પ્રતિપદા/૧૧. કાનજી પટેલ

૧૧. કાનજી પટેલ

કાવ્યસંગ્રહોઃ

જનપદ, ડુંગરદેવ અને ધરતીનાં વચન.

પરિચય:

હપટલાઈ ભૂંસી નાખેલી સ્નિગ્ધ જીભે કિરાતિની કવિતા ઉચ્ચારતા જાનપદી કવિ. વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક, હાલ નિવૃત્ત, હાડે પરાઈ પીડના જાણતલ કર્મશીલ, એમની પીડાઓનો ઉદ્ઘોષક. વનવાસી-જીવનનાં આશા, ઉમેદ ને ઉમંગોની પડખે એની પીડાનાં ચચરતાં રૂપો પણ એમની ભીલોડી કવિતામાં ચિતરાયાં છે. લગભગ ‘માંડી વાળેલા વિચરતા વિમુક્ત આદિસમૂહો’ને અરૂઢ અક્ષરમાં માંડવા બેઠા છે. શક્ય છે, જાનપદી ને કિરાત પદાવલિથી અજાણ્યા ભાવકને એની સંદિગ્ધતા જરા મૂંઝવે પણ ખરી. આ કવિનો કાવ્યપાઠ એની સંદિગ્ધતાને જરાક પારદર્શક બનાવી મૂકે છે. કવિતા અને લૌકિક વિધિની વિલક્ષણ સંયુતિ જેવા ‘વહી’ સામયિકના અંકો એમની જીવનલક્ષી ને સાહિત્યલક્ષી પ્રાથમિકતાઓના પુરાવા આપે છે. વર્ષોથી કલેશ્વરીના આદિવાસી મેળાની નવી અર્થપૂર્ણ ટેકસ્ટ રચવા મથી રહ્યા છે. ‘ગદ્યપર્વ’ના સંપાદનમાં ભરત નાયકના સાગરિત, ભારત ભાષા લોક સર્વેક્ષણ(PSLI)માં ગુજરાતની ભાષાઓ વિષેના અંગના સંપાદક. કાવ્યપાઠ અને વક્તવ્ય નિમિત્તે સ્વીડન અને જર્મનીના સાહિત્યિક પ્રવાસો કર્યા છે. થોડીક લઘુનવલો ને નવલિકાઓ પણ લખી છે.

કાવ્યો:

૧. અરજી

તાડ પાંદડું ગોળ વળ્યું કે પીહો
તુંબડાનો તંબૂરો
વાંસમાં પેઠી ડગળી ને વાંસળી
ગટલીની જીભી ઘસી કે પીહી
ઢોર શીંગનું વાજુ
વીરવણ ઘાસનો મોર ગૂંથ્યો
બીન પર લાગ્યું મધ મીણ
ને મહુવર કાળબેલિયા
થાળી વગાડવાની
એમાં જ ખાવાનું
આ તો જબરું જ કે?
હસતાં રમતાં અમે થાનકે પહોંચ્યાં
બોલ્યાંઃ દૂધ કોદરી ધાન આલજે
પોલા નૈયે હરો આલજે
ખળે ધાનને વહેંચ ખાઈએ
વસ્યા ઘાનથી કોઠી ભરીએ
મન મેલીને ઢોર ધરબીએ
ઠંડા જળથી કોઠો ઠારીએ
ગોવાળ કૂદશે મહુડે
માથા પર જંગલના પંખીનાં પીંછાં
આપણે સહુ ઝાડીમાં ખીલશું
હળ્યા મળ્યાના જુહાર લેશું
માડી,
આ ઝાડી, કોતરનાં પાણી, મેદાન
જનાવર, મનખાના મેળા
અમ્મર તો રાખીશ ને?
આકાશ ના લઈ લેતી પાછી
અમારે અજવાળુંય જોઈશે
ઉપરથી પવન પણ જોઈએ.

૨. શરીરની ખબર છે?

