ્ન રહે છે. હિંદીનાં પાઠ્યપુસ્તકો તો ઉત્તર હિંદના ઘણા પ્રદેશો પ્રગટ કર્યે જાય છે અને હજી વધારે થશે. છતાં જો જરૂર જણાય તો હિંદીમાં પણ નવાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાનો પ્રબંધ કરવો જોઈએ. તેમજ અંગ્રેજી અને હિંદીનાં ઉત્તમ કક્ષાનાં પુસ્તકોનું ગુજરાતીમાં અનુકરણ થાય તે પણ જરૂરી છે. એમાંથી જે કોઈ સારાં હશે તેનો ઉપયોગ આપણે કરીશું. પણ ગુજરાતીમાં તો ઉત્તમ પાઠ્યપુસ્તકોની માગણી ખૂબ જ છે. આ પ્રશ્ન અત્યારે આપણા સાહિત્યમાં સૌથી વધારે અગત્યનો છે. અને સાહિત્ય પરિષદ સંમેલને પણ તેનો વિચાર કરવો ઘટે છે. એક રીતે કહું તો ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોનું ભવિષ્ય એના ઉપર રહેલું છે. ઉચ્ચશિક્ષણના વિષયો કેવાં પુસ્તકોથી અને કેવા અધ્યાપકો પાસે વિદ્યાર્થી શીખશે એના ઉપર આપણા સાહિત્યના ઉત્કર્ષનો આધાર રહ્યો છે. શરૂઆતમાં તો ગુજરાત યુનિવર્સિટીએ આર્ટ્સ ફૅકલ્ટીનાં પહેલાં બે વરસ માટે જરૂરી પાઠ્યપુસ્તકો પોતાની મારફતે લખાવી પ્રગટ કરવાનો પ્રબંધ કર્યો છે. પણ એનો અર્થ એમ નથી કે, કૉલેજોમાં અભ્યાસ કરવા લાયક બધા ગ્રંથો યુનિવર્સિટી જ તૈયાર કરાવે. તે કાર્ય તો ગુજરાતી વિદ્વાનો, અધ્યાપકો અને સાહિત્યકારોએ જ કરવાનું છે. માટે આ ત્રણે વર્ગોને મારી આગ્રહપૂર્વક વિનંતી છે કે તેમણે આ કાર્ય ઉપાડી લેવું અને શિક્ષણના વિવિધ વિષયો ઉપર અભ્યાસપૂર્ણ નમૂનેદાર ગ્રંથો પ્રગટ કરવા. ગુજરાતીને બોધભાષા બનાવવાનો ઊહાપોહ હવે પૂરો થયો છે. એ એક સિદ્ધ વસ્તુ થઈ ચૂકી છે. હવે તો તેનો બોજો સાહિત્યકારો અને અધ્યાપકો ઉપર આવી પડ્યો છે. તેની સફળના હવે તેમના ઉપર જ આધાર રાખે છે. સાહિત્ય પરિષદ જો ધારે તો તેમાં સારી મદદ કરી શકે તેમ છે. પરિષદ તરફથી તેમજ ગુજરાત વિદ્યાસભા, ફાર્બસ ગુજરાતી સભા, ભારતીય વિદ્યાભવન, ગુજરાત અને સૌરાષ્ટ્રની સાહિત્યસભાઓ તથા બીજાં સંશોધનમંડળો તરફથી આવાં પુસ્તકો લખાવી પ્રગટ કરવાની યોજના થાય તો તે અત્યંત આવકારપાત્ર બનશે એમાં કાંઈ શંકા નથી. એટલા માટે જ આ પરિષદસંમેલને વિચારવાના વિષયોમાં આ પ્રશ્નને હું પહેલો મૂકું છું. સાહિત્યસંસ્થાઓનું સંગઠનઃ સાહિત્યપરિષદે એક અગત્યનું કાર્ય કરવાનું છે, અને તે છે વિવિધ ગુજરાતી સાહિત્યસંસ્થાઓની પ્રવૃત્તિઓનું સંગઠન અને શિષ્ટ સાહિત્યને ઉત્તેજન. આપણી પરિષદનો એક હેતુ એ છે કે ગુજરાતીઓનું સાહિત્યવિષયક ઐક્ય સંરક્ષવાનાં પગલાં લેવાં. આ હેતુ પાર પાડવા માટે જુદી જુદી સાહિત્યસંસ્થાઓ અને નાનામોટા સાહિત્યકારો વચ્ચે ભાતૃભાવ વધે અને ઐક્યની તીવ્ર લાગણી ઉત્પન્ન થાય એવાં પગલાં લેવાની જરૂર છે. સાહિત્યસંસ્થાઓએ સંમેલનમાં પ્રતિનિધિઓ મોકલવા એટલું જ બસ નથી, પણ આ પ્રતિનિધિઓ પરસ્પર સંપર્કમાં આવે અને પરિષદ સાહિત્યકારોની આકાંક્ષાઓનું પોષણ કરીને તેમનું પોતાના તરફ આકર્ષણ વધારે એમ થવું જોઈએ. પરિષદ તેમની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા માટે વ્યાવહારિક સૂચનાઓ કરે તે પણ અત્યંત આવશ્યક છે. પરિષદની સ્થાયી સભા આવી સર્વ સંસ્થાઓના સંપર્કમાં રહી તેમની જરૂરિયાત પૂરી પાડવામાં પોતાનાથી જેટલી બને તેટલી મદદ આપવાનો પ્રબંધ કરે તો આ સંસ્થાઓ પરિષદને પારકી ન ગણતાં પોતાની જ સંસ્થા માની તે તરફ આકર્ષાશે. સાહિત્યની સંસ્થાઓનું જીવન એક સંયુક્ત કુટુંબના જેવું હોવું જોઈએ. એમાં સાહિત્ય-ધનનું ઉપાર્જન અને સંરક્ષણ નાની-મોટી સંસ્થાઓની સંયુક્ત ભાવના અને શક્તિ વડે થાય તો તે જ ધન વડે બીજું અધિક ધન ઉત્પન્ન થાય છે અને સાહિત્યજીવનની સમૃદ્ધિ વધે છે. તેમજ જેમ સંયુક્ત કુટુંબમાં મોટાઓ નાનાઓને મદદ કરે છે તેમ મોટા સાક્ષરો ઊગતા અને આગળ આવી શકે એવા સાહિત્યકારોને ઉત્તેજન આપી ઉમંગી બનાવે તો તે ખરેખર કોઈ ઉત્તમ સાહિત્યકૃતિના કરતાં પણ વધારે મૂલ્યવાન એવા સાહિત્યમાં કૌટુંબિક જીવનનું સર્જન કરી શકે. આવું સંગઠન પરિષદ કરી શકે તેમ છે. તે કેવી રીતે કરવું તે આપ સર્વન પ્રતિનિધિઓ વિચાર કરીને આ પરિષદપત્ર પાસે મૂકી શકો છો. સંશોધનઃ ઐતિહાસિક અને સાહિત્યની કૃતિઓનું સંશોધન એ પરિષદે ઉપાડી લઈને ચાલુ રાખવા જેવી એક પ્રવૃત્તિ છે. મેં ઉપર કહ્યું તેમ આપણે ત્યાં સંશોધનના કાર્યમાં રસ લેનારા વિદ્વાનોની ઊણપ છે. એમાં અભ્યાસની જેટલી જરૂર છે તેટલી આર્થિક સહાયની પણ જરૂર છે. પરિષદ જેવી સંસ્થા જ તે ઉપાડી શકે. જેવી રીતે દુર્ગાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલો ઐતિહાસિક લેખોનો સંગ્રહ પરિષદ તરફથી પ્રગટ કરવામાં આવ્યો છે તેવી રીતે આ ક્ષેત્રમાં કાર્ય કરતા સાહિત્યકારોને પણ ઉત્તેજનની જરૂર છે. પરિષદ અને સંશોધનમંડળો વચ્ચે પણ સહકારની જરૂર છે. ઝવેરચંદ મેઘાણીના અવસાનથી આપણાં લોકગીત અને લોકકથાના સાહિત્ય અને સંશોધનમાં ઘણી ખોટ પડી છે. ગુજરાતમાં અને ખાસ કરીને એના સૌરાષ્ટ્રના વિભાગમાં બીજા મેઘાણી ઉત્પન્ન થાય એની અત્યારે તો વાટ જોઈને બેઠા છીએ. વ્યાકરણઃ કમળાશંકર ત્રિવેદીના બૃહદ્ વ્યાકરણ પછી આપણે ત્યાં સારા અદ્યતન વ્યાકરણની જરૂર છે એમ ઘણી વખત કહેવામાં આવ્યું છે. પણ હજી એ વિશે કાંઈ પ્રવૃત્તિ થઈ હોય તેમ જણાતું નથી. પરિષદે એ પણ એક અગત્યનો વિષય ગણી તેનો વિચાર કરવાનો છે. કોશઃ નર્મદાશંકરના કોશ પછી એક સારા પ્રમાણભૂત કોશની જરૂર ઉપર પણ ભાર મુકાય છે. ગુજરાત વિદ્યાસભાએ તથા વિદ્યાપીઠે કોશ બનાવ્યા છે. ગોંડળનરેશ તરફથી પણ એક મોટો કોશ તૈયાર થઈ રહેવા આવ્યો છે, પણ આ સર્વને હજી જોઈએ તેટલો આવકાર મળ્યો નથી એમ મને લાગે છે. સાહિત્ય પરિષદે ગુજરાતી ભાષાના વિદ્વાનોનો સહકાર મેળવી એક પ્રમાણભૂત કોશ તૈયાર કરાવવો કે નહીં તે પણ વિચારવા જેવો વિષય છે. લિપિઃ પરિષદે વિચાર કરવા જેવો બીજો એક પ્રશ્ન લિપિનો છે. આ વિષય ચર્ચાઈ તો ગયો છે, પણ હવે હિંદી રાષ્ટ્રભાષા થઈ છે એટલે ફરીને તે પાછો આગળ આવ્યો છે. કનૈયાલાલ મુનશીએ કરાંચીમાં પરિષદ સંમેલનના પ્રમુખ તરીકે આ વિષયનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે “આપણી પાસે બે પ્રશ્નો છેઃ એક જે અક્ષરો દેવનાગરી સ્વરૂપમાંથી આવ્યા છે તેને પાછું અસલી સ્વરૂપ આપવું કે કેમ? અને બીજોઃ દેવનાગરી અક્ષરોને વધારે વૈજ્ઞાનિક કે સુઘડ સ્વરૂપ આપવું કે કેમ? આપવું તો તે કેવું આપવું? અને તે અત્યારે આપી શકાય તેવા સાનુકૂળ સંયોગો છે કે કેમ? “હિંદી બોધભાષા ન થાય તોપણ રાષ્ટ્રભાષા તરીકે તેનો વ્યવહાર અખિલ હિંદમાં થશે અને અત્યારે પણ તે વધતો જાય છે. તેની લિપિ એટલે દેવનાગરી એવી લિપિ જે હવે કાયદા પ્રમાણે નિશ્ચિત થઈ છે, તેનું મહત્ત્વ વધ્યું છે. આથી પ્રાંતિક ભાષાની લિપિને દેવનાગરી સ્વરૂપ આપવું કે નહીં અથવા એને એવી બનાવવી કે દેવનાગરી લિપિ લખીવાંચી શકનાર પ્રાંતીય ભાષા પણ સહેલાઈથી લખીવાંચી શકે એ ઇચ્છવા યોગ્ય તો ખરું જ. દેશના જુદા જુદા ભાગોની ભાષા ગમે તો જુદી હોય પણ લિપિ એક હોય તો આંતરવ્યવહારમાં સગવડ પડે એ નિઃશંક છે. યુરોપમાં રોમનલિપિ એવી જ રીતે વપરાય છે. આંતરરાષ્ટ્રીય દૃષ્ટિબિંદુથી રોમન લિપિ અપનાવવા માટે આપણે ત્યાં પ્રયાસ થયો હતો, પણ તેનો સ્વીકાર થયો નથી. પણ આપણા આંતરદેશીય ઐક્ય માટે એક લિપિનો સિદ્ધાંત સર્વ પ્રાંતોએ વિચારવા જેવો છે. ભારતની બીજી કેટલીક લિપિઓ કરતાં ગુજરાતી લિપિમાં જો યોગ્ય ફેરફાર થાય તો દેવનાગરી લિપિ વાંચનાર તે લખીવાંચી શકે તેમ છે. અલબત્ત, કેટલાકે હિંદીભાઈઓના ભાષાશાહીવાદને તાબે થઈને આ પ્રયોગ કરવાનો નથી. અનેક સૈકાથી આપણી લિપિમાં ફેરફાર તો થતા આવે છે. અત્યારની લિપિ લખવામાં આપણને સરળતા પડે છે. મથાળાં બાંધેલા અક્ષરો કરતાં મથાળાં વિનાના અક્ષરો સહેલાઈથી લખી શકાય છે. છતાં આપણે આપણું વ્યક્તિત્વ ને સત્વ જાળવી શકાય એવી રીતે મથાળાં બાંધ્યા વિનાની દેવનાગરી લિપિ અપનાવવાનો નિર્ણય કરવો કે નહીં એ પ્રશ્ન વહેલો-મોડો પણ વિચારવો પડશે. નભોવાણી (આકાશવાણી) સાહિત્યનો પ્રચાર લેખન ઉપર જેમ ભાષણોથી પણ થઈ શકે છે તેમ હાલના સમયમાં નભોવાણી વડે પણ તે બહુ અસરકારક રીતે થાય છે અને સમાજના બધા વર્ગોમાં પહોંચી શકે છે. એટલા માટે ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્યને તેમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. અને તેને માટે પણ પરિષદે પગલાં લેવાં જોઈએ. મુંબઈ અને ગુજરાતમાં નભોવાણીના સરકારી ખાતાની સમિતિઓમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ જોઈએ તેટલું નથી. તેમજ ગુજરાતમાં નભોવાણીનાં મથકોની ધ્વનિવર્ધકશક્તિ નબળી છે. સરકારના આર્થિક સંકોચને લીધે સારા કાર્યક્રમો પણ નિયોજાઈ શકતા નથી. ગુજરાતી સમજનારી જનતા તેમજ રેડિયોના પરવાના ધરાવનારાઓની સંખ્યાના પ્રમાણમાં ગુજરાતી કાર્યક્રમોની સંખ્યા