પ્રતિપદા/૬. દલપત પઢિયાર

૬. દલપત પઢિયાર

કાવ્યસંગ્રહોઃ

ભોંયબદલો અને સામે કાંઠે તેડાં

પરિચય:

સીતારવાદનનો રસિયો ભજનિક કવિ. વ્યવસાયે આરંભે અધ્યાપક ને પાછળથી ગુજરાત સરકારના વર્ગ ૧ના ગેઝેટેડ અધિકારી, હવે વયોચિત નિવૃત્ત. ગાંધીયુગના ગદ્ય પર મહાનિબંધ લખનાર આ વિદ્યાવાચસ્પતિ કવિએ લખ્યું તો પદ્ય, અનુ-આધુનિક લક્ષણો ધરાવતું. પરંપરાનુસંધિત લયાન્વિત રચનાઓ અને ગીતો રચનાર આ ઊર્મિકવિમાં લોકગીતો અને મધ્યકાલીન ભક્તિકવિતાના હૃદ્ય સંસ્કારો તળપદ બાનીમાં ઝીલાતા રહે છે. વ્યંગવિનોદનાં છાંટણાંથી તીણી તિર્યકતા દાખવતા ને આત્મચિકિત્સા કરી જાતને સતત ટપારતા રહેતા સ-ભાન કવિ. એક જમાનામાં ચિનુ મોદી અને મિત્રો સાથે ‘ઓમિસિયમ’ અને ‘હોટેલ પોએટ્‌સ’ જેવી કાવ્યલીલાઓમાં પણ જોડાયેલા હતા. વતન ગામ કહાનવાડીમાં આવેલી કબીરપરંપરા અંતર્ગત રવિભાણ સાહેબ સંપ્રદાયની ‘ગાદી’ના એ સાતમા ઉત્તરાધિકારી છે. ૨૦૦થી વધુ અનુયાયી ગામો અને દોઢ લાખથી વધુ અનુયાયીઓ પર આ ‘ગાદી’પ્રેરિત જીવનરીતિની છાયા પડે છે. એટલે ભજન, સતસંગ, પાટ જેવાં ધાર્મિક અનુષ્ઠાનો ઉપરાંત શિક્ષણ, વ્યસનમુક્તિ, જીવદયા આદિ લોકાભિમુખ પ્રવૃત્તિઓમાં પણ એ વિસ્તારમાં અધિપતિ લેખે દલપતરામની સાત્ત્વિક પ્રભા અને પ્રભાવ.

કાવ્યો:

૧. કાગળના વિસ્તાર પર

ધણથી છૂટા પડેલા ઢોર જેવો
હું
અહીં કાગળના વિસ્તાર પર
રોજ રઝળપાટ કરું છું.
પાનાંનાં પાનાં ભરાય છે, રોજ.
શબ્દની મૉરીએ કશુંક ખેંચાઈ આવશે
એ આશાએ મથ્યા કરું છું, રોજ.
પણ આજ લગી
એકાદ ગલીનો વળાંક સુદ્ધાં
હું વાંચી શક્યો નથી.
હતું કેઃ
કાગળ-કેડી કોતરી લેશું,
કૂવો-પાણી ખેંચી લેશું,
એક લસરકે ગામપાદરને ઊંચકી લેશું!
આ શબ્દોની ભીડમાં
મારો શેઢો ક્યાંય ઊકલ્યો નહીં.
એક જ કમાડમાં આટલા બધા શબ્દો
વસાઈ જશે એની ખબર નહીં;
બાકી નળિયા આગળ જ નમી પડત.
હજુયે કૌછું કે
મોભારે ચડવાનું માંડી વાળો,
આમ શબ્દો સંચાર્યે
કદી ઘર નહીં છવાય!
બારે મેઘ ખાંગાં ત્યાં
નેવાં ઝીલવાનું તમારું ગજું નહીં, જીવ!
તંગડી ઊંચી ઝાલીને
અંદર આવતા રો’
એકાદ ચૂવો આંતરી લેવાય ને
તોય ઘણું!

૨. મને લાગે છે

મારા શબ્દોનું સરકારીકરણ થવા લાગ્યું છે,
મારા અવાજને ફાઈલ-બોર્ડમાં મૂકીને
ઉપરથી કોઈએ ક્લિપો મારી દીધી છે!
હું કદાચ બંધ થવા આવ્યો છું.

નદીના કાંઠેથી છોડેલો અવાજ
સામેની ભેખડેથી અકબંધ પાછો આવે,
એ રસ્તો મારે કાયમ રાખવાનો હતો;
આટલી બધી આંતરીઓ કેમ પડી ગઈ અવાજમાં?

