પુરાતન જ્યોત/૧૯


[૧૯]


ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદયપાંદડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતા હતાઃ ‘સત દેવીદાસ!' જગ્યાની પરસાળ પરથી સામે શબ્દ પુકારાતો હતો : ‘અમર દેવીદાસ!' ‘સત દેવીદાસ!' અને ‘અમર દેવીદાસ!' એ બે અવાજો જાણે જીવતા જીવ હોય તેમ પરસ્પર હોકારા દેતા હતા. ત્રણે લપાતાં માનવીઓના કાન ચમકી ઊઠ્યા. ત્રણમાંથી પડછંદ એક બુઢ્ઢો પુરુષ હતો તેણે હળવા અવાજે જુવાન પુરુષને કહ્યું: "એ જ અવાજ.” સ્ત્રી હતી તેણે કહ્યું : “કશો જ ફરક નથી પડ્યો.” બુઢ્ઢા પુરુષે પોતાનો વનવાસી જીવનને અનુભવ આગળ ધર્યો: “સાદ જેના ન બગડેલા હોય તેનાં શીલ વાંકાચૂકાં ન હોઈ શકે, બેટા મારા!” જુવાનના મોંમાં ઉત્તર નહોતો. એ તો પેલા બે શબ્દના હોંકારામાંથી કોઈક નિગૂઢ વાણી સાંભળતો હતો. બુઢ્ઢા પુરુષે કહ્યું: “બેટા, આ કામ માટે મારા હાથ નહીં ઊપડે એમ લાગે છે. તારે કરવું હોય તો તું જ કર.” સીમાડાનો અવાજ નજીક આવતો હતો. રાત્રીના મલીરના અંધાર-છેડલા ધરતી પર લપેટાતા હતા. થોડી વારમાં તો અંધારું એટલું બધું ઘાટું બન્યું કે જાણે કોઈ કાળો વિરાટ-પાડો ધરતી પર ઊભો ઊભો વાગેાળતો હોય એવો આભાસ થયો. પછી તો બે જોરાવર પગોની પગલીઓ ધમધમી. એક ધોકાના પૃથ્વી પછડાટોમાંથી ઠણકાર ગુંજતા આવે છે, ને ઝીણા મોટા કાંકરા એ બે પગોની ઠેસે ચડી ચડી ઊડતા આવે છે. એકાએક આ ત્રણે જણાંને ભાસ્યું કે આવનારને કઈક સખ્ત ઠોકર લાગી. દેહ પટકાયો. ધોકો ઊડીને જઈ પડ્યો. અને પડનારના મોંમાંથી ઉદ્ગાર ઢળ્યો : “ખમા વેરીઓને! ખમા દુશ્મનોને!” આ ત્રણે માણસો અંધારે દોડ્યાં ગયાં. પડનાર સ્ત્રી ઊઠીને ઝોળીમાંથી વેરાઈ ગયેલા ભિક્ષાના ટુકડા વીણતી હતી. અંધારે અંધારે એ કહેતી હતી કે ‘હાલો અન્નદેવતા! હાલો, તમારાં કોઢિયાં ખાંઉં! ખાંઉં! કરતાં હશે.' ત્રણે માનવીઓએ એક પુરુષને જગ્યામાંથી દોડતો આવતો જોયો. હવે શી ચેષ્ટા થાય છે તે જોવા ત્રણે જણાં ઝાડની આડે છુપાયાં. "કોણ અમર મા, તમે છો?" જગ્યામાંથી આવેલા પુરુષના અવાજમાં જુવાની હતી. "હા શાદુળભાઈ, કેમ દોડ્યા આવ્યા?” “તમારા શબ્દ અચાનક થંભી ગયા, ને પછડાટી સંભળાણી, એટલે હું દોડ્યો.” "દેવીદાસ બાપુને પૂછ્યું'તું?” "ના મા.” "એની રજા વગર તમારાથી એકલા મારી પાસે ના અવાય, ભગત!” “મારી ભૂલ થઈ છે, મા!” એમ કહીને શાદુળ ભગત પાછા ફરી ગયા. અંધારે લથડતાં પગલાં ભરતી અમરબાઈ મનના કોઈ માનવીને જાણે કહેતી હતી કે, ‘શાદુળ, મારા પેટના પુતર, તને મેં વાતવાતમાં પાછા પાડ્યો છે, કચવ્યો છે. પણ હવે કેટલાક દી? સમાધ લેવાની વાત દેવીદાસ બાપુના દિલમાં ઊગી ચૂકી છે.' એણે ઝાંપામાં પ્રવેશ કર્યો ત્યારે બહાર લપાયેલાં ત્રણ મનુષ્યોએ અંધારામાં એકબીજાની સામે જોયું ને વાર્તાલાપ કર્યો : “સાંભળ્યું'તું તે તમામ ખોટું.” "ને આની તો મરવાની તૈયારી થતી લાગે છે.” “મા, બાપુ, મારે એના પગોમાં પડવું છે.” બુઢ્ઢો બોલ્યો : “મને તો અજાયબી થઈ છે કે દેવીદાસજીને તે દિવસે મારી મારી લોથ કર્યા પછી ગરનારમાંથી અહીં એ આવ્યા શી રીતે?” "આપણે આમના બહુ નિસાપા લીધા.” "હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.” આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રી પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ આવા હતા :

શામળાજી! નામ અનામ તમારું.
