પશ્યન્તી/મહેન્દ્ર ભગત અને હું


મહેન્દ્ર ભગત અને હું

સુરેશ જોષી

મરણ એટલે શું? આંખોના ગવાક્ષમાંથી ઊઠીને ચાલ્યા જવું? શ્વાસોના મહાલયને ખણ્ડેર કરી નાખીને અંધારા ભોંયરામાં ઊતરી જવું? કાળા કાળા ઘોડાને પલાણીને ક્ષિતિજ વીંધીને અદૃશ્ય થઈ જવું? ભાષાના સંકેતોને ભૂંસી નાંખીને શબ્દોના પ્રદેશમાંથી દેશવટો લેવો?

મરણ એટલે શું? એક ખાલી પથારી, એક ફૂલના હાર ઝુલાવતી છબિ, ઘીનો દીવો, થોડીક ધૂપસળી, ધોળાં વસ્ત્રોથી ઊભરાતો મૂંગો મૂંગો ઓરડો, નિ:સ્તબ્ધતાની વચ્ચેથી છટકી જતું એકાદ હીબકું, અકળ રીતે આંખની પાંપણ પર વરતાતો થોડો ભાર…

ગ્રીષ્મની આ બપોરે એકાએક કાનમાં સૂનકાર ગાજી ઊઠે છે. પાસેના શિરીષમાંથી આવતો નિ:શ્વાસ સંભળાય છે. વૃક્ષો નીચેની છાયાઓને સહેજ ઘેરી બનેલી જોઉં છું. મારા મન પર કશુંક ચંપાઈ ગયાનો દાબ વર્તાય છે. દૂર ચાલી જતા ચક્રનો ચીંચવાતો અવાજ સંભળાયા કરે છે.

પણ આ વચ્ચેથી એક હાસ્યની છાલક મને વાગે છે. ચારે બાજુના સળગી ઊઠેલા ઘાસ વચ્ચે હસી રહેલા એક પુષ્પના જેવી હસતી આંખો દેખાય છે. ભવિષ્યના દ્વાર આગળ અડ્ડો જમાવીને બેઠેલા મરણને ઉલ્લંઘી જતી અણીશુદ્ધ પ્રસન્નતા મને સ્પર્શી જાય છે. આ ગ્રીષ્મનો દિવસ તો એવો ને એવો ઉજ્જ્વળ છે. ખૂબ જતનથી ઉછેરેલા મોગરાએ આજે સવારે જ બે ફૂલોની સુગન્ધનો અર્ઘ્ય ધર્યો છે. લીલાંછમ વૃક્ષો બળબળતી બપોરે પણ આંખને ઠારે છે. મારું હૃદય મને ખૂબ ગમતી કવિતાના વિશાળ પ્રદેશમાં વિહાર કરે છે.

આમ છતાં એકાએક આખું સુન્દર જગત આંખ સામે એક કાળા ધાબા જેવું થઈ ગયું. ઘડીભર મારા શ્વાસે ઠોકર ખાધી. ક્યાંકથી કશીક અજાણી ભીનાશ મને સ્પર્શી ગઈ. ઘરમાં ક્યાંક કોઈક અજાણ્યું પ્રવેશી ગયું હોય એવું લાગ્યું. પણ આ તો ઘડીભર ફરી સંસારે હડસેલો માર્યો ને હું ધકેલાતો ગયો. એક વિચિત્ર પ્રકારનો અનુભવ થયો. આ પરિચિત સૃષ્ટિનો જાણે રંગ ઊડી ગયેલો લાગે છે અથવા એમ કહેવું યોગ્ય નથી. એક નવા રંગની છાયા એના પર પથરાઈ ગઈ છે જે આંખથી સહ્યો જતી નથી.

