પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.


શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ

પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ: સુરત
મે ૧૯૧૫


સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)

“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”

આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે. ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે. ગુજરાતી ભાષાનો શાસ્ત્રીય અભ્યાસ કરનાર ગુજરાતના આદિ પંડિત નરસિંહરાવ, એ પણ આજે સર્વવિદિત છે. આ વિષયમાં એમની ઝીણવટ, ચોકસાઈ અને સંશોધનશક્તિનો ગુજરાતને પરિચય થાય છે.

ત્રીજી અને ચોથી બંને સાહિત્યપરિષદોમાં એમનું નામ પ્રમુખપદ માટે સૂચવવામાં આવ્યું હતું. પુરોગામીઓ માટે ઉદારતાથી એ ખસી ગયા, અને સુરતમાં ભરાયેલી પાંચમી સાહિત્ય પરિષદના પ્રમુખપદે એમની વરણી થઈ. એમનું એ વખતનું ભાષણ આજે પણ અને સર્વદા અભ્યાસશીલ ગુજરાતીઓને ઉપયોગી થાય તેવું છે.



ઉપોદ્‌ઘાત

तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो


धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।

સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ! આપણી આ પાંચમી સાહિત્યપરિષદના પ્રમુખપદનું માન અને જવાબદારી મારે શિર અર્પવા માટે આપ સર્વનો હું અન્તઃકરણથી ઉપકાર માનું છું. ગુજરાતી સાહિત્યપરિષદ ભરવાની યોજના પહેલ પ્રથમ ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની સાહિત્ય સભાના તંત્રાધિકારીઓએ મારી આગળ વાતપ્રસંગે પ્રકટ કરી તે વખતે એ ઉચ્ચાભિલાષી પ્રયાસ માટે તે ક્ષણે તો સંકોચ, અશ્રદ્ધા અને કાંઈક અંશે સફળતાની સિદ્ધિ વિષે ભય – એવા ભાવ મારા મનમાં થયા હતા. થોડા સમયમાં જ એ પ્રથમ પ્રયાસના વિજયે એ લાગણીઓને શમાવી દીધી. એ પ્રથમ પરિષદનું પ્રમુખસ્થાન ગુર્જર વિદ્વાનો અને કવિઓમાં અગ્રેસર ગોવર્ધનભાઈને યથોચિત રીતે અપાયું હતું. એ પ્રસંગે મારા સ્વપ્નામાં પણ આવ્યું નહોતું કે ભવિષ્યમાં એ પદવીનું માન મને આપવામાં આવશે. કાલક્રમે અને કાલબળે ગુર્જર સાહિત્યના રસિક વર્ગે એ સ્થાનમાં મને બેસાડવાનું ઉચિત ધાર્યું તો એ પસંદગીને આજ્ઞારૂપ માનીને મારે કર્તવ્યનો ભાર સ્વીકારવા સિવાય બીજો માર્ગ જ નહોતો; મારી ઇચ્છાને ગૌણ સ્થાન આપી આપ સર્વની ઇચ્છાને પ્રધાનપદ આપ્યા વિના છૂટકો જ નહોતો; અહીં વિકલ્પને અવકાશ જ નહોતો, આ સ્થિતિમાં જેવો છું તેવો, આપ સર્વની સમભાવભરી સહાયતાથી, પાર પાડી શકાશે તો હું તત્કાળ કૃતકૃત્ય થયો એમ માનીશ. આ આપણા આરંભને સત્રનું નામ ભારે લાગે તો ક્ષણભર ચિન્તન કરી જોશો. પ્રાચીનકાળમાં આપણા પૂર્વજો જે યજ્ઞનાં સૂત્રો માંડતા હતા તે જેમ ઇષ્ટ દેવતાને પ્રીત્યર્થ યજ્ઞ કરતા હતા તેમ આજ આપણે આપણી ઇષ્ટ દેવતા – સરસ્વતી દેવી – ને આરાધવા શું એકત્ર થયા નથી? આપણા સત્રને વિશેષ રૂપ આપણે આપી શકીએ એમ છે. આ સત્રમાં યજ્ઞબલિ તરીકે દ્વેષ, ઈર્ષ્યા, અહંતા ઇત્યાદિ પશુઓને હોમી દઈશું; કીર્તિ, ધન, ઇત્યાદિ લાભને ઇષ્ટ લક્ષ્યની બહાર રાખીશું; અને કામ્ય કર્મ જેવી આ ઇષ્ટિ નહીં પણ નિષ્કામ સરસ્વતીપૂજા એ જ આ સત્રનું વિશિષ્ટ લક્ષણ બનાવીશું, આવા મહાન સત્રમાં ઋત્વિજોની પદવીમાં મારું સ્થાન બ્રહ્માના અધિકારનું આપે રાખ્યું છે તે એક દૃષ્ટિએ અલ્પ શ્રમના ભાગને લીધે, સુખકર છે, તેમ અન્ય દૃષ્ટિએ, यज्ञस्य हैष भिषग् ब्रह्मा એ બ્રહ્માનું કર્તવ્ય જોતાં વૈદ્યને શિર જે જવાબદારી રહે છે તેથી વિષમ કર્તવ્યથી ભરેલું પણ છે; આશા એટલી જ રાખું છું કે આપણા સત્રમાં એ વૈદ્યકાર્યનો પ્રસંગ જ થવા નહીં પામે; એ આશા સફળ થવી એ આપ સર્વના સૌજન્ય ઉપર આધાર રાખે છે. એ સૌજન્ય ઉપર મારો પૂર્ણ વિશ્વાસ છે. વળી યજ્ઞના સમારંભમાં બ્રહ્માની કને તો સર્વજ્ઞપણાની અપેક્ષા રખાય; તે વિષયમાં ઊનતા મારામાં જણાશે એ મને ભય રહે છે; પરંતુ તમારા સર્વના સ્નહેભાવનો વિચાર આવતાં એ ભયનું જોર બહુ અંશે નરમ થઈ જાય છે.

આ સ્નેહભાવને સ્થળ, કાળ, પ્રસંગ ઇત્યાદિની મર્યાદા છે; અને તેથી તેટલા જ ઉપર આધાર ન રાખતાં જ્ઞાનના પ્રદેશમાં પરિક્રમણ કરનારાઓને ઉચ્ચ માર્ગમાં રાખનારી એક બીજી ભાવના ઉપર હું વધારે બળથી ભાર મૂકી તે તરફ આપ સર્વનું ધ્યાન ખેંચું છું. વિદ્યા, જ્ઞાન, સાહિત્ય – એ સર્વ માનવજાતિના બુદ્ધિરૂપ ઉચ્ચ વ્યાપારવિષયમાં પ્રત્યેક વ્યક્તિને સાચું પ્રેરક બળ શું છે? સત્યનું અન્વેષણ અનન્ય ભાવથી, સત્ય તરફ પ્રેમથી, અન્વેષણ – એ જ. તો અન્વેષણમાં જે જે અભ્યાસીઓ નિર્મમત્વથી પ્રવૃત્ત થાય છે તેમના મનમાં પરસ્પર સહકારિતાનું બળ – એ સહકારિતાના ભાનનું બળ – હોય તો અને તેથી જ એકબીજાની ઊનતાઓ બન્ધુભાવથી, સહકારિતાથી પૂરી શકાય છે. પ્રત્યેક જણ એ અન્વેષણમાં પોતપોતાની શોધક દીપિકા લઈને પગલાં ભરે છે, અને અન્ય દીપિકાથી તેમાં પ્રકાશ ઉમેરવો, ભયનાં સ્થાન, ખાડા, હોય તે દર્શાવવા, અથવા ખોટી દિશામાં અન્ય બન્ધુ જતો હોય તે માટે ચેતવણી આપવી – એ હેતુ જ પ્રેરક છે. આ દૃષ્ટિ રાખ્યાથી ભ્રમ, કલહ, માનવસ્વભાવને સુલભ રાગદ્વેષ, એ સર્વનો લોપ થાય છે. જ્ઞાન અને સત્યના અન્વેષણમાં સતત પ્રવૃત્તિ રાખનારાઓમાં આ ભાવના તરફ જ પ્રીતિ હોય છે, તો આજ આપણે એ વિષય માટે વિશેષ પ્રસંગનો સમારમ્ભ આદર્યો છે તેમાં એ જ પ્રેરક બળ – સત્યનું અન્વેષણ, એ અન્વેષણમાં સહકારિતાનો ભાવ, એ ભાવની અન્યતા એ પ્રેરક બળ-વિશેષ ઉલ્લાસથી આપણને પ્રવૃત્ત કરશે એ આશા વ્યર્થ નહીં ગણાય. આપણે સર્વ સરસ્વતી દેવીના સહયાજી ભક્તો છીએ, એ દેવીનો પ્રસાદ કોઈને વધારે મળે, કોઈને ઓછો મળે, કોઈને મળે નહીં એમ ચાલ્યું જાય. એક શ્રુતિવચન છે કેઃ

उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् ।
उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।।

‘વાગ્દેવીને એક જણ જુવે છે છતાં દેખતો નથી, બીજો એને સાંભળે છે છતાં સાંભળતો નથી; પ્રેમવશ પત્ની સુન્દર વસ્ત્રો ધારેલી પોતાના પતિની આગળ પોતાનું રૂપ દર્શાવે છે તેમ વાગ્દેવી વળી ત્રીજાને પોતાનું સ્વરૂપ કરે છે.’

આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો?

સુરત અને સાહિત્યસેવા

આ ઊંચી ભાવનાથી પ્રેરાઈને આજ પ્રમાણે ગુજરાતી સાહિત્યપરિષદની પાંચમી બઠેક આ પ્રાચીન નગરમાં ભરી છે. સુરતનો પ્રાચીનતાનો હક આ પ્રસંગને માટે બહુ સંગત ના ગણાય. પરંતુ સાહિત્યસેવાનો ઇતિહાસ વાંચીશું તો એ દૃષ્ટિથી સુરતનો હક સ્થાપવાને માત્ર એક નામ – મોટા અક્ષરે લખવાનું નામ – બસ છે, – નર્મદ કવિ. જે જમાનામાં કવિનો ધંધો તે ઉદરનિર્વાહનું સાધન ગણાઈ તે હીન ભાવનાની સાથે અવશ્ય જોડાયેલા કેટલાય આત્મગૌરવવિરોધી ગુણો પ્રગટ થતા હતા; રાજાની સ્તુતિ, રાજ્યના અમલદારોની ખુશામદ, એ હલકા ભાવોથી કવિતા બહુ બહુ વાર પ્રેરાતી હતી; સરસ્વતીને દેવીપદમાંથી ભ્રષ્ટ કરી દાસીપદ અપાતું હતું; તે જમાનામાં એ દેવીની અનન્ય ભાવથી – આત્મગૌરવના બળથી ઉત્તેજિત થઈ, દેશસેવાના ઉત્સાહથી ઊભરાઈ જઈ, આપણા ગુર્જર સાહિત્ય ક્ષેત્રમાં સેવા કરનાર નર એક નર્મદ જ હતો. કવિ તરીકે એનામાં ઘણી ઊનતાઓ હશે; ભલે, તે આપણો પ્રશ્ન નથી. પરંતુ ઉપર દર્શાવેલા ગુણોથી સાહિત્યસેવાને ગૌરવને ગૂંગળાવનારા રાજદરબારના પ્રદેશમાંથી કાઢીને વિશુદ્ધ ભાવના વાતાવરણમાં મૂકનારા કવિ નર્મદાશંકર આ સુરત શહેરના ઇતિહાસમાં અસાધારણ દીપ્તિથી દીપનાર નક્ષત્ર તરીકે આપણા સાહિત્યના વ્યોમમંડળમાં ચિરકાળ સ્થિર રહેશે. અસહાય, આત્મબળ ઉપર જ ભરોસો રાખનાર નર્મદે ગમે તેવો પણ આદિ પ્રયાસના ગુણોથી ભરેલો ગુજરાતી ભાષાનો કોશ કર્યો છે. તે પછી આજ સુધી એ દિશામાં ઊનતાપૂરક પ્રવૃત્તિ કોઈની પણ થઈ છે ખરી? માત્ર કોશથી જ નહીં, પણ ગદ્યપદ્યમય અનેકાનેક કૃતિઓથી–નવીન ભાવનાના ઉત્સાહબળ વડે પ્રેરાયલી કૃતિઓથી પોતાની આસપાસ વિશાળ મંડળમાં એ ભાવનાનો તેજસ્વી સંપર્ક લગાડીને સાહિત્યપ્રવૃત્તિનો ઉચ્ચ અધિકાર સ્થાપીને, નર્મદ કવિએ ગુર્જર સાહિત્યની અનન્ય સેવા કરી છે. એ નર્મદ કવિનું સમર્થ લેખનીથી જીવન આલેખનાર, માર્મિક ભાષાની સંક્ષિપ્ત શૈલી ઉપર પ્રભુત્વ ધારણ કરનાર, ઠરેલ વિવેચનો લખનાર અગ્રણી વિવેચક અને ગંભીર કવિત્વવાળી રચના રચનાર, નવલરામભાઈનું નામ આ સાથે જ ખડું થાય છે. સુરતના એ વતની હતા. પરંતુ એમનું સાહિત્યપ્રવૃત્તિનું જીવન તળગુજરાત અને કાઠિયાવાડમાં બહુ ભાગે ગયું હતું. તેથી સુરત સાથેનો એમનો સંબન્ધ કાંઈક અંશે શિથિલ ગણાય; પરંતુ આરંભકાળના સાહિત્યના સંસ્કાર સુરતમાંથી અને સુરતના એકલવીર નર્મદના સંબન્ધમાંથી સધાયા હતા તે દૃષ્ટિએ એમની નામગણના અહીં અસ્થાને નથી. નર્મદ કવિની અગ્નિજ્વાળામાંથી બીજા અનેક ફૂટી નીકળેલાં સ્ફુલિંગોની ગણના કરવાની અહીં જરૂર નથી. સુરતને સાહિત્યના ઇતિહાસમાં માનનું સ્થાન આપનાર આ બે સમર્થ વ્યક્તિઓ જ બસ છે. પરંતુ નંદશંકર તુળજાશંકર, મહીપતરામ રૂપરામ, દુર્ગારામ મહેતાજી એ તેજસ્વી વ્યક્તિઓને સુરત જોડેનો સંબંધ ભૂલવાનો નથી; અને એમની ગણના નર્મદ અને નવલ એ યુગ્મની સાથે સમાન ભૂમિમાં જ કરવાની છે.

વૃદ્ધશ્રાદ્ધ

એ સમર્થ સાહિત્યસેવકો પોતાની તરફની સેવા બજાવીને આ જીવનમાંથી ચાલી ગયા છે; એમની સેવાનાં ફળનો લાભ આપણે લેવાનું અહીં ભૂલીએ તો એમની કદર કાંઈક અંશે આપણે જાણી એમ ગણાશે. આ સરસ્વતીભક્તોને વિશે આ રીતે બોલતાં છેવટની સાહિત્ય પરિષદ પછી આજ આપણે મળીએ છીએ તે વચગાળામાં આપણે ખોયેલા અન્ય વિદ્વજ્જનોનું સ્મરણ થયા વિના નહીં રહે. દીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ વડોદરાની સાહિત્યપરિષદમાં આપણને પ્રોત્સાહન આપવા માટે હાજર રહ્યા હતા, એમનું સ્થાન આજ ખાલી છે, એ જોતાં કોને ખેદ નહિ થાય? રાજકોટમાં સાહિત્યપરિષદનું પ્રમુખસ્થાન એમને મળ્યું તે સમયે એમની યોગ્યતાથી અજાણ્યા ગણતર વર્ગ તરફથી એમને જ અન્યાય મળ્યો હતો તે એમના તે પરિષદ વખતના ગંભીર વિચારપૂર્ણ અને સૂચક ભાષણે તેમ જ પ્રમુખપદથી કરેલા કામે તદ્દન વિલુપ્ત કર્યો હતો તે સર્વના સ્મરણમાં હશે. કવિતા કે નાટકો લખ્યાથી જ સાહિત્યપરિષદના પ્રમુખપદની યોગ્યતા પ્રાપ્ત થાય છે એ સંકુચિત કલ્પના છે. ગંભીર ચિંતન, સાહિત્યના વિકાસ માટે તનમનથી પરિશ્રમ, ઇત્યાદિ ગુણો અંબાલાલભાઈનામાં નહોતા એમ કોણ કહી શકશે? પરંતુ અત્યારે એમની યોગ્યતા માટે હિમાયત કરવાનો પ્રસંગ નથી. એમની ખોટ આપણને ખરેખરી પડી છે એ હું કહું છું તે એ મારા પૂજ્ય ગુરુ હતા તેથી અને તેથી ઉત્પન્ન થતા ભક્તિભાવથી જ કહું છું એમ નથી; સર્વ સુજ્ઞો એ ખોટ પડ્યાનું સ્વીકારશે જ એમ માનું છું. આપણા આજના પરિષદના કાર્યમાં એ અને અન્ય પરલોકવાસી સાહિત્યસેવકોના આત્માઓનું આવાહન કરીને આરંભ કરીશું. આપણે લાભ પણ જોઈએ; પ્રત્યક્ષ દૃષ્ટિમાં પડે તેમ એ નહીં હોય, પરંતુ સમભાવ સાથે નિરીક્ષણ કરીશું તો જણાશે કે આપણા કાર્યમાં સહાય કરનાર યુવક મંડળ છે તેમાંથી અનેક નવીન ઉત્સાહબળથી, નવીન બુદ્ધિબળથી અને નવીન વિદ્યાબળથી ભવિષ્યમાં સાહિત્યપરિષદને પુષ્ટ કરનારા નીવડશે એવા છે; એમની નામગણના આ પ્રસંગે કરવાથી એમને જ અન્યાય થાય માટે એમની ઉત્સાહભરી સહાયતાનો સ્વીકાર કરીને જ મૌન રાખું છું.

એક અભ્યર્થના

મારા આજના ભાષણ માટે તમે જો મોટી આશાઓ બાંધી હશે, તો લાચાર છું, તમારે નિરાશ થવું પડશે. આજ પહેલાં ચાર પરિષદો થઈ ગઈ તેથી કરીને હું તો એક રીતે પ્રતિકૂલ દશામાં પડ્યો છું; એ પરિષદોના પ્રમુખસ્થાને આવેલા વિદ્વાન પૂર્વાધિકારીઓ જે જે કહી ગયા, તે તે બાબતોમાં મારે માટે તો દ્વાર બંધ જ થયાં છે; એ વિષયોની પુનરુક્તિ ના થાય એમ મારે સાચવવાનું વિષમ કામ આવ્યું છે. તે ઉપરાંત જગતમાં જ્ઞાનનો ભંડાર એવો વધી પડ્યો છે કે સામાન્ય રીતે પણ પૂર્વગામીઓના ભાષણોની સરખામણી કર્યા વિના સ્વતન્ત્ર રીતે પણ હું કશું નવીન ભાગ્યે જ કહી શકીશ. પારકું ચોરેલું ઘણે ભાગે દેખો, અથવા તો ચોરેલો માલ નથી એમ ખપાવી દેવાનો પ્રયત્ન કરીને જૂનાને નવું રૂપ આપેલું જણાય તો મને સર્વાંશે દોષ ના દેશો. આ જમાનો ચોરીનો જ છે. આપણે બધા એક દૃષ્ટિએ ચોર જ છીએ, અને આ “ચોરોની પરિષદ” જ છે એમ ઉપહાસદૃષ્ટિ વાપરીને જોનાર એક જણે વિનોદમાં એ મથાળાથી એક ઉપહાસલેખ લખ્યો હતો તે અત્યારે નવીન અર્થમાં સ્મરણમાં આવે છે. મારે કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જ્ઞાનની સામગ્રી આપણી કને આ વ્યાપક વિદ્યાપ્રસારના સમયમાં સર્વસુલભ હોઈ નવીનતાની ઝળક જતી રહેલી, સર્વને પરિચિત વસ્તુ જેવી, ઠેર ઠેર પ્રત્યક્ષ છે. એ સામગ્રીનો ઉપયોગ અપૂર્વ રીતે કરીને, એક જ ઈંટોના સમૂહમાંથી જુદા જુદા નમૂનાનાં મન્દિર રચી શકાય તે સ્વરૂપે, નવીનતા જો હું આણી શકું તો તેટલે અંશે મને નવીનતા સાધ્ય છે, એ સાધનમાં શ્રમ અને કળાનો ખપ પડે છે તે જેટલે અંશે મને આવડશે તેટલે અંશે સિદ્ધિ થશે.

