પ્રવીણસિંહ ચાવડા/૨. દૂત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨. દૂત

રાત પડવા આવી હતી પણ હજુ અંધારું થયું નહોતું. સ્કૂલેથી આવીને રંજુએ કપડાં પણ બદલ્યાં નહોતાં. બેબીને દૂધ પાઈને ઊંઘાડી દીધી અને પોતે વિદ્યાર્થીઓની નોટબુકો તપાસવા બેસી ગઈ. નોકરી ઉપરાંત ઘરકામ અને બાળકને રાખવાનું. તેથી સમય મળે તેમ સ્કૂલનું આ પ્રકારનું કામ ટુકડેટુકડે પતાવતી જતી. ક્યારેક એ માટે સવારે વહેલા પણ જાગવું પડતું. રાત્રે એનાથી ઉજાગરો થઈ શકતો નહીં. આખા દિવસનો થાક, એ ઉપરાંત બીજું પણ ઘણું, તેથી જમીને વાસણ માંજે, થોડું આઘુંપાછું કરે, ત્યાં આંખ ઘેરાવા લાગતી. ઊંઘ સારી આવતી એટલું સુખ હતુ.ં નહીં સપનાં, નહીં સ્મૃતિઓ. દસેક નોટબુકો તપાસી થોકડી બાજુએ મૂકી અને ઊભી થઈ. રસોડામાં જવાની તૈયારી કરતી હતી ત્યાં એને નીચે શેરીમાં થતી વાતચીત સંભળાઈ અને એ થંભી ગઈ. કંઈક પૃચ્છા થઈ રહી હતી. ઉત્તરો એકસાથે ત્રણ-ચાર દિશામાંથી આવ્યા. અહીં. આ મેડી પર – બારી પાસે જઈ નીચે ડોકિયું કર્યું. પાર્વતીબહેન શેરીની વચ્ચે ઊભાંઊભાં કુતૂહલથી ઊંચે તાકી રહ્યાં હતાં. એમણે કંઈક સાવધાનીભર્યા સ્વરે વધામણી ખાધી, ‘રંજુબેન, તમારે ઘેર મે’માન આવ્યા’ એને ઘેર મહેમાન? પહેલી ટર્મ પૂરી થવા આવી પણ એ ચાર મહિના દરમિયાન કોઈ આવ્યું નહોતું બે-ત્રણ પડોશણો અને થોડા વિદ્યાર્થીઓ સિવાય કોઈએ એ મેડી પર પગ પણ મૂક્યો નહોતો. બા તથા ભાઈ-ભાભીને એકલી રહેતી છોકરી માટે ચિંતા હોય, પણ એ ટપાલ દ્વારા સમાચાર પૂછી લેતાં. સમજાય એવું હતું. ખાસ કોઈ મોટા કારણ વગર ખૂણાના આ ગામ સુધી કોઈ શા માટે લાંબું થાય? વળી, એ સૌને ધરપત પણ હશે કે હાલના સંજોગોમાં છોકરી જ્યાં જે સ્થિતિમાં છે તે ઠીક છે. સ્કૂલની માનભરી પાકી નોકરી છે. ગામડાની વસતિ વચ્ચે યુવાન સ્ત્રીને અમુક પ્રકારની સલામતી પણ ખરી. સ્નેહીઓએ ભેગા મળીને નક્કી કરી લીધું હશે કે આપણી રંજુ ડાહી, મનની મજબૂત. એને કોઈની સહાનુભૂતિની જરૂર નથી. ઊલટાનું, કોઈ હાથ લંબાવવા જાય તો અપમાન સમજે એટલી હદે સ્વમાની છે. તો પછી આજે –? તર્કવિતર્ક માટે સમય મળ્યો નહીં. દાદર પર સંચાર થયો અને એક દૂબળો યુવાન પ્રગટ થયો. છેલ્લા પગથિયે અટકીને થોડી વાર એ મેડીની વચ્ચોવચ ઊભેલી સ્ત્રી સામે જોઈ રહ્યો. પછી પૂછ્યું, ‘આવું, રંજનબહેન?’ લેંઘોે-ઝભ્ભો અને જાડી ફ્રેમનાં ચશ્માં. ખભે નાનો થેલો. ના, એ પરિચિત નહોતો. ક્યારેય જોયાનું સ્મરણ નહોતું. કદાચ સ્કાઉટ કે સ્પોટ્‌ર્સ જેવી સ્કૂલને લગતી કોઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોઈ શકે. આ વિચાર આવ્યો તેવો જ રદ થયો. એ પ્રકારના માણસોમાં જોવા મળે તેવી વાચાળતા કે વધારે પડતો આત્મવિશ્વાસ આનામાં નહોતાં. હોઠ પર સંકોચભર્યું સ્મિત હતું, બિનજરૂરી હાસ્ય નહીં. દાદરનું છેલ્લું પગથિયું તે રંજુના ઘરનો ઉંબર. આગંતુક ત્યાં ક્ષોભ સાથે ઊભો હતો; હડફડ કરતો ધસી આવ્યો નહોતો. ‘આવું?’ – એવો એનો પ્રશ્ન પણ ઔપચારિક નહોતો. સાચા અર્થમાં એ પ્રવેશ માટે રજા માગી રહ્યો હતો. નકારવામાં આવે. મંજૂરી આપવામાં ન આવે, તો કંઈ પણ બોલ્યા વગર પગથિયાં ઊતરીને ચાલ્યા જવાની તૈયારી દેખાતી હતી. કોણ છો, શા કામે આવ્યા છો – એવું રંજુ પૂછી શકી નહીં. સહેજ ખચકાતાં એણે હકારમાં મસ્તક હલાવ્યું. દાદર પાસે ચંપલ કાઢતાં આગંતુકે પોતાનો પરિચય આપ્યો, ‘હું ગોપાલ.’ પોતાનું નામ એ જ પરિચય એવું એણે માની લીધું હશે. ‘મને ન ઓળાખ્યો?’ ‘કંઈ... ખ્યાલ નથી આવતો.’ ‘હું અનિલનો મિત્ર છું. હવે, તમે કહો તો આ ખુરશી પર બેસું. નહીં તો ચાલ્યો જાઉં.’