પહેલાંથી જાગે છે
ડુંગર
ઝાડ જીવડાંથી જીવે છે
કહેવાતી આખી દુનિયા
ડુંગર સામે જાગે છે પહેલાં પછીની થોડી વારથી
આ બે વાત છે
પણ અંદર એક છે
મગરો ડુંગરો દાંતો પર્વત
આંખમાં કણો થઈ પજવે
એ ક્યાંય સમાતો નથી
કાપકૂપ ખાધખોદ મારથાપ કરી
પ્હાણકાઠ ખીણખાણ લેવા રોળ્યો
પોથે, માથે, હાથે, ગાણે, ઘાણે
કારાગારે ઝાલ્યો
કીડીનો મંકોડીનો વાઘનો નાગનો
વાનરનો જણનારો ઠેરવ્યો
ધૂંધથી લઈ ફટકડીએ ફેરવ્યો
ઘેરી ધોળી ઘોઘળે લીધો
સંપત લેવા ખતરોળ્યો
દુઃખ ખોવા કોઈ ડુંગર ખોળે
તપવા, લાભવા લોભ વા લાડ વા
ડુંગરે જવું છે
શી રીતે જવાય?
પગ ઉઘાડા છે?
ભૂખ જાણી છે?
લંગોટી ના-લંગોટી ઠીક છે
શરીરની ખબર છે?
વાણી પારની વાણીનું ભાન છે?

૩. દાદા, ઘૂમર માંડીએ

અંધારામાં દાદો જાગ્યો
પહેલા દાદાએ વડ લીધો
ને એમાંથી સૂરજ બનાવ્યો

પછી બીજા અંધારામાં
મહુડો લીધો
એનો ચાંદો કર્યો
બીજાં ઝાડવાં બધાંથી તારા કર્યા

દાદો રોજ સવાર થાય કે
સૂરજને આકાશે ગોઠવે
રાત પડે કે
ચાંદાને ને તારાને ગોઠવે
ગોઠવતાં ગોઠવતાંમાં દિવસ ઊગી જાય
રોજ આકાશે ચઢી
સૂરજ ચાંદો ને તારા જબરા વાકમ થઈ ગયા

એક સમાજોગમાં દાદો ઊડી ગયો
સૂરજ ચાંદો ને તારા
એકલા ફીક્કા
આકાશે ચઢતા રહ્યા
દનને રાતવરત વારા ફરતી

વળી સમાજોગના મહાજોગમાં
નવો દાદો આવ્યો
ચારે કોર અંધારું
શું કરવું હવે?
એણે વહુ દિકરાને સાદ કર્યો
છેક ઊંડા જંગલમાં એ હતાં
સાદનાં તણાયાં એ ચાલ્યાં
ઊંચકાતાં ગયાં ઊંચે ને ઊંચે
એક થયું ચાંદો ને બીજું સૂરજ
આકાશેથી રાતવરત
ચેકાવેલી કરી છોકરાં એક એક
ઊતરતાં ગયાં ધરતી પર
દાદો તો ઢોયણીમાં આડો પડેલો
છોકરાંએ ઢોયણી ફરતી ઘૂમર માંડી
દાદો ધૂમ્યો
થાકી ઊંઘ્યો
કહું તો જાગે
ધરતી પર જળબૂડ થયું
કે દાદો ઢોયણી સોત જળ પર તરવા લાગ્યો

પાછું અંધારું થયું ને છોકરાં રોવા લાગ્યાં
દાદા, વડ લાવો
દાદા, મહુડો લાવો
દાદા, આપણે ઘૂમર માંડીએ
વાકમ : હોંશિયાર, કવિતાનું બીજ એક આદિવાસી કથામાં છે.

૪. ઢેબરિયાની પાળે

ચાલતી ઝાલી વાટ
ડેરા ઘરબાર ને હાટ
મોં મેળામાં
આપી ને લીધી વાત
બુદ્ધિ બાંધે ત્રાજવાં ને બાટ
હૈયાં ફરતાં ફરતાં આવ્યાં ઊદાપોર
ઢેબરિયાં તળાવ
રાજો કાઢે રૈયતનાં

અવળી ઘાણીએ તેલ
ઢેબરિયાંની પાટ ફૂટું ફૂટું થાય
ત્યાં સંભળાયુંઃ પડું છું પડું છું
એટલામાં
ઢેબરિયેથી નિકળી નાગણમા
કહે
રાજા રાજા,
મારા મોમાં હાથ નાખ
રાજા કહે, મારા રાજનું શું?

