પુરાતન જ્યોત/નિવેદન

From Ekatra Wiki
Revision as of 09:33, 8 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} સુલભ મેઘાણી સાહિત્ય' યોજનાનો પહેલો પુસ્તક-સ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન

સુલભ મેઘાણી સાહિત્ય' યોજનાનો પહેલો પુસ્તક-સંપુટ લેખકની ૨૮મી પુણ્યતિથિએ પ્રગટ થાય છે. ‘તુલસી-ક્યારો', ‘પ્રતિમાઓ' અને ‘પુરાતન જ્યોત' એ ત્રણ પુસ્તકોનો આ સંપુટ અગાઉથી ગ્રાહક બનનાર સાતેક હજાર વાચકોને દસ રૂપિયાની કિંમતે આપી શકાયો છે. યોજનાના બીજા તબક્કા રૂપે, પ્રકાશન પછી દોઢેક મહિના સુધી (૩૦ એપ્રિલ, ૧૯૭૬ સુધી) એ રૂ. ૧૨માં મળશે; એ પછી છાપેલી કિંમતે (રૂ. ૨૧માં) વેચાશે. બિન-ધંધાદારી ધોરણે આ પ્રકાશન થતું હોવાથી અને વહીવટી અને બીજી કરકસરને કારણે આટલી ઓછી કિંમતે આ પુસ્તકે આપી શકાય છે. (દા.ત. ત્રણેય પુસ્તકોનાં મળીને મૂળ લગભગ ૭૭૦ પાનાં હતાં, પણ છાપકામમાં કરકસર કરવાથી – પણ એક પણ શબ્દની કાપકૂપ વિના પાનાંની સંખ્યા પાંચમા ભાગ જેટલી ઓછી થઈ છે.) આ વખતના અનુભવે વિચાર આવ્યો કે આગોતરા ગ્રાહકો નોંધવાનું ખરચાળ તંત્ર ચલાવવું (અને આગોતરા ગ્રાહકોને બે-ત્રણ મહિનાની રાહ જોવરાવવી) તેને બદલે પુસ્તક તૈયાર કરીને જ આટલી ઓછી કિંમતે વેચાણમાં મૂકી દીધાં હોય તો? એમ કરવા માટે ઓછા વ્યાજની લાખેક રૂપિયાની મૂડીની જોગવાઈ થઈ જશે તો હવે પછીના સંપુટો એ રીતે બહાર પાડવાની ધારણા છે. દૂરના અને સમીપના, પરિચિત અને અણજાણ એવા અનેક મિત્રોએ અને આપણી કેટલીક ઉત્તમ શિક્ષણ-સંસ્થાઓના આચાર્યોએ ઠેરઠેરથી આ યોજનાને ઉમળકાથી આવકાર આપ્યો છે અને પોતાની આસપાસનાં કુટુંબોમાં આ યોજનાનો લાભ પહોંચે એમાં એ નિમિત્ત બન્યા છે, એનો અનુભવ સ્પર્શી જાય એવો છે. એ સહુનો અહેસાન પણ કેમ કરી માનવો? – કારણ કે આ કામને તો એમણે પિતાનું જ ગણીને અપનાવી લીધું છે. એ સહુનો સદ્ભાવ માથે ચડાવીએ છીએ. પ્રસ્તાવના

‘સોરઠી સંતો” ઘણાં વર્ષો પર પ્રગટ કરવા ધારેલું. તે પછી પ્રગટ કરવા ધારેલી ઢગલાબંધ સંતસામગ્રી મારા જીવનનો પ્રવાહ અન્ય અનેક માર્ગે ફંટાતાં આજ સુધી રજોટાતી રહી. સંત-સાહિત્યના પ્રેમીજનોને તેમ જ ‘મિસ્ટિસિઝમ' (ભક્તિનો મર્મવાદ) ભણવાની નવી ઊગી નીકળેલી દ્રષ્ટિવાળા અભ્યાસીઓને ઉઘરાણી કરતા રાખવા પડ્યા. આજે પાછા તૂટેલા ત્રાગડા સંધાય છે, ને ત્રણ સંત-વાતો પ્રગટ થાય છે. 

પહેલી વાત સંત દેવીદાસની, થોડો ખુલાસો માગે છે. કંઠોપકંઠ સચવાતી આવેલી એ વાર્તામાં થોડાંક પાઠાન્તર છે: ગિરનારથી દસ-બાર કોસ પર એકલવાયા ઊભેલા એ પરબ-વાવડીના થાનકમાં હું ગયો હતો ને ત્યાંનાં સ્ત્રી-મહંત શ્રી ગંગામાઈથી જાણ્યું હતું કે- મૂળ અહીં સરભંગ ઋષિનો આશ્રમ. ઋષિ કોઢિયા હતા. રામાવતાર સુધી વાટ જોવાની હતી. પછીના કાળમાં આ થાનકનો અહાલેક-શબ્દ હતો : ‘સંત સરભંગ! લોહીમાંસકા એક રંગ!' પછી આ પડતર થાનકને ચેતાવ્યું કચ્છી ડાડા મેકરણે (જેની કથા અહીં મૂકેલ છે). એના વખતમાં ઝોળી ફરતી. એના જ કાળમાં અમૂલાબાઈ નામનાં એક સાધ્વી સાથે જસો (રબારી) ને વોળદાન (કાઠી) આવ્યા. મક્કેમદીનેથી લાવેલી આંબલીનું એમણે દાતણ રોપ્યું. જગ્યાનું ડીંટ બંધાયું દેવીદાસથી. દેવીદાસ રબારીના દીકરા. ગિરનારના થાનક રામનાથમાં જોગી જેરામભારથી રહેતા. નજીકમાં રબારીઓ નેસ નાખીને પડેલા. દેવીદાસ જન્મ્યા કહેવાય છે જેરામભારથીના વરદાને કરી. પછી દેવીદાસ આ જગ્યાનો ટેલવો બન્યો. દેવીદાસ ગોબર ઉપાડતા, નારણદાસ ભંડાર કરતા. પરિપક્વ કાળે ગુરુએ અરધો રોટલો નારણદાસને આપી કહ્યું: ‘જા ઉત્તર તરફ, ભૂખ્યાંને દેજે' (આજ પણ ​એ ખાખીજાળિયાની જગ્યામાં આખો રોટલો નહીં, પણ બે ટુકડા કરીને જ પીરસાય છે.) દેવીદાસને ગુરુએ ટુકડો જ દીધો : ‘જા, ટુકડા જ દેજે.” (આજ પણ પરબની જગ્યામાં ટુકડા પીરસાય, આખો રોટલો નહીં.) અમરબાઈ મૂળ ડઉ સાખનાં મછોયા આયર, રહીશ પીઠડિયાનાં; જોબન અવસ્થા, પણ સંસારભાવ નહીં; સાંભળ્યું કે બીલખાના કાઠીઓમાં પોતાનો ગળ ખવાય છે (વેવિશાળ થાય છે) : સાંભળતાં જ ભાગ્યાં, દેવીદાસ પાસે આવ્યાં. મારી વાર્તામાં પ્રસંગ બીજી રીતે બનેલો આલેખ્યો. તે પણ લોક-વાણીની વાત છે. બીજો મોટો ફરક મારી એ વાર્તામાં ઈરાદાપૂર્વક પાડેલો છે. એક તો મેં રત્નેશ્વરના સમુદ્રનો પ્રસંગ વાર્તાના ઉઠાવ માટે મૂક્યો છે. હજુ પાંચ જ વર્ષ પર રત્નેશ્વર જઈ મેં જાણેલું એ સત્ય છે કે ત્યાં કોઢિયાંને લોકો સાગર-સમાધ લેવરાવે છે. એક કિસ્સો તો ત્યારે પંદર જ દિનનો તાજો હતો. દેવીદાસના આલેખનમાં એ પ્રસંગનું કલ્પના-સર્જન જ છે. પણ રક્તપિત્તિયાંની સારવાર અને એમને હાથે થતું અન્નનું પિરસણ એ તો હકીકત છે. કથા પર મેં એક નવો પ્રયોગ અજમાવ્યો છે. કંઠોપકંઠ સચવાયે આવતા પરચાને, એટલે સંતોના દેવતાઈ ચમત્કારને, જાતીય વિદ્યાની કોઈ એક ‘ફિનોમિનન’ – પ્રક્રિયા તરીકે ઘટાવવાનો આ એક પ્રયોગ છે. દાખલો આપું : મૂળ લોકકથામાં બન્યાનું કહેવાય છે કે, સંત દેવીદાસે અમરબાઈને અને શાદુળ ભગતને એક દિવસ પોતાની પાસે બોલાવ્યાં, અને કહ્યું કે બાપ, તમે બંને જુવાન છે, લોકમાં તમારી વાતું થાય; માટે લે, હું એ વાતોનું થડમૂળ જ ન રહે તેવું કરી આપું. એમ કહી પોતે એ બંનેનાં ગુહ્યાંગો પર હાથ ફેરવી દીધો. બંનેના જાતીય અવયવો શરીરમાં સમાઈ ગયા. પરચા પ્રત્યેની મારી શ્રદ્ધા કે અશ્રદ્ધા ચર્ચવાનો આ પ્રસંગ નથી. એની યૌગિક કીમિયાવિદ્યામાં મેં ડોકિયું સરખુંય કર્યું નથી. એની આટલી ઈતિહાસ-કણિકા પડી હતી : કે અમર અને શાદુળ બેઉ જવાન હતાં : લોકોએ કદાચ ગિલા કરી પણ હોય: સંત દેવીદાસને એ બીક ​પણ લાગી હોય. જાતીય આકર્ષણ જેવી સર્વને સહજ ઊર્મિ તરફ શાદુળ અને અમર જેવાં માટીનાં માનવીઓ ઢળવા લાગ્યાં હોય તો પણ શી નવાઈ! શો આઘાત! ઘણાં ઢળ્યાં છે. અનેકની અંતર-અથડામણ ઇતિહાસમાં અંકિત છે. આશ્રમો, મઠો, મંદિરો કે આલયો, કોઈ તેમાંથી મુક્ત રહ્યાં નથી. જાતીય આકર્ષણની ઊર્મિના આઘાતોને પરચાના ભભકા પહેરાવવાના કરતાંય વધુ તો એનો જાતીય દૃષ્ટિએ ઉકેલ કલ્પું તો ઠીક, એમ વિચાર્યું. એ મેં અહીં કલ્પેલ છે. અમરબાઈના હૈયામાં મેં સંતાન-ઝંખના મૂકેલ છે. પણ કૂખ ફાડીને આવનારું સંતાન એ જ એકલું કંઈ સંતાન નથી. નારી તો જણી જાણે છે જૂજવી જૂજવી રીતે. એ જન્માવી જાણે છે સંગીતરૂપે, સૌન્દર્યરૂપે. લલિત કલાના કોઈ પણ એક અંશનો બીજાના જીવનમાં આવિર્ભાવ કરાવીને નારી-હૃદય પોતાનું વાંઝિયાપણું ફેડે છે. મેં ઘટાવ્યું કે અમરે શાદુળની અંદર સંતાન-સ્નેહનું આરોપણ કર્યું. પણ શાદુળે એને અન્યથા ઉકલ્યું. મેં શાદુળની આત્મોન્નતિના પંથ અતિ કારમા કરી મૂક્યા છે. મેં એનો મદ ભંગાવ્યો છે. મેં એને સંશયગ્રસ્ત કરી કરી બહુ સંતાપ્યો છે. એના દૈવતની સખત ખબર લઈ નાખી છે. કારણ કે મારે એને દિવ્ય નહોતો બનાવવો. વૈરાગ્યના સાધનાપંથ પર અંગારા ઝરે છે. કસોટીથી રહિત સસ્તા વૈરાગ્યને પામનાર કાં જન્મથી જ જોગી હોય, ને કાં નિસ્તેજ, નિવીર્ય હોય. શાદુળ ભગતને મારે એવા નહોતા કરી મૂકવા. એને મેં મૃત્યુમાં પણ એકલતા ભોગવતા બતાવ્યા છે. એ તો છે મૂળ લોકકથાનો જ અંશ. એમને ભેળી સમાધ લેવા નહોતી આપી. શા માટે નહીં? કારણ ગમે તે હો, પણ અમરબાઈને સંત દેવીદાસે સાથે સમાવા તેડી લીધાં, તેનું તો કારણ પણ મેં પ્રચલિત લોકકથામાંથી પકડ્યું છે : ‘અમર, બાપ, હજુ તારી અવસ્થા થોડી છે, તું અજવાળી તોય રાત છો,’ એ શબ્દોની અંદર શાદુળ પ્રત્યેનો ગુરુનો ભય ડોકિયું કરે છે કે નહીં? આ વાર્તામાં કલ્પનાના સંભાર પૂરીને લાંબી કથા કરી નાખવાનો મારો મોહ આટલા માટે જ જન્મ્યો, કે હું એને મનોરાજ્યની કથા કરી શકું તેવા અંશો એમાં પડેલા છે. મનોવ્યાપારને રમવાની વિશાળ લીલાભૂમિ મેં આ વાર્તામાં નિહાળી. એક વૃદ્ધ, એક યુવક ને એક યુવતી – ત્રણે પાછાં પોતપોતાની રીતે જુદેરાં –– એક જ ઠેકાણે એકત્ર મળે, ને મોકળા ​જીવનનો પટ ખૂંદે, ત્યારે હજાર હજાર ઊર્મિ-આવેશની ત્યાં રેખાઓ આલેખાઈ જાય. હું તો બીતો બીતો એ ઊર્મિભોમના દ્વાર પરથી જ પાછો વળ્યો છું. ડાડા મેકરણની કથા જેવી મળી તેવી સીધેસીધી કહેવાઈ છે. મેકરણની સાખીઓ કચ્છી બોલીમાં છે. તેને શુદ્ધ કરી દઈ અર્થો આપનાર કચ્છી લોકસાહિત્યના સંશોધક કવિ શ્રી દુલેરાય કારાણીનો હું ઋણી છું. જેસલ-તોરળના કથાપ્રસંગમાં બરાબર લોકવાણીને અનુસરેલ છું. વહાણ ડૂબવાની ઘટના ઘણાના માનવા મુજબ સાચેસાચ બની નથી પણ માત્ર રૂપક છે. એક સમસ્યા ઊભી જ રહી છે : જેસલ-તોરલ દંપતીભાવે રહ્યાં હતાં કે નહીં? મેં એ વાતની છેડતી કરી નથી. મૃત્યુને માંડવડે, છેલ્લી સમાધ વેળા જ એમણે લગ્ન સાધ્યું, એ મુદ્દો મને ભજનમાંથી જડ્યો છે, ને એની ભવ્યતા સચવાય માટે મેં તોળલના ગર્ભને કાઠી પતિનો જ લેખાવ્યો છે. જેસલ-તોળલ વચ્ચે જાતીય ભાવ, મને લાગે છે કે, ‘સબ્લિમેટેડ’ –– ઉન્નત બની રહ્યો હતો. અલખને – નિરાકારને કેવળ જ્યોતરૂપે જ આરાધનારા આ રસિક ત્યાગીઓનું સંગીતપ્રેમી, નૃત્યપ્રેમી, મોતને પણ નૃત્ય-સંગીતના બળે હંફાવતું તેમ જ ભેટતું ઊર્મિ-જીવન મને વહાલું લાગ્યું છે, તે લોકકથાઓએ તેમ જ લોકભજનોએ મારા અંતઃકરણ પર એ જેવું અંકિત કર્યું તેવું જ મેં આલેખ્યું છે. પુરાતન જ્યોતના ભેદી વાતાવરણ વચ્ચે પેસીને જ મેં તેમના ઊર્મિ-ધબકારા પકડ્યા છે. તેઓ મોક્ષે કે સ્વર્ગે ન પહોંચ્યાં હોય, તો પણ તેઓને સંતો માનું છું. [બીજી આવૃત્તિ] જરૂરી શુદ્ધીકરણ કરવા ઉપરાંત આ આવૃત્તિમાં મોટો ફેરફાર કર્યો નથી. જેસલ-તોરલની કથામાં છેલ્લે જે જેસલને અને તોરલને જુદાં પડવાનો પ્રસંગ છે તેમાં મેં ભૂલથી એવું લખેલું કે વાયક તો એકલું તોરલને જ આવેલું; જેસલને અમુક મંડળમાં જવાનો અધિકાર ન હોઈ તે ​ઘરે રહેલા. આ દોષ પ્રત્યે તળાજાવાળા ભાઈ રતિલાલ કેશવજીએ પાંચ વર્ષ પર મારું ધ્યાન ખેંચેલું, તે મુજબ આ વખતે સુધારો કર્યો છે. એ ભાઈનો આભાર માનું છું. આ આવૃત્તિ થઈ રહી છે તે વખતે આપણી સંત ભજનવાણીના બહોળા પ્રદેશનું સંશોધન-સંપાદન મેં મારા હાથ પર લીધું છે. લોકસાહિત્યની દુનિયાનો આ છેલ્લો અને સર્વોત્કૃષ્ટ વિભાગ છે. એનો સંગ્રહ પુસ્તકાકારો વેળાસર પ્રકટ થશે. અત્યારે એની પ્રસાદી હું ‘ફૂલછાબ' સાપ્તાહિકમાં પીરસતો રહું છું. એકંદરે લોકવાણીની આટલી સામગ્રી હું ગુજરાત પાસે રજૂ કરી શકયો છું : સ્ત્રીગીતો: ‘રઢિયાળી રાત'ના ચાર ખંડોમાં, ‘ચુંદડી'ના બે ખંડોમાં. ‘હાલરડાં'ના એક ખંડમાં. પુરુષગીતો ‘સોરઠી ગીતકથાઓ'માં, ‘ઋતુગીતો'માં. વ્રતસાહિત્ય: ‘કંકાવટી'ના બે ખંડોમાં. કથાસાહિત્ય : ‘સૌરાષ્ટ્રની રસધાર'ના પાંચ ખંડોમાં, ‘સોરઠી બહારવટિયા'ના ત્રણ ખંડોમાં, ‘દાદાજીની વાતો'માં, ‘રંગ છે બારોટ'માં. સંતચરિત્રો ને સંતવાણી : ‘સોરઠી સંતોમાં, પુરાતન જ્યોત માં અને આગામી ભજનસંગ્રહોમાં.[૧] વિવેચન : ‘લેકસાહિત્ય', ‘ધરતીનું ધાવણ', ‘ચારણો અને ચારણી સાહિત્ય', ‘લોકસાહિત્ય — પગદંડીનો પંથ' એટલાં પ્રકટ છે; મુંબઈ યુનિવર્સિટીનાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો છપાવાં બાકી છે. [૨]

૧. ‘સોરઠી સંતવાણી' નામે આ ભજન-સંગ્રહ ૧૯૪૭માં પહેલો બહાર પડ્યો. ૨. આ વ્યાખ્યાનો ‘લોકસાહિત્યનું સમાલોચન' એ નામે હવે પુસ્તકાકારે પ્રાપ્ય છે. ઉપલા સર્વની ઉપર નવો જ પ્રકાશ પાડે તેવો એક પ્રયાસ એ ‘ટાંચણપથીનાં પાનાં' એ મથાળા નીચે ‘ઊર્મિ' માસિકમાં શરૂ કર્યો છે. લોકસાહિત્યના સંશોધનનાં છેલ્લાં ૨૨–૨૩ વર્ષો દરમિયાન મેં , જે ટાંચણ કર્યા છે, તેના આધારે મારા સંશોધનનો ઇતિહાસ લખી રહ્યો. છું. કઈ વસ્તુ મને ક્યારે ને કેવા સંજોગોમાં મળી, મને ભેટેલાં એ ​સ્ત્રીઓ-પુરુષો કોણ કોણ હતાં, ક્યાં ક્યાં મેં પરિભ્રમણ કર્યું, તૈયાર કરેલી સામગ્રીનો કાચો માલ મને કેવા સ્વરૂપમાં સાંપડેલો અને મારા રુચિતંત્ર-ઊર્મિતંત્રને રસનાર પાત્રો તેમ જ પ્રસંગો કયા હતા, તેની એક શૃંખલાબદ્ધ સુદીર્ઘ કથા બનશે, અને શોધક પંડિતોને તેમ જ રસિકોને બેઉ વર્ગોને એ નેપથ્યદર્શન ખપ લાગશે.[૧] ૧૯૪૫ ઝ. મે.

૧. ટાંચણપોથીના આ પાનાં બે પુસ્તકરૂપે બહાર પડ્યાં છે ; ‘પરકમ્મા' અને ‘છેલ્લું પ્રચાણ'.