પૂર્વોત્તર/ત્રિપુરા


ત્રિપુરા

ભોળાભાઈ પટેલ

માર્ચ ૩

કિરાતોને દેશ? હા ભારતવર્ષના છેક પૂર્વોત્તર અંચલમાં વસતી પ્રજા ડૉ. સુનીતિકુમાર ચેટરજી જેવા ભાષા-સંસ્કૃતિવિદ્ કિરાત સમુદાયમાં મૂકે છે. કિરાત સમુદાય અર્થાત્ મોંગોલ કુળની પ્રજા.

આ દેશમાં માનવ વસાહતોની જે સૌથી પહેલી શરૂઆત થઈ તે નિગ્રો કુળથી થઈ, તે પછી આવી ઓસ્ટ્રો-એશિયાઈ કુળની પ્રજા. તે પ્રજા નિષાદ, શબર આદિ જાતિઓ તરીકે પછી ઓળખાઈ, આગળ જતાં ભીલ, કોલ તરીકે ઓળખાઈ. તે પછી આ પૂર્વોત્તરને સીમાડેથી આવી મોંગોલ કુળની પ્રજા, તે પછી પશ્ચિમોત્તર માર્ગે દ્રવિડ કુળની પ્રજા આવી — સિંધુ નદીની સંસ્કૃતિવાળી. આર્યો તે પછી આવ્યા અને જોતજોતામાં આ ભૂમિ પર સઘળે પ્રસરી ગયા. તેમણે સંઘર્ષ કર્યો, સમન્વય સાધ્યો. વિભિન્ન જાતિકુળોની સંસ્કૃતિઓમાંથી એક ભારતીય સંસ્કૃતિ કહો કે હિંદુ સંસ્કૃતિ જેવી સમન્વયપ્રધાન સંસ્કૃતિ ઊપસી આવી. તે પછીય ઘણી પ્રજાઓ આવતી રહી છે.

પૂર્વોત્તર તરફની મોંગોલ કુળની પ્રજા ચીનીતિબેટી ભાષાપરિવારની એક ભાષા બોલતી હતી. સુનીતિબાબુ એ પ્રજાને કિરાત જનજાતિ તરીકે ઓળખે છે. આ પ્રજાનો અર્થાત્ કિરાતોનો વેદમાં મહાભારતમાં ઉલ્લેખ મળે છે જ, અર્જુનના સ્પર્ધી તરીકે કિરાતવેશધારી શિવને આપણે ભૂલી શકીએ? પાર્વતીએ પછી શિવને મોહિત કરવા કિરાતીનો વેશ લીધેલો. આપણે ભીલડીનો વેશ લીધો હતો એમ કહીએ છીએ. લોકગીતમાંય આ ભીલડી રૂપની વાત આવે છે. રામાયણમાંય કિરાતો આવે છે. ધીરે ધીરે આ પ્રજા આર્યપ્રભાવો ઝીલતી ગઈ.

સુનીતિબાબુએ આ પ્રજાની કેટલીક આગવી ખાસિયતો વર્ણવી છે. આ લોકો અત્યંત આશાવાદી અને સ્વભાવે પ્રસન્ન મિજાજ હોય છે, લહેરી અને સ્વતંત્ર દિમાગવાળા હોય છે, સ્વાશ્રયી અને સાહસી હોય છે. તેઓ ક્વચિત્ કાચા કાનના (ભોળા) અને ક્યારેક મનુષ્યો અને જાનવરો પ્રત્યે ઘાતકી વ્યવહાર કરનારા હોય છે. વિચારોનું ઊંડાણ તેમનામાં નથી હોતું, ક્યારેક લાગણીઓનું પણ. પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય એટલે પછી રાજા —એવા આળસુ સ્વભાવના. પણ એકવાર કામે લાગે પછી લગાતાર કામ કર્યે પણ જાય. તેઓ દાર્શનિક નહીં પણ તથ્યવાદી, તાર્કિક નહીં પણ વ્યાવહારિક હોય છે. તેમનામાં રંગરેખા અને લયની આંતરિક સૂઝહોય છે. નૃત્યની કળા તેમનામાં પુષ્કળ વિકસેલી હોય છે. તેમને અનુકરણ ગમે છે, અને તેથી નાટ્યકળામાં પાવરધા હોય છે. તેમણે આર્યસંસ્કૃતિના જે સંસ્કારો ઝીલ્યા છે, તેનો બધે પ્રસાર કર્યો છે. આ કિરાત અથવા ભારતીય બનેલી મોંગોલ પ્રજાએ ઇસ્લામના આક્રમણનો સખત પ્રતિરોધ કર્યો છે.

