પશ્યન્તી/ભાષાનો નવો વિનિયોગ


ભાષાનો નવો વિનિયોગ

સુરેશ જોષી

મને લાગે છે કે ભાષાના વિનિયોગ પરત્વે જો લેખક આત્મતુષ્ટિ કેળવતો થઈ જાય છે તો એને માટે એ ખતરનાક નીવડે. ચારે બાજુથી મારા પર ભાષાનું આક્રમણ થાય છે. કેટલાક કવિઓ અને સર્જકોની ભાષાના વિશાળ વિહારક્ષેત્રમાં ઘૂમ્યા પછી એ બધાના પ્રભાવથી બચવાનું સહેલું નથી. કાલિદાસ કે ભવભૂતિનો કોઈ વિલક્ષણ શબ્દપ્રયોગ, બાણનો કોઈ સમાસ, રવીન્દ્રનાથે સંસ્કૃત શબ્દમાંથી ઉપજાવેલો નવો રણકાર, કોઈ અનાવિલ મિત્રની બહારથી બરછટ લાગતી પણ આત્મીયતાની સોડમવાળી ભાષા, પ્રવાસ કરતાં બસમાં કે ગાડીમાં સાંભળેલા જુદા જુદા શબ્દપ્રયોગો – મનમાં આ બધું સંચિત થતું જાય છે. વળી જે સમાજમાં જીવીએ છીએ તેના શિષ્ટ-અશિષ્ટના ખ્યાલ પણ આપણને વળગેલા હોય છે. આ બધાંમાંથી કશીક અકળ પ્રક્રિયાથી મન શબ્દો સર્જતું હોય છે. આ ભાષા એક વાતાવરણની જેમ મારી ચારે બાજુ ફેલાયેલી છે. એમાં જ હું જીવું છું. આમ એ શ્વાસોચ્છ્વાસ જેવી એક અનિવાર્યતા છે. પણ હું એના કાર્ય વિશે, એના વડે થતા વિનિમય વિશે વિચારું છું.

આ શબ્દો, સાર્ત્ર કહે છે તેમ, હવાની જેમ બહારથી આવે છે. પછી ઉચ્છ્વાસરૂપે મારામાંથી પાછા બહાર જાય છે. થોડા વખત સુધી બાળપણમાં શબ્દ અને એથી સંકેતિત વસ્તુ વિશે આપણા મનમાં રમ્ય ગૂંચવણો ચાલુ રહેતી નથી. ત્યારે અજાણ્યા અને તેથી આપણી પકડની બહાર રહી જતા, પદાર્થને આપણી પકડની સીમામાં લાવવા માટે આપણે એને અમુક નામ યદૃચ્છાએ આપી દેતા. આપણા, એ બાળપણની યાદૃચ્છિક ભાષામાં કેટલી કવિતા હતી! હવે આજે વ્યાકરણના નિયમો, સમાજસ્વીકૃતિ સંકેતવ્યવસ્થા, રૂઢિ – આ બધાંને વશ વર્તીને ચાલીએ છીએ. જો એમ ન કરીએ તો દરેકનું ભાષાવિશ્વ આગવું બની રહે, એક ભાષાવિશ્વમાંથી બીજા ભાષાવિશ્વમાં જવાનો માર્ગ ન રહે. બાળક આ જ રીતે પોતાના આગવા ભાષાવિશ્વનો ચક્રવર્તી બનીને મહાલે છે. જેકબ વાઝરમાને પોતાની આગવી ભાષા ઉપજાવીને મનમોજથી જીવનારા કિશોર વિશે એક નવલકથા લખી છે તે મને યાદ આવે છે. એ સ્થિતિમાં ભાષા પર આપણું પ્રભુત્વ હોય છે. એમાં કોઈની દખલગીરી ચાલતી નથી. આજે પણ ‘ગુજરાતી મારી ભાષા’ છે એમ કહેવામાં કેવળ મમત્વ જ પ્રગટ થતું નથી, પ્રભુત્વ પણ સૂચવાય છે. આ ભાષાને મારી કહીને પ્રભુત્વનો હું દાવો કરતો હોઉં છું તે છતાં મારી ભાષા મને ગાંઠતી નથી હોતી તે હું જાણું છું. કશુંક બોલ્યા કે લખ્યા પછી મન માનતું નથી. આમ છતાં એ વાતને નવી રીતે બોલવા-લખવાના મારા પ્રયત્નો ચાલુ રહે છે. શબ્દ વડે જ આપણે જગતને આપણા અંકુશ હેઠળ લાવતા જઈએ છીએ. શબ્દ જ આપણને મહત્ત્વાકાંક્ષી બનાવે છે. શબ્દ જીતી આપે તેટલી જ આપણી વાસ્તવિકતા.