 અનામ મનુખ અવતાર અમારો.
 લખ ચોરાશી મરતો ને ફરતો
 જીવતો જીવતો જીવ ગણીને
 બાંય ગ્રહાવી બોલાવ્યો,
 બોલાવીને બોલાવ્યો :
 સોંપ્યું શામળા, નામ તમારું.
 લખાવ્યા લેખ,
 મનખના વેખ,
 સંસાર મધ્યે હતું સારું.
 ચંદ પે ઊજળું
 સૂર પે નરમળું
 અડસઠ તીરથ ઉપરાંત
 કોટ જગતનાં જગત
 વહ્યાં ગયાં.
 તોય નામ
 નત્ય નવું ને નવું
 પ્રાણ પે પ્રજળું
 એકાદશી પે નરમળું
 રધમાં સધમાં
 નવ નધથી અકળ સ્વરૂપી
 જોગ તે ભગતના હેતમાં
 મક્તા ને મકતું.

આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી. "આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.” "રાણો ભગત કોણ હતા?" "કોળી હતા. બીજા વેલો બાવો તે પણ અસલ કોળી હતા, ને ત્રીજા ઈંગારશા અમરેલીના સાંઈ હતા, ચોથા મારા ભાઈ મુંજાસરવાળા માંડણ ભગત. ચારે જણ અડસઠ તીરથ ફરીને પાલિતાણે શેત્રુંજા માથે જાત્રા જુવારવા ગયા.” "શ્રાવકોના દેવની જાત્રા?” શાદુળે પૂછ્યું. “હા ભાઈ, એ સર્વે પણ એક જ મહાપંથના માર્ગી છે ને? જૂજવું જોનારી તો આપણી જ આંખો છે.” "પછી બાપુ?” વાર્તા સાંભળવા અધીરી થઈ રહેલ અમરબાઈએ પૂછ્યું. "પછી તો શેત્રુંજાનાં દેવળોમાં ફરતાં ફરતાં રાત પડી ગઈ. આ ચાર જણાનું ધ્યાન ક્યાંથી રહે? શ્રાવકોનાં તો ગંજાવર દેવસ્થાનો! ગોઠી લોકો તાળાં દઈને નીચે ઊતરી ગયા, સવારે આવીને જુએ તો અંદર ચાર અજાણ્યા જણ દીઠા ને ‘ચોર ચોર!' એવી બૂમ પડી. ચારેને પકડ્યા. પકડીને મારતા મારતા લઈ આવ્યા. ચારે જણ કહે કે ભાઈ, માર અમને બહુ વસમો લાગે છે. અમે કાંઈ ચોર નથી. તમારા હીરા-કંકર-પથર અમારે તો માટી બરાબર છે. તમારા દેવનું અમે કશું જ લીધું નથી. દેરાંવાળા કહે કે સાક્ષી કોણ? આ ચારે જણાએ કહ્યું કે સાક્ષી ખુદ તીર્થંકરો. પછી રાણાએ આ આરાધ કહીને તીર્થંકરોને પોતાની સાક્ષીએ તેડાવ્યા હતા. તે પછી ત્રણ જણા તો ઊતરી ગયા. પણ ઈંગારશા તો સાંઈ ખરો ને! એટલે કહે કે હવે હું ન જાઉં. અહીં જ બેસીશ ને પહેલી સલામ જાત્રાળુઓ પાસેથી હું માગીશ.” ત્રણે મુસાફરો તે વખતે ત્યાં રજુ થયા ને ત્રણેયે ખેાળા પાથર્યા. "તમે કોણ, બાપ?” દેવીદાસજીએ નજર ઠેરાવીને પૂછ્યું. "મને ભૂલી ગયા?” કહીને બુઢ્ઢાએ દેવીદાસજીના ખોળામાં હાથ નાખ્યો. એના પંજાને દેવીદાસજીએ પોતાના પંજામાં લઈ લીધો. "ઓહ! કાંઈક જુની ઓળખાણ તો જણાય છે." દેવીદાસજીએ પંજાના સ્પર્શમાંથી પરિચય ઉકેલ્યો. "અમરબાઈના સંસારનાં અમે સાસરિયાં છીએ. તમારે માથે અમે ન કરવાનું કર્યું છે.” "બાપ, જૂની વાતુંના ચોપડા આપણે શીદ રાખવા?” દેવીદાસજી હસ્યા : “આપણે