પશ્યન્તી/આન્દ્રે માલરોની સૃષ્ટિમાં


આન્દ્રે માલરોની સૃષ્ટિમાં

સુરેશ જોષી

આન્દ્રે માલરોએ પોતે એક સ્થળે કહ્યું છે, ‘આ છેલ્લાં દસ વર્ષો દરમિયાન એક લેખક તરીકે મને માનવી સિવાય બીજા શેનું વળગણ રહ્યું છે?’ માલરોના આ આત્મનિવેદનને, એનું મૂલ્યાંકન કરતી વેળાએ, ભૂલવું ન જોઈએ. ગેબ્રિયલ માર્સેલે તો માલરોને ‘આંધળિયા કરનાર’ કહીને વખોડ્યા હતા, પણ પાછળથી પોતાનો મત સુધારીને કહ્યું હતું, ‘એઓ પક્ષકાર બન્યા વિના કર્મરત બને છે, એમણે સહેજેય દિલચોરી વિના પૂરું આત્મસમર્પણ કર્યું છે. સૌપ્રથમ જર્મન વિજેતાના પ્રતિકાર માટેના ભૂગર્ભ આન્દોલનમાં અને પછી આલ્સેસમાં. આને કારણે લોકોમાં આજે એમને માટે આદરની ભાવના છે. પ્રારમ્ભના એમના આંધળિયા સાહસ માટે એમને બધાએ જ માફ નથી કર્યા એ સાચું પણ એ વાત ગમ્ભીરપણે લેવાની જરૂર નથી.’

માલરો ફાસીવાદના વિરોધી હતા. એ વિરોધ માત્ર શાબ્દિક નહોતો. સ્પૅનના આન્તરવિગ્રહમાં એઓ પ્રજાને પક્ષે લડવા ગયા હતા. હમણાં, વૃદ્ધ હોવા છતાં, બાંગ્લાદેશની પ્રજાની પડખે રહીને લડવા માટે એમણે ઇચ્છા દર્શાવી હતી. આમ છતાં એમની કૃતિઓમાં ફાસીવાદીઓનો ઝાઝો ઉલ્લેખ આવતો નથી. એમની કૃતિઓ વાંચતાં આપણા પર એવી છાપ પડે છે કે એમના કથાનાયકો બીજા માનવીઓ સામે યુદ્ધ ખેલતા નથી, પણ કશાંક અમાનુષી, અસંગતિપૂર્ણ વિરોધી બળ જોડે ઝઘડી રહ્યા છે. ‘એબ્સર્ડ’નો સીધો ઉલ્લેખ કેમ્યૂ પહેલાં આપણને માલરોમાં જ મળે છે. આ સંઘર્ષને જ કળાકારો અને સર્જકો પોતાનાં વિશિષ્ટ માધ્યમો દ્વારા અભિવ્યક્ત કરે છે. ફાસીવાદીઓ માલરોની નવલકથામાં મોટે ભાગે જલ્લાદના રૂપમાં જ દેખાય છે. એમની ને એમનો ભોગ બનનારની વચ્ચે કશા વિનિમયની ભૂમિકા હોતી નથી.

અર્વાચીન સમયમાં ચાલી રહેલો સંઘર્ષ, એમને મતે, વિરુદ્ધ રાજકીય મતિ ધરાવતા પક્ષો વચ્ચેનો નથી, બે વિરુદ્ધ વિચારસરણીઓ વચ્ચેનો નથી, પણ માનવી અને એને ઘેરી વળેલી અસંગતિપૂર્ણ પરિસ્થિતિ વચ્ચેનો છે. બે વિશ્વયુદ્ધ વચ્ચેના માનવીય સન્દર્ભનું પ્રમાણભૂત આલેખન આપણને એમની કૃતિઓમાંથી જ મળી રહે છે. એઓ સીમામાં બંધાઈ રહેતા નથી. એને ઉલ્લંઘી જવા કળાકારની વિશિષ્ટ શક્તિનાં એમનામાં દર્શન થાય છે. એમની કૃતિનો જે ઐતિહાસિક સન્દર્ભ હતો તે બદલાયો છે, તેમ છતાં એમની કૃતિઓ વાસી લાગતી નથી તે આ કારણે.

