પૂર્વાલાપ/૧૨. ઉપાલંભ


૧૨. ઉપાલંભ


જોયું મેં ન મળ્યું મને નયનમાં, શબ્દો મહીંયે નહીં,
હર્ષોન્મત્ત સદૈવ છેક બનતો તે કૈંક આજે ક્યહીં;
રે પ્હેલાં ન હતી કદી અનુભવી આવી ઉદાસીનતા,
દીઠી શું ન કઠોર! તેં કરુણ જે વ્યાપી મુખે દીનતા?

હૈયાનું ઝરણું રસાલ સહસા ખૂટી પડયું શું સખે?
પૃથ્વી કર્કશ જોઈ કાયર થતાં બીજે વળ્યું શું રખે?
સ્વાર્થી તું ન ગણી શકાય મનથી તોયે રહું રોષમાં,
મર્માઘાત ન શાન્ત થાય નિજને માનું બધા દોષમાં.

વર્ષોના સહવાસથી પણ અરે! જાણ્યો નહીં તેં મને,
જાણે શા થકી યોગ્ય છે પ્રણયના શા તું ઉપાલંભને?
સ્નેહી, સ્નેહ તણો અનાદર કહે શી રીતથી હું સહું?
આલંબી ઊછરેલ કેવલ રહું શાથી નિરાધાર હું?

જો કૈં હોય વિકાર વૃત્તિ મહીં તો છે વ્યર્થ આ બોલવું,
શાને નિર્દયની કને હૃદયને મર્માંતમાં ખોલવું?
પ્રેમી છું નહિ, પ્રેમથી અવશ છું, સ્વાતંત્ર્ય તો કૈં નથી,
રાખી તોય શકીશ વૃત્તિ મનમાં તાટસ્થ્ય સામે મથી.