પ્રથમ પુરુષ એકવચન/આત્મસંવાદ


આત્મસંવાદ

સુરેશ જોષી

કોઈ વાર મને લાગે છે કે ઘણુંઘણું કરવાનો સમય મળ્યો નહિ. આ જગત મને સમૃદ્ધિથી ખચિત લાગે છે. કોઈ વાર એ સમૃદ્ધિના ભારથી મારા ખભા ઝૂકી જાય છે, મને ખૂબખૂબ કહી નાંખવાનું મન થાય છે. કોઈ વાર એ બધું સાંભળવા માટે કોઈને શોધું છું. સાંભળનારા સાંભળતાં સાંભળતાં અન્યમનસ્ક થઈ જાય છે તે જોઈને બોલતો બંધ થઈ જાઉં છું. આથી આખરે મેં મારી સાથેનો સંવાદ શરૂ કર્યો છે. હું બોલતો બંધ થઈ જાઉં પછીય એના રણકાર મનમાં શમી જતા નથી.

આ કાંઈ હું બોલું છું તેનો અહંકાર નથી. મને બરાબર સમજાઈ ગયું છે કે હું તો નિમિત્ત જ છું, જગત જ આ બધું બોલતું હોય છે. મને એવો અનુભવ થયો છે કે આ વાણીમાં હું મારો વિક્ષેપ ખડો નથી કરતો ત્યારે એની અસ્ખલિત ધારાનો વહ્યો જવાનો નાદ મને સમ્મોહિત કરી દે છે. પછી એ વાણીના અર્થની ભૂમિકાથી ક્યાંક ઉપર જતા રહી શકાય છે. આ સ્થિતિને કશીક આધ્યાત્મિકતા સાથે સાંકળવાનો મને લોભ નથી. લોભનો દાબ ભારે હોય છે. એનાથી હૃદયનું ઘણું કૂણું ચંપાઈ જાય છે.

જીવનની આ આસક્તિ કશા અંગત લાભને અંકે કરવાની લાલસા વિનાની હોય છે ત્યારે સાધારણ-અસાધારણનું વિભાજન કરનારી વ્યાવર્તક રેખા એનાથી પરિપ્લાવિત થઈને ભુંસાઈ જાય છે. મારી સામેના રસ્તા પર થઈને ચાલ્યા જતા માનવીઓનાં પગલાંની સંકેતલિપિ ઉકેલવી એ પણ એટલું જ મહત્ત્વનું બની રહે છે. વળગણી પર સૂકવેલું ભીનું વસ્ત્ર પવન સાથે ધીમે ધીમે ભેજને જે રીતે મુક્ત કરતું જાય છે કે પાણીમાંથી બહાર કાઢતાં એ જે રીતે નીતરી રહે છે તે જોવાનું પણ એક મહત્ત્વનું કાર્ય બની રહે છે. વૃક્ષોની શાખાઓનું આન્દોલન જોઈને મન પણ ઝૂમી ઊઠે છે. આકાશમાંનાં વાદળોની અલસમંથર ગતિ સાથે હું પણ જાણે જન્મજન્માન્તરની જાત્રાએ ચાલી નીકળું છું. પવનમાં હાલતા કરોળિયાના જાળાના પારદર્શક પડની પારના જગતને એમાં ઝિલાયેલા જળબિન્દુમાં થઈને જોવાનું કેવું તો અદમ્ય કુતૂહલ થતું હોય છે! આકાશમાં સેલારા મારતી સમડી સાથે હું પણ નરી નિરર્થકતાની ત્રિજ્યાઓ વિસ્તારતો જાઉં છું.

ગુહ્યા અને વિરોધાભાસી વાતો કરવાની મને ટેવ નથી, પણ આવા બધા અનુભવોથી એવું લાગે છે કે મારા આસક્તિના પાત્રમાં અનાસક્તિ છલકાઈ ઊઠે છે. મેં મને પોતાને અંદરથી ઠાલોઠાલો કરી નાખ્યો છે. માટે આજ સુધી બહાર રહી ગયેલું જગત મારામાં પ્રવેશીને છલકાઈ ઊઠ્યું છે. હવે હું આ છલકાવાના ધ્વનિથી જ સભર છું. કંઈ કેટલુંય દૃઢ પકડથી ઝાલવા મથેલા મારા હાથને મેં ખાલી કરી નાખ્યા છે. ત્યારે પહેલી વાર મને મારી જ હથેળીનાં પહોળાઈ તથા ઊંડાણનો સાચો ખ્યાલ આવ્યો છે.