અને વિવિધતા ઓછી છે. એ સ્થિતિ સુધારવા માટે પગલાં લેવાં એ પણ ગુજરાતી પરિષદ સંમેલનનું કર્તવ્ય છે. સતત પ્રવૃત્તિઃ આ બધી પ્રવૃત્તિઓ ઉપરાંત પરિષદના બંધારણમાં એનું જે કાર્યક્ષેત્ર નક્કી કર્યું છે તેને અનુરૂપ આપણે ઘણું કરી શકીએ. જરૂર બે ચીજની છેઃ આર્થિક સાધન અને માનસિક શક્તિ. આપણે કામ કરી બતાવીશું તો ગુજરાતમાં આર્થિક મદદ તો મળી રહેવાની શ્રદ્ધા જરૂર સેવી શકાય. એટલે ખરી વસ્તુ તો આપણું સંગઠિત કાર્ય. આપણા સાહિત્યમાં જે જે ખામીઓ જણાય તે તે આપણે દૂર કરી શકીએ છીએ, જો આપણે સાહિત્યના ઉત્કર્ષને પોષણ મળે એવું માનસ મેળવીશું તો. આવું માનસ ઉત્પન્ન કરવાને પરિષદે માત્ર સંમેલનો ભરીને જ નહીં પણ સતત પ્રવૃત્તિ ચાલુ રાખવાની તથા પ્રચારકાર્ય માટે એક સામયિકપત્રિકા પ્રગટ કરવાની આવશ્યકતા ઉપર હું આપનું ખાસ ધ્યાન ખેંચું છું. ગુજરાતી સાહિત્યનો પ્રદેશઃ આ બધું વિવેચન તો ગુજરાતી સાહિત્ય વિશે થયું. પણ ગુજરાતી સાહિત્ય એટલે કયા પ્રદેશનું સાહિત્ય? પરિષદના બંધારણમાં ‘ગુજરાતી ભાષા’ અને ‘ગુજરાતી સાહિત્ય’નું વર્ણન આ પ્રમાણે આપ્યું છેઃ “કોઈ પણ સમયે ગુજરાતના કે તેના કોઈ પણ ભાગના વતનીઓ જે માતૃભાષા બોલતા હોય તેનો સમાવેશ ગુજરાતી ભાષામાં થશે અને આવી ભાષામાં લખાયેલા સાહિત્યનો સમાવેશ ‘ગુજરાતી સાહિત્ય’માં થશે. એટલે કે જે પ્રદેશને અત્યારે વિશિષ્ટ નામે ‘ગુજરાત’ કહેવાય છે તેટલો જ નહીં, પણ જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હોય તેનો પણ ગુજરાતમાં સમાવેશ થાય છે.” આપણે સૌરાષ્ટ્ર અને કચ્છ જાણે ગુજરાતથી તે જુદાં હોય એમ બોલીએ છીએ. પરંતુ ઐતિહાસિક બનાવોને લીધે વહીવટમાં જુદા પડેલા વિભાગો ભાષા એટલે સાહિત્યના દૃષ્ટિબિંદુથી જો તે વિભાગોની મૂળ ભાષા એક જ હોય તો તે સર્વે ખરી રીતે એક જ શરીરનાં અંગો છે, અને તેથી જ વિભાગોનાં નામો ગમે તે હોય, પણ ભાષા પરત્વે એ સર્વ ગુજરાત છે. તાત્પર્ય એ છે કે કોઈ પણ વિભાગનું વહીવટના ધોરણે જુદું નામ આપવામાં આવ્યું હોય પણ એની ભાષાનું મૂળ ગુજરાતી હોય તો તે ગુજરાતનો જ વિભાગ છે. મુસલમાન અને બ્રિટિશ રાજ્યોના અમલમાં વહીવટની દૃષ્ટિએ અસલના પ્રાંતોમાં અનેક ફેરફારો થઈ ગયા. મરાઠી, તેલુગુ અને કન્નડ ભાષાઓ બોલનારા પ્રાંતોમાંથી ટુકડાઓ થઈને હૈદરાબાદનું રાજ્ય બન્યું. કન્નડ ભાષા બોલનારું મૈસૂર એક જુદું દેશી રાજ્ય બન્યું. કાનડાના પણ બે વિભાગ પડી એક મુંબઈ રાજ્યમાં અને બીજો મદ્રાસમાં ગયો. આવા અનેક દાખલાઓ આપણા તાજેતરના ઇતિહાસમાં મળી આવે છે. આ રીતે છિન્નભિન્ન થયેલા પણ ભાષાનું ઐક્ય ધરાવતા પ્રાંતોની એક ભાષાના ધોરણથી પુનઃરચના કરવાની જરૂર આપણા દેશના નેતાઓને જણાઈ અને કૉંગ્રેસે આવા પ્રાંતોની રચના માટે ઠરાવ કર્યો. આ ઠરાવનો અર્થ એ છે કે, અત્યારે પ્રાંતોના ટુકડા ગમે તેવા પડેલા હોય પણ તે ટુકડા પડ્યા તે પહેલાં ભાષાકીય ઐક્ય ધરાવતા પ્રાંતોની પુનઃસ્થાપના કરવી, એટલે કે અત્યારના પ્રાંતોના સીમાપ્રદેશમાં, ભાષા વગેરેની બાબતમાં જે કાંઈ ફેરફારો ટુકડા પડ્યા પછી થયા હોય તે ફેરફારની પાછળ જઈ તે પહેલાંની સ્થિતિ શી હતી તેનો નિર્ણય કરી, ફરી પાછા તેમને અસલ પ્રાંતોમાં દાખલ કરવા જોઈએ. આ ધોરણે કોઈ પણ પ્રાંતનો સીમાપ્રદેશ નક્કી કરવો એ કૉંગ્રેસના ઠરાવમાંથી ફલિત થાય છે. આ ઠરાવને અમલમાં મૂકવાનો સમય આવશે ત્યારે ચોક્કસ પદ્ધતિસર સીમાપ્રદેશ નક્કી કરવા માટે સમિતિઓ નીમાશે. અત્યારે આપણે આવી સમિતિઓ નીમી ગુજરાતે જુદો પ્રાંત કરી નાખવાની માગણી કરતા નથી. એમાં તો ભાષા ઉપરાંત અનેક દૃષ્ટિબિંદુઓનો વિચાર કરવાનો આવશે. પરંતુ ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય પરત્વે ગુજરાતના કયા કયા વિભાગો છે તે તપાસી તે સર્વેને, જ્યાં સુધી સીમાસમિતિઓનો છેવટનો નિર્ણય ન આવે ત્યાં સુધી, અત્યારની સ્થિતિ પ્રમાણે અકબંધ રાખવા એવી માગણી તો આપણે અવશ્ય કરવાની છે. આ પ્રદેશ કયો છે તે નક્કી કરવામાં કેટલાકએક નિયમો લાગુ પડે છે. ભાષા અને વ્યવહાર એ બંને એકબીજા ઉપર આધાર રાખે છે. સીમા ઉપર આવેલા કોઈ પ્રદેશની ભાષા તદ્દન શુદ્ધ હોતી નથી, પણ તે બંને બાજુએ આવેલા પ્રાંતોમાંથી કયા પ્રાંતની ભાષા એની મૂળ ભાષા છે તે નક્કી કરવામાં ભૂતકાળમાં એનો ઘણોખરો વ્યવહાર કયા પ્રાંત સાથે હતો તે જોવાનું છે; કારણ કે વ્યવહારથી ભાષા ઘડાય છે