પૂર્વોત્તર/દેશાટનને મિષે


દેશાટનને મિષે

ભોળાભાઈ પટેલ

દેશાટનના લાભાલાભ વિષે નિશાળમાં એક નિબંધ લખવાનો આવતો. દેશ + અટન એમ સંધિ છૂટી પાડી દેશાટન પદને અર્થ— પદાર્થ કહી નિબંધ લખવાની શરૂઆત કરતા. દેશાટન વિષેની એક કવિતા પણ—કદાચ દલપતરામની—ત્યારે ભણવામાં આવેલી; પરંતુ તે સમયે દેશાટન પદ અને પદાર્થ સાથે કોઈ પ્રત્યય-પ્રતીતિબોધ જોડાયો નહોતો. પછી ખરેખરું અટન કરીને એક નિબંધ લખેલો ‘ચિતોડગઢની યાત્રા.’ શ્રી સોપાનના તંત્રીપદે ચાલતા તે વખતના ‘અખંડાનંદ’માં તે અસ્વીકૃત થયેલ.

પણ તેથી કરી ભ્રમણલાલસાને આંચ આવી નહોતી. સમયે સમયે નાનાંમોટાં ભ્રમણો થતાં રહ્યાં; પરંતુ અહીં દેશના જે

ભૂ-ભાગનું ભ્રમણ છે, તે ભૂ-ભાગ ભાતીગળ એવા આપણા દેશમાં ય વિશેષ ભાતીગળ છે. ભ્રમણવૃત્તમાં ક્યાંક લખ્યું છે તેમ, એક્ઝોટિક, એન્ચાટિંગ, ફૅસિનેટિંગ, ફેબ્યુલસ…

પૂર્વોત્તર એટલે આમ તો ઈશાન. શ્રી ઉમાશંકર જોશીએ ‘ઈશાન ભારત’માં તેમની આ પ્રદેશની યાત્રાનો અતીવ રસપ્રદ અને રોમાંચકર આલેખ આપ્યો છે. આ ‘પૂર્વોત્તર’માં માત્ર ઈશાન ભારત નથી, તેમાં થોડુંક પૂર્વ—ઓડિશા-બંગાળ—છે, પણ ઝાઝેરું તો પૂર્વોત્તર છે.

ખરેખર તો, પૂર્વોત્તરના સાતપ્રદેશની ‘સાત ભણિ’ (બહેનો)ની વાત અહીં હોવી ઘટે. આ સાત ભણિ તે અસમ ઉપરાંત ત્રિપુરા, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, અરુણાચલ અને મેઘાલય. તેમાં અસમને થોડું બાદ કરતાં આ સમગ્ર બંધુર પ્રદેશ મૂળ આદિમ જનજાતિઓને છે. સુનીતિકુમાર ચેટરજી આ જાતિઓને કિરાતોના વર્ગમાં મૂકે છે. એટલે એક રીતે આ કિરાતપ્રદેશ છે.

કિરાતપ્રદેશના આ વૃત્તાન્તમાં મિઝોરમ અને અરુણાચલ રહી ગયાં છે. આજે તેના જેટલો વસવસો છે, તેટલો તે વખતે હોત તો ત્યાં જતાં જતાં રહી ન ગયો હોત. પરિણામે ‘સાત ભણિ’માંથી અહીં પાંચની વાત આવી શકી છે. જોકે ઓડિશા અને કલકત્તા-બંગાળ આવવાથી સંખ્યા તો ‘સાતની સાત’ રહે છે. આ ભ્રમણ અને તેના વૃત્તમાં અચાનકનું આ જોડાણ મને ખૂબ ઇષ્ટ લાગ્યું છે, કેમકે પેલી પૂર્વોત્તરની બહેનો આ દેશની અન્ય ‘બહેનો’ સાથે જોડાયા કરતાં, નહીં જોડાયેલા હોવાનો, વછેટાયા હોવાનો ભાવ વધારે અનુભવે છે. એક એકમ તરીકેની મારા વૃત્તની એકાત્મતાને ભોગે પણ આ જોડાણ ક્યાંથી?