જીંડવામાંથી તડકાસોતી ફૂટીને
ભોંય ઉપર પડતી દિવેલીઓ જેવા મારા શબ્દોનાં
કોઈકે નાકાં તોડી નાખ્યાં છે!
હું તારાઓની ભરતી, ફૂલોનો ઉઘાડ,
થાપાવાળી ભીંતો, રેતની ઓકળીઓ,
પંખીઓના માળા, માટીની મહેક, વાંસના ગરજા,
શેઢાની ઊંઘ, ઊંઘને ઓઢતા ચાસ
બધ્ધું – બધ્ધું જ ભૂલી રહ્યો છું

અહીં ટેબલ ઉપર
ઘુવડની પાંખોમાં કપાઈ ગયેલું ગાઢું અંધારું
સીવી રહ્યો છું!

એક ખતરનાક ફાંટો આગળ વધી રહ્યો છે
મારા રક્તમાં,
સાવ જ વસૂકી ગયેલા મુસદ્દાઓમાં
મારા શબ્દો મરી રહ્યા છે;
કાલે સવારે મારું શું થશે?

૩. સરગવો

આજે
અમે જ્યાં સંખેડાનો સોફો ગોઠવેલો છે ત્યાં
મોટ્ટો, લીલોકચ સરગવો હતો.
આંખમાં માય નહીં ને નજરમાંથી જાય નહીં એવી મોટી
અને જેના ઉપર ઇચ્છાઓ મૂકી રાખીએ એવી સળંગ
લાંબી સીંગો ઊતરતી –
દર ત્રીજે દિવસે ભારા બાંધીએ એટલી ઊતરતી!
આખી સોસાયટીમાં કલ્લો કલ્લો વહેંચાતી!
એટલું ખરું કે અમે ક્યારેય વેચેલી નહીં
ઝાડ, માત્ર પાણીથી જ લીલું રહે છે એવું નથી.

કોઈ ગોઝારી પળે
અમને શું ટુંકૂં પડ્યું તે
અમે પાક્કો રૂમ બાંધવાનું વિચાર્યું!
મેં મારે સગે હાથે એનું થડ કાપ્યું હતુંઃ
ભરેલી હાથણી ફસડાઈ પડે તેમ
આખું ઝાડ ભોંય ઉપર ઢગલો થઈ ગયું હતું!
લીલાં લીલાં પાન વિલાઈ ગયાં હતાં
અને પાંખડે પાંખડે
ઊભરાઈ આવેલાં ઊઘડવાની વાટ જોતાં,
નાની નાની ચૂનીઓનાં ઝૂમખાં જેવાં સફેદ ફૂલ
પછી કાયમ માટે બંધ થઈ ગયાં હતાં.

મારા હાથમાં, મારી આંખોમાં, મારી લોહીમાં, મારી ઇન્દ્રિયોમાં
એક અપરાધ કુહાડી થઈ ગયો છે...
મને કોઈ ઊંઘમાં પણ ટચકા મારે છે...
તમે નહીં માનો
મેં કેટલીય વાર નવા સરગવા રોપ્યા છે,
પણ એકેય ડાળ ફરી ફૂટ્યું નથી...!

૪. મને હું શોધું છું!

ભાળ મળે નહીં ક્યાંય, મને હું શોધું છું!
કોઈ બતાવો ક્યાં છે મારી ભોંય? મને હું શોધું છું!

આગળ કે’તાં આગળ જેવું કશું નહીં,
પાછળ કે’તાં પાછળ જેવું કશું નહીં,
ડગલે પગલે
હું જ મને આડો ઊતરું ને હું જ મને અવરોધું છું...

કહો મને હું ચહેરે મહોરે કોને મળતો આવું છું?
ક્યાં છે મારી મૂળની છાપો? શું શું નિત સરખાવું છું?
હું અતડો, મારાથી અળગો શું કોને સંબોધું છું?

એમ થાય કે
ઇચ્છાઓનાં જડિયાં ખોદી આઘાં તડકે નાંખું!
બાજોઠ ઢાળી બેઠો બેઠો આનંદ મંગળ ભાખું!
એમ થાય કે
નભમંડળનું આખું તોરણ આંખે બાંધી રાખું,
વળી થાય કે છાયાસોતો વડલો વહેરી નાખું!
વારાફરતી વૃક્ષબીજમાં હું જ મને વિરોધું છું...