એ નામના ઉચ્ચાર સાથે પોતાનું ઘર કલુષિત થઈ ગયું હોય એવું રંજુને લાગ્યું. એ નામધારી વ્યક્તિએ તો, અંદરબહારથી લોહીલુહાણ કરી એને ફેંકી દીધી હતી. કશામાં શ્રદ્ધા ન રહે એવી દશા કરી હતી. હવે એની સાથે શો સંબંધ? વિચ્છેદ પર કાયદાની કોર્ટે પણ મંજૂરીનો સિક્કો મારી દીધો હતો. તો પછી, આ વળી કોણ હતો અને કયા અધિકારથી, આટલે દૂર પોતે સંતાઈ હતી ત્યાં, ભૂતકાળનું કુત્સિત પ્રકરણ ઉખેડવા શોધતો આવ્યો હતો? કહેવાનું મન થયું કે ભાઈ, તમે જે હો અને જેવા હો, જાઓ, પાછા જાઓ શું જોઈને ચાલ્યા આવ્યા છો? મારે એ વિશે કોઈ વાત કરવી નથી. હજુ કંઈ બાકી રહી ગયું છે તે પૂરું કરવા આવ્યા છો? પણ એ બોલી શકી નહીં. સાવ અજાણ્યો માણસ. વળી અતિથિ. પહેલી વાર એને આંગણે આવ્યો હતો. ઇચ્છે તોપણ પોતે નિષ્ઠુર થઈ શકાય એમ નહોતું. જાતને સંભાળી લેતાં એણે હાથના ઇશારાથી સૂચવ્યું – બેસો. આગંતુકે ચંપલ કાઢી, થેલો ભીંતના ટેકે મૂક્યો અને પોતાનો બચાવ શરૂ કર્યો, ‘કવેળાએ આવ્યો છું. આ રીતે મારાથી તમારે ઘેર ન અવાય, સ્કૂલ પર જ મળવાનો ખ્યાલ હતો. પણ કશું ધાર્યું થયું નહીં. એક તો પાલનપુરની બસ જલદી મળી નહીં. પાલનપુરથી ડીસામાં કોઈ મુશ્કેલી ન પડી, પણ ડીસાથી અહીં આવતાં બસ બ્રેકડાઉન થઈ ગઈ. ચાર-પાંચ કિલોમીટર ચાલતાં આવવું પડ્યું. એ તો જાણે ઠીક છે, કસરત થઈ, પણ પહોંચ્યો ત્યારે સ્કૂલ છૂટી ગઈ હતી. નાછૂટકે, ચોકિયાત પાસેથી સરનામું લીધું.’ રંજુ બેઠી નહોતી, સામે ઊભી હતી. પ્રવાસીની ભ્રમણકથા એણે સાંભળી, કાન બંધ કરી દીધા નહીં. એ પૂરી થઈ ત્યારે તટસ્થ સ્વરે બોલી, ‘હવે હું કહું તે ધ્યાનથી સાંભળી લો. આટલે દૂર મારું ઘર શોધતા આવ્યા છો તેથી તમને બેસવાનું કહ્યું. મને તડફડ કરતાં આવડતું નથી, કોઈનું પણ અપમાન કરવું તે મારા સંસ્કારમાં નથી.’ આમ જાણ્યે-અજાણ્યે એણે બે ભાગ પાડી દીધા. એક બાજુ હું અને સામે તમે લોકો. તમે સર્વશક્તિમાન મનમાં આવે તે કરી શકો. અપમાન શું, ભવાડા, ફજેતી, મારઝૂડ-કશું તમારે માટે અશક્ય નહીં. પાણી લાવું, ચા બનાવું તે પીઓ અને મહેરબાની કરીને વિદાય લો. હું એ બાબતમાં એક શબ્દ પણ સાંભળવા માગતી નથી.’ પેલાએ હસતાંહસતાં કહ્યું, ‘ગેરસમજ ન કરો, રંજનબહેન હું કોઈની વકીલાત કરવા નથી આવ્યો. હું તો માત્ર તમને મળવા અને જોવા જ આવ્યો છું.’ જોવા! પોતે શું કોઈ જોવાની ચીજ હતી? અજાણ્યો પુરુષ, એનામાં સભ્યતા-અસભ્યતાની સહેજ પણ સમજ હોય તો આવા શબ્દો ન બોલે. એના સ્વરમાં વધારે રોષ આપ્યો, ‘મારામાં અને લોકોને રસ હોવો જોઈએ નહીં. તમારે અને મારે શું લાગેવળગે? અને છતાં, માત્ર જોવા જ આવ્યા હો, તમે કહો છો તેમ, તો એ કામ પતી ગયું. જોઈ લીધી ને?’ ‘એ પણ સાચું! તો પછી મારે આ ક્ષણે જ જવું જોઈએ – ’ ચપટી વગાડી ખુલ્લા હાસ્ય સાથે ગોપાલે રંજુની વાતને સમર્થન આપ્યું નહીં સાથે કોઈ દલીલ, નહીં ચહેરાની રેખાઓમાં કચવાટનો ભાવ. હવે રંજુ હસી. ગુસ્સામાં પોતે કંઈક વધારે પડતું સંભળાવ્યું હતું. એણે કહ્યું, ‘માફ કરજો. ખોટું ન લગાડતા. ચાનું કહ્યું એમાં માત્ર વિવેક નથી. તમે મારા મહેમાન છો. ઓછામાં ઓછું એટલું સ્વાગત તો મારે કરવું જોઈએ.’ એવું ન ઉમેર્યું કે કોણ નવરું છે અહીં આવવા! આવા સમયમાં મારા ખબરઅંતર પૂછવા, જીવું છું કે ઊડી ગઈ એ જાણવા પણ કોઈએ તસ્દી લીધી નથી. તમે સાચા અર્થમાં આ ઘરના પ્રથમ અતિથિ છો. તમારો અનાદર હું કેવી રીતે કરી શકું? ‘માફી તો મારે માગવાની હોય, રંજનબહેન.’ ગોપાલે કહ્યું અને પગ ઊંચા લઈ ખુરશી પર પલાંઠી મારી.

પાણી આપીને રંજુ સામે બેઠી. સાડીનો છેડો ખભા ફરતે વીંટ્યો, બે હાથ ખોળામાં રાખ્યા : આમ, અજાણતાં તટસ્થતાની મુદ્રા રચાઈ ગઈ. ‘બોલ્યો એનું પૂરેપૂરું પાલન કરીશ. અપ્રિય વિષયની ચર્ચા નહીં કરું.’ ગોપાલે કહ્યું, ‘માત્ર થોડી સ્પષ્ટતા કરી લઉં. આપણે મળ્યા નથી, પણ તમારે માટે હું સાવ અજાણ્યો નહીં હોઉં એમ માનીને આવ્યો હતો. અનિલનો પડોશી અને મિત્ર છું. અમે હાઈસ્કૂલ સુધી સાથે ભણ્યા હતા. તેથી મને એમ હતું કે તમે નામથી તો ઓળખતા જ હશો. એની વાતોમાં હું આવું જ એવો મારો અધિકાર સમજતો હતો.’ ‘તમે મોટી ભૂલ કરી. મિત્રનો કે પત્નીનો, કોઈ અધિકાર એ માણસ આગળ ચાલે છે એમ માની લીધું?’ ‘એક રીતે જોઈએ તો, રંજુબહેન, મને યાદ ન કર્યો એમાં એનો વાંક નથી –’ ‘આનું નામ મિત્રધર્મ! ગમે તેટલું ખોટું કરે, છતાં એનો વાંક નહીં. ગુડ! મને તમારી આ ઉદારતા ગમી.’ ‘તમે પૂરું સાંભળો તો ખરાં! દૂર વસ્યો છું તેથી સંપર્કો ઓછા થઈ ગયા છે. મૅરેજની કંકોતરી મળી હતી પણ હું આવી શક્યો નહોતો. એ વખતના એના પત્રોમાં તમારાં ઢગલો વખાણ વાંચીને થયેલું કે ચાલો, મિત્ર તરી ગયો! પછી... જે... બન્યું તે વિશે તો હમણાં અમદાવાદ આવ્યો ત્યારે જાણ્યું.’ ‘દૂર એટલે ક્યાં છો?’ ‘રાયપુર.’ ‘જે હોય તે, પૃથ્વીના ગોળા પર આવ્યું ને?’ ‘સમસ્યા રાયપુરની નહીં મારી છે. હું પૃથ્વીના ગોળાની બહાર છું.’ ‘બહાર રહીને શું કરો છો?’ ‘ખાસ કંઈ કરું છું એવું કહી શકાય નહીં.’ પછી વગર પૂછ્યે ગોપાલે પોતાની કથની થોડાં વાક્યોમાં કહી નાખી. પિતા કાપડનો ધંધો અમદાવાદથી ખસેડી રાયપુર લઈ ગયા તેથી એને કૉલેજનું શિક્ષણ રાયપુર લેવાનું થયું. કૉલેજ માત્ર નામ પૂરતી હતી. રખડી ખાધું એમ કહી શકાય. નાટક-ચેટકમાં વધારે રસ હતો. હિંદી રંગભૂમિનો ઉદ્ધાર કરવો હતો ને? ક્રાન્તિ કરવી હતી ને? પડદા ખેંચવાથી માંડી અભિનય, દિગ્દર્શન, સ્ક્રિપ્ટ રાઇટિંગ બધું એકલે હાથે કર્યું. એમાંથી પરવાર્યો – રંજુએ વચ્ચે પૂછ્યું, ‘નાટક તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ પ્રવૃત્તિ ગણાય; તે છોડવાનું કારણ શું?’ ‘ધૂન હતી; ઊતરી ગઈ. માતાપિતા હયાત નથી, ઘરસંસાર કહી શકાય એવું કશું નથી – રખડેલ માણસને કન્યા કોણ આપે? – પિતાનો કાપડનો ધંધો બંધ પડ્યો છે પણ એ જગ્યાએ પુસ્તકોની દુકાન કરી છે, જૂનાં પુસ્તકોની દુકાન.’ ‘નાટક કરતાં પણ વધારે ઇન્ટરેસ્ટિંગ. એ બિઝનેસ કેવો ચાલે છે?’ ‘કિતાબે નહીં બિકતી, ઘરસે બરતન બિકતે હૈ.’ ગોપાલે આત્મવૃત્તાંત કહ્યું ઉડાઉ શૈલીએ, પોતાના બરડે ચાબુક મારતાં મારતાં, પણ એની રમૂજ શ્રોતા સુધી પહોંચી નહીં. હવે આ વખતની અમદાવાદની મુલાકાતનું પ્રયોજન : વતન સાથે જોડી રાખે એવું એક જૂનું મકાન હતું તે કાઢી નાખવાનો વિચાર હતો. નિકાલ કરીએ એટલે છૂટા. નોટો ગાંઠે બાંધીને રાયપુર ભેગા. ‘તમે વેચવાની વાત કરો છો એ મકાન કયું?’ ‘‘ ‘કૃષ્ણસદન’, બિલકુલ તમારા, આઈ મીન અનિલના ઘરની સામે. તમે રોજ જોતાં હશો.’ ઊંચા ઓટલાવાળું જૂની બાંધણીનું મકાન રંજુને યાદ હતું. એ બંધ રહેતું. લાલલીલા કાચ ને કંઈ કેટલીયે પૂતળીઓ. માણસો નહોતાં વસતાં, પણ એ પરિસ્થિતિનો લાભ ચકલીઓ, કબૂતરો અને મોર ખૂબ લેતાં. સૂર્યોદય કે સૂર્યાસ્ત, વાદળો કે વરસાદ – એ દિવસોમાં કશું જોવા-સાંભળવાની મનની સ્થિતિ નહોતી, છતાં ક્યારેક રંજુને સામેની બાલ્કનીમાં ચાલતી પક્ષીઓની રમત દેખાઈ જતી. ગળું ખંખેરતાં એ બોલી, ‘દાદરેથી જાકારો આપ્યો હોત તો હું પાપમાં પડત.’ ‘જાકારો નહીં, લાત મારીને કાઢ્યો હોત તોપણ એ તમારો અધિકાર હતો.’ ‘ના, ના, એવું ન બોલો. બધાં કામમાંથી સમય કાઢીને મને મળવા આવ્યા –’ ‘નવાઈ નથી કરી, રંજુબહેન; મારી ગરજે આવ્યો છું. તમે તો, આડકતરી રીતે, મારા જીવનનો ભાગ ગણાઓ. આવું એક માણસ અમારી શેરીમાં આવ્યું અને ખૂબ દુઃખી થઈને ગયું એ જાણ્યું પછી, બીજું તો શું કરી શકું. ક્ષમા માગવા આવ્યો છું.’ ‘ક્ષમા? કોના વતી?’ ‘કોના વતી એટલે? મેં આવીને જોયું કે પડોશમાં સૌને તમારે માટે ખૂબ લાગણી, ખૂબ માન છે. એ સૌના વતી. અને ખાસ તો મારી જાત વતી.’ ‘મિત્રતાનો તમારો ખ્યાલ આટલો વિશાળ છે? એકના પાપની માફી બીજો માગે?’ ‘જોકે, એક રીતે આ પણ અર્થ વગરનું છે. હું ક્ષમા માગું તેથી શો ફેર પડવાનો છે? પહાડ જેવડું પાપ, એની સામે શબ્દો, ઠાલા શબ્દો!’ અચાનક ગોપાલ ઊભો થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો. રંજુને લાગ્યું કે એ જવાનું કરે છે. ‘શું થયું?’ એણે પૂછ્યું. ‘બેબી! બેબી ક્યાં છે?’ રંજુ એની સામે જોઈ રહી. ‘મારે દીકરીને જોવી છે.’

