પુનશ્ચ/એંશીમે

એંશીમે

ચાલીસ વર્ષ થયાં’તાં ત્યારે
ઘરના કબાટમાં ને ટેબલમાં,
પેટીમાં ને પટારામાં
ને છાજલીમાં ને માળિયામાં
જે કૈં હતું
કામનું ને નકામનું —
ચિઠ્ઠીઓ, ચબરખીઓ,
કાપલીઓ, કાગળિયાં,
પત્રો, નોંધો,
કવિતાની હસ્તપ્રતો સુધ્ધાં —
બધું અગ્નિને અર્પણ કર્યું હતું
ને અતીતનું તર્પણ કર્યું હતું.

એંશી વર્ષ થયાં ત્યારે
મનના ખૂણે ખૂણામાં,
ચિત્તના સ્તરે સ્તરમાં
ને હૃદયના કોષે કોષમાં
જે કંઈ છે
સારું ને નરસું —
રાગ, દ્વેષ,
ગમા, અણગમા,
તિરસ્કાર, પુરસ્કાર,
હર્ષ, શોક —
એ બધું આજે હવે વિસ્મરું
અને અનાગતનું સ્વાગત કરું.

૨૦૦૬