પશ્યન્તી/‘ધ લેફટ હેન્ડેડ વુમન’ વિશે


‘ધ લેફટ હેન્ડેડ વુમન’ વિશે

સુરેશ જોષી

ધીમે ધીમે સૂર્ય ફરીથી જગતની રૂપરેખા ગોઠવતો ગયો અને જવનિકા સરી જતાં નટનટીઓ એક પછી એક રંગમંચ પર દેખાવા લાગે તેમ લીમડો, ચંપો, મેદાન – બધું વારાફરતી દેખાવા લાગ્યું. દૃષ્ટિની વિફળતા ધીમે ધીમે ભુંસાતી ગઈ. અરૂપમાંથી રૂપો પ્રગટ થવા લાગ્યાં. બોદા થઈ ગયેલા અવાજોને એમનો રણકો ફરીથી પ્રાપ્ત થયો. હું પુસ્તક ખોલીને બેઠો, પિટર હાન્ડકેની નવલકથા ‘ધ લેફટ હેન્ડેડ વુમન’ની નાયિકા મારી આગળ પ્રગટ થઈ. આશરે ત્રીસેક વર્ષની હશે. મેરીઅન એનું નામ. આવી જ ઠંડીભરી સવારે એ અગાસીમાં ઝૂલતી ખુરશી પર બેઠી છે, પણ એ ઝૂલતી નથી. પાસે એનો દીકરો ઊભો છે. એ મોઢું ખુલ્લું રાખીને એમાંથી નીકળતી વરાળને જોઈ રહ્યો છે. મેરીઅન દૂર તરફ મીટ માંડી રહી છે. એની પાછળની બારીના કાચમાં પડતું પાઇન વૃક્ષોનું પ્રતિબિમ્બ એ ઘડીભર જોઈ રહી છે.

મેરીઅન પોતાની પરિસ્થિતિ વિશે કશું ઝાઝું કહેતી નથી. ભૂતકાળનાં સંસ્મરણો વાગોળતી નથી, એને વિશે બીજાં પાત્રો કહ્યા કરે છે, ‘આનો કરુણ અંજામ આવશે.’ પણ એવું શા માટે થશે તે તો એઓ પણ કહી શકતા નથી. મનને આકર્ષવા માટેની અહીં કશી તદબીર હાન્ડકે વાપરતો નથી. એનું ગદ્ય પ્રાંજલ, ઊમિર્લતાના ભેજ વગરનું અને જાણીજોઈને પાંખું કરેલું છે. લેખકે જાણે ભાષામાંથી બને તેટલી રોમાંચકતાને ભૂંસી નાખવાનો હઠાગ્રહપૂર્વક પ્રયત્ન કર્યો છે.

ટેકરીઓની હારમાળામાંની એક ટેકરીના દખણાદા ઢોળાવ પરની વસાહતમાં એક બંગલામાં મેરીઅન રહે છે. રાસાયણિક ધુમાડાઓવાળું શહેર નીચે રહી ગયું છે. ભૂખરી આંખો અને આછા સોનેરી વાળવાળી આ મેરીઅનને આપણે જોઈએ તો એની આંખ પર આપણી નજર સ્થિર થઈ જાય છે. એ કોઈ તરફ નથી જોતી હોતી ત્યારે પણ એ આંખોમાં એક ઝબકારો દેખાય છે. ત્યારેય એના મુખ પરના ભાવ સહેજેય બદલાતા નથી. ચીનાઈ માટીનાં વાસણોનો વેપાર કરનાર પેઢીના મેનેજરને એ પરણી છે. એના પતિને વારે વારે ધંધાર્થે બહાર જવાનું થાય છે. વાર્તા શરૂ થાય છે, ત્યારે કેટલાંક અઠવાડિયાંથી સ્કેન્ડેનેવિયાની સફરે ગયો છે.

પેલી પરીકથામાંના શાપને કારણે દીર્ઘકાળ સુધી નિદ્રામાં પોઢેલી રાજકુંવરી જેવી એ છે. આટલો સમય પતિ સાથે એણે વિતાવ્યો છે તે એના એકધારાં સુખ અને સામાન્યતાને કારણે જાણે દીર્ઘ કાળની નિદ્રામાં જ પસાર થયો છે. આઠ વર્ષનો દીકરો પણ છે. ત્યાં એ દીર્ઘ નિદ્રામાંથી સફાળી જાગી ઊઠે છે. એનો આ સંસાર એને સ્વપ્નમાંના ઓથાર જેવો લાગે છે. આ અનિચ્છનીય છતાં આવી પડેલી સભાનતા એનામાં ગાંઠની જેમ વધતી જાય છે. હાન્ડકે એથી થતા ફેરફારો કોઈ નિષ્ણાત તબીબની જેમ તપાસીને વર્ણવે છે. મેરીઅન હવે સપ્રશ્ન દૃષ્ટિથી પોતાનું જગત જુએ છે, ભવિષ્યની સમ્ભવિતતાઓને તપાસે છે. બધું એના હાથમાંથી સરી જાય છે ને ઉન્માદનું રૂપ ધારણ કરતું લાગે છે. એ પતિને છોડી દે છે. આ એકલતામાંથી ભાગી છૂટવાને બદલે એ કંઈક સન્તોષથી આ એકલતામાં સ્થિર થતી જાય છે. એની આજુબાજુ વિસ્તરતા નિ:સ્તબ્ધતાના અવકાશને એ જોઈ રહે છે. દીવાનખણ્ડમાંના દર્પણ આગળ ઊભી રહીને એ એના વાળ સરખા કરે છે. પોતાની આંખો સામે જુએ છે અને બોલે છે. ‘તેં તારી જાતને છતી કરી દીધી નથી; હવે કોઈ તારી અવમાનના નહિ કરી શકે.’ છૂટા પડ્યા પહેલાં એના પતિ બ્રુનોએ કહ્યું હતું, ‘આ બધું તું મજાકમાં લેતી લાગે છે. આપણી વચ્ચે એક વાર ઘનિષ્ઠતા હતી. એ આપણે પતિપત્ની હતાં એ કારણે કદાચ હશે, પણ એને અતિક્રમીને એ ખૂબ આગળ વધ્યો હતો એ શું તને યાદ નથી આવતું?’ મેરીઅન આનો કશો જવાબ આપતી નથી. બારણું વાસી દે છે અને બંધ બારણા પાછળ ઊભી રહી જાય છે. બ્રુનોની કાર ચાલી જાય છે એનો એ અવાજ સાંભળે છે. બારણા પાછળના વોર્ડરોબ તરફ એ જાય છે અને એમાંનાં વસ્ત્રોમાં પોતાનું મોઢું છુપાવી દે છે. સાંજ ઢળતી જાય છે, પણ એ દીવા પ્રગટાવતી નથી. ટેલિવિઝનના સ્ક્રીનને જોતી બેસી રહે છે. વસાહતના ક્રીડાંગણને એમાં જોઈ રહે છે. એમાં એ પોતાના દીકરાને ઝાડના થડ પર સમતુલા જાળવીને ઊભા થવાનો પ્રયત્ન કરતો જુએ છે. એનો સ્થૂળકાય મિત્ર સમતુલા જાળવતો નથી ને વારે વારે પડી જાય છે. એ બે સિવાય પટાંગણમાં બીજું કોઈ દેખાતું નથી. આ વેળાએ એ નારીની આંખો આંસુથી ચમકી ઊઠતી દેખાય છે.

આ લઘુનવલ ભાગ્યે જ અઠ્યાસી પાનાંની છે. પણ એની ‘સ્પેસિફિક ગ્રેવીટી’ મોટી છે તેનો વાંચતાં જ અનુભવ થાય છે. ભાષાની મર્યાદાને ઓળખીને લેખક એની સાથે ભારે ખંતથી અને અદબપૂર્વક વર્તે છે અને ભાષાને અતિક્રમીને જે રહ્યું છે તેના તરફ ઈંગિત કરે છે. ભાષા વિશે હાન્ડકે વિટગેન્સ્ટાઇનની વિચારણાથી પ્રભાવિત છે. આ લઘુનવલની ભાષામાં એ પ્રભાવ વર્તાય છે. માત્ર વિચાર પર જ નહિ, શૈલી પર પણ. વિટગેન્સ્ટાઇને ‘ટ્રેક્ટસ’માં કહ્યું હતું, ‘જેને વિશે આપણે કશું કહી શકતા નથી તેને વિશે મૌન સેવીએ તે જ ઉચિત’, હાન્ડકે વાસ્તવિકતાની દૃઢ રેખાઓ તરફ આંગળી ચીંધતો હોવા છતાં જેને વિશે આપણે બોલી શકતા નથી તેની છબિને ઉપસાવી આપવા તો મથે જ છે.

આમાં કાફકાની આદિમ આન્તકની અનુભૂતિ સાથે વિટગેન્સ્ટાઇનની ભાષાવિષયક અપરિગ્રહની ભાવનાનો સમન્વય સાધવાનો પ્રયત્ન થયો છે. ચીસો પડાવી નાખે એવી પરિસ્થિતિ વચ્ચે જઈને ઊભા રહેવું અને ભાષા પરત્વે અત્યન્ત સંયમી રહેવું આ અઘરો પડકાર હાન્ડકેએ ઝીલ્યો છે. ઘટના લેખે એના વસ્તુનું કશું મહત્ત્વ નથી. એમ તો ઇબ્સનની નોરા બારણું પછાડીને ઘર છોડીને બહાર નીકળી ગઈ જ હતી છતાં સન્દર્ભ રચવો, એને અનુરૂપ વાતાવરણ ઊભું કરવું, વ્યક્તિત્વને સાકાર કરવું, ભાષાને આ બધાંને અનુકૂળ રીતે પલોટવી – ટૂંકમાં સૃષ્ટિ રચવી. એનો આનન્દ જ આખરે તો સંતર્પક નીવડે છે.

પાંખું વસ્તુ લઈને કામ કરીએ તો કળાની શક્તિનો પરિચય કરાવવાની વધુ ગુંજાયશ રહે છે. જેને આપણે સાવ સામાન્ય કે રેઢિયાળ કહીએ છીએ તે જ જો દૃષ્ટિ હોય તો, અસાધારણની મંજૂષા બની રહે છે. ઘરમાં ઘડિયાળનું બંધ પડી જવું એ પણ છેક કાઢી નાખવા જેવી ઘટના નથી. હાથમાં લઈને ચોળીએ છીએ તે સાબુનો સ્પર્શ પણ અનેક જાતના સ્પર્શસંવેદનોની હારમાળામાં પરિણમે છે. આમ હું તો દરેક સામાન્ય કે રેઢિયાળને પણ ઉપેક્ષિત ગણવા તૈયાર નથી. આથી જ તો આપણું ઘણું ઉત્તમ સામાન્યના છદ્મવેશે આપણી આંગળીઓ વચ્ચેથી સરી જતું હોય છે.