મારા આ તર્કમાં કોઈને ચતુરતા લાગે. પણ કોણ જાણે કેમ પહેલેથી જ આ સમગ્ર વિસ્તાર આ વિશાળ ભારત ઉપખંડમાં ભૌગોલિક રીતે જ નહીં, ભાવનાત્મક રીતે જાણે ખૂણામાં પડી ગયો છે. દેશના વિભાજન પછી તો આ વિસ્તારની સ્થિતિ અતીવ વિચિત્ર થઈ છે. વચ્ચે આવી ગયું પૂર્વ પાકિસ્તાન, હવે બાંગ્લાદેશ. એક બાજાુ તિબેટ-ચીન,એકબાજાુ બર્મા… માત્ર ઉત્તર બંગાળની એક સાંકડી પટ્ટીથી આ વિસ્તાર દેશ સાથે જોડાયેલો છે. ભાવનાત્મક રીતે પણ આ દેશના મુખ્ય પ્રવાહથી અલિપ્તતાનો ભાવ જોવા મળે, દેશથી અલગ સ્વાયત્ત થવાની માગણીઓ રહી રહીને આ વિસ્તારને અશાંત કરતી રહી છે. થાગડથીગડ સમાધાનોથી ચલાવી લેવાય છે. નઘરોળ રાજકારણીઓને બધું કોઠે પડી જાય છે. સામાન્ય નાગરિકો આમાં કંઈ કરી શકે તો શકે. તેમાં એક ઉપાય તે દેશાટન.

અલબત્ત મારું અટન આવા કોઈ ભાવાત્મક ખ્યાલથી થયું નથી. આ તો પશ્ચાત્‌વર્તી વિચાર છે. હું વિશેષે તો મારી ભાવરુચિ સાથે ભમવાની વૃત્તિથી ત્યાં ભમ્યો છું.

‘પૂર્વોત્તર’માં દેશાટનનું વૃત્તાંત છે; પરંતુ એનું સ્વરૂપ ડાયરી-જર્નલનું છે. એ ખરું કે અહીં જે રૂપમાં છે તે રૂપમાં બધી વિગતો તે વખતે ભરાઈ નહોતી; પરંતુ આ સમગ્ર વૃત્તના આધારરૂપ તે પ્રવાસ દરમ્યાન ટપકાવેલી રોજનીશી છે. તેમાં કેટલાંક ટપકણો તો ચાલતી ગાડી, બસ, વિમાન, ટ્રક કે હોડીમાં ય કરેલાં છે, કેટલાંક દૃશ્યમાન સ્થળ પર. ઘણીખરી નોંધો તો ઉતારાના સ્થળપર રાતે, મધરાતે કે વહેલી સવારે જાગી જઈને કરેલી છે. એક જાતની તત્ક્ષણતાનો સ્પર્શ એટલે આ વૃત્તમાં કદાચ અનુભવવા મળે.

દેશાટનના આ વૃત્તમાં સાહિત્યની વાત વધારે આવે છે પરંતુ સાહિત્ય સાથે કલા, સંસ્કૃતિ, પ્રકૃતિ અને પ્રજાઓની વાતો પણ ભરપટ્ટે છે. એ બધી વાતો અને વિગતો ઇતિહાસભૂગોળ કે નૃવંશશાસ્ત્રનાં શુષ્ક તથ્ય તરીકે નથી, કેમકે એ બધી વાતો પ્રવાસીની ચેતનામાં સરાબોર થઈને આવેલી છે, એની અભિજ્ઞતાનો એક અંશ બનીને આવેલી છે અથવા એમ કહો કે પ્રવાસીની ચેતના આ તમામના સંપર્કમાં આવતાં જે રીતે રોમાંચિત થઈ છે, એની અભિજ્ઞતા જે રીતે શ્રી-મંત થઈ છે, તેની વાત આ વૃત્તમાં સૌથી મુખ્ય છે. દેશચિત્રણા, ભૂમિચિત્રણા, પ્રસંગચિત્રણા કે વ્યક્તિચિત્રણા ભલે, આ વૃત્ત પ્રવાસીની આંતરચિત્રણા-ઇન્સ્કેપ સવિશેષે તો છે.