વિદ્યાસેવા ઉપરના આક્ષેપની પરીક્ષા

અહીં જરાક થોભીએ. આપણે આવી પરિષદો ભરીને આપણી સાધનમૂડી વ્યર્થ ખરચી નાખવાનું મૂર્ખકૃત્ય કરીએ છીએ એમ તો નથી થતું? પ્રજાના જીવન જોડે અતિ નિકટ સંબંધ રાખનારા આર્થિક, રાજકીય, પ્રશ્નો આપણી પાસે આગ્રહથી દબાણ કરીને ખુલાસો માગે છે તેવા સમયમાં, ચોમેરે યુદ્ધનાં દુઃખમય પરિણામોની પરમ્પરા વચ્ચે, દેશનો વેપાર દુર્દશામાં છે તેવે વખતે, ગરીબ લોકો ભૂખે મરે છે તેવા સમયમાં, આપણે અહીં બેઠા ભાષા, સાહિત્ય, કવિતા ઇત્યાદિ અનુત્પાદક વિષયોની જ્ઞાનમંદિર શોભાવનારી ચર્ચા કરવા બેસીશું એ શું કર્તવ્યદ્રોહ જેવું નથી થતું? આ પ્રશ્નો હું નકામા નથી પૂછતો, કેટલાક ડાહ્યા પુરુષો આ પ્રકારનો આરોપ આપણા આજના પ્રયાસ ઉપર મૂકવાને તત્પર થયા છે. દેશની હાલની વિશેષ અપવાદરૂપ સ્થિતિની વાત બાજુ ઉપર મૂકતાં પણ કેટલાકોનો મત એમ છે કે શુદ્ધ સાહિત્યની ચર્ચામાં કાળ ગુમાવવો એ દેશદ્રોહરૂપ છે; એ લોકોને મતે તો ધાન્યનો એક અંકુર ફૂટતો હોય તેને સ્થળે બે અંકુર ફૂટે એવા વ્યાપારમાં આપણી બુદ્ધિ, ધન અને ઉદ્યોગની સંપત્તિ વાપરવી તે સાહિત્યના નિષ્ફળ પ્રયાસો કરતાં હજારગણું શ્રેયસ્કર છે. આ મિત્રોને શો ઉત્તર દઈશું? એ જ કે દેશની હાલની વિષમ સ્થિતિમાં દુઃખ ઓછાં કરવાના જે જે માર્ગ છે તે આદરવાની જોડે આપણે આ પરિષદનો વ્યાપાર અણુમાત્ર વિરોધી નથી બનતો. એ માર્ગોમાં જે જે કર્તવ્યો કરવાનાં તે પણ થયે જાય છે, અને તે સાથે આપણું આ કાર્ય ભલે થાય; એમાં દુઃખ માનવાનું કારણ કશું નથી, આર્થિક પ્રશ્નોને જ જીવનનું કેન્દ્ર ગણનારાને તો કવિજન ઉત્તર એ જ આપશે કે જીવનનું સાર્થક્ય કેવળ ધનોપાર્જનમાં નથી સમાયું, ધનસંપત્તિ તે સુખસંપત્તિનો પર્યાય નથી, કે એ સંપત્તિનું નિયત કારણ પણ નથી. કવિજન કહેશે કે ફક્ત એક આત્માને સત્ય સુખના, વિશુદ્ધ આનન્દના માર્ગમાં એક ક્રમ ઊંચે ચઢાવી શકાય, તો તે સ્થિતિ આર્થિક સંપત્તિ કરતાં હજાર ગણી મૂલ્યવાન છે. કાંઈક આ ધોરણે જ સાહિત્ય અને એવા બુદ્ધિવ્યાપાર યોજનારા વિષયોના સેવકો ધનસંપત્તિના સેવકોને ઉત્તર આપી શકશે. જ્ઞાનના વિષયમાં વિહાર કરનાર સરસ્વતીપૂજક પોતાની તેમ જ અન્ય બન્ધુઓની માનસિક ઉન્નતિમાં, શુદ્ધ વિદ્યાનન્દમાં, જે સેવા કરે છે તેની કદર રૂપિયા-આના-પાઈથી સર્વ વિષયોની કીમત આંકનારા ભાગ્યે જ કરી શકશે. આમ છતાં ભૂલી જવું ના જોઈએ કે વિદ્યા અને સાહિત્ય સેવકોએ પરોક્ષ રીતે – અને ક્વચિત્ સાક્ષાત્ રૂપે – દેશની સાંસારિક અને આર્થિક અને રાજકીય ઉન્નતિ ઉપર સમર્થ અસર કરી છે, અને એવાં દૃષ્ટાંત જગતના ઇતિહાસમાં ચિરંજીવ રહ્યાં છે. ‘Uncle Tom’s Cabin’ એ વાર્તા અમેરિકામાંથી ગુલામગીરી નાબૂદ કરનાર કારણરૂપ બની હતી; રુસોનાં લખાણોએ ફ્રાન્સની પ્રજામાં ભારે જીવનપરિવર્તન કર્યું હતું, ડેન્ટીની કવિતામાં ઈટલીના જીવનોદ્વારનાં મૂળ હતાં, ઇરૅસ્મસના લેખો યુરોપના ધર્મપરિવર્તનનાં આદિ કારણ હતા, અને એનું પણ ઊંડું મૂળ સૅવેનરોલા સુધી અને છેક પ્લેટો સુધી લઈ જવાય એમ છે. ઇરૅસ્મસના ‘Eucharidion’ તથા ‘Adagia’ એ બે ગ્રન્થોની અસર વ્યાપક થઈ હતી તેથી પણ વિશેષ રૂપે બાઇબલના એના ભાષાન્તરે ‘રિફૉર્મેશન’ (Reformation)નાં બીજ વાવ્યાં હતાં. તે જ રીતે વેદનાં ભાષાન્તર યુરોપના પંડિતોએ કર્યાં તેથી આપણા હિન્દુસ્તાનમાં ધર્મ, સંસારજીવન, ઇત્યાદિ ઉપર નવો પ્રકાશ પડી પરિવર્તન થયું એમ પ્રો. મૅક્સ મ્યુલર માને છે.[1] ડિકન્સની વાર્તાઓના પ્રતાપે તે સમયમાં ન્યાયખાતામાં અને વકીલ સૉલિસિટર વર્ગોમાં તથા દીવાની જેલખાતામાં પ્રવર્તતા અંધેર તથા અન્યાય દૂર થવા પામ્યાં હતાં. આપણા ગુજરાતી સાહિત્યમાં એટલાં ઉત્કટ અને વ્યાપક દૃષ્ટાંતો નહીં જડે, તો પણ ‘લલિતાદુઃખદર્શક’ નાટક ભજવાતું જોઈ એક બાઈએ પોતાની પુત્રીનો અયોગ્ય વર સાથેનો વિવાહ ટાળી નાંખ્યો હતો તે વાત નોંધવા લાયક છે, ‘સરસ્વતીચન્દ્ર’ની અસર પ્રજાજીવન ઉપર નહિ, પણ સાહિત્ય ઉપર થઈ છે તેથી તે આ પ્રશ્નને સંબંદ્ધ થશે નહિ.

પરિષદની કલ્પના અને એનો સંક્ષિપ્ત ઇતિહાસ

તો આપણે હવે આપણું કામ હાથ લઈએ. આપણી સાહિત્ય પરિષદનો ઇતિહાસ અને એની કલ્પના વિશે કાંઈક પશ્ચાદવલોક અહીં અસ્થાને નહીં ગણાય. તે કરવામાં આરંભમાં જ પરિષદ એ સંસ્થાને ઇતિહાસ જોઈ જઈશું તો આપણી દૃષ્ટિ સુસ્થિત થશે. અતિ પ્રાચીન સમયમાં આપણા આર્ય પૂર્વજોએ પરિષદ નામે એક સંસ્થા સ્વીકારેલી ‘બૃહદારણ્યક’માં જણાય છેઃ શ્વેતકેતુ પંચાલોની પરિષદમાં ગયાની વાત ત્યાં કહેલી છે; એ સિવાય પરિષદ વિશે અનેક સ્થળે ઉલ્લેખ છે. મૅક્સ મ્યુલર કહે છે કે પરિષદ એટલે બ્રાહ્મણોનું એક મંડળ, કૉલેજ, કે એવી સંસ્થા જેમાં જુદી જુદી શાળાના (જુદાં જુદાં ચરણના) બ્રાહ્મણો જોડાયલા હતા. એ પરિષદોના વિશેષ ગ્રન્થો તે પાર્ષદ અને પાર્ષદનો એક વિભાગ તે પ્રાતિશાખ્ય. ભિન્ન ભિન્ન વૈદિકશાળામાં સ્વીકારાયલા ઉચ્ચારાદિકની ચર્ચા કરનારા ગ્રન્થ તે પ્રાતિશાખ્ય. મનુ, યાજ્ઞવલ્ક્ય, પરાશર એ સ્મૃતિકારે પરિષદની ઘટના બતાવી છે તે પ્રમાણે મીમાંસા, ન્યાય, વેદાઙ્ગ જાણનારા ૨૧ બ્રાહ્મણોની પરિષદ બનતી હતી; એ સંખ્યા ઓછી પણ, જરૂર પડ્યે, થઈ શકતી હતી, તે એટલે સુધી કે એક બ્રાહ્મણને પણ પરિષદ ગણાય એમ સંભવ હતો. ધર્મશાસ્ત્રના સંદિગ્ધ પ્રશ્નોનો નિર્ણય, લોકોની માગણીથી, આપવો એ આ પરિષદોનાં કર્તવ્યોમાંનું એક હતું. એમ પણ મનાય છે કે દેશકાલને અનુસરીને ધર્મશાસ્ત્રમાં ફેરફાર કરવાનો પ્રસંગ આવે તો પરિષદ ભરીને એ વિશે નિર્ણય થતો હતો. આ પરિષદોમાંનાં બ્રાહ્મણોનાં વિદ્યા, વય, ઇત્યાદિને અંગે અધિકારનાં લક્ષણ પણ ઠરાવેલાં હતાં. હજી કેવળ વિદ્યાના–કાવ્યાદિક શાસ્ત્રોના–પંડિતોની પરિષદોનો સમય આવ્યો નહોતો. જે અલ્પ સમયમાં પુસ્તકો છાપવાની કળા ઉત્પન્ન થઈ નહોતી, અને પુસ્તકોનો પ્રસાર થવાનાં સાધન અલ્પ હતાં, તેવા સમયમાં પંડિતોની સભાઓ ભરાતી અને પંડિતોએ રચેલા નવીન ગ્રંથો વંચાતા હતા એ સમય ઉપરના સમય પછી કાંઈક મોડો નજરે પડશે. બૌદ્ધ સાધુઓની સંગીતિ નામની સભાઓમાં પણ આ પ્રકાર નજરે પડે છે. અશોકે અને કનિષ્કે મેળવેલી સંગીતિઓ સુપ્રસિદ્ધ છે. એ સંગીતિઓનો કાવ્યવ્યાપાર ધર્મમાં સંદિગ્ધ પ્રશ્નોના ખુલાસા મેળવવા, અવ્યવસ્થા મટાડવી, ભિક્ખુઓની આચારવ્યવસ્થામાં સુધારો કરવો, ઇત્યાદિ ધર્મવિષયનો હતો. જૈન પરિષદ વલભીપુરમાં સંવત ૫૧૦માં મળ્યાનું કહેવાય છે. તે વલભીપુરના ઐતિહાસિક ઉત્પત્તિ સમય જોડે અસંગત થાય છે. પરંતુ તેટલાથી વસ્તુતઃ પરિષદ મળી નહોતી એમ નથી થતું. મગધમાં પ્રથમ જૈન પરિષદ મળેલી કહેવાય છે, તેણે “માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો, અને વલભીપુરની પરિષદે એ સૂત્રોને સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હતું.” (“વિમલ પ્રબન્ધ”નો ઉપોદ્ઘાત, મણિલાલ બકોરભાઈ વ્યાસકૃત, પૃષ્ઠ ૭) ત્રીજી પરિષદ મથુરાની કહેવાય છે. આ પરિષદોનું સ્વરૂપ આપણી હાલની પરિષદોથી જુદા પ્રકારનું એમાં તો શક નહીં. અને ખરું જોતાં આ મંડળનું નામ પરિષદ નહોતું, સંઘ એમને કહેતા હતા. પોતાના આગમનો સંગ્રહ કરવો ઇત્યાદિક તે સમયમાં ઉપસ્થિત થાય તેવું જ એ સંઘનું કાર્ય હતું. આ ત્વરિત પશ્ચાદવલોકનમાંથી એટલું જણાય છે કેઃ

પરિષદના મંડળ માટે અધિકારનું તત્ત્વ

(૧) આ પરિષદોના કાર્યવ્યાપાર તથા હેતુ (क) વૈદિક શાખાઓ અને ચરણોના અધ્યયનને અંગે ચર્ચાદિક; (ख) ધર્મશાસ્ત્રના સંદિગ્ધ પ્રશ્નોનાં વિવરણ, દેશકાલાનુસાર ફેરફાર; (ग) છાપવાની કળા ઇત્યાદિ પ્રચારનાં સાધનોને અભાવે પંડિતોની રચનાઓની પ્રસિદ્ધિ માટે અવકાશ, ઇત્યાદિ હતા; (૨) પ્રાચીન પરિષદોમાં સ્થાન પ્રાપ્ત કરવા માટે વિદ્યાદિક પરત્વે અધિકારની મર્યાદા દૃઢ હતી; અને એ મર્યાદાને લીધે સંકુચિત વૃત્તિ, સર્વગ્રાહિતા સાથે વિરોધ, ઇત્યાદિ અંશો દૂષણરૂપ નહોતા મનાતા. પ્રાચીન સમય અને ચાલુ વર્તમાન સમયની વચ્ચે આ સિવાય અન્ય સ્વરૂપની પરિષદો જાણ્યામાં નથી. આપણા વર્તમાન સમયની પરિષદની સ્વરૂપકલ્પના માટે એના અસલ નમૂના તરફ નજર કરવી પડશે; પાશ્ચાત્ય દેશોમાં ‘કૉંગ્રેસ ઑફ ઓરિએન્ટાલિસ્ટ્સ’ (Congress of Orientalists) ઇત્યાદિ પરિષદો ભરાય છે તે સંસ્થાને જ આદર્શરૂપ લઈને આપણી પરિષદની કલ્પના થઈ લાગે છે. (હાલ બંગાળામાં બંગપરિષદ છે તે સંસ્થાનું સ્વરૂપ કાંઈક જુદા પ્રકારનું છે; કાયમનાં સ્થાન, સભ્યવર્ગ, અધિકારીવર્ગ, ઇત્યાદિથી બનેલી પાશ્ચાત્ય ‘એકેડેમી’ (Academy) – વિદ્વન્મંડળી – ના ધોરણે એ પરિષદ રચાયલી જણાય છે; માટે આપણી પરિષદ માટે માત્ર નામના સરખાપણાથી ભ્રમ થવો ન જોઈએ તે લક્ષમાં રાખવાનું છે. પરંતુ બંગપરિષદના કાર્યરૂપે સાહિત્યસંમેલનો બંગાળામાં થાય છે તે આપણી ગુજરાતી સાહિત્યપરિષદના સ્વરૂપનાં છે. મરાઠી સાહિત્યસંમેલનો પણ એ જ નમૂનામાં છે. પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે. આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો?

આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય–

गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः

એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ.

ગુજરાતી સાહિત્યપરિષદનો સંક્ષિપ્ત ઇતિહાસ

આ સ્થળે આપણી સાહિત્યપરિષદનો દસ વર્ષનો ઇતિહાસ ઝડપથી જોઈ જવાનું મન થાય છે. ઈ.સ. ૧૯૦૫માં અમદાવાદની ‘સાહિત્યસભા’ના યુવકવર્ગમાં પ્રથમ કલ્પના સ્ફુરી કે સાહિત્યપરિષદ ભરવી. મારા સ્મરણ પ્રમાણે આ નવીન જ કલ્પના હતી. મહારાષ્ટ્રમાં એ સમયમાં શરૂ થયેલી મરાઠી પરિષદની સંસ્થામાંથી પ્રેરણા ઉત્પન્ન થઈ નહોતી. ‘ગુજરાત સાહિત્યસભા’ એમ નામરૂપાન્તર એ મંડળનું થયું તે વખતે યોજેલા ઉદ્દેશોમાં ‘સાહિત્યપરિષદ’ ભરવી એ એક ઉદ્દેશ હતો. પ્રથમ પરિષદના રિપોર્ટ (આમુખ, પૃ. ૩) ઉપરથી જણાશે કે નર્મદ અને મણિલાલ દ્વિવેદીની અભિલાષા પરિષદ ભરવાની હતી. ગમે તેમ હો, ગુજરાતી સાહિત્યપરિષદને ઉત્પન્ન કરવાનું માન એ ‘સાહિત્યસભા’ના યુવકવર્ગને જ ઘટે છે, એટલું જ નહિ. પણ એ નવીન કાર્યને અંગે અનેક અડચણો, સમભાવ વિનાના પુરુષો તરફના ઉપહાસ, ઇત્યાદિને જીતી એ સમારમ્ભને વિજયી બનાવવાનો યશ પણ એમનો જ છે. આ યશ સ્થાનિક જ છે; બાકી દૂરતમ કારણદર્શન કરવા જઈશું તો યુગનાં પ્રેરકબળોને જ અન્તિમ યશ તો મળશેઃ સતારામાં પ્રથમ મરાઠી સાહિત્યસંમેલન ઈ.સ. ૧૯૦૫–૬માં ભરાયું; બંગાળામાં ઈ.સ. ૧૯૦૭માં પ્રથમ સાહિત્યસંમેલન થયું – પરંતુ કલ્પનાનો મૂળ આરમ્ભ ઈ.સ. ૧૯૦૩થી થયો હતો; – અને ગુજરાતમાં ઈ.સ. ૧૯૦૪માં ઉનાળામાં સ્વ. ગોવર્ધનરામની સાથે ‘સાહિત્યસભા’ (અમદાવાદ)ના પ્રમુખ રા. રમણભાઈ તથા તંત્રીઓ રા. ઠાકોરલાલ હરિલાલ દેસાઈ તથા રા. રણજિતરામ વાવાભાઈ એમણે પરિષદ ભરવાની ચર્ચા કરી હતી. આમ ભરતખંડના ત્રણ મુખ્ય અને દૂર દૂર પડેલા પ્રાન્તોમાં આ પ્રકારનું સંચલન અન્યોન્યનિરપેક્ષ આત્મસ્ફુરણાથી લગભગ એક સમયમાં જ પ્રવૃત્ત થયું હતું. આ તે યુગના માનસિક બલપ્રવાહની સૂચના કરે છે. એ ત્રણેનો આદર્શ પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’ ઉપર જ રચાયલો હતો. હિન્દી ભાષાનું સાહિત્યસંમેલન આ ત્રણ કરતાં કાંઈક પછીના સમયમાં પ્રગટ થયું છે; ઈ.સ. ૧૯૦૯–૧૯૧૦માં કાશીની નાગરીપ્રચારિણી સભાના પ્રયાસથી એની ઉત્પત્તિ થઈ. એ સંમેલન દર વર્ષે થાય છે, એનો ઉદ્દેશ આપણી પરિષદથી કાંઈક અંશે ભિન્ન છે. વિમર્શન, ચિન્તન, ઉપરાંત ગ્રન્થકારોને ઉપાધિદાન ઇત્યાદિથી સંમાનિત કરવા. એક ભાષા અને એક લિપિ માટે પ્રચારપ્રવૃત્તિ, ઇત્યાદિ મિશ્ર સ્વરૂપની એ પરિષદની કાર્યપ્રવૃત્તિ છે. ચારે ગુર્જર પરિષદોની હકીકત જુદી જુદી બાબતને અંગે સરખાવી જોવાથી સુગમતા થશે. પ્રથમ પરિષદ (અમદાવાદમાં ઈ.સ. ૧૯૦૫માં) મળી તે વખતે પ્રમુખ સ્વ. ગોવર્ધનભાઈની પસંદગી કાર્યકર્તાઓએ શુદ્ધ પસંદગીને ધોરણે જ કરી હતી; એમાં સંવરણ (ઇલેક્શન)નું તત્ત્વ નહોતું, બીજી પરિષદ (મુંબઈમાં ઈ.સ. ૧૯૦૭માં) થઈ તે સમયે પ્રમુખપદ માટે રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવને પણ વ્યવસ્થાપક મંડળમાં કાંઈક એવા જ ધોરણે પસંદ કરવામાં આવ્યા હતા; ત્રીજી પરિષદ (રાજકોટમાં ઈ.સ. ૧૯૦૯માં) ભરાઈ ત્યારે સ્વ. દીવાનબહાદુર અંબાલાલભાઈની પસંદગી કાંઈક મિશ્ર ધોરણે કરવામાં આવી હતી. સંવરણનું તત્ત્વ આ સમયે નિયંત્રિત રૂપમાં પ્રવિષ્ટ થયું. મત આપનાર અધિકારી મંડળ યોગ્ય કારણોથી મર્યાદિત રાખીને એ તત્ત્વ સ્વીકારાયું હતું. ચોથી પરિષદ (વડોદરામાં ઈ.સ. ૧૯૧૨માં) મળી ત્યારે રા. રણછોડભાઈ ઉદયરામ પ્રમુખ નિમાયા હતા, તે પ્રસંગે આરમ્ભમાં સંવરણનું તત્ત્વ પૂર્ણ રૂપમાં સ્વીકારાયું હતું, મત આપવાનો અધિકાર અમુક રકમ ભરી સત્કારમંડળના સભ્ય બને તેમને આપવામાં આવ્યો હતો, પરંતુ છેવટે તે ધોરણ છોડી દઈ, સર્વની સંમતિથી રા. રણછોડભાઈને પ્રમુખપદ અપાયું હતું. પરિષદે કરવાનાં કાર્યો તરફ દૃષ્ટિ કરતાં જણાય છે કે પ્રથમ પરિષદમાં માત્ર નિબંધો વંચાવવા, કોઈ પણ જાતના ઠરાવ રજૂ કરી પસાર કરવા નહિ, એ માર્ગ સ્વીકારાયો હતો, અપવાદ માત્ર જોડણી સંબંધી વ્યવસ્થા સાહિત્યસભાને સોંપવાનો ઠરાવ પ્રમુખે રજૂ કર્યો તે હતો, અને કેટલીક છૂટક સૂચનાઓ જુદી જુદી બાબતો વિશે કેટલાક ગૃહસ્થોએ માત્ર રજૂ કરી હતી. બીજી પરિષદમાં નિબંધો ઉપરાંત થોડાક ઠરાવો કરવાનું દાખલ થયું હતું, જોડણી તથા લિપિ માટે કમિટી નીમવાનો ઠરાવ એમાં હતો. ત્રીજી પરિષદમાં નિબંધો ઉપરાંત અનેક મહત્ત્વના વિષયો વિશે ઠરાવો થયા હતા. ‘વાંચનમાળા’માં ખામીઓ હોવાથી તે વિશે પગલાં ભરવાની કમિટીની નિમણૂકઃ જોડણી કમિટીને ચોથી પરિષદ સુધી લંબાવવાનો ઠરાવ, પરિષદનું પુસ્તકાલય નવું ઊભું થયું તે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને સોંપવું; વ્યાખ્યાનમાલાની યોજના; પરિષદનું બંધારણ ઘડવા માટે કમિટીની નિમણૂક; ત્રણ જનરલ સેક્રેટરીઓ નીમવાનો ઠરાવ; પરિષદ ભંડોળમાંથી અત્યાર સુધીમાં બે ગ્રંથો રચાવાઈને અથવા યોજાઈને પ્રસિદ્ધ થયા છેઃ (૧) બ્રિટિશ હિન્દનું રાજ્યબંધારણ અને (૨) નવલરામભાઈનો ‘ઇંગ્લાંડનો ઇતિહાસ’ અને મૅક્ડૉનલ્ડકૃત ‘સંસ્કૃત સાહિત્યના વૃત્તાન્ત’નું ભાષાન્તર હજી પ્રસિદ્ધ થવાનું છે. ચોથી પરિષદમાં નિબંધો ઉપરાંત ઠરાવો કેટલાક મહત્ત્વના થયા હતા, જોડણી કમિટીનો રિપોર્ટ વંચાઈ દફ્તરે નોંધવાનો ઠરાવ, બંધારણ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો તે યોજના પાંચમી પરિષદ સુધી સ્વીકારી તે પછી આગળ ચલાવવા અથવા ફેરફાર કરવાનો ઠરાવ, જનરલ સેક્રેટરીઓની નિમણૂક, ઇત્યાદિ ઠરાવો. આ ઉપરાંત બીજી પરિષદમાં લિપિ વિશે ચર્ચા, ત્રીજી પરિષદમાં ‘વાંચનમાળા’ વિશે તથા ‘યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષાને સ્થાન’ એ વિશે ચર્ચા, અને ચોથી પરિષદમાં, ‘લિપિ’, ‘એક ભાષા દ્વારા ઊંચી કેળવણી’ અને ‘જનસમૂહમાં સાહિત્યનો પ્રસાર’ એ વિષયો વિશે ચર્ચા દાખલ થઈ હતી. તે ઉપરાંત બીજી પરિષદમાં છપાયેલા ગ્રથોનું પ્રદર્શન બહુ જ નાના પાયા ઉપરનું, ત્રીજી પરિષદમાં મોટા પાયા ઉપર પ્રદર્શન – શિલાલેખો, તામ્રપત્રો, દસ્તાવેજો, હસ્તલેખો, છાપેલાં પુસ્તકો, ઇત્યાદિ ઇત્યાદિનું અને ચોથી પરિષદમાં રાજકોટ કરતાં બહુ નાના ધોરણનું પ્રદર્શન – પુસ્તકો, હસ્તલેખો, અને વિદેહ વિદ્વાનોની છબિઓનું – એમ દાખલ થયું હતું. ચારે પરિષદને અંગે નાનામોટા ધોરણે મિત્રમેળાપ કરવામાં આવ્યા હતા. બીજી પરિષદ વખતે મુંબઈના પારસી લેખકમંડળે પરિષદને આપેલો સત્કાર ધ્યાન ખેંચનારો હતો, હિન્દુ અને પારસી લેખકો વચ્ચેનું અંતર ઓછું થવાનું એ એક પ્રથમ પગલું હતું, તે પ્રસંગે ઘણા પારસી વક્તાઓએ નિખાલસપણે સ્વીકાર્યું હતું કે પારસી ગુજરાતી ભાષા દૂષિત છે અને સંસ્કાર એને આપવાની આવશ્યકતા છે. આ સર્વ અંશો પરિષદમાં હતા, છતાં એ બધી પરિષદોમાં મુખ્ય અંશ તો નિબંધોનું વાંચન તે જ હતું. પ્રથમ પરિષદ વખતે ૨૧ નિબંધો આવ્યા હતા, અને કોઈને પણ આરમ્ભસમયમાં નિરુત્સાહ ન કરવો એ ધોરણ રાખેલું હતું તેથી બધા સ્વીકારાયા હતા. બીજી પરિષદ વખતે “પરિષદના શૈશવમાં નિયમપાલનનો કડક આગ્રહ રાખવો એ અનુચિત હોવાથી” સ્વીકારાયા હતા. છતાં રિપોર્ટને અંતે ટીપ આપી છે તે ઉપરથી જણાય છે કે આટલા દયાળુ દર્શનવાળી વ્યવસ્થાને પણ બે નિબંધો “તદ્દન નિર્માલ્ય હોવાથી” છોડી દેવા પડ્યા હતા. એ બીજી પરિષદમાં ૪૧ નિબંધો આવ્યા તેમાંથી ૨ ટાળ્યા હતા. ત્રીજી પરિષદ વખતે ૧૦૭ નિબંધો આવ્યા તેમાંથી ૩૫ નાકબૂલ કરવામાં આવ્યા હતા. ચોથી પરિષદમાં ૪૭ નિબંધો આવ્યા તેમાંથી ૧૨ નાકબૂલ કરાયા હતા. નિબંધો માટે વિષયોની યાદી પ્રત્યેક પરિષદ વખતની જોતાં ક્રમશઃ વિકાસ અને રૂપાન્તર નજરે પડે છે. પ્રથમ પરિષદ વખતની યાદી નાના પાયા ઉપર હતી, બીજી પરિષદ વખતે બહુ શ્રમરચિત ને વિશાળ યાદી હતી, અને તે વખતે પ્રમુખે કહ્યું હતું તેમ “વિષયોની યાદીનું સ્વરૂપ અને વિસ્તાર અનેક નાનાવિધ અનુભવોના પ્રભાવથી નક્કી થશે.” એમ આશા રાખેલી જણાય છે. ત્રીજી પરિષદ વખતની યાદી બીજી કરતાં પણ વિશેષ વિસ્તીર્ણ અને શ્રમરચિત જણાય છે. આ ઉલ્લાસ ચોથી પરિષદ વખતે સંયમમાં રખાયો અને યાદી કાંઈક સુશ્લિષ્ટ, સાદી અને વિશદતાવાળી રચાઈ. પરિષદની સ્વરૂપઘટના જોતાં સ્થિતિ આમ નજરે પડે છેઃ પ્રતિનિધિઓ જુદાં જુદાં મંડળો વગેરે તરફથી બોલાવવાનો અંશ ચારે પરિષદોમાં નજરે પડે છે. પ્રથમ પરિષદમાં વ્યવસ્થાને અંગે મંડળની રચના સાદી હતી; તે પછીની પરિષદોમાં વ્યવસ્થાપક કમિટી, ઇત્યાદિ કમિટીઓના ઘાટ ક્રમશઃ વિકાસ પામ્યા જણાય છે. કાયમના સામાન્ય મંત્રીઓની યોજના પણ ત્રીજી અને ચોથી પરિષદમાં સ્પષ્ટ આકારમાં પ્રગટ થઈ છે. પ્રમુખની નિમણૂક માટે સ્વીકારાયલાં તત્ત્વોનું દર્શન પાછળ થઈ જ ગયું છે. હજી આપણી પરિષદનું બંધારણ કાયમનું ઘડાયું નથી અને તે માટેની આવશ્યકતા અથવા તો સમયયોગ્યતા એ એક દૃષ્ટિએ વિચારણીય વિષય છે. પરિષદ કેટકેટલા સમયને અંતરે ભરવી તે પણ નિશ્ચિત નથી અને તે શૈથિલ્ય હાલ તો અહિતકર નથી જણાતું. બીજી વખતે ખાનગી ચર્ચામાં ઠર્યું હતું કે ત્રણ વર્ષનો ગાળો તો રાખવો જ, છતાં ત્રીજી પરિષદ બે વર્ષ પછી મળી હતી. આ પ્રશ્નને અંગે મુખ્ય જોવાનું એ છે કે એટલી સામગ્રી, સમય, ઇત્યાદિ સમૃદ્ધિ આપણી પાસે છે ખરાં? આપણી રચાવાની દશાવાળી સ્વરૂપઘટનાને માટે નમૂનો આપણે પાશ્ચાત્ય પરિષદોનો જ લીધો છે એ સ્પષ્ટ છે. પ્રથમ પરિષદના રિપોર્ટના આમુખમાં એ વાતનો ઇશારો સ્પષ્ટ છે. (આમુખ, પૃ. ૩ જુવો) આ પાશ્ચાત્ય પરિષદો વિશે પાછળ ઉલ્લેખ હું કરી જ ચૂક્યો છું. પરંતુ એની ઘટના, હેતુ. ઇત્યાદિનું દર્શન પડછા તરીકે કરવાનો અહીં પ્રસંગ ઉત્પન્ન થાય છે. તેથી પ્રથમ કહેલી વાતની પુરવણી તેમ જ પુષ્ટિ માટે થોડીક હકીકત નોંધાવી અસ્થાને નહીં થાય. આપણી પરિષદને વધારેમાં વધારે સરખાપણાનો સંબંધ ‘ઈન્ટર્નેશનલ કૉંગ્રેસ ઓફ ઓરિએન્ટાલિસ્ટ્સ’ જોડે છે. એટલે તે સંસ્થા વિશે જ બોલવું બસ છે. ઈ.સ. ૧૮૭૩ના સપ્ટેમ્બર માસમાં આ પરિષદની સ્થાપના પારીસમાં પ્રથમ થઈ હતી. પછી સપ્ટેમ્બર ૧૮૭૪માં લંડનમાં પરિષદ મળી, તે વખતે પ્રમુખ સ્થાનથી ડૉક્ટર સેમ્યુઅલ બર્ચે ભાષણ કર્યું તેમાં આરમ્ભમાં જ પરિષદ મળવાના હેતુનો ઉલ્લેખ સહજ પ્રસંગે જણાવ્યો હતો તે જોઈએઃ