અને વ્યવહાર તે પ્રદેશની ભૌગોલિક સ્થિતિ તથા વ્યાપારિક સંબંધ ઉપર આધાર રાખે છે. તે પ્રમાણે ભાષાથી પણ કેટલેક અંશે વ્યવહાર ઘડાય છે; કારણ કે એક જ ભાષા બોલનારા લોકો વચ્ચે વ્યવહાર વધારે હોય એ દેખીતું છે. આ વિશે યુરોપના જુદા જુદા દેશો વચ્ચેનો સીમાપ્રદેશ નક્કી કરવા માટે કેટલાકે આવા સિદ્ધાંતોપણ નક્કી કરાયા છે કે ભાષાની એકતા અથવા સામ્ય ઉપરાંત રસ્તાઓ, નદીઓ, નહેરો વગેરે ભૌગોલિક તથા ઐતિહાસિક પરિસ્થિતિનો સઘળો વિચાર કરીને સીમાપ્રદેશનો નિર્ણય કરવો જોઈએ કે જેથી કોઈ પણ દેશના વિકાસ માટેનાં કુદરતી સાધનોનો લાભ તેને મળી શકે. આબુપ્રદેશઃ હવે આ નિયમો પ્રમાણે ગુજરાતનો ભાષાકીય સીમાપ્રદેશ અત્યારે શો છે તે જોઈએ. જે પ્રદેશ ગુજરાતમાં જ ગણાય છે અને જેને માટે કાંઈ મતભેદ નથી તે બાદ કરતાં બાકીના પ્રદેશ વિશે જ ચર્ચા કરીશું. ઉત્તરથી શરૂ કરીએ તો પાલણપુર તથા દાંતાની ઉત્તરના પ્રદેશ વિશે અને ખાસ કરીને સીરોહીના પ્રદેશ વિશે હમણાં ઉગ્ર મતભેદ ઉત્પન્ન થયો છે. પહેલાંનું સીરોહી રાજ્ય અથવા તેનો કોઈ ભાગ ગુજરાતી ભાષા બોલતી પ્રજામાં ગણાવાં જોઈએ કે નહીં તે વિશે મધ્યસ્થ સરકારે ત્રણ વરસ પહેલાં એવો નિર્ણય કર્યો છે કે આબુપર્વત અને તેની આજુબાજુનો પ્રદેશ ભાષાકીય તેમજ ઐતિહાસિક, ભૌગોલિક અને વ્યાવહારિક દૃષ્ટિબિંદુએ ગુજરાતનો વિભાગ છે અને તેથી તેનો વહીવટ મુંબઈ રાજ્યે કરવો જોઈએ. આ નિર્ણય થયા પછી તે વિભાગના પડોશના રાજસ્થાન પ્રાંતે ફરીને તેને રાજસ્થાન પ્રાંતમાં ભેળવી દેવો જોઈએ એવી માગણી કરી છે. આ નિર્ણય ભલે કામચલાઉ હોય, પરંતુ તેને ફેરવવા માટે સબળ કારણો જોઈએ. તે કારણો બતાવવાનો બોજો રાજસ્થાનીઓ ઉપર છે. તેથી હાલમાં આબુ ગુજરાતનો વિભાગ છે કે નહીં તે પ્રશ્ન નથી, પણ સઘળો વિચાર કર્યા પછી આબુને ગુજરાતના વિભાગ તરીકે ગણવાનો નિર્ણય થયો છે તે ફેરવવાને કોઈ સબળ કારણો છે કે નહીં તે જ ખરો પ્રશ્ન છે. છતાં લેવાયેલા નિર્ણય માટે કયાં સમર્થ કારણો છે તે આપણે અહીં સંક્ષેપમાં વિચારીએ. દૂર ઇતિહાસમાં જવાની જરૂર નથી. ગુર્જરરાષ્ટ્ર અથવા ગુર્જરત્રા જેને કહેવામાં આવે છે તેનું સામ્રાજ્ય ઉત્તરમાં ઠેઠ મથુરા સુધી પહોંચ્યું હતું એ હકીકત તો સર્વ કોઈ જાણે છે. આચાર્ય આનંદશંકરભાઈએ એમના પરિષદના પ્રમુખ તરીકેના ભાષણાં જેમ કહ્યું હતું તેમ “ગુર્જરભૂમિનો પ્રદેશ એક વખતે રાજસ્થાનને અંતર્ગત કરતો એ વાત જે સ્થળે ‘ગુર્જરત્રા’ શબ્દવાળા શિલાલેખ મળ્યા છે અને એમાં જે સ્થળોનો ઉલ્લેખ છે તેનાથી અત્યારે સુવિદિત થઈ ચૂકી છે. અને શૌરસેની અપભ્રંશ, શૌરસેની પ્રાકૃત અને સંસ્કૃત ભાષા દ્વારા તથા રાજસ્થાન અને મથુરાની આસપાસના શૂરસેન દેશ દ્વારા હિંદીની ભૂમિ સુધી ગુજરાતીનો સંબંધ પહોંચ્યો છે. આ જોતાં બહુ દૂર સુધીના ભાગને પ્રાચીન પરિભાષામાં ગુજરાત જ ગણવો જોઈએ એ સ્પષ્ટ છે. એને આપણે ‘વર્તમાન ગુજરાત’ અને ‘બૃહદ્ ગુજરાત’થી ભિન્ન પાડીને ઓળખવા ‘મહાગુજરાત’ કહી શકીએ.” કાળે કરીને આ મહાગુજરાત સંકોચાતું ગયું. રણની ભૂમિ વધતી વધતી હાલના ગુજરાતની સમીપ આવી પહોંચી અને શ્રીમાળ ઉર્ફે ભિન્નમાળ, ઝાલોર વગેરે પ્રદેશ જે હાલમાં મારવાડ કહેવાય છે તેની વસતિ ગુજરાતમાં આવીને વસી પણ આબુપ્રદેશનું પાટનગર ચંદ્રાવતી હતું, જેમાં પરમાર રાજાઓ રાજ્ય કરતા હતા. તે અણહીલપુર પાટણના સોલંકી વંશના રાજાઓ જે ગુર્જરેશ્વર કહેવાતા તેમના સામંતો હતા. પરમારો પછી કનોજ તરફના દેવડા ચૌહાણોએ ચંદ્રાવતી જીતી લીધું અને તેઓ પણ ગુજરાતના રજપૂત રાજાઓના સાંમતો જ રહ્યા. ગુજરાતના રાજા ભીમદેવ પહેલાના સમયમાં તેના મંત્રી વિમળશાહે તથા પહેલા વિશળદેવ વાઘેલાના સમયમાં એ મંત્રીભાઈઓ વસ્તુપાલ અને તેજપાલે આબુમાં જે જગદ્‌વિખ્યાત જૈનમંદિરો બંધાવ્યાં છે તે સર્વને સુવિદિત છે. પુરાણોમાં આબુનો પ્રદેશ તો ગુજરાતમાં જ હોવાનું વર્ણન મળે છે. મુસલમાન રાજ્યની શરૂઆત પછી પણ ગુજરાતના સુલતાનના હાથ તળે ગુજરાતના વિભાગ તરીકે સોળ વિભાગોનાં નામો ‘મીરાતે અહમદી’માં છે. એમાં આબુ, ડુંગરપુર અને વાંસવાડાનો સમાવેશ થાય છે. તે પછી મોગલ બાદશાહે ગુજરાત જીત્યા પછી પણ એ જ સ્થિતિ કાયમ રહી. અકબરના સમયમાં ટોડરમલે નવા સૂબાઓની રચના કરી ત્યારે સીરોહીને અજમેરના સૂબા તળે મૂક્યું. પરંતુ ‘મીરાતે અહમદી’માં જણાવ્યા પ્રમાણે પછીના મોગલરાજાના અંધાધૂંધીના સમયમાં