પૂર્વોત્તર/પૂર્વરંગ


પૂર્વરંગ

ભોળાભાઈ પટેલ

એમ તો દેશના કયા ભૂભાગ પર જવાનું નથી ગમ્યું? પણ એક દિવસ સાહિત્ય અકાદેમીનો પત્ર આવ્યો. તેમાં મારી ઇચ્છામાં આવે તે ભારતના એક ભૂભાગમાં સાહિત્યિક-સાંસ્કૃતિક ભ્રમણ માટે અનુદાન આપવાની વાત હતી. સ્વાભાવિક જ હતું કે મને ખૂબ હર્ષ થયો. ભ્રમણ માટે મેં ભારતનો પૂર્વોત્તર વિસ્તાર પસંદ કર્યો.

આ પૂર્વોત્તર એટલે અસમ, અરુણાચલ, નાગાલૅન્ડ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા વિસ્તાર — ‘સાત ભણિર’ — સાત બહેનોનો દેશ. એક રીતે બૃહત્ અસમ. ભારતનો આ વિસ્તાર બાંગ્લાદેશની પેલે પાર છે. ઉત્તરમાં એક સાંકડી પટ્ટીથી તે ભારત સાથે જોડાયેલો છે. કામરૂદેશ તરીકે ઓળખાતા આ વિસ્તારનું કામણ અને કૌતુક હમેશાં રહ્યાં છે. અસમ મારે માટે જાણે લાંબા સમયની ‘પુકાર’ હતી.

શ્રી ઉમાશંકર જોશીના ‘ઈશાન ભારત’ પુસ્તકે એ પ્રકારની તીવ્રતા વધારી મૂકી. થતું હતું ક્યારે એ વિસ્તારમાં જવા મળે! એટલે પસંદગી કરવામાં અવઢવ નડી નહીં. તેમાં વળી અસમિયા કવિતાનો પરિચય પણ કૈંક કેળવેલો. એવી એક ઇચ્છા કરી હતી કે અસમિયા કવિતાનો એક સંચય ગુજરાતીમાં લાવવો.

મારે પ્રવાસનો કાર્યક્રમ તૈયાર કરવાનો હતો. ક્યા દિવસે કયા ગામમાં હોવાનો એ નક્કી કરવું જરૂરી હતું. તો જ સાહિત્ય અકાદેમી સ્થાનિક સાહિત્યિક સંસ્થાઓને મારી યાત્રા વિષે જણાવી શકે અને તો જ ત્યાંના સાહિત્યકારો સાથે મિલન-મુલાકાત થઈ શકે.

શ્રી ઉમાશંકરભાઈની મેં મદદ માગી. તેમની મદદથી યાત્રાનો તારીખ-સ્થળવાર નકશો લગભગ તૈયાર કર્યો. કેટલેક સ્થળે અનુકૂળતા મળે માટે તેમણે પત્રો પણ લખ્યા. અસમિયા કવિતાના સંચય માટે અને ગુવાહાટી આદિ વિસ્તારોમાં સાહિત્યકારો સાથે મેળાપ કરી આપવામાં મદદરૂપ થવા શ્રી વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યને ખાસ લખ્યું. તેમણે એ પણ સૂચન કર્યું કે ર૫મી ફેબ્રુઆરી ૧૯૭૯ના દિને ભુવનેશ્વરમાં સાહિત્ય અકાદેમીનાં પારિતોષિકો આપવાનો સમારંભ છે, તેમાં હાજર રહી શકાય તો દેશના બધી જ ભાષાના સાહિત્યકારોને—ભલે એક-એક-બબ્બેની સંખ્યામાં પણ—મળવાનું થાય. આ સૂચન તો અતિ ઉત્તમ હતું.

એકવીસમી ફેબ્રુઆરીએ નીકળું તો ઓડિશામાં મને ચાર દિવસ મળે. ત્યાંથી પછી કલકત્તા ચારેક દિવસ. કલકત્તાથી ત્રિપુરા, મણિપુર, નાગાલૅન્ડ થઈને અસમમાં પ્રવેશ એમ કાર્યક્રમ નિશ્ચિત કર્યો. ઇચ્છા છતાં મિઝોરમ અને અરુણાચલ સમાવી શકાયાં નહીં, પણ બંગાળ અને ઓડિશા આવતાં સાતની સાત બહેનો રહી.

અકાદેમીને તે પ્રમાણે જણાવી દીધું. તે પછી આ સૌ પ્રદેશો વિષે, પ્રજાઓ વિષે યથાપ્રાપ્ય સામગ્રી ઉથલાવવાનું શરૂ કર્યું. નાગાલૅન્ડમાં પ્રવેશ માટે અનુમતિ લેવી પડે છે. ત્યાંના કમિશનરને પત્ર લખ્યો. કિશોર જાદવ ત્યાં હતા એટલે તેમની ય આ બાબતે સહાય મળવાની જ હતી. કલકત્તામાં બંગાળી સાહિત્યકારોને મળવું હોય તે શ્રી શિવકુમાર જોષી સેતુરૂપ બને તેમ હતા. તેમને ય અગાઉથી પત્ર લખ્યો.

અને એમ કરતાં કરતાં એકવીસમી ફેબ્રુઆરીની સવાર આવી પહોંચી…