પ્રથમ પુરુષ એકવચન/પરાક્રમકાણ્ડ


પરાક્રમકાણ્ડ

સુરેશ જોષી

મારી ચારે બાજુ લોકો અનેક પ્રકારનાં પરાક્રમો કર્યાની વાત કરે છે ત્યારે મને આશ્ચર્ય થાય છે. હું તો આ વિજયાદશમીએ કોઈ પરાક્રમની સફળતા ઊજવી શકું એમ નથી એવું મારે પ્રામાણિકતાપૂર્વક કહેવું જોઈએ. કદાચ પ્રામાણિકતા એ નિર્બળોનો કે આત્મનિન્દકોનો જ ગુણ હશે! પણ મારે જે કહેવું છે તે આવી કોઈ મનોરુગ્ણતાને પોષવાના પ્રયત્નરૂપે નથી.

હજી હમણાંની જ વાત છે. મારે રસ્તો ઓળંગીને સામી બાજુએ જવું હતું. પણ તે દિવસે બન્યું એવું કે હું રસ્તો ઓળંગી જ શક્યો નહિ! મને આંખે બરાબર દેખાય છે, હું બરાબર સાંભળી શકું છું. પગે કશી ખોડ નથી. પણ કદાચ આ કારણે જ હું રસ્તો ઓળંગી શક્યો નહિ.

હું રસ્તો ઓળંગવાને પગ ઉપાડવા જતો હતો ત્યાં જ ખૂબ નજદીકથી કોઈનો ઉચ્છ્વાસ મને સ્પર્શી ગયો. પાછું વાળીને જોઉં છું, તો એક પ્રૌઢ વયનો પુરુષ હતો. એ કશીક મુશ્કેલીમાં હશે એમ માનીને મેં એની સામે પ્રશ્નભરી દૃષ્ટિએ જોયું. એના મોઢા પરના ભાવ બદલાયા નહિ. એની આંખની કીકીની આજુબાજુ ધોળાશનું વર્તુળ હતું. એ લગભગ નિષ્પલક દૃષ્ટિએ જોઈ રહ્યો હતો. મારી સામે આંખો માંડેલી હતી છતાં હું એની દૃષ્ટિ જોડે મારી દૃષ્ટિનું સન્ધાન કરી શકતો નહોતો. ભિખારી જેવો તો એ લાગતો નહોતો. કોઈ સારા કુટુમ્બનો માણસ અવદશા થતાં લાચારીથી યાચક બનતાં અવાચક થઈ ગયો હશે એવું માનીને મેં પૈસા કાઢવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો. પૈસા બહાર કાઢ્યા. એ તરફ એણે નજર સરખી કરી નહિ, પૈસા માટે હાથ પણ લંબાવ્યો નહિ. હું ભોંઠો પડી ગયો, પણ એના મોઢા પરનો ભાવ બદલાયો નહિ. કોઈક સમય, કદાચ સત્યયુગમાં, એવો હશે જ્યારે કેવળ ઉચ્છ્વાસના સ્પર્શથી લોકો એકબીજાને સમજી શકતા હશે. આજુબાજુનાં ટોળાં વચ્ચે અમે બે નિકટ છતાં અસમ્બદ્ધ એવા ઊભા હતા.

આખરે મને શું કરવું તે સૂઝ્યું નહિ એટલે હાર સ્વીકારીને મેં મારી આંખ ફેરવી લીધી, થોડે દૂર ખસી ગયો. પેલાએ શું કર્યું તે મેં તીરછી આંખે જોઈ લીધું. એ એમ ને એમ ત્યાં જ ઊભો રહી ગયો હતો. કદાચ એણે મારી અનુપસ્થિતિની નોંધ પણ લીધી નહિ હોય!

હું હવે સામી બાજુએ ચાલી જવા માટે અધીરો બની ગયો હતો. ત્યાં બાજુની કોલેજમાંથી હડતાળ પાડીને વિદ્યાર્થીઓનું ટોળું બહાર નીકળ્યું. મને એમનાં અળવીતરાંપણાંનો ખાસ્સો અનુભવ છે. એટલે જ હું ખસી જવા જતો હતો. ત્યાં, કદાચ મારા મોઢા પરનો ગભરાટ જોઈને, એકબીજાના હાથ ઝાલીને અર્ધવર્તુળ બનાવીને ચાલતા વિદ્યાર્થીઓ વચ્ચે મેં મને કેન્દ્રમાં જઈ ચઢેલો જોયો. સૂત્રોચ્ચારના ઘોંઘાટ વચ્ચે દિઙ્મૂઢ બનીને હું આગળ ને આગળ ઘસડાતો ગયો. મારે કપાળે પરસેવો વળી ગયો. ત્યાં વિદ્યાર્થીઓનાં બે જૂથ સામસામા અથડાયાં. એક પથરો મને ઘસડાઈને ગયો. બધે નાસભાગ શરૂ થઈ. એટલે ધીમે રહીને હું પણ અળગો સરી ગયો.