પૂર્વોત્તરના ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, નાગાલૅન્ડ, મેઘાલય, અરુણાચલ, અસમ વિસ્તારની પ્રજાઓમાં કિરાત સંસ્કારો હજીય ધબકે છે. એ બધા વિસ્તારોમાં કેટલીક બાબતોમાં સામ્ય છે અને એટલે એ ‘સાત ભણિર દેશ’ કહેવાય છે. ‘ભણિ’ એટલે ભગિનીબહેન. અસમિયા શબ્દ છે. પહેલાં આ બધો વિસ્તાર બૃહત્ અસમનો ગણાતો. ધીમે ધીમે તેમાંથી અલગ ખંડ પડતા ગયા છે.

હવે પછીની મારી યાત્રા ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ, અસમ અને મેઘાલયની, એટલેસ્તો કિરાતોનો દેશ. કલકત્તા અને કિરાતોના દેશ વચ્ચે બાંગ્લાદેશ પડેલો છે. કલકત્તાથી ટ્રેઇનને માર્ગે જવું હોય તો અસમનું ગુવાહાટી પ્રવેશદ્વાર બને, પણ તે માર્ગે ત્રિપુરાના અગરતલા પહોંચતાં ઓછામાં ઓછા ત્રણ દિવસ થાય, તેમાં વળી સેંકડો પહાડી માઈલોની બસયાત્રા ઉમેરવી પડે. અગરતલાને કોઈ રેલવે નથી. એટલે હવાઈમાર્ગ પ્રમાણમાં સસ્તો અને સાનુકૂળ રહે.

વિમાન બાંગ્લાદેશ પર થઈને ઊડ્યું. કેટલું કુતૂહલ હતું પદ્મામેઘનાનો સાગરસંગમ જોવાનું! નદીઓના એ દેશ જવાનું! પણ જ્યાં હું બેઠો હતો, ત્યાંથી નીચે નજર કરતાં વિમાનની વિશાળ પાંખ આડે આવતી હતી; છતાં નીચેના મુલકની અલપ-ઝલપ ઝાંખી થતી હતી.

સપાટ ભૂમિ ૫છી ઊંચીનીચી પહાડીઓની ઉપત્યકામાં વસેલા અગરતલાના આગમનના સંકેતો મળ્યા. વિમાનમાંથી ઊતરી કોઈ નવી જ નજરે આ પ્રદેશની માટી હું જોતો હતો, કંઈ વિદેશમાં તો નહોતો આવી ગયો, પણ જાણે એવું જ લાગે. કલકત્તા છોડ્યે કલાક જ થયો હતો, પણ કલાકમાં તો કેવું જાણે બધું બદલાઈ ગયેલું લાગતું હતું. આસપાસ ઝાડ હતાં, ઝાડી નહોતી. દૂર દૂર ઈષત્ ઊંચી ટેકરીઓ બપોરના તડકામાં તગતગતી હતી, કોચમાં બેસી ઍર ઇન્ડિયાની શહેરની ઑફિસે જઈ ઊતરું છું કે મને શોધતી એક નજર ભાળી.

એ નજર હતી મારા મિત્ર પ્રો. પ્રભાસચંદ્ર ધરની. તેઓ અગરતલાની કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક છે. ચારેક વર્ષ પહેલાં ભાષાવિજ્ઞાનની એક ગ્રીષ્મશાળામાં ભુવનેશ્વરમાં અમે ચાર અઠવાડિયાં રૂમપાર્ટનર્સ હતા. મૂળ પૂર્વ બંગાળના. દેશના વિભાજન પછી પણ ત્યાં રહેલા, થોડાંક વર્ષોથી અગરતલામાં સરકારી કૉલેજમાં ભણાવે છે. અમારો પત્રવ્યવહાર અવારનવાર ચાલી રહ્યો હતો.

મેં એમને લખેલું — હું અગરતલા આવું છું. તેમનો તરત જ પત્ર આવ્યો કે હું તે માની જ શકતો નથી કે તમે અગરતલા આવો, એવી સંભવિતતા ખરી કે હું અમદાવાદ આવું, પણ કોઈ અગરતલા આવે? એટલે દૂરથી? આવો જ આવો. તમારી રાહ જોઉં છું… વગેરે. એમણે લખ્યું હતું, ઓછામાં ઓછું અઠવાડિયું રહેજો. પણ એટલો સમય ક્યાંથી કાઢવો?

