પુરાતન જ્યોત/૩. બે પશુઓ


૩. બે પશુઓ

ડુંગરા જ્યાં થંભી જાય છે ત્યાંથી કચ્છસિંધ વચ્ચેનું કારમું રણ ધરતીનો કબજો લ્યે છે. એને ખાવડાવાળું રણ કહે છે. એ રણે ઊંટની વણજાર ગાયબ કરી છે. પોઠ્યો ને પોઠ્યોએ રણના પેટમાં સમાઈ ગઈ છે. જીવતાં માનવીઓને એ વેરાને પોતાના જઠરમાં ઉતાર્યા છે. તાપ, વંટોળિયા અને ઝાંઝવાં એ રણમાં કાળનૃત્ય કરે છે. પવન વાય છે, અને મોટા અસુરો-શા વંટોળ એ રણની છાતીમાંથી હહુકાર કરતા ઊઠે છે, ગાઉઓના ગાઉ ત્યાં નિર્જળા ને ખારા પડ્યા છે. ઠઠા, થર, સિંધ અને પારકર જવાનો ધોરીમારગ એ રણને ફેસલાવતો-પટાવતો ચાલ્યો જાય છે. 'મારું થાનક આંહીં જ હોય' એવું વિચારીને મેકરણે ત્યાં એક જગ્યા ગોતી. વસેલી દુનિયાનું છેલ્લું ગામ ધ્રંગ-લોડાઈ. ત્યાં મેકરણે ઝૂંપડી વાળી અને ધૂણો ચેતાવ્યો. પરોઢ થાય છે ને હમેશ એ ઝુંપડીએ કોઈ પોચો પગરવ સંભળાય છે. “લાલારામ! મોતીરામ! વેળા થઈ ગઈ કે?" એમ જવાબ દેતો જોગી મેકરણ ઝૂંપડીનું બારણું ઉઘાડે છે. ઝૂંપડીને આંગણે ઊભનારા એ લાલારામ ને મોતીરામ મનુષ્યો નહોતા. મનુષ્યોથી કંઈક વિશેષ હતા — એક ગધેડો ને એક કૂતરો હતા. મેકરણ સાધુ એ ગધેડાને માથે છાલકું મૂકતા અને છાલકાનાં બે ખાનાંમાં અક્કેક પાણી ભરેલ માટલું ગોઠવતા. ગોઠવતા એ ગધેડા લાલારામના ગુણ ગાતા —

લાખિયો મુંજો લખણે જેડો
હુંદો ભાયા જેડો ભા!
બ કાં ચા લખ ધોરે ફગાયાં
લાલિયા, તોજી પૂછડી મથા.

"લાલિયા મારા ભાઈ જેવા ભાઈ! લખવા જેવું તે તારું ચરિત્ર છે. અરે લાલિયા, તારી તો એક પૂંછડી માથે પણ હું બેચાર લાખ માનવીઓને ઘેાળ્યાં કરી ફેંકી દઉં, તુચ્છ ગણું. તારા જેવા ગુણો મને કયા માનવીમાં જડશે?" “અરે મોતિયા!” સાધુ પોતાના પડખામાં પેસીને હાથ ચાટનારા કૂતરાને કહેતાઃ “તને હું ભૂલી ગયો છું એમ તે માન્યું? લે, આ તારા નામની સાખી :

મોતિયો કુતો પ્રેમજો
ને ડેરી વીંધી હીરજી
જીયાં મને પાંચે ઈંયાં લે જાય.

"જાવ ભાઈ! મારા સાચા બે ટેલવાઓ! ઊપડો હવે.” ગધેડો ને કૂતરો રણની દિશામાં ચાલી નીકળતા. ગધેડા પર લદાયેલ બન્ને માટલા ઉપર એક પાણીનું ડબલું મૂકવામાં આવતું અને પાછળથી મેકરણ સાધુ સાદ કરતા : "મોતિયા, જોજે હો, જે કઈ જળ પીવે, તે ઊંચેથી પીવે. ડબલું મોઢે ન માંડે હો! હિંદુ, મુસલમીન કે ઢેડભંગી, કોઈ કોઈનો જીવ ન દૂભવાય.” લોકો કહેતા કે બાવો ચક્કર છે. પણ લાલિયો ને મોતિયો મેકરણના મનની વાત પામી જતા. વાણીના ભેદ જનાવરોને સુગમ છે. જનાવરો હૈયાના બોલ ઝીલે છે. ધીકતા સૂરજની હેઠળ એ રણના ઊંડાણમાં મુસાફરોને આ બે પ્રાણીઓ મળી જતાં. ડબલું ભરીને મુસાફરો પાણી પીતાં. ડબલું કોઈ મોઢે માંડતું તો મોતિયો કૂતરો એનું કપડું ખેંચીને સાન કરતો કે ગુરુએ બોટવાની ના પાડી છે! ચારપગું આ પાણી-પરબ ચારે પહોર રણમાં ભમતું. ઝાંઝવાની માયાવી નદીઓમાં પાણી માટે ફાંફાં મારતા એકલદોકલ વટેમાર્ગુની પણ મોતિયાને ગંધ આવતી. મોતિયો ‘ડાઉ ડાઉ'ના લાંબા અવાજ કરતો, લાલિયો મોતિયાની પછવાડે પછવાડે પગલાં માંડતો. અનેક માર્ગભૂલ્યાંના કંઠે આવેલા પ્રાણ લાલિયા-મોતિયાની વહાર વડે પાછા વળતા. પાણી ખૂટતું ત્યારે બેઉ પશુ પાછાં વળતાં. ઝુંપડીએ ઊભેલો જોગી એ બેઉને લાડ કરવા તૈયાર હતો. રણકાંઠાનાં ને પહાડગાળાનાં ગામડાંમાંથી કાવડ ફેરવીને ભીખી આણેલા રોટીના ટુકડામાંથી પહેલા બે ભાગ આ લાલિયા-મેતિયાના જ નીકળતા. દિવસોના દિવસ મેકરણે ખારાં રણ ખૂંદ્યાં હશે. પાણીની મટકી માથા પર ઉઠાવી ઉઠાવીને ફેરવી હશે. તે પછી જ આ બે પશુઓ પાળ્યાં હશે ને બેઉને રણના કેડાકેડીઓમાં પલોટ્યાં હશે. રાહદારી રસ્તાને કાંઠે ઊભેલું મેકરણનું થાનક દિનપ્રતિદિન જાણીતું થયું. રણમાં મેકરણે સરાઈ વસાવી દીધી. મુસાફરખાનું બાંધ્યું મેકરણે. જાતલ અને આવતલ મુસાફરોની ત્યાં ઠઠ લાગતી ગઈ, તેમ તેમ મેકરણનાં ખભાં કાવડ ફેરવી ફેરવીને ફાટવા લાગ્યાં. વધુ વધુ ગામ માગવાની ફરજ પડી. રોટીની એણે કદી કોઈને ના ન કહી. રોટી આપવાની એને કચ્છીઓએ પણ ના ન પાડી.