યુરોપની ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’ની ઘટના તથા હેતુ

“Bringing together these students of congenial pursuits to interchange thoughts, to discuss points of common interest, and to make each other’s acquaintance.” (“પરસ્પર વિચારોનો વિનિમય કરવાને, જેમાં સરખો રસ પડે એવા પ્રશ્નો ચર્ચવાને, અને અન્યોન્ય ઓળખાણ કરવાને, મનગમતા વિષયોના અભ્યાસકોને એકત્ર મેળવવા.”) એ જ પરિષદના આર્ય વિભાગના પ્રમુખસ્થાનથી પ્રો. મૅકસ મ્યૂલરે પરિષદના હેતુનું દિગ્દર્શન કરેલું તે જોઈએઃ “Our Congress is not a mere fortuitous congeries of barren atoms or molecules, but we are at least Leibnizian monads, each with his own self, and force, and will, and each determined, within the limits of some pre-established harmony, to help in working out some common purpose, and to achieve some real and lasting good.” (“આપણી પરિષદ તે કાંઈ આકસ્મિક યોગે એકત્ર થયેલા નિષ્ફળ પરમાણુઓ અથવા અણુગણોનો ઢગલો નથી, પરંતુ કાંઈ નહિ તો લાઇબ્નિત્સના સિદ્ધાન્તમાંની આત્મતત્ત્વની વ્યક્તિઓ જેવા આપણે છીએ; પ્રત્યેકને પોતાનું સ્વરૂપ, પોતાનું બળ, અને પોતાની ઇચ્છાશક્તિ છે, કોક પૂર્વનિર્મિત સંવાદની નિયમમર્યાદામાં રહીને, કોક સમાન ઉદ્દેશ સાધવામાં સહાયભૂત થવાને તથા કાંઈ સાચું અને સ્થાયી હિત સંપાદન કરવાને, પ્રત્યેક આગ્રહથી ઉદ્યુક્ત થયેલા છીએ.”) પરિષદનો એક લાભ અથવા હેતુ તે મંડળમાં સાથે ખાવાપીવા માટે તથા આનંદસમાગમ માટેનો મેળાવડો થાય છે તે છે, એ વાત ગૌણરૂપે સ્વીકારીને પ્રો. મૅક્સ મ્યૂલર પરિષદના ખરા અને સ્થાયી લાભ બે બતાવે છેઃ (૧) આપણને આ સંમેલનો આપણા જ્ઞાનની ધનસામગ્રીની ગણના કરવાને, પરસ્પર કાર્યની સરખામણી કરવાને, આપણે ક્યાં છીએ તે જોવાને તથા કઈ દિશામાં જવું જોઈએ તે શોધવાને શક્તિમાન કરે છે. અને (૨) આપણે ક્યાં આવી પહોંચ્યા છીએ, જગત માટે શું કરીએ છીએ, અને બદલામાં જગતે આપણે માટે શું કરવું જોઈએ એમ અપેક્ષા રાખીએ છીએ, તે વખતોવખત જગતને કહેવાનો આપણને પ્રસંગ આવાં સંમેલનોથી મળે છે. એ પરિષદના બીજા જ વર્ષમાં એના પાંચ વિભાગ કરવામાં આવ્યા હતા; પ્રત્યેક વિભાગનો પ્રમુખ જુદો હતો, અને એક વિભાગની બેઠકને એક દિવસ આપવામાં આવ્યો હતો; વિભાગોની નામગણના આમ હતીઃ ‘સેમેટિક’, ‘તુરાનિયન’, ‘આર્યન’, ‘હૅમિટિક’, ‘આર્કિયોલૉજિકલ’ તથા ‘એથ્નૉલૉજિકલ’. આ વિભાગોની વિસ્તીર્ણતા તથા સ્વરૂપ જ વિભાગ કરવાની આવશ્યકતા દર્શાવે છે; એ પરિષદની દર્શનમર્યાદા જ પૃથ્વીના અર્ધ વિસ્તાર ઉપર વ્યાપેલી હતી. રાત્રે રાત્રે પરિષદની બેઠકો થતી અને દિવસે પરિષદનું મંડળ બ્રિટિશ મ્યુઝિયમ જેવાં સ્થળોનાં નિરીક્ષણ કરી આવતું હતું. આ પરિષદોના પૂર્ણ ઇતિહાસમાં ઊતરવા જતાં લંબાણ થાય. પરંતુ એટલું તો જણાય છે કે પરિષદ માટે બંધારણ, અધિકારીમંડળ, પ્રમુખો, ઇત્યાદિની યોજના, વગેરે પ્રશ્નોને ગૌણ સ્થાન આપી પરિષદનું સર્વ લક્ષ પોતાના વિદ્યાવિષયક કર્તવ્યમાં જ પૂરેલું રહેતું હતું. તે સાથે પરસ્પર સહકારિતા, કલહત્યાગ, સત્યશોધન તરફ અનન્ય દૃષ્ટિ, એ ભાવોથી એ પરિષદોનો કાર્યવ્યાપાર પ્રેરિત થતો. બીજી પરિષદના પ્રમુખસ્થાનના ભાષણમાં ડૉ. સૅમ્યુઅલ બર્ચ બોલ્યા હતાઃ “Orientalists, too are all, so to say, man born of the same family, and, like a family, mutually interested, in the success of their respective studies. Before that, as students, all the distinctions of race, creed and nationality disappear or are forgotten. Even criticism ought neither to ba nor become personal, inasmuch as science places for its object the highest scope of the mindtruth, which is in most cases difficult to find, and no reproach to miss.” (“પૂર્વના દેશોના વિષયોના અભ્યાસકો એક રીતે જોતાં એક કુટુમ્બમાં જન્મેલા પુરુષો છે; અને, એક કુટુંબીઓની પેઠે, પોતપોતાના અભ્યાસમાં વિજય મેળવવામાં અન્યોન્યનાં હિત જોડાયલાં છે. આ દૃષ્ટિથી અભ્યાસકો તરીકે જાતિ, ધર્મ, અને પ્રજાપણાના ભેદ લુપ્ત થાય છે અથવા ભુલાઈ જાય છે. ટીકા પણ અંગત રૂપની હોવી અથવા થવી ન જોઈએ, કેમ કે જ્ઞાનના અન્વેષણનો વિષય માનવબુદ્ધિનો ઊંચામાં ઊંચો વ્યાપારવિષય – સત્ય તે છે; સત્ય જે બહુ પ્રસંગે જડવું કઠણ છે, અને પ્રાપ્ત ન થવું તે લજ્જાસ્પદ નથી.”) આવા મહાન ભાવોથી પ્રેરાયેલા, આખા જગતના વિસ્તીર્ણ જ્ઞાનવિષયોના પંડિતોની, વિશાળ અન્વેષણક્ષેત્રમાં વિચરનારી, પરિષદને આદર્શ તરીકે લેનારી આપણી પરિષદ છે. અલબત્ત, એ મહાન પ્રયાસ ક્યાં અને આપણો સંકુચિત ક્ષેત્રનો, અલ્પ અધિકારનો, પ્રયાસ ક્યાં? તથાપિ આપણા આદર્શમાં રહેલા ઉન્નત ભાવો આપણાં પ્રેરક બળ બને તો નિઃસંશય કાલક્રમે આપણો અધિકાર વધતાં વધતાં આપણી પરિષદની યોગ્યતા વધારી શકીશું. આપણા પ્રયાસની સામે વાંધો ઉઠાવવામાં આવે કે તમે Putting the cart before the horse (“ગાડું આગળ અને બળદ પાછળ જોડવા”) એવું કામ કરો છો; પરિષદ પંડિતોની હોય. પંડિતપરિષદ માટે તમારામાં ખરા પંડિતો ક્યાં છે? પરિષદ તે કાંઈ પંડિતો બનાવવાનું કારખાનું નથી. પણ બનેલા પંડિતોનો સમુદાયસમાગમ છે. – ઉત્તર શો આપશું? સ્વીકારવું પડશે કે યુરોપની પરિષદની સ્થિતિ આપણે અહીં નથી; ત્યાં પ્રથમ પંડિતો અને પછી પરિષદ – એ સ્વાભાવિક ક્રમનું દર્શન થાય છે. પરંતુ આપણામાં શું થોડા ગણતર પંડિતો–નાના ઘાટના પણ ખરા પંડિતો–નહિ જડે? અને એવાની જોડે સમાગમ થવાથી આપણને આપણી અપંડિતતા, સુધારવાનો પ્રસંગ આવી પરિષદોમાં મળે એ પણ એક ઓછો લાભ નથી. વળી એ પણ વિચારવાનું છે કે દેશકાલની સ્થિતિ વિચારતાં પાશ્ચાત્ય પરિષદની સર્વાંશે સ્વરૂપસમાનતા માટે વાટ જોઈ બેસી રહેવું એ ઇષ્ટ નથી. આપણા દેશના હિતસાધન માટે અડધી સામગ્રી વડે પણ કામ ચલાવવાની જરૂર છે. તો આપણી પરિષદના હેતુ હાલ શા છે? મારી દૃષ્ટિએ તે આ પ્રમાણે હોવા જોઈએ અને છેઃ

