પ્રત્યંચા/સન્દિગ્ધતા


સન્દિગ્ધતા

સુરેશ જોષી

ચન્દ્રનો સન્દિગ્ધ સ્પર્શ –
થાય એથી હર્ષ
કે વિમર્ષ?

સૂર્યે બતાવી જે હતી સૃષ્ટિ
તે જ આ? શંકા કરે દૃષ્ટિ.

કોની અરે આ અંગુલિ
નામચિહ્નોની કરે છે ફેરબદલી?

ભોળી મારી પ્રેયસી
માની મને કો’ પરપુરુષ ના સ્પર્શતી, જાતી ખસી!

ને એ ય જાણે અન્ય કોઈ કાળની
માલવિકા?
માયાતણી કે મરીચિકા?

આ ચન્દ્રની સન્દિગ્ધતા –
એથી ઊગરવાની હશે કો’ શક્યતા?