મા કહે
રૈયત, મારા મોંમાં હાથ નાખ

ઓ રે આ તો મા
રોજ આપણે ખમકારીએ
બરકતની આપનારી
એને ‘ના’ કહેવાય?

રૈયતે માના મોંમા હાથ નાખ્યા
બહાર કાઢ્યા
સોનેરી, પોલાદી, ધરતીના કસાયેલા
ઝગમગ હાથ

ઢેબરિયાની પાળે અજવાળાં થઈ રહ્યાં

૫. મેળામાં આવજો

ધણીને પહેલવારકો વિચાર આવ્યો
વિચાર ગરમ અંગારો હતો
ગરમીથી અંધારું ઓગળ્યું
અંગારના તણખા અંધારામાં વહી ચાલ્યા
તગતગારાની ગોળ કમાન થઈ
એમ આકાશ થયું
અંધારું અડધું વધેલું હતું એમાંથી રાત થઈ
રાત બોલી : મને શીદ ઘડી?

ધણીએ બીજવારકો વિચાર કર્યો
એમાંથી પંખી થયાં
પંખી નકરું અજવાળું
અહીં ઊડે તહીં ઊડે
ચકચક ચકચક
આખી કમાન ભરાઈ ગઈ
પંખી રમીરમીને થાક્યાં
પંખી પૂછેઃ અમારે બસ રમ્યા જ કરવાનું?
ધણીએ ત્રીજવારકો વિચાર કર્યો
એણે ધરતી પેદા કરી
વન કર્યાં, મેદાન કર્યાં, પર્વત, રણ ને નદી કર્યાં
પંખી આ નવા ઘરમાં રમવા લાગ્યાં
ધરતી પૂછે : અમારે આ જ કર્યા કરવાનું?

ધણીએ ચોથવારકો વિચાર કર્યો
એમાંથી નારી ન નર થયાં
એ હર્યાં ફર્યાં ને થાક્યાં
નરનારીએ પૂછ્યું : બસ આટલું જ અમારે?

ધણીએ પાંચમાવારકો વિચાર કર્યો
એણે ચીકટ પેદા કર્યું
માણસ જાત કરી
વાણી આપી, વહેવાર આપ્યો
માણસે વાણી ને વહેવાર વાપર્યાં
ધણીએ પૂછ્યું : માણસ, તારે બસ આટલું જ?

માણસે કહ્યું : રંગ કરીશું
ખાશું પીશું
ગાશું નાચશું

ધણી કહે : મને એમાં બોલાવશો?
માણસ કહે : મેળામાં આવજો.

૬. બડવાઈ*

શમણામાં વાઘ આવ્યો
બીજા દહાડે નાગ
ખાટલીમાં અધ્ધર ઊડું
એક ઝોળી ઊતરી
ઝોળીએ ઝીલી
ભરી નદીમાં ઉતાર્યો
ચોટલીબૂડ ડુબાડ્યો કાઢ્યો
પાછો રમાડી રમાડી ડુબાડ્યો

જો ઊભલું જો
બેઠલું જો
મરતું ને મારતું જો
આ આ કહેવાય
આ થાનક
આજનું નથી આ
માબાપે બી મેલ્યાં એ વેળાનું છે
ખોળિયે એક લ્હાય
પેઠો રોગ
આ રોગ કેમ જાય?
નદીએ ઊતરું
પાળું
તોડું
એક ટંક
એક અંન
ઊગ્યે બૂડ્યે આ વાયુ ને પવન પૂંજું
ડુંગરા પૂંજું, પૂંજું વાઘ પૂંજું નાગ
ફર્યો, ઠર્યો

ખાટલા પૂર કળ જડી
જાગતાનો ને શમણાનો રાગ ખીલ્યો
ગાઉં
ખળે ખેતરે ચોપાડ પૂંજું પાથરું
ભોગ મેલું
હરો છાંટું
વાયક છોડું
ને
નદી ચાલી
ખોળિયેથી મંદવાડ ગયો
ગાઊં
કે રોગી ઊઠ્યાં ચાલ્યાં
જન જનાવરીયાં દુઃખ ઓઢી લીધાં
લ્હાય મટી
બધું ટાઢું પડ્યું.
* બડવાઈ : ભૂવા વિદ્યા, કવિપણું,
ઋણ : ચૂનિયાભાઈ રાઠવા, છોટા ઉદેપુર

૭. એક ન ઓગળે

માથે મહુડો
ને ટેકરી પરથી પૂર્વજ મારે હાક.
પાંસળાં થાય પાવો
ગલોફાં થથરે
ડુંગર કોબામાં ગાયો આરડે.