આમ સર્જક ભાષાનો વિનિયોગ કરે છે ત્યારે ખાસ તો પોતાના જોગી વાસ્તવિકતા ઉપજાવવા માટે જ એ કરતો હોય છે. પછી આ વાસ્તવિકતાની સીમા એ વિસ્તાર્યા કરે છે. સંક્રમણનો કે વિનિમયનો કે પ્રત્યાયનનો પ્રશ્ન તો પછી આવે છે. ફલોબેરે કહેલું કે તમે રચેલા જોડેલા શબ્દો તમારે વસવા માટે એક નવો અવકાશ રચી આપે છે. ત્યાં રહ્યા રહ્યા તમે ઈશ્વર જેવા કશાક બૃહત્ સાથેના અનુસન્ધાનની ભૂમિકા પણ રચી શકો.

આ રીતે વિચારીએ તો લોકો બીજાને માટે લખે છે એમ કહેવું કેટલે અંશે સાચું છે? સાર્ત્ર એક દૃષ્ટાન્ત આપીને આ વાત સમજાવે છે : બાળકો મોટેરાંઓ સાથે દરિયે ફરવા જાય ત્યારે મોટેરાંઓથી દૂર સરી જઈને રેતીમાંથી કિલ્લો બાંધવા માંડે. મોટેરાંઓની એના પર નજર પડે અથવા ન પણ પડે. બાળક પોતાની ખુશી ખાતર એ કરે છે, મોટેરાંઓનું ધ્યાન ખેંચવા કે એમને ખુશ કરવા નહિ. દરેક સર્જકની પ્રાથમિક ભૂમિકા કંઈક આવી જ હોય છે. એવું બને કે કેટલાક સર્જકો આ પ્રાથમિક ભૂમિકા આગળ જ અટકી જાય. પછી શબ્દ દ્વારા અન્ય વડે સન્ધાન સિદ્ધ કરવાની ભૂમિકા આવે જ છે. પેલો જાદુથી બનાવેલો શબ્દનો કિલ્લો અને સંકેતિત પદાર્થ જે જાદુથી એક હતા તે છૂટા પડે છે. પછી સમાજમાં આપણે પ્રવેશીએ છીએ. પછી શબ્દોને વળગેલા બીજાના ભાવોચ્છ્વાસ મને સ્પર્શે છે, હું ભાષાનો વિનિયોગ કરનારા અન્ય માનવીઓે સાથેના સમ્પર્કની ભૂમિકા રચતો જાઉં છું. પછી મને સમજાય છે કે શબ્દ વસ્તુને ચીંધે છે, પણ દરેક સર્જકની એ કરવાની રીત જુદી હોય છે. ભાષા એ સમ્બન્ધોનું માળખું છે અને આ સમ્બન્ધોની અનેકવિધ સમ્ભવિતતા એના નવા નવા પ્રયોગોની અનેકવિધ શક્યતાઓને ખુલ્લી રાખે છે.