ઍર ઇન્ડિયાની ઑફિસે તે મારી રાહ જોવાના હતા, તે મળ્યા. તેઓ પ્રસન્ન થયા. હું ખૂબ સ્વસ્થ થયો. અત્યાર સુધીમાં મારી આંખો આસપાસ પરિવેશને પીતી રહી હતી. તેમાં વચ્ચે પરમ એક આશ્ચર્ય તો એવું જોઈ અનુભવ્યું કે ‘ગુજરાતી લોજ’ —ગુજરાતીમાં લખેલું. ઓત્તારી, તો અહીં ગુજરાત છે! પગરિક્ષામાં પ્રો. પ્રભાસચંદ્રને ત્યાં જવા ઊપડ્યા. ટેકરીઓ પર ઊંચું-નીચું વસેલું આ નગર પણ જોવાતું જતું હતું. વાંસનું અહીં સામ્રાજ્ય હતું. વાંસની દીવાલો, વાંસની વાડો, વાંસના ઝાંપા-ઝાંપલી.

પ્રો. પ્રભાસ કૉલેજના કેમ્પસમાં રહેતા હતા. તળાવની વચ્ચે ભૂશિર જેવી એક ટેકરી પર ઘરની હાર છે. ત્યાં તેમનું ઘર હતું. ત્રણ બાજુએ તળાવ. ગમી જાય તેવી જગ્યા, ઘરમાં પગ મૂકીએ તે પહેલાં તેમનાં પત્ની શ્રીમતી બેલાદેવી હસતે મુખે બહાર આવ્યાં. પછી તો સતત તેમના સ્મિતસભર ચહેરાને જોયા કર્યો છે. આજે પતિ-પત્ની બંનેએ રજા લીધી હતી. મને થયું આટલો બધો સ્નેહ એક અલ્પપરિચિત પર! રવિ ઠાકુરની પંક્તિઓ જ યાદ આવે?

કત અજાનારે જાનાઈ લે તુમિ
કત ધરે દિલ ઠાંઈ
દૂર કે કરિલ નિકટ બંધુ
પરકે કરિલ ભાઈ…

ના, ના, એમ કશી જ ચિંતા કરવાની જરૂર નથી કે આપણું ઘર છોડીને દૂર દેશાવર જઈશું ત્યારે શું થશે… સૌ અજાણ્યાઓમાં, નવીનોમાં એક પરમતત્ત્વ બેઠેલું છે. તે સૌ અજાણ્યાને ઓળખાવે છે, અનેક ઘરમાં સ્થાન અપાવે છે, દૂરનાને નિકટ લાવે છે અને પારકાને મિત્ર બનાવે છે…

આ પંક્તિઓનો જ સાક્ષાત્કાર થતો હતો. ઘરમાં જઈને પ્રો. પ્રભાસનાં વૈષ્ણવ ધર્મપરાયણ માતુશ્રીને પ્રણામ કર્યા. તેમણે આશિષ આપ્યા. તેમનાં બે બાળકો વીંટળાઈ વળ્યાં. અત્યંત વહાલાં લાગે એવાં. આ જ તે મારું ઘર.

ટેકરીને ખોળે ઘર, ઘરની પછવાડે વાંસની ઝાડી, ઢાળ અને પછી તળાવ. નાનકડો કિચન ગાર્ડન. જમવા બેઠો તો ભાતનો ડુંગર. પ્રો. પ્રભાસને ખબર હતી કે હું શુદ્ધ શાકાહારી છું, એટલે હું ખાઈ શકું તેવું જ બધું બનાવેલું. બેલાદેવી ભોજન પીરસી સામે આવી બેઠાં. તેમનું હેત હું અનુભવી શકતો હતો. વારેવારે કહે, ‘આપનિ તે કિચ્છુઈ ખાચ્છિના’ — માછલી ના હોય તો પછી ખાવાનું શું? મહેમાનની થાળીમાં માછલી ના હોય તો પીરસનારને સંકોચ જ થાય!

બપોર ઢળવા આવી હતી. અમે કૉલેજ જવા નીકળ્યા, બહુ દૂર નહોતી. કૉલેજમાં અધ્યાપકોને મળ્યા. અગરતલાની આ કૉલેજ કલકત્તા યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અહીં બંગાળી માધ્યમ છે. ત્રિપુરાની રાજભાષા બંગાળી છે, ત્રિપુરી નહીં. અર્થાત્ આ કિરાતોનો નહીં, બંગાળીઓનો દેશ બની ગયો છે. કિરાત જનજાતિથી બનેલું રજવાડું હવે ત્રિપુરા નથી. એ જનજાતિઓ અંદરના ભાગોમાં ચાલી ગઈ છે—જંગલોમાં, પહાડમાં.