વર્ષાથી ઢીમ નાળિયાં
સાથળ સમાણા કળે પગ અમારા
સૂડાનાં પાંદડાં ઊડે આભ
સૂરજ દીવો રાત થાય
કળણથી પગના રોટલા ઓગળે
માટી ભેગી માટી અમે.
માથું રેલાય
અંગોનાં રોડાં ઢોળાય
એક ન ઓગળે આંખની આ કોડી.

૮. દવ

પહેલાં હથેળી જેટલી ભોંયમાં
ભૂકો સળગે
પછી તંગલા ઊંઘતા મજ્જામાં દીવો ચાંપે
ફૂંક અગ્નિ અને ભડભડ
ભેગાં વહે ઘાસ પર
ટીમરું થડમાં તતડાટ
ખાખરાનો રસ છાલ પર આવે
ચરુંણ ચરુંણ
રસ બળ્યાં કાળાં ટપકાં
દવડાય વેલા
ફોલ્લા ફાટે
તાંબાકૂંપળ લબડી લોથ
ઊના પ્હાણ પર ધાણી કીડી
કાળાનીલપીલ લબકતા કરવત સાપ કાપે ચાટે
રાખધૂમમાં જવાળાચામર ઊછળક પાછી આવે
વધે ઘટે અંધારું ઉપર
વણતાં કોઈ સાળકાંઠલો આઘો પાછો
ધૂણે વાયરો
લ્હાય ડુંગરે
કોતરમાં હોંકારા
વન ઊંડળમાં.

આ ટેકરીથી પેલી ટેકરી
હારાદોર તોરણ સળગે
ફૂલ ફગરિયા આગ ટોપલા ઊછળતા
વન આખામાં
સૂકા ભેગું લીલું
મુઆ ભેગું મારે
અક્કડને ઠૂંસાટે
નમતાનાં તોડે ત્રાજવાં
ઘડીમાં ડુંગર ટાલકાં બોડાં.

ઝાડવાં ભોંય ઢળીને ઢગલો
ભેગાં થઈને ઝાઝું બળતાં
હવે માંહ્યલાં મૂળ
ભોંય પણ ધખધખી
ઠેર ઠેર મૂળિયામાં ભઠ્ઠા.

સળગે ચોફેર નારિયેળ
અંદર પાણી ઊનાં
વચમાં થથરે થળાવડી
ને તળિયે ફરકે ફણગો.

૯. લોઢી રાતીચોળ છે

ખાણ કારખાનાં ડામર સડક રોલર
પડખે ચરીમાં કાળાં દોરડાં ભીડવે
ગળી જાય
બાણું લાખ માળવાના ધણીને
પેટમાં ખટાશ ઊલળે છે
પડખેનો યાત્રી
ત્રાંસી નજરે
લંગોટી પાઘડી એંઠી મૂછ
ટૂંટિયું બાઈ વખરીનાં પોટલાં
કરોળતાં બાળને તાકી
ઊભાં ને ઊભાં ધીકાવે છે

બિરસા,૧
જગ દોડ્યો છું
પીંડીઓ તતડે છે
તારો દશમન ગોરો
મારી સામે કાળોગોરો
આ ઘંટુડી ફરતી નથી
કૂકડિયાં ગાણાં ગાઉં છું.
હરો૨ પીઉં છું
ભંગોરિયા૩ મેળે મ્હાલું છું
મોશેટી૪ ના બુંધે જાળાં બાઝ્યાં છે
કથરોટ ખાલી છે
લોઢી રાતીચોળ છે

૧. બિરસા મુંડા – આદિવાસી મહાનાયક ૨. દારૂ ૩. આદિવાસી મેળો. જ્યાંથી યુવકયુવતી પરણવા માટે ભાગી જાય ૪. અનાજની કોઠી