પુનશ્ચ/અંતે તમે હાર્યા

અંતે તમે હાર્યા

આરંભથી જ મેં તો તમને ન્હોતા વાર્યા ?
પણ ત્યારે તમે મારું માન્યું નહિ,
તમે તો બસ જે ક્હો, જે કરો તે જ સહી;
ત્યારે મેં તમને આવા ન્હોતા ધાર્યા.

જ્યારે મેં કહ્યું, ‘બહુ સાંકડી છે આ પ્રેમગલી,
એમાં શક્ય નથી એકસાથે આપણે બે જણે જવું,
અશક્ય છે એમાં પાર થવું,
એ ક્યારેય ક્યાંય કોઈનેય નથી ફળી.’
ત્યારે તમે માન્યું હું તમને હસી રહ્યો,
તમારાથી દૂર ખસી રહ્યો,
ત્યારે તમે આંસુ સાર્યાં.

જ્યારે મેં કહ્યું, ‘આ પ્રેમે તો કેટલાયને માર્યા.’
ત્યારે તમે માન્યું કે તમને ક્યાં કોઈ ભય છે.
‘ચેતો !’, મેં કહ્યું, ‘હજુય સમય છે.
આ પ્રેમે ક્યારેય ક્યાંય કોઈનેય નથી તાર્યા.
હવે નક્કી કરો મરવું છે કે મરવું નથી ?’
ત્યારે તમે માન્યું, ‘આપણે હવે કશું કરવું નથી.’
ત્યારે અંતે તમે હાર્યા.

૨૦૦૬