એક સમય હતો જ્યારે ત્રિપુરા ‘ટિપ્પેરા’ તરીકે ઓળખાતું. સંસ્કૃતિકરણથી તેનું ત્રિપુરા થઈ ગયું છે. અહીં પહેલાં દેશી રાજ્ય હતું. એ રાજ્યની એક લાંબી પરંપરા રહી છે. તે એટલે સુધી કે મહાભારતના સમય સુધી પહોંચવા જાય. જો કે ખરેખરો પ્રાચીન ઇતિહાસ જાણવા મળતો નથી. એટલું ખરું કે ત્રિપુરાની સાંસ્કૃતિક પરંપરામાં મોંગોલ લાક્ષણિકતાઓ ભળેલી છે, ભલે અહીંના રાજવીઓ પોતાને ચંદ્રવંશી માનતા રહ્યા, અને પાંડવો સાથેનો પોતાના વંશનો અનુબંધ હોવાનું કહેતા રહ્યા.

પંદરમી સદીની આસપાસથી આ કિરાત જનજાતિપ્રધાન સમાજનું ભારતીયકરણ થતું ગયું છે. એ વખતે ધર્મમાણિક્ય કરીને એક રાજા થયેલા, કલ્હણની રાજતરંગિણીની જેમ તેમણે ત્રિપુરાને ‘રાજમાલા’ નામે રાજવંશી ઇતિહાસ તૈયાર કરાવ્યો. પણ પૂર્વ ઇતિહાસ એટલો વિશ્વસનીય નથી ગણાતો, જેટલો પંદરમી સદી પછીનો. ઘણાં આદિ નામ સંસ્કૃત બની ગયાં છે. ધન્યમાણિક્ય અને તેની રાણી કમલાદેવીનું સ્થાન ત્રિપુરાના ઇતિહાસમાં મહત્ત્વનું છે. આ ધન્યમાણિક્યે ત્રિપુરાની પ્રાચીન રાજધાની ઉદયપુરમાં ત્રિપુરેશ્વરીનું મંદિર બનાવ્યું છે. તે વખતે દેવીને માનવબલિ આપવાનો રિવાજ હતો. ધન્યમાણિક્યે તે બંધ કરાવવા પ્રયત્ન કર્યો. છેવટે વર્ષમાં ત્રણથી વધારે માનવબલિ નહીં. આ બલિ માટે યુદ્ધકેદીઓ બહુ મળતા. ધન્યમાણિક્ય હિંદુધર્મના ટેકેદાર હતા. ભારત—મોંગોલ જાતિની તે એક વિભૂતિ ગણાય છે.

તે પછી અનેક રાજવીઓ આવ્યા અને ગયા. દરમિયાનમાં ત્રિપુરા પર મોગલોના હુમલાઓ થયા. બંગાળના મુસલમાન રાજાઓના હુમલા થયા પણ તે ટકી રહ્યું. ત્રિપુરાના છેલ્લા રાજવી હતા મહારાજા માણિક્ય કીર્તિવિક્રમ કિશોર દેવવર્મન બહાદુર. તે પછી તે ભારતનોે એક ભાગ બની ગયું છે.

નકશામાં જોતાં જણાય છે કે એક બાજુ પૂર્વ તરફ મિઝોરમ અને અસમથી અને ત્રણ બાજુએ બાંગ્લાદેશથી ઘેરાયેલું છે. કાજુ આકારના એ ભૂભાગનો વિસ્તાર અગિયાર હજાર ચો. કિલોમીટરથી વધારે નથી. જંગલોથી છવાયેલો આ પ્રદેશ ઉત્તરથી દક્ષિણ જતી છ પહાડી માળાઓથી વિભાજિત છે. આ પહાડીઓ ૧૫ મીટરથી ૧૦૦૦ મીટર જેટલી ઊંચી છે. ત્રિપુરા નાની મોટી નદીઓથી સિંચિત છે. તેમાં ગુમટી-ગોમતી મુખ્ય છે. ત્રિપુરાનો એક મોટો પ્રશ્ન રસ્તાઓનો છે. એની રાજધાની અગરતલાને કોઈ રેલવે નથી. પર્વત, જંગલો અને નદીઓવાળા વિસ્તારમાં તે સ્વાભાવિક પણ લાગે. પરિણામે ભારતનો આ વિસ્તાર ભારતથી કપાઈ ગયેલો પણ લાગે. જુઓને, કલકત્તાથી વિમાનમાં અગરતલા પહોંચો તો માત્ર ૩૧૫ કિલોમીટર અને જમીન કે રેલમાર્ગે પહોંચો તો ૨૪૦૦ કિલોમીટર.

