પુનશ્ચ/કાચના ઘરમાં

From Ekatra Wiki
Revision as of 00:28, 29 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કાચના ઘરમાં

ક્યારનો કહું છું કે તમે કાચના ઘરમાં વસો છો.
તમારું ઘર ઈંટ, માટી ને પથ્થરનું ઘર નથી.
શું એનો તમને ડર નથી ?
તમે તો હસો છો !
તમે ક્યાં સુણો છો ?
તમે તો બસ ધૂણો છો.

સૂરજનાં કિરણ કાચની ભીંતોને ભેદીને,
ક્યાંય કશુંય નહિ છેદીને,
કાળી ભોંય અને ધોળી છતને સોનેરી રંગે લીંપે,
તમારો ખંડ ઝળહળતો દીપે;
તમે સવાર સાંજ એનો તાજો તડકો ઓઢો,
તમે રાતભર મશરૂ-મખમલમાં પોઢો;
એથી તમે માનો છો તમે હેમખેમ છો,
સદાયને માટે તમે એમના એમ છો.
તો તમે ભૂલો છો,
તમે ભ્રમમાં ફાલો-ફૂલો છો.
ફેંકી જુઓ તો થોડાક જ પથ્થરો,
પછી જુઓ ! કાચની ભીંતો તો નહિ હોય,
પણ નહિ હોય ધોળી છત અને કાળી ભોંય,
તમારી આસપાસ હશે કેવળ કાચની કચ્ચરો.
તેથી તો ફરીથી કહું છું તમે કાચના ઘરમાં વસો છો.
તમે નહિ સુણો, હજુ તમે તો બસ હસો છો !

૨૦૦૬