પ્રવાલદ્વીપ/મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)

મ્યૂઝિયમમાં (સિંહને જોઈને)

તને હું જોઉં છું,
અને નહીં, અહીં નહીં,
જણાય કે ઊભો છું હું વનોમહીં.

તને હું જોઉં છું,
અને પ્રચંડ ગર્જનો
સુણાય, થાય શાંતિનાં વિસર્જનો.

તને હું જોઉં છું,
અને અરણ્ય અંધકારથી ભર્યું
તહીં શું તેજ માત્ર બે જ નેત્રથી સર્યું.

તને હું જોઉં છું,
અને સ્વયં કરાલ મૃત્યુકાળ
રૂપ સિંહનું ધરી ભરી રહ્યો પ્રલંબ ફાળ.

તને હું જોઉં છું,
અને... નહીં, નહીં, હું જોઉં માત્ર તાહરી પ્રતિકૃતિ;
તને હું જોઉં છું ન, જોઉં માત્ર સ્વપ્નની જ વિકૃતિ.