હવે તો હું આજુબાજુ જોયા વગર રસ્તો ઓળંગી જ જવા માગતો હતો. મેં પગ ઉપાડ્યા. ફૂટપાથની નીચે પગ મૂકું છું ત્યાં જ એક રીક્ષા સાવ મારી અડોઅડ આવીને ઊભી રહી ગઈ. મેં માન્યું કે ચાલો, એક ઘાત ગઈ. પણ જોઉં છું તો એમાંથી એક સન્નારી મારું નામ દેતાં દેતાં ઊતર્યા, એમણે ઉપાલમ્ભભરી નજરે મારી સામે જોયું ને કહ્યું, ‘ખરું કરો છો તમે તો, કેમ જાણે ઓળખતા જ નહિ હો!’ હું એમની સામે તાકીને જોઈ જ રહ્યો. બોર્હેસની નવલકથામાં એક પાત્ર આવે છે જે કદી કશું ભૂલી જ શકતું નથી. મારી એનાથી અવળી સ્થિતિ હતી. એ સન્નારીને ક્યાંક જોયા હોય એવું પણ મને યાદ આવતું નહોતું. એમણે તો જાણે કેટલા જનમથી મને ઓળખતા જ હોય એમ ઉલ્લાસપૂર્વક કંઈ કેટલીય વાતો કરવા માંડી, ‘કેમ, આટલા બધા લેવાઈ ગયા છો? ભાભી બરાબર ખવડાવતા નથી કે શું?’થી માંડીને તે મારા છેલ્લામાં છેલ્લા પુસ્તકની ચર્ચા. યુરોપની હાલની સાંસ્કૃતિક સ્થિતિ, એમની દીકરી કેવી ચમકી ઊઠી છે તેનો વિગતવાર અહેવાલ હું – એકધારા શબ્દધોધથી અભિભૂત થઈને સમ્મોહિત ઊભો જ રહી ગયો. એમણે ‘લો, ત્યારે આવજો’ કહીને સરનામું આપ્યું તે ખિસ્સામાં મૂકીને નિરાંતનો દમ ખેંચ્યો.

હવે મને રસ્તો ઓળંગવાનો ઝાઝો ઉત્સાહ રહ્યો નહોતો. મેં આજુબાજુ નજર કરી. આમ તો કશો અવરોધ દેખાતો નહોતો. મેં એક છેલ્લો પ્રયત્ન કરી જોવા વિચાર્યું. તરત તો મારા પગ ઊપડ્યા નહિ. આખરે કૃતનિશ્ચયી બનીને મેં ડગલું ભર્યું. ત્યાં જ કોઈકે મારે ખભે હાથ મૂક્યો. હું જોઉં છું તો મારી પાછળ ધોળાં કપડાં પહેરેલા બે પડછંદ જુવાનો ઊભા રહી ગયા હતા. મેં એમની પ્રત્યે રોષભરી દૃષ્ટિએ જોયું ને પૂછ્યું, ‘કોણ છો તમે? શા માટે મને રોકો છો?’ એના જવાબમાં એમાંના એકે ખિસ્સામાંથી બેજ કાઢીને બતાવ્યો. એમાંનો એક તોછડાઈથી બોલ્યો, ‘આ તમારા ગાંધીબાપુનું રાજ નથી. સેન્સરશીપ છે એની ખબર તો છે ને? શું ગમે તેમ લખ્યે રાખો છો?’ બીજો બોલ્યો, ‘તમારા મિત્રે જ અમને માહિતી આપી છે. એમ ઢાંકીને ચતુરાઈથી લખશો તેથી અમને છેતરી શકશો નહિ.’ મેં મનમાં કંઈક ગણતરી કરી લીધી. થોડા વખત પહેલાં એક પરિચિત ભાઈ ‘ભૂમિપુત્ર’ને બંધ કરાવી દેવાની ડંફાસ મારતા હતા. એમની જોડે મારે જીભાજોડી થઈ હતી. એ ભાઈનું જ આ પરાક્રમ હોવું જોઈએ. મેં એમને પૂછ્યું, ‘તમે શું કરવા ધારો છો?’ એમણે કહ્યું, ‘તમારા જેવા ભણેલા માણસને શું કહેવું? આ તો ચેતવણી આપીએ છીએ. નહિ તો પછી…’ આવાં માણસો કરતા હોય છે તેમ એણે વાક્ય અધૂરું રાખ્યું.

આમ એક રોજ-બ-રોજનું સાદું રસ્તો ઓળંગવાનું કામ પણ હું તે દિવસે કરી શક્યો નહિ; તે દિવસથી મારો રહ્યોસહ્યો ગર્વ ગળી ગયો છે. હવે હું ‘પરાક્રમ’ શબ્દ મોઢે લાવતો નથી.

15-10-78