બેબી હાથપગ ફેલાવી ચત્તીપાટ પડી હતી. નોકરી કરતી એકલી સ્ત્રીને ગામડાગામમાં બેબીસિટર ન મળે, પણ રંજુના સદ્‌ભાગ્યે સારી વ્યવસ્થા થઈ ગઈ હતી. શેરીમાં એક વિધવા રહેતાં હતાં, મંગળાબહેન. માંડ પિસ્તાલીસનાં હશે, પણ એમણે વૈધવ્ય સાથે વૃદ્ધત્વનું સમીકરણ સ્વીકારી લીધું હતું અને સૌ એમને મંગુમા કહીને બોલાવતાં. સ્કૂલે જતી વખતે રંજુ બેબીને એમની પાસે મૂકીને જતી. ડોશી એને રમાડે, દૂધ પાય અને ઊંઘાડી દે. બસ, એમનું કામ એટલું; બાકીની જવાબદારી આખી શેરીની. પડોશણો એને ઉપાડી જતી. છોકરાં એને રમાડવા પડાપડી કરતાં, લૂંટાલૂંટ થતી. એ વ્યવસ્થામાં વિધવાને પણ ફાયદો હતો; એને રોટલાજોગ મળી રહેતું. ગોપાલ પલંગ પાસે ગયો અને સહેજ નમીને ઊંઘતી બાળકીને જોઈ રહ્યો. રંજુ પણ એ ક્રિયામાં જોડાઈ. ‘દુશમુશ તમારી કૉપી છે. એક રૂંવાડુંય ચોર્યું નથી.’ આ માણસનોે અધિકાર વધી રહ્યો હતો! રંજુએ હળવેથી પુત્રીની બાબરીમાં આંગળાં ફેરવ્યાં, એની છાતી થપથપાવી, ‘બચ્ચુ, હાલા કરી લીધી. હવે ઊઠવું નથી? જો, આ અંકલ –’ ‘ના, ના, રંજુબહેન – ’ ‘કલાક-દોઢ કલાકની ઊંઘ થઈ ગઈ. આમ પણ એને જગાવાની હતી.’ છોકરીના ચહેરા પર હાસ્ય પહેલું આવ્યું; આંખો તે પછી ઊઘડી. બિલકુલ તાજી ઊંઘમાંથી ઊઠી હોય એવું એક પણ લક્ષણ નહીં. માએ અને ઊંચકીને ખભે લીધી, ‘અંકલની પાસે જવું છે?’ શબ્દો પૂરા થાય એ પહેલાં તો છોકરીએ પડતું મૂકવા જેવું કર્યું અને ગોપાલના લંબાવેલા હાથોમાં સમાઈ ગઈ. ‘હું ચા મૂકું.’ રસોડાના બારણા પાસે પહોંચી ત્યાં ગોપાલે પૂછ્યું, ‘રંજુબહેન, આનું નામ શું પાડ્યું છે?’ ‘નામ તો મોટું, ઊપડ્યું ઊપડે નહીં એવું પાડ્યું છે.’ ‘અહો!’ ‘નિત્યા.’ ‘મારા નિત્યાનંદ મહારાજ!’ મેડી સાંકડી પણ ઠીકઠીક લાંબી હતી. બારી પાસે પલંગ. વચ્ચે બે ખુરશી અને ટિપાઈ. પાછળ નાનો ઓરડો તે રસોડું, એના એક ખૂણામાં પાણિયારું અને બીજામાં નાહવાની ચોકડી. રસોઈ નીચે પાટલા પર બેસીને કરવાની. ‘ઘૂ... ઘૂ... ઘૂ! અ... લ... લ!’ એણે પાછળ નમીને જોયું. હોઠ લાંબાટૂંકા કરી, ગાલ ફુલાવી ગોપાલ ચિત્રવિચિત્ર અવાજો કાઢતો હતો અને દોડવાનો અભિનય કરતો હતો. ખિલખિલ કરતી, તાળીઓ પાડતી છોકરી એની પાછળપાછળ દોડતી હતી. ચાના કપ સાથે રસોડામાંથી નીકળતાં એ બોલી, ‘તમને થકવી દેશે.’ ‘થકવી દેશે શું, ભૂકા કાઢી નાખ્યા!’ રંજુએ નિત્યાને તેડી લીધી, ‘તમે ચા પીઓ; ત્યાં સુધી હું આને લઈ જાઉં છું.’ સંકોચ સાથે ઉમેર્યું, ‘એના ડિનરનો ટાઇમ થઈ ગયો છે.’ રસોડામાં જઈ એણે બારણું આડું કર્યું અને પલાંઠી વાળી છોકરીને ખોળામાં લીધી. હાથપગ ઉછાળતી શેતાન તરત માની છાતીએ વળગી પડી.