હવે જો મારું કોઈ વ્રત હોય તો તે આગ્રહોને છોડવાનું વ્રત છે. ‘હું’નો ગાંગડો ગાંઠે બાંધ્યો હતો ત્યાં સુધી મારે તો આ જોઈશે જ જેવી ભાષા બોલવાથી જ અસ્મિતા જળવાતી હતી. હવે ‘હું’ને વિખેરવા દઉં છું, અથવા સાચી રીતે કહું તો વિખરાઈ જવાની દશાને પણ કેવળ સાક્ષીભાવે જોઈ રહ્યો છું ત્યારે કશી ઇચ્છાને વળ ચઢાવીને આગ્રહમાં ફેરવી નાખવાનો ઉદ્યમ માંડી બેસવાનું મને મન થતું નથી. મનોદશાના પરિવર્તન સાથે ગુણ-અવગુણના કોઠાઓ પણ બદલાતા રહે છે તે હું જાણું છું. કોઈ એક મનોદશાને દૃઢ રાખવાનો આગ્રહ પણ મને સેવવા જેવો લાગતો નથી. એક સમય એવો હતો જ્યારે જગત સાથેના મનના સંઘર્ષથી જ મારા વ્યક્તિત્વના આગવાપણાનું ઉગ્ર ભાન થતું. એને માટે હંમેશાં ઝૂઝ્યા કરવું પડતું. એ વીર રસના પ્રાબલ્યનો સમય હતો. હવે નિર્વેદ નથી, પણ અન્ધકારમાં રહેલા મૂળની જેમ નેપથ્યમાં સરી જઈને, મારાથી નિરપેક્ષપણે, શાખાપલ્લવને વિકસવા દેવાની વૃત્તિ છે.

હું પરિવર્તનની પ્રક્રિયાને શરણે થયો છું એવું પણ નથી. મારામાં હજી મારાપણું ટકાવી રાખવાની વૃત્તિ છે. પણ એ મારાપણું જીવવાની ક્રિયા દરમિયાન જગતથી અભિન્ન બનતું જાય છે એવું લાગે તો હું છળી મરતો નથી. હજી હું મારે વિશે અહેવાલ આપવા બેઠો છું એનો અર્થ જ એ કે હજી મારે વિશેની મારી શોધ પૂરી થઈ નથી. એ શોધ ચલાવવી એ જ કદાચ અહંકારનું સ્વરૂપ હોઈ શકે તેમ હું નકારી કાઢતો નથી.

બધાંના વતી તો ઠીક, મારા વતી પણ બોલવાનો મારો દાવો નથી; કારણ કે બોલવાનું શરૂ કર્યા પછી અધવચ્ચેથી જ આબોહવા એકાએક બદલાઈ જાય છે ને વાક્યના આરમ્ભમાં જ કહેલું તેનો પાછલા ભાગમાં છેદ ઉડાડી દેવો પડે છે. સંગતિ- અસંગતિનાં ચોકઠાં બહુ નાનાં પડે છે. તર્કની જાળમાંથી મનનું માછલું કૂદીને બહાર સરી જાય છે. આવી સ્થિતિમાં કયા વાક્યની જવાબદારી લેવી? કયા સત્યની વફાદારી સ્વીકારવી? મારે વિશે મારામાં પ્રગટેલી આ નવી અવિશ્વસનીયતાથી હું એટલો તો હળવો થઈ ગયો છું કે ઉત્તરમાંથી દક્ષિણમાં જતાં દક્ષિણાનિલની રાહ જોવાની પણ જરૂર રહી નથી.

બોધપાઠ શીખવાશિખવવાના દિવસો દૂર દૂર સરી ગયા છે. આત્મબોધ કરવા જેટલો આત્મા શોધવા માટે જગત આખામાં ભમવું પડે છે. ઉક્તિવૈચિત્ર્યને ખાતર આ કહેતો નથી, મારો ભાર મેં ખૂબ વેઠ્યો છે. હવે પહોરો ખાવા બેઠો છું ત્યારે મારો પડછાયો પાછળ છે કે નહીં તેની હું ચિન્તા કરતો નથી. મારું ઠાલું પડી રહેલું નામ કોઈ લઈ જશે તો તેની હવે મને ચિન્તા નથી. પણ એવી આશા રાખવી એય અહંકારનું લક્ષણ નથી?

16-7-79