એમ જોઈએ તે સમગ્ર ત્રિપુરા રાજ્યની વસ્તી માંડ અમદાવાદ શહેર જેટલી. વીસ લાખની છે. પણ અંગ્રેજો જ્યારે ગયા ત્યારે પૂરી પાંચ લાખેય પરાણે હતી, અને તેમાં મુખ્યત્વે તો આદિવાસી જાતિઓ—કિરાતોની હતી. ત્રિપુરી, ચમકા, રિયાંગ, ગારો વગેરે ઓગણીસ જેટલી નાની મોટી જાતિઓ હતી. દેશનું વિભાજન થતાં પૂર્વબંગાળમાંથી લાખો નિર્વાસિતો ઊતરી આવ્યા. પાંચમાંથી વીસ લાખ તે માત્ર વસ્તીવિસ્ફોટને કારણે નહીં, નિર્વાસિતોથી વધી છે, અને જોઈ શકાય છે કે તે એટલી વધી કે મૂળ પ્રજા લઘુમતીમાં આવી ગઈ અને જંગલોમાં, પહાડોમાં વસતી એ પ્રજા જાણે બીજા વર્ગના નાગરિકોની અવદશાને પામી અને ત્રિપુરા બંગાળીભાષાભાષી રાજ્ય બની ગયું! બંગાળીઓનાં પોતાનાં હિતોની રક્ષા માટે ‘આમરા બાંગાલી’ એવો પક્ષ સ્થપાયો છે, જે ઘણો વગદાર અને પ્રભાવક છે. સામે હવે આદિવાસી પ્રજાઓનો પક્ષ સ્થપાયો છે ‘ત્રિપુરા ઉપજાતિ યુવા સમિતિ’, (TUJS) અને બંગાળીઓ વિરુદ્ધ અહીંની આ આદિમ જનજાતિઓ વચ્ચેના સંઘર્ષનું બીજારોપણ થઈ ચૂક્યું છે. જો કે ત્રિપુરાની સામ્યવાદી સરકાર આદિવાસી પ્રજાઓનાં હિતો પ્રત્યે પણ સાવધાન હશે જ.

પણ અહીંની એક મૂળ મુખ્ય ત્રિપુરી ભાષા ભૂંસાઈ જવાની સ્થિતિમાં છે, તેનું શું? મારા મિત્ર પ્રભાસ ધરે ત્રિપુરીનો અભ્યાસ શરૂ કર્યો છે, તે જાણી આનંદ થયે. પણ મનમાં મનમાં એક અફસોસ થયા કરે કે એક આખી ભાષા-સંસ્કૃતિ વિલય તો નહીં પામી જાય? કૉલેજમાં બધા બંગાળી મિત્રો છે. તેમની સાથે આ નાજુક પ્રશ્ન કેવી રીતે ચર્ચવો?

સાંજની કૉલેજના આચાર્ય રણેન્દ્રનાથ દેવને મળ્યા. તેમને ભુવનેશ્વરમાં મળવાનું થયેલું. ખૂબ પ્રેમથી મળ્યા. તેમણે નગરદર્શન માટે પોતાની જીપ આપી. પણ અંધારું થવા આવ્યું હતું. છતાંય અગરતલાની પરિક્રમા કરી લીધી. વેણુવનવિહાર બૌદ્ધિ મંદિરે ગયા. અહીંના રાજવીઓનો પ્રસિદ્ધ ‘ઉજ્જયન્ત મહેલ’ જ્યાં હવે વિધાનસભા છે, તેનું માત્ર છાયાચિત્ર જેવું જોયું.

પહેલાં ઉદયપુર રાજધાની હતી. હવે અગરતલા. વસતી સિત્તેર હજારની આસપાસ છે. અગરતલા નામ કેવી રીતે પડ્યું? અહીંથી મૃણાલકાન્તિ દેવવર્મન દ્વારા સંપાદિત એક બંગાળી પત્રિકા મને શ્રી પ્રભાસે આપી હતી, નામ જ ‘આગરતલા’ તેમાં આ નામની ચર્ચા છે. કહે છે પહેલાં અહીં અગરુનાં સુગંધીદાર વૃક્ષો પુષ્કળ પ્રમાણમાં હતા, અને બંગાળીમાં જેમ ‘વટ’ પરથી નામ બને ‘વટતલા’ કે ‘કદમ’ પરથી ‘કદમતલા’ તેમ ‘અગરુ’ પરથી ‘અગરતલા.’ અગરુનાં વૃક્ષ નીચે આવેલી ભૂમિ. જોકે પૂછતાં ખબર પડી કે આજે એ ઝાડ અહીં નામશેષ છે.

રાત્રે અહીંની કૉલેજના ઘણા અધ્યાપકમિત્રો મળવા આવ્યા. બધા યુવાન મિત્રો. બધા કહે કે ત્રણચાર દિવસ તો રોકાઓ જ રોકાઓ. અમદાવાદથી અગરતલા આમ માત્ર મળવા માટે જ કોણ જવાનું હતું? ભારતના પૂર્વ પશ્ચિમ બે છેડા સમજી લો. બેલાદેવીએ રોટલી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને સતત અફસોસ છે કે મારે માટે કંઈ બનાવી શક્યાં નથી.