આ વિશિષ્ટ રીતિમાં શબ્દમાંથી ઝંકૃત કરાતો આગવો રણકાર, લય, કાકુ – આ બધું ભળે છે. પણ એટલું તો નક્કી કે દરેક શબ્દને પ્રયોજનાર સર્જક એ દ્વારા જગતનો આપણી ચેતનામાં આગવી રીતે પ્રવેશ કરાવતો હોય છે, એ દ્વારા જગત આગવી રીતે આપણી આગળ મૂર્ત થતું આવે છે. આનો અર્થ એ થાય છે કે જગતની રચનાનું કશુંક ભાષાને જુદા ઢાળમાં ઢાળે છે. હું જે પદાર્થ વિશે વાત કરતો હોઉં તે પદાર્થની ઘનતા, તીક્ષ્ણતા, બરછટપણું – આ બધું મારી ભાષાના પોતને બદલે છે. જ્યાં કેવળ રોજ-બ-રોજનો વહેવાર ચલાવવાનો હોય ત્યાં આવી અપેક્ષા રહેતી નથી, પણ હું ગુલાબ વિશે વાત કરતો હોઉં તો એની પાંખડીની રચના, એની કુમાશ – આ બધું મારી ભાષાના પર અસર કરે છે, જો એમ ન બને તો ગુલાબ વિશે લખવાનું કશું પ્રયોજન રહેતું નથી. પદાર્થ અને શબ્દ મળીને સર્જક દ્વારા એક નવી વાસ્તવિકતાનું નિર્માણ કરે છે. આ નિમિર્તિ જ ભાષાને પ્રયોજવાની પાછળ રહેલો ઉદ્દેશ હોય છે.

ફ્રાન્સમાં ફિલિપ સોબર્સે ભાષાને વાપરનારાના બે ભાગ પાડ્યા છે : પહેલા પ્રકારના લખનારાઓ શબ્દ દ્વારા વસ્તુઓને ચીંધે છે, સમજાવે છે; એઓ પદાર્થને ચિહ્નિત કરવા માટે ભાષા વાપરે છે, બીજા પ્રકારના લખનારાઓ જગતને ભાષા દ્વારા વ્યક્ત કરવા નહિ પણ ભાષા પોતે જ આપણી આગળ પ્રગટ થતી આવે એ માટે લખે છે. ભાષાનું આ પ્રગટ થવું તે ભાષાનાં અંગોનું એકબીજા જોડે અનેક પ્રકારના સમ્બન્ધમાં આવવાથી શક્ય બનતું હોય છે. સાર્ત્ર એમ માને છે કે જીવન આપણને આ બંને દૃષ્ટિબિન્દુઓને ઉલ્લંઘી જવાનું શીખવે છે. ઉપર કહ્યો તેવો બંને પ્રકારનો ભાષાનો વિનિયોગ કર્યા વગર આપણે રહી શકીએ નહિ. હવે ભાષા જોડે મેં રચેલો સમ્બન્ધ એવા સમ્બન્ધની શક્યતા અન્યને પણ ચીંધી બતાવે એવું હું ઇચ્છું છું. અન્ય માનવી સાથેના સમ્બન્ધની ઇચ્છા પણ મને એમ કરવા પ્રેરે છે. એક શબ્દની અનેક સમ્ભવિત અર્થચ્છાયા છે અને પદાન્વયમાં સન્દિગ્ધતાને માટે ઘણો અવકાશ રહેલો છે એ જાણવા છતાં હું ભાષા દ્વારા મને અભિવ્યક્ત કરીને સંક્રમણનો પ્રયત્ન કરું છું. આવો દરેક પ્રયત્ન કશુંક ન વ્યક્ત થયેલું અથવા અધૂરું વ્યક્ત થયેલું અવશેષમાં મૂકી જાય છે. એને વ્યક્ત કરવા માટે આપણે પ્રતીકયોજના કરીએ છીએ. આ પ્રતીકો અમુક એક પદાર્થને ચીંધતાં નથી. એના વડે સમ્બન્ધશૃંખલાની અમુક શક્યતાઓ ચીંધવામાં આવે છે. ભાષા વિશે નિરાશાવાદી વલણ ધરાવનારા કેટલાક એમ માને છે કે ભાષાથી આ બધું વ્યક્ત ન કરી શક્યાની અશક્તિને કારણે ધીમે ધીમે જે નથી વ્યક્ત થઈ શક્યું હોતું તે પૂંજીભૂત થતું જાય છે, એથી એક પ્રકારની અપારદર્શકતા છવાતી જાય છે. દરેક ભાષામાં આવી અપારદર્શકતાનો પ્રદેશ હોય છે જે સર્જકને પડકારે છે. એ નિરાશા પ્રેરવાને બદલે ઉદ્દીપન પણ બની રહે તે સ્વીકારવું જોઈએ. પ્રતીકો વિભાવનાઓ સાથેનું સમીકરણ સિદ્ધ કરીને અટકી જાય તો આપણે વળી અમૂર્તતામાં ખોવાઈ જઈએ. ભાષા ઘણીબધી વસ્તુને કારણે નિયન્ત્રિત થતી હોય છે : સંકેત અને સંકેતિત વચ્ચેનો સમ્બન્ધ એ એકબીજાના પર અસર પાડનાર કેન્દ્રાનુસારી સ્વરૂપનો હોય છે. એથી શબ્દોમાં પરિવર્તન આવતું રહે છે. આપણે જે કહીએ છીએ તે મોટે ભાગે આપણે જે કહેવા ઇચ્છતા હતા તેનાથી ઓછી કે વધતી માત્રામાં જુદું જ થઈ જતું હોય છે. એનું કારણ, એ કહેવાને માટે આપણે શબ્દોનો ઉપયોગ કર્યો તે જ છે.