થોડાં વરસ પહેલાં મરણે એનો પંજો મારા ખભા પર મૂક્યો ત્યારથી એ ભારથી સહેજ દબાઈને જ જીવું છું. મને મરણનો ભય નથી લાગતો એમ નહીં કહું. એથી તો મરણની ને મારી વચ્ચે હું પ્રતીકોની દીવાલ ગોઠવતો રહ્યો છું. એ દીવાલ અભેદ્ય છે એવું તો હું માનતો નથી. પણ આ દીવાલ રચવાની મારી પ્રવૃત્તિમાં જ ગુંથાયેલા રહેવાથી હું મરણની છાયાની ઉપસ્થિતિને કદાચ વિસારે પાડી શકું. હવે પૂરું એકાન્ત હું માણી શકતો નથી. સાથે કોઈ બીજું અદૃશ્ય રીતે બેઠું છે એવું સતત લાગ્યા કરે છે. કોઈ વાર મારા મનને સમજાવું છું. ‘એ તો ઈશ્વર છે.’ કોઈ વાર ઈશ્વર અને મરણ અભિન્ન બનીને એક શૂન્યમાં પરિણમે છે. કોઈ વાર મણિલાલ અને રાવજીનાં મરણો પણ મારી પાસે પાસે વસતાં હોય એવું લાગે છે. દક્ષિણ ગુજરાતનાં ખેતરોમાંની ડાંગરની ક્યારડીની ભીનાશ હું સૂંઘી શકું છું. સંધ્યા મુખર્જીનો ગુણકલી રાગ સાંભળું છું ને મન ઉદાસ થઈ જાય છે. ના, ગમગીન નથી થતો, પણ હવા સહેજ ભારે લાગે છે. ગ્રીષ્મના તપ્ત અવકાશમાં રાવજીનું મુખ ખીલી ઊઠતું જોઉં છું. પવનના હોઠ પર એનો પ્રલાપ સંભળાય છે. ઘણી વાર ચાલતાં ચાલતાં હું મણિલાલ અને રાવજીનાં પગલાં સાથે પડતાં સાંભળું છું. આ બધું શું કહેવાય તે જાણતો નથી, પણ અસ્તિનાસ્તિની સીમારેખાઓ ઘણી વાર આ મિત્રો અવળસવળ કરી નાખે છે.

હવે બીજા એક જણનો ચાલી જવાનો અવાજ સંભળાયો. રિલ્કે કહે છે તેમ બારણાની તરાડમાંથી જ માત્ર આપણે તો જોઈએ છીએ. પેલી બાજુ એથી પૂરી છતી થઈ જતી નથી, પણ એ છે એનું ભાન થાય છે. હજી હમણાં સુધી તો મહેન્દ્ર ભગત આપણા ડાયરા વચ્ચે હતા. ઊ…ઠું ઊ…ઠું કરતા હતા. ચરણ આગળ બેઠેલા મરણને મહેન્દ્રભાઈએ સમજાવી-પટાવીને રોકી રાખ્યું હતું. એમને આપણા ડાયરા વચ્ચેથી ઊઠી જવાનું મન નહોતું. એમને તો પાછળ અદૃશ્ય રહીને ડાયરામાં પ્રાણ પૂરવાની ટેવ હતી.

રાજેન્દ્ર શાહના કવિલોક તરફથી યોજાયેલા કાવ્યપાઠ ને કાવ્યચર્ચાના અંધેરીના સમારંભમાં મેં એમને જોયા. વ્યવસ્થાનો ભાર રાજીખુશીથી ઉપાડીને એમણે અવહેવારુ કવિજનોને સાચવી લીધા હતા. મધુ કલકત્તાથી ‘ચહેરા’ લઈને આવ્યો ત્યારે મહેન્દ્રભાઈ કેટલા ઉત્સાહથી એને લઈ આવ્યા હતા તે યાદ છે. પછી તો અમે આખી રાત બેસીને સાથે નવલકથા વાંચી, ચર્ચા કરી. સાથે એમનું ટેપરેકોર્ડર તો હોય જ.

સર્જકો માટે એમને અત્યન્ત સ્નેહ, કોઈને પુસ્તકો ખરીદી આપે, કોઈને નિરાશાની પળે આધાર આપે. મધુ કલકત્તાથી ચાલ્યો આવ્યો ત્યારે એને પ્રથમ વ્યવસાયની જોગવાઈ કરી આપનારા મહેન્દ્રભાઈ એક સાહિત્યિક સામયિક જીવતું રાખવાના મારા મરણિયા પ્રયત્નોને એઓે બહુ સમભાવથી જોતા. સર્જકો પ્રત્યે સ્નેહ ખરો, પણ તટસ્થતા એટલી જ. મુગ્ધ બનીને એઓે વિવેક ચૂકતા નહીં. ‘જનાન્તિકે’ એમને ગમતું છતાં મને કહેતા ‘થોડા નિબન્ધો કાઢી નાખ્યા હોત તો ઠીક થાત.’ એઓે સાચા સહ્યદય હતા. એઓે કવિતા અને સંગીતના મિત્ર હતા માટે આપણા પણ મિત્ર હતા.