પ્રો. પ્રભાસે આવતી કાલે પ્રવાસીઓ માટે જતા એક લક્ઝરી કોચમાં માંડમાંડ મારે માટે એક જગ્યા મેળવી છે. એ સાથે નહીં આવી શકે તેનો વસવસો છે.

રાત્રિના સાડા અગિયાર થવા આવ્યા છે. એકદમ શાન્ત નગર લાગે છે. હવામાં ઠંડી છે. બપોરના એટલો તાપ હતો જાણે આપણે જેઠ મહિનો. અત્યારે એટલી ઠંડી છે જાણે આપણો માગશર.

માર્ચ ૪

વહેલી સવારે અગરતલા શહેરની શાન્ત શેરીઓ વટાવી પ્રવાસી કેન્દ્ર પર પહોંચ્યા. મીનીબસ તૈયાર હતી. દર રવિવારે ઊપડતી હોય છે. અમે અઢાર જેટલા પ્રવાસીઓ હતા. બસમાં નીકળતાં જ ત્રિપુરાની ભૂમિનો પરિચય થવા લાગ્યો. વાંકાચૂંકા અને ઊંચાનીચા માર્ગો. વાંસવૃક્ષોને વિસ્તાર. સૌથી પહેલાં પહોંચ્યા સિપાહિજલાના જંગલમાં. જંગલના એક સૌંદર્યસ્થલ જેવા સ્થળે જઈ બસ ઊભી રહી. જંગલખાતાનો અહીં ડાકબંગલો છે. ટેકરીઓના ઢાળ વચ્ચે ફરતું જળાશય. ટેકરીઓ પર ગાઢ જંગલો. પાણીમાં તેમનું પ્રતિબિંબ પડે. પંખીઓના અવાજો—મોટે ભાગે— અચેના પાખર ડાક—અજાણ્યા પંખીઓનો સ્વર. પણ તેમાં ટીટોડીનો સ્વર પારખી લીધો. એનું દર્શન પણ થયું. જંગલમાં વસંતઋતુનો પ્રભાવ સૌથી વધારે શીમળા પર હતો. અપર્ણ શીમળા બધે ખીલી ઊઠ્યા છે. બીજાં વૃક્ષોએ પણ લીલાં પાન પહેરી લીધાં છે અને ખેરવેલાં સૂકાં પાંદડાંથી ભૂમિને છાઈ દીધી છે. જરા ચાલો એટલે સૂકાં પાંદડાંનો ખરેખર અવાજ ‘અરણ્ય’નો અનુભવ કરાવે.

નજીકમાં જ હરણઉદ્યાન કરવામાં આવ્યો છે, બીજાં પ્રાણીઓને પણ પ્રવાસીઓના દર્શન માટે પાંજરામાં રાખવામાં આવ્યાં છે. એક સર્પધર છે. બસ ત્યાંથી ઊપડી ઉદયપુર-માતાબાડીએ પહોંચી. અહીં નદી ગુમટી—ગોમતી જોઈ. રવીન્દ્રનાથના ‘વિસર્જન’ નાટકમાં જે આવે છે તે ગોમતી. ત્રિપુરેશ્વરી અથવા ત્રિપુરાસુન્દરીના મંદિરે પહોંચ્યા. ટેકરી પર દેવીનું મંદિર છે અને તે એક પ્રસિદ્ધ શક્તિપીઠ ગણાય છે. લગભગ પાંચ વર્ષ પહેલાં બંધાયેલું આ મંદિર અનેક શાક્તોને ખેંચી લાવે છે. બરાબર નીચે કલ્યાણસાગર સરોવરનાં પાણી લહેરાય છે. પગથિયાં ચઢી મંદિરે પહોંચ્યો. દેવીને ચઢાવવા અજ લાવવામાં આવ્યા હતાં. નગારા પર ચોટ પડી, પૂજારી ગર્ભગૃહમાંથી બહાર આવ્યા. એકએક બલિની પૂજા થવા લાગી. વધની થાંભલી પર ડોક ગોઠવી, પૂજા પામેલા શસ્ત્રથી એક પછી એક ડોક અલગ થતી ગઈ, નીકમાં લોહી વહેવા લાગ્યું! દૃશ્ય વધારે વખત જોવું મુશ્કેલ હતું. અહીં આ રીતે જ નરબલિ આપતા હશે. બલિમાંથી દેવીનો ‘પ્રસાદ’ તૈયાર થતો હતો! કદાચ આ મંદિર કે પછી નજીકનું ભુવનેશ્વરીનું મંદિર અને તેની બલિપ્રથા રવીન્દ્રનાથની કિશોરો માટેની કથા ‘રાજર્ષિ’માં છે અને પછી નાટક ‘વિસર્જન’નો મુખ્ય વિષય છે, મારી કિશોરાવસ્થામાં વાંચેલી એ કિશોરકથા એકાએક સ્મરણમાં સળવળી ઊઠી.

