પ્રતિપદા/૪. વિનોદ જોશી

૪. વિનોદ જોશી

કાવ્યસંગ્રહોઃ

પરંતુ, ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને તુણ્ડિલતુણ્ડિકા

પરિચય:

ગુજરાતી ભાષા સાહિત્યના નીવડેલા પ્રશિષ્ટ અધ્યાપક, હાલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં ગુજરાતી વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ. પ્રભાવક વિષયનિષ્ઠ વક્તા, વિનયન શાખાના ડીન. એમની કાવ્યરાશિઃ લોકગીતની રસદીપ્તિથી વિલસતાં ગીતો, સંસ્કૃતવૃત્તબદ્ધ રચનાઓ ને પ્રલંબ પદ્યવાર્તા. મુખ્યત્વે નારીની વિવિધ ઊર્મિમુદ્રાઓને તળપદ લય અને લાલિત્યથી ગીતોમાં આલેખતા કવિ તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ. એમના ગીતનો લય સંગીત સાથે વિશેષ આત્મીયતા ધરાવે છે તેથી તે એ ગીતો ઊલટભેર ગવાયાં છે ને ગવાતાં રહે છે. રમેશ-અનિલ પછીની પેઢીના નોખી અનોખી લાલિત્યમુદ્રા ધરાવતા ગીતકવિ. હસ્તાક્ષરમાં કવિતા વાંચતાં અજબ તૃપ્તિ થાય તેવા ખુશનવીસ કવિ. દેશભરમાં તેમજ યુએસએ, કેનેડા, ચીન, થાઈલેન્ડ અને પૂર્વ આફ્રિકામાં કાવ્યપાઠ કર્યો છે. અખબારોમાં સ્તંભલેખન પણ કર્યું છે. રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીના પ્રતિનિધિ રૂપે ચીનનો સાંસ્કૃતિક-સાહિત્યિક પ્રવાસ. સાહિત્ય અકાદમીના ગુજરાતી ભાષાના પૂર્વ કન્વીનર. મહુવાના વાર્ષિક સાહિત્યોત્સવ ‘અસ્મિતાપર્વ’ના સહઆયોજક. આ ઉપરાંત ઘણી બધી સાંસ્કૃતિક-સાહિત્યિક સંસ્થાઓના સભ્ય. વિવેચન અને સિદ્ધાંતવિચારના ગ્રંથો પણ લખ્યા છે.

કાવ્યો:

૧. કાવ્યારંભે સરસ્વતી પ્રાર્થના


વીજળિયું વેડી લેખણ કીધી, સરસવતી માતા!
કાગળનો ખાલી ખૂણો આપજો,
પાઘડિયું પડખે મેલી દીધી, સરસવતી માતા!
વૈખરિયે વળગ્યો લૂણો કાપજો;

કળતર કાંતીને વીંટા વાળ્યા, સરસવતી માતા!
અટકળ ઓળંગી ઓરાં આવજો,
અરથું નરથુંને બેવડ ચાળ્યા, સરસવતી માતા!
અખશરનાં અજવાળાં ઉપડાવજો;

પરપોટા ચીરી દરિયા બોટ્યા, સરસવતી માતા!
ટાંકટેભાના અવસર ટાળજો,
પડછાયા પીંખી પગલાં ગોત્યાં, સરસવતી માતા!
લેખીજોખીને વળતર વાળજો;

એંઠાં પતરાળાં દૂધે ધોયાં, સરસવતી માતા!
પરવાળાં વેરી પોથી ઢાંકજો,
ઝળઝળિયાં ઝીલી તુલસી ટોયાં, સરસવતી માતા!
પીળી પાંદડિયે અભરક ટાંકજો;

પરસેવા ખૂંદી કમ્મળ ચૂંટ્યાં, સરસવતી માતા!
અમરતમાં બોળી અંજળ ચાખજો,
પડતર ઑછાયે અમને લૂંટ્યા, સરસવતી માતા!
પરથમ પૂજ્યાની લાજું રાખજો.

૨. આપી આપીને તમે....

આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ...

ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઊંબરની કોર લાગી લાવ્યાં;

આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ...

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ,
આંગળિયું ઑગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ...

૩. એકસટસી

(પૃથ્વી)

ઝડાફ વીજ મેઘ ડમ્મર ડિબાંગમાં સોંસરી,
ખચાક ખચખચ્‌ ચીરી ઝળળ ઝુમ્મરો ઊતરી.
પ્રચંડ દ્રુત ૐ ઝબાકઝબ અવાક્‌ ક્ષણાર્ધાર્ધમાં
ભયંકર પછાડ દૈ લપકતો ગયો, પુચ્છ લૈ
ઊંડે ક્યહીં ઊંડે ઊંડે પલક ગાત્ર ફુત્કારતો.
કડાક હુડુડુમ્‌ ધ્રૂજી ધ્રધ્રધરિત્રી સમ્ભ્રાન્ત, ને
ધમે ધમણ હાંફતાં હફડ ધૂર્જટિ ઝાડવાં.
કમાન લફ લાંબી તંગ ક્ષિતિજોની ટંકારતો
ધસે હવડ વેગ ભેખડ ભફાંગ બુચ્કારતો,
છળે, છળી લળે, ઢળે, વળી પળે પળે ઑગળે.
અચાનક ધડામ ઘુમ્મટ ખબાંગ ખાંગો થતો,
ફરે લફક જીભ ફીણ ફીણ ચાટતી ચાટતી.

સમસ્ત ખભળાટ પુંસક ધસે, ડસે નસ્‌ નસે,
થતો પ્રપ્રપ્રપાત ચૂર ચૂર માત્ર રાત્રિ શ્વસે!

૪. કાચી સોપારીનો કટ્ટકો....


એક કાચી સોપારીનો કટ્ટકો રે
એક લીલું લવીંગડીનું પાન,
આવજો રે તમે લાવજો રે મારા મોંઘા મે’માન...

કાગળ ઊડીને એક ઓચિંતો આવિયો, કીધાં કંકોતરીનાં કામ,
ગોતી ગોતીને આંખ થાકી રે બ્હાવરી, લિખિતંગ કોનાં છે નામ;

એક વાંકી મોજલ્લડીનો ઝટ્ટકો રે
એક ઝાંઝરનું ઝીણું તોફાન,
ઝાલજો રે તમે ઝીલજો રે એનાં મોંઘાં ગુમાન,
એક કાચી સોપારીનો...

ઊંચી મેડી ને એના ઊંચા ઝરૂખડા, નીચી નજરુંના મળ્યા મેળ,
ઉંબરમાં સાથિયા ને ટોડલિયે મોરલા, આંગણમાં રોપાતી કેળ;

એક અલ્લડ આંખલ્લડીનો ખટ્ટકો રે
એક હૈયામાં ઊઘલતી જાન,
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન,
એક કાચી સોપારીનો...

૫. કૂવાકાંઠે

સોળ સીંચણ બાર બેડલાં રે
કૂવાકાંઠે વહુવારુ કરે વાત,
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને
કિયે ભમ્મર કાળી કાળી રાત;

બોલે ગોરાંદે બોલે સૈયરું રે
કાંઈ બોલે પાડોસણ નાર,
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે
કોણે લીધા ઉજાગરાના ભાર;

કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે
પાણી આવે આવે ને ઝરી જાય,
નેણાં ઢાળીને ગોરી નિરખે રે
હેલ્ય મોતીડે અભરે ભરાય;

ભારી જોબન ભારે ઝાટકા રે
સરે બેવડ મશરૂનાં ચીર,
ઘેરી વળે રે વેરી વાયરા રે
અણજાણ્યાં અદીઠાં વાગે તીર;

આઘી શેરી ને આઘી ઑસરી રે
આઘે આઘે બુઝારે બેઠો મોર;
ક્યારે ઊડીને ક્યારે આવશે રે
મારી સગી નીંદર કેરો ચોર?

૬. કૂંચી આપો, બાઈજી!

કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ, જી?

કોઈ કંકુથાપા ભૂંસી દઈ
મને ભીંતેથી ઊતરાવો,
કોઈ મીંઢળની મરજાદા લઈ
મને પાંચીકડાં પકડાવો;

ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ, જી?

તમે ઘરચોળામાં ઘુઘરિયાળી
ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી
મારી નદિયું પાછી ઠેલી;

મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?

૭. ખડકી ઉઘાડી હું તો...

ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી,
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન;
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી,
લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં...

બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી,
દઈ પડછાયે ટેકો સૂનકારમાં...

ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી,
સાવ નોંધારી થઈને ભણકારમાં...

ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી,
હવે અમથી ઊભી’તી એંકારમાં,
હજી અડધે ઊભી’તી એંકારમાં;
મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...

૮. ડાબે હાથે ઓરું...

ડાબે હાથે ઓરું સાજન લાપસી,
જમણે હાથે ચોળું રે કંસાર,
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...

પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;

અજવાળે ઓઢું રે અમરત ઓરતા,
અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર;
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...

સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે,
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે;

ઊગમણે ભણકારા ભીના વાગતા,
આથમણે કાંઈ ઓગળતા અણસાર;
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં...

૯. તું મીંઢળ જેવો કઠ્ઠણ...

તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...

એક આસોપાલવ રોપ્યો-
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;

તું આળસ મરડી ઊભો
ને હું પડછાયામાં પડી...

એક પાનેતરમાં ટાંક્યું –
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્‌યા તેં સરવાળા;

તું સેંથીમાં જઈ બેઠો
ને હું પાંપણ પરથી દડી...

૧૦. દેહની આરતી

દેહના બ્રહ્મમાં દેહનો ભ્રમ ટળે,
દેહને દેહીએ દિવ્ય ગણવો,
દેહ સર્વસ્વના મૂળમાં સંભવે
દેહના તંતનો સાર ભણવો;
રંગ કે રૂપ હો છાંવ કે ધૂપ હો
સકળનું દેહમાં વાય વ્હાણું,
જૂઠ કે સત્ય હો તત્ત્વ કે તથ્ય હો
દેહ અસ્તિત્વનું ગહન ગાણું;
દેહની ડાળ પે પ્રેમનું પાંદડું
દેહમાં વ્હેમનાં વૃક્ષ ઊગે,
જીવથી શિવ સુધી વ્યાપ છે દેહનો
દેહની જાળ સર્વત્ર પૂગે;
દેહની વ્યંજના દેહમાં સંભવે
દેહમાં દેહનો અર્થ પેઠો,
આદ્ય સંકલ્પમાં દેહની ધારણા
દેહમાં દેહનો અંત બેઠો;
એ અહો દેહ છે ધિક અરે દેહ છે
અમર કે મર્ત્ય છે દેહ સાચો,
દેહથી શ્વાસ છે દેહ નિઃશ્વાસ છે
દેહના તાંતણે દેહ કાચો;
દેહને દેહમાં દેહથી દેહ પર
દેહનું દેહ કાજે જ હોવું,
દેહ એ દેહ છે દેહ છે દેહ એ
દેહવત્‌ દેહ અદ્વૈત જોવું.

૧૧. પ્રોષિતભર્તુકા

આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ;
પાળે ઊગી ચણોઠડી, એના વેલાને નહિ વાડ...

હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાંગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો, ઘણી ખમા! મુંને થઈ બેઠો વળગાડ...

મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ,
કમખો ટાંગું રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂરે રે! મારે ફળિયે બાવળ ઝાડ...

ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ...

૧૨. સખી મારો સાયબો...

સખી! મારો સાયબો સૂતો ફળિયે ઢાળી ઢોલિયો,
હું તો મેડીએ ફાનસ ઓલવી, ખાલી પડખે પોઢી જાઉં...

એક તો માઝમ રાતની રજાઈ
ધબકારે ધબકારે મારા પંડ્યથી સરી જાય,
એકલી ભાળી પાતળો પવન
પોયણાથી પંપાળતાં ઝીણો સાથિયો કરી જાય;

સખી! મારો સાયબો સૂનો એટલો, કોના જેટલો,
હું તો એટલું પૂછી પગમાં ઝાંઝર પે’રવા દોડી જાઉં...

એમ તો સરોવરમાં બોળી ચાંચ
ને પછી પરબારો કોઈ મોરલો ઊડી જાય,
આમ તો પછી ઝૂરતો કાંઠો
એક પછી એક કાંકરી ઝીણી ઝરતો બૂડી જાય;

સખી! મારો સાયબો લાવ્યો અમથો કેવો કમખો,
હું તો ટહુકા ઉપર મોરપીંછાની ઓઢણી ઓઢી જાઉં...