આપણી પરિષદના હેતુ

(क) ગુર્જર સાહિત્યને તથા ભાષાને સમૃદ્ધ શી રીતે કરવાં તે વિશે તપાસ કરવીઃ (ख) એ સમૃદ્ધિ કરવા માટે ઉપાયો યોજવા સાધનો મેળવવાંઃ (ग) પ્રાચીનઅર્વાચીન ગુર્જર સાહિત્ય અને ભાષાનો અભ્યાસ કરી વિદ્વાનોએ જે શોધ કરી હોય તેનો વિચાર કરવોઃ (घ) ગુર્જર ભાષા અને સાહિત્યની વિશુદ્ધિ જાળવવી, તેમનું જીવન પ્રવર્તાવવું, મરણમાંથી રક્ષણ કરવું. ગુર્જર સાહિત્ય તથા ભાષાની સમૃદ્ધિની તપાસ તથા ઉપાયયોજના વૃથા ભાષાભિમાન અને દેશાભિમાનનો ત્યાગ કરીને ખરી આત્મપરીક્ષા કરશું તો જણાશે કે આપણી ભાષા તથા સાહિત્યની સ્થિતિ ખરેખર દરિદ્ર જ છે. અંગ્રેજી અને યુરોપની અન્ય સંસ્કારી ભાષાઓનાં સાહિત્ય જોડે સરખામણી કરીશું તો એમ જ ભાસ થશે કે એ દેશનાં ભાષાસાહિત્ય ઊંચા ઊંચા સૂર્યલોકમાં વિચરે છે, અને આપણી ભાષા અને સાહિત્ય પૃથ્વી ઉપર અંધકારમય પ્રદેશમાં ભટક્યા કરે છે. સાહિત્યના વિભાગો અંગ્રેજી ઇત્યાદિમાં કરીશું તો તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, વિજ્ઞાન, નીતિ, તત્ત્વશાસ્ત્ર, ઇત્યાદિ અનેક વિભાગમાં સંખ્યાબન્ધ પુસ્તકો જડશે, અનેક વિદ્વાનો તે તે વિષયના ખાસ અભ્યાસકો બની કર્તવ્યમાં પ્રવૃત્ત થયેલા જોઈશું; શુદ્ધ સાહિત્યમાં કવિતા, વાર્તા, નાટક, બાલસાહિત્ય, લોકગીત, ઇત્યાદિ ઇત્યાદિ અનેક શાખાઓમાં તે જ પ્રમાણે સમૃદ્ધ અવસ્થા નજરે પડશે. આ સર્વમાં આપણાથી એક શાખામાં પણ અભિમાન કરવા જેવી સમૃદ્ધિ બતાવી શકાય એમ નથી. આ ચિત્રથી ગ્લાનિ થાય ખરી, પણ નિરુત્સાહ થવાનું કારણ નથી. કેમ કે ભાષા અને સાહિત્ય તે પ્રજાજીવનનાં પ્રતિબિંબ છે. એ જીવનનો વાણીમય સાક્ષાત્કાર છે; અને આપણા પ્રજાજીવનમાં ઈશ્વરયોજનાથી પાશ્ચાત્ય સંપર્કને પરિણામે નવી જાગૃતિ આવી છે તેથી કાલક્રમે જીવનવિકાસ થયા વિના રહેવાનો નથી. આ વિકાસ જેમ જેમ સબળ રૂપ થશે, આપણા જીવનમાં તત્ત્વજ્ઞાન, વિજ્ઞાન, કવિત્વભાવના, ઇત્યાદિ વ્યાપારો ખરેખરા પ્રવેશ કરશે, પ્રજાની નાડીનાડીમાં જ્ઞાનનું રુધિર વહન કરશે, તેમ તેમ આપણી ભાષા અને સાહિત્ય અનુકૂલ રૂપ અવશ્યમેવ ધારણ કરશે. આ દૃષ્ટિએ પ્રજાના સાંસારિક, ધાર્મિક અને રાષ્ટ્રીય જીવન અને ભાવનાઓ જોડે ભાષા અને સાહિત્યનો સંબંધ પ્રગટ થશે; સાક્ષાત્ તે તે જીવનમાં અંગનાં સાહિત્યથી ભિન્ન; પણ સંસાર, ધર્મ અને રાષ્ટ્રના પ્રાણથી અનુપ્રાણિત થઈને ભાષા તથા સાહિત્યનાં સ્વરૂપ ઘડાય છે તે રીતે સંબંધ આવશે. બાકી એ ત્રણ વિષયમાં સાહિત્યપરિષદના વ્યાપારને આતિક્રમણ કરવા દેવો ન જોઈએ; કેમ કે આપણી પરિષદ તે સાહિત્યપરિષદ છે, સાંસારિક, ધાર્મિક, કે રાષ્ટ્રીય પરિષદ નથી. અલબત્ત સાહિત્યનો સંબંધ આ ભાવનાઓ જોડે આવવાથી શુદ્ધ સાહિત્યની સ્વતંત્રતાનો કાંઈક લોપ થાય છે, કેમ કે શુદ્ધ સાહિત્યના અધિષ્ઠાતા મહાન નાયકોના ગ્રંથો તો માનવજીવનની વિશાળ ભૂમિ ઉપર વિસ્તીર્ણ મંદિર ચણીને સ્થિતિ કરે છે. શેક્સ્પીઅર, મિલ્ટન, ડૅન્ટી, વાલ્મીકિ, કાલિદાસ, ભવભૂતિ, ઇત્યાદિ આખી પૃથ્વીના કવિઓ – અમુક દેશકાલના નહિ પણ આખા જગતના કવિઓ – તે તો આ ઊંચા પાયા ઉપર જ ઊભા રહે છે. આ વિચારશું તો અમુક દેશકાલના સંકુચિત લક્ષણ વડે મર્યાદિત થયેલા વિષયની કવિતાને જ કવિતા તરીકે લેખનારાઓ સર્વકાલીન કવિતાનું સ્વરૂપ જ ભૂલી જાય છે તે સહજ જણાશે. આપણી સાહિત્યપરિષદે વિશિષ્ટકાળનું તેમ જ સર્વકાલીન સાહિત્ય એ બંને તરફ દૃષ્ટિ કરવાની છે; જો કે ઘણી વાર અમુક સાહિત્ય સર્વકાલીન થશે તે વાત થોડો વખત અગમ્ય રહે ખરી. છતાં, સર્વકાલીન અને સાર્વદેશિક સાહિત્યને પણ ભાષા તો કવિની – ગ્રન્થકર્તાની – પોતાના દેશની જ સાધન રૂપે વાપરવી પડે અને તેથી કરીને અમુક મર્યાદામાં દેશીય અંશ પ્રવેશ પામે જ, આ પક્ષે સ્વભાષાની શુદ્ધિ, વૃદ્ધિ, સમૃદ્ધિની તપાસ પ્રસ્તુત બનવાની જ. ત્યારે આપણા સાહિત્યને અને આપણી ભાષાને સમૃદ્ધ કરવા માટે ઉપાયયોજના શી? પાશ્ચાત્ય જ્ઞાનના તેજઃપ્રવાહે આપણને માર્ગ દેખાડ્યો છે તે તરફ નજર કરીશું તો જણાશે કે આપણા પ્રાચીન સાહિત્યનો અભ્યાસ તેમ જ પાશ્ચાત્ય સાહિત્યનો અભ્યાસ જે રીતે વધારે પ્રસાર પામે અને વધારે દૃઢરૂપ થાય તે રીતે પ્રયાસ કરીએ એ એક મુખ્ય સાધન છે. આપણા પ્રાચીન સાહિત્યમાં સંસ્કૃત તેમ જ પ્રાકૃત સાહિત્યનો સમાવેશ થઈ જાય છે તે કહેવાની જરૂર નથી. આ સાહિત્યનો અભ્યાસ તે જાતે જ અન્તિમ લક્ષ્ય નથી – અલબત્ત્ત તેમ માનીને એ અભ્યાસ તીવ્ર વિદ્વત્તાથી થઈ શકે, તે જુદી વાત. પરંતુ એ અભ્યાસથી પ્રજાજીવનનો સાક્ષાત્કાર કરનારી ભાષાનો ને સાહિત્યસમૃદ્ધિનો ઇતિહાસ જોઈ એમાંથી કાલાનુસાર આપણી સમૃદ્ધિ વધવાના માર્ગ શોધવામાં એ અભ્યાસનું છેવટ સાર્થક્ય છે. તેમ ન થાય તો કેવળ પુસ્તકપંડિતોના નિષ્ફળ જીવનથી દેશને જે હાનિ થાય તે થવાની. પંડિતોના જ્ઞાનનો દેશસેવામાં વિનિયોગ થાય તે સાફલ્ય પ્રાપ્ત ન થવાનું. માટે કાલાનુસાર આપણી ભાષાની સમૃદ્ધિ વધારવા માટે યોગ્ય મર્યાદામાં (ભાષાનું વ્યક્તિત્વ જાળવી રાખીને) ઉદારભાવથી શબ્દો, વચનો, વિચારો, ઇત્યાદિના ઉમેરાથી, અને સાહિત્યની સમૃદ્ધિ નવીન ભાવનાઓના યોગ્ય ઉમેરાથી–જે રીતે થાય તે તરફ આપણી પ્રયાસપ્રવૃત્તિ થવાની જરૂર છે. અલબત્ત્ત, આ ભાવનાઓ આપણા વ્યક્તિજીવનમાં તેમ જ પ્રજાજીવનમાં સ્વભાવસિદ્ધ જેવી બની હશે તો જ પરિણામી સાહિત્ય સજીવ, સત્ય, અને સમર્થ થશે. કવિતા લખનાર કવિ જે ભાવનાને પોતાની કૃતિમાં મૂર્ત રૂપ આપે છે, તે ભાવના તરફ કવિને અંતઃકરણમાંથી શ્રદ્ધા, પૂજ્યભાવ હોય તો એની કવિતા અકૃત્રિમ અને સત્ય ભાવવાળી થશે. અને એ સત્ય ભાવના ગુણ માટે તે તે ભાવના તરફની શ્રદ્ધા આત્મબલિદાનની પણ માગણી કરે છે. ઉદાહરણ તરીકે, દેવસેવાની ભાવના લ્યો. એ ભાવના માટે જ્યાં સુધી આત્મબલિદાનની તત્પરતા નહિ હોય ત્યાં સુધી એ ભાવનાના તરફ ખરી શ્રદ્ધાની ખામી જ રહેશે, અને ત્યાં સુધી એ ભાવનાનું સાહિત્ય કૃત્રિમ અને સત્યભાવ વિનાનું, નિર્જીવ, દામ્ભિક બનશે. ભાષાસમૃદ્ધિ વધારવા માટે ઉદાસ ભાવ રાખી સર્વ સ્થળેથી શબ્દાદિકનો સ્વીકાર કરવો એ પક્ષને મર્યાદાની જરૂર તો છે જ: સર્વસ્વીકારની પદ્ધતિ એવી પણ ન થવી જોઈએ કે ભાષાની વિશુદ્ધિને હાનિ પહોંચે. ‘મોકલી આપવું’, ‘શું ચિન્તા’ ઇત્યાદિ દૂષિત પ્રયોગોને માટે, તેમ જ અંગ્રેજી ભાષારૂઢિના તરજૂમિયા ઉતારા, અંગ્રેજી વાક્યરચનાની કઢંગી નકલો, ઇત્યાદિ માટે, ભાષાના જીવનતત્ત્વની દૃષ્ટિએ જોતાં, કશો પણ બચાવ નથી. આવા પ્રયોગોની અશુદ્ધિનું બીજ તપાસવા જઈશું તો જણાશે કે પ્રજાજીવન સાથે વિરોધ એમાં કોઈ ને કોઈ રૂપે સમાયેલો હોય છે. પ્રજાજીવનમાંથી જે પ્રયોગો સ્વાભાવિક વિકાસક્રિયાથી પ્રગટ થતા નથી તે ભાષાની વિશુદ્ધિને ક્ષતિકર બને છે. અંગ્રેજીમાં ‘a storm in a tea-cup’ એ કહેવત છે તેના પ્રતિબિંબરૂપે આપણી ભાષામાં કોઈ કહેવત ન જડે તે માટે “ચાના પ્યાલામાં તોફાન” એમ કહેવત ઘડી કાઢીશું તો તે પ્રજાજીવનનું પ્રતિબિમ્બ તો નહિ જ બને એ જ રીતે ગુજરાતી કહેવત “સો દહાડા વહુના” એનું અંગ્રેજીમાં રૂપાન્તર કરવા જતાં તેવી જ વિફલતા થવાની. પ્રજાના નિત્યજીવનમાં ચાનો પ્રવેશ સંપૂર્ણ ઓતપ્રોત થઈને એ પ્રકારની કહેવત આપોઆપ ભવિષ્યમાં સ્વાભાવિક વિકાસથી ઉદ્ભવ પામે તો જુદી વાત. પરંતુ ચાનો પ્યાલો નગરવાસીમાં તેમ જ ગ્રામવાસીમાં પણ પ્રવેશ પામ્યો છે છતાં જીવનમાં ઓતપ્રોત નથી, અને જીવનાંશ નથી, જીવનને બહારથી વળગાડેલો પ્રકાર છે. ભાષાનો વિકાસ પ્રજાજીવનમાંથી થાય છે એ તત્ત્વ અહીં આકસ્મિક રીતે સૂચિત થાય છે. માટે ભાષાના જીવનનું રક્ષણ કરવું એ પણ આપણું કર્તવ્ય છે; બહારના અંશોનો સ્વીકાર, પોતાના વ્યક્તિસ્વરૂપને બાધક ન થાય તે રીતે કરવો એ જેમ ઇષ્ટ છે તેમ, અન્ય પક્ષે, ભાષાના જીવનસ્વરૂપને અનિષ્ટ આક્રમણોથી અસ્પૃષ્ટ રાખી રક્ષણ કરવું તે પણ કર્તવ્ય છે. આમ ભાષાના વ્યક્તિજીવનના રક્ષણરૂપી કર્તવ્યને લીધે જ હિન્દી અથવા અન્ય ભાષા ભરતખંડ માટે (સમાન ભાષા નહિ, પણ) એક ભાષા – અનન્ય ભાષા – બનાવવાનો પક્ષ આપણી સાહિત્ય પરિષદના વ્યક્ત ઉદ્દેશને બાધક બનવાનો રહે છે. આ વિશે અન્ય પ્રસંગે હું સવિસ્તર સ્થિતિપરીક્ષા કરી ચૂક્યો છું.[2] અહીં પ્રસંગોપાત્ત આટલું દિગ્દર્શન બસ છે. પ્રજાજીવનનો સાક્ષાત્કાર ભાષામાં છે તો તો ભારત રાષ્ટ્રીય ભાવના માટે આખા ભરતખંડ માટે એક ભાષાની આવશ્યકતા ઉત્પન્ન થઈ જ એમ શંકા નીકળે. પરંતુ જરાક ઊંડો વિચાર કરીએ. પ્રજાજીવન અને રાષ્ટ્રીય જીવન એ સમાન વ્યાપ્તિના શબ્દો નથી; પ્રજાજીવનનો વ્યાપાર રાષ્ટ્રીય જીવનમાં પર્યાપ્ત નથી થતો. સાંસારિક જીવન, ધાર્મિક જીવન, ઇત્યાદિ જીવનના વિવિધ પ્રદેશનો સંગ્રહ એમાં થાય છે. તે દૃષ્ટિથી પ્રાન્તિક રીતરિવાજ ઇત્યાદિમાં ભિન્નતા અનિવાર્ય છે. ઊંચી ભાવનાઓ સર્વપ્રાન્તોને સમાન હોય તે ખરું. પણ ભાષા કાંઈ ઘડી ઘડાતી નથી, કે ભાંગી ભંગાતી પણ નથી. એ તો પ્રકૃતિના નિયમોને વશ ઊગનારું વૃક્ષ છે. બીજું, રાષ્ટ્રીય ભાવના હજી આદિમ બંધાવાની હાલતમાં છે, તેનો સાક્ષાત્કાર હજી પ્રજાજીવનમાં આભ્યન્તર વિકાસમાંથી નથી થયો, બાહ્ય સંસ્કારના રૂપમાં જ છે, – ઇત્યાદિ સ્થિતિ વિચારીશું તો ઉપર કાઢેલી શઙ્કાનો નિરાસ થઈ જશે. આપણી ભાષાનું મરણ ન થવા દેવું – આ એક આપણે સંભાળવાનું છે. ડૉક્ટર ફ્લીટ જે વખતે શોલાપુર જિલ્લામાં કલેક્ટર હતા તે વખતે એમના પ્રસંગમાં હું આવ્યો હતો. તે અરસામાં વાતપ્રસંગે એમણે કહ્યું કે દેશી ભાષાઓના વિકાસ માટેના પ્રયાસો વ્યર્થ છે, વખત જતે અંગ્રેજી ભાષા તે જ હિન્દુસ્તાનની ભાષા થવાની છે. આ વિલક્ષણ મતનો ઉત્તર મેં અન્યત્ર [3] આપ્યો છે. આપણી પ્રાન્તીય ભાષાનો ઇતિહાસવિકાસ એ મતને ખોટો પાડશે, એમ તે સ્થળે મેં દર્શાવ્યું છે. અહીં એટલું ઉમેરું છું કે હિન્દુસ્તાનના લોકોના પ્રાચીનકાળથી વિકાસ પામેલા સુધારાનો ઇતિહાસ ભૂલી જઈને એમને અમેરિકાના ઇંડિયનોની સાથે સમાન કક્ષામાં મૂકનારા કેટલાક એમ કહે છે કે એ અમેરિકાની જંગલી પ્રજાની પેઠે હિન્દુસ્તાનની પ્રજા પણ નાબૂદ થશે. તેના જેવો જ આ મતમાં ઇતિહાસ અને વસ્તુસ્થિતિનો અનાદર પ્રગટ થાય છે. જો ભરતખંડની પ્રજા અસ્તિત્વમાંથી લુપ્ત થશે, ભરતખંડમાંથી શુદ્ધ પ્રાચીન ધર્મનું સ્વરૂપ ભૂંસાઈ જઈ સર્વત્ર કિશ્ચિઆનિટી વ્યાપશે, તો બેશક પ્રાન્તીય ભાષાઓનો નાશ થશે. પણ હજી તે સમયને બહુ વાર છે. પણ જે રીતે સંસ્કૃત ભાષા હાલના સમયમાં મરણ પામેલી જ ગણાય તેમ આપણી ભાષાઓનું મરણ થશે તો કેમ? સંસ્કૃત ભાષા તે હવે જીવનની ભાષા કોઈ પ્રદેશમાં નથી. (વસ્તીપત્રકના રિપોર્ટમાં વિરલ પ્રદેશમાં સંસ્કૃત ભાષા બોલાતી કહેલી છે ખરી, પરંતુ તે માત્ર ૭૧૬ જણા બોલે છે એમ કહેલું છે, અને એ જીવનભાષા તરીકે હોવા વિશે સંશય છે.) આ પરિણામ આપણી ભાષા ન પામે તે માટે સંસ્કૃત ભાષાના મરણનાં કારણો તપાસીશું તો આપણને બચાવનો રસ્તો જડશે. સંસ્કૃત ભાષાએ પોતાના સ્વરૂપમાં જોઈએ તેટલી સ્થિતિસ્થાપકતા જાળવી નહિ; પોતાનાં પરિવેષ્ટનો (‘એન્વીરોન્મેન્ટ્સ’) – આસપાસ વીંટાયલાં બળો – ની સાથે યોગ્ય અનુકૂળતા, સમયોચિત ફેરફાર કરવાની ક્રિયા, તરફ વલણ ન રાખ્યું, અને બહુધા અણવળકણી લોખંડ જેવી સ્થિતિ પકડી રાખી; પ્રજાના આંતરજીવનમાં પ્રચરિત થયેલાં રૂપાંતરોને મૂર્ત કરવા માટે તે તે પ્રમાણમાં ભાષામાં રૂપાંતરો ન થવા દીધાં; તેથી સંસ્કૃત ભાષા પરિણામે મરણ પામી. માટે આપણે મરણભય ટાળવા માટે આપણી ભાષાને એ આગ્રહી સ્થિતિમાં અકડાઈ જવા દેવી નહિ એ મુખ્ય પ્રતિબંધક ઉપાય છે. પરંતુ સામે એ પણ સંભાળ રાખવાની જરૂર છે કે આપણી ભાષાનું જીવનબિમ્બક અન્તઃસ્વરૂપ તજી દઈને વિદેશી સ્વરૂપો અવિચારથી સંઘરવાં ન જોઈએ. નવીન ભાવનાદિક આસપાસ આવીને અનુપ્રાણન કરે તો તે વખતે ભાષાનાં ઇન્દ્રિયદ્વારો બંધ પણ ન રાખવાં; પરિવેષ્ટનોમાંનાં પ્રતિકૂલ હોય તે જોડે યુદ્ધ કરવું અને અનુકૂલ હોય તે જોડે આલિંગન કરી એનો પ્રાણ ભેળવી દેવો. આમ सर्वनाशे समुत्पन्ने अर्घे त्यजाति पण्डितः એ બોધનો સારો ઉપયોગ કરવો, મૂર્ખ પંડિતોએ કર્યો હતો તેવો નહિ. ભાષાને મરણમાંથી બચાવવા માટે આ સામાન્ય ધોરણ બસ છે. અલબત્ત, પરમ અંતે તો મરણ સર્વનું છે જ; ભાષા, શાસ્ત્ર, સાહિત્ય ઇત્યાદિ સર્વનું. પરંતુ તે પ્રલયકાળના સમયના વિનાશ માટે ખેદ પણ નથી કરવાનો, અને તેટલા માટે દુનિયા ચાલે છે ત્યાં સુધી તો ભાષાના રક્ષણ માટે પ્રયાસ કરતાં અટકવાનું પણ કારણ નથી. એ પ્રયાસ કરતે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે દેહ કરતાં મનોવ્યાપાર અધિક પ્રભાવવાળી વસ્તુ છે, અને મનોવ્યાપારના વિચારમય રૂપને પૂર્ણ બળમાં પ્રગટ કરવાનું સામર્થ્ય કોઈ પણ માનવભાષામાં નથી; ભાષા તે વિચારપ્રકટનનું આખરે અલ્પબળ સાધન છે; છતાં તે સાધનમાં આપણાથી બને તેટલું સામર્થ્ય પૂરવું એ આપણું લક્ષ્ય જોઈએ. બીજું ધ્યાનમાં રાખવાનું એ છે કે આ યુગમાં, જગતના દૂર દૂર દેશનાં સ્થળો વચ્ચે પરસ્પર ગાઢ વ્યવહારસંબંધના યુગમાં, કોઈ પણ છૂટક પ્રજા જગતનાં ચાલક બળો (‘વર્લ્ડ ફૉર્સીઝ’)થી અસ્પૃષ્ટ રહી શકશે નહિ, તેથી ભાષા ઉપર પણ એ વ્યાપક બળોની અસર પહોંચવાની જ. તેટલે અંશે ભાષાને બાહ્ય સંસ્કારોથી બચાવવાનો વ્યર્થ પ્રયાસ ન કરવો તે ખરું છે. તથાપિ ભાષાનું વ્યક્તિરૂપ સાચવવાનો પ્રયાસ તે આ તત્ત્વને બાધક નહીં બને. મેં અન્ય પ્રસંગે [4] દર્શાવ્યું છે તે પ્રમાણે યુરોપખંડમાં પંદર વર્ષ ઉપરાંતથી દેશદેશની ભાષાનું સ્વતંત્ર સાહિત્યમય બંધારણ થવાનું વલણ શરૂ થયેલું છે અને એનું પ્રાબલ્ય ચાલુ છે; અને વિશ્વનાં ચાલક બળોની વ્યાપકતા, ઉપર કહી તે, ધ્યાનમાં રાખતાં એ બળનો પ્રભાવ આપણા દેશની પ્રાન્ત ભાષાઓ ઉપર પણ થવાનો, અર્થાત્ ભાષાનું વ્યક્તિસ્વરૂપ બાંધવું તથા વિકસાવવું એને પણ વિશ્વનાં ચાલક બળોમાં સ્થાન છે. આમ છતાં બીજાં ચાલક બળોની પ્રવૃત્તિ પણ ભેગભેગી થવાની; – જેવાં કે માનવજાતિમાં બંધુતા સાધનારાં, એકીકરણ કરનારાં, આત્મિક બળો. આ બળો ભાષાના વ્યક્તિવિકાસને પોષક થાય એમ સમન્વય સાધવો, અને ભાષાને પણ એ એકીકરણ સાધનારાં આત્મિક બળોનું સાધન બનાવવું, એ તો પરમોત્તમ સેવા ગણાશે.

ગુર્જર ભાષા તથા સાહિત્યનું ઇતિહાસદર્શન

આપણી ભાષા તથા સાહિત્યની વિશુદ્ધિ જાળવવાની સાથે એ બેને સમૃદ્ધ કરવાનું કર્તવ્ય આપણે શિર આવ્યું છે. એ બજાવવામાં ખરો માર્ગ જાણવા માટે એ બંનેની હાલની સ્થિતિ અને પૂર્વનો ઇતિહાસ સંક્ષેપમાં જોઈ જવાની કાંઈક જરૂર લાગે છે. આજ જે સ્થાને હું ઊભો છું તે સ્થાનના મારા પૂર્વાધિકારીઓમાંથી બે જણે આપણી ભાષા તથા સાહિત્યનું ઇતિહાસદર્શન વિદ્વત્તાથી અને વિશાલ દૃષ્ટિથી કાંઈક વિસ્તૃત રૂપે કર્યું છે એટલે એના એ પ્રદેશમાં સંચરણ કરવું હવે આવશ્યક કે ઇષ્ટ નથી. માત્ર એ ઇતિહાસદર્શનની પુરવણીરૂપે તેમ જ સ્વતંત્ર સંક્ષિપ્ત રેખાલેખનરૂપે હું થોડુંક કહી જઈશ.

ભાષા

પ્રથમ ભાષાનો ઇતિહાસ તથા સ્થિતિ લઈશું. આપણી ભાષા સંસ્કૃતમાંથી સર્વાંશે સાક્ષાત્ ઊતરી આવી નથી; વચલા ગાળામાં પ્રાકૃત, અપભ્રંશ ઇત્યાદિ ક્રમોમાં થઈને હાલનું સ્વરૂપ ઘડાયું છે; એ સ્વરૂપમાં संस्कृतसम, संस्कृतभव, અને संस्कृतभिन्न એ ત્રિવર્ગ શબ્દોના સમૂહ સમાયા છે, ઇત્યાદિ સત્યોથી વિદ્વાનો એટલા પરિચિત થઈ ગયા છે કે એ સર્વેની વિગતોમાં ઊતરવાની અને પુનરુક્તિ કરવાની કશી જરૂર નથી. માટે અપભ્રંશથી જ આપણા સિંહાવલોકનનો આરંભ કરીએ. અપભ્રંશ, મધ્યકાલીન અપભ્રંશ, અંતિમ અપભ્રંશ (અથવા જેને ડૉ. ટેસિટોરી ‘જૂની પશ્ચિમ રાજસ્થાની’ કહે છે તે), આરંભકાળની ગુજરાતી, મધ્ય ગુજરાતી, અને આધુનિક ગુજરાતી – એ ક્રમમાં આપણી ભાષાનો ઇતિહાસ ચાલ્યો આવેલો જણાય છે. આ સર્વ ભાષાક્રમોનાં સ્વરૂપદર્શક ઉદાહરણો તે તે કાળના સાહિત્યમાંથી ઉતારવાની જરૂર નથી. રા. કેશવલાલ ધ્રુવના બીજી સાહિત્યપરિષદ વખતના પ્રમુખપદથી કરેલા ભાષણમાં, તેમ જ અન્ય વિદ્વાનોના જુદા જુદા લેખોમાં એ પ્રકારનું સ્વરૂપદર્શન થઈ ચૂક્યું છે. તેથી આજ હું અન્ય માર્ગ પકડીશઃ તે તે સમયની ભાષાનાં ગુજરાતીના હાલ સુધીના વિકાસ જોડે નિકટ સંબંધ રાખનાર વાગ્વ્યાપારનાં લક્ષણદર્શી સ્વરૂપોનું સંક્ષિપ્ત દર્શન જ હું કરી જઈશ. અપભ્રંશમાં પ્રવર્તતા મુખ્ય વાગ્વ્યાપારઃ (૧) रકારનો (વિકલ્પે) લોપાભાવ; આ તત્ત્વને લીધે સં. प्रकटમાંથી ગુજરાતીમાં ‘પ્રગટ’એ શબ્દ રકાર સહિત આવ્યો છે. (ટીપઃ ट નો ड અહીં નથી થયો તેટલે અંશે આ શબ્દ સાક્ષાત્ તદ્ભવ ગણવામાં બાધ આવશે, કેમ કે બીજાં રૂપાંતરો પ્રાકૃત અપભ્રંશ દ્વારા થયેલાં છે. તેથી ट નો ड ન થયો તે અપવાદસ્વરૂપ ગણવું ઠીક છે.) विक्रय – વકરો, आश्रय – આશરો એ પણ આ પ્રકારનાં ઉદાહરણો છે. (૨) अभूतोडपि क्वचित् (‘સિ.હે.’, ૮–૪–૩૯૯) એ સૂત્રને આધારે रકારનો અકારણ ઉમેરો. ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’); સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું; સં. कोटि-कोडि [5] – કોડ – કરોડ (દસ લાખથી દસ ગણી સંખ્યા;) સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો; (ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.) (ક) (અનાદિ અસંયુક્ત) क નો ग સં. प्रकटનું પ્રગટ; प्रकरण પગરણ; मुकुटનું મુગટ; द्यूतकारનું જુગાર; रत्नाकरનું રતનાગર; व्यक्तिનું વિગત; ઇત્યાદિ. (૪) लिड्गमतन्त्रम् (‘સિ.હે.’, ૮–૪–૪૪૫) એ સૂત્રની પ્રવૃત્તિ ગુજરાતીમાં બહુ થાય છેઃ मित्रं, उत्तरं, पत्रं, मुकुंटं ઇત્યાદિ નપુંસકલિંગના ગુજરાતીમાં મિત્ર, ઉત્તર, પત્ર, મુગટ ઇત્યાદિ પુંલિંગ શબ્દો થયા છે; વૃક્ષ સંસ્કૃતમાં પુંલિંગ તે ગુજરાતીમાં નપુંસકલિંગ છે; ‘પાંખ’ સ્ત્રીલિંગનું સંસ્કૃત મૂળ पक्ष પુંલિંગ છે; ‘આંખ’ સ્ત્રીલિંગનું સંસ્કૃતમાં મૂળ अक्षि નપુંસકલિંગ છે; ઇત્યાદિ ઇત્યાદિ. (૫) क પ્રત્યયનો બહુ છૂટથી ઉપયોગ; એમાં – (क) क નો લોપ; અને આ क પ્રત્યયને યોગે તથા લોપ થતાં પુંલિંગના શબ્દો (પ્રથમા એકવચનના રૂપના) ને અંતે अउ અને નપુંસકમાં अउं; (ख) આ क પ્રત્યય ન લાગે ત્યારે પુંલિંગ શબ્દોને અન્તે उ અને નપુંસકને અન્તે પણ उ; (‘સિં.હે.’, ૮–૪–૩૩૧ – ને આધારે અંતે उ અને ૮–૪–૩૫૪ને આધારે उ થાય છે.) (ग) આ क પ્રત્યયનો ઉમેરો કેવળ યદૃચ્છામૂલક ન હોઈ સ્વરભાર (‘એક્સંટ’)ને અનુસરીને એનું અસ્તિત્વ અથવા અભાવ જણાય છે; અંતોદાત્ત શબ્દોને क પ્રત્યય લાગતો, અને બીજાને નહિ; (घ) આ સ્થિતિને પરિણામે ગુજરાતીમાં પુંલિંગમાં ઓકારાન્ત તેમ જ અકારાન્ત શબ્દો નજરે પડે છે, તેમ જ નપુંસલિંગમાં ઉકારાન્ત તેમ જ અકારાન્ત શબ્દો જોઈએ છીએ – એ દ્વિધા સ્થિતિનું સમાધાન મળે છે. ઉદાહરણઃ પુલિંગ નપુંસકલિંગ घोटकः घोडउ ઘોડો;          मृतकं मडउं મડું; धवलकः धवलउ ધોળો;          भाजनकं भाणउं ભાણું; पादकः पायउ પાયો;           अंगनकं अंगणउं આંગણું; मर्कटकः भक्कडउ માંકડો शब्दः सद्दु સાદ;          नयनं नयणु નૅણ; मत्कुणः मक्कुणु માંકણ;          वचनं वयणु વૅણ;                             गृहं घऱु ઘર;                             दुग्घं दुद्धु દૂધ

આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે. આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.) (૬) अम्हारउ, महारउ, ઇત્યાદિ અપભ્રંશનાં રૂપો; कांई, कवण ઇત્યાદિ આદેશો; विना નું विणु રૂપ; ઇત્યાદિ અપભ્રંશનાં અનેક રૂપો ગુજરાતીના હાલના શબ્દો જોડે નિકટ સંબંધી છે. અપભ્રંશ પછીના અર્થાત્ મધ્યકાલીન અપભ્રંશનાં તથા અન્તિમ અપભ્રંશના ભાષાવિકાસનાં વિશિષ્ટ લક્ષણો જોઈએઃ (૧) સંયુક્ત વ્યંજનમાંનો એક લુપ્ત થઈ પૂર્વ સ્વરનું દીર્ઘ થવું; ઉદાહરણઃ कम्म–કામ; सप्प–સાપ; तिक्खं–તીખું; पुत्त–પૂત, ઇત્યાદિ. ‘પ્રબન્ધચિન્તામણિ’ (વિ.સં. ૧૩૬૧)માં જે જે નમૂના દેખાય છે તે ભાષા આશરે સૈકા પૂર્વની રા. કેશવલાલ ગણે છે. તો વિ.સં.ના ૧૩મા સૈકામાં હજી સંયુક્ત યથાવત્ રહેલો નજરે પડે છે. तुट्टि, सक्कर, मक्कड, तिक्खा, हत्थ ઇત્યાદિ રૂપો એમાં હજી છે. વિ.સં.ના ૧૪મા–૧૫મા સૈકામાં આ સ્થિતિ બદલાઈ ઉપર કહેલો રૂપવિકાર નજરે પડે છે. ‘મુગ્ધાવબોધઔક્તિક’ (વિ.સં. ૧૪૫૦)માં ‘નીચાઈ’, ‘પાધરી’ ઇત્યાદિ શબ્દો જોઈએ છીએ; ‘વસંતવિલાસ’ (વિ.સં. ૧૫૦૮)માં मूकए, चूकए, दीठउ, लगी એ રૂપો દેખીએ છીએ; ‘કાન્હડદેપ્રબન્ધ’ (સં. ૧૫૧૨)માં વાત, સાપ, લાગ, માગ એમ શબ્દો જોઈએ છીએ. ડૉક્ટર ટેસિટોરી કહે છે કે આ રૂપાંતર ઈસવીસનના ૧૪મા સૈકા (વિ.સં. ૧૩૪૪થી પૂર્ણ થતા સૈકા)ની બહુ પૂર્વથી શરૂ થયું હતું. कहिज्जइ, भणिज्जइ ને બદલે कहीजे, भणीजे એ રૂપો ‘પ્રાકૃતપિંગલ’ નામના ગ્રંથમાં દેખા દે છે. પરંતુ એ જ પંડિત બતાવે છે તેમ ‘પ્રાકૃતપિંગલ’ની ભાષાનો સંબંધ જૂની પશ્ચિમ રાજસ્થાની જોડે તો આડકતરો જ છે. એટલે ગુજરાતીની પૂર્વજ ભાષાઓમાં કદાચ આ રૂપાંતર કાંઈક મોડું થયું સંભવે, કેમ કે ‘પ્રાકૃતપિંગલ’ની ભાષાનો સમય ડૉ. ટેસિટોરી ઈ.સ.ના ૧૦માથી ૧૨મા સૈકામાં મૂકે છે; અને આપણે ‘પ્રબન્ધચિન્તામણિ’માં પ્રતિબિંબિત થયેલી વિ.સં.ના ૧૩મા સૈકાની ભાષામાં તો સંયુક્ત વ્યંજન કાયમ દીઠો છે. આટલી વિશિષ્ટતા રાખીને કહેવાને બાધ નથી કે આ રૂપાંતર અપભ્રંશ અને પ્રાચીન પશ્ચિમ રાજસ્થાનીના વચગાળામાં બહુ વહેલું થયેલું એમાં શક નહિ; વિ.સં.ના ૧૪મા સૈકામાં તો એ થઈ ચૂકેલું હોવાનો સંભવ ઉપર આપણે દીઠો છે. ડૉ. ટેસિટોરી પણ જે ઉદાહરણો આપે છે તે ઈ.સ. ૧૫૦૦થી ૧૬૦૦ (વિ.સં. ૧૫૫૬થી ૧૬૫૬)ની અંદરના ગ્રંથોમાંથી આપે છે. (૨) ઉપરના રૂપાંતરને મળતું જ બીજું રૂપાંતર અનુસ્વારની શિથિલતા અને પૂર્વ સ્વરની દીર્ઘતાનું છે. ઉદાહરણઃ वंकं–વાકું; संझा–સાંઝ; दंत–દાંત; सिंचइ–સીંચે; मुंडइ–મૂંડે; ઇત્યાદિ. આ રૂપાંતરની સમયમર્યાદા ઉપર કહેલા સંયુક્તલોપની સાથે સાથે જ છે. સં. ૧૪૫૦નું ‘મુગ્ધાવબોધ’ वांकुडी ઉક્તિ કહે છે, સં. ૧૫૦૮નું ‘વસંતવિલાસ’ वांकुडी શબ્દ પ્રયોજે છે. (આ ગ્રંથોની ભાષા પોતાની રચ્યાસાલ કરતાં પચાસ–સો વર્ષ પૂર્વની સ્થિતિ દર્શાવે છે એ ધોરણે જ ચાલીએ છીએ.) (૩) અસ્વરિત પ્રથમ શ્રુતિનો લોપઃ ઉદાહરણઃ उपविशति – उवचिसइ – उवइसइ – वइसइ – बइसइ – બેસે. (ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.) अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું; अस्ति – अच्छइ [6] - अछइ – છઈ – છે; अन्यत् – अण्णं – अनइ – नइ – ને; अरघट्टः – अरहट्टो – રહેંટ; ઇત્યાદિ. વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે.[7] તે ઉપરથી કદાચ જણાય કે આ વિકાર એ સમયમાં હજી પ્રવૃત્ત થયો નહિ હોય. વિ.સં. ૧૪૦૦ની પછી આ લોપ પ્રગટ થાય છે. મેરુસુંદરના ‘પુષ્પમાળ-પ્રકરણ’ (પ્રતસાલ સં. ૧૫૨૯ એટલે રચ્યાસાલ ૧૪૦૦ ને ૧૫૦૦ની વચ્ચે સંભવે) પુસ્તકમાં ‘બઈઠું’ રૂપ નજરે પડે છે. ‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે; ‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે; ‘કાન્હડદેપ્રબંધ’ (સં.૧૫૫૨)માં ‘છઇ’ તેમ ‘અછઇ’, ‘નઈ’ તેમ જ ‘અનઇ’ તથા ‘બઈસઈ’ એ રૂપો છે; કર્મણમંત્રીકૃત ‘સીતાહરણ’માં ‘નઇ’ રૂપ (=અનઈ) છે. આમ આ અસ્વરિત પ્રથમ શ્રુતિનો લોપ વિ.સં. ૧૪૫૦ની પૂર્વે શરૂ થઈ ચૂકેલો તે પછી ચાલ્યો આવ્યો છે. મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે. (૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ; વ્રજલાલ શાસ્ત્રી કહે છે [8] કે સંવત ૧૪૦૦ના સૈકા પછી ગુર્જર ભાષામાં આ સ્વરૂપ પેઠું છે, તે પૂર્વે નજરે પડતું નથી. करोतिનું અપભ્રંશ करइ થયું તેમાં વર્તમાનકાળનો ભાવ પૂર્ણ બળથી બતાવવાની શક્તિ કાલક્રમે જતી રહી ને વધારાનું ‘છઈ’ (છે) ઉમેરાઈ ‘કરઈ છઈ’ એમ પ્રચાર થયો, તે હાલ તો સર્વત્ર વ્યાપે છે. આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો. હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ (૧) ‘અઇ’ અને ‘અઉ’ એ વિશ્લિષ્ટ સ્વરોનાં જોડકાંનું ‘એ’ અને ‘ઓ’માં રૂપાંતર; ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ. ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે. સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા ગ્રંથોમાં [9] ‘ચિંતવે’, ‘કહેશે’, ‘દેશતણા’, ‘તેને’, ‘તેનો’, ‘કરર્યો’, ‘કરે’ ઇત્યાદિ રૂપો લહિયાઓએ કરેલું ભાષાનું રૂપાંતર સૂચવવાની સાથે એ પણ સૂચવે છે કે તે સમયમાં ‘અઇ’ – ‘અઉ’ને બદલે ‘એ’ – ‘ઓ’ એમ રૂપ રૂઢ થઈ ગયેલાં. માટે સંવત ૧૭૫૦ની સાલની મર્યાદા આ રૂપાંતર માટે રાખવાને બાધ નથી. ‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી. (૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર; ઉદાહરણઃ ‘વિણુ’નું ‘વણ’ (=વિના); ‘ચિણઇ’નું ‘ચણે’, ‘લુણઇ’નું ‘લણે’, ‘તિલ’નું ‘તલ’, ‘લિખઇ’નું ‘લખે’, ‘મિલઇ’નું ‘મળે’ ઇત્યાદિ. આ રૂપાંતર માટે પણ ઉપરના રૂપાંતરની સમયમર્યાદા – વિ.સ. ૧૭૫૦ અને તે પછીની ઠરાવી શકાય એમ છે. સં. ૧૭૦૦ પછીના સમયમાં પણ ‘ઇ’–‘ઉ’ નજરે પડે છે. સં. ૧૭૩૨માં રચાયેલા ‘પાણ્ડવાશ્વમેધ’નો કર્તા પોતાનું નામ ‘તુલસી’ કરીને લખે છે. [ટીપઃ મરાઠીમાં હજી સુધી પણ આ વિકાર નથી; એ ભાષામાં તો ‘તલ’ને બદલે तिळ (तीळ) ઇત્યાદિ જ છે.[10] આ કારણથી, આ તુલસીદાસનું તલસીદાસ, મુકુન્દજીનું મકનજી, શિવજીનું શવજી જેવાં રૂપોને આગળ ધરીને गुर्जराणां मुखं भ्रष्टं શ્લોક ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવા માટે કોક મહારાષ્ટ્રવાસીએ ઘડેલો રૂઢિપ્રવાહમાં આરૂઢ થઈ પ્રાચીનતાનો ખોટો ભાસ આપનારો થયો છે. ઇકાર ઉકારના આ રૂપાંતરનો વ્યાપાર ગુજરાતીમાં હાલ પણ વિશેષનામમાં તો અસંસ્કારી વર્ગમાં નજરે પડે છે, અને વિચાર-ગુલાબ, ઇત્યાદિને બદલે વચાર-ગુલાબ, ઇત્યાદિ પણ તે જ વર્ગના પ્રયોગો છે, વળી રૂઢશિષ્ટ ગુજરાતીમાં ચણવું, તલ, ઇત્યાદિ રૂપો પણ સંવત ૧૭૫૦ની પૂર્વે જડે એમ નથી, આ સર્વ વિચારતાં ગુર્જરોનું મુખ ભ્રષ્ટ થયાનો ઉપહાસ પાછલાં દોઢસો વર્ષની બહુ અંદર જ પ્રગટ થયેલો ગણાશે, કેમ કે એ રૂપો બહુ રૂઢ થઈ જાય તે પછી ઉપહાસનો વિષય બને, અને તેમ થવાને પચાસ વર્ષ તો જોઈએ.] આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે. [11] તેમાં ત્રણ ધ્યાન ખેંચનારાં છેઃ (૩) ‘સ’નો ‘ઇ’ અથવા ‘ય્’ના સંપર્કથી શકાર, ઉદાઃ બેશીને (‘બેસ્’+‘ઈ’ને), ઇત્યાદિ; (૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ. (૫) સહ્યભેદના ‘ઇયઇ’ને બદલે ‘આય’ પ્રત્યય; ‘કરિયઇ’ને બદલે ‘કરાય’ (૩) ‘બિશિ’ જેવાં રૂપ સંવત ૧૫૫૭માં (‘ભુવનદીપક’ ના ભાષાન્તરમાં) નજરે પડે છે, પણ તેમાં સાથે સાથે ‘જોસી’ પણ છે. સ્થિરતા પામીને ‘સ’ નો ‘શ’ થયાનો સમય તો સંવત ૧૭૫૦ પછી જ ગણી શકાશે. (૪) ‘લ’ નો ‘ળ’ બોલતા છતાં ’ળ’ એ સ્થિતિ છેક પાછલાં પચાસ વર્ષ ઉપર સુધી હતી, તેથી ળકાર ઉચ્ચારનો આરમ્ભ ગુજરાતીમાં ક્યારે થયો તે કહેવું કઠણ છે. હેમચન્દ્રે ‘लोळ’ એમ સૂત્ર પૈશાચી ભાષા માટે આપ્યું છે. તે અહીં કામ નહિ આવે. એમ તો વૈદિક સંસ્કૃતમાં પણ ळ હતો. ડૉ. ટેસિટોરી તર્ક કરે છે કે ળકારનો પ્રચાર પ્રાચીન પશ્ચિમ રાજસ્થાનીના જૂના આરમ્ભકાળમાંથી શરૂ થયો હશે. તો પછી આ સ્વરૂપ ગુજરાતીને જૂની પ્રાચીન રાજસ્થાનીમાંથી પૃથક્ પાડવાનું લક્ષણ કહેવાશે નહિ. પરંતુ હાલની મારવાડીમાં ળકાર નથી પણ લકાર ઉચ્ચાર છે, અને હાલની ગુજરાતીમાં ળકાર ઉચ્ચાર છે, તે જોતાં, ળકારનો આરમ્ભ મોડો જ મૂકવો યોગ્ય લાગે છે. ડૉ. ટેસિટોરીના તર્કને માટે આધાર શો હશે તે ખબર નથી પડતી. આ જરાક અણધાર્યા લંબાણવાળા સ્વરૂપદર્શન ઉપરથી ગુજરાતી ભાષાના વિકાસક્રમની સમયરેખા નીચે પ્રમાણે આંકી શકાશેઃ [અપભ્રંશ – વિ.સં. ૯૫૦ સુધી.] મધ્યકાલીન અપભ્રંશ – વિ.સં. ૧૩મા સૈકા સુધી; અન્તિમ અપભ્રંશ (=ડૉ. ટેસિટોરીની જૂની પશ્ચિમ રાજસ્થાની) — વિ.સં.ના ૧૩મા સૈકાથી સં. ૧૫૫૦ સુધી; આરમ્ભ કાળની ગુજરાતી – સં. ૧૫૫૦થી સં. ૧૬૫૦ સુધી; મધ્ય ગુજરાતી – સં. ૧૬૫૦થી ૧૭૫૦ સુધી. આધુનિક ગુજરાતી – સં. ૧૭૫૦ પછી. આ સમયરેખાઓ દૃઢ મર્યાદાથી આંકેલી નથી એ કહેવાની જરૂર જ નથી; કેમ કે સુજ્ઞોને વિદિત જ છે કે ભાષાની પ્રવાહને વચમાં ભીંતો બાંધીને ગોઠવાય નહિ; એમાં તો એક સ્વરૂપમાંથી અન્ય સ્વરૂપમાં સંક્રમણ પ્રકૃતિના જીવવ્યાપારને અનુકૂળ રીતે અણદીઠું થયે જાય છે, અને તેથી કરીને એક સમયનાં સ્વરૂપો ક્વચિત્ અન્ય સમયમાં પણ કેટલોક કાળ થોભી રહેતાં, રઝળતાં નજરે પડે છે. બીજી એક વાત ધ્યાન ખેંચનારી છે. આધુનિક ગુજરાતી સ્થિરતા પામી તે પૂર્વના સમયમાં ભાષાના શબ્દોનાં રૂપો અન્તર્ગત બંધારણમાં નવા નવા વિકાર પામતાં હતાં, અને તે સમય સુધી ભાષાનો સ્વરૂપવિકાસ અન્તર્ગત બંધારણનો હતો એ સ્થિતિ આધુનિક ગુજરાતીના સમય પછી બદલાઈ છે. હવે અન્તર્ગત બંધારણમાં ફેરફારનો પ્રસંગ નથી. (ઉચ્ચારાનુસાર જોડણી પ્રમાણે લખવાની પદ્ધતિથી ભ્રમમાં પડવાનું કારણ નથી, કેમ કે વસ્તુતઃ ઉચ્ચારસ્વરૂપ તો ભાષામાં છે જ, અને પ્રાચીન સમયમાં ઉચ્ચાર અને આકાર વચ્ચે ભેદ રાખવામાં આવતો નહોતો.) હવે તો નવા શબ્દો અન્ય ભાષામાંથી આણવાનો, નવા વિચારને પ્રતિબિમ્બ આપવાને સમર્થ શબ્દો યોજવાનો, નવી વાક્યઘટનાનાં સ્વરૂપો ઉપજાવવાનો સમય છે. અર્થાત્ ભાષાના શબ્દોનું બંધારણ તો સ્થિરતા પામ્યું લાગે છે. પ્રાચીન અને આધુનિક સ્થિતિ વચ્ચે આ ભેદનાં અનેક કારણો છે. પ્રાચીન સમયમાં દેશમાં રાજકીય ફેરફારો અનેક હતા; લખવાની, છાપવાની, સાહિત્ય પ્રચારવાની, અનુકૂળતાઓ નહોતી; લોકોના ઉચ્ચાર ઉપર અંકુશમાં હાલના જેટલાં સાધનો નહોતાં; ઇત્યાદિ અનેક બળોના સંકુલ વ્યાપારનું ફળ શબ્દોના અન્તર્ગત બંધારણમાં ફેરફાર થવામાં પ્રગટ થતું હતું. હાલ તે સ્થિતિ નથી. એટલે શબ્દસ્વરૂપો તો સ્થિરતા પામી ચૂકયાં છે એમ કહી શકાય ખરું. હાલની સ્થિતિમાં તો બીજો ક્ષોભકર પ્રકાર પેઠો છે. એ પ્રકારના પરિણામમાં આધુનિક ગુજરાતી ખદખદતા ખીચડા જેવી બની છે; શબ્દના આન્તર સ્વરૂપમાં નહિ પણ શબ્દસમૃદ્ધિમાં અને કાંઈક અંશે વ્યાકરણસ્વરૂપમાં સંસ્કૃતમય ગુજરાતીનો મોહ, પારસી ગુજરાતીના અને મુંબાઈની ખીચડિયા ભાષાના અનિષ્ટ અંશનો આદર, ઇત્યાદિ પ્રકારોને લીધે ભાષાની વિશુદ્ધિને ક્ષોભકર સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એ સ્થિતિને સારે માર્ગે શી રીતે દોરવી તે પરિષદનું એક ચિન્તનકાર્ય છે.