સીરોહી પાછું ગુજરાતના સૂબા તળે આવ્યું. અને મરાઠાઓએ જ્યારે અમદાવાદ લીધું ત્યારે પણ સીરોહી, ડુંગરપુર વગેરેની ખંડણી ગુજરાતમાં જ ભરાતી. આ હકીકતોનું સીરોહી રાજ્યના વતની સુવિખ્યાત પંડિત ગૌરીશંકર ઓઝાએ પણ તેમના રજપૂતાનાના ઇતિહાસમાં સમર્થન કર્યું છે. એક નોંધવાલાયક હકીકત એ છે કે ઔરંગઝેબ જેવા ઝનૂની બાદશાહે ગિરનાર અને આબુના પર્વતોની સનદ અમદાવાદના નગરશેઠ અને જૈનોના મુખી શેઠ શાંતિદાસ ઝવેરીને આપી હતી. તે સનદમાં એમ પણ ફરમાન હતું કે કોઈ પણ રાજા અગર અમલદારોએ પણ આ બક્ષિસની વિરુદ્ધમાં વર્તન ચલાવવું નહીં, અને દર વરસે નવી સનદ પણ માગવી નહીં. આમ છતાં મોગલ રાજ્યની પડતી પછી જાત્રા માટે જૈનોના હક્કો રહ્યા પણ આબુનો કબજો સીરોહી દરબારે લઈ લીધો. આ સ્થિતિ બ્રિટિશ અમલ સુધી ચાલી. દરમિયાનમાં સીરોહીની પ્રજાનો વ્યવહાર તો ગુજરાત સાથે જ રહ્યો. જોધપુર રાજ્યનું વર્ચસ્વ સીરોહી ઉપર જ્યારથી જોધપુરના રાજા મોગલો તરફથી ગુજરાતના સૂબા હતા ત્યારથી જ હતું. અને બંને રાજાઓ રાઠોડ હોવાથી બંને વચ્ચે સગપણનો સંબંધ પણ હતો ક્રેમ ક્રમે સીરોહીના રાજાઓનો પ્રદેશ પણ ટૂંકો થતો ગયો. અત્યાર સુધી રાજસ્થાન કે રજપૂતાના જેવો પ્રદેશ જ ન હતો. મારવાડ, મેવાડ, મેવાત, માળવા, મત્સ્યપ્રદેશ વગેરે પ્રદેશોમાં રજપૂત રાજાઓનું રાજ્ય હતું. પણ જ્યારથી કર્નલ ટૉડ તે પ્રદેશના રેસિડંટ તરીકે આવ્યો ત્યારથી રજપૂતાનાનાં રાજ્યોનું નસીબ ફરવા લાગ્યું. કર્નલ ટૉડ રાજપૂત રિયાસતોનો બેહદ પ્રશંસક હતો. એનું સ્વપ્ન આ રાજ્યોને રાજસ્થાન નામનો પ્રદેશ સ્થાપી તેમાં સંગઠન કરવાનું હતું. આબુના પર્વતની અંગ્રેજોને પહેલાં કાંઈ જાણ પણ ન હતી. પણ કર્નલ ટૉડે પશ્ચિમ હિંદના પ્રવાસમાં પોતાને આબુનો સંશોધક માની ત્યાંની શીતળ આબોહવાથી મુગ્ધ થઈ તેને પોતાના સ્વપ્ના પ્રમાણે રજપૂતાનામાં ભેળવી દેવાની યોજના શરૂ કરી. પરંતુ તે સમયે સીરોહી, વાંસવાડા, ડુંગરપુર વગેરે ગુજરાતની સરહદ ઉપરનાં તમામ રાજ્યો ગુજરાતનો જ ભાગ ગણાતાં. કર્નલ વૉકર બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે વડોદરામાં રેસિડંટ તરીકે હતા અને સને ૧૮૦૩માં એના મદદનીશે મુંબઈ સરકારને કરેલા રિપોર્ટ ઉપરથી સ્પષ્ટ જણાય છે કે, ગુજરાતના બ્રિટિશ અમલદારો સીરોહી, વાંસવાડા, ડુંગરપુર, ઝાબુઆ, અલીરાજપુર વગેરે દેશી રાજ્યોના વિભાગોને ગુજરાતની અને એને લીધે મુંબઈ સરકારની સત્તા તળે જ ગણતા હતા. પણ પછીથી રાજસ્થાનના પોલિટિકલ અમલદારો ફાવ્યા અને સીરોહીનો વહીવટ રજપૂતાના એજન્સી તળે મુકાયો. બ્રિટિશ અમલદારો હિંદુસ્તાનની શીતળ ટેકરીઓને તેમનુ સ્વર્ગ માનતા હતા. રજપૂતાનાના રણની ગરમ હવામાંથી બચવા માટે તેમને આવી એક વિશાળ શીતળ ટેકરી જોઈતી હતી. આબુ જેવું સુંદર સ્થાન રજપૂતાનામાં બીજે કોઈ ઠેકાણે ન હતું. રજપૂતાનાની લશ્કરી ટુકડીઓ માટે આરામની જગા બીજે ક્યાંય નહોતી. એટલે છેવટે આબુની ખાતર સીરોહીને પણ રજપૂતાના એજન્સીમાં ભેળવવામાં તેઓ સફળ થયા અને સીરોહીના રાજાને આબુપર્વતનો સારામાં સારો ભાગ લશ્કરી વપરાશ માટે સોંપી દેવાની ફરજ પાડી. તે પછી તો રજપૂતાનાના રાજાઓની કોઠીઓ આવી અને આબુ રજપૂતાનાનું ક્રીડાંગણ બન્યું. ગુજરાત બિચારું બેસી રહ્યું. કવીશ્વર દલપતરામે “દીઠો આજ આબુ ગિરિરાજ એવો” એ કવિતા સંભળાવી ત્યારે કોઈને એમ થયું કે આ આબુ તો આપણો હતો અને કોઈ દિવસ પાછો મળશે ખરો? યુરોપિયન અમલદારોને આબુ રાજસ્થાનમાં રહે કે ગુજરાતને પાછું મળે એની શી પરવા હતી? આવી રીતે આબુ સીરોહીમાં અને ત્યાંથી રજપૂતાનામાં ગયો એ એક માત્ર ઐતિહાસિક અકસ્માત જ હતો. કર્નલ ટૉડના પક્ષપાતનું પરિણામ હતું. ગુજરાતનો ભાગ રજપૂતાનામાં ભેળવી દેવાની યોજના કૃત્રિમ હતી. પણ નૈસર્ગિક નિયમો તો કૃત્રિમ અંતરાયોનો બંધ તોડીને પણ બહાર નીકળે છે. વહીવટી ફેરફારને પરિણામે આબુ રાજસ્થાનમાં ગયાથી રાજસ્થાનીઓની સંખ્યા વધી. આબુરોડ સ્ટેશન અને આબુ ઉપર રાજસ્થાનના પરચૂરણ વેપારીઓ આવી વસ્યા. રાજ્યકારભારની ભાષા રાજસ્થાની થઈ પણ આબુ પ્રદેશના જન-સમાજનાં સંસ્કૃતિ અને સંબંધ તો ગુજરાતી બોલતી પ્રજા સાથે જ વધારે રહ્યાં. એનું મુખ્ય કારણ તો ભાષા અને વ્યવહાર. સેંકડો વરસના ગાઢ સંબંધો માત્ર એક સૈકાના કૃત્રિમ ફેરફારથી કેમ બદલાય? દરેક સીમાપ્રદેશની ભાષા મિશ્રિત તો હોય જ. પણ સીરોહી પ્રદેશની ભાષા તો મૂળ ગુજરાતી ઉપર મારવાડીનો રંગ અને નહીં કે મારવાડી ભાષા ઉપર ગુજરાતીની અસર. ત્રણેક વરસ પહેલાં સીરોહી રાજ્યના વારસની તપાસસમિતિના પ્રમુખ તરીકે મને ત્યાંની ભાષામાં લખાયેલા કેટલાક દસ્તાવેજો જોવાનો પ્રસંગ મળ્યો હતો. રાજસ્થાની ભાષા નહીં જાણતો હોવા છતાં મને તેનો અર્થ સારી પેઠે સમજાતો હતો. આપણી જૂની ગુજરાતીમાં મારવાડી શબ્દો મળી ભળી ગયા હોય એમ જ લાગતું હતું. વિભક્તિઓ, પ્રત્યયો વગેરે વ્યાકરણનાં અંગો આપણા જેવાં જ જણાતાં હતાં. મુખ્ય ફેર એ હતો કે આપણે ત્યાંની જૂની ગુજરાતી હતી તેના જેવી તે જણાતી હતી. લિપિ પણ તેવી જ હતી. ગ્રીઅર્સન, ટૅસીટોરી, ડૉ. સુનીતિકુમાર ચેટરજી વગેરે ભાષાની ઉત્પત્તિના પંડિતોનો અભિપ્રાય એવો છે કે ગુજરાત અને અત્યારના પશ્ચિમદક્ષિણ રાજસ્થાનની ભાષા મૂળે એક જ છે. સીરોહીની ભાષા સીરોહી-ગુજરાતી છે તેનો મને પ્રત્યક્ષ અનુભવ થયો. સરકારી ગૅઝેટિયરો તો આબુને રાજસ્થાનમાં ભેળવ્યા પછીથી લખાયાં એટલે એમાં આબુ ગુજરાતનો વિભાગ છે એવા ઉલ્લેખની આપણે આશા રાખીએ નહીં. તેમ છતાં તેમાં પણ આબુ ગુજરાતમાં હોવાની કબૂલાત આવે છે. મુંબઈ ઇલાકાના સરકારી ગૅઝેટિયરના નવમા ગ્રંથનો પ્રથમ ભાગ જે ગુજરાતની વસતિ વિશે છે તેમાં ભૌગોલિક તથા ભાષાની દૃષ્ટિએ આબુપર્વતથી દમણ સુધી ગુજરાતની સીમા જણાવી છે (પૃષ્ઠ VIII-૮) તથા ઉત્તર ગુજરાતની હદ આબુપર્વતથી મહીનદી સુધીની જણાવી છે. અને તે આબુ પર્વતને બાદ કરીને નહીં, પણ આબુ સુદ્ધાંત. આબુ અને ગુજરાતનાં બીજાં યાત્રાનાં સ્થળો સાથે તેને ઉત્તર ગુજરાતમાં મૂક્યો છે (પૃષ્ઠ IX-૯/૫૪૩, ૫૪૯). તે ઉપરાંત સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે જૈન ધર્મનાં અખિલ હિંદમાં વિખ્યાત એવાં દહેરાં આબુ, શત્રુંજય અને ગિરનારના ત્રણ પર્વતો ઉપર ઉત્તર ગુજરાતમાં આવેલાં છે (પૃષ્ઠ ૫૫૦). સત્ય હકીકત કોઈ દિવસ ઢાંકી રહે ખરી? પણ આટલેથી વાત પૂરી થતી નથી. પોતાની ભાષાને પરભાષાનો ગમે તેટલો ઓપ લાગ્યો હોય પણ માતૃભાષા તરફનો પ્રેમ તેથી કાંઈ જાય? સીરોહી અને ખાસ કરીને તેના દક્ષિણના આબુ પ્રદેશનાં સ્થળોમાંથી સાહિત્યના શોખીનો જોધપુર કે અજમેર નહિ, પણ ગુજરાત કે મુંબઈમાં આવી ગુજરાતી ભાષા અને સાહિત્યની સેવા કરે તેમાં શું આશ્ચર્ય છે? આબુની તળેટીના હાથળગામના વતની ગોકુળભાઈ ભટ્ટ મુંબઈ આવી ગુજરાતી સાહિત્યની સેવા કરે, ત્યાંના ઉપનગરની સહિત્યસભાના મંત્રી થઈ અંધેરીમાં ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદ સંમેલનના પણ કાર્યવાહક મંત્રી થાય એમાં કાંઈ આશ્ચર્ય છે? સીરોહી રાજ્યના વતની પ્રખ્યાત પુરાતત્ત્વવિદ્ મહામહોપાધ્યાય ગૌરીશંકર ઓઝા નડિયાદમાં ભાષણ આપે અને તે ભાષણમાં પોતાની માતૃભૂમિ – ગુજરાત – નાં આબુનાં મંદિરોની કળાનાં વખાણ કરે એમાં પણ કાંઈ આશ્ચર્ય છે? સીરોહીના વતની વકીલ ભીમાશંકર શર્મા આજથી પંદરેક વરસ ઉપર ત્યાંની જનતામાં જાગૃતિ લાવવા માટે ગુજરાતી ભાષામાં ‘સીરોહી સંદેશ’ નામનું વર્તમાનપત્ર પ્રગટ કરે તથા સીરોહીના કવિ ‘આનંદી’ ગુજરાતી ભાષામાં ‘અર્બુદના લાડકવાયા’ નામનું કાવ્ય રચે એમાં પણ કાંઈ આશ્ચર્ય છે? લગભગ પંચોતેર વરસ પહેલાંથી હમણાં સુધી ત્યાંની ગુજરાતી બોલતી પ્રજા સાથે સંપર્ક ચાલુ રાખવા માટે સીરોહીના દીવાનો ગુજરાતીઓ હોય એમાં પણ શું આશ્ચર્ય છે? આશ્ચર્ય માત્ર એટલું જ છે કે આટલી સ્પષ્ટ હકીકતો હોવા છતાં ભાષાની દૃષ્ટિએ પણ આબુનો પ્રદેશ રાજસ્થાનમાં છે એવું ઠોકી બેસાડવાના પ્રયત્નો થાય છે. એનો ઘણો ખરો આધાર તો જ્યારથી આબુને રજપૂતાનામાં જોડવામાં આવ્યું ત્યારથી ત્યાંથી જે લોકો આવ્યા તેમની ભાષા ઉપરથી જે ફેરફારો થયા તેના ઉપર જ રાખવામાં આવે છે. આપણે ઉપર જોયું તેમ હજી દસપંદર વરસ પહેલાં તો સીરોહીના વતનીઓ માટે ગુજરાતી વર્તમાનપત્રો કહાડવાં પડતાં અને હજી પણ ગુજરાતી વર્તમાનપત્રો મોટી સંખ્યામાં આબુ પ્રદેશમાં જાય છે. કચ્છી બોલી શુદ્ધ ગુજરાતી ભાષાથી જુદી જ લાગે છે. પણ એથી કોઈએ એમ કહ્યું કે કચ્છ ભાષા પરત્વે ગુજરાતમાં નથી? આબુનું પણ તેમજ છે. ખરી રીતે આબુ ગુજરાતનો ભાગ છે કે નહીં તેનો નિર્ણય તેને કૃત્રિમ રીતે રજપૂતાનામાં જોડ્યું તેના પહેલાં શી સ્થિતિ હતી તે ઉપરથી કરવાનો છે. સીરોહીની પ્રજાએ સંમેલન ભરીને ગુજરાતમાં જોડાવાનો ઠરાવ કર્યો તે ઉપરથી સરદાર વલ્લભભાઈએ સઘળી તપાસ કરીને