સાર્ત્ર તો આ વસ્તુને વળી વધુ અટપટી બનાવે છે. એ સંકેત, સંકેતિત અને સંકેતક – આ ત્રણના સમ્બન્ધને જોડે છે. ભાષાનો વાપરનાર પણ આ આખી પ્રક્રિયાનું એક મહત્ત્વનું અંગ છે. હું જે શબ્દો વાપરું છું તે શબ્દો એને વાપરનારાના ભૂતકાળ સાથે સંકળાઈને પોતાનો ઇતિહાસ લઈને, મારી પાસે આવતા હોય છે, એ શબ્દોનો ભાષા સાથે અમુક વિશિષ્ટ પ્રકારનો સમ્બન્ધ હોય છે. એ સમ્બન્ધને શુદ્ધ કે સરળ, સંકુલ જેવાં વિશેષણોથી જ ન વર્ણવી શકાય. એ શબ્દો મારા પોતાના ઇતિહાસ જોડે પણ અમુક વિશિષ્ટ સમ્બન્ધ ધરાવતા હોય છે. આથી જે વસ્તુને સંકેતિત કરીએ તેને બહાર જ રાખવી જોઈએ. ભાષા એ એક પ્રકારની સંકેતપ્રક્રિયા છે અને એ બધું જ કાંઈ આવરી લઈ શકતી નથી. આથી ફલોબેરે તો એમ કહેલું કે આપણે જો સન્તોષકારક રીતે કશાકનું સંક્રમણ કરી શકીએ એમ નથી તો પછી આપણે ઊભી કરેલી સંકેતવ્યવસ્થાને જ સાહિત્યનો કેન્દ્રપદાર્થ બનાવી દેવો. પણ સાર્ત્ર કહે છે કે જે શક્ય નથી તે જ તો સર્જકે સિદ્ધ કરવા મથવું જોઈએ અને તે એ પોતાની શૈલી વડે કરી શકે. પોતાની શૈલી વડે એણે તો હંમેશાં વાસ્તવિકતાનું – અબખે પડી ગયેલી વાસ્તવિકતાનું – પુન:સંસ્કરણ કરતા રહેવાનું છે.

25-5-81