એક લીટી દોરાઈ ગઈ છે એમ માન્યું હતું. લીટી નહીં, દીવાલ. એની એક તરફ પોતે અને બીજી તરફ બાકીની દુનિયા. બેને જોડતો કોઈ માર્ગ નહીં, છીંડું નહીં. ભૂતકાળને યાદ કરે ત્યારે લાગતું કે જે બન્યું તે બુદ્ધિ વડે સમજી શકાય એવું નહોતું. જીવનનો એ આખો ખંડ અવાસ્તવિક હતો. અભિમાન ન કરે તો પણ હકીકત તરીકે એ જાણતી હતી કે પોતાનામાં ઘણું હતું : રૂપ, કુટુંબના ઊંચા સંસ્કાર, હાઈસ્કૂલમાં અંગ્રેજી શિક્ષકની નોકરી. છતાં, પિતાએ જ્ઞાતિનો છોકરો પસંદ કર્યો અને આજ્ઞાંકિત પુત્રી આગળપાછળ કશું જોયા વગર ચુપચાપ લગ્નની ચોરીમાં બેસી ગઈ! જમાનો બદલાયો હતો, પિતા પણ એવા રૂઢિચુસ્ત અને જડ નહોતા. પોતે પાત્ર પસંદ કર્યું હોત તો એમણે પુત્રીના સુખનો વિચાર ન કર્યો હોત એવું નહોતું. કોઈ કહી શકે કે હે રંજુડી ગાંડી! જીવનમાં બધું આમ જ બને છે. સાદા સરળ તર્કથી એને સમજી શકાતું નથી. કોઈ આયોજન ચાલતું નથી. બસ, ઘટનાઓ બને છે. સંબંધો બંધાય છે, તૂટે છે. એક નાનકડો પ્રસંગ, એક આકસ્મિક મુલાકાત, તમને ઉપાડીને ક્યાંયના ક્યાંય ફંગોળી દે છે – અને છતાં, આજનો આ ચમત્કાર! તૂટે, લૂંટાય, નાશ પામે તે સમજાય, પણ કંઈક પ્રાપ્ત થાય તે માન્યામાં આવતું નહોતું. અશુભના, અભદ્રના અસ્તિત્વને એણે સ્વીકારી લીધું હતું; એ તો છે જ, સર્વવ્યાપી અને સર્વશક્તિમાન, પણ શુભને અને મંગલને કેવી રીતે સમજવાં? દેખાતો હતો બીજા મનુષ્યો જેવો જ, પણ એ આવ્યો હતો કોઈ ગેબી દિશામાંથી. વજ્રના પ્રહારથી ન તૂટે એવા કવચને એ પીંછાના હળવા સ્પર્શથી તોડવા આવ્યો હતો. કોણ હતો. શું હતો? એણે પોતાનો પરિચય આપ્યો, બેજવાબદાર કહાણી કહી : એ વિગતો ઉપરઉપરથી સાચી હશે, છતાં એમાં છલ હતું. આત્મવૃત્તાંતની વિગતોમાં એ સમાતો નહોતો. તો એનું સાચું સ્વરૂપ શું હતું? એનું આવવાનું પ્રયોજન સમજાતું નહોતું. પ્રયોજન જેવું કંઈ દેખાતું જ નહોતું. કશી વાત નહોતો કાઢતો, અપ્રિય પ્રકરણ તરફ ઇશારો પણ નહોતો કરતો. જાણે નિત્યા સાથે રમવા, ઘૂઘૂઘૂ અને અલલ કરવા જ આવ્યો હોય! અભાવવાળી આ વર્જિત મેડી પર આટલું હાસ્ય, બે બાળકોનો આવો ખિલખિલાટ!