આખું સીરોહી રાજ્ય નહીં તો આબુનો પ્રદેશ ગુજરાતને પાછો આપવો જોઈએ એમ ઠરાવ્યું. તે ઠરાવ મધ્યસ્થ સરકારે માન્ય રાખ્યો અને તેટલા માટે આબુને મુંબઈ સરકારના વહીવટ તળે મૂક્યો. ભલે તે કામચલાઉ ગણાય, છતાં તેને ફેરવવાનાં સબળ કારણો તો હજી આપણે જાણવાનાં જ રહ્યાં. ભાષા, વ્યવહાર, ભૌગોલિક સ્થિતિ એ દરેક દૃષ્ટિબિંદુથી પણ આપણી મજબૂત માગણી અત્યારે તો એક રાજકીય જાળમાં સપડાઈ ગઈ છે એ જ કમનસીબી છે. આપણે કોઈનું કાંઈ લઈ લેવા માગતા નથી. જે સૈકાથી આપણું હતું, જેને આપણી પાસેથી ખૂંચવી લેવામાં આવ્યું હતું પણ જે આપણને પાછું મળ્યું છે તેને ફરીથી આપણાથી છૂટું ન જ પાડવું જોઈએ એટલું જ કહી આપણે માત્ર ન્યાય માગીએ છીએ ડુંગરપુર, વાંસવાડાનો પ્રદેશઃ હવે ઉત્તરમાંથી પૂર્વ તરફ વળીએ. ડુંગરપુર, વાંસવાડા, ઝાબુઆ તથા તેની આજુબાજુનો પ્રદેશ પણ ગુજરાતમાં જ હતો. પછીથી જેમ સીરોહીને પશ્ચિમ રાજસ્થાનમાં નાખ્યું તેમ આ પ્રદેશને પૂર્વ રાજસ્થાનમાં ભેળવી દીધો. મહીનદીની બંને બાજુએ આવેલો આ પ્રદેશ ઐતિહાસિક, ભૌગોલિક તેમજ વ્યાવહારિક અને ભાષાકીય દૃષ્ટિએ ગુજરાતનો જ છે એમાં કાંઈ શક નથી. એને પણ કૃત્રિમ રીતે જુદો પાડવામાં આવ્યો છે, છતાં એના સાંસ્કૃતિક સંબંધો તો હજી પણ ગુજરાત સાથે જ છે. ડાંગપ્રદેશઃ હવે પૂર્વમાંથી નીચે ઊતરતાં ખાનદેશનો પ્રદેશ આવે છે અને પૂર્વદક્ષિણે ડાંગ આવે છે. ખાનદેશનો પશ્ચિમ ભાગ અને ડાંગ બંને એક વખત બાગલાણ નામના મુલકના વિભાગો હતા. પશ્ચિમ ખાનદેશમાં નંદરબાર, કુકુરમુડા વગેરે ઠેકાણે ગુજરાતી ભાષા જ બોલાતી હતી. પ્રેમાનંદ કવિ ઘણુંખરું નંદરબાર અને તેની આસપાસના પ્રદેશમાં રહી આખ્યાનો કરતા હતા એ આપણે સર્વે જાણીએ છીએ. અત્યારે પણ આ પ્રદેશમાં ગુજરાતી બોલનારાઓની સંખ્યા ઘણી છે. ઠેઠ મોગલોના સમય સુધી ડાંગ સુધ્ધાં અને ઠેઠ માહીમ સુધીનો પ્રદેશ ગુજરાતના સુલતાનોના હાથમાં હતો. પરંતુ મરાઠા રાજ્યના સમય પછી કેટલાક ભાગો ગુજરાતની હકૂમતમાંથી ગયા. ખાનદેશનો પશ્ચિમ ભાગ વહીવટની દૃષ્ટિએ ગુજરાતમાંથી ગયો, પણ સાંસ્કૃતિક દૃષ્ટિએ હજી એ ગુજરાતનો જ ભાગ છે. નંદરબારના પ્રદેશમાં આજે પણ વેપાર ગુજરાતીઓના હાથમાં છે, અને ગુજરાતી સાહિત્ય પણ ત્યાં વંચાય છે. પણ અત્યારે તો મુખ્ય પ્રશ્ન ડાંગનો ઊભો થયો છે. ડાંગ તો હજી હમણાં સુધી બ્રિટિશ રાજ્યના વહીવટમાં પણ ગુજરાતના સંકલિત ભાગ તરીકે ગણાતું. એ અસલના દંડકારણ્યનો ભાગ ગણાય છે. ત્યાંના ભીલ રાજાઓ ગુજરાતના હાથ તળે હતા એ તો ઇતિહાસસિદ્ધ હકીકત છે. મરાઠી રાજ્યના સમયમાં પણ ડાંગનો ભાગ ગાયકવાડની હકૂમત તળે હતો, કારણ કે તે ગુજરાતમાં જ હતું. બ્રિટિશ અમલની શરૂઆતમાં ડાંગના ભીલોનાં બંડો સતત ચાલુ રહ્યાં. કેટલાંક વરસ પછી ડાંગના પોલિટિકલ એજન્ટ તરીકે ખાનદેશના કલેક્ટર તળે એ મૂકવામાં આવ્યું હતું. પણ રસ્તાઓ, લેવડદેવડ વગેરે બધો વ્યવહાર ગુજરાત સાથે હોવાથી ત્યારપછી તેનો વહીવટ સુરતના કલેક્ટરને સોંપાયો હતો. ત્યાર પછીથી અત્યાર સુધી તે ગુજરાતની એજન્સી તરીકે જ રહ્યું. આ કૃત્રિમ નહિ, પણ કુદરતી રચના હતી; કારણ કે ડાંગના સંબંધ અને વેપાર કુદરતે જ ગુજરાત સાથે રાખ્યા હતા. એની પૂર્વ તરફ ટેકરીઓ છે, પણ પશ્ચિમ તરફ પૂર્ણા, અંબિકા, ઔરાંગા, પાર, દમણગંગા નદીઓ ડાંગમાંથી નીકળી ગુજરાત તરફ વહી તે દરિયામાં મળે છે. આ ભૌગોલિક સ્થિતિને લીધે તેનો સંબંધ પહેલેથી જ ગુજરાત સાથે હોય એ તદ્દન સ્વાભાવિક છે. મહારાષ્ટ્ર તરફ ઊંચી ઊંચી ટેકરીઓ હોવાથી ભૂતકાળમાં તેની સાથે વાહનવ્યવહાર, લેવડદેવડ મુશ્કેલ હતાં, ત્યારે રસ્તાઓ અને નદીઓ મારફત પશ્ચિમ અને ઉત્તર તરફનો વેપાર-ધંધો સીધો ને સહેલો હતો. પણ આ બધાં કારણો કરતાં પણ ડાંગની ગુજરાત સાથે એકતાનું મુખ્ય કારણ તો ત્યાંની ભાષા છે. ડાંગની ભાષાને ખાનદેશી બોલીનો એક પ્રકાર ગણતા પ્રખ્યાત ભાષાશાસ્ત્રી ગ્રીઅર્સનનો એવો અભિપ્રાય છે કે ખાનદેશી ભાષા તે મરાઠીમાંથી ઉત્પન્ન થઈ નથી, પણ તેની અંતર્ગત વ્યાકરણીય રચના ગુજરાતી અને રાજસ્થાની ભાષાને ઘણી વધારે મળતી આવે છે. આ માત્ર તર્ક નથી, પણ આપણા અનુભવની વાત છે. એ તો જેઓએ ડાંગની લિપિ, બોલી વગેરેનો શાસ્ત્રીય પદ્ધતિએ અભ્યાસ કર્યો છે, તેમજ જેમનો ડાંગની સાથે વ્યવહાર છે તે સર્વેને સ્પષ્ટ રીતે જણાય છે. જેવોનો ગ્રીઅર્સનનો નિષ્પક્ષપાત અભિપ્રાય છે તેવો જ અભિપ્રાય રેવરંડ સી. થોમસને સને ૧૮૭૫માં બહાર પડેલા ભીલી વ્યાકરણમાં જણાય છે. મુંબઈ ગૅઝેટિયરના બારમા પુસ્તકમાં પણ તેના યુરોપિયન લેખકે જણાવ્યું છે કે ડાંગના વતનીઓ ગુજરાતી, હિન્દી અને મરાઠી મિશ્રણથી બનેલી ભાષામાં બોલતા, પણ તેમાં ગુજરાતીનું પ્રમાણ વધુ હતું. સને ૧૮૭૨ના ડાંગના એક ભીલ રાજાએ કરી આપેલો દસ્તાવેજ અત્યારે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારની ભાષા બોલાય છે તેમાં જ લખાયેલો છે. આ વિશે મારે અહીં વિસ્તારથી વિવેચન કરવાની જરૂર નથી; કારણ કે ગુજરાત સાહિત્યસભાએ ડાંગની ભાષા માટે નીમેલી સમિતિએ ત્યાં જઈ સઘળી માહિતી મેળવીને જે પ્રકાશન કર્યું છે તે એટલું બધું સર્વગ્રાહી અને અભ્યાસપૂર્ણ છે કે તે વાંચ્યા પછી ડાંગનો પ્રદેશ ભૌગોલિક, વ્યાવહારિક, ભાષાવિષયક વગેરે અનેક દૃષ્ટિબિંદુઓથી ગુજરાતનો જ ભાગ છે એમ કોઈ નિષ્પક્ષપાત વાચકને પણ જણાયા વિના રહે નહીં. તેમાં પણ આપણા ભાષાશાસ્ત્રી ડૉ. ટી. એન. દવેએ ડાંગની ભાષાનું વ્યાકરણની દૃષ્ટિએ પૃથક્કરણ કરીને સિદ્ધ કરી આપ્યું છે કે ડાંગની ભાષા દક્ષિણ ગુજરાતની ભાષાને જ મળતી છે. આ ઉપરાંત ગુજરાત સંશોધન મંડળ તરફથી પ્રગટ થયેલી “મહાગુજરાતની ભાષાકીય સીમાઓ” શ્રી કનૈયાલાલ મુનશીએ પ્રગટ કરેલું ‘ભાષાકીય પ્રાંતો અને મુંબઈનું ભવિષ્ય’ ગુજરાત સીમા પરિષદનો અહેવાલ એ ડાંગના વિષય ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે. આપણી દલીલો આ પ્રકાશનોમાં એટલી તો સબળ રીતે દર્શાવવામાં આવી છે કે એથી વધારે કહેવાનું કાંઈ જ રહેતું જ નથી, અને એથી વિરુદ્ધ શું કહી શકાય તે સમજાતું પણ નથી. થોડા વખતથી ડાંગની વસતિને ગુજરાતી શિક્ષણ માટે જે અંતરાયો પડ્યા છે તે સત્વર દૂર થાય અને ડાંગની પ્રજાનો ગુજરાત સાથેનો સર્વકાલીન સઘળો સંબંધ પૂર્વવત્ કાયમ રહે એમ માત્ર આપણે જ નહીં, પણ આખુંયે ગુજરાત આશા રાખે છે. પૂર્વદક્ષિણમાંથી દક્ષિણ તરફ ઊતરતાં ગુજરાતની સીમા દમણગંગા સુધી છે એમ કહેવાય છે, પરંતુ તેની દક્ષિણે પણ લગભગ સોપારા સુધી ગુજરાતી ભાષાનું પ્રમાણ વધારે અંશે છે એમ કહીએ તો તેમાં લેશમાત્ર અતિશયોક્તિ નથી. થાણા જિલ્લાને પહેલાં મુંબઈ ઇલાકાના મધ્ય વિભાગમાં નહિ પણ ઉત્તર વિભાગમાં મૂક્યો હતો તેમાં પણ આ એક કારણ હોવું જોઈએ. જે કોંકણપટ્ટી કહેવાય છે તે ઉત્તરમાં સુરત પાસેથી શરૂ થતી અને તે પટ્ટીનો લગભગ મુંબઈ સુધીનો ભાગ ગુજરાતમા જ હતો. સંજાણમાં પારસીઓ ઊતર્યા ત્યારથી તેમની ભાષા બીજી કોઈ નહીં પણ ગુજરાતી થઈ એ પણ સૂચક વસ્તુ છે. ગુજરાતની પશ્ચિમ દિશાએ તો સમુદ્ર આવેલો છે, એટલે એમાં તો હજી સુધી કોઈએ કાંઈ દાવો કર્યો નથી. આ પ્રમાણે આપણા સીમા પ્રદેશની સ્થિતિ છે. આપણે તો તેને મુખ્યત્વે કરીને ભાષાને સાહિત્યના દૃષ્ટિબિંદુથી તપાસવાની છે. પરંતુ એને બીજાં દૃષ્ટિબિંદુઓથી પણ છૂટું પાડી શકાય તેમ નથી. સમગ્ર દૃષ્ટિબિંદુથી જોતાં પણ ગજરાત અને તેની સંસ્કૃતિ અત્યારે વહીવટી ધોરણે જે ગુજરાતમાં ગણાય છે તેના કરતાં વધારે વિસ્તૃત પ્રદેશમાં છે. એનું સાહિત્ય પણ અત્યારે ગુજરાતની બહાર ગણાતા પ્રદેશોના લોકો પોતાના સાહિત્ય તરીકે જ વાંચે છે. ગુર્જરદેશ સંકોચાતો સંકોચાતો અત્યારે પાતળો થઈ ગયો છે. ગુજરાત વેપારમાં ગમે એટલું પહોંચેલું હોય પણ સ્વભાવે નરમ, ભોળું અને ઉદાર દિલનું છે. એનો લાભ લેવાયો છે, અને હજી પણ લેવાતો જાય છે. ગુજરાતને હમણાં ને હમણાં જ જુદો ભાષાકીય પ્રાંત બનાવવો જોઈએ એવી માગણી આપણે કરતા નથી. અત્યારે જે કંઈ સ્થિતિ છે તેમાં ફેરફાર કરવો નહીં એટલું જ આપણે ભારપૂર્વક કહીએ છીએ. આગળ ઉપર જ્યારે સીમાસમિતિઓ નિમાય ત્યારે તેને છેવટનો નિર્ણય થઈ શકશે. પરંતુ પહેલાંથી જ જ્યારે ગુજરાતના શરીરના ટુકડા કરવાની વાતો ચાલે છે ત્યારે તો માત્ર તેના પ્રદેશની સીમાનો જ નહીં, પરંતુ તેની સહનશક્તિની સીમાનો સવાલ પણ ઊભો થાય છે. સોએક વરસ પહેલાં ગુજરાતના ગૌરવ માટે ગર્વ ધરાવનાર આપણા પ્રથમ રાષ્ટ્રભક્ત કવિ નર્મદના હૃદયમાંથી ઉદ્‌ગાર નીકળ્યા હતાઃ “કોની કોની છે ગુજરાત?” એણે જે ઉત્તર આપ્યો એમાં હવે આટલું ઉમેરવાનો વખત આવ્યો છેઃ “પૂર્વજ જેના ગુર્જર ભૂમિના, સીમાપ્રદેશે જઈ વસ્યા, રંગ છો લાગ્યો પરભાષાનો, રીતરિવાજે ગુર્જર રહ્યા, તેની તેની છે ગુજરાત, પછી પડ્યા ગમે તે ભાગ, તોપણ ગણાય સૌ ગુજરાત, એવી અખંડ રહો અમ માત!”...