પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ

Revision as of 10:15, 16 July 2021 by KhyatiJoshi (talk | contribs)
સુમન શાહ

ગુજરાતીના નિવૃત્ત પ્રાધ્યાપક. આધુનિક અને અનુ-આધુનિક સમયગાળામાં પ્રવૃત્ત મહત્ત્વના વિવેચક, મૂળે સુરેશ હ. જોષીના વિદ્યાર્થી. વડોદરા યુનિવર્સિટીની તેજસ્વી વિદ્યાર્થી પરંપરામાંના એક એવા અભ્યાસી જેમણે વિદ્વાન વિવેચકોની હરોળમાં પોતાનું સ્થાન જમાવ્યું. ‘સુરેશ હ. જોષી’ના સમગ્ર સાહિત્યકાર્યને કેન્દ્રમાં રાખી સંશોધનલક્ષી સ્વાધ્યાય રજૂ કરીને પીએચ.ડી.ની પદવી મેળવેલી. એમનો આ સંશોધનગ્રંથ ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ ખાસ્સો ચર્ચામાં રહેલો. રૂપરચનાવાદ, સંરચનાવાદ તથા નવ્યવિવેચન અને કૃતિનિષ્ઠ વિવેચનામાં સવિશેષ રસ. જરાક નોખાં શીર્ષકોવાળા એમના ગ્રંથો સાહિત્યવિચાર તથા અભ્યાસનિષ્ઠા બાબતે વધુ ધ્યાન ખેંચે છે. ‘નવ્ય વિવેચન પછી–’, ‘ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો’ તથા ‘સંરચના અને સંરચન’ ઇત્યાદિએ વિવેચનની આબોહવા બદલવામાં ખાસ્સો ભાગ ભજવેલો. અધ્યયન અને અધ્યાપનમાં સતત સક્રિય અને સજ્જતા બાબતે સભાન રહીને પોતાના સમયમાં ‘ભાષા સાહિત્યના અધ્યાપન’ ક્ષેત્રે ધ્યાનપાત્ર પ્રવૃત્તિઓ કરતા રહ્યા છે. વિભાષી કૃતિઓના અનુવાદો પણ આપતા રહ્યા છે. વિવેચક છે એવા જ સજાગ, જવાબદાર સર્જક છે. નવલકથા, વાર્તા, નિબંધ અને કવિતા લખ્યાં છે. છેલ્લા બેઅઢી દાયકાથી ટૂંકી વાર્તામાં ધ્યાનપાત્ર સર્જન કરવા સાથે સુ. જો. સા.ફો.ની વાર્તાશિબિરો દ્વારા નવી પેઢી સાથે ‘વાર્તામંથન’ કરી રહ્યા છે. ‘શબ્દસૃષ્ટિ’ તથા ‘ખેવના’ના તંત્રી/સંપાદક હતા. યુરપ તથા અમેરિકામાં પણ સાહિત્ય વિશેનાં વ્યાખ્યાનો આપ્યાં છે.

ચાર કવિઓ વિશે એક જુદી વાત

સુમન શાહ

(હરીશ મીનાશ્રુ, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ તથા બાબુ સુથારની કવિતા વિશે) મને સોંપાયેલા ૪ કવિઓમાંના પ્રિય હરીશ, પ્રિય વિનોદ, પ્રિય મણિલાલ, અનુપસ્થિત છતાં ઉપસ્થિત બાબુ સુથાર, ‘પ્રતિપદા’ના સૌ આયોજકો, બીજા કવિમિત્રો અને સૌ સભાજનોઃ થોડી રમૂજથી પ્રારમ્ભ કરુંઃ આ ઉત્સવ છે, કવિતાનો ઉત્સવ છે, સરળ મનાતી અનુ-આધુનિક કવિતાનો ઉત્સવ છે, ઉત્સવ છે છતાં આયોજકોએ એને એકદમની કડક શિસ્તમાં બાંધ્યો છે. જડબેસલાક બંદોબસ્ત છે. સૌથી મોટો બંદોબસ્ત વક્તા બાબતે છે. કોઈપણ કાર્યક્રમની સુકલ્પિત સફળતાનો મૂળાધાર વક્તાઓ હોય છે એ વાતની આયોજકોને પાક્કી ખબર છે. એમને ડર છે કે વક્તા ઉત્સવરત થઈ જાય, ફૅસ્ટિવ, સ્વૈરમતિએ લીલામય થઈ નાચતો-ગાતો થઈ જાય, તો શું થાય. તેથી એમણે વક્તાઓને બરાબ્બરના બાંધ્યા છે. જુઓ, નિમન્ત્રણની સાથે જ ચતુર્વિધે બાંધ્યા છેઃ સૌથી મોટું સમયબન્ધન છેઃ ૩૦ મિનિટ. એટલે કે મૉંઢાં બાંધ્યા છે. બીજું છે, સામગ્રીબન્ધનઃ એટલા સમયમાં માત્ર ૪ કવિઓનાં માત્ર ૮૬ કાવ્યો વિશે બોલવાનું છે! બાથ ભીડી બતાવવાની છે. ત્રીજું, પસંદગીબન્ધનઃ આ કાવ્યો કવિઓએ પોતે પસંદ કરેલાં છે. એટલે કે વક્તાની સમ્પાદનપ્રવણ દૃષ્ટિમતિને, યોગ્યને ચૂંટી શકતી આંગળીઓને પણ પકડમાં લીધી છે. ચૉથું બન્ધન છે, વક્તવ્યનીતિરીતિબન્ધનઃ એ માટે ૪-૫ મુદ્દા આપ્યા છે. તેને ધ્યાનમાં રાખી તેના વશમાં રહી બોલવાનું છે. એટલે કે વક્તાના મગજને પણ આયોજકમનવાંછિત ફ્રેમમાં જકડી લેવાયું છે. આ વાસ્તવિક વીગતોના આધાર પર મને મારે વિશે એક અતિવાસ્તવિક કલ્પના થાય છેઃ જાણે કે આયોજકોએ મને નિમન્ત્રણ આપીને ફાંસીએ ચડાવ્યો છે! જોકે પણ એટલે, ફાંસીની કુટિલ નીતિ અનુસાર મને આભાસી પ્રેમભાવથી પૂછાઈ પણ રહ્યું છે – બોલ તારી છેલ્લી ઈચ્છા શી છે...? મને છોડી મૂકો નામની છેલ્લી ઇચ્છાને ફાંસીવાળા ક્યારેય માન્ય નથી રાખતા એ જાણું છું એટલે વ્યવહારુ ઇચ્છા છે કે મને સમયબન્ધન સિવાયનાં તમામ બન્ધનોથી મુક્ત કરો. એ હું જાળવીશ – અને જો ન જાળવું, ૩૦ મિનિટને વટી જઉં, તો પછી મારું જે કરવું હોય એ કરજો!