૧૯૭૯ના ફેબ્રુઆરી-માર્ચમાં પૂર્વોત્તરના વિસ્તારમાં ફરવાનું થયેલું. તે પછી છએક મહિના વીત્યા ન વીત્યા ત્યાં વિદેશી નાગરિકોના પ્રશ્ને અસમનું અભૂતપૂર્વ આંદોલન શરૂ થયું છે. પહેલાં તે અસમમાં ધરતીકંપ જેવડી ઘટના બને કે બ્રહ્મપુત્ર પાગલ બની જાય ત્યારે ઘણાખરા દેશવાસીઓના ચિત્તમાં નોંધ લેવાતી. આજે? આજે અસમનો પ્રશ્ન સમગ્ર દેશનો પ્રશ્ન છે. આંદોલિત અસમને દેશે જાણ્યું. જાણ્યું ખરું પણ માત્ર રાજકીય રીતે જ. અસમની સંસ્કૃતિ, સાહિત્ય, પ્રજા સૌ અન્ય રાજ્યોની તુલનામાં હજી ઓછાં જાણ્યાં છે.

આંદોલનના આ દિવસો દરમ્યાન અસમિયા નવલકથાકાર વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને તેમની નવલકથા ‘મૃત્યુંજય’ માટે જ્ઞાનપીઠ ઍવોર્ડ મળતાં સાહિત્યના નકશા પર અસમનું નામ પણ ચમક્યું, વીરેન્દ્રકુમારને અભિનંદનનો પત્ર લખ્યો. આભાર માનતાં ઉત્તરમાં તેમણે લખ્યું, ‘અત્યારે તમારે અસમ આવવું જોઈએ…’

પણ જવાયું નહીં.

અસમિયા કવિતાઓ ગુજરાતીમાં ઉતારતો હતો, ગુજરાતીમાં તેનો સંચય પ્રકટ કરવા. (હવે ‘સમકાલીન અસમિયા કવિતા’ નામથી ગંગોત્રી ટ્રસ્ટ તરફથી ‘નિશીથ પુરકાર ગ્રંથમાળા’માં પ્રકાશિત.) કવિ નીલમણિ ફુકને પોતાની કવિતાઓના અનુવાદની અનુમતિ આપતા પત્રમાં લખ્યું—‘‘અમારી મઢૂલીમાં તમારું આવવું એક હમેશની મધુર લીલી યાદ બની ગઈ છે… અસમિયા કવિતાનો સંચય કરો છે એ ખરે જ મહત્ત્વનું કાર્ય છે. અસમની કરુણ સ્થિતિથી અને બ્રહ્મપુત્રની ખીણની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાથી તમે પરિચિત છો. દેશના મોટાભાગના લોકો તેનાથી અજાણ્યા છે અને અત્યાર સુધી ઉપેક્ષાભાવ સેવી રહ્યા છે. અસમના લોકો તમારા અને શ્રી ઉમાશંકર જોશીના કૃતજ્ઞ રહેશે…’’

પત્રનો ભાવ મુખ્યત્વે તો અસમ પ્રત્યે સેવાતી ઉપેક્ષા અંગે છે. સાહિત્યિક-સાંસ્કૃતિક આદાનપ્રદાન તેમાં સહાયક બની શકે. દેશાટનનો આ ય લાભ. બલકે મારે માટે તો તે મુખ્ય હતો.