રસોડાનું બારણું ઉઘાડ્યું ત્યારે જોયું કે ગોપાલ આંખો મીંચીને બેઠો હતો. એણે ઊંચું જોયું અને હાથ લંબાવ્યો. દૂધ પીને તાજીમાજી થયેલી નિત્યા દોડતી એની પાસે ગઈ. લંબાયેલા હાથને તાળી આપી અને દડબડ દાદર તરફ ગબડી ગઈ. ‘અરે અરે, તું ક્યાં જાય છે?’ ‘શેરીમાં રમવાની એની છેલ્લી સેશન બાકી છે.’ ‘પણ દાદર પરથી –’ ‘આખો દિવસ ઉપર-નીચે કરે છે. પડતી નથી અને પડે છે તો વાગતું નથી. શરીરમાં હાડકું છે જ નહીં, સળંગ રબરની રચના છે.’ પુત્રીના વિષયને જ આગળ લંબાવતી હોય એમ એણે હળવેથી પૂછ્યું, ‘કોઈ પણ બાબતમાં આ જ નીતિ?’ ‘કેવી નીતિ?’ ‘ફેંકી દો, તોડી નાખો, વેચી નાખો, કાઢી મૂકો?’ ‘એવું નથી રંજુબહેન–’ ‘બાપીકું ઘર વેચાય નહીં.’ ‘પણ –’ ‘માત્ર પૈસાનું જ વિચારો એવા માણસ તમે નથી લાગતા. બાળપણ તો એ જ ઘરમાં વીત્યું હશે ને?’ ‘બાપાએ ઉચાળા ભરાવ્યા ત્યારે સોળનો હતો.’ ‘ભૂમિ સાથે જોડી રાખનારાં સૂત્રો હશે, હોવાં જોઈએ.’ ‘છે, હજારો-લાખો છે.’ રંજુને પોતાની જાત પર હસવું આવ્યું. થોડી વાર પહેલાં આ માણસને દાદરેથી જ પાછો કાઢવાનું વિચારતી હતી અને હવે, મિલકત વેચવા જેવી મહત્ત્વની અને અંગત બાબતમાં એને સલાહ આપવા બેસી ગઈ હતી! ઝટઝટ ઉમેર્યું, ‘માફ કરજો, આ મારો વિષય નથી. આ તો શું કે, બંધ ઘર, એનું ઝીણું કોતરકામ, નેવાં નીચે કબૂતરો બેસે, મને બારીમાંથી રોજ દેખાય –’ ‘રંજુબહેન, મારા કોઈ નિર્ણયમાં ઠેકાણું હોતું નથી. એવું નહીં કે નક્કી કર્યું તે પકડી રાખવું. લ્યો, તમારી સાથે આ ક્ષણે નક્કી કરીએ કે નથી વેચવું, બસ?’ ‘ના, ના. આમ ઉતાવળે નિર્ણય ન કરાય. હું તો માત્ર સૂચન કરતી હતી.’ ‘વરસમાં બે-ચાર વાર આવીશ. સાફ કરીશ, થોડા દિવસ એમાં ઊંઘ્યા કરીશ. એક વાત કહું? એ ઘરમાં ઊંઘ ખૂબ મીઠી આવે છે.’ ખુરશી પર નીચી નજરે બેઠેલો અતિથિ. સામે ભીંતને અઢેલીને ઊભેલી યજમાન સ્ત્રી. થોડી વાર કોઈ કંઈ બોલ્યું નહીં. મૌનનો ભંગ કરતાં ગોપાલ ટટાર થયો અને થેલા માટે હાથ લંબાવ્યો, ‘તો હું રજા લઉં.’ ‘કેમ?’ બોલ્યા પછી લાગ્યું કે પોતે મૂર્ખાઈભર્યો પ્રશ્ન કર્યો હતો. ‘ચા પિવાઈ ગઈ, બેબીને રમાડી –’ ‘મને જોઈ લીધી.’ ‘હા, તમને જોયાં.’ ‘થોડીવાર બેસો.’ મારે એ વિશે એક અક્ષર પણ સાંભળવો નથી – એવો નિષેધ એમણે સામા પક્ષ માટે ફરમાવ્યો હતો, પણ પોતે તો બંધાઈ નહોતી. ભીંત પાસેની ખુરશી પર બેસતાં એણે કહ્યું, ‘તમે કંઈ જાણો છો?’ ‘થોડું થોડું.’ ‘મારી નોકરી છોડાવી, મને મારીને કાઢી મૂકી –’ ગોપાલે આડો હાથ ધરી દીધો, ‘શરતનો ભંગ થઈ રહ્યો છે!’ ‘પણ –’ ‘ડિસક્શન નૉટ અલાઉડ!’ ‘થોડી પણ વાત ન થઈ શકે?’ ‘હું તમારા જ પક્ષમાં છું, પછી મને સમજાવવાની ક્યાં જરૂર છે? છોડો એ વાત. નકામું મન ડહોળાઈ જશે. હું તો ચાલ્યો જઈશ પણ તમને ઊંઘ નહીં આવે.’ ‘ઊંઘ તો આમેય નથી આવવાની.’ ‘ખોટું થય.ું. મારે આ રીતે નહોતું આવવું જોઈતું શાંતિથી જીવતાં હતાં ત્યાં કારણ વગરે આવીને પથરો નાખ્યો.’ ‘એવું નથી, એવું નથી.’ ‘ગમે તેટલી લાગણી હોય, હેતુ સારો હોય, તોપણ કોઈના એકાંતમાં હડફડ ઘૂસી જવાનો અધિકાર નથી. શક્ય હોય તો મને માફ કરજો.’