માલરોની બીજી દૃઢ પ્રતીતિ એ છે કે માનવસંસ્કૃતિને એક યુગમાંથી બીજા યુગમાં સંક્રાન્ત કરનાર તથા એનું સંરક્ષણ સંવર્ધન કરનાર જીવનમાં રહેલી પાશવતાની જુગુપ્સા ઉત્કટપણે અનુભવનારા માનવીઓ જ હોય છે. માનવીની મૂર્ખતા એક પછી એક વિનાશની જે પરમ્પરા રચતી આવી છે એમાંથી જે કાંઈ સારું છે તેને ઉગારી લેવાને એઓ મથે છે. માલરો આવા જ એક માનવ હતા.

માલરોનું દૃઢ મન્તવ્ય હતું કે માનવી એ જે કરે છે તે દ્વારા જ પ્રગટ થાય છે. સમાન કાર્ય જ માનવ્યની ભૂમિકા છે, અમૂર્ત ખ્યાલો કે તરંગો નહીં. ‘આત્માને ઘડનાર કર્મ’ જેવી કશી સંજ્ઞામાં એમને ઇતબાર નહોતો. મારું કર્મ મને એકલાને જ નહીં, માનવજાતિને ઘડનારું હોવું જોઈએ. આથી ઘણા બૌદ્ધિકો એમની પ્રત્યે સંદેહની નજરે જોતા. તમે ઝીણું કાંતીને ગમે તેવી સૂક્ષ્મ દાર્શનિક વિચારસરણી ઉપજાવો, પણ એ જો વિશ્વમાં પ્રવર્તતા અનિષ્ટ સામે ઝૂઝવામાં નિષ્ફળ નીવડે તો એનો શો અર્થ? બધી જ બૌદ્ધિક કુશાગ્રતા વડે દાર્શનિકો જાણે અનિષ્ટ જેવું કશું છે જ નહીં એવું ઠસાવવાનો પ્રયત્ન કરે છે. અનિષ્ટથી પણ કશુંક સિદ્ધ થતું હોય છે, રાવણ વિના રામનું રામત્વ પ્રગટી શકે નહીં એમ જો કહીએ તો પછી અનિષ્ટ તે અનિષ્ટ જ રહેતું નથી! પણ આ બધું કેવળ આપણી વિચાર-સૃષ્ટિમાં જ શક્ય બને છે. અનિષ્ટનો પરચો આપણને થતો જ રહે છે. આપણી વાસ્તવિક સૃષ્ટિમાં પહેલું તો એ શીખવાનું છે કે વાસ્તવિક સૃષ્ટિમાં ઇષ્ટ અને અનિષ્ટની ભૂમિકાઓ જુદી નથી. માલરોનો મોટો ગુણ એમની વિશદ નિર્ભ્રાન્તિની સ્થિતિ સરજી આપવાની શક્તિ છે. એઓ કશા અનિષ્ટનું નિવારણ કરવાની જાદુઈ જડીબુટ્ટી આપવાનો દાવો કરતા નથી, કોઈ સાચો સર્જક એવો દાવો કરી શકે નહીં.

પાસ્કલે કહેલું કે માનવજીવન એ એવી દુ:ખદ ઘટના છે કે જેને શાશ્વતતામાં સહેજ સરખોય વિશ્વાસ નહીં હોય, જેઓ મૃત્યુ પછીના સ્વર્ગમાં માનતા નહીં હોય તેઓ પણ ઇસાઇ તરીકે વર્તે તો કશું ખોટું નથી. એમાં એઓે મોટું જોખમ ખેડતા નથી. આ પછીની બે સદીઓે દરમિયાન બુદ્ધિવાદે આ દલીલને વ્યસ્ત કરી નાખી છે. જગતને પોતાની ઇચ્છા પ્રમાણે ઘડવાનો માનવીનો વિશ્વાસ વધતો ગયો તેમ શાશ્વતતાનું મહત્ત્વ ઘટતું ગયું.

એવી કાલ્પનિક શાશ્વતતાને ખાતર માનવી ઇહલોકમાં ગમે તે વેઠીને દુ:ખની જિન્દગી ગાળવા તૈયાર નહોતો. કાન્ટે પણ ન્યૂટનથી પ્રભાવિત થઈને કહેલું કે પાયાના વૈશ્વિક નિયમો આપનારો બીજો માણસ હવે પાકશે નહીં. ન્યૂટનની આ સિદ્ધિ પછી જાણે બધું જ શક્ય લાગવા માંડ્યું. જીવન જ જીવનનું લક્ષ્ય બની રહ્યું. માલરો ઇસાઈ નથી. એમણે ગમ્ભીરપણે આ દૃષ્ટિબિન્દુને પડકાર્યું. એઓ કહે છે કે જીવન એક સાદુંસીધું સાધન છે. એને ખપમાં લેનારના પર એના મૂલ્યનો આધાર રહે છે.