પુરાણી રાજધાની ઉદયપુરમાં આવ્યા. અહીંના બજારમાં ‘કિરાતો’નાં દર્શન થયાં. હાટનો દિવસ હતો. કેટલા બધા આદિવાસીઓ! રંગ મુખ્યત્વે ગોરો. મોંગોલ છાપના ચહેરા. તેમની આભૂષણપ્રિયતા તરત દેખાય. કન્યાઓનો પણ નિ:સંકોચ વ્યવહાર, અહીંના બજારમાં ત્રિપુરાની હાથબનાવટની ચીજો પ્રમાણમાં કિફાયત ભાવે મળતી હતી. બપોરનો તડકો આકરો લાગવા છતાં કિરાત દર્શન માટે હું બજારમાં ભમતો રહ્યો. આ બધાં મુખ્ય નગરવસતીઓથી હડસેલાઈ ગયાં છે. પણ તેમણે જાણે પોતાની જીવનરીતિ હજી જાળવી રાખી છે.

દિવસ નમવા માંડ્યો હતો. એક નાના ગામના પાદરમાં થઈ સહેજ આથમણી તરફ ગયા. ત્યાં તે દિગન્ત સુધી વિસ્તરેલું સરોવ૨. આ જ રુદ્રસાગર. રુદ્રસાગરની જળસપાટી શિંગોડાના વેલાઓથી અહીંતહીં છવાઈ હતી. એટલે પવનની લહેરો એ સાગરનાં પાણીને બહુ આંદોલિત કરી શકતી નહોતી. પશ્ચિમ તરફ નજર કરતાં સૂરજનાં કિરણો આંખમાં આવતાં હતાં. ઉત્તરમાં જાણે આખા કિનારાને વ્યાપી લેતી હોય તેમ એક ઇમારત ઊભી હતી. એ પુરાણો નીરમહલ હતું.

અમારે ત્યાં જવાનું હતું. કાંઠા પર પડી રહેલી હોડીઓ લીધી. વેલા વચ્ચે માર્ગ કરતી હોડીઓ ચાલવા લાગી. પેલી ઇમારતનાં કોન્ટુર્સ પ્રકટવા માંડ્યાં. આ બાજુ સૂરજ નમવા લાગ્યો હતો.

કોઈને ખબર હશે કે કેમ, પાસેથી પસાર થતા વેલાને પકડી ખેંચ્યો. તેની સાથે ખેંચાઈ આવ્યાં તેને વળગેલાં શિંગોડાં. બસ, પછી તો હાથમાં વેલો આવવો જોઈએ.

પેલા અતીતની વધારે ને વધારે નજીક અમે જતા હતા. અહા! આ આદિમ પ્રજાઓ વચ્ચે આવી ઇમારત કોણે બંધાવી હશે? માંડુનો જહાજમહલ યાદ આવ્યો. પણ આ ઇમારતની તો લંબાઈ જ જુદી! મહેલનો પૂર્વાર્ધ તો જળની વચ્ચે જ હતો, સ્તંભ પર.

પાણીમાં પ્રતિબિંબ પાડતી ઇમારત હલી ઊઠી. નાવ નાંગરી. સ્તબ્ધતાને ભંગ કરતાં અમારાં પગલાં ચક્રાકાર સીડીઓનાં પગથિયાં પર, અવાવરુ હવડ ઇમારતના ઓરડામાં ઘાસ ઊગી ગયેલી છત પર પડવા લાગ્યાં. અહીં યાત્રિકો પણ બહુ ઓછા આવતા હશે. કેટલેક સ્થળે આક્રન્દવન થઈ ગયું હતું.

ભવ્યતા, પણ જીર્ણ જર્જ૨. રુદ્રસાગરના તટે આથમવા જતા સૂરજના સાન્નિધ્યમાં આનો અનુભવ થતો હતો. ત્રિપુરામાં જંગલ ઓછાં નથી, જળાશય પણ ઓછાં નથી, પહાડીઓ ઓછી નથી, પણ અહીં મહેલ બનાવનારની કલાકલ્પનાને દાદ આપવી પડે! કદાચ ત્યારે આ બધું નિર્જન નહીં હોય…

દૂર છાયાચિત્ર જેવી લાગતી હોડીઓ પરથી તાલબદ્ધ અવાજો આવતા હતા, જાળ ખેંચતા માછીમારોના એ અવાજ હતા. હજી તો સવાપાંચ થયા હતા પણ સૂરજ લાલ બની ગયા. સરોવર, સૂર્ય અને અસ્તમિત અસ્તંગતમહિમા આ મહેલ!