નરસિંહ, મીરાં વગેરેના સમયની વ્યાપક ભાષા

એક બીજી વાત લક્ષમાં આવશે. ઉપરની ઇતિહાસચર્ચાથી સહજ જણાઈ આવશે કે મીરાં રજપૂતાનામાં ઉત્પન્ન થઈ, રહી, એણે કવિતા કરી, વળી સૌરાષ્ટ્રમાં આવી વસીને કવિતા કરી, – આમ રજપૂતાનાની આ કવિભકતાણીનાં પદો ગુજરાતના લોકો શી રીતે સમજી શક્યાં હશે? આ શઙ્કાનો ઉત્તર તે સમયમાં ગુજરાત, કાઠિયાવાડ, રજપૂતાના એ વિશાળ પ્રદેશમાં વ્યાપક એક ભાષા હતી એ સ્થિતિથી મળે છે. ‘કાન્હડદેપ્રબન્ધ’ની ભાષા, એના કવિનો જાલોરમાં રાજકવિ તરીકે નિવાસ, ઇત્યાદિનું સમાધાન પણ આ સ્થિતિથી મળે છે. આ ખુલાસો પૌષ ૧૯૭૦ના ‘વસંત’માં (પૃ. ૬૪૮મે) મેં સૂચવેલો; તેને ફેબ્રુઆરી ૧૯૧૪ના ‘ઇન્ડિઅન એન્ટિક્વેરી’માંના લેખમાં ડૉક્ટર ટેસિટોરીએ અણધારી પુષ્ટિ આપી છે. જે કલ્પના મેં ઇતિહાસ અને સ્વરૂપને આધારે ઉપસ્થિત કરી હતી તે જ અનુમાન ઉપર એઓ જૂના હસ્તલેખોની પરીક્ષાદિકથી સ્વતંત્ર રીતે આવ્યા છે. એમણે તે ઉપરથી એમ પણ સાબિત કર્યું છે કે નરસિંહ મહેતાની કવિતા ‘કાન્હડદેપ્રબન્ધ’ની ભાષામાં જ રચાઈ હશે, અને કાલાદિક સંગતિને બળે આધુનિક રૂપમાં આપણી કને આવી છે. વિસ્તાર થાય તેથી એમના શબ્દો અહીં ઉતાર્યા નથી. ડૉ. ટેસિટોરીએ જુદા પ્રકારે સાબિત કરેલી વાત પૂર્વે પણ પંડિતોએ સ્વીકારેલી હતી. નવલરામભાઈ એમના “ગુજરાતી ભાષાનું ઐક્ય” નામના લેખમાં લખી ગયા છે કેઃ “આશરે સાતસેં આઠસેં વર્ષ ઉપર જોઈશું તો માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શોધકોના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિં પણ પંજાબ, સિન્ધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉરિયા અને ઠેઠ બંગાળા સુધી લગભગ એકસરખી જ ભાષા બોલાતી હતી.” આ જરાક અતિ વ્યાપક સ્થિતિકથનનો સંકોચ આપવો પડે એમ છે, અને તે સંકોચ જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષાના વિસ્તારક્ષેત્રને ડૉ. ટેસિટોરીએ આપ્યો છે તે ઉપરથી જણાશે. વાત ખરી એમ છે કે નવલરામભાઈએ ઉલ્લેખ કરેલી વ્યાપક ભાષા તે સામાન્યરૂપે પ્રાકૃત ભાષા હતી, તેના વિભાગ માગધી, શૌરસેની ઇત્યાદિ હતા જ અને ડૉ. ટેસિટોરીના અવલોકનનો વિષય તો રાજસ્થાન અને ગુજરાત (તળ તથા સૌરાષ્ટ્ર)માં વ્યાપક રૂપે પ્રવર્તતી અન્તિમ અપભ્રંશ (જૂની પશ્ચિમ રાજસ્થાની) ભાષા તે હતો. આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ હતો [12] તેમાં વધારે પેટાવિભાગ ઉમેરીને વિશિષ્ટ ભાષાલક્ષણોને આધારે અહીં પાંચ વિભાગ મેં પ્રગટ કર્યા છે. સર જ્યોર્જ ગ્રીઅર્સને ‘લિંગ્વિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિઆ’ ગ્રંથ ૯, ભાગ ૨, ‘રાજસ્થાની એન્ડ ગુજરાતી’માં પૃષ્ઠ ૩૨૭મે ‘મુગ્ધાવબોધ’ની ભાષાને ગુજરાતી કહી શકાય એમ કહ્યું છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે એમ કહ્યું છે; તેમજ ‘ધી ઈમ્પીરીઅલ ગેઝેટીઅર ઑફ ઇન્ડિયા’, નવી આવૃત્તિ, ગ્રં ૨જાના પૃ. ૪૩૦મે કહ્યું છે કે ગુજરાતીનું સાહિત્ય છેક ૧૪મા સૈકાથી ચાલી આવ્યું છે; તે વિશે મેં ઘણા કાળથી સંશયચિહ્નની નોંધ અન્ય પ્રમાણને આધારે કરી હતી; અને આજ કહી શકાય એમ છે કે ડૉ. ટેસિટોરીએ સાબિત કરેલી સ્થિતિ જોતાં સર જ્યોર્જ ગ્રીઅર્સનનાં આ વચનો ફેરવવાં પડશે.
13

ગુજરાતી સાહિત્યનું ઇતિહાસદર્શન

હવે આપણા સાહિત્ય તરફ નજર નાંખીએ. આ સાહિત્યના બે સ્થૂલ સમયવિભાગ કરીશું; (૧) ઈ.સ. ૧૮૫૦ (વિ.સં. ૧૯૦૬) પૂર્વેનું સાહિત્ય, અને (૨) તે પછીનું સાહિત્ય. પ્રથમ વિભાગમાં આવનાર સર્વ કવિઓ પાશ્ચત્ય સંપર્ક પૂર્વેના અથવા એ સંપર્કના પરિણામથી અસ્પૃષ્ટ સંસ્કારવાળા આવશે; અને બીજા વિભાગમાં તે સંપર્ક પછીના અને વધતા ઓછા પ્રમાણમાં અને સ્વરૂપમાં સંપર્કના સંસ્કારવાળા કવિઓ તથા ઇતર લેખકો આવશે. પ્રથમ વિભાગના કવિઓની કવિતા વિશે અત્યાર સુધી એટલી બધી ચર્ચા થઈ ગઈ છે કે સર્વ વિદ્યારસિક જન એથી પરિચિત છે. તેથી એ ખેડાયેલી ભૂમિ ફરીથી ખેડાવામાં શ્રમ અને સમયનો વ્યય કરીશું નહિ. માત્ર એ કવિતાના સ્વરૂપના સ્થૂલ વિભાગો અને રૂપરેખાનું સ્મરણ કરી જઈશું. સરળતા માટે પ્રથમ વિભાગમાં સાહિત્ય, કવિતા, અને કવિઓને પ્રાચીન એ વિશેષણ આપીશું અને બીજા વિભાગનાંને અર્વાચીન કહીશું. (આ વિશેષણો આ ચર્ચા માટે જ વાપર્યાં છે; પાછળ થઈ ગયેલી ભાષાદિકના ઇતિહાસની ચર્ચાને તે લાગુ પાડવાનાં નથી.)

પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ

પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે. [13] આ સર્વ નમૂના ગદ્યસાહિત્યનું નામ આપવા જોગ નથી; “વૈશાખ સુદિ લૂણદાન ન દીજઈ.” એવાં બોધનાં છૂટક વચનો, અથવા તો ‘છાસિસઉં પાકીઉં બીલું પીજઈ હરસ જાઇ.’ હેવા ઓસડના ટૂચકા, ઇત્યાદિ તૂટક વાક્યો અથવા તો “વિપુલ વિસ્તીર્ણ પુલક યે રોમાંચ તીણિ સહિત છિ પૃથુ કહિતાં ઘણૂ વેપથુ યે ધ્રુજવું.” એવી ટીકાનાં વાક્યો, બહુ ભાગે છે; ક્વચિત્ માત્ર વાર્તાનું ગદ્ય છેઃ “પાડલિપુર નગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ર રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઇ.” – ઇત્યાદિ; ‘શુકબોહોતરી’ (વિ.સં.ના ૧૫મા સૈકાની) વાર્તાનું ગદ્ય; ઇત્યાદિ નરસિંહ મહેતાના સમયનું ‘ગદ્યરામાયણ’ તે પણ કથાગ્રંથ તરીકે અપવાદમાં મુકાશે. આ ગદ્ય તે પ્રાચીન સાહિત્યના વિશાળ પદ્ય સિન્ધુની સરખામણીમાં ખાબોચિયાં જેવું છે. અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના પિતા” [14] કહ્યા છે, અને તે યથા ઘટિત જ છે તે એમની ગુર્જરગિરાની સેવાથી વાકેફ માણસો કબૂલ કરશે. [15] એમનાં પૌત્ર પણ આ સમયને અનુરૂપ ગુર્જર ગદ્યની સેવા કરે છે, અને આપણી આ પરિષદના કાર્યમાં ધુર્ય ભાગ લે છે તે સરસ્વતીદેવીના ભક્તોને એક આર્દ્ર આનંદનું કારણ બને એમ છે. પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચે બીજો ભેદ સાહિત્યના વિષયસ્વરૂપને અંગે નજરે પડે છે. પ્રાચીન સાહિત્યમાં નરસિંહ, મીરાં, ભાલણ, ઇત્યાદિ મોટે ભાગે ધર્મ, ધર્મના સંપર્કનો કૃષ્ણલીલાનો શૃઙ્ગાર, ઇત્યાદિ વિષય ચર્ચે છે; ભાલણ ‘કાદમ્બરી’ જેવી રસપૂર્ણ કથાને કાવ્યરૂપમાં રસમય બનાવે છે. જૈન કવિઓ રાસાઓમાં કથાઓ ગૂંથે છે; પાછળના કવિઓ પ્રેમાનન્દ જેવા આખ્યાનો, પુરાણકથાઓ, ઇત્યાદિ ગાય છે; શામળ કલ્પિત વાર્તાઓને નવીન માર્ગમાં જ દોરે છે, દયારામ શૃંડ્ગાર રસને પોતાની મોહક ભાષાશૈલીથી આકર્ષક રૂપ આપે છે, તેમ જ ભક્તિવૈરાગ્યની પણ કવિતા ગાય છે; અન્ય કવિઓ બોધપરાયણ (‘ડાયડેક્ટિક’) પદ્યો, ચાબખા, ઇત્યાદિ વડે ધર્મ, નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે; આમ પ્રાચીન સમયનો સાહિત્યસમૂહ એક જુદા ખંડમાં મુકાય એવો છેઃ ત્યારે અર્વાચીન સાહિત્ય આ પાછલા વિષયને લગભગ છોડી જ દઈને નવીન દિશા તરફ જ વલણ લે છે; તેમાં પણ દલપતરામ અને નર્મદાશંકરના સમયનું સાહિત્ય એક વર્ગમાં આવશે; અને તે પછીનું ઈ.સ. ૧૮૮૦ પછીનું બીજા વર્ગમાં આવશે, અને એ બેની વચ્ચે ઊભેલું નવલરામનું સાહિત્ય એક અવાન્તર ક્રમમાં રહેલું જણાશે. નર્મદાશંકર તથા દલપતરામની કવિતાએ પ્રાચીન સાહિત્ય જોડેનો સંબંધ લગભગ તદ્દન છોડ્યો, છતાં વિચાર અને પ્રદર્શનપદ્ધતિ તદ્દન જુદા પ્રકારની ન પ્રગટ કરી; આથી આગળ ક્રમ ભરનાર નવલરામભાઈનાં ‘વીરમતી નાટક’, ‘ભટ્ટનું ભોપાળું, ‘મેઘદૂત’નું ભાષાન્તર ઇત્યાદિએ એમના પછી તરત આવનારા નવીન યુગનાં કાંઈક પ્રભાતકિરણો પ્રગટાવ્યાં. મનસુખરામ સૂર્યરામની આરંભકાળની કૃતિઓ અને રા. રણછોડભાઈ ઉદયરામની નાટકરચનાઓનો પ્રવાહ તે વળી આ વચગાળાના સાહિત્યને બે જુદાજુદા રંગ આપતાં જણાય છે. ઝવેરીલાલ ઉમિયાશંકરનું ‘શાકુન્તલ’ નાટક પણ આ મધ્ય ખંડમાં મુકાશે. ‘કરણઘેલો’ એ એકલ પુસ્તક હોઈ એની વાર્તાસાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઊભેલા પાવાગઢ જેવી સ્થિતિએ ભોગવે છે. એ પણ આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. ભામરાવનાં ‘પૃથુરાજરાસા’ અને ‘દેવલદેવીનાટક’ તથા ‘મેઘદૂત’નું ભાષાંતર તે પણ આ ડંકેસવારની જોડાજોડ ચાલનાર બીજા દુંદુભિવાદક તરીકે ગણી શકાશે. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાં નવીન યુગ અને પ્રાચીન યુગનું વિલક્ષણ મિશ્રણ છે.