અમે અમારી ઓળખ વિશે આજ લગી બસ, હાંક્યે રાખ્યું!
અંદર કશું મળે નહીં ઉપર ચાદર જેવું ઢાંક્યે રાખ્યું!
સહી દસ્તક હું પોતે દલપતરાય,
નહીં ઠામ, નહીં ઠેકાણું અહીં નામ અધૂરું નોંધું છું...

૫. ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો!

ઘરમાં કે જંગલમાં બાંધો, ઝૂંપડી ઠીક પડે ત્યાં બાંધો,
જગ્યાને ક્યાં કશે જવું છે? અહીં બાંધો કે ત્યાં જઈ બાંધો!

મસ્તી કે’તાં માટી સોતું મટી જવાનું,
શઢ સંકેલી વેળાને પણ વટી જવાનું,
નભનું ક્યાં કોઈ નિશાન નક્કી?
ઓરું કે આઘેરું નોંધો...

શિખર પછી પણ ક્યાં છે છેડો?
ઇચ્છાઓ તો આકાશે પણ અડાબીડ બંધાવે મેડો
વસ્તુને છે ક્યાં કોઈ વાંધો?
મનનો મૂળ બગડેલો બાંધો...

ક્યાં છે અંત ને આરંભ ક્યાં છે?
ગગન સદાયે જ્યાંનું ત્યાં છે!
બહાર મળ્યો છે ક્યાં કોઈ તાળો?
આસન અંદર વાળો, સાધો...

બળ્યા લાકડે, ભળ્યા ભોંયમાં, કોક હિમાળે ગળ્યા,
પવન ગયા તે ગયા, પછીના કોઈ સગડ ના મળ્યા,
શ્વાસ કનેરી તૂટ્યા કોટને
શું કાવડ? શું કાંધો? ...ઝૂંપડી

૬. મેલો, દલપત, ડા’પણ મેલો...

મેલો, દલપત, ડા’પણ મેલો!
છેક સુધીનું અંધારું છે,
મૂકી શકો તો, દીવા જેવી થાપણ મેલો!

ભણ્યાગણ્યા બહુ દરિયા ડો’ળ્યા
ગિનાન ગાંજો પીધો,
છૂટ્યો નહીં સામાન
ઉપરથી છાંયો બાંધી લીધો,
જાતર ક્યાં અઘરી છે, જીવણ? થકવી નાખે થેલો...

મન હરાયું, નકટું, નૂગરું
રણમાં વેલા વાવે,
ઊભા દોરનો દરિયો ફાડી
આડી રેત ચડાવે!
કેમ કરી રોકો છોળોને? બમણો વાગે ઠેલો...

પીએચ.ડી.ની પદવી તેથી શું?
ભણી કવિતા ભગવી તેથી શું?
પડદા તો એવા ને એવા,
જ્યોત પાટ પર જગવી તેથી શું?
વાળી લ્યો બાજોઠ બહારનો, અંદર જઈ અઢેલો...

પડવું તો બસ આખ્ખું પડવું,
અડધું પડધું પડવું શું?
અડવું તો આભે જઈ અડવું,
આસનથી ઊખડવું શું?
આખો ખૂંટો ખોદી કાઢી,ખુલ્લંખુલ્લા ખેલો...

૭. પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!

પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું!
ચાંદો સૂરજ ચૉકી બાંધી, નભ ચેતાવી બેઠો છું...

પવન બધા પરકમ્મા કરતા, નવખંડ ધરતી ના’તી,
દશે દિશાઓ મંગળ ગાતી, છાયા સકલ સમાતી,

આખા અક્ષત્‌, અક્ષર આખા, વખત વધાવી બેઠો છું...

નહીં પિંડ, બ્રહ્માંડ નહીં, નહીં પુરુષ નહીં નારી,
ઝીલે બુંદ કોઈ બાળકુંવારી, બીજમાં ઊઘડે બારી,

સ્થંભ રચી બાવન ગજ ઊંચે, બાણ ચડાવી બેઠો છું...

ચડ્યા પવન, કંઈ ચડ્યા પિયાલા, જ્યોત શિખાઓ ચડી,
ચંદ્રકળાઓ ચડી ગગનમાં, અનહદ નૂરની ઝડી,

ઈંગલા પિંગલા શૂનગઢ સોબત, શિખર સજાવી બેઠો છું...

નહીં ઉદય કે અસ્ત નહીં, નહીં મંડપ નહીં મેળા;
જલ થલ ગગન પવન નહીં પંખી, નહીં વાયક નહીં વેળા;

ગંગા જમના નાંગળ નાખી, ઘેર વળાવી બેઠો છું...
પાટ ઉપર દીવો પેટાવી બેઠો છું...

૮. ઝીલણ ઝીલવાને!