અંધારું થયે અગરતલા પહોંચ્યા. પ્રભાસચંદ્ર કેન્દ્ર પર આવ્યા હતા. કહે ચાલો, પહેલાં અહીંના અખબારીની ઑફિસમાં જઈએ. ‘દૈનિકસંવાદ’ની ઑફિસમાં ગયા. તરુણ સંપાદકો. ચાર પૃષ્ઠનું છાપું નીકળે છે. નાનકડી જગા, નાનકડું પ્રેસ.

અહીં એક સાહિત્યિક સંસ્થા છે — ત્રિપુરા રવીન્દ્ર પરિષદ, આજે એમની સભા હતી. ત્યાં થોડીવાર માટે ગયા. ત્રિપુરાની બંગાળી સાહિત્યિક ગતિવિધિનું આ સંસ્થા કેન્દ્ર છે. ‘ભાસ્કર’ નામે સંસ્થાનું મુખપત્ર છે. એકબે સાહિત્યકારો સાથે પરિચય થયો. એક કવિ-અધ્યાપક મિહિર દેવ અને બીજા કાર્તિક લાહિરી. મિહિર દેવે તેમનો કાવ્યસંગ્રહ ‘બાંગ્લાદેશ-સ્વદેશઓ અમિ’ મને આપ્યો. મિહિર દેવ વિજ્ઞાનના અધ્યાપક છે, તરવરિયા સ્વભાવના. કાર્તિક લાહિરી નવલકથાકાર છે, પ્રયોગશીલ. તેમની નવલકથા ‘સહદેવેર જીવનયાપન વા દિનગત પાપક્ષય’માં તેમણે ભાષાનો વિશિષ્ટ ઉપયોગ કર્યો છે. એક વિવેચકે એનો ભાષા-વૈજ્ઞાનિક અભ્યાસ પણ કર્યો છે, પરંતુ ત્રિપુરાના બંગાળી સર્જકોનું કહેવું છે કે બંગાળી સાહિત્યના મુખ્ય પ્રવાહમાં તેમને સ્થાન મળતું નથી. ‘કલકત્તાવાળા’ તેમને ગણતરીમાં લેતા નથી. એક પ્રોફેસર મલ્લિક પણ મળ્યા. તેમને ઘેર લઈ ગયા. નાટક રજૂ કરવાની તેમણે વિશિષ્ટ શૈલી નિપજાવી છે. તેઓ તેને ‘છબિનાટક’ કહે છે. શેરીમાં, નાનકડા જૂથ વચ્ચે એનો પ્રયોગ થાય. મોટી સાઇઝનાં થોડાંક ચિત્રો હોય—ઘટનાનુક્રમે આલેખેલાં. એક ચિત્ર ઉપાડી દર્શકો સામે ધરવાનું—તેની વાત કરી, બીજું ચિત્ર ઉપાડવું — એમ ક્રમશ: અનેક ફીંડલાં ઉકેલી તેમણે પોતાનો પ્રયોગ બતાવ્યો. મોડી રાતે ઘેર પહોંચ્યા. દરમ્યાન તો કેટલી બધી આત્મીયતા હું પામ્યો હતો.

આવતી કાલે તો મારે જવાનું છે. અહીંથી ઇમ્ફાલ, જો મારે બસમાગે કે રેલમાર્ગે જવું હોય તો અગરતલાથી ધર્મનગર ૨૦૦ કિ.મી. બસ મારફતે જવું પડે. ધર્મનગરથી લુમ્ડિંગ ૧૭૨ કિ.મી. ટ્રેનથી, (પ્રો. પ્રભાસે કહ્યું કે તે જગતની સૌથી ધીમી ટ્રેઇન હશે!) લુમ્ડિંગથી ગાડી બદલી ડિમાપુર, ડિમાપુરથી ઇમ્ફાલ પાછી બસ. એટલે અહીંથી વિમાનમાં સિલ્ચર થઈ ઇમ્ફાલ જવા વિચારી લીધું છે.

અગરતલામાં બેત્રણ દિવસ વધારે રહ્યો હોત તો? એવો વિચાર આવે છે. પ્રભાસચંદ્રે શરૂઆતના પત્રમાં જ લખ્યું હતું કે અગરતલા પાસે તમને આપવા ખાસ કૈં નથી, પણ અઠવાડિયું રોકાવાય તેમ આવજો પણ…

હજી કાલ બપોર સુધી તો અહીં છું.