નવીન યુગનું સાહિત્ય

કેવળ નવીન યુગ ગોવર્ધનરામ, મણિલાલ દ્વિવેદી, ‘કલાપી’ ઇત્યાદિ કવિઓના જુદા જ સંસ્કાર અને પદ્ધતિથી રંગાયેલા સાહિત્યથી અંકિત થાય છે. પાશ્રાત્ય જ્ઞાનપ્રકાશનો પ્રવાહ પૂરજોસમાં આવ્યા પછી આ સાહિત્ય ઉત્પન્ન થયું; આ સાહિત્યયુગમાં નવલકથાનું સાહિત્ય ઉત્પન્ન થયું, નાટક સાહિત્યને નવું રૂપ મળ્યું, કવિતાના વિષયમાં તો કોઈ અપૂર્વ નવો પ્રદેશ જ ઊઘડ્યો, અને વિજ્ઞાન, જીવનચરિત, સમાજશાસ્ત્ર, ઇત્યાદિના જે પ્રદેશો ઉઘાડવાનું મુખ્ય માન ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઘટે છે તે સાહિત્યવિભાગને પણ અલ્પાંશે આદર અપાયો. આ નવીન યુગના સાહિત્યનું દર્શન વધારે નજીક જઈને કરતાં પહેલાં એક સામાન્ય વિચાર આ સ્થળે નોંધવા જેવો છે. ઉપર આપણે પ્રાચીન અર્વાચીન એમ બે વિભાગ ગુર્જર સાહિત્યના કર્યા, અને અર્વાચીનના બે પેટાવિભાગ જોયા; ઈ.સ. ૧૮૮૦ પૂર્વેનું સાહિત્ય અને તે પછીનું; આ બેમાંના પ્રથમને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ એ સંજ્ઞાથી ઓળખીશું. આ ત્રણ વિભાગનાં સ્વરૂપ જોતાં જણાશે કે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ એ બે વચ્ચે વિષયભેદ અને કાંઈક અંશે રૂપભેદ થયો ખરો, છતાં પ્રાચીનથી તદ્દન વિચ્છેદ કરીને એ અર્વાચીન પૂર્વાર્ધનું સાહિત્ય પ્રવૃત્ત થયું નથી; ત્યારે અર્વાચીન ઉત્તરાર્ધનું સાહિત્ય તે તો અર્વાચીન પૂર્વાર્ધના સાહિત્યથી પણ તદ્દન વિચ્છિન્ન થઈને કોઈ નવા પ્રદેશમાં નવી જ ફલંગો મારતું ચાલ્યું છે, તો પછી પ્રાચીનથી તદ્દન વિચ્છેદ થયો છે તેની તો વાત જ શી? આ સ્થિતિ શું સૂચવે છે? સાહિત્યના વિભાગમાં ઉત્ક્રાન્તિના તત્ત્વનો ત્યાગ થયો? ભૂત ઉપર ભાવિનો પાયો ચણાય એ નિયમ અહીં પ્રવૃત્ત કેમ ન થયો? આ આભાસી નિયમભંગનું સમાધાન જડે એમ છે. પ્રાચીન અને અર્વાચીનમાં ભેદ પાડનાર કારણબળ પાશ્ચાત્ય નવીન જ્ઞાનપ્રકાશ હતો; તે જ જ્ઞાનપ્રકાશ અર્વાચીન ઉત્તરાર્ધનું સ્વરૂપ બાંધનારું પ્રવર્તક કારણ હતું. પ્રથમનામાં એ કારણબળ કાંઈક સંકોચયુક્ત અને પ્રાચીન તરફ નજર નાંખનારું હતું. પાછળનામાં તેમ ન હોઈ અપૂર્વ સ્વતંત્ર દૃષ્ટિ અને પ્રવૃત્તિ રાખનારું બળ નવીન રૂપનું જ બન્યું હતું. આથી કરીને પ્રાચીન તરફ દૃષ્ટિ નાંખ્યા છતાં એ પ્રાચીન વિષયોનો તો સંગ્રહ કરીને, પણ તદ્દન નવીન દૃષ્ટિ અને નવીન સ્વરૂપ એ વિષયોને આ નવીન યુગના સાહિત્યમાં અર્પાયાં છે. હાલના નવીન યુગનો આરંભ ઈ.સ. ૧૮૮૦થી થયો તે વખતથી અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત સાહિત્યના ઊંચા પ્રકારની પ્રેરણાથી એ યુગનું સાહિત્ય અનુપ્રાણિત થયું. આ સ્થિતિમાં પ્રાચીન જોડે વિચ્છેદ થયો તે માત્ર સ્થૂલ કાલ તથા સ્વરૂપના સંબંધનો જ; બાકી પ્રેરક બળોની કાર્યમૂર્તિ આ પરિણામને અંગે તપાસીશું તો ઉત્ક્રાન્તિનિયમનો ભંગ થયો છે જ નહિ. પ્રાચીન અંશોનો કાળબળે ત્યાગ અને નવીનનો સ્વીકાર એ ક્રિયા તો વિકાસવ્યાપારનું અંગ જ છે. કોઈ દેશની ભૂમિમાં અમુક કાળ સુધી અમુક જાતની ધાન્ય, ફલ, ઇત્યાદિની સમૃદ્ધિ નીપજતી જોવામાં આવે, પછી કોઈ અણધાર્યા નવીન સંજોગો પ્રગટ થઈને નવીન કારણસામગ્રી પ્રગટ થાય; ધરતીના પડની અંદરનાં કમ્પાદિક સંચલનોને પરિણામે નવા જલપ્રવાહ એ ભૂમિમાં વહેલા લાગે અને એ પ્રવાહની સાથે નવા પ્રકારની માટી, કાંપ, ઇત્યાદિ સામગ્રી ઘસડાઈ આવે, નવાં બીજ ઘસડાઈ આવે; વાતાવરણમાં પણ પવનો બદલાઈ નવાં બીજ ઊડીને આવી તે ભૂમિમાં પડે – આ ફેરફારોથી નવીન ફૂલ, પુષ્પ, ધાન્ય, ઇત્યાદિની ઉત્પત્તિ થાય; તો એ વિકાસનિયમનો ભંગ સૂચવશે નહિ. એ જ પ્રકારની કાંઈક ક્રિયા આપણા સાહિત્યના નવીન યુગની ઉત્પત્તિને અંગે પ્રર્વતમાન થયેલી જણાય છે. વળી આ પ્રકારની નવાં બળોની ક્રિયાનો વ્યાપાર સાહિત્ય ઉપર બીજી આડકતરી રીતે પણ થવાથી આ નવીનતા પ્રગટ થઈ છે. ઉપર સૂચવેલાં નવા જ્ઞાનસંસ્કારનાં બળોએ પ્રજાના જીવનમાં પ્રજાની ભાવનાઓમાં, ઉલ્લાસોમાં, આકાંક્ષાઓમાં, નવો જ ફેરફાર કર્યો છે (પછી તેમાં અનિષ્ટ અંશો પ્રવેશ પામ્યા હોય તે જુદી વાત.) તો સાહિત્ય તે પ્રજાજીવનનું પ્રતિબિંબ આપનારું સ્વરૂપ છે તે દૃષ્ટિએ જોતાં પણ આ નવીનતાનો ખુલાસો જડશે. યુરોપના દેશોનાં સાહિત્યમાં જોવા જશો તો આ પ્રકારની જ વ્યાપારક્રિયા ચાલેલી જણાશે. અલબત્ત, એટલું તો સ્વીકારવું પડશે કે આપણા હાલના નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે. ખાસ કરીને કલ્પિતકથા (‘ફિક્શન’)માં એ નજરે પડે છે. પણ એ કૃત્રિમતાનો અંશ તો આપણા યુગનો જ દોષ છે એમ નથી. બાણભટ્ટની ‘કાદમ્બરી’માં કે શામળભટની વાર્તાઓમાં પોતપોતાના સમયના સંસારચિત્ર પડાયાં છે એ સ્વરૂપદર્શન સર્વાંશે ખરું લાગતું નથી; એમાંનાં ચિત્રો તે તે સમયની સમાજસ્થિતિનાં પ્રતિબિંબ હોવા કરતાં કવિની હૃદયની ઇચ્છાથી ઉત્પન્ન થયેલાં, કલ્પનાએ ઘડેલાં, કૃત્રિમ બિમ્બો હોવાનો સંભવ વધારે છે. તો પણ જ્યારે હાલના સાહિત્યમાં મુખપૃષ્ઠ ઉપર કેટલીક કથાઓમાં ‘આધુનિક સંસારનું ચિત્ર’ એમ જોઈએ અને વાર્તાની અંદર એ સંસારમાં કદી નજરે ન પડે એવાં બનાવો, સંસ્થાઓ, પ્રવૃત્તિઓ આલેખાયલાં દેખીએ ત્યારે તો, કૃત્રિમતા કરતાં પણ વધારે ભારે, અસત્યતાનો દોષ પ્રવિષ્ટ થાય; અને એવાં પુસ્તકો હાલના વખતમાં દેખા દે છે ખરાં, તે દૂષણરૂપ ગણીશું. આ પ્રકારનાં ઉદાહરણો બાદ કરીને પણ હાલના સાહિત્યમાં કૃત્રિમતા કોઈ કોઈ વાર એટલી બધી છે કે ભવિષ્યકાળનો ઇતિહાસ લખનાર એ કૃત્રિમ સ્વરૂપને ચાલુ જનમંડળની સ્થિતિના પ્રતિબિંબરૂપે માનવાનો શ્રમ કરે તો નવાઈ નહિ. એટલે અંશે ચાલુ સાહિત્યને ઇતિહાસની સત્યદર્શક સામગ્રી તરીકે સ્વીકારવામાં કાંઈક ભય છે એ ચેતવણી ભવિષ્યના ઇતિહાસકારને આજ આપી મૂકીશું તો એક પ્રકારની સત્યસેવા થશે. હાલના યુગના સાહિત્યનું હવે સમીપથી દર્શન કરીએ. કોણ જાણે કેમ પણ આ યુગમાં કવિતાનું સાહિત્ય બીજા સાહિત્ય કરતાં વિશેષ જથામાં ઊભરાઈ જાય છે. પરિણામ એ આવે છે કે જથાથી વિપરીત પ્રમાણમાં કવિત્વગુણ નજરે પડે છે. નવીન સાહિત્યનો આરંભ ઈ.સ. ૧૮૮૦ પછી થયો ગણીએ છીએ; તે નવીન યુગના અધિષ્ઠાતા બનેલા મુખ્ય કવિઓની ઢબની નકલો પણ બહુ થાય છે. તેમાં એ શૈલીનું હૃદયતત્ત્વ ઉતારાતું નથી અને બાહ્ય રૂપનાં નિર્જીવ ખોખાં, આગન્તુક અંગો, ઇત્યાદિ ઉપાડી લઈને અસલ શૈલીના અજાણતાં ઉપહાસ કરનારી રચનાઓ પ્રગટ થાય છે. આ દશાનું કારણ એ છે કે ગોવર્ધનરામ મણિલાલ, કલાપી, નાનાલાલ, ઇત્યાદિની કવિતાને જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે, અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે, પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ, એ ગુણો હતા અને તેથી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીન યુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે. અર્વાચીન સાહિત્યના પૂર્વાર્ધમાં પણ આ સાચાઈ, ખરું દિલ, એ ગુણો હતા. માત્ર આપણા નવીન યુગમાં જ ભાવનાદિકની નવીન ગતિ સાથે, કવિતા લખનારાના મોટા ભાગમાં ઉપર કહેલી ખામીઓ પ્રવેશ પામી છે. એ ખામીઓની સાથે વિદ્યાદિકના સંસ્કારની ઊનતા અથવા પોતાના અધિકારની મર્યાદાના ભાનનો અભાવ ઇત્યાદિક લક્ષણો પણ આ દૂષણમય દશાને વધારવામાં સહાયભૂત થાય છે. છેક પિંગળના નિયમોની બાબતમાં પણ ઉદ્ધત અનાદર નજરે પડે છે; અર્વાચીન પૂર્વાર્ધમાં મહેતાજીવર્ગના અને ઇતર કવિતા કરતા તેમાં બીજું કાંઈ નહિ પણ પિંગળના નિયમો સચવાતા હતા. હાલના ઉત્તરાર્ધમાં તેમ નથી. એટલું જ નહિ પણ એ નિયમભંગમાં મોટાઈ મારનાર અગ્રેસરોના એ લક્ષણનું અનુકરણ કરનારા કેટલાકના મનમાં એ વિશે ભ્રમયુક્ત મત બંધાઈ જાય છે. એક કવિતામાં નિબંધ લખનારે લખ્યું હતું કે વાંચકવર્ગની તથા અપ્રતિમ સાક્ષર વર્ગની કૃત્રિમ નિયમબદ્ધ પદ્ય લખાણ માટે તીવ્ર જુગુપ્સા છે એવું લાગવાથી પિંગળના નિયમો બરોબર પળાયા નથી, અને તેથી રાગનાં કે છન્દનાં નામ નથી! રાગ અને છન્દ વચ્ચેના ભેદનું અજ્ઞાન આમાં જણાય છે તે તો જુદી વાત, પરંતુ ‘નિયમ પળાયા નથી’ એ સ્વીકારથી પોતાનું અસામર્થ્ય ઉઘાડું એ અસામર્થ્યને માટે આ ‘ફેશન’ની ઢાલનું રક્ષણ લે છે એ બહુ સૂચક વાત છે. પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું. [16] તેમાં વિનંતી કરી હતી કે આ સાહિત્યપરિષદે ઠરાવ પસાર કરવો કે કવિઓ અગર કવિ કહેવડાવનારાઓ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે – એ વિનંતિમાં આ પ્રકારનો વાજબી ઉપહાસ સમાયો હતો. અર્વાચીન નવીન સાહિત્યની ભાવનાઓની હું નિન્દા કરવાને પ્રવૃત્ત થયો નથી. એ ભાવનાઓ તો મારે સર્વથી ઇષ્ટ, આદરણીય જ છે અને હું તેનો પૂજક જ છું. મારો હેતુ તો એ ભાવનાઓને યોગ્ય સ્થાનથી ભ્રષ્ટ થવાના ભય ચાલુ યુગમાં કયે સ્થળે છે તે દર્શાવવું એ છે. એ ભાવનાઓનું આમ એક પક્ષે ભ્રંશ થવામાંથી રક્ષણ કરવાની જરૂર છે; તો બીજે પક્ષે અન્ય સ્થળેથી જ એ ભાવનાના સાહિત્ય ઉપર અન્યાયયુક્ત આક્ષેપો આવે છે તેનો પણ નિરાસ કરવાની આવશ્યકતા છે. નવીન ભાવનાનું ખરું રહસ્ય ન સમજનારા માત્ર નિન્દાપ્રવૃત્તિ જ આદરનારા વર્ગ વિશે હું નથી બોલતો. એ તો ઉપેક્ષ્ય રાશિ તરીકે જ સમજવા લાયક છે. હું બોલું છું – બોલવાને ઇચ્છું છું તે તો આપણા સાહિત્યની ગુણપરીક્ષા પરકીય અને વિશાળ વર્ગમાં પ્રસરાવનાર કેટલાક ખરા વિદ્વાનોને ઉદ્દેશીને. જ્યારે સર જ્યોર્જ ગ્રિઅર્સન જેવા પ્રમાણભૂત ગણાતા પંડિત આ યુગની કવિતા વિશે કાંઈ પણ અભિપ્રાયને શંકા કાઢ્યા વિના જ સ્વીકારે; આવી સ્થિતિ હોવાથી એ પંડિતનો અભિપ્રાય આપણા સાહિત્યને અન્યાય આપતો જણાય તો આપણા સર્વનું કર્તવ્ય છે કે એ અભિપ્રાયની દૂષિતતા પૂર્ણ ઘોષથી દર્શાવવી. એ પંડિતના શબ્દો આ પ્રમાણે છેઃ “Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and mostly translations.” [‘વર્નાક્યુલર લિટરેચર’ એ લેખ – ‘ઈમ્પીરીઅલ ગેઝેટિયર ઑફ ઈન્ડીયા’ (નવી આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૮), ગ્રંથ ૩જો, પા. ૪૩૦] (“અંગ્રેજી સાહિત્યની અસર થઈને હાલ કેટલાંક વર્ષથી સંખ્યાબંધ પુસ્તકો છપાઈ પ્રગટ થયાં છે, પરંતુ એમાં અપૂર્વતા બહુ થોડી જ છે, અને ઘણે ભાગે એ ભાષાન્તરો જ છે.”) સર જ્યોર્જના આ વચન માટે શું કહીશું? એ પંડિતની વિદ્વત્તા, અભ્યાસની ખંત, ઇત્યાદિ માટે પૂર્ણ માન છતાં કહેવું પડે છે કે આ મત એમણે જાતે મેળવેલા જ્ઞાન ઉપરથી નહિ પણ અન્યની પાસેથી મેળવીને પ્રગટ કર્યો લાગે છે. ‘ઘણે ભાગે ભાષાન્તરો છે.’ આ વચનમાં વસ્તુસ્થિતિ જોડે કેટલો વિરોધ છે તે આપણે તો જાણીએ જ છીએ. સર જ્યોર્જ ગ્રિઅર્સને હિન્દી અને ગુજરાતી પ્રાચીન કવિઓ વિશે મત દર્શાવ્યો છે તેમાં પણ ગુજરાતી સાહિત્ય વિશે જાતનું જ્ઞાન ન હોય એ પકડાઈ આવે છે. ઉપર ઉતારો આપ્યો તે પૃષ્ઠમાં જ એઓ જણાવે છે કે હિન્દુસ્તાનના મધ્યકાલીન સમર્થ કવિવરોની સમીપ પણ ગુણમાં આવી શકે એવા કવિ ગુજરાતી ભાષાએ હજી સુધી પેદા કર્યા નથી. તુલસી, સુરદાસ, ઇત્યાદિને ઉદ્દેશીને લખેલા આ વચનમાં પ્રેમાનંદ, દયારામ, ઇત્યાદિ સમર્થ કવિની કૃતિઓનો પરિચય ન હોય એમ જ ભાસ થાય છે. એ પંડિતને હિન્દીનો જેટલો ગાઢ પરિચય છે તેટલો ગુજરાતીનો નથી એમ માનવાને કારણ જણાય છે. ભલે, તેમ હોય તો આવો ઘાતક અભિપ્રાય પ્રગટ કરનારનું કર્તવ્ય સ્પષ્ટ એ હતું કે ગુજરાતના વિદ્વાનોમાંથી કોઈનો અભિપ્રાય પ્રથમ પૂછવો હતો. આ રીતની જવાબદારીથી આ પ્રકારના સ્થાયી લેખ લખનાર પંડિત મુક્ત થઈ શકતા નથી. જો સર જ્યોર્જ ગ્રિઅર્સને કેવળ મિશનરી વર્ગના વિદ્વાનો ઉપર આધાર રાખીને આ અભિપ્રાય સ્થાપી દીધો હોય, તો એઓ ઊલટે માર્ગે ગયા છે એનું કારણ સમજી શકાય એમ છે. નવીન યુગના સાહિત્ય જોડે એ વિદ્વાન લોકોનો સમભાવ કાંઈક ઓછો જ જણાય છે. ગુજરાતી ભાષાનો અભ્યાસ ખંતથી કર્યા છતાં નવીન યુગના સાહિત્યના હૃદયમાં એઓ પ્રવેશ જ કરી શકતા નથી જણાતા. રેવરંડ મિ. એચ.આર સ્કોટ – આ સુરત શહેરના મિશનના અધ્યક્ષ–નો એક નિબંધ ઈ.સ. ૧૯૧૧માં ગુજરાત મિશનરી કોન્ફરન્સ આગળ વંચાયો હતો, તેમાં એઓ નીચે મુજબ કહે છે16: There is a modern poetry, over which I do not advise you to spend time. It is the work of highly educated men, who aim at clothing the poetic fancies of English and Sanskrit poets in rather high-flown Gujarati. It is for the most part very artifical – full of Sanskrit words and turns of thought, and is obsenre and difficult to understand. No doubt it has an interest and value of its own, but only those who have much spare hand can afford to take it up. But the ancient classical poetry of Narasinh Mehtam, Tulsi, Premanand, Samaldas and Akho is easy to understand.” (“અર્વાચીન કવિતા છે; પણ તે ઉપર વખત ગાળવાની સલાહ હું આપતો નથી. ઊંચી કેળવણી પામેલાઓની એ કૃતિ છે; અંગ્રેજી અને સંસ્કૃત કવિઓની કલ્પનાઓને આડમ્બરી ગુજરાતી વસ્ત્ર પહેરાવવાં એ એમનો ઉદ્દેશ છે. બહુ ભાગે એ અતિશય કૃત્રિમ સંસ્કૃત શબ્દો અને વિચારશૈલીથી ભરપૂર, અવિશદ તથા સમજવી કઠણ પડે એવી છે. બેશક, એની એક જાતની કીમત છે અને એમાં એક પ્રકારનો રસ પડે એમ છે, પણ જેઓને ફુરસદ બહુ હોય તે જ એ કવિતાનો અભ્યાસ હાથમાં લઈ શકે. પરંતુ નરસિંહ મહેતા, તુલસી, પ્રેમાનંદ, સામળદાસ અને અખાની પ્રાચીન શિષ્ટ કવિતા સમજવી સરળ છે.”) આધુનિક કવિતાના ખરા અન્તઃસ્વરૂપનું અજ્ઞાન, એ કવિતા રચનારાઓની દૃષ્ટિએ જોવાની અશક્તિ અથવા અનિચ્છા, એ કવિતા જોડે સમભાવની ઊનતા, ઇત્યાદિ ભાવો આ અન્યાયયુક્ત અભિપ્રાયનાં ઉત્પાદક કારણ સંભવી શકે. (રેવ. મિ. સ્કોટનો નિબંધ મિશનરીઓ માટે હતો અને ધર્મપ્રચારકની વિશિષ્ટ દૃષ્ટિથી લખાયો હતો, એ વાત ધ્યાનમાં રાખીને આ હું બોલું છું.) ઉપરના જેવો અભિપ્રાય બાંધનાર વિદ્વાનો એટલું નથી ધ્યાનમાં રાખતા કે કવિત્વ એ આખા વિશ્વની મિલકત છે, અને એક દેશના અને બીજા દેશના કવિની રચનામાં સામ્ય આવે તે ઉપરથી એકનું બીજાએ અનુકરણ કર્યું છે એમ અવશ્ય ફલિત નથી થતું; આ નવીન યુગના કવિવર્ગને પાશ્ચાત્ય અને સંસ્કૃત કવિઓના સંસ્કાર મળેલા તે ઉપરથી એમની કવિતામાં તે સંસ્કારની પ્રેરણા મળે તે જુદી વાત છે અને અનુકરણ કરવું તે જુદી વાત છે; પાશ્ચાત્ય તેમ જ સંસ્કૃત કવિતાના જીવતત્ત્વને પોતાના હૃદયમાં પચાવી દઈને, પરંતુ સ્વાભાવિક શક્તિ અને પ્રેરણાથી, નવી કૃતિ ઉત્પન્ન કરાય તેમાં જે છાયારૂપ આકૃતિ ઘડાય તે કાંઈ અનુકરણ ન ગણાય; એમ તો ટેનિસન જેવા સમર્થ અને સ્વશક્તિવાળા કવિમાં પણ શેક્સ્પીઅર વગેરે પૂર્વગામી કવિઓની છાયા છે એમ દર્શાવવામાં આવ્યું છે છતાં એની અપૂર્વ ઘટનાશક્તિ વિશે મતભેદ થાય એમ નથી. પાશ્ચાત્ય કવિ જેવા એ વર્ગના, એ નમૂનાના તો કવિ ગુજરાતીમાં થઈ શકે જ નહિ એ એક પ્રકારના અયોગ્ય ગર્વની લાગણી રાખવાથી વસ્તુસ્થિતિ બદલાય એમ નથી. આ યુગના અગ્રણી કવિઓની કવિતા તરફ નિર્વિકાર આદર રાખીને જુવે તો ઉપર ટાંકેલા આક્ષેપ ઉત્પન્ન થાય જ નહિ. નવીન યુગની કવિતાને સમજવી કઠણ કહી પ્રાચીન કવિતાને સમજવી સરળ કહી છે તે આશ્ચર્યની વાત છે. પ્રેમાનંદ અને અખાની એક જ પંક્તિ “કને નહિ તે કહો શું ખુવે?” એનો અર્થ રેવરંડ મિ. સ્કોટે “He that is low (need fear) no pride” એમ કર્યો છે તે ઉપરથી જણાશે કે અખાની કવિતા સમજવી એ ધારે છે તેટલી સહેલી નથી. કવિતા જોડે નિકટ સંબંધ રાખનારું નાટકસાહિત્ય જોઈએ. પણ એમાં શું જોઈશું? એ સાહિત્ય ખરું જોતાં આપણી ભાષામાં હજી ખેડાયું જ નથી. ‘કાન્તા’, ‘દેવલદેવી નાટક’, ‘જયા અને જયન્ત’, ‘રાઈનો પર્વત’ ઇત્યાદિ ખરા ગુણવાળાં નાટકો આંગળીને વેઢે ગણાય એટલાં છે. બીજાં નાટકો ખરા કવિત્વગુણની દૃષ્ટિથી કે કલાની દૃષ્ટિથી સ્વીકારાય એવાં જણાતાં પણ નથી, અને ગુણહીન નાટકો પણ સંખ્યામાં અલ્પ છે. હાલની રંગભૂમિ માટે રચાતાં નાટકો તો ગણનામાં લઈ શકાશે જ નહિ. જનસમાજના ઊતરતા વર્ગની હીન રુચિઓને સંતોષ આપવાનો ઉદ્દેશ જ જ્યાં પ્રધાન ત્યાં ખરું સાહિત્યલક્ષણ શી રીતે સંભવે? નવલકથાનું સાહિત્ય નાટકસાહિત્ય કરતાં વિશેષ વિસ્તારનું છે. પરંતુ એમાં પણ ખરાં રસતત્ત્વ સાચવનારાં પુસ્તકો વિરલ જ જણાય છે. કવિતાના સાહિત્ય સંબંધે જે દૂષણો મેં પાછળ બતાવ્યાં – કૃત્રિમતા, હૃદયની સાચાઈનો અભાવ, ઇત્યાદિ – તે આ નાટક અને નવલકથાના સાહિત્યમાં પણ વધતા ઓછા પ્રમાણમાં દૃષ્ટિગોચર થાય છે. અર્વાચીન પૂર્વાર્ધમાં આ દૂષણ નહોતાં એ પાછળ કહ્યું જ છે; એ સમયના સાહિત્યમાં ભાષા વગેરેમાં સંસ્કારિતા નહોતી, તો હાલના સાહિત્યમાં પણ કવિતા, નાટક, નવલકથા, સર્વમાં ભાષા, વિદ્યા, ઇત્યાદિના સંસ્કારની ખામી પદે પદે જણાઈ આવે છે, અને તે અસંસ્કારિતા નવા જ પ્રકારની, સંસ્કારિતાનો ડોળ કરવા જતાં અસંસ્કારી બનાવનારી. ઉદાહરણો આપવાની જરૂર નથી. આ સર્વ દૂષણોનું મુખ્ય કારણ વિચારશૂન્યતા અને ભાવશૂન્યતા છે. કશું વક્તવ્ય હોય નહિ; તેમ વિચારની ઉત્પત્તિ જ ન હોવાને લીધે, હૃદયની ખરી ભાવોર્મિ પણ હોય નહિ; તે સ્થિતિમાં માત્ર શબ્દોની રણકારરચના, અર્થહીન રચના, શિવાય બીજુ શું ઘડાય? આ સર્વ અપ્રિય વચનો લાગશે, પરંતુ આ મારાં વચનો ઉપર વર્ણવેલી નિઃસાર કૃતિઓના લેખકોને સંબોધીને હું નથી કહેતો, સંસ્કારી સાહિત્યશાસ્ત્રીની દૃષ્ટિએ અપરાધ કરનાર વર્ગને સંબોધીને હું નથી બોલતો, પરંતુ એ અપરાધીઓનો ઉદ્ધાર કરનાર આજના સત્રના ઋત્વિજો તથા ઇતર બ્રાહ્મણોને સંબોધીને કહું છું. આ પરિષદ આગળ આમ આજ શુભ હેતુથી આ ફરિયાદ રજૂ કરું છું કે આપણી પરિષદ કને શાસનબળ નથી, અને હોય જ નહિ; પણ અન્ય દૃષ્ટિએ શાસનબળ જ ગણાય. સાહિત્યની ભાવના ઊંચી દર્શાવવી; ઇનામી નિબંધોમાં તેમ જ અહીં વંચાવાના નિબંધોમાં ધોરણ એ ઊંચી ભાવનાની સમીપ જઈ શકે એમ દૃઢ અને ઊંચું કર્યે જવું; અને એ માર્ગે ચાલી સાહિત્યની સ્થિતિ સર્વ વિભાગમાં ક્રમે ક્રમે શુદ્ધિમાર્ગમાં ચઢાવવી – આ બળ આપણી કને છે. આપણા સાહિત્યમાં કેટલાક વિભાગના સાહિત્યની વસ્તુતઃ ઊનતા જ છે તે હવે જોઈએ. જીવનચરિતનું સાહિત્ય, વિજ્ઞાનનું સાહિત્ય, દર્શન (તત્ત્વજ્ઞાન)નું સાહિત્ય સાહિત્ય-વિજ્ઞાનનું સાહિત્ય – એ મહત્ત્વના વિભાગોના ખંડ આપણા સાહિત્યના સંગ્રહમાં લગભગ ખાલી જ છેઃ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સતત પ્રયાસથી, તેમજ છૂટક વ્યક્તિઓના પ્રયાસથી આ ઊનતા કાંઈક પુરાતી જાય છે; પરંતુ આ સર્વ દિશામાં ગતિ મન્દ છે. બાલસાહિત્ય માટે હમણાંહમણાં નિસ્તેજ પ્રયાસ શરૂ થયા છે, પરંતુ એ સાહિત્યના ખરા સ્વરૂપનું પણ દર્શન એમાં થતું નથી. હાસ્યરસનું સાહિત્ય અત્યન્ત અલ્પ છે. અને જે છે તેમાં ખરા ગુણગૌરવવાળું વિરલ જ છે. કટાક્ષસાહિત્ય (‘સેટાયર’) તો છે જ નહિ એમ કહીએ તો ચાલે. હું ભૂલતો નથી કે હાસ્યરસનું સાહિત્ય અને કટાક્ષનું સાહિત્ય ઉપજાવ્યું ઊપજતું નથી; એની ઉત્પત્તિ માટે તો અનુકૂલ વાતાવરણ અને લેખકની પ્રતિભા બંનેની જરૂર છે. એ ગુણો પ્રજાનાં કેટલાંક સ્વભાવલબ્ધ લક્ષણ ઉપર આધાર રાખે છે; પણ તે અમુક મર્યાદામાં જ. માટે આ સર્વ વિભાગોની ઊનતાપૂર્તિ કરવામાં વિષમમાં વિષમ પ્રશ્ન આ છેલ્લાં બે સાહિત્યોનો બનશે. આ શિવાય બેત્રણ મહત્ત્વના વિષયની ઊનતાઓ જુદી નોંધવા જેવી છેઃ ગુજરાતી કોશ, વ્યાકરણ, સાહિત્યનો ઇતિહાસ, અને ભાષાનો ઇતિહાસ આ ચાર વિષયના ખરા વિદ્વત્તાવાળા અને સમર્થ ગ્રંથની આપણે ખાસ જરૂર છે. અત્યાર સુધીમાં આ ચારે દિશામાં થયેલા પ્રયાસો સ્વાભાવિક રીતે જ નાના પાયા ઉપર અને ખંડિત છે. આ ઊનતા પૂર્ણ કરવા તરફ આપણી પરિષદે લક્ષ રાખવાનું છે. સર્વભાષાકોશ (‘પોલીગ્લોટ ડિક્ષ્નરી’) જેવા ભગીરથ પ્રયત્નનો લાભ તો હાલ નહિ જ કરીએ. હિન્દુસ્તાનમાં કિશ્ચીઅન મિશનના આરંભકાલમાં રેવરંડ કેરીએ એ દિશામાં કરેલો પ્રયત્ન દુર્ભાગ્યે સિદ્ધિ પામી શક્યો નહોતો. આપણું વર્તમાનપત્રો અને માસિકોનું સાહિત્ય જોઈશું તો અતિશય શોચનીય સ્થિતિ નજરે પડશે. દૈનિક અને સાપ્તાહિક પત્રોમાં ભાષા, શૈલી, અર્થગૌરવ, ઇત્યાદિ દરેક વિષયમાં અશુદ્ધિ, નીચી પાયરીનું સ્વરૂપ, અને શૂન્યતા સર્વત્ર વ્યાપેલી જોઈને કોને ખેદ નથી થતો? અંગ્રેજી વર્તમાનપત્રોની શૈલી – જેના સ્વરૂપબંધારણનું મૂળ મેકૉલેની વિદ્વત્તાભરી શૈલીમાં શોધી શકાય એમ છે, તે શૈલી આપણાં પત્રોમાં આવવાની વાત તો ક્યાંની ક્યાં રહી, પણ કોઈ પણ વર્તમાનપત્રના ‘લીડર’ લેખોમાં શબ્દશુદ્ધિ, વાક્યરચના, ઇત્યાદિ પ્રાથમિક લક્ષણોમાં જ ક્ષતિઓ પદે પદે થાય છે. માસિકો પણ સારા વર્ગનાં તો ગણતર જ જડશે. ‘ધ સ્ટ્રેન્ડ’, ‘ધી ફોર્ટ્નાઈટ્લી રિવ્યુ’ ઇત્યાદિ માસિકોના નમૂનાનાં માસિકો આપણે પેદા કરવાને હજી વર્ષોનાં વર્ષો સુધી મથતાં સિદ્ધિ મળતી કઠણ છે, પરંતુ જે છે તે માસિકોમાં પણ ગૌરવ, શુદ્ધિ અને ઊંચી કક્ષાના લેખ એ કેટલા વિરલ જોઈએ છીએ? આપણા સ્થાયી સાહિત્યનું પ્રતિબિંબ આ માસિક સાહિત્યમાં પડે છે. આ સર્વ સ્થિતિદર્શન કરવાથી આપણને લાભ છે, હાનિ નથી. આપણું બધું સારું સારું જ છે એમ આંખમીંચામણાં કર્યાથી સુધરવાનો સંભવ જ નથી રહેતો. ખરો રોગ જોવો, જાણવો, એ ઉપાય કરવાની પ્રથમ અવસ્થા પ્રાપ્ત કરવાનો ક્રમ છે.