ગુલામમોહમ્મદ શેખ કાવ્યવાચન કરવા મુંબઈ ગયા ત્યારે એ કવિતા કવિને મુખે સાંભળવાનું એમને ઘણું મન હતું. પણ ભવનના ખણ્ડમાં પડઘા ઘણા પડે, રેકોડિર્ંગ વિશે એમને ચૂંધી ઘણી. એમને સન્તોષ ન થયો. વાંચવાનો શ્રમ નહોતો લઈ શકાતો તેથી બધું ટેપરેકોર્ડ કરાવીને સાંભળતા. પથારીવશ થવાથી એઓે સહેજેય લાચાર નહોતા થયા. કવિસંમેલન થતું હોય, સાહિત્યચર્ચા થતી હોય તો એ વિશે એમનો રસ એટલો ને એટલો. બધું વિગતે જાણે. પોતે પણ ચર્ચા કરે.

છેલ્લે હું મળવા ગયો ત્યારે દોઢેક કલાક વાતો કરી. ઉત્સાહમાં ને ઉત્સાહમાં વાતો કરતાં કરતાં બેઠા પણ થઈ ગયા. મળવા આવનારની ગમ્ભીરતા હળવી થાય એની એઓે ચિન્તા કરતા તે મને ખૂબ જ સ્પર્શી ગયું. આસન્ન મૃત્યુની છાયા સંકેલીને એમણે જાણે એને પોતાનાં ઓશીકાં નીચે દાબી રાખી હતી. એઓે માંદગીની વાત તો ઝાઝી કરે જ નહીં. માત્ર જિજીવિષા નહીં પણ લુત્ફેહયાત એમનામાં દેખાય. આવો ઝિન્દાદિલ રસિક સહૃદય મિત્ર હાસ્ય લઈને જ જાય એવી ભાવનાથી મેં આંખમાં ધસી આવતાં આંસુને ખાળી રાખ્યાં.

હવે મુંબઈના મહાનગરની ઝાકઝમાળ સૃષ્ટિમાંથી મારે માટે તો એક રોશની ચાલી ગઈ! સ્મરણથી કોઈને જકડી રાખવા નહીં, જનારની સદ્ગતિ થવા દેવી એવું શાસ્ત્રો કહે છે. આથી જ તો જનાર ‘ગત’ નથી, પણ ‘સદ્ગત’ છે, પણ કશુંક ઊઠીને ચાલી જતું નથી? એની પણ સાથે જ સદ્ગતિ થતી નથી?

છતાં મને લાગે છે કે મહેન્દ્રભાઈ એમને સદા ગમતી પ્રસન્નતામાં ગુલાબથી જ છવાયેલા રહેવા જોઈએ. કેટલીક વ્યક્તિ પ્રત્યક્ષમાંથી સ્મરણની પરોક્ષતામાં સરી જતી નથી. એઓે હજી શ્રુતિગોચર, દૃષ્ટિગોચર છે એવું આપણે અનુભવીએ છીએ. મહેન્દ્રભાઈના ઔદાર્યને માણી ચૂકેલા પોતાના જીવનમાં એવું જ ઔૈદાર્ય કેળવે તો એઓે કેટલા ખુશ થાય? એમને ખૂબ જ ગમતાં એવાં કવિસંમેલનો યોજાય, સાચી કવિતાનો મુક્ત રણકાર બધે સંભળાય, હોંસાતોંસી અને રાગદ્વેષના કોલાહલથી મુક્ત એવી કોઈ કવિની વાણી રણકતી હોય ત્યારે મહેન્દ્રભાઈ આપણી સાથે એને આનન્દથી માણતા જ હશે.

25-4-75