પ્રતિપદા/ભૂમિકા

ભૂમિકા

મણિલાલ હ. પટેલ

  • ‘પ્રતિપદા’ ગ્રંથ સત્તર અનુઆધુનિક કવિઓની પ્રતિનિધિ કાવ્યરચનાઓ તથા એ કવિતા વિશે પ્રવર્તતી લાક્ષણિકતાઓ તથા એમાં પ્રતીત તથાગુણવિશેષોની માંડીને વાત રજૂ કરે છે.
  • એક નિમિત્તમાંથી આ સંચય-ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. આપણા અગ્રણી કવિ શ્રી હરીશ મીનાશ્રુને દિલ્હી અકાદમીએ છ માસ માટે (એક સર્જકને અપાતી) ‘રેસીડેન્સી’ સન્માન આપેલું. એ નિમિત્તે મળેલા ‘માનધન’ને કવિએ અનુ-આધુનિક કવિતા મહોત્સવ માટે સમર્પિત કરવાની અભિલાશ વ્યકત્‌ કરેલી.
  • એ સંદર્ભે ૨૦૧૫ના પ્રારંભે, એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના યજમાનપદે, બે દિવસ – ચાર બેઠકો યોજીને કાવ્યમહોત્સવ સમ્પન્ન કરવામાં આવેલો. એક બેઠકમાં ચાર કવિઓ નિરાંતે પોતાની કવિતા વાંચે અને એક વિવેચક એ ચારેયની કવિતા વિશે માંડીને વાત કરે. આ રીતે થયેલ પઠન અને સમીક્ષાની વિડીયોગ્રાફી પણ થયેલી. અહીં આ ગ્રંથના આરંભે પ્રો. મણિલાલ હ. પટેલે ૪૭ પાનાંમાં અનુઆધુનિક કવિતાની ભૂમિકા, એનાં વલણો અને કવિઓની કવિતા વિશે સદૃષ્ટાંત ચર્ચા કરી છે. ઉપરાંત ગ્રંથને અંતે ચારેય બેઠકના સમીક્ષકો : સુમન શાહ, રમણ સોની, શિરીષ પંચાલ અને અજયસિંહ ચૌહાણની સમીક્ષાઓ પણ સમાવી છે.
  • આ ગ્રંથમાં સમાવિષ્ટ સત્તર કવિઓ : હરીશ મીનાશ્રુ, જયદેવ શુક્લ, યજ્ઞેશ દવે, વિનોદ જોશી, મણિલાલ હ. પટેલ, દલપત પઢિયાર, ભરત નાયક, કમલ વોરા, મનોહર ત્રિવેદી, નીરવ પટેલ, કાનજી પટેલ, જયેન્દ્ર શેખડીવાળા, બાબુ સુથાર, ઉદયન ઠક્કર, સંજુ વાળા, રાજેશ પંડ્યા અને મનીષા જોષી! ૩૫૦ પાનાંનો આ વિશિષ્ટ ગ્રંથ અભ્યાસીઓ અને કાવ્યરસિકોને ઘણો ઉપયોગી થઈ રહ્યો છે.