કાળની સીધી ગતિએ આગળ વધવું એટલે પ્રગતિ એવું ભોળપણથી માનનારા પોતાની બધી સમસ્યાઓના નિરાકરણ માટે ભવિષ્ય તરફ મીટ માંડીને બેસે છે. પણ માલરોની કથાસૃષ્ટિમાં તો વર્તમાન (પછી ભલે ને એ ગમે તેવી યાતનાથી ભર્યો હોય) જ ભવિષ્ય છે. એમની નવલકથા ‘વિજેતાઓ’માં એઓ કહે છે, ‘જે કાંઈ ક્રાન્તિ નથી તે ક્રાન્તિ કરતાં પણ બદતર છે. આમ જે યાતનાને વર્તમાનમાં સર્જકો સક્રિય બનાવી શકતા નથી તેઓ જીવનમાં જ સક્રિયપણે ભાગ લેવા ઇચ્છતા નથી. એ તો અન્-અસ્તિત્વ જ કહેવાય. માલરોની પ્રારમ્ભિક કૃતિઓમાં મરણની વાત ઘણી આવી છે.

અસ્તિત્વવાદીઓના આગમન પહેલાં ફેન્ચ સાહિત્યમાં મૃત્યુનો ઝાઝો ઉલ્લેખ આવતો નહોતો. બુદ્વિવાદીઓ મરણની ઝાઝી વાત ન કરે, કારણ કે એથી તો બુદ્ધિવાદના અમર્યાદ દાવાઓમાં બાધા ઊભી થાય, અસંગતિ ઊભી થાય, મૃત્યુના રૂપમાં માલરોને પ્રથમ ‘એબ્સર્ડ’ની ઝાંખી થાય છે. મૃત્યુ પછી આપણે લુપ્ત થઈ જઈએ તે પહેલાં જીવનના આકારહીન રેતાળ પટમાં ક્રિયાશીલ બનીને પદચિહ્નોની દૃઢરેખા આંકી જવાનો પુરુષાર્થ કરવો એ જ માનવીની નિયતિ છે, એમાં જ માનવીનું ગૌરવ છે. ‘વિજેતા’માં ગારિન કહે છે, ‘જો આ દુનિયા અસંગતિરૂપ નહિ હોય તો તો મારું આખું જીવન મિથ્યા ચેષ્ટાઓથી વેડફી નાખવા જેવું જ ગણાશે.’ જે જગત અસંગતિરૂપ નથી તેમાં જ માનવપુરુષાર્થનો કશો અર્થ છે એવી જે સામાન્ય માન્યતા છે તે તો કર્મરત નહીં થવાને માટેનું ઠાલું બહાનું છે એમ માલરો માને છે. જો આ અસંગતિ જગતમાં છે જ તો પછી જે કોઈ એની સામે વિદ્રોહ કરતો નથી તે હારેલો જ છે. આથી જ તો ગારિન કહે છે, ‘હું વિદ્રોહીઓ સાથે તરત જઈને ભળ્યો એનું કારણ એ કે એનાં પરિણામો દૂર છે અને એ સદા બદલાયાં કરે છે’.

માલરોનાં પાત્રો શુદ્ધ કર્મરૂપ લાગે છે. સમાજનું આપેલું સ્થાન એઓ ત્યજી દે છે, પણ તે બીજા સમાજમાં બીજું સ્થાન સ્વીકારવા માટે નહીં, એથી એઓ એમ સૂચવવા ઇચ્છે છે કે અહીં તો કશી સ્વીકૃતિને સહી નહીં લેવાય. કારણ કે અહીં નો સ્વીકૃતિ નામે અસંગતિની સ્વીકૃતિ બની રહે છે. જો તમે કર્મરત નહીં બની શકો તો તમારે માટે એક જ વિકલ્પ રહે છે, વસ્તુ કે પદાર્થ બનીને રહેવાનો. તમને જે કોઈ જ્યાં ધારે ત્યાં સ્થાપે ને ઉથાપે!

29-11-76