સરખી સાહેલીઓ ટોળે મળીને કાંઈ
ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને!

વેણુ વાગે ને સૂતી નગરી જાગે,
મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને!

લહેરે લહેરે ચડ્યાં ભર રે જોબન,
મારી નાડીઓના વેગ નહીં થીર, ઝીલણ ઝીલવાને!

ના’વા ઊતરીએ તો નખની મરજાદ,
અમે કાચી કાયાનાં અમીર, ઝીલણ ઝીલવાને!

આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં,
પછી છૂટાં મેલ્યાં’તાં શરીર, ઝીલણ ઝીલવાને!

ચોગમ ચડ્યાં કંઈ ચંપાના ઘેન,
અમે નીર જેવાં નીરે ધર્યાં ચીર, ઝીલણ ઝીલવાને!

ઘેરી ઘેરી વાંસળીએ ઘેર્યું ગગન,
અમે અડોઅડ ઊઘડ્યાં મંદિર, ઝીલણ ઝીલવાને!

વાડી ખીલી ને ખીલ્યો મોગરો ને,
કાંઈ શીતળ વાયા સમીર, ઝીલણ ઝીલવાને!

૯. દીવડો

મેં તો ઉંબર પર દીવડો મેલ્યો
કે ઘર મારું ઝળહળતું!
પછી અંધારો ઓરડો ઠેલ્યો,
ભીતર મારું ઝળહળતું...

મેં તો મેડીએ દીવડો મેલ્યો
કે મન મારું ઝળહળતું;
પછી ડમરો રેલમછેલ રેલ્યો
કે વન મારું ઝળહળતું...

મેં તો કૂવા પર દીવડો મેલ્યો
કે જળ મારું ઝળહળતું;
પછી છાંયામાં છાંયો સંકેલ્યો
સકલ મારું ઝળહળતું...

મેં તો ખેતર પર દીવડો મેલ્યો,
પાદર મારું ઝળહળતું;
પછી અવસર અજવાળાનો ખેલ્યો,
અંતર મારું ઝળહળતું...

મેં તો ડુંગર પર દીવડો મેલ્યો,
ગગન મારું ઝળહળતું;
પછી અણદીઠો અક્ષર ઉકેલ્યો,
ભવન મારું ઝળહળતું...

૧૦. હોંચી રે હોંચી

એક ગર્દભડી જે ગાજરની લાંચી...
હોંચી રે હોંચી!
કુશકા ખાતાં એને કાંકરી ખૂંચી,
હોંચી રે હોંચી!
ઊભી બજારેથી ભાગોળે ભૂંચી...
હોંચી રે હોંચી!
લાવો પેટાળાં ને લાવો લ્યા પાં’ચી!
હોંચી રે હોંચી!
મારે લીધે આખી અરવલ્લી ઊંચી...
હોંચી રે હોંચી!
હેંડી હેંડી ને હું તો હિમાલય પ્હોંચી!
હોંચી રે હોંચી!
છેલ્લે શિખર જઈને બાંધેલી માંચી...!
હોંચી રે હોંચી!
અંધારામેં મેં તો ઉપનિષદ વાંચી...
હોંચી રે હોંચી!
વાંચી વાંચીને બધી વૈકુંઠ ઢાંચી...
હોંચી રે હોંચી!

૧૧. પુણ્ય સ્મરણ

અમને કોની રે સગાયું આજ સાંભરે.
ઊંડે તળિયાં તૂટે ને સમદર ઊમટે...
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ પાળ્યું રે બંધાવો ઘાટેઘોડા દોડાવો,
આઘે લે’ર્યુંને આંબી કોણ ઊઘડે...
કોની રે સગાયું આજ સાંભરે.

આજે ખોંખારા ઊગે રે સૂની શેરીએ,
ચલમ-તણખા ઊડે રે જૂની ધૂણીએ;
અમને દાદા દેખાય પેલી ડેલીએ...
કોની રે સગાયું આજ સાંભરે.

માડી વાતું રે વાવે આ ઉજ્જડ ઓટલે,
ખરતાં હાલરડાં ઝૂરે રે અધ્ધર ટોડલે;
ઊંચે મોભને મારગ કોણ ઊતરે...
કોની રે સગાયું આજ સાંભરે

કોઈ કૂવા રે ગોડાવો કાંઠે બાગો રોપાવો,
આછા ઓરડિયા લીંપાવો ઝીણી ખજલિયું પડાવો;
આજે પરસાળ્યું ઢાળી સૌને પોંખીએ...
અમને સાચી રે સગાયું પાછી સાંભરે.