પારસી સાહિત્ય
વર્તમાન યુગના સાહિત્યનું નિરીક્ષણ કરતાં પાંચ વિભાગના સાહિત્યનું વિસ્મરણ કરવું એ વાજબી નહિ ગણાયઃ (૧) પારસીઓનું સાહિત્ય, (૨) ખોજા સાહિત્ય (૩) જૈન સાહિત્ય (૪) સૌરાષ્ટ્રનું સાહિત્ય, અને (૫) ક્રિશ્ચીઅન પાદરીવર્ગનું સાહિત્ય. પારસીઓએ આ નવીન યુગના આરમ્ભની પૂર્વે ગુજરાતી સાહિત્યમાં જે ભાગ આપ્યો છે તે આ સ્થિતિદર્શનમાં નહીં આવે. કેખુશરુ કાબરાજીનું નામ જે સાહિત્યપ્રવૃત્તિ સાથે ચિરકાળ ઉચિત રીતે જોડાયલું રહેશે તે આ નવીનયુગની પૂર્વની છે. તેથી એના ગુણદોષની સવિસ્તર નિરીક્ષા અહીં અપ્રસ્તુત છે; માત્ર સંક્ષેપમાં એટલું કહેવું બસ છે કે પારસી ગુજરાતી ભાષાની અસંસ્કારી દશા સુધારવાનો એમનો સ્તુત્ય હેતુ, એમના સંસ્કૃત ભાષાના અજ્ઞાનને લીધે તેમ જ ફારસી ભાષાના શબ્દોનું પણ મર્દન કરી નાંખવાને લીધે, તેમ જ અન્ય પારસી લેખકો એમની જોડેજોડે ન ચાલી શક્યા તેને લીધે, સર્વાંશે સફળ થયો નહિ, તથાપિ એમનો પ્રયત્ન માન અને આશ્ચર્યને ઉત્પન્ન કર્યા વિના રહે એવો નહોતો; અને સાહિત્યગ્રંથોની ભરતી કરવાનો એમનો પ્રયાસ આ ભાષાની ખામીને લીધે આપણા વ્યાપક સાહિત્યમાં યોગ્ય સ્થાન લઈ શક્યો નહિ. આ યુગના પારસી સાહિત્યની સ્થિતિ તો કાબરાજીના અવસાન પછી શોચનીય જ છે – ભાષામાં તેમ જ સાહિત્યવિષયમાં. મિ. અરદેશર ફરામજી ખબરદાર જેવા અપવાદરૂપ લેખકોને તો, કેટલાક પારસી ગુજરાતીના છાંટા વળગી રહેલા હોવા છતાં, હિન્દુ ગુજરાતીના લેખક વર્ગમાં જ ગણવાના છે. પારસી લેખકબન્ધુઓ સંસ્કૃત તેમ જ ફારસીનો સંસ્કાર પ્રાપ્ત કરશે, અને બીજે પક્ષે આપણે કેવળ આડમ્બર માટે જ સંસ્કૃતમય શૈલીનો આશ્રય કરતા અટકીશું, તો બંને પક્ષની વચ્ચેનું અંતર કાલક્રમે તૂટશે. સંસ્કૃત શબ્દો જ વાપરવાથી ભાષા સંસ્કારી નથી થતી તે વાત તેમ જ એ શબ્દોને અશુદ્ધ બનાવીને વાપરવાથી ઊલટી હાંસી થાય છે તે વાત પારસી બન્ધુઓએ સ્મરણમાં રાખવાની જરૂર છે.



ખોજા સાહિત્ય

ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ

(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત,
નાશીકા ગુરતરનું નામ છે, ક્ષમા દયા બે દ્રષ્ટ’

(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ,
એક હાથ કાચે હૈડે, મુખી ન મેલે વિશ્વાસ.’

શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે.

જૈન સાહિત્ય

આપણા જૈન બન્ધુઓએ કેટલાંક વર્ષથી પ્રાચીન જૈન સાહિત્ય પ્રગટ કરવાનો સ્તુત્ય પ્રયાસ આરંભ્યો છે. એ પ્રયાસથી ગુર્જર સાહિત્યમાં ભાષાના ઇતિહાસ તેમ જ સાહિત્યના ઇતિહાસ બંનેમાં નવો પ્રકાર મળ્યો છે. તેથી એ બન્ધુઓના આપણે ખરેખરા આભારી છીએ એમણે પ્રગટ કરેલા ગ્રંથો પ્રાચીન સાહિત્યના છતાં, એમની પ્રવૃત્તિ આ યુગમાં શરૂ થઈ છે તેથી આ યુગમાં આટલું એ પ્રવૃત્તિનું દર્શન કર્યુ છે.

સૌરાષ્ટ્રનું સાહિત્ય

સૌરાષ્ટ્રના સાહિત્યને જુદું સ્થાન આપવાનું એક કારણ એ છે એ પ્રાન્તમાં વિદ્યાખાતાનો સંસ્કાર તળ ગુજરાત કરતાં મોડો પડ્યો હતો; છતાં પ્રમાણમાં સાહિત્યવિષયક જાગૃતિ ઝડપીથી પ્રસરી છે. પ્રાચીન સૌરાષ્ટ્ર – સાહિત્ય – દુહા, સોરઠા (સોરઠના દુહા તે સોરઠિયા દુહા એમ ખાસ એ દેશ ઉપરથી નામ પડેલું તે પ્રસિદ્ધ સોરઠા) ઇત્યાદિ લોકગીત તથા લોકસાહિત્ય એ જુદો જ વિષય છે. નવી સંસ્કૃતિ પછીની સાહિત્યપ્રવૃત્તિ સૌરાષ્ટ્રમાં થઈ તે હાલના નવીન યુગની પૂર્વનાં ૨૫-૩૦ વર્ષ અને હાલનાં ૩૦-૩૫ વર્ષ એ બે વિભાગમાં સ્થિતિ કરે છે. પ્રથમ ભાગની પ્રવૃત્તિ આરંભકાળના ગુણ તેમ જ દોષથી લક્ષિત હતી; બીજા ભાગની પ્રવૃત્તિમાં સંસ્કૃતિ વિશેષ ભળી – જો કે પૂર્ણ નહિ, તો પણ ‘કલાપી’ બાદ કરતાં કોઈ બીજો યુગ આંકનારો કવિ કે લેખક પ્રગટ થયો નથી. બાકી બીજીત્રીજી કક્ષામાં મુકાય એવી સાહિત્યકૃતિઓ અનેક અને કેટલીક પ્રશંસાપાત્ર પ્રગટ થઈ છે. રા. મણિશંકર રત્નજી ભટ્ટ, નારાયણ હેમચન્દ્ર, વગેરે કવિઓ તથા લેખકોને સૌરાષ્ટ્રના કરતાં આખા ગુજરાતના પુત્રો તરીકે લેખું છું તેથી આ વિભાગમાં એમનો ઉલ્લેખ નથી કર્યો. મહામહોપાધ્યાય શાસ્ત્રી શંકરલાલ માહેશ્વરની કૃતિઓની ગણના આ સમૂહમાંથી જુદી કરવી પડશે, કેમ કે એ કૃતિઓનું સ્વરૂપ નવીન યુગનાં લક્ષણોથી ભિન્ન છે. આ યુગના સૌરાષ્ટ્રસાહિત્યની પ્રવૃત્તિનું દર્શન કરતાં એક ખેદની વાત એ લાગે છે કે કેટલાક ઉત્તમ સંસ્કારી કવિઓએ પોતાની સ્વતંત્રતા આધુનિક નાટક કંપનીઓને ગ્રાહ્ય થાય એવી ભાવનાને સમર્પણ કરી દઈને પોતાની કલાની વેલીને અયોગ્ય તરુ ઉપર વીંટીને ગૂંગળાવી નાંખી છે. “સાક્ષરસપ્તક”ના સંસ્કારી કવિ એ પ્રકારે પોતાની કાવ્યશક્તિને પરવશ બનાવે તેથી કોને આ પ્રકારનો ખેદ ન થાય?

કિશ્ચીઅન પાદરીઓનું સાહિત્ય

કિશ્ચીઅન મિશનરી સાહિત્ય વિષે બોલવાની જરૂર નથી. એ સાહિત્ય એ ધર્મના વિષયમાં જ બહુધા રોકાયલું છે, અને એ સાહિત્યની ભાષા ગુજરાતી છતાં ગુજરાતી નથી એ સ્વરૂપલક્ષણ આપી બસ કરીશું. અલબત્ત, ટેલરકૃત વ્યાકરણ એ ગ્રંથનું સ્થાન જુદું જ છે. અને તે નવીન યુગની ઉત્પત્તિ નથી; બાકી એ ગ્રંથની વિદ્વત્તાને મિશનરી સાહિત્ય જોડે કશો સંપર્ક જ નથી.

બોધ અને ભાવિદર્શન

આ યુગના સાહિત્યના આ નિરીક્ષણથી કાંઈક ગ્લાનિ થયા વિના નહિ રહે, પરંતુ નિરાશા માટે સ્થાન નથી. આપણી આસપાસની અને અંદરની સ્થિતિ જોતાં, જ્ઞાનના પ્રવાહની દિશાઓ તથા બળ તેમ જ તે પ્રવાહ અને બળ ઝીલનાર વર્ગોનાં સામર્થ્ય, અધિકાર, ઇત્યાદિ જોતાં, સાહિત્યમાં આ પ્રકારની મિશ્ર દશા શિવાય બીજું સંભવે નહિ; પરંતુ યોગ્ય નાયકોની મદદથી અને યોગ્ય ઉપાયના સેવનથી ભવિષ્યમાં સ્થિતિ સુધરશે એમ આશા રાખવી તે નિરાધાર નથી. વળી, આ યુગના સાહિત્યનું સ્થાપન થયું છે તે તો સુસંસ્કારના પાયા ઉપર જ. અને જે કાંઈ બગાડો પ્રવેશ પામ્યો છે તે અન્ય સંયોગોને પરિણામે. એ સંયોગોનો જો ક્રમેક્રમે ઉચ્છેદ થાય તો શુભ પરિણામ જ આવે.

ભાવિ સુસ્થિત કરવાના ઉપાય

આ શુભ પરિણામ આણવા માટે ઉપાય શા? પ્રથમ તો પ્રજાવર્ગમાં એ પ્રકારનો વિદ્યાપ્રસાર કરાવવો કે જેથી દરેક વ્યક્તિ શુદ્ધ સંસ્કાર મેળવે, તે સાથે જ પોતાના અધિકારની મર્યાદા પણ જાણી શકે. પછી બીજું સાધન એ કે નવીન ભાવનાઓ પ્રજાના જીવનવ્યાપારમાં, નાડીમાં વહેતા રુધિરપ્રવાહની પેઠે, શ્વાસોચ્છ્વાસમાં લેવાતા પ્રાણવાયુની પેઠે, પ્રવર્તે એ માર્ગ શોધવા માટે કવિવર્ગ, લેખકવર્ગ અને ઇતર વિદ્યારસિકો જોડે સહવાસમાં આવે એવા પ્રસંગ રચાવા જોઈએ. આ ઉપરાંત, લેખકોનું એક મંડળ બંધાય, પરસ્પર બન્ધુતા ફેલાવા સાથે અરસપરસના અનુભવો, વિચાર, ઇત્યાદિની આપલે થાય, તે માટે એ મંડળમાં પ્રવૃત્તિ ચાલુ રહે એ એક સાધન છે. માસિક પત્રોના સાહિત્યમાં સુધારા માટે વિદ્યાપ્રસારની સાથે પત્રોના તંત્રીઓના મંડળની સ્થાપના, તે મંડળમાં દાખલ થવાના અધિકારની દૃઢતા, ઇત્યાદિ ઉપાય શક્ય જણાય છે. આપણી પરિષદ એક આદર્શરૂપ માસિક કાઢે એ કલ્પના પણ વિચારમાં લેવા જેવી છે. આ સર્વ ઉપાયોનો પાયો વિદ્યા, ગુજરાતી ભાષાનું જ્ઞાન – શુદ્ધ જ્ઞાન – પ્રસાર પામે તે ઉપર છે. હાલ ગુજરાતી ભાષાનું શિક્ષણ આપણી અંગ્રેજી શાળાઓમાં લગભગ નથી જ મળતું એમ કહીએ તો ચાલે. ઘણાં વિચારશીલ માતપિતા આ માતૃભાષા શુદ્ધ અને પાકા જ્ઞાનની ખામી પોતાનાં છોકરાંમાં હોવા બાબત ફરિયાદ કરે છે. અને એ અનિષ્ટ સ્થિતિ સુધરાવવાની માગણી કરે છે. ગુજરાતીના પાકા જ્ઞાનની ખામીને લીધે બી.એ., એમ.એ.ની ઉપાધિ મેળવેલા યુવકો પણ ભાષાશુદ્ધિમાં ગોથાં ખાય છે. ‘લખાવું’ એ સહ્યભેદનું રૂપ અને ‘લખાવવું’ એ પ્રેરક રૂપ એ બે વચ્ચે ભેદ ન સમજનારા એમ.એ. – બી.એ. જોવામાં આવ્યા છે. સંસ્કૃત ભણેલા ગ્રેજ્યુએટો પણ સંસ્કૃત શબ્દની જોડણી ખોટી કરે છે. ‘મોકલી આપવું’ જેવા દૂષિત પ્રયોગે એટલો પગપેસારો કર્યો છે કે “પરિષદ માટે ડેલિગેટો મોકલી આપવા” એમ માણસને નિર્જીવ પદાર્થની કક્ષામાં મૂકનારું વચન એક સાપ્તાહિક પત્રમાં નજરે પડ્યું હતું. આ ઉપરાંત, આપણા પ્રાચીન સાહિત્યનું જ્ઞાન તો વિરલ જ થવા લાગ્યું છે; અને પ્રેમાનંદ, અખો, ઇત્યાદિની કૃતિઓના અર્થ સમજવામાં પણ ભૂલો કરનારા ગ્રેજ્યુએટો જોવામાં આવે છે. આમ એક પક્ષે ઊનતા છે, તો બીજે પક્ષે જનસમૂહમાં અને તે પારસી ગુજરાતીનો આદર કરનાર મંડળમાં પણ સંસ્કૃત શબ્દો તરફ રુચિ વધતી જણાવા લાગી છે. આજથી વીસ વર્ષ ઉપર જે સ્થિતિ અસંભવિત હતી તે આજ વર્તમાનપત્રોની ભાષામાં નજરે પડે છે. વીસ વર્ષ ઉપર ‘દરિયાઈ લઢાઈ’ શબ્દો વપરાતા, તે સ્થળે આજ મુંબઈમાં રસ્તામાં ફેરવાતાં જાહેર ખબરોનાં પાટિયાં ઉપર (નૌકાયુદ્ધ નહિ તો) ‘નઉકા યુદ્ધ’ એમ શબ્દો જોવામાં આવે છે. સંસ્કૃત શબ્દ બનાવવા માટે “ઓટો અમૃત” એવી વિચિત્ર સ્વરચિહ્નોની મિશ્રતા એક પાટિયા ઉપર મુંબઈમાં દીઠી છે, તેનો ઉપહાસ કરવાને બદલે એમાં પણ સંસ્કૃત તરફ ઉત્સુકતા ભરેલું વલણ જોઈ શકાય એમ છે.

સાહિત્યપરિષદનાં કાર્ય અને કર્તવ્યના પ્રદેશની યોજના

આમ ભાષાશુદ્ધિના ભંગમાં ભાષાશુદ્ધિનો ગુપ્ત રંગ જોઈ શકીશું તો નિરાશા માટે કારણ નહિ રહે. માત્ર કર્તવ્ય એટલું ઉપસ્થિત થાય ખરું કે જે વર્ગ આ દૂષણો માટે અપરાધી છે તેને સુપથે દોરવા. આ માટે આપણી પરિષદનાં કાર્ય અને કર્તવ્યની યોજનાનું રેખાલેખન અહીં આંકી બતાવવું અસ્થાને નહિ ગણાયઃ (૧) લેખકમંડળની સ્થાપના; (૨) વર્તમાનપત્રો અને માસિકપત્રોના તંત્રીઓના મંડળની સ્થાપના; (૩) ગુજરાતી ભાષા અને સાહિત્યની કેળવણી અંગ્રેજી સ્કુલોમાં દાખલ કરવા માટે યોજના; (૪) સાહિત્યપરિષદનું માસિક કાઢવાની યોજના; (૫) ત્રીજી સાહિત્ય પરિષદે ઊભી કરેલી વ્યાખ્યાનમાલાની યોજનાને સજીવ કરી પ્રવૃત્ત કરવી. નવીન સાહિત્ય સંસ્કારી પ્રચાર માટે આપણાં સાધનો હાલ બસ જણાય છે. (૬) પ્રાચીન કવિઓના અસલ ગ્રંથોના હસ્તલેખ (‘મેનસ્ક્રીપ્ટ્સ’)નો સંગ્રહ કરાવવો; (૭) એ લેખોનું સંશોધન યોગ્ય પંડિતો કને કરાવવું; (૮) એમાંથી સારા ભાગોનો જ પ્રસાર કરાવવો. પ્રાચીન સાહિત્ય માટે આટલી સૂચના બસ છે. આ રેખાલેખન બહુ વિસ્તીર્ણ જણાય છે. સ્મરણમાં રાખવાનું એ છે કે આ સર્વ કાર્ય એકદમ હાથ લેવાં એમ કહેવાનો હેતુ છે જ નહિ. પણ પ્રોગ્રામ તૈયાર કરી મૂકવામાં નુકશાન નથી; એને અમલમાં આણવા માટે ડગલે ડગલે કામ કરીશું તેમાં બાધ નથી. આ ઉપરાંત આ યોજનામાં વધારો ઘટાડો કરવા માટે એકાદ કમિટી નીમીશું તો અડચણ નથી. એ યોજનામાંના હેતુ સિદ્ધ કરવા માટે શા શા માર્ગ લેવા તે વિષે એ કમિટી સારી રીતે વિચાર કરી સલાહ આપી શકશે. આ સર્વ કાર્ય એક વ્યક્તિથી એકલે હાથે થાય એમ નથી, તેમ આપણાં મંડળને બાહ્ય સાહાય્ય મળ્યા વિના પણ થાય એમ નથી. માટે રાજારજવાડા વગેરેને. આપણી પ્રવૃત્તિની સાહાય્યમાં લેવા એ ઇષ્ટ જણાય છે. શ્રીમંત ગાયકવાડ મહારાજાએ તો આપણી પરિષદને ખાસ સહાયતા આપી છે તે વડોદરાની પરિષદ વખત એમણે આપેલી હાજરી તેમ જ સંગીન મદદ ઉપરથી સાબિત થઈ ચૂક્યું છે. એ ઉપરાંત અન્ય સ્થળોમાંથી સહાયતા મેળવવા માટે આપણા કાર્યવાહકોને અધિકાર આપીશું તો ઠીક. એ સર્વ ખરું, પરંતુ કાર્યસિદ્ધિનું ખરું બીજ તો આત્મબળ જ છે; અને આ આપણી પ્રવૃત્તિને અંગે આપણો સમૂહ તે એક આત્મવ્યક્તિ છે એટલે આ પ્રસંગે આત્મબળ એટલે સંઘબળ ગણીશું. આપણી આગળ ઊભાં રહેલાં કાર્ય મોટાં છે, વિષમ છે; પરંતુ આપણી ભાષાભક્તિ પણ તે પ્રમાણમાં મોટી રાખીશું, આપણી શ્રદ્ધા અચલ સ્થાપીશું, તો પરમ અન્તે વિજય જ છે. ભગિનીઓ તથા બન્ધુઓ! માટે છેવટમાં એટલું જ કહેવાનું છે કે આપણી પરિષદનું કાર્ય ભારે જવાબદારીનું છે એ યાદ રાખી, આપણા આ સરસ્વતીસત્રમાં પરસ્પર પ્રીતિભાવથી પ્રવૃત્ત થવાનું પવિત્ર કર્તવ્ય લક્ષમાં રાખી, અને સાહિત્યના વિશુદ્ધ આનંદને અનન્ય ભાવથી પ્રાપ્ત કરવાનો ઉત્સાહ ધારી, આપણે આપણા આ કાર્યનો આરંભ કરીએ, અને સર્વ કાર્યના સિદ્ધિદાતા પરમ કૃપાળુ પિતાની આશિષ માગીએ. इतिशम्




  1. ‘ટ્રાન્ઝેક્શન્સ ઑફ ધી સેકન્ડ ઈન્ટર્નેશનલ કૉંગ્રેસ ઑફ એરિએન્ટાલિસ્ટર્સ’, પા. ૧૯૧
  2. “ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, ત્રીજી ગુજરાતી સાહિત્યપરિષદના રિપોર્ટમાં પ્રગટ થએલો જુવો.
  3. “ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, પૃ-क ૩૭-૩૮ (‘ત્રીજી સાહિત્યપરિષદનો રિપોર્ટ’)
  4. “ભરતખંડ માટે એક ભાષા” એ નિબન્ધ, પૃષ્ઠ क ૧૨, क ૧૩, ‘ત્રીજી સાહિત્યપરિષદનો રિપોર્ટ’ જુવો.
  5. સચેદીના નાનજિયાણીએ પ્રસિદ્ધ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં ખોજાઓના કેટલાક પદોના નમૂના આપ્યા છે, તેમાં (પૃષ્ઠ ૨૦૭ તથા ૨૧૧ ઉપર) ‘કોડી’ તેમ જ ‘ક્રોડ’ શબ્દ પણ છે. એ પદોના સમયનો સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો નથી.
  6. ડૉ. ટેસિટોરી પિશેલનો આધાર લઈને ऋच्छति ઉપરથી अच्छइ-अछइ ઉપજાવે છે (‘ઈન્ડિઅન એન્ટીક્વેરી’, એપ્રીલ ૧૯૧૩, પાન ૫૬); પરંતુ ‘પ્રાકૃતપ્રકાશ’, પરિચ્છેદ ૧૨, સૂત્ર ૧૯ પ્રમાણે શૌરસેનીમાં अस् ધાતુનો अच्छ् આદેશ છે.
  7. ‘રિપોર્ટ ઑફ ધી આર્કિઓલોજીકલ સર્વે ઑફ ઇસ્ટર્ન ઇન્ડિયાઃ આસિસ્ટંટ સુપરિન્ટેન્ડન્ટ્સ રિપોર્ટ’, પરિચ્છેદ ૪૫, પા.૫૨
  8. “ઉત્સર્ગ માળા” (ઈ.સ. ૧૮૭૦), પૃષ્ઠ ૭૪
  9. નમૂના “ગુજરાતી ભાષાનો ઇતિહાસ” (વ્રજલાલ શાસ્ત્રીકૃત), પૃ. ૬૬–૬૭માં જુવો.
  10. એક અપવાદ છેઃ पुलन (સં, पुलिन ઉપરથી) આ કોંકણની ભાષાના સંપર્કનું ફળ હશે.
  11. ‘ધી ઇન્ડિઅન એન્ટિક્વેરો’, ફેબ્રુઆરી ૧૯૧૪, પા. ૨૫
  12. ‘વસન્ત’, સવંત ૧૯૭૦ કાર્તિક
  13. પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ
  14. ‘નવલગ્રંથાવલિ’ ભાગ ૩જો, પૃષ્ઠ ૩૧, છેલ્લો ફકરો
  15. એ સેવાને ટૂંકો સાર “સાઠીનું સાહિત્ય” પૃષ્ઠ ૪૬મે મળી શકશે.
  16. ’જ્ઞાનસુધા’, જુલાઈ ૧૯૧૪નો અંક જુવો.