રંજુનું મન જુદી દિશામાં કામ કરી રહ્યું હતું. ‘તમે સહેજ પણ અજાણ્યા કે અપરિચિત લાગતા નથી.’ એણે કહ્યું. ‘એમાં નવાઈ નથી. એમ જ હોવું જોઈએ.’ ‘એટલે?’ ‘બે હિંસક પ્રાણીઓ એકબીજાને મળે એ જુદી વાત છે, પણ આપણે તો મનુષ્ય છીએ. હું બીજું કંઈક કહેતો હતો. ભૂલી ગયો.’ ‘મારી ઊંઘની ચિંતા કરતા હતા.’ ‘એ ખરું, અને બીજું... હા યાદ આવ્યું. અહીંથી જાઉં એ પહેલાં મારે તમને કંઈક કહેવાનું છે. સલાહ ગણો તો સલાહ અને વિનંતી ગણો તો વિનંતી.’ રંજુએ બે હાથ ઊંચા કરી દીધા, ‘એ ચર્ચા માટે મારા તરફથી નિષેધ!’ ‘આ કેવી રમત! બદલો વાળો છો?’ ‘સલાહો, શિખામણો, ડાહીડાહી વાતો ચોપડીઓમાં લખેલી તૈયાર મળે છે, બજારમાં વેચાય છે. ભૂતકાળને ભૂલી જવો, જીવન નવેસરથી શરૂ કરવું, બારીઓ ઉઘાડી રાખવી, શ્રદ્ધા ગુમાવવી નહીં. તમારે આ જ કહેવાનું છે કે જુદું કંઈ?’ ગોપાલ મોટેથી હસ્યો. ‘તમે તો મને પકડી પાડ્યો! આ જ, બેઠાં વાક્યો મારા મનમાં ચાલતાં હતાં તે તમે વાંચી લીધાં.’ ‘આપણે એમ કરીએ : માની લઈએ કે તમે એ બધું બોલ્યા અને મેં સાંભળ્યું. બસ?’ ‘વિધિ પૂરો થયો.’ ‘હો.’ શ્રદ્ધા, ભોળપણ, સત્ય, મૂર્ખાઈ – ક્ષણમાં ખંડન થઈ શકે એવા ગોટાળિયા ખ્યાલો હતો. પણ રંજુ બોલી નહીં. ગોપાલના ચહેરા સામે સ્થિર નજરે જોઈ રહી. આંખોમાંથી પાણી વહી રહ્યાં હતાં તેનું ભાન થયું ત્યારે જાતને સંભાળી લેતાં એણે રમૂજનો પ્રયાસ કર્યો, ‘એક વિઝિટ મારી અને મારો ઉદ્ધાર કરી દીધો!’

ગોપાલે એ શબ્દોનો પ્રતિભાવ આપ્યો નહીં. આંખો મીંચી નતમસ્તકે થોડી વાર બેસી રહ્યો. પછી ધીમેથી ઊભો થયો અને થેલો ખભે ભરાવ્યો. ‘મોડું થયું.’ બંને નીચું જોઈને ઊભાં રહ્યાં. અચાનક, શરૂઆતમાં થવો જોઈતો હતો તે વ્યવહારુ પ્રશ્ન રંજુને હવે થયો, ‘આટલી રાતે અંધારામાં ક્યાં જશો? બસ તો મળશે નહીં –’ ‘રોડ પર જઈને ઊભો રહીશ. ટ્રક કે ટેમ્પો એવું કંઈક મળી જશે. ડીસા ભેગો થાઉં તે પછી આગળની ચિંતા નથી.’ ‘જમ્યા નથી, ભૂખ્યા છો વાતો ને વાતોમાં મને એટલું ય ભાન ન રહ્યું –’ ‘તમારા ભેળો મારે પણ ઉપવાસ!’ ‘ના, ના. આ ન ચાલે. બહુ ખોટું થયું. ગામડું ગામ, હોટેલ પણ નથી.’ ‘અમે ફરંદા માણસો. અમને બધે રસ્તા મળી રહે. ગામની બહાર મંદિર છે. આવતી વખતે મારી નજર એની પાકી વિશાળ ઓરડી પર પડી હતી.’ ‘અમારા આચાર્યસાહેબ કે પ્રમુખસાહેબને કહેવડાવું? બહુ ભલા માણસો છે. એમને ઘેર રાતવાસો –’ ‘મારી ચિંતા ન કરો.’ ‘અહીં મારી પડોશમાં, ગુલાબકાકા વૃદ્ધ એકલા જ રહે છે –’ માથું ધુણાવતો ગોપાલ પગથિયાં ઊતરવા લાગ્યો. ‘એક મિનિટ ઊભા રહો. સાંભળો.’ ગોપાલે ઊંચું જોયું. બોલતાં બોલી નાખ્યું, ઊભા રહો, સાંભળો; પણ શું કહેવાનું હતું એની ખબર નહોતી. બાકી હતું, બધું બાકી હતું. એમ લાગતું હતું કે જાણે મુલાકાત જ હવે શરૂ થતી હતી. ‘આવજો કહેવાનું રહી ગયું હતું.’ ગોપાલને બે વાર ગળું ખંખેરવું પડ્યું, ‘એક મહત્ત્વનું કામ હજી બાકી છે. નીચે મારી એક ફ્રૅન્ડ છે. એને મળી, એની વિદાય લઈને જઈશ.’ ‘સાચવીને જજો.’