અસમનું આંદોલન તો ચાલતું જ હતું ત્યાં ૧૯૮૦ના એપ્રિલ-મેમાં ઈમ્ફાલમાં તોફાનો ફાટી નીકળ્યાં, મણિપુરમાંથી ‘મૈતઈ’ સ્થાનિક મણિપુરીઓ સિવાયના લોકોને ત્યાંથી હાંકી કાઢવા. એથ્નોસેન્ટ્રિક (સ્વસંસ્કૃતિરત) અતિવાદીઓએ તો ત્યાં સુધી જઈ કહ્યું કે વૈષ્ણવ ધર્મ મણિપુરનો ધર્મ નથી, બહારથી તેના પર લાદવામાં આવ્યો છે!

અને ત્રિપુરા? ઈમ્ફાલનાં તોફાનો તો હજી શમ્યાં નહોતાં ત્યાં તો નરસંહારની પૈશાચિક લીલા ખેલાઈ. તા. ૮, ૯ જૂનના દિવસોમાં ઘટેલી ત્રિપુરાના મંડાયી ગામની લોહી થિજવી દે તેવી ઘટનાની કથની તો અગરતલાથી મિત્ર પ્રભાસ ધરે લખ્યું—‘‘દિવસો જતાં કદાચ આ ઘા ભરાઈ જશે, પણ બંગાળીઓ અને અહીંના આદિવાસી જનો વચ્ચે પારસ્પરિક ઘૃણા અને અવિશ્વાસનું ચાઠું હમેશ માટે રહી જશે.’’

મિઝોરમનો પહાડી વિસ્તાર પણ અલગતાવાદી બળોથી અશાન્ત છે. મણિપુરમાં પીપલ્સ લિબરેશન આર્મિ (પીએલએ) અને મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટ (એમ એન એફ) અને નાગાલૅન્ડમાં વિદ્રોહી ભૂગર્ભ નાગાઓની લગાતાર હલચલોના સમાચાર વાંચી થાય છે, શું થયું છે ઈશાન ભારતને? એ માત્ર ઈશાન છે અને ભારત નથી? યુએસએ—યુનાઇટેડ સ્ટેટસ ઑફ અસમની હવામાં વહેતી વાતોને એકદમ હસી કઢાતી નથી.

છાપામાં વાંચું છું અને વિચારું છું, આમ કેમ? રાજકારણમાં મારી ગતિ નથી, પણ દેશકારણમાં પ્રીતિ તો અવશ્ય હોય. હું મારો દેશ શોધું છું, ક્યાં છે? ક્યાં તો આ પ્રદેશની સુંદર પ્રકૃતિ અને પ્રજા અને કાં તો આ સૌ સમાચાર! આજના જ છાપામાં સમાચાર વાંચું છું—‘‘બ્રહ્મપુત્ર અને તેની શાખાઓમાં ભારે પૂર આવતાં અસમના પાંચ જિલ્લાઓમાં પાણી ફરી વળ્યાં છે…’’ એ જ પાના પર વાંચું છું — ‘‘અખિલ અસમ છાત્ર પરિષદે એવી ધમકી ઉચ્ચારી હતી કે વિદેશીઓના પ્રશ્ન સરકાર અને આંદોલનકારો વચ્ચે ચાલતી વાટાઘાટોનો જો બે દિવસમાં સફળ ઉકેલ નહીં આવે તો સમગ્ર અસમમાં ઉગ્ર આંદોલન શરૂ કરાશે. અસમની જનતાની લાગણીઓની નિષ્ઠુર અવગણનાને વધુ સમય સાંખી લેવાશે નહીં…’’ ઘડીભર તો થાય છે કે બ્રહ્મપુત્ર ખીણનું એક રૂપ જોયું છે, આ બીજું રૂપ જોવા પહોંચી જાઉં. પણ ક્યાં? — ભોળાભાઈ પટેલ જુલાઈ ૨, ૧૯૮૧ આષાઢસ્ય પ્રથમ દિવસે