પુરાતન જ્યોત/૧૫


[૧૫]


અહીં આવ્યા પછી શાદુળને કંઈક ને કંઈક ગાવાનું દિલ થઈ આવતું. પ્રથમ તો એ છૂપો છૂપો ગુંજારવ કરતો :

માનસરોવર હંસો
ઝીલન આયો જી!

એ ભજન-પંક્તિ એને પ્યારી હતી. કૂવામાંથી પાણી ખેંચતી વેળા એ ગાન એને વિરામ લેવરાવતું, સ્ફુરણા દેતું, ખેંચાતી ગાગરને, ભુજાઓની પેશીઓને, બિન્દુ બિન્દુ રુધિરને, આખા દેહના રોમેરોમને તાલબદ્ધ છંદની રમતે ચડાવતું. જલભરનની ક્રિયા કવિતામય બની જતી. અમરબાઈનો તો નારી-આત્મા હતો. કવિતાના સૂર એને જગ્યાની દિનચર્યા કરતાં વિશેષ ગમવા લાગ્યા. વાસીદું કરતી એ સાવરણી પર શરીર ટેકવીને થંભી રહેતી. કૂવાકાંઠે જાણે કે સ્વરોની કૂંપળો ફૂટતી :

માનસરોવર હંસો
ઝીલન આયો જી!

પોતે પણ ઝીણા કંઠે ઝીલતી :

માનસરોવર હંસો
ઝીલન આયો જી!

કૂવાકાંઠે વધુ બોલ, વધુ પ્રબલ બોલ ફૂટતા :

વસતીમેં રેના અબધૂત!
માગીને ખાના જી.
ઘર ઘર અલખ જગાના મેરે લાલ!
લાલ મેં તો જોયું તખત પર જાગી.– માન૦

શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો લેખાય. મીરાંએ, નરસૈયાએ, કંઈકે પ્રભુને રાગ વાટે સાધ્યો છે. સંતે તે દિવસે દેહને શા માટે તોછડાઈથી વર્ણવ્યો? કાયાની અંદર તો કેવી કેવી વિભૂતિ મૂકી છે કિરતારે! સારું થયું કે શાદુળ ભગત રક્તપીતિયાંની સેવામાં ન ગયા. હું એના હૈયાના ગાનને પંપાળી બહાર લાવીશ. મુક્તિપંથની સીડી એના કંઠમાંથી મંડાશે. શાદુળને કાને સંભળાય તેવી રીતે પોતે સૂર પુરાવતાં થયાં :

ઇંદરીકા બાંધ્યા અબધૂત!
જોગી ન કે' ના જી!
જબ લગ મનવા ન બાંધ્યા મેરે લાલ!.
લાલ મેં તો જોયું તખત પર જાગી. — માન૦

આ પદનો અર્થ સમજવાની જરૂર નહોતી. એના બોલની અને એના ડોલન્તા ઢાળની મસ્તી શાદુળના દેહ-પ્રાણમાં પ્રસરતી ગઈ. ધીરે ધીરે ખીંટી પર ટીંગાતો તંબૂરો નીચે ઊતર્યો. એની રજ ખંખેરાઈ, રઝળતા મંજીરા એકઠા થયા. એને દોરી બંધાઈ. એકાદ ઢોલક પણ વટેમાર્ગુઓમાંથી કઈક ભજનપ્રેમીએ આણી આપ્યું. નવાં નવાં પદોની શોધ ચાલી. રાતની વેળાએ જ નહીં, દિવસના ફાજલ પડતા ગાળામાં પણ આ ભક્તિરસના તરંગે બેઉ જણાંને આનંદસાગરની અધવચાળે ખેંચવા લાગ્યા. 'આપણી જગ્યામાં આ એક ખામી હતી તે પુરાઈ ગઈ.' અમરબાઈને અંતરે પ્રફુલ્લિત અભિમાન સ્ફુર્યું. પંથે ચાલતા પથિકની અને માલ ચારતા માલધારીઓની પણ પછી તો ત્યાં ભીડ થવા લાગી. જગ્યાનો મહિમા પવનવેગે પ્રસરતો થયો. કોઈ કોઈ વાર દેવીદાસજી ધીરે રહીને કહેતા, “આજ તો બાપ, ઝોળી ફેરવવા જાવાનું કાંઈક મોડું થઈ ગયું હતું! ઠીક, કાંઈ ફિકર નહીં.” એમના અંદર ગયા પછી બન્ને જણાંનાં મુખ પર કચવાટની રેખાઓ દોરાઈ જતી. દિલમાં બન્ને સમજતાંઃ જાત રબારીની ખરીને, એટલે કાવ્યમાં, કીર્તનમાં, સંગીતમાં સૂક્ષ્મ રસ ક્યાંથી હોય? આ ભજન-કીર્તન થકી આપણે જગ્યાને સુપ્રસિદ્ધ કરી રહેલ છીએ એ વાતની બાપુને ઈર્ષા તો નહીં આવતી હોય? બાપુનેય જો પતિયાંનો ચેપ લાગ્યો તો પછી એમને પ્રભુ મળ્યા એ વાત તો સાચી ન કહેવાય ને? આવા સંશયો ઊભા થયા. એક વેળા રાત્રીની ભજનમંડળી જામી પડી હતી. સાંભળનારાઓની ઠઠ બેઠી હતી. શાદુળના ને અમરબાઈના કંઠમાં નાખવા માટે લોકો વગડાઉ ફૂલોના ફૂલહાર લઈ આવ્યા હતા. ફુલહાર થકી દીપતો જુવાન જોગી ગાતો ગાતો ઊભો થઈ ગયો. તંબૂરસહિત એ નાચવા લાગ્યો. એનાં નેત્રોમાંથી આનંદસમાધિનાં ચોધારાં આંસુ ચાલ્યાં જતાં હતાં. પછી એ બેઠો. એણે હાથમાં કરતાલો લીધી. એવી તો મસ્ત ઝૂંક બોલી, અને એ ઝૂંક એવી તો જોશીલી રીતે શાદુળે લેવરાવી, કે “કડાક” કરતો એનો બેસવાનો ખાટલે તૂટ્યો, ખાટલાની જોરાવર ઈસના કટકા થયા. ગામડે ગામડે ખબર પડી : શાદુળ ભગતને તો દૈવી ઓતાર આવી જાય છે! ભક્તિરસમાં નિમગ્ન બનેલા આ બાળુડા જોગીની સામે, રાત્રીના ચંદ્રતેજમાં, અમરબાઈ નીરખી લેતાં. ને એને થતું :

મોર! તું તો
આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો!
મોરલો મસ્ત લોકમાં આવ્યો.
મોર! તું તો
સૂતો સારો શેરો જગાયો,
મોરલો મસ્ત લોકમાં આવ્યો.

ઝીણા ઝીણા કંઠે એ ગાવા લાગી. ગાતાં ગાતાં એને ભાસ થયો કે સારી સૃષ્ટિ અને ગગનપડદા પર કોઈ માનવમોરલાની કળા પથરાઈ ગઈ છે. પોતે જાણે એ કળાની છાયામાં ઊભી છે. એ પિચ્છકલાપ પોતાનાં વારણાં લઈ રહેલ છે. માયા! માયા! આ જગ્યા, રક્તપીતિયાં, સંત દેવીદાસ, સર્વ જાણે માયાજાળ છે. સત્ય એક જ છે. આ મોરલો, ને એનો સૂર મલ્લાર. ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડી જતા. “મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ.” એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને જોગણનાં ચરણોમાં ધરી દેતો. અમરબાઈ ‘ખમા’ કહીને એના મસ્તક ઉપર હાથ મૂકતાં. પોતાના હૈયામાં એ પોતાને કૃતાર્થ સમજતી થઈ. પોતે એક માનવીના સુષુપ્ત પડેલા સુંદર પ્રાણને પોતાના સ્પર્શમાત્રથી જાગ્રત કર્યો છે. પોતાની મોરલીથી પોતે વાસુકિનાં રૂપ વિલસાવ્યાં છે. પણ અમરબાઈનો સંતોષ આટલેથી જ પતી જતો હતો. અમરબાઈના મનમાં એક જનેતાની જીવનતૃપ્તિ થતી હતી. પોતે એક સૌન્દર્ય જન્માવ્યું છે, સંતાનનું ભૂખ્યું હૈયું એક માનસિક સંતાનનો પ્રસવ કરી શક્યું છે, એ હતો અમરબાઈનો આનંદ પોતાને ચરણે પડેલા શાદુળ ઉપર જ્યારે તે લળતી અને માથું પંપાળતી ત્યારે તેને ગર્વ, હર્ષ, સંતોષ, તેમ જ સમ્રાજ્ઞીભાવ એક જનેતાનો હતો. પણ શાદુળ હતો પુરુષ. પુરુષને સ્ત્રી પ્રત્યે, પોતાની સમવય સ્ત્રી પ્રત્યે તો માવતરની માયા જાગે જ નહીં કદી, કે ન જાગે બાળક તરીકેનું હેત. એક વાર શાદુળે બીજો પણ ખાટલો ભજનના ઓતારમાં જોશ કરી ભાંગી નાખ્યો. પછી તો લોકોને એક તમાશો થયો અલ્યા ભાઈ, શાદુળ ભગત તો ખાટલા ભાંગે છે! હાલો, હાલો જોવા! પારખાં લેવા અને રોનક કરવા માટે લોકો વારંવાર ખાટલા, ઢોલિયા લઈ આવતાં થયા. વારંવાર શાદુળની ભજનમસ્તી આ તૂફાને ચડી. અમરબાઈને આ વસ્તુ અણગમતી થઈ. એક વાર રાતે શાદુળ ભગત એક આણાત ગ્રામ્ય સ્ત્રીનો કરિયાવરમાં મળેલ હીંગળોકિયો ઢોલિયો ભાંગીને એક ગામડેથી પાછા વળ્યા. અમરબાઈ ત્યારે સૂઈ ગયાં હતાં. એને જગાડ્યા વિના, એના પગ પર પોતાનું કંકુડાં પૂરેલું વિજયી કપાળ અડકાડડ્યા વિના શાદુળને જંપ ક્યાંથી વળે? શાદુળ અમરબાઈના ઓરડા તરફ ચાલ્યો.