થોડા વેપારી વાણિયા છીએ?" બાઈ બોલી : “અમે તમારો શરાપ માગવા આવ્યાં છીએ.” આગલા સમયમાં સોરઠવાસીઓની પરંપરા આવી હતી. અન્યાય કરીને જેને સંતાપેલ હોય તે નિર્દોષ માણસ પાસેથી અન્યાય કરનારો શાપ માગી લેવો ને એ શાપનાં પરિણામ ભોગવી કાઢવાં. દુષ્કૃત્યોનો પણ હિસાબ ચોખો કરી નાખવાની આ પ્રણાલિકા લોક-સંસ્કારની મહત્તા હતી. દેવીદાસજીએ મોં મલકાવ્યું : “માડી! શરાપ માગવો હોય તે અમરમા પાસે માગો. મને નવાણિયાને વચમાં કાં કૂટો?” આહીરાણી અમરબાઈ તરફ ફરી. વર્ષો પૂર્વે શોભાવડલાથી પોતે સાસરે જતી હતી તે દિવસ અમરને સાંભર્યો. નીંદરભરી પોતાની આંખો આ જ સ્ત્રીના માતૃ-ખેાળામાં જંપી ગઈ હતી. પછી પોતાની સામે આ જ પરસાળમાં રાતી આંખો કરનાર પણ આ જ સ્ત્રી હતી. ખોળો પાથરીને અત્યારે એ કરગરે છે: “માવડી, અમને શરાપો.” વૃદ્ધ સસરો પણ અમરબાઈ તરફ ફર્યો ને બોલ્યો: "મનેય શરાપો મા!” “હું પણ શરાપ માગું છું.” કહેતા જુવાન સન્મુખ આવ્યો. એની આંખો અમરબાઈ તરફ નહોતી. એ બીજી બાજુ જોઈ ગયો હતો. કહેવાતું આવે છે કે અમરબાઈ અત્યંત રૂપાળાં હતાં. દેહ અને આત્મા, બન્નેનાં રૂપ એકમેકમાં મિલન પામીને કેવાં મનોહર બન્યાં હશે? આ જ અમરબાઈનો એક વારનો પતિ એ ઘડીએ કયા વિચારોમાં ચડીને આંખો ફેરવી ગયો હશે? આવું અનોધું રૂપ પોતે ન ભોગવી શક્યો એ માટે? કે આના ઊંચા આત્માને પોતે ન પિછાની શક્યો એ માટે? સાંજનાં અંધારાં ઢળ્યાં ત્યાં સુધી તો અમરબાઈને ટાંટિયો ઝાલીને મૂએલા ઢોરની માફક ઢસરડી જવાની જ નેમ હતી. એક જ દિવસ અને રાત, છતાંયે બેની વચ્ચે જાણે કે જુગપલટો થઈ ગયો. જુલમ કરવા આવનારાં શરાપ માગવા રોકાયાં. અમરબાઈ પણ નીચે જોઈ મીઠું મોં મલકાવતાં હતાં. એણે ફક્ત આટલું જ કહ્યું : “હું તો શરાપવા જેવી સમરથ નથી. મારા અંતરમા તો એટલું જ ઊગે છે કે માનવી માનવીને સંતાપે નહીં? ને તમને સોરઠિયા આયરોને પણ પ્રભુ સદા સુખી રાખે.” ત્રણે જણાએ માથાં નમાવ્યાં. દેવીદાસજીએ કહ્યું કે : "દીકરી, તેંય શરાપી જાણ્યું. તું તો ખાટી ગઈ.” એક ફક્ત શાદુળ ભગત એકલા બેઠા બેઠા ઊંચાનીચા થતા હતા; મહેમાનોને આટલું પણ કહ્યા વગર ન રહી શક્યા કે, "પણ આ બાપુએ તમારું શું બગાડ્યું હતું કે, તમે એને ગરનારમાં લઈ જઈને મરણતોલ માર માર્યો?” “શાદુળ!” દેવીદાસજીએ એનો હાથ ઝાલ્યો, “તું. એટલો તો વિચાર કર, કે એમણે જ મને નૂરશા-જેરામશાના કાંધે ચડાવ્યો. ને વળી હું તો જીવતે જીવે એ બે જોગંદરોની કાંધે ચડી આવ્યો. અમરબાઈને પણ એનો મિલાપ થયો; આવા બડભાગી અમને બીજું કોણ કરત?" આહીરોની આંખો ટપકવા લાગી.