બાપુનાં પારણાં/તારાં પાતકને સંભાર!

Revision as of 05:05, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારાં પાતકને સંભાર!|}} <poem> (ઉપરના જ અવસરે) તારાં પાતકને સંભાર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
તારાં પાતકને સંભાર!

(ઉપરના જ અવસરે)

તારાં પાતકને સંભાર મોરી મા!
રે હિન્દ મોરી મા!
પોતાના પાપભારે પોતે તું ચેપાણી
એવી કાળજૂની જુલમકમાણી હો મા!
રે હિન્દ મોરી મા!

પરને પટકીને નીચાં ઊંચી તું કે'વાણી!
આખર અંગે અંગે આપેથી છેદાણી હો મા!
રે હિન્દ મોરી મા!

તારે મંદિરિયે આજ કોનાં ચાલે શાસન,
જો જો દેવ કે અસૂરનાં એ આસન હો મા! ૧૦
રે હિન્દ મોરી મા!

આભામંડળ લગ એનાં શિખર ખેંચાણાં,
એના પાયામાં તુજ છોરૂડાં ઓરાણાં હો મા!
રે હિન્દ મોરી મા!

પાયા હેઠળથી આજે હાહાકાર જાગે, ૧૫
ભૂખી ધરતી નવલા ભોગ ભારી માગે હો મા!
રે હિન્દ મોરી મા!

તારો ધૂરીધર આજે સમાધ ગળાવે,
તારા ઈશ્વરને આહુતિ એવી ભાવે જો મા!
રે હિન્દ મોમારી મા! ૨૦
તારા દેવળના ઘોર ઘુમ્મટ ઊંચા તૂટે,
જેને છુદ્યાં'તાં તે જાગી તુજને લૂંટે હો મા!
રે હિન્દ મોરી મા!

સાંભળ સાંભળ હો બહેરી! ભાવિના ભણકાર;
તારા ભોગળ-ભીડ્યા ભાંગે ઠાકરદ્વારા હો મા! ૨૫
રે હિન્દ મોરી મા!

એની ચિરાડે જોતો અવધૂ એક ઝૂરે,
અંદર પોતાનાં શોણિત ને હાડ પૂરે હો મા!
રે હિન્દ મોરી મા!

એ રે પૂરણહારાને પૃથ્વી કેમ ખોશે, ૩૦
ભૂંડી! એ મરશે તો જીવન કોનાં રે'શે હો મા!
રે હિન્દ મોરી મા!

તારાં પાતકને સંભાર મોરી મા!
રે હિન્દ મોરી મા! ૩૪