પુનરપિ/લંડન ઉપર પાછળથી મૂકેલી બારી

Revision as of 07:04, 26 August 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લંડન ઉપર પાછળથી મૂકેલી બારી|}} <poem> બારી હોય તો શાંતમ્ | સુદૃષ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


લંડન ઉપર પાછળથી મૂકેલી બારી

બારી હોય તો શાંતમ્ |
સુદૃષ્ટા બારી હોય તો શિવમ્ |
ભીતર જુઓ કે બહાર
દીર્ધદૃષ્ટ દેતી બારી હોય તો
સુંદરમ્ | અહોભાગ્યમ્ |

દેવદારના ચોકઠે બેસી હું
પેખું અનંતકાળની ઉથલાતી રેતના
સ્તન જેવા ઢગલાઓ વચ્ચે
ઘડિયાળોનાં છૂંદણાં.

પણ આજે કોની બારી વાપરું
(મારી કે સુંદરાની?)
નીચે પ્રસરતી નગરી જોવા?
લંડન આવી પૂગ્યું વિમાન.
નગરીના દીવાઓ વચ્ચે,
વાંકીચૂંકી ગલીઓના પડછાયા હેઠળ
વરાળવું વેતાળ થયું જે અપમાન.

આ શહરમાં ભણતી બાલિકા
પત્ની મારી થતાં પહેલાં.
પ્રથમ ચિત્ર નગરીનું મારું
તેની આંખે, તેનાં સ્મરણોએ વ્હેલાં.
ઓશીકું સાક્ષી છે એના
રંગોનું, વર્ણનોનું, મુગ્ધ અબોટ મનનોનું:
નગરનું આંતરમાનસ વણતા
ટ્યુબી તાણા—વાણા જાણ્યા,
પણ ન પૂગી બાહ્ય કાયને પાદર;
એ પાદર વિનાનો પ્રાંત.
બીજું ઘણું ઘણું સાંભળી
ઓશીકે થયો હું શાંત.

અધિકાર છે મને વાપરવાને
પરણેતરમા કૌમાર તણો એ ગોખ
લંડન નગરી જોવા કાજે?
હિન્દુ લગ્ન ભવોભવ માટે, સાચું!
પણ ભૂત ઉપર સૌ શાસ્ત્રો ઊભાં મૂક
(જાણી જોઈને? થઈ ગઈ સરતચૂક?).
અધિકાર ખરો કે પતિને
કુંવારી બારી કામગરી કરવા,
નીચાં નગર નીરખવા?
જોઈ શકું નગરીને એ આંખે
જેણે ત્યારે
મુજને હૂંફ્યો ન્હોતો પાંપણની પાંખે?

કેમ નહિ? કેમ નહિ?
યોગ એટલે છીનવી લેવું,
અપહરણ પ્રગતિનું ઉદાહરણ,
લગ્ન એટલે કુંવારા
સ્મરણ તણુંયે હરણ.

ગ્રાસમિયર
16-4-’60