પશ્યન્તી/શબ્દના સંકેતપરિવર્તન


શબ્દના સંકેતપરિવર્તન

સુરેશ જોષી

ભાષાનો વિચાર કરતાં જ શબ્દના સંકેતપરિવર્તનની પ્રક્રિયાની વાત નીકળવાની જ. આજે પણ આપણે ઘણા બધા સંસ્કૃત તદ્ભવો અને તત્સમો વાપરીએ છીએ. પણ ‘કમલ’ શબ્દ જીવન્ત સંસ્કૃત ભાષાના વાતાવરણમાં જે અર્થસન્તર્પકતા ધારણ કરતો હશે તે એમાં આજે રહી છે ખરી? ઘણાં સંસ્કૃત સ્તોત્રો ઉચ્ચારતાં આજે કેવળ વર્ણસગાઈ કે નાદમાધુર્યથી ખુશ થઈ જઈએ છીએ, પણ એની સાથે ઝંકૃત થઈ ઊઠતા અર્થધ્વનિઓ તો હવે સંભળાતા નથી. આમ ઘણા શબ્દો પ્રજાના જીવનમાંથી ધીમે ધીમે પશ્ચાદ્ભૂમાં સરતા જાય છે. આથી એને ફરીથી સજીવન કરી શકાતા નથી તે હકીકત સ્વીકારવાની રહે છે. તે સમયનો સાંસ્કૃતિક સન્દર્ભ, એ શબ્દોને વાપરનાર, એનો ભાવોચ્છ્વાસ, એ સમયનું જગત – આ બધું એમાં ભળ્યું હોય છે. વળી સમય વીતતો જાય છે તેમ એ વીતેલા સમયનું અર્ધપારદર્શી પડ એના પર ચઢતું આવે છે.

એક ભાષામાંથી બીજી ભાષામાં અનુવાદ કરીએ ત્યારે સમાનાર્થી શબ્દો મળી રહે એટલાથી જ આપણું કામ ચાલી જતું નથી. એની સાથે નાદ, ધ્વનિ, એ શબ્દને નિમિત્તે જગત જેટલું અભિવ્યક્ત થતું હતું તે – એ બધું પણ એમાં પ્રવેશી શક્યું હોવું જોઈએ. વિભાવનાને પ્રગટ કરતા શબ્દોની વાત જુદી છે. એ અમૂર્ત ખ્યાલોને પ્રગટ કરે છે. એનાં કશાં મૂર્ત પ્રતિરૂપો આપણા ચિત્તમાં ઉદ્દીપ્ત કરવાનો પ્રશ્ન ત્યાં ઊભો થતો નથી. એ આખી વ્યવસ્થા જ કૃત્રિમ છે, જે લોહી સાથે ભળ્યું તેની વાત જુદી. પણ શબ્દો આપણામાં એટલા તો ઊંડા ઊતરી ગયા હોય છે કે એને કોઈ આંચકી લે તો ઊંડો ઘા પડ્યો હોય એવું લાગે. મેં જોયું છે કે કેટલાક માણસો અમુક શબ્દને આધારે જ જીવતા હોય છે. તમે એ બોલવાની મના ફરમાવો તો એમનો જીવ ગૂંગળાવા માંડે. કેટલાક લોકોને મોઢે અમુક શબ્દો સાંભળવા ગમે છે. એમાં ઉચ્ચારણ દરમિયાન જ કંઈક એવું ભળે છે જે એને આગવી વિશિષ્ટતા અર્પે છે. ઘણા શબ્દો સાથેના વ્યવહારમાં પૂરા જીવતા હોતા નથી. આથી એમના શબ્દો વજનરૂપ લાગે છે.

બંગાળમાં કમલ મજમુદાર નામના લેખકે બંકિમબાબુના સમયના ગદ્યનો પ્રયોગ કરીને એક નવલકથા આપણા સમયમાં લખેલી. બંકિમબાબુના ગદ્યનું એ અનુકરણ નહોતું. પણ અમુક સંસ્કારો અને રૂઢિઓને નવા સન્દર્ભમાં મૂકી જોવાનું એમને કુતૂહલ હતું. આથી સમયનો આ વ્યુત્ક્રમ જ એમાં એક નવી સબળતા ઊભી કરતો હતો, જે બંકિમબાબુનું ગદ્ય વાંચતાં આપણે અનુભવી ન હોત. છતાં એ પણ સાચું કે કોઈ પણ ભાષાને, અમુક શબ્દપ્રયોગોને કે રૂઢિઓને, ફરીથી એને એ રૂપે પુનર્જીવિત કરી શકાતાં નથી. ભાષા પાસેથી કામ કઢાવનારાઓ કેટલીક વાર કેવળ કુતૂહલથી તો કેટલીક વાર કશા રસકીય પ્રયોજનને વશ વર્તીને એવા પ્રયોગો કરતા હોય છે ખરા. ઘણુંખરું કંઈક સ્થૂળ રીતે આવા પ્રયોગો વિડમ્બના કરવાના હેતુથી થતા હોય છે. કમલ મજમુદારનો પ્રયોગ કંઈક ગમ્ભીર સ્વરૂપનો હતો. એથી જાણે ભાષાની મદદથી બારણું ખોલીને વાસ્તવિકતાના એક નવા જ પરિમાણમાં આપણે પ્રવેશતા હોઈએ એવો અનુભવ થતો હતો.

ફિલસૂફી વાંચવામાં ઘણા પાછા પડે છે એનું કારણ એ છે કે ફિલસૂફો ઘણી વાર સરળ અને પરિચિત હકીકતને એની પરિભાષાની જટિલતાથી વધુ ગૂંચવીને રજૂ કરતા હોય છે. એમાં અર્થના સંક્રમણ કરતાં એ નિમિત્તે રચાતો પરિભાષાનો પ્રપંચ કોઈક વાર વધારે મહત્ત્વ પામતો હોય એવું લાગે છે. કવિતા વિશે પણ ઘણા એવું કહેતા સંભળાય છે કે એમાં વાગાડમ્બર વિશેષ છે, એમાં નાહક બધું અટપટું બનાવી દીધું હોય છે. કવિતામાં પણ વાણીનો પ્રપંચ તો છે જ, પણ તે જુદા પ્રકારનો. આથી આપણને કેટલીક વાર એવો અનુભવ થાય છે કે કવિતા વાંચ્યા પછી, એનો કડીબદ્ધ અર્થ હાથ ન લાગ્યો હોય તે છતાં, આપણે એને ફરી વાંચવા આકર્ષાઈએ છીએ ને એ વાંચનથી આપણને આનન્દનો અનુભવ પણ થતો હોય છે. બે સદી પહેલાં પ્રયોજાયેલો શબ્દ આજના સન્દર્ભમાં જો ટકી રહ્યો હોય તો તે મોટે ભાગે લોકોના સ્મરણમાં વજ્રલેપ બનીને જડાઈ ગયેલી કવિતાને કારણે. આથી જ તો એક એવી પણ માન્યતા છે કે કાવ્યની પંક્તિઓને છાપેલા શબ્દોથી પુસ્તકના પાના પર, પતંગિયાંઓને ટાંકણીથી જડી રાખે છે તેમ, જડી દઈ શકાતી નથી. દરેક વાચને એ ફરીથી સજીવન થાય છે ને નવાં રૂપો પામતી રહે છે. નરસંહિની પંક્તિમાં વેદાન્તના સિદ્ધાન્ત ઉપરાંત કવિના સ્વાનુભવનો રણકો ઉમેરાય છે. આ નિજી મિજાજ પણ કાવ્યાસ્વાદમાં ઉમેરો કરે છે. આથી હું વેદાન્ત વાક્યમાં શ્રદ્ધા ધરાવતો નહિ હોઉં છતાં ‘જાગીને જોઉં તો જગત દીસે નહિ’ – જેવાં પદ મને રસની દૃષ્ટિએ પરિતૃપ્ત કરે એમ બની શકે. ઘણા વેદાન્ત તત્ત્વ પામવા માટે જ કવિતા પાસે જાય. એવાને માટે અર્થ મહત્ત્વનો. કવિતાનો બીજો બધો વાણીપ્રપંચ કે વૈભવ એમને મન ઝાઝા મહત્ત્વનો નહિ. પરિચિતને પોતાની સમ્મતિ આપવાની પ્રક્રિયા જ એમાં વર્તાતી હોય છે. કશાક નૂતનના આવિષ્કારની નહિ. પણ સાચો કવિ તો સમર્થ ભાવકના સહકારથી પોતાની કવિતાની નવી નવી શક્યતાઓને આવિષ્કૃત થતી જોવાનો આનન્દ કશાય અહંકારને કારણે જતો નહિ કરે. આથી જ ઘણા વિવેચકો માને છે કે કાવ્યનો પાઠ દરેક નવા વાચને નવું રૂપ પામે છે. અર્થનું સંક્રમણ કવિતામાં થાય છે એમ કહેવું કેટલાકને મતે એક અપ્રસ્તુત વિગત માત્ર છે. આનન્દવર્ધને ‘હૃદયસંવાદ’ જેવી સંજ્ઞા પ્રયોજેલી તે વધુ યોગ્ય છે.

આપણી જીવવાની પ્રક્રિયાને સમાન્તર એવી ભાષાના વિનિયોગની પ્રક્રિયા ચાલતી આવે છે. ઘણી વાર જીવનના જે સ્તર પર હોઈએ તે સ્તરને વધુ અનુકૂળ એવું ભાષાનું સમાન્તર સ્તર આપણને સુલભ બની રહેતું હોય છે, પણ હંમેશાં એવું બનતું નથી. ઘરને હું કેટલી જુદી જુદી રીતે અનુભવું છું! એક અનુભવ નર્યા ભૌમિતિક આકારનો પણ હોઈ શકે. છતાં એવાય કવિ ક્યાં નથી જેમણે ભૂમિતિના શુષ્ક પડ નીચેથીય કવિતાનાં ઝરણાં વહેતાં કર્યાં છે, સંન્યાસીને ભાષાની ઓછી જરૂર પડે, એ તો એનું ચાલે તો વાણીપ્રપંચમાં પડે જ નહિ. મૌન વ્રત એને પરવડે. પણ મૌન એટલે જેમાં ભાષા નથી એવું શૂન્ય એમ કહીશું તો તે ખોટું લેખાશે. ઘણી વાર મૌન અનુચ્ચારિત અશ્રુત ભાષાથી તસતસતું હોય છે. તમે જીવનની જેટલી વિવિધતા, સંકુલતા, સભરતાનો સમાવેશ કરી શકો તેટલી તમારી ભાષા વિશેની અપેક્ષા પણ વિવિધ. પાણી પીવા જેવી રોજ-બ-રોજની રેઢિયાળ ઘટનાને પણ ભારે આહ્લાદથી વર્ણવતા લોકો મેં જોયા છે. લોકો જાણે પાણીને પણ બોલતું કરી મૂકતાં હોય છે.

આજે ફરીથી એમ કહેવાવા લાગ્યું છે કે ભાષા સૌથી મોટું સંહારક શસ્ત્ર છે. કેમ્યૂને જે ચિન્તા થયેલી તે આ જ કે જગતનાં દુ:ખિયારાં જો પોતાના દુ:ખનું મોંજોણું કરાવનારી ભાષાને પામશે નહિ તો માંધાતાઓ તો આપણને એમ જ મનાવશે કે જગતમાં દુ:ખ છે જ નહિ! આથી લોકો પોતાના દુ:ખનો ચહેરો જોઈને વર્ણવે તે જરૂરી છે. વેદનાના આર્ત ચિત્કારની શક્તિ તો એટલી બધી છે કે નિર્વાણને ઉંબરે ઊભેલા બુદ્ધ ત્યાંથી પાછા વળીને દુ:ખતપ્ત લોકો વચ્ચે આવી ગયા. શબ્દને, દીર્ઘ જગતને ને ઈશ્વરને આપણે ઓળખીએ. આજે તો જ્યાં શબ્દનો જ્યોતિ નથી એવા અસૂર્યલોકમાં કેટલાય માનવીઓ મૂંગા મૂંગા કણસીને જીવી રહ્યા છે.

પવનની સહેજ સરખી લહરી આવે છે. સૌ પ્રથમ પીપળો ને વડ અવનવી બોલી બોલી ઊઠે છે. આમલી આછું મર્મરે છે. બપૈયાં વાતમાં ટહુકો પૂરતાં ડોલી ઊઠે છે. હોજમાંના પાણી પર આછો કમ્પ પથરાઈ જાય છે. આ બધું આન્દોલનના એક સૂત્રમાં પરોવાઈ જતું જોઉં છું ને મનેય એ સમવાયની બહાર રહેવાનું મન નથી. સમ્ભવ છે કે અસાવધતાની, પ્રમાદની, ઘણી ક્ષણો દરમિયાન હું આ આન્દોલનની બહાર ઘણી વાર રહી ગયો હોઈશ, પણ જેઠ આટલો કઠે છે તે છતાં એની મુખરતા વાતાવરણમાં સાંભળું છું ને મને આહ્લાદ થાય છે. ‘એક સત્ વિપ્રા બહુધા વદન્તિ’ – એની આ વૃક્ષો મને પ્રતીતિ કરાવે છે. આંબો, પીપળો, લીંમડો, વડ – આ બધા વિપ્રો એ એકને જ કેવી વિવિધતાથી